ભગતસિંહ કોઈ ‘ક્રાંતિકારી મહિલા’ના પ્રેમમાં હતા? કોણ હતાં એ મહિલા?

- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી સંવાદદાતા
“જ્યાં સુધી પ્રેમના નૈતિક સ્તરનો સંબંધ છે, હું કહી શકું કે તે આવેગ સિવાય કશું નથી, પરંતુ તે પાશવી વૃત્તિ નથી, એક અત્યંત મધુર માનવીય ભાવના છે. પ્રેમ ક્યારેય પાશવી વૃત્તિ ન હોય શકે. પ્રેમ મનુષ્યના ચરિત્રને ઉપર ઉઠાવે છે. સાચો પ્રેમ ક્યારેય ઘડાતો નથી. તે પોતાના માર્ગથી આવે છે, પણ કોઈ ન કહી શકે કે ક્યારે?”
“હું કહી શકું કે એક યુવક અને યુવતી પરસ્પર પ્રેમ કરી શકે છે. તેઓ પોતાના પ્રેમના સહારે પોતાના આવેગોથી ઉપર ઉઠી શકે છે અને પોતાની પવિત્રતા જાળવી શકે છે.”
પ્રેમ વિશેનો આ ફકરો ભગતસિંહે સુખદેવને લખેલા પત્રમાં છે. આ પત્ર ભગતસિંહે સુખદેવને સંસદમાં બૉમ્બ ફેકવા પહેલા લખ્યો હતો. આ પત્ર દિલ્હીના સીતારામ બજારના ઘરમાંથી લખવામાં આવ્યો હતો. ભગતસિંહના ક્રાંતિકારી સાથી શિવ વર્માએ આ પત્ર સુખદેવ સુધી પહોંચાડ્યો હતો.
જ્યારે સુખદેવની ધરપકડ થઈ ત્યારે આ પત્ર તેમની પાસેથી મળી આવ્યો હતો અને તે લાહોર ષડ્યંત્ર કેસના પુરાવા તરીકે કોર્ટમાં રજૂ થયો હતો.
‘મેં ભગતસિંહ બોલ રહા હું’ નામના પુસ્તકમાં લેખક અને વરિષ્ઠ પત્રકાર રાજશેખર વ્યાસ લખે છે, “એક સુંદર મહિલા ભગતસિંહને કારણે ક્રાંતિકારી દળની નજીક આવી ગઈ. જ્યારે સંસદ પર બૉમ્બ ફેંકવા માટેની યોજનાની અને તેને માટેના કાર્યકરોની પસંદગીની બેઠક ચાલી રહી હતી, ત્યારે બેઠકમાં ભગતસિંહની ક્રાંતિકારીઓને જરૂરત હોવાની અગત્યતાને આગળ ધરીને તેમને બૉમ્બ ફેંકવાની જવાબદારી સોંપવાની ના પાડી દેવામાં આવી. ભગતસિંહના અંતરંગ મિત્ર સુખદેવે ભગતસિંહને ટોણો માર્યો કે 'તું મરવાથી ગભરાય છે અને તે મહિલા સાથેના પ્રેમને કારણે.'”
“ભગતસિંહનું દિલ સુખદેવના આરોપોથી દ્રવી ઉઠ્યું. તેમણે ફરીથી ક્રાંતિકારીઓની બેઠક બોલાવી અને સંસદમાં બૉમ્બ ફેંકવાની જવાબદારી તેમણે લીધી.”

સુખદેવના આરોપોનો ભગતસિંહ કેવી રીતે જવાબ આપ્યો?

ઇમેજ સ્રોત, OTHERS
ભગતસિંહ પર સંશોધન કરનારા સંશોધકોના જણાવ્યા પ્રમાણે સુખદેવે જે પ્રકારના આરોપો લગાવ્યા તેને કારણે ભગતસિંહ સુખદેવથી નારાજ થઈ ગયા હતા. તેઓ ગુસ્સે પણ થયા હતા અને ઘણા દિવસો સુધી તેમની સાથે વાત નહોતી કરી.
ત્યારબાદ તેમણે સુખદેવને સંબોધિત કરતો એક પત્ર લખ્યો હતો. આ પત્ર બાદમાં ‘પ્રેમ હમે ઊંચે ઉઠાતા હૈ’ના શિર્ષકથી વિખ્યાત બન્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સુખદેવને લખેલા આ પત્રમાં ભગતસિંહે લખ્યું, “મારા ખુલ્લા વ્યવહારને વાચાળુ હોવામાં ખપાવવામાં આવ્યો. મારી આત્મસ્વીકૃતિને કમજોરી સમજવામાં આવી.”
“ખુશીનાં આ વાતાવરણમાં હું એ જરૂર કહી શકું કે જે પ્રશ્ન પર આપણી ચર્ચા છે તેના પર હું મારો પક્ષ મૂક્યા વિના નથી રહી શકતો. હું આશાઓ અને આકાંક્ષાઓથી ભરપૂર છું. જીવનની આનંદમયી રંગીનીઓથી ઓતપ્રોત છુ. પણ આવશ્યક્તા પડે તો હું આ બધાનો ત્યાગ કરવા પણ તૈયાર છું. આ જ વાસ્તવમાં બલિદાન છે.”

