કૉમનવેલ્થ ગેમ્સ : અમદાવાદમાં રમતોત્સવ યોજાશે, કેવી કેવી રમતો રમાશે?

દિલ્હી કૉમનવેલ્થ, રમતોત્સવનું આયોજન, અમદાવાદમાં કૉમનવેલ્થ ગેમ્સ, કૉમનવેલ્થ ગેમ્સ 2030, બીબીસી ગુજરાતી, અમદાવાદમાં રમતોત્સવ

ઇમેજ સ્રોત, Information department

બુધવારે કૉમનવેલ્થ ગેમ્સ ખેલ મહાસભાની બેઠક મળી હતી, જેમાં ગુજરાતના અમદાવાદ શહેરને વર્ષ 2030નું યજમાનપદ સોંપવાની સર્વાનુમતે ઔપચારિક જાહેરાત કરાઈ હતી.

ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્યનું એક પ્રતિનિધિમંડળ સ્કૉટલૅન્ડના ગ્લાસગો ખાતે પહોંચ્યું હતું. તેમની સાથે કેન્દ્રીય ખેલ અધિકારીઓ તથા કૉમનવેલ્થ ઍસોસિયેશન સાથે સંકળાયેલા અધિકારીઓ પણ હતા.

બીબીસી સ્પૉર્ટ સ્કૉટલૅન્ડ રિચાર્ડ વિન્ટન જણાવે છે કે ગુજરાતના નામની જાહેરાત થતા 20 જેટલા લોકોએ ગરબા રમ્યા હતા અને 30 જેટલા ઢોલીના તાલે હૉલ ગૂંજી ઊઠ્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આના વિશે પ્રતિક્રિયા આપતા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર લખ્યું: "કૉમનવેલ્થ ગેમ્સ 2030નું યજમાનપદ ભારતને મળ્યું છે, તે જાણીને ખુશી થઈ છે! ભારતવાસીઓ તથા દેશની સ્પૉર્ટિંગ ઇકૉસિસ્ટમને અભિનંદન. આપણા સહિયારા સંકલ્પ અને ખેલદિલીની ભાવનાએ ભારતને દ્રઢ રીતે વૈશ્વિક રમત નકશા પર મૂક્યું છે. વસુધૈવ કુટુંબકમની વિભાવના સાથે અમે આ ઐતિહાસિક રમતોને ભારે ઉત્સાહ સાથે ઉજવવા માટે સજ્જ છીએ. અમે વિશ્વને આવકારવા સજ્જ છીએ!"

આ પહેલાં 15 ઑક્ટોબરના રોજ કૉમનવેલ્થ ગેમ્સના કાર્યકારી બોર્ડે યજમાનપદ માટે અમદાવાદના નામની ભલામણ કરવાની વાત કહી હતી. એ પછી બુધવારની બેઠક હતી.

વર્ષ 2030 કૉમનવેલ્થ રમતોત્સવને 100 વર્ષ પૂર્ણ થશે, ત્યારે તેનું યજમાનપદ અમદાવાદ પાસે હશે.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં વર્ષ 2010માં દિલ્હી ખાતે કૉમનવેલ્થ રમતોત્સવનું આયોજન થયું હતું. આ પહેલાં આવતાં વર્ષે ગ્લાસગો ખાતે જ આ ખેલ મહાકુંભ યોજાશે.

વર્ષ 2030ના કૉમનવેલ્થ વિશે જાણો

કૉમનવેલ્થ રમોત્સવ, કૉમનવેલ્થ ગૅમ્સ, 2026 ગ્લાસગો, વર્ષ 2030 અમદાવાદને યજમાનપદ, હર્ષ સંઘવી, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર ઇન્ટરનેશનલ ન્યૂઝ,

ઇમેજ સ્રોત, GIB

કાર્યકારી બોર્ડે 15 ઑક્ટોબરે એક નિવેદનમાં કહ્યું હતું, "કૉમનવેલ્થ રમતના કાર્યકારી બોર્ડે 2030ની કૉમનવેલ્થ ગૅમ્સના યજમાન તરીકે ભારતના અમદાવાદ શહેરના નામની ભલામણ કરશે."

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભારત સરકાર,ગુજરાત સરકાર તથા ભારતના કૉમનવેલ્થ ઍસોસિયેશને સાથે મળીને યજમાનપદ માટે પ્રસ્તાવ મૂક્યો હતો. જેના કેન્દ્રમાં કૉમનવેલ્થ રમતો 'ગેમ્સ રિસેટ'ની સાથે કિફાયતી, સર્વસમાવેશ, ટકાઉ અને વારસા પર કેન્દ્રિત છે.

છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાં ખેલ માળખાને વિકસાવાઈ રહ્યું છે. ઍક્વાટિક્સ સેન્ટર, ફૂટબૉલ સ્ટેડિયમ તથા બે ઇન્ડોર સ્પૉર્ટ્સ એરિના માટે તૈયારી શરૂ કરી છે.

ગત મહિને જ્યારે અમદાવાદના નામની ભલામણ કરવામાં આવી હતી, ત્યારે કેન્દ્રીય ખેલમંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે આને પગલે વર્ષ 2036માં ઑલિમ્પિક રમતોત્સવને આયોજિત કરવાની મહત્ત્વકાંક્ષાને પ્રોત્સાહન મળશે.

માંડવિયાએ કહ્યું હતું, "વર્ષ 2036માં ઑલિમ્પિક રમતોત્સવ આયોજિત કરવાના કેન્દ્ર સરકારના વિઝનને બળ મળશે. આ પહેલાં ભારતે નવી દિલ્હી ખાતે વર્લ્ડ પૅરા ઍથ્લીટ્સ ચૅમ્પિયનશિપ આયોજિત કરી હતી. જેમાં 100થી વધુ દેશના બે હજાર 200 કરતાં વધુ ઍથ્લીટ્સ તથા સપૉર્ટ સ્ટાફે ભાગ લીધો હતો."

વર્ષ 2030 માટે નાઇજીરિયાનું અબુજા શહેર પણ સ્પર્ધામાં હતું, પરંતુ કૉમનવેલ્થના નિર્ણયકોએ વર્ષ 2034ના રમતોત્સવ માટે આફ્રિકન રાષ્ટ્રના નામ ઉપર વિચારણા કરવાનું વલણ અપનાવ્યું હતું.

વર્ષ 2024માં ઑસ્ટ્રેલિયાના વિક્ટૉરિયા રાજ્યે કૉમનવેલ્થના આયોજનમાંથી હાથ પાછા ખેંચી લીધા હતા. એ પછી સ્કૉટલૅન્ડનું ગ્લાસગો શહેર વર્ષ 2026નો ખેલ મહોત્સવ આયોજિત કરવા આગળ આવ્યું હતું.

ગ્લાસગો ખાતેના રમતોત્સવ દરમિયાન બૅડમિન્ટન, હૉકી અને કુસ્તી જેવી રમતો હઠાવી દેવામાં આવી છે, જેનો ભારતે વિરોધ કર્યો હતો, કારણ કે તેનાથી ભારતની મૅડલ જીતવાની ક્ષમતાને સીધી અસર થાય તેમ છે.

વર્ષ 2030માં 15થી 17 રમતો આયોજિત થઈ શકે છે. આ પહેલાં વર્ષ 2022માં બર્મિંઘહામ ખાતે યોજાયેલા રમતોત્સવમાં 19 રમતોને સામેલ કરવામાં આવી હતી. ત્યારે દક્ષિણ આફ્રિકાનું ડરબન પાછળ ખસી ગયું હતું, જેના કારણે બર્મિંઘહામે રમત મહોત્સવ યોજ્યો હતો.

ઍથ્લેટિક્સ, સ્વિમિંગ, ટેબલ ટેનિસ, બાઉલ્સ, વૅઇટલિફ્ટિંગ તથા તેના સમકક્ષની પૅરા-સ્પૉર્ટ ઇવેન્ટ્સ ઉપરાંત આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સ, નૅટબૉલ તથા બૉક્સિંગને પણ સામેલ કરવામાં આવશે. બાકીનો કાર્યક્રમ ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં નક્કી થશે.

આ સિવાય તીરંદાજી, બૅડમિન્ટન, 3x3 બાસ્કેટબૉલ, બીચ વૉલીબૉલ, ટી20 ક્રિકેટ, સાઇક્લિંગ, ડાઇવિંગ, હૉકી, જુડો, રિધમિક જિમ્નાસ્ટિક્સ, રગ્બી સેવન્સ, શૂટિંગ, સ્કવૉશ, ટ્રાઇથેલોન તથા કુસ્તી જેવી રમતો પણ વિચારાધીન છે.

ઑક્ટોબર-2030માં આ રમતોત્સવ આયોજિત થશે, ત્યારે આ ઇવેન્ટ માટે અમદાવાદ બે નવી કે પરંપરાગત રમતોનાં નામ સૂચવી શકે છે.

કૉમનવેલ્થ રમતોત્સવ અને ભારતનું પ્રદર્શન

દિલ્હી કૉમનવેલ્થ, રમતોત્સવનું આયોજન, અમદાવાદમાં કૉમનવેલ્થ ગેમ્સ, કૉમનવેલ્થ ગેમ્સ 2030, બીબીસી ગુજરાતી, અમદાવાદમાં રમતોત્સવ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વર્ષ 2010માં દિલ્હી ખાતે કૉમનવેલ્થ રમતોત્સવનું આયોજન થયું હતું

કૉમનવેલ્થ ગૅમ્સ એટલે કે રાષ્ટ્રમંડળ ખેલોએ આંતરરાષ્ટ્રીય ખેલ સમારંભ છે, જે દર ચાર વર્ષે આયોજિત કરવામાં આવે છે. વર્ષ 1930માં કૅનેડા હેમિલ્ટન ખાતે આ રમતોત્સવ પહેલી વખત આયોજિત થયો હતો.

બ્રિટિશરાજ હેઠળ આવતાં દેશો એટલે કે કૉમનવેલ્થ નૅશન્સ માટે આ રમતોત્સવ થતો હોવાથી તે કૉમનવેલ્થ ગૅમ્સ તરીકે ઓળખાય છે.

આજે કૉમનવેલ્થના 74 દેશો અને વિસ્તારો આ રમતોત્સવમાં ભાગ લે છે. બીજા વિશ્વયુદ્ધને બાદ કરતા આ રમત મહોત્સવનું સાતત્યપૂર્ણ રીતે આયોજન થયું છે.

સંખ્યાની દૃષ્ટિએ કૉમનવેલ્થ દેશોમાં ભારત સૌથી વધુ વસતી ધરાવે છે. તેની ગણના ઑલિમ્પિક, એશિયન ગેમ્સની સાથે મોટી સ્પૉર્ટ્સ ઇવેન્ટ તરીકે થાય છે. તે 'હ્યુમનિટી ઇક્વાલિટી તથા ડેસ્ટિની'ના સિદ્ધાંત પર આધારિત છે.

વર્ષ 2010માં નવી દિલ્હી ખાતે કૉમનવેલ્થ ગૅમ્સ યોજાઈ હતી. એ પહેલાં વર્ષ 1983માં નવી દિલ્હી ખાતે કૉમનવેલ્થ સમિટ થઈ હતી.

ભારતે પહેલી વખત વર્ષ 1934માં કૉમનવેલ્થ રમતોત્સવમાં ભાગ લીધો હતો. એ સમયે ભારત બ્રિટનનું સંસ્થાન હતું. તે સમયે આ ખેલ આયોજન 'બ્રિટિશ અમ્પાયર ગૅમ્સ' તરીકે ઓળખાતું.

એ આયોજનમાં ભારતના છ ઍથ્લીટ્સે 10 રમતોમાં ભાગ લીધો હતો.

કૉમનવેલ્થમાં ભારતને પ્રથમ પદક રાશિદ અનવરે અપાવ્યું હતું. તેમણે 74 કિલોગ્રામની શ્રેણીમાં ફ્રીસ્ટાઇલ રેસ્લિંગમાં કાંસ્યપદક જીત્યું હતું.

કાર્ડિફ ખાતે આયોજિત કૉમનવેલ્થ ગૅમ્સમાં દોડવીર મિલ્ખાસિંહે ભારતને પ્રથમ વખત સુવર્ણપદક અપાવ્યો હતો. એ જ સ્પર્ધા દરમિયાન લીલારામ નામના પહેલવાને 100 કિલોગ્રામની શ્રેણીમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.

રાઘવન ચંદ્રશેખને ભારતને ત્રણ ગોલ્ડ (વર્ષ 1990) અપાવ્યા હતા. એ પછી વર્ષ 1997માં વિક્ટૉરિયા ખાતે તેમણે ત્રણ સિલ્વર જીત્યા હતા. ભારત અત્યાર સુધીમાં કૉમનવેલ્થ રમતોમાં 500થી વધુ પદક જીતી ચૂક્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન