આરબ રાજાને જ્યારે ભત્રીજાએ જ ગોળીઓ મારી અને બદલામાં હત્યારાનું ગળું કાપી નખાયું

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, લુઇસ હિડાલ્ગો
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ, ‘વિટનેસ હિસ્ટ્રી’ શ્રેણી
"હું એ દિવસને ક્યારેય ભૂલી નહીં શકું. મારા પિતાની બધી પીડા મેં લઈ લીધી હતી."
"કલ્પના કરો કે એક માણસ તેના માર્ગદર્શક, તેના શિક્ષક, તેના મિત્રની બાજુમાં ઊભો છે અને તેના પર બહુ નજીકથી ગોળીબાર કરવામાં આવે છે," ડો. માઈ યામાનીએ બીબીસીને કહ્યું હતું.
તેઓ 1975ની 25 માર્ચે બનેલી ઘટનાની વાત કરી રહ્યા હતા.
સાઉદી અરેબિયાના રાજા ફૈઝલ તેમના ભત્રીજાનું સ્વાગત કરી રહ્યા હતા ત્યારે તેમના પર પૉઇન્ટ બ્લૅન્ક રેન્જથી ત્રણ વખત ગોળીબાર કરવામાં આવ્યો હતો.
માઈના પિતા શેખ અહમદ ઝાકી યામાન 15 વર્ષથી રાજાના વફાદાર મંત્રી હતા અને ઘટના બની ત્યારે તેમની બાજુમાં જ હતા.
સાઉદી અરેબિયાના સ્થાપકના ત્રીજા પુત્ર અને ત્રીજા શાસક રાજા ફૈઝલને તાત્કાલિક હૉસ્પિટલે લઈ જવામાં આયા હતા, પરંતુ થોડા સમયમાં તેમનું મોત થયું હતું.
એ દિવસે થોડા માઈલ દૂર 18 વર્ષનાં માઈ તેમના પિતાની રાહ જોઈ રહ્યા હતા.
"હું મારા પિતાના ઍપાર્ટમેન્ટમાં, તેમનાં પુસ્તકો વચ્ચે ઘેરાઈને બેઠી હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"ચહેરા પર પ્રચૂર પીડાદાયક અભિવ્યક્તિ સાથે તેઓ અંદર આવ્યા. તેઓ સીધા ડાઇનિંગ રૂમમાં ગયા અને ચીસો પાડી. પછી ફક્ત એક શબ્દ બોલી શક્યાઃ આફત."
તેમના પિતાના સંદર્ભમાં આવું વર્તન અસામાન્ય હતું. તેઓ ખૂબ જ શાંત રહેવા માટે અને અત્યંત નીચા અવાજે વાત કરવા માટે વિખ્યાત હતા.
શું થયું હતું તેની વાત પિતાએ પુત્રીને પછી કરી હતી.
"કુવૈતનું ઑઇલ પ્રતિનિધિમંડળ સવારે 10 વાગ્યે મહેલમાં રાજા ફૈઝલને મળવાનું હતું. મારા પિતા ઑઇલ મંત્રી હતા અને તેઓ રાજાને જરૂરી માહિતી આપવા ગયા હતા."
"વિધિની વક્રતા કહો કે ગમે તે, પરંતુ રાજા જેવા જ નામવાળો રાજકુમાર (ફૈઝલ ઇબુ મુસૈદ) કુવૈતના ઑઇલ મંત્રી સાથે આવ્યો હતો. રાજાએ તેને ભેટવા માટે હાથ પહોળા કર્યા, પણ તેણે ખિસ્સામાંથી એક નાની પિસ્તોલ કાઢી અને રાજા ફૈઝલ પર ગોળીબાર કર્યો."
'માથામાં ત્રણ ગોળી'

ઇમેજ સ્રોત, Hulton Archive via Getty Images
રાજાના એક અંગરક્ષકે રાજકુમાર પર તલવારથી હુમલાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તલવાર મ્યાનમાં જ હતી.