આ પત્રમાં ભગતસિંહ વધુમાં લખે છે, “કોઈકના ચરિત્ર પર આરોપ મૂકતા પહેલાં વિચારવુ જોઈએ કે શું પ્રેમ કોઈ મનુષ્ય માટે સહાયક બન્યો છે. તો મારો ઉત્તર છે, 'હા', મેજિની(ઇટાલીના ક્રાંતિકાર અને સાહિત્યકાર જેમણે ઇટાલીને એકસૂત્રમાં બાંધવાની કોશિશ કરી હતી) હતો. તેં તેમને વાંચ્યાં હશે. પોતાની પહેલી વિદ્રોહી અસફળતા બાદ તેઓ ક્યાંક પાગલ થઈ ગયા હોત અથવા તેમણે આત્મહત્યા કરી લીધી હોત. પરંતુ તેમની પ્રેમિકાના એક પત્રએ તેમને વધુ મજબૂત બનાવ્યા.”
“મેં એક ઇન્સાનના પ્રેમને ફગાવી દીધો હતો. તે પણ આદર્શવાદી ઉંમર હતી ત્યારે. છતાં પ્રેમની ભાવના પ્રબળ હોવી જોઈએ, જે એક ઇન્સાનથી ઉપર ઉઠીને તે આખી દુનિયાને વહેંચી શકે.”
આ પત્ર વાંચીને ભગતસિંહના ચરિત્રની નાજુક ભાવનાઓ અનુભવી શકાય છે. તેઓ ક્રાંતિકારી હતા પરંતુ માનવીય ભાવનાથી મુક્ત નહોતા.
જોકે આ પત્રમાં તેમણે ક્યાંય ઉલ્લેખ નહોતો કર્યો કે તેઓ એ મહિલાને પ્રેમ કરતા હતા કે નહીં. પરંતુ તેમણે એ જરૂર કહ્યું કે ક્રાંતિકારી માટે પ્રેમ કરવો કોઈ અસંગત નથી.

જેમનાં વિશે ભગતસિંહને સુખદેવે ટોણો માર્યો હતો એ મહિલા કોણ હતાં?

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
દિવંગત પત્રકાર અને લેખક કુલદીપ નૈયર તેમના પુસ્તક ‘સરફરોશી કી તમન્ના- ભગતસિંહ કા જીવન ઔર મુકદ્દમા’માં લખે છે, “સુખદેવે ભગતસિંહના દિલ પર ઘા માર્યો. તેમણે કહ્યું હતું કે 'હવે તું ઇંકલાબ માટે કામનો નથી, કારણ કે તુ એક મહિલાની ઝૂલ્ફોમાં કેદ થઈ ગયો છે.'”
તેઓ લખે છે, “સુખદેવનો ઇશારો દુર્ગાદેવી તરફ હતો. જેમણે સાંડર્સની હત્યા બાદ ભગતસિંહને ભગાડવા લાહોરથી કલકત્તા સુધીની યાત્રા કરી હતી.”
“એ વાત સાચી હતી કે દુર્ગાદેવી પરિણીત હતાં. તેમનો એક પુત્ર પણ હતો. પરંતુ પાર્ટી માટે બંને સાથે મળીને કામ કરતાં હતાં. પાર્ટીમાં સારી-નરસી ક્ષણોને એકસાથે વહેંચી હતી. તો શું બંને વચ્ચે આનાથી આગળના સબંધો બંધાયા હતા? ભગતસિંહે ક્યારેય આનો ખુલાસો નથી કર્યો.”
કુલદીપ નૈયર આગળ લખે છે, “સુખદેવ જેના તરફ ઇશારો કરી રહ્યા હતા તે વાત અન્ય કોઈ ક્રાંતિકારીઓએ કહી નહોતી. ચંદ્રશેખર આઝાદે પણ નહીં, જેઓ તેમના પિતા સમાન હતા. કદાચ આઝાદને પણ એવું લાગ્યું હશે કે પ્રેમ એ કોઈ ઘટીયા સંબંધ નહોતો, જેની આલોચના કરી શકાય કે મજાક ઉડાવી શકાય.”
“આઝાદ સમજી શકતા હતા કે સુખદેવના આરોપો બાદ તેમના પર શું ગુજરતી હતી.”
કુલદીપ નાયર દુર્ગાદેવીને મળ્યા હતા. પરંતુ તેમણે આ અંગે તેમની સાથે કોઈ વાતચીત કરી હોય કે પછી કોઈ ખુલાસો થયો હોય તેવી જાણકારી પુસ્તકમાં નથી.
તેમણે માત્ર દુર્ગાદેવી ભગતસિંહ સાથે પોલીસની નજરથી બચવા લાહોરથી કલકત્તાની ટ્રેનની રોમાંચક સફર કરી હતી તેના વિશેની જાણકારી જ આપી હોવાનો જ ઉલ્લેખ કર્યો હતો.

