રાવણનો કિલ્લો અને અશોક વન જેવાં રામાયણ સાથે સંકળાયેલાં સ્થળો શ્રીલંકામાં કયાં છે અને કેવી સ્થિતિમાં છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રંજન અરુણપ્રસાદ
- પદ, બીબીસી માટે
દશેરાના દિવસે ભારતમાં લગભગ બધે જ રાવણદહન કરવામાં આવે છે. રાવણનો સંબંધ ભારતના પાડોશી દેશ શ્રીલંકા સાથે હોવાનું માનવામાં આવે છે. જ્યાં આજે પણ કટેલાંક એવાં સ્થળો છે જેને રામાયણ સાથે સંબંધ હોવાનું માનવામાં આવે છે.
એશિયાનાં સૌથી વધુ લોકપ્રિય પર્યટનસ્થળો પૈકીનું એક શ્રીલંકા છે. ચારે બાજુ સમુદ્રથી ઘેરાયેલું શ્રીલંકા કુદરતી સૌંદર્યનો દેશ છે.
શ્રીલંકા એક એવો દેશ છે, જ્યાં તમામ પ્રકારની આબોહવા અનુભવી શકાય છે. તેમાં ગરમ પ્રદેશો, ઠંડા પ્રદેશો અને તટસ્થ આબોહવા ધરાવતા પ્રદેશોનો સમાવેશ થાય છે.
શ્રીલંકાનું પર્યાવરણ એવું છે કે એક આબોહવા ક્ષેત્રમાંથી બીજા આબોહવા ક્ષેત્રમાં માત્ર બે જ કલાકમાં મુસાફરી શક્ય છે.
સમુદ્ર, પર્વતો, નદીઓ, તળાવો, જંગલો અને ધોધ જેવા કુદરતી સૌંદર્યના આશીર્વાદ પામેલું શ્રીલંકા હાથી, ચિત્તા સહિતનાં વિવિધ દુર્લભ પ્રાણીઓનું ઘર પણ છે.
અહીં પ્રવાસીઓ માત્ર કુદરતી વાતાવરણ જ નહીં, પરંતુ ઐતિહાસિક મહત્ત્વનાં સ્થળો પણ નિહાળી શકે છે.
વિશ્વ પ્રવાસન દિન નિમિત્તે શ્રીલંકામાંના મુલાકાત લેવા યોગ્ય ટોચનાં સ્થળોની વિગત વાંચો.
સિગિરિયા

ઇમેજ સ્રોત, Getty Images
સિગિરિયા એ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે અને તે માટાલે જિલ્લામાં દમ્બુલા નજીક આવેલું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કહેવાય છે કે સિગિરિયાની રચના રાજા કશ્યપે કરી હતી. રાજા કશ્યપે પાંચમી સદીમાં શ્રીલંકા પર શાસન કર્યું હતું. સિગિરિયા સિંહ જેવા આકારના વિશાળ ખડક પર સ્થિત છે.
આ કિલ્લો પરંપરાગત ચિત્રોથી શણગારેલો છે. ખાસ કરીને મીણનો ઉપયોગ કરીને બનાવેલાં સુંદર ચિત્રો અહીં જોવા મળે છે. વિવિધ મહિલાઓનાં ચિત્રો અહીં દરેકનું ધ્યાન આકર્ષિત કરે છે.
1144 ફૂટ ઊંચી ટેકરી પર જોવા મળતાં આ ચિત્રો તેની મહત્તા દર્શાવે છે. શ્રીલંકાનાં પ્રતીકોમાં સિગિરિયા ખૂબ જ મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. કેટલાક લોકો હજુ પણ માને છે કે સિગિરિયા રાવણનો કિલ્લો છે.
રામાયણની કથા કહેતાં પર્યટનસ્થળો

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મહાકાવ્ય રામાયણને પ્રતિબિંબિત કરતાં ઘણાં સ્થળો શ્રીલંકામાં આવેલાં છે.
રામ અને રાવણનાં નામો દર્શાવતાં ચિહ્નો દેશનાં મોટાભાગનાં સ્થળોએ મળી શકે છે. તેમાં ઉત્તરીય પ્રાંત, પૂર્વીય પ્રાંત અને પહાડી પ્રદેશનો સમાવેશ થાય છે. ત્યાં શ્રીલંકાની તમિલ વસ્તી કેન્દ્રિત છે.
રામાયણ અનુસાર, નુવારા એલિયાને અશોક વનનું સ્થળ માનવામાં આવે છે, જ્યાં સીતાજીનું અપહરણ કર્યા બાદ રાવણે તેમને કેદમાં રાખ્યાં હતાં.
આ સ્થળ નુવારા એલિયા શહેરથી બદુલ્લા જતા રસ્તા પર આવેલું છે. આ વિસ્તાર નુવારા એલિયા શહેરથી પાંચેક કિલોમીટર દૂર આવેલો છે.
રામાયણ અનુસાર, સીતાજીને છુપાવી રાખવામાં આવ્યાં હતાં તે સ્થળની મુલાકાત હનુમાનજીએ લીધી હતી. તેમણે સીતાજીને પહેલીવાર અહીં જ જોયાં હોવાનું કહેવાય છે.
વિશ્વમાં આ એકમાત્ર સ્થળ છે, જ્યાં સીતાજી માટે મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. એ મંદિરની આસપાસ અશોકનાં વૃક્ષો જોઈ શકાય છે. સીતાજી જેની નીચે બેઠાં હતાં તે અશોક વૃક્ષની આજે પણ પૂજા કરવામાં આવે છે.
સીતા મંદિર પાસેના એક ખડક પર એક પગનું નિશાન મળી આવ્યું છે. તે હનુમાનજીના પગનું નિશાન હોવાનું કેટલાક લોકો માને છે, જ્યારે કેટલાક લોકો તેને રાવણના પગનું નિશાન માને છે.

ઇમેજ સ્રોત, Getty Images
રાવણ બૉર્ડર ધોધ શ્રીલંકાના ઉવા પ્રાંતમાં આવેલો છે. રાવણ બૉર્ડર વેલ્લાવાયા મેઇન રોડ-બૉર્ડરની વચ્ચે આવેલો છે અને તે મુખ્ય માર્ગ પરથી પણ જોઈ શકાય છે.
આ ધોધ રામાયણ સાથે સીધો સંકળાયેલો છે. સીતાજીનું અપહરણ કર્યા પછી રાવણે તેમને આ ધોધની પાછળની એક ગુફામાં છુપાવી દીધાં હતાં, એવું કહેવાય છે. શ્રીલંકાનાં પર્યટનસ્થળોમાં આ ધોધ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.

ઇમેજ સ્રોત, Getty Images
રાવણનો જમીનની નીચે આવેલો કિલ્લો પણ અહીં હોવાનું કહેવાય છે.
એવી જ રીતે ત્રિકોમાલી જિલ્લાના ત્રિકોમાલી શહેરમાં સ્થિત તિરુકોનેશ્વરમ મંદિર પણ રામાયણ સાથે સીધું સંકળાયેલું છે. આ સ્થળ ત્રણેય બાજુએ સમુદ્રથી ઘેરાયેલું છે અને મધ્યમાં એક વિશાળ પર્વત છે. તિરુકોનેશ્વરમ મંદિર આ પર્વત ઉપર આવેલું છે.
શ્રીલંકા પર શાસન કરનાર રાવણને આ મંદિર સાથે સીધો સંબંધ હોવાનું કહેવાય છે. સીતાજીના અપહરણ માટે જેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે પુષ્પક વિમાને શ્રીલંકામાં જે સ્થળોએ ઉતરાણ કર્યું હતું તેને પણ મહત્ત્વપૂર્ણ પર્યટનસ્થળોમાંથી એક માનવામાં આવે છે.
એ સ્થળો ખાસ કરીને પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે અને દક્ષિણમાં પણ જોવા મળે છે.
શ્રીલંકા ટુરિઝમ ઑથોરિટીની માહિતી સૂચવે છે કે શ્રીલંકાના શક્તિશાળી શાસક ગણાતા રાવણની કથા કહેતા 50થી વધુ સ્થળોને સાચવવામાં આવ્યાં છે.
ચોલ વંશનાં ઐતિહાસિક પ્રતીકો

ઇમેજ સ્રોત, Getty Images
શ્રીલંકામાં ચૌલાઓના સતત શાસનને દર્શાવતાં ઐતિહાસિક સ્મારકો આજે પણ દેશનાં સૌથી મહત્ત્વપૂર્ણ પ્રવાસન આકર્ષણો પૈકીનાં એક બની રહ્યાં છે. ચૌલા શાસકોની નિશાનીઓ ખાસ કરીને અનુરાધાપુરા અને પોલોન્નારુવા વિસ્તારોમાં જોઈ શકાય છે.
ખાસ કરીને ચૌલાઓ દ્વારા નિર્મિત શિવ મંદિરો ખૂબ જ મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. એવી જ રીતે શ્રીલંકામાં બૌદ્ધ મંદિરો અને ઇમારતો પણ સીમાચિહ્નો તરીકે સારી રીતે સચવાયેલી છે.
શ્રીલંકાની મુલાકાત લેતા પ્રવાસીઓ ચૌલા શાસન વિશે જાણવા માટે પોલોન્નારુવા અને અનુરાધાપુરની મુલાકાત લે છે.
ઇતિહાસ કહે છે કે ચૌલાઓએ શ્રીલંકા પર આક્રમણ કર્યું હતું અને અનુરાધાપુરા કબજે કર્યું હતું. તેમના શાસન દરમિયાન પોલોન્નારુવાને રાજધાની બનાવ્યું હતું. આવા ઐતિહાસિક પુરાવા પુરાતત્ત્વ વિભાગે સાચવી રાખ્યા છે અને તેને પ્રવાસન આકર્ષણ જાહેર કર્યા છે.
આ ઉપરાંત પ્રવાસન ઉદ્યોગમાં પશુ અભયારણ્યો ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અભયારણ્યોમાં સફારી વાહનો વડે પ્રવેશી શકાય છે. અહીં પ્રવાસીઓ હાથીઓને ખૂબ નજીકથી નિહાળી શકે છે. હાથીઓ ઉપરાંત શ્રીલંકામાં દુર્લભ પ્રજાતિના ચિત્તાને પણ નિહાળી શકાય છે.
શ્રીલંકાના ઉત્તરીય, પૂર્વીય અને પર્વતીય પ્રદેશોમાં તમિલોની ઓળખ દર્શાવતા અનેક પ્રવાસન આકર્ષણો જોવા મળે છે. તમિલ વિસ્તારોની બહાર પણ તમિલો હોવાના કેટલાક વિશેષ ઐતિહાસિક પુરાવાઓ પણ છે.
આતંકવાદી હુમલાઓ અને કોરોનાવાયરસ જેવી અણધારી ઘટનાઓને કારણે શ્રીલંકાનો પ્રવાસન ઉદ્યોગ ભાંગી પડ્યો હતો. તે આગામી થોડા મહિનાઓમાં ફરી ધમધમતો થવાની અપેક્ષા છે.
આર્થિક મંદીમાં પાછળ પડી ગયેલું શ્રીલંકા જેની જૂની આર્થિક સ્થિતિ તરફ આગળ વધ્યું છે તો તેમાં પ્રવાસન ક્ષેત્રે મોટો ફાળો આપ્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