શેખ યામાનીએ રાજકુમારની હત્યા નહીં કરવાનો આદેશ રક્ષકોને વારંવાર આપ્યો હતો.
તે સમયના અન્ય અહેવાલોમાં જણાવ્યા મુજબ, હુમલાખોરે પોલીસને જણાવ્યું હતું કે શેખ રાજાની અત્યંત નજીક ઊભા હતા. તેથી રાજાની સાથે તેમને પણ મારી નાખ્યા હોય એવું તેને લાગ્યું હતું.
વાસ્તવમાં એવું ન હતું. યામાની જીવંત રાજા સાથે હૉસ્પિટલે ગયા હતા. ડૉક્ટરોના અનેક પ્રયાસ છતાં રાજાનું મૃત્યુ થયું હતું.
માઈ યાદ કરે છે, "એ પછી બધું સ્તબ્ધ થઈ ગયુ હતું. રિયાધની શેરીઓ ખાલી હતી."
રણના રાજા
ફૈઝલ 1964માં સાઉદી અરેબિયાના રાજા બન્યા હતા.
આ દેશનું કદ પશ્ચિમ યુરોપ જેટલું હતું અને એક રાજા તરીકે તેમણે મધ્ય પૂર્વના એક સૌથી પછાત દેશો પૈકીના એક દેશને આધુનિક દેશ બનાવવાનું નક્કી કર્યું હતું.
અબ્દુલ અઝીઝ અલ સઉદના મોટા પુત્રો પૈકીના એક હતા ફૈઝલ.
અરબ દ્વીપકલ્પને એક કરવાના પિતાના અભિયાનમાં તેઓ પણ લડ્યા હતા. એ કારણે તેમના નામથી ઓળખાતા દેશ સાઉદી અરેબિયાની સ્થાપના થઈ હતી.
પિતાના મૃત્યુ પછી મોટાભાઈ રાજા બન્યા ત્યારે ફૈઝલ મોટાભાઈના નેતૃત્વમાં વડા પ્રધાન બન્યા હતા.
રાજગાદી સંભાળી ત્યાં સુધીમાં તેમણે એક ચતુર, ધર્મનિષ્ઠ, મહેનતુ અને સુધારાવાદી રાજકારણી તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી લીધી હતી.
વિશ્વની વિદેશી રાજધાનીઓમાં વેપાર કરવા ટેવાયેલો એક માણસ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પોતાના દેશમાં નવી શોધાયેલી ઑઇલ સંપત્તિના ઉપયોગ વડે તેઓ આધુનિક સરકાર સંચાલિત શિક્ષણ, આરોગ્યસંભાળ અને ન્યાયિક પ્રણાલીના ફાયદા સાઉદી અરેબિયામાં લાવવા ઇચ્છતા હતા.
અલબત, રાજા ફૈઝલના સુધારા, તેમનો પરિવાર જેમની સાથે જોડાયેલો હતો તે ઇસ્લામના વધુ રૂઢિચુસ્ત તત્ત્વોને પસંદ ન હતા.
દાખલા તરીકે, ફૈઝલે 1960ના દાયકામાં સાઉદી અરેબિયામાં પહેલું ટેલિવિઝન સ્ટેશન શરૂ કર્યું ત્યારે તેની ઇમારત પર સશસ્ત્ર હુમલો કરવામાં આવ્યો હતો. એ હુમલાનું નેતૃત્વ એ માણસના ભાઈએ કર્યું હતું, જેણે બાદમાં રાજાની હત્યા કરી હતી.
જોકે, ત્યાં સુધીમાં ફૈઝલ મહિલા શિક્ષણ જેવા અસ્પૃશ્ય ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપી ચૂક્યા હતા અને આપી રહ્યા હતા.
તેઓ 1956માં ક્રાઉન પ્રિન્સ હતા ત્યારે જ તેમણે તેમનાં પત્ની ઇફતના આશ્રય હેઠળ કન્યાઓ માટે પ્રથમ સરકારી શાળા શરૂ કરી હતી.
માઈ કહે છે, "રાણી ઇફતે સાઉદી અરેબિયામાં કન્યા શિક્ષણ શરૂ કર્યું હતું અને મને ગર્વ છે કે હું તેમની સ્કૂલની પ્રથમ નવ વિદ્યાર્થિનીઓ પૈકીની એક હતી. એ સ્કૂલને દાર અલ હનાન (કોમળતાની શાળા) કહેવામાં આવતી હતી."
"રાજા ફૈઝલે ધાર્મિક સંસ્થાનને સમજાવ્યું હતું કે સ્ત્રીઓને શિક્ષિત કરવાથી તેઓ વધુ સારી માતા બનશે."
શક્તિશાળી દેશ

ઇમેજ સ્રોત, Getty Images
માઈ યેમાનીના પિતાએ રાજા ફૈઝલ માટે કામ કરવાનું 1960માં શરૂ કર્યું હતું.
તેઓ અસામાન્ય હતા, કારણ કે ઉચ્ચ શિક્ષિત અને વકીલ હોવા છતાં તેઓ સામાન્ય વ્યક્તિ હતા. સાઉદી શાહી પરિવારનો ભાગ ન હતા.
યેમાનીએ લખેલા કેટલાક લેખો રાજા ફૈઝલે વાંચ્યા હતા. એ કારણે તેમનું ધ્યાન યેમાની તરફ ખેંચાયું હતું.
"મારા પિતાએ પહેલાં તેમની કાયદાકીય પેઢી શરૂ કરી હતી અને પછી લોકશાહી તથા સુશાસનની હાકલ કરતા કેટલાક ખૂબ જ ઉશ્કેરણીજનક લેખો લખવાનું શરૂ કર્યું હતું."
"એ સમયે ફૈઝલ ક્રાઉન પ્રિન્સ હતા અને કાનૂની સલાહકારની શોધમાં હતા. તેમણે સવાલ કર્યો હતો કે આ માણસ કોણ છે?"
બાદમાં રાજા ફૈઝલે વધુ જાણીતા બનેલા શેખ યેમાનીને ઑઇલ મંત્રી તરીકે નિયુક્ત કર્યા હતા.
રાજા અને તેમની પ્રજાએ સાથે મળીને એક નીતિ બનાવી હતી, જેણે તેની વિશાળ ઑઇલ સંપત્તિ પર દેશને સંપૂર્ણ નિયંત્રણ આપ્યું હતું અને તેને આરબ વિશ્વમાં તથા આંતરરાષ્ટ્રીય મંચ પર ગણનાપાત્ર બનાવ્યું હતું.
1973માં, ઇઝરાયલ અને તેના આરબ પાડોશીઓ વચ્ચેના યુદ્ધ પછી, તે સમયના સૌથી મોટા ઑઇલ ઉત્પાદક દેશ સાઉદી અરેબિયાએ સૌપ્રથમવાર ઑઇલનો ઉપયોગ રાજકીય હથિયાર તરીકે કરવાની ઝૂંબેશ ચલાવી હતી.
ઇઝરાયલને ટેકો આપતા દેશોનો ઑઇલ પૂરવઠો બંધ કરવામાં આવ્યો હતો અને એ કારણે ઑઇલના વૈશ્વિક ભાવમાં વધારો થયો હતો.
શેખ યેમાનીને સંદેશો પહોંચાડવા માટે મોકલવામાં આવ્યા હતા.
તેમણે એ વખતે બીબીસીને કહ્યું હતું, "કબજા હેઠળના આરબ પ્રદેશોમાંથી ઇઝરાયલી દળો સંપૂર્ણપણે પાછા હટી જાય એવું અમે ઇચ્છીએ છીએ. પછી તેમને સપ્ટેમ્બર 1973માં જેટલું ઑઇલ મળતું હતું તેટલું મળતું થશે."
ઑઇલના ભાવમાં મોટા વધારાને કારણે વિકાસશીલ રાષ્ટ્રો અને ઉત્પાદકો તથા ઔદ્યોગિક રાષ્ટ્રો વચ્ચેના વૈશ્વિક શક્તિ સંતુલનમાં પરિવર્તન થયું હતું.
સત્તાસંતુલનમાંના આ પરિવર્તનને 1974માં, તેમના મૃત્યુના એક વર્ષ પહેલાં ટાઇમ સામયિકે તેમને 'મૅન ઑફ ધ યર' જાહેર કર્યા ત્યારે સ્વીકૃતિ મળી હતી.
રાજહત્યા પછી...

ઇમેજ સ્રોત, Getty Images
રાજકુમાર ફૈઝલ ઇબુ મુસૈદને તેમના કાકા પર હુમલો કર્યા પછી તરત જ પકડી લેવામાં આવ્યા હતા.
તેમને પૂછપરછ કરવામાં આવી હતી. ડૉક્ટરો અને મનોચિકિત્સકોએ પુષ્ટિ કરી હતી કે તે "માનસિક અસંતુલનથી" પીડાતો હતો.
હત્યા પહેલાં અને પછી રાજકુમાર એકદમ શાંત હોવાના અહેવાલ હતા.
હત્યા પછી શોકમાં રિયાધ ત્રણ દિવસ સંપૂર્ણપણે બંધ રહ્યું હતું.
હત્યા કરાયેલા રાજાના ભાઈ રાજા ખાલિદે સાઉદીના શાહી પરિવારની સંમતિથી તેમનું સ્થાન લીધું હતું.
પ્રિન્સ ફૈઝલ બિન મુસાદને પાછળથી રાજહત્યા માટે દોષી ઠેરવવામાં આવ્યો હતો.
જૂન 1975માં ઇસ્લામિક કાયદા હેઠળ સાઉદી અરેબિયામાં ફાંસીની પરંપરાગત પદ્ધતિ અનુસાર, રિયાધના જાહેર ચોકમાં પ્રિન્સ ફૈઝલ બિન મુસાદનો શિરચ્છેદ કરવામાં આવ્યો હતો.
"હત્યારો એક વ્યગ્ર માણસ હતો, એ સિવાય અમને રાજાની હત્યાનું વાસ્તવિક કારણ ખબર નથી."
"શાહી મંત્રીમંડળ દ્વારા બહાર પાડવામાં આવેલા કરાર અનુસાર," પ્રિન્સ મુસાદને સત્તાવાર રીતે પાગલ જાહેર કરવામાં આવ્યો હતો.
પ્રિન્સ ફૈઝલ બિન મુસાદના ભાઈ ખાલિદનું 1966માં સુરક્ષા દળો સાથેની અથડામણમાં મોત થયું હતું અને તેમના મોતનો બદલો લેવા માટે પ્રિન્સ ફૈઝલે કાકાની હત્યા કરી હોવાની અટકળો હતી.
ષડયંત્રની કેટલીક કથાઓ પણ હતી. જોકે, પછીના તપાસમાં સૂચવવામાં આવ્યું હતું કે માત્ર પ્રિન્સ ફૈઝલ બિન મુસાદે જ તેના કાકાની હત્યા કરી હતી.
શેખ યામાની 1986 સુધી, વધુ 11 વર્ષ સુધી સાઉદી અરેબિયાના ઑઇલ મંત્રી તરીકે કાર્યરત રહ્યા હતા.
માઈ યેમાનીએ અમેરિકામાં પોતાનો અન્ડર-ગ્રૅજ્યુએટ અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટ મેળવનાર પહેલા સાઉદી અરેબિયન મહિલા બન્યાં હતાં.
ડૉ. યામાનીએ આરબ ઓળખ વિશે અનેક પુસ્તકો લખ્યાં છે અને ગોલ્ડમૅન સેક્સ જેવી બૅન્કો તથા શૅલ જેવી ઑઇલ કંપનીઓએ તેમની સલાહકાર તરીકે સેવા પણ લીધી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