'ભગતસિંહના પ્રેમસબંધો વિશે કોઈ પ્રમાણ નથી'

ઇમેજ સ્રોત, HARPER COLLINS
ભગતસિંહના ભત્રીજી વીરેન્દ્ર સિન્ધુએ તેમના પુસ્તક 'યુગદૃષ્ટા ભગતસિંહ ઔર ઉનકે મૃત્યુંજય પુરખે'માં આ વિશે કોઈ પ્રકાશ પાડ્યો નથી.
વીરેન્દ્ર સિન્ધુએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે સંસદમાં બૉમ્બ ફેંકવા જનારા ક્રાંતિકારીની ટીમમાં ભગતસિંહનું નામ ન હોવાને લઈને ભગતસિંહ અને સુખદેવ વચ્ચે બોલાચાલી થઈ હતી અને સુખદેવે તેમને ‘કાયર’ પણ કહ્યા હતા, પણ તેમણે એવો ઉલ્લેખ નથી કર્યો કે સુખદેવે ભગતસિંહ પર એવો આરોપ લગાવ્યો હોય કે તેઓ એક મહિલાના પ્રેમમાં છે તેને કારણે મરવાથી ડરે છે.
જોકે તેમણે ભગતસિંહે સુખદેવને જે પત્ર લખ્યો હતો તેનો ઉલ્લેખ તેમાં કરવામાં આવ્યો છે.
ભગતસિંહ પર સંશોધન કરનારા અને તેમના પર પુસ્તક લખનારા જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર ચમન લાલ બીબીસી ગુજરાતી સાથે આ મામલે વાતચીત કરતા કહે છે, આનું (પ્રેમસંબંધનું) કોઈ પ્રમાણ નથી. કોઈ અધિકારીક જાણકારી નથી. જેઓ જીવીત હતા તેઓ આ મામલે પ્રકાશ પાડી શક્યા હોત.
ચમનલાલ કહે છે, “એ વાત સાચી છે કે કેટલાંક પુસ્તકોમાં ઉલ્લેખ છે કે સુખદેવે ભગતસિંહ વચ્ચે આ મામલે ઝગડો થયો હતો. સુખદેવ રફ-ટફ વ્યક્તિ હતા. તેઓ તીખા શબ્દોનો ઉપયોગ કરતા હતા. તેને કારણે તે બોલ્યા હોય. પણ તેનો આઉટ ઑફ કૉન્ટેક્સ્ટ એવો અર્થ કાઢવો કે ભગતસિંહને દુર્ગાદેવી વચ્ચે પ્રેમસંબંધો હતા તે ઉચિત નથી.”
તેઓ ઉમેરે છે, “ઘણી ક્રાંતિકારી મહિલાઓ ભગતસિંહથી પ્રભાવિત હતાં. ભગતસિંહ પ્રભાવશાળી વકૃત્વશક્તિ, તર્કશક્તિ, બુદ્ધિ તથા સંયમથી કામ લેનારા, મહિલાઓ સાથે સૌજન્યપૂર્વક વ્યવહાર કરનારા અને શાલીન વ્યક્તિ હતા. જેને કારણે મહિલા ક્રાંતિકારીઓ ભગતસિંહ સાથે વાતચીત કરવામાં અને કામ કરવામાં પોતાને વધુ અનુકૂળ સમજતાં હતાં. તેનો અર્થ એવો નથી કે તમામ મહિલાઓને ભગતસિંહ સાથે કોઈ વિશેષ સબંધ હતો. સુખદેવને પણ કદાચ એવું જ લાગ્યું હશે અને તેણે ભગતસિંહ પર આવો આરોપ લગાવ્યો.”
ચમન લાલ પ્રશ્નો પુછતા કહે છે, “ભગતસિંહે અન્ય ક્રાંતિકારીઓ બટુકેશ્વર દત્ત અને જયદેવ કપૂરની બહેનોને પણ પત્રો લખ્યા હતા તો શું તેનો અર્થ એ થોડો થાય છે કે જેમની સાથે પત્રવ્યવહારો થયા હોય તેમની સાથે કોઈ પ્રેમસંબંધો હોય?”
ચમનલાલ આરોપ લગાવતા કહે છે કે ઘણાં પુસ્તકમાં આ વાતનો ઉલ્લેખ પોતાની કહાણીને રોચક બનાવવા આ પ્રકારની સનસનીખેજ માહિતી આપી છે જે આપત્તિજનક છે.

દુર્ગાદેવીએ ભગતસિંહનાં પત્ની બની તેમને ભગાડવામાં મદદ કરી

ઇમેજ સ્રોત, NATIONAL BOOK TRUST
30 ઑક્ટોબર, 1928ના રોજ સાઇમન કમિશન લાહોર પહોંચી રહ્યું હતું. ભગતસિંહે લાલા લાજપતરાયને કમિશન સામે વિરોધ પ્રદર્શન કરવા સાથ આપવાનો નિર્ણય લીધો હતો. પ્રદર્શનકર્તાઓ પર પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ જે. એ. સ્કોટે લાઠીચાર્જનો હુકમ આપ્યો. લાલાજી પર બેરહેમીથી લાઠી વરસાવવામાં આવી. ઘાયલ થયેલા લાલાજીનું 17 નવેમ્બર, 1928ના રોજ નિધન થઈ ગયું.
10 ડિસેમ્બર, 1928ની રાતે ક્રાંતિકારીઓની બેઠક મળી. બેઠકની અધ્યક્ષતા દુર્ગાદેવીએ કરી હતી.
લાલાજીના મોતનો બદલો લેવાનું નક્કી થયું. દુર્ગાદેવીએ પૂછ્યું, સ્કોટને મારવા માટે કોણ જવાબદારી લેશે, પહેલા તેમણે હાથ ઉપર કર્યો, પણ ક્રાંતિકારીઓએ ચાર લોકોને જવાબદારી સોંપી- ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, રાજગુરુ અને જયગોપાલ.
17 ડિસેમ્બર, 1928ના રોજ સ્કોટને મારવાનો પ્લાન બન્યો, પણ જયગોપાલની ભૂલને કારણે સ્કોટને બદલે આસિસ્ટન્ટ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ જે. પી. સાંડર્સ માર્યા ગયા. ક્રાંતિકારીઓ ભાગી નીકળ્યા, તેમનો પીછો કરતા એક હિન્દુસ્તાની હેડ કૉન્સ્ટેબલ પણ ગોળીબારમાં મૃત્યુ પામ્યા.

ઇમેજ સ્રોત, OTHERS
કુલદીપ નૈયર લખે છે, "લપાતા-છુપાતા ભગતસિંહ દુર્ગાદેવીને ત્યાં પહોંચ્યા હતા. તેઓ ક્રાંતિકારીઓના સહયોગી ભગવતીચરણ વૉરાનાં પત્ની હતાં. સુખદેવે યોજના બનાવી કે દુર્ગાદેવી પત્ની બનીને ભગતસિંહને ભગાડવામાં મદદ કરે."
"દુર્ગાદેવીના પતિ એક કેસમાં પહેલાંથી જ પોલીસથી ભાગતા હતા અને તેઓ કૉંગ્રેસના અધિવેશનમાં ભાગ લેવા કલકત્તા ગયા હતા. દુર્ગાદેવી ‘સુજાતા’ બન્યાં અને ભગતસિંહ ‘રંજીત’. દુર્ગાદેવીના ત્રણ વર્ષના પુત્ર શચિ પણ તેમની સાથે હતા. રાજગુરુ તેમનો નોકર બન્યા. ‘પતિ’એ યુરોપિયન વેશ ધારણ કર્યો હતો અને ‘પત્ની’એ કિંમતી સાડી અને ઊંચી એડીનાં સૅન્ડલ પહેર્યાં હતાં."
"બંને ટ્રેનમાં બેઠાં પણ દુર્ગાદેવીની સલાહ હતી કે તેઓ કાનપુર ઊતરી જાય. બંને કાનપુર ઊતરીને એક હોટલમાં રોકાયાં."
"દુર્ગાદેવીએ તેમના પતિને તાર (ટેલિગ્રાફ) દ્વારા સંદેશો પહોંચાડ્યો કે ‘તેઓ તેમના ભાઈ સાથે કલકત્તા આવી રહ્યાં છે’. દુર્ગાદેવીના પતિ ભગવતિચરણ તેમને તાર મળ્યા બાદ અચંબામાં પડી ગયા, કારણકે દુર્ગાદેવીને કોઈ ભાઈ નહોતો."
કુલદીપ નૈયર લખે છે કે ‘દુર્ગાદેવી સાથેના સંગાથના બે દિવસોમાં ભગતસિંહે કંઈક અલગ જ અનુભવ કર્યો. દુર્ગાદેવી સારાં શ્રોતા હતાં. ભગતસિંહે તેમના જીવન વિશે, તેમની માન્યતા વિશે બધું ખુલીને દુર્ગાદેવીને કહી દીધું.’
નૈયરે લખ્યું છે, “એવું લાગતું હતું કે તેઓ પોતાના વિચારો, લાગણીઓ અને ડર દુર્ગાદેવી સાથે વહેંચવા માગતા હોય. દુર્ગાદેવી પણ ભગતસિંહના વ્યક્તિત્વનું અલગ રૂપ જાણીને દંગ રહી ગયાં હતાં. પહેલાં તેઓ ભગતસિંહને એક ક્રાંતિકારીના રૂપમાં જાણતા હતા, જેઓ માત્ર દિમાગથી વિચારે છે પરંતુ દિલથી નહીં.”
તેઓ લખે છે, “ભગતસિંહ પહેલાં દુર્ગાદેવીને તેમના ક્રાંતિકારી સાથીની પત્ની તરીકે જાણતા હતા. બાદમાં ક્રાંતિકારીઓની બેઠકની અધ્યક્ષાના રૂપમાં કે જેમણે લાલા લાજપતરાયના મોતનો બદલો લેવા સ્કોટની હત્યા કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. ત્યારબાદ તેમનું એક અલગ સ્વરૂપ જોવા મળ્યું કે જેમાં તેમણે એક રક્ષક તરીકે અંગ્રેજોના કાયદાના પંજામાંથી ભગતસિંહને બચાવ્યા હતા. પરંતુ હવે આ અનોખો સબંધ, એક નિકટતા અને એક અંતરંગતામાં બદલાઈ ગયો હતો. આ એટલું રોમાંચક હતું, તેટલું જ ભયભીત કરનારૂં હતું. આ એક નવો અનુભવ હતો જે પહેલાં ક્યારેય નહોતો થયો.”

આ સંબંધો વિશે સુખદેવ પર ‘અસત્ય પ્રચાર’ કરવાનો આરોપ

એ સત્ય છે કે સંસદમાં બૉમ્બ ફેંકવા કોણ જશે તે મામલે ભગતસિંહ અને સુખદેવ વચ્ચે ગરમાગરમી થઈ હતી પરંતુ એ વિશે ક્રાંતિકારીઓ અને તેમના વિશે પુસ્તકો લખનારા લેખકોમાં મતભેદ છે કે સુખદેવે ભગતસિંહને પ્રેમમાં આસક્ત હોવાને કારણે ક્રાંતિકારીઓના પથ પરથી વિચલિત થઈ ગયા છે અને તેઓ કશા કામના નથી તેવો ટોણો માર્યો હતો કે નહીં.
'સરદાર ભગતસિંહ- વ્યક્તિ અને વિચાર' નામના પુસ્તકમાં લેખક વિશ્વ પ્રકાશ ગુપ્ત અને લેખિકા મોહિની ગુપ્ત લખે છે કે ભગતસિંહ અને દુર્ગાદેવી વચ્ચે રોમાંસ તો ન વિકસી શક્યો, પરંતુ બંને વચ્ચે અંતરંગ સંબંધો જરૂર પ્રસ્તાપિત થયા હતા.
કેટલાક લેખકો ‘એક મહિલા’ એવો ઉલ્લેખ કરીને દુર્ગાદેવી તરફ ઇશારો કરે છે. પણ કેટલાક લેખકો એ કબૂલે છે કે સંસદ પર બૉમ્બ ફેંકવાની ટીમમાં ભગતસિંહ સામેલ ન હોવાને કારણે સુખદેવ તેમના પર ગુસ્સે જરૂર થયા હતા અને તેઓ હવે કશા કામના નથી તેવો ટોણો જરૂર માર્યો હતો, પરંતુ કોઈ મહિલાનો તેમાં ઉલ્લેખ થયો હોય તેવું તેમણે નોંધ્યું નથી.
ભગતસિંહની ક્રાંતિકારીઓની ટીમના એક સભ્ય શિવ વર્મા તેમના પુસ્તક ‘સંસ્મૃતિયાં’ના પેજ નંબર 106 અને 107માં લખે છે તે પ્રમાણે આ મામલે ભગતસિંહ અને સુખદેવ વચ્ચે બોલાચાલી થઈ હતી પરંતુ તેમાં ક્યાંય કોઈ મહિલાનો ઉલ્લેખ નથી.
આ બાબતનો ઉલ્લેખ કરતા સુખદેવના નાના ભાઈ મથરાદાસ થાપર તેમના પુસ્તક ‘મેરે ભાઈ શહીદ સુખદેવ’માં લખે છે, “સુખદેવે તેમનો તર્ક પ્રસ્તુત કરતા કહ્યું હતું કે ભગતસિંહ સિવાય અન્ય કોઈ ક્રાંતિકારી તેમનો ઉદ્દેશ્ય પૂર્ણ કરી શકે તેમ નહોતો.”
“તેમણે ભગતસિંહ સામે કઠોર વાણીનો પ્રયોગ કરીને કહ્યું હતું કે 'તું કાયર છે, મોતથી ડરે છે.' જેને કારણે ભગતસિંહને ખોટું લાગ્યું હતું અને પોતે સંસદમાં બૉમ્બ ફેંકવા જવા માટે તેમના દળની કેન્દ્રિય સમિતિને મનાવ્યા હતા.”
તેઓ ભગતસિંહના વધુ એક સાથી ક્રાંતિકારી સુખદેવરાજના પુસ્તક ‘જબ જ્યોત જગી’ને ટાંકીને કહે છે, “ભગતસિંહે ફાંસી પહેલા દુર્ગાભાભીને લખેલા પત્રમાં લખવામાં આવ્યું છે કે 'મારા મર્યા બાદ તમે રડતાં નહીં, આ લખતી વેળા મારી કલમ રોકાઈ જાય છે. જ્યારે મેં તમને જોયા ત્યારે તમારાં દર્શનથી મારા હ્રદયનો ભાર હળવો થયો. જે સમાજમાં આપણે રહીએ છીએ તે મારાં અને તમારાં સબંધોને નહીં સમજી શકે, કારણકે તમે મારા મિત્રના પત્ની પણ છો.”
જોકે, મથરાદાસ લખે છે કે આ પત્રની ભાષા અને શૈલી ભ્રામક અને બનાવટી પ્રતીત થાય છે.
લેખક યશપાલ તેમની પુસ્તક 'સિંહાવલોકન'માં પેજ નંબર 180 પર લખે છે, ‘સુખદેવે ભગતસિંહને કહ્યું હતું કે તે એક મહિલાના સ્નેહની આડમાં દળ પ્રત્યેની જવાબદારી ભૂલી ગયા છે.’ જોકે તેમાં પણ કોઈ મહિલાના નામનો ઉલ્લેખ નથી.
મથરાદાસ લખે છે, “યશપાલ અને સુખદેવરાજ જેવા લેખકોએ સુખદેવ માટે અસત્યનો પ્રચાર કર્યો, સાથેસાથે ભગતસિંહ અને દુર્ગાદેવીના વચ્ચેના પવિત્ર સબંધો પર પણ પ્રશ્નચિન્હ લગાવ્યું.”
તેમણે સુખદેવરાજ પર આરોપ લગાવતા લખ્યું, “તેમણે તેમના પુસ્તક 'જબ જ્યોત જલી'માં સુખદેવને દુર્ગાભાભી માટે અસંયમી કે મનમાન્યા પ્રચાર કરનારા કહ્યા છે.”
સુખદેવ રાજ પણ ક્રાંતિકારીદળના સભ્ય હતા અને ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદના સાથી હતા.
મથરાદાસે લખ્યું, “સુખદેવરાજ અને યશપાલ સંસદ પર બૉમ્બ ફેંકવા સબંધિત પ્રસંગમાં ક્યાંય નાની ભૂમિકામાં પણ નહોતા, તો પછી તેમને કઈ રીતે ખબર પડી કે સુખદેવ દુર્ગાભાભી અને ભગતસિંહ પર કીચડ ઉછાળવાનું કામ કરતા હતા?”
આ જ પ્રકારે સુખદેવરાજના પુસ્તક 'જબ જ્યોત જગી'ને ટાંકીને મથરાદાસ લખે છે, “ભગતસિંહને સુખદેવનો એક પત્ર મળ્યો. આ પત્ર લખવાનો સુખદેવનો આશય ભગતસિંહને એ સંદેશો આપવાનો હતો કે એક મહિલાના ચક્કરમાં પડીને ફસાવાને કારણે ક્રાંતિના પથ પરથી તેઓ ભટકી રહ્યા છે. દેશ માટે કંઈ કરી છૂટવું એ હવે તેમના હાથની વાત નથી.”
મથરાદાસ તેના પર ટિપ્પણી કરતા લખે છે, “સુખદેવે આ પ્રકારનો કોઈ પત્ર લખ્યો હોય તેવું કોઈ પ્રમાણ નથી.”
મથરાદાસ લખે છે, "આ મામલે મારી વાતચીત શિવ વર્મા સાથે થઈ હતી. તેમનું કહેવું હતું કે દુર્ગાભાભી ભગતસિંહ અને સુખદેવ એમ બંને પ્રતિ એક સરખો વ્યવહાર કરતાં હતાં."
તેઓ લખે છે કે, “પ. કિશોરીલાલે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે, ભગવતીચરણ વૉરા વિદ્વાન હતા અને ભાભી તેમનાં પત્ની હતા. તેઓ કોઈ રાજનીતિક મહિલા નહોતા. શિવ વર્માએ તો સ્પષ્ટરૂપે કહ્યું હતું કે સુખદેવરાજ દ્વારા લખવાને કોઈ પ્રમાણ માનવું ખરેખર ખોટું છે. કારણકે દુર્ગાદેવી સબંધે સુખદેવરાજને કોઈ જાણકારી નહોતી.”
મથરાદાસ સુખદેવરાજે લખેલા એક પ્રસંગને ટાંકતા લખે છે, “ભગતસિંહ સુખદેવનો આ પત્ર લઈને દુર્ગાભાભીના ઘરે ગયા. આ પત્ર તેમના હાથમાં આપ્યો અને રડવા લાગ્યા. તેઓ તેમના પતિ ભગવતીચરણ સાથે વાત કરવા માગતા હતા, પરંતુ તેઓ સૂતા હતા અને તેથી ભગતસિંહ તેમની સાથે વાત કર્યા વગર જ જતા રહ્યાં.”
“ભગતસિંહે દુર્ગાભાભીને કહ્યું હતું, એક આ લોકો (સુખદેવ સહિતના) છે, જેઓ અકારણ દિવસ-રાત કીચડ ઉછાળવામાં વ્યસ્ત રહે છે. જ્યારે બીજી તરફ તેઓ (ભગવતીચરણ) દેવતા છે જે આ પ્રકારના સંબંધોની વાતચીત સાંભળીને પણ ક્યારેય ખિન્ન નથી થયા.”
આ પ્રસંગનો જવાબ આપતા મથરાદાસ લખે છે, “સુખદેવરાજની આ રોચક કહાણીનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ કરવો આવશ્યક છે. એ સ્વાભાવિક છે કે પરસ્પર પ્રેમાલાપને લોકો સમાજની નજરે છૂપાવે છે. વર્ષ 1929માં ભારત એટલું પ્રગતિશીલ નહોતું કે પ્રેમ-પ્રસંગની સામાન્યજનોમાં ચર્ચાનો વિષય બને. ખરેખર જો આ બંને વચ્ચે કોઈ એવું હોત તો ભગવતીચરણ દુર્ગાભાભીને લઈને સંસદ પર બૉમ્બ ફેંકતા પહેલાં ભગતસિંહને મળવા શું કામ ગયા હોત.”
મથરાદાસ પાંચજન્યના સંપાદક બચનેશ ત્રિપાઠીએ લીધેલી દુર્ગાભાભીની એક મુલાકાતને ટાંકીને કહે છે, “આ મુલાકાતમાં દુર્ગાભાભીએ સ્પષ્ટ કહ્યું હતું કે યશપાલ અને અન્ય લોકો કંગાળ છે, તેમની પાસે સાધનહીનતા છે. તેમને અન્ય ક્રાંતિકારીઓને હીન સિદ્ધ કરવાનો કોઈ અધિકાર નથી. આ પ્રકારે કીચડ ઉછાળવું અશોભનીય છે.”

‘ભાભી’ નામે ઓળખાતાં દુર્ગાદેવી ગુજરાતી પરિવારમાં જન્મ્યાં હતાં

ઇમેજ સ્રોત, NATIONAL BOOK TRUST
દુર્ગાભાભી તરીકે ઓળખાતાં દુર્ગાદેવી મૂળ ગુજરાતી પરિવારમાં 7 ઑક્ટોબર, 1907ના રોજ ઇલાહાબાદમાં જન્મ્યાં હતા. તેમના પિતાનું નામ બાંકા બિહારી ભટ્ટ હતું. તેમનાં માતાનું નામ યમુનાદેવી હતું. તેમના વડવાઓ પહેલાથી જ ગુજરાતથી આગ્રા આવી ગયાં હતાં અને અહીં સ્થાયી થયાં હતાં. બાંકા બિહારી જિલ્લા ન્યાયાધિશ તરીકેની ફરજ બજાવતા હતા. તેઓ વડનગરા નાગર બ્રાહ્મણ હતા.
દુર્ગાદેવીનાં લગ્ન લાહોરમાં રહેતા ગુજરાતી બ્રાહ્મણ ભગવતીચરણ વૉરા સાથે થયા. જ્યારે લગ્ન થયા ત્યારે તેમની ઉંમર માત્ર 11 વર્ષની હતી. ભગવતીચરણના વડવાઓ વીસનગરા બ્રાહ્મણ હતા અને તેઓ ગુજરાતથી આગ્રા અને ત્યારબાદ લાહોર શિફટ થયા હતા.
3 ડિસેમ્બર,1925ના રોજ તેમને ત્યાં પુત્ર જન્મ્યો. તેનું નામ શચિ રાખવામાં આવ્યું.
'ભાઈ એન્ડ ભાભી ઑફ શહિદ ભગતસિંહ - એ બાયોગ્રાફી ઓફ ભગવતીચરણ વોરા એન્ડ દુર્ગાભાભી'માં માલવિન્દરજીત સિંહ બરૈચ લખે છે, “દુર્ગાભાભીએ તેમને ભગતસિંહ માટે કહ્યું હતું કે તેઓ તેમના માટે એટલું જ કહી શકે કે તેઓ મારા સગા ભાઈ કે પુત્ર કરતાં વિશેષ પ્યારા હતા.”
દુર્ગાભાભીએ તેમને કહેલા કથનને માલવિન્દરજીત તેમના પુસ્તકમાં ટાંકતા લખે છે, “હું તેમને 1921થી જાણતી હતી જ્યારે તેઓ તેમની ગામમાં આવેલી ડેરીમાંથી દૂધ લાવતા હતા. એ કહેવું અતિશયોક્તિભર્યું નથી કે તેમણે તેમના કાર્યથી અમારા બધામાં અનોખું સ્થાન ઉભુ કર્યું છે. જ્યારે હું તેમને 8 એપ્રિલ, 1929ના રોજ છેલ્લે મળી ત્યારે તેમની આંખમાં કોઈ ભય નહોતો. તેમની ફાંસીને કારણે બ્રિટિશ સામ્રાજ્યના પાયા હાલી ગયા.”
“તેઓ હંમેશાં તેમના ક્રાંતિકારી પતિ ભગવતીચરણ વૉરાને સાથ આપતા હતાં.”
બીબીસી ગુજરાતીએ માલવિન્દરજીત સિંહ સાથે વાતચીત કરવાની કોશિશ કરી. તેમણે ભગતસિંહ પર પણ સંશોધન કરીને પુસ્તક લખ્યું છે. તેમની તબિયત ખરાબ હોવાને કારણે તેમણે તેમના સહયોગી મારફતે બીબીસી ગુજરાતી સાથે વાત કરી.
તેઓ કહે છે. “દુર્ગાદેવી ભગતસિંહને પોતાનાં નાના ભાઈ માનતા હતાં. આ પ્રકારની બેજવાબદાર કહાણીને ધ્યાને લેવાને બદલે આપણે તેમણે દેશની આઝાદી માટે આપેલા બલિદાનને વધાવીયે.”
ભગતસિંહે જેનું નામકરણ કર્યું હતું તે ક્રાંતિકારી દળ હિંદુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિકન ઍસોસિયેશનમાં સામેલ તમામ ક્રાંતિકારીઓ તેમને ‘ભાભી’ કહીને બોલાવતા.
તેમના ઘરના દરવાજા હંમેશાં ક્રાંતિકારીઓ માટે ખૂલ્લા રહેતા.
ચમનલાલ પણ બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં જણાવે છે, “ક્રાંતિકારીઓમાં નૈતિકતાનું સ્તર ઊંચું હોવું આવશ્યક હતું. કારણકે તેમને તેમની ક્રાંતિકારી પ્રવૃત્તિઓ દરમિયાન ગમે ત્યાં રહેવાનું થતું હતું. જો નૈતિકતા ન હોય તો તમને કોઈ શું કામ ઘરમાં રહેવા દે અને દુર્ગાદેવીના પતિ ભગવતિચરણ વૉરાનું ઘર તમામ ક્રાંતિકારીઓ માટે હંમેશાં ખુલ્લું રહેતું હતું.”
દુર્ગાદેવી ક્રાંતિકારીઓના સંદેશોને લાવવા લઈ જવાનું કામ પણ કરતાં હતાં.
'શહીદ ભગતસિંહ- ક્રાંતિ કા સાક્ષ્ય' પુસ્તકના સંપાદક સુધીર વિદ્યાર્થી દુર્ગાદેવીના સંસ્મરણોને વાગોળતા લખે છે કે તેઓ હથિયાર અને બૉમ્બ લાવવા લઈ જવાનું કામ પણ કરતાં હતાં. તેઓ બૉમ્બ લાવવા માટે એક વાર મુલતાન સુધી ગયાં હતાં અને જયપુર ખાતે પિસ્તોલ લેવા પણ ગયાં હતાં.
તેઓ પિસ્તોલ લાવવાનું જ નહીં, પરંતુ ચલાવવાનું કામ પણ જાણતાં હતાં.
તેમના પતિ ભગવતીચરણ વૉરાનું મોત બૉમ્બ પરીક્ષણ દરમિયાન થયું હતું. તેઓ જેલમાં બંધ ભગતસિંહ અને બટુકેશ્વર દત્તને છોડાવવા માગતાં હતાં.
ભગતસિંહની ફાંસીની સજા પર રોક લાગે તે માટે તેમણે ગાંધીજીની મુલાકાત પણ કરી હતી.
દુર્ગાભાભી પતિના મૃત્યુ બાદ ક્રાંતિકારીઓનાં કામમાં સંપૂર્ણ સક્રિય થઈ ગયાં હતાં.
ચંદ્રશેખર આઝાદના કહેવાથી તેઓ મુંબઈ ગયાં. તેમણે બૉમ્બે પોલીસ કમિશનર લોર્ડ હેલીને મારવાની યોજના બનાવી. પણ દુર્ગાભાભીએ જે ગોળી ચલાવી તેમાં સાર્જન્ટ ટેલર અને તેમનાં પત્ની ઇજાગ્રસ્ત થયાં.
પોલીસથી છુપાવા માટે તેઓ ક્યારેક બુરખો પહેરીને જતાં અને તેઓ એક વાર મુસ્લિમ મહિલા બનીને પણ રહ્યાં.
આઝાદના મૃત્યુ બાદ તેમણે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું. તેમને લગભગ 6 મહિના સુધી પૂછપરછના બહાને જેલમાં ખૂનખાર આરોપીઓ સાથે રાખવામાં આવ્યાં, પોલીસ પાસે તેમની સામે કોઈ પુરાવા નહોતા તેથી તેમને બાદમાં છોડી દેવાયાં, પરંતુ ત્રણ વર્ષ માટે તેઓ લાહોર છોડીને જઈ નહીં શકે તેવા પ્રતિબંધ મૂકવામાં આવ્યા.
ત્યારબાદ તેમણે દિલ્હીની કૉંગ્રેસ પાર્ટીમાં પણ કામ કર્યું, પરંતુ આખરે તેઓ શિક્ષણની પ્રવૃત્તિ સાથે જોડાયાં.
15 ઑક્ટોબર, 1999માં દિલ્હી નજીક ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં તેમનું નિધન થયું.














