સ્તનપાન કરાવતી માતાઓનાં દૂધમાં પરમાણુ બૉમ્બમાં વપરાતું યુરેનિયમ મળી આવ્યું, બાળકો પર કેવી ગંભીર અસર થાય?

બિહાર માતાના દૂધમાં યુરેનિયમ, માતાના દૂધમાં યુરેનિયમ કેવી રીતે આવ્યું, કાર્સિનોજેનિ, નૉન કાર્સિનોજેનિક, પાણીમાં કેટલું યુરેનિયમ હોવું જોઈએ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, સીટૂ તિવારી
    • પદ, બીબીસી સંવાદદાતા

બિહારના છ જિલ્લામાં સ્તનપાન કરાવતી મહિલાના દૂધમાં યુરેનિયમ મળ્યું છે.

17થી 35 વર્ષની 40 મહિલાઓનાં દૂધ પર થયેલા સંશોધનમાં આ જોવા મળ્યું છે, જેણે સંશોધકો અને ડૉક્ટર્સની ચિંતા વધારી દીધી છે.

યુરેનિયમ એક રેડિયોધર્મી ધાતુ છે, જેનું રાસાયણિક પ્રતીક અંગ્રેજીનો 'યૂ' અક્ષર છે.

વિશ્વ આરોગ્ય સંગઠન (ડબ્લ્યૂએચઓ)ના માપદંડ અનુસાર, પાણીમાં યુરેનિયમની મહત્તમ માત્રા 30 માઇક્રોગ્રામ પ્રતિ લીટર હોવી જોઈએ. તેનાથી વધારે માત્રા હોય તો તે માનવશરીરમાં કિડનીને સૌથી વધુ અસર કરે છે.

પટના-સ્થિત મહાવીર કૅન્સર ઇન્સ્ટિટ્યૂટ, દિલ્હીની ઍઇમ્સ, નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્માસ્યૂટિકલ ઍજ્યુકેશન એન્ડ રિસર્ચ (એનઆઇપીઇઆર, વૈશાલી) સહિત પાંચ સંસ્થાઓની મદદથી આ સંશોધન થયું છે.

ઑક્ટોબર 2021થી જુલાઈ 2024 દરમિયાન થયેલા આ સંશોધનમાં સ્તનપાન કરાવતી મહિલાઓ પાસેથી સીધું દૂધ લેવામાં આવ્યું. એટલે કે પહેલાંથી જ સ્ટોર કરાયેલું દૂધ લેવામાં નથી આવ્યું.

સંશોધન કઈ રીતે થયું?

બિહાર માતાના દૂધમાં યુરેનિયમ, માતાના દૂધમાં યુરેનિયમ કેવી રીતે આવ્યું, કાર્સિનોજેનિ, નૉન કાર્સિનોજેનિક, પાણીમાં કેટલું યુરેનિયમ હોવું જોઈએ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, સંશોધન વિશે માહિતી આપી રહેલાં સંસ્થાના સુપરિન્ટેન્ડન્ટ એલબી સિંહ, ડાયરેક્ટર મનીષા સિંહ અને રિસર્ચ હેડ અશોકકુમાર ઘોષ (સૌથી જમણે)

બિહારના છ જિલ્લા ભોજપુર, સમસ્તીપુર, બેગૂસરાય, ખગડિયા, કટિહાર અને નાલંદામાં આ અભ્યાસ કરવામાં આવ્યો. આ અભ્યાસ-સંશોધનમાં પ્રત્યેક ગ્રૂપમાં એક મહિલાને રાખવામાં આવ્યાં હતાં, જેથી મહિલાઓ પાસેથી સીધું તેમનાં દૂધનું સૅમ્પલ લઈ શકાય.

મહિલાઓનાં દૂધનાં સેમ્પલની તપાસ એનઆઇપીઇઆર, વૈશાલીમાં થઈ. સૅમ્પલની તપાસ એલસી – આઇસીપી – એમએસ (LC – ICP – MS) નામના મશીનથી કરવામાં આવી. આ મશીન લિક્વિડ ભારે ધાતુની તપાસમાં વધુ અસરકારક છે.

રિસર્ચમાં મહિલાઓનાં દૂધમાં યુરેનિયમની માત્રા 0–5.25 માઇક્રોગ્રામ પ્રતિ લીટર મળી છે.

કટિહાર જિલ્લાની મહિલાઓનાં દૂધમાં સૌથી વધારે યુરેનિયમ 5.25 માઇક્રોગ્રામ મળ્યું છે; જ્યારે સૌથી ઓછું ભોજપુરની મહિલાઓનાં દૂધમાં મળ્યું છે.

જો સરેરાશ સ્તરની વાત કરીએ તો, નાલંદાની મહિલાઓનાં દૂધમાં તે સૌથી ઓછું 2.35 માઇક્રોગ્રામ છે, જ્યારે ખગડિયાની મહિલાઓમાં તે 4.035 માઇક્રોગ્રામ છે.

આ અભ્યાસમાં માતાનું દૂધ પીતાં 35 બાળકોનાં સૅમ્પલ પણ લેવામાં આવ્યાં હતાં. તેમાંનાં 70 ટકા બાળકોનાં લોહીમાં પણ યુરેનિયમ મળ્યું છે.

સંશોધનમાં આ બાળકોમાં નૉન-કાર્સિનોજેનિક સ્વાસ્થ્ય જોખમની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. નૉન-કાર્સિનોજેનિક કિડની, નર્વસ સિસ્ટમ અને માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે.

શું બ્રેસ્ટ મિલ્ક માટેનાં માપદંડ નક્કી કરાયેલાં છે?

બિહાર માતાના દૂધમાં યુરેનિયમ, માતાના દૂધમાં યુરેનિયમ કેવી રીતે આવ્યું, કાર્સિનોજેનિ, નૉન કાર્સિનોજેનિક, પાણીમાં કેટલું યુરેનિયમ હોવું જોઈએ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પટણાની પ્રસિદ્ધ મહાવીર કૅન્સર ઇન્સ્ટિટ્યૂટ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મનીષાસિંહ મહાવીર કૅન્સર ઇન્સ્ટિટ્યૂટનાં ડાયરેક્ટર અને ઑન્કૉલૉજીનાં મેડિકલ હેડ છે. બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "પહેલી વાત તો એ કે, કોઈ પણ પ્રકારના પૅનિકની જરૂર નથી. માતાનું દૂધ બાળક માટે સૌથી સારું છે, તેથી માતાએ પોતાનું દૂધ પિવડાવતાં રહેવું જોઈએ.

"જ્યાં સુધી યુરેનિયમની વાત છે, તો પાણી માટે યુરેનિયમની મહત્તમ માત્રાના માપદંડ નક્કી છે, પરંતુ માતાના દૂધ માટે કોઈ પરમિસિબલ લિમિટ નક્કી નથી. પરંતુ અમે એવું માનીએ છીએ કે યુરેનિયમ જો દૂધમાં મળ્યું છે તો તે ચિંતાનો વિષય છે."

કૅન્સર ઇન્સ્ટિટ્યૂટ હવે આ વિસ્તારોનાં પાણીની તપાસ પણ કરી રહી છે, જેથી આ છ જિલ્લાનાં પાણીમાં યુરેનિયમની સ્થિતિ જાણી શકાય. મહાવીર કૅન્સર ઇન્સ્ટિટ્યૂટ હવે મોટા વ્યાપમાં આ રિસર્ચ કરવા માગે છે.

ઇન્સ્ટિટ્યૂટના સુપરિન્ટેન્ડન્ટ એલબી સિંહે જણાવ્યું, "અમે લોકો મુખ્ય મંત્રી નીતીશકુમાર અને આરોગ્ય મંત્રી મંગલ પાંડેયને મળીને આ તપાસનો વ્યાપ વધારવા માગીએ છીએ. કેમ કે, અત્યારે જે તપાસ થઈ છે તેની સૅમ્પલ સાઇઝ ખૂબ નાની છે. કૅન્સર ઇન્સ્ટિટ્યૂટ ચલાવવાનો અમારો અનુભવ છે કે આ પ્રકારની બીમારી જેટલી જલદી પકડમાં આવી જાય, એટલું સારું છે."

બિહારમાં 11 અને દેશમાં 151 જિલ્લામાં ભૂગર્ભજળમાં યુરેનિયમ

બિહાર માતાના દૂધમાં યુરેનિયમ, માતાના દૂધમાં યુરેનિયમ કેવી રીતે આવ્યું, કાર્સિનોજેનિ, નૉન કાર્સિનોજેનિક, પાણીમાં કેટલું યુરેનિયમ હોવું જોઈએ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પાણી અથવા ફૂડ ચેઇન મારફતે માતા સુધી યુરેનિયમ પહોંચ્યું હોવાનો નિષ્ણાતોનો મત

જુદાં-જુદાં સંશોધનોમાં બિહારના 11 જિલ્લામાં ભૂગર્ભજળ એટલે કે ગ્રાઉન્ડ વૉટરમાં યુરેનિયમ મળ્યું છે. જેમાં, ગોપાલગંજ, સિવાન, સારણ, પૂર્વ ચંપારણ, પટણા, વૈશાલી, નવાદા, નાલંદા, સુપૌલ, કટિહાર અને ભાગલપુર જિલ્લાનો સમાવેશ થાય છે.

માતાનાં દૂધની સાથે સંકળાયેલો અભ્યાસ ભોજપુર, સમસ્તીપુર, બેગૂસરાય, ખગડિયા, કટિહાર અને નાલંદા જિલ્લામાં થયો છે.

મહાવીર કૅન્સર ઇન્સ્ટિટ્યૂટના મેડિકલ રિસર્ચ હેડ અને પાણી પરનાં સંશોધનો સાથે લાંબા સમયથી સંકળાયેલા અશોકકુમાર ઘોષે બીબીસીને જણાવ્યું, "બિહારમાં પાણી પર થયેલાં સંશોધનોમાં આર્સેનિક, ફ્લોરાઇડ, મૅંગેનીઝ, ક્રોમિયમ, મર્ક્યુરી અને યુરેનિયમ મળતાં રહ્યાં છે. તેમાં સૌથી વધુ આર્સેનિકની માત્રા મળી છે. રાજ્ય પાસે પાણીનાં સંસાધન પ્રચુર માત્રામાં છે, પરંતુ લોકોને પીવાનું ચોખ્ખું પાણી ઉપલબ્ધ કરાવવું તે પણ એક પડકાર છે."

માતાનાં દૂધમાં યુરેનિયમ ક્યાંથી આવ્યું હશે? એ પ્રશ્નના જવાબમાં અશોકકુમાર ઘોષે કહ્યું, "મોટી સંભાવના એ છે કે તે પીવાનાં પાણીમાંથી કે પછી એ જિલ્લામાં વવાયેલાં અનાજ એટલે કે ફૂડ ચેઇન દ્વારા આવ્યું હોય."

તેમણે જણાવ્યું, "યુરેનિયમથી બે પ્રકારની સમસ્યા આવી શકે છે – નૉન-કાર્સિનોજેનિક અને કાર્સિનોજેનિક. નૉન-કાર્સિનોજેનિક કિડની, નર્વસ સિસ્ટમની બીમારીઓ ઉત્પન્ન કરી શકે છે, જ્યારે કાર્સિનોજેનિકથી કૅન્સર પણ થઈ શકે છે."

ભૂગર્ભજળ ગુણવત્તા રિપોર્ટ 2024

વીડિયો કૅપ્શન, બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ શું જોખમી હોય છે?

માર્ચ 2025માં કેન્દ્રીય જળશક્તિ રાજ્ય મંત્રીએ સંસદમાં એક સવાલનો જવાબ આપતાં જણાવ્યું હતું કે બિહારમાં માત્ર એક જિલ્લાનું પાણી યુરેનિયમથી પ્રભાવિત છે.

ગ્રાઉન્ડ વૉટર ક્વૉલિટી રિપોર્ટ 2024ના આધારે અપાયેલા આ જવાબ અનુસાર બિહારમાં નાઇટ્રેટની તપાસ માટે 808 સૅમ્પલ લેવામાં આવ્યાં હતાં. તેમાંથી 2.35 ટકામાં નાઇટ્રેટની માત્રા 45 મિલીગ્રામ પ્રતિ લીટર કરતાં વધુ મળી છે અને રાજ્યના 15 જિલ્લા પ્રભાવિત છે.

આ જ રીતે ફ્લોરાઇડની તપાસ માટે પણ 808 સૅમ્પલ લેવાયાં હતાં. સૅમ્પલના 4.58 ટકામાં ફ્લોરાઇડની માત્રા 1.5 મિલીગ્રામ પ્રતિ લીટર કરતાં વધુ હતી અને 6 જિલ્લા પ્રભાવિત હતા.

આર્સેનિકની વાત કરીએ તો, લેવાયેલાં 607 સૅમ્પલમાંથી 11.9 ટકામાં આર્સેનિક 10 પીપીબી (પાર્ટ પર બિલિયન) કરતાં વધુ હતું અને 20 જિલ્લા પ્રભાવિત હતા.

જ્યારે યુરેનિયમની માત્રાની તપાસ માટે 752 સૅમ્પલ લેવામાં આવ્યાં હતાં, જેમાંથી 0.1 ટકામાં જ યુરેનિયમની માત્રા 30 પીપીબી કરતાં વધુ હતી અને માત્ર એક જિલ્લો પ્રભાવિત હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન