IND vs SA : એ કારણો જેને કારણે ભારતનો દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝમાં વ્હાઇટવૉશ થયો

બીબીસી ગુજરાતી ભારત સાઉથ આફ્રિકા ગુવાહાટી ટૅસ્ટ મૅચ ક્રિકેટ

ઇમેજ સ્રોત, Getty Images

ભારતે પોતાની જમીન પર જ સાઉથ આફ્રિકા સામે ટેસ્ટમૅચમાં સળંગ બીજી હારનો સામનો કરવો પડ્યો છે. સાઉથ આફ્રિકા 2-0થી શ્રેણી જીતી ગયું છે.

જીત માટે 549 રનના વિરાટ પડકારનો પીછો કરતી ભારતીય ટીમ બીજી ઇનિંગમાં પણ નિષ્ફળ ગઈ અને માત્ર 140 રનમાં ઑલઆઉટ થઈ ગઈ. આમ ગુવાહાટી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાનો 408 રને વિજય થયો છે. ભારતના ટેસ્ટ ઇતિહાસમાં તેની આ સૌથી મોટી હાર છે.

ટેસ્ટના ત્રીજા દિવસથી જ ભારતીય બૅટ્સમૅનોએ જે નબળો દેખાવ કર્યો તેના કારણે ભારતની હાર નક્કી દેખાતી હતી. બીજી ઇનિંગમાં ભારતીય બૅટ્સમૅનો કોઈ ચમત્કાર કરે તો કદાચ ટેસ્ટ બચાવી શકાય તેમ હતી, પરંતુ એવું થયું નથી.

સાઉથ આફ્રિકા સામે ભારતનો બીજી વખત વ્હાઇટવૉશ થયો છે. અગાઉ વર્ષ 2000માં હૅન્સી ક્રોનિયેની કૅપ્ટનશિપ હેઠળ સાઉથ આફ્રિકાની ટીમ ભારત આવી હતી ત્યારે પણ ભારતને 2-0થી હરાવીને વ્હાઇટવૉશ કર્યો હતો. તે સમયે મુંબઈમાં સાઉથ આફ્રિકાનો ચાર વિકેટે વિજય થયો હતો જ્યારે બૅંગ્લુરુ ટેસ્ટમાં એક ઇનિંગ અને 71 રને ભારતને હરાવ્યું હતું.

ભારતની હાર માટે અહીં આપેલાં કારણોને જવાબદાર ગણી શકાય છે.

બંને ઇનિંગમાં ભારતીય બૅટ્સમૅનો ફ્લૉપ

બીબીસી ગુજરાતી ભારત સાઉથ આફ્રિકા ગુવાહાટી ટૅસ્ટ મૅચ ક્રિકેટ

ઇમેજ સ્રોત, Getty ImagGetty Imageses

ઇમેજ કૅપ્શન, કેએલ રાહુલની વિકેટ ઝડપ્યા પછી ઉજવણી કરતી સાઉથ આફ્રિકાની ટીમ

ગુવાહાટી ખાતે રમાયેલી બીજી ટેસ્ટમાં ઋષભ પંતને કૅપ્ટન અને વિકેટ કિપર, એમ બંને જવાબદારી સોંપવામાં આવી હતી. પંતની આગેવાનીમાં ભારતીય બૅટ્સમૅનો બંને ઇનિંગમાં બહુ ખરાબ રીતે નિષ્ફળ ગયા છે. સાઉથ આફ્રિકાએ પહેલી ઇનિંગમાં 489 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો જ્યારે ભારતીય ટીમ પહેલી ઇનિંગમાં માત્ર 201 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.

તેમાં યશસ્વી જયસ્વાલના 58 રન અને વૉશિંગ્ટન સુંદરના 48 રનને બાદ કરતાં બાકીના તમામ બૅટ્સમૅનો નબળા સાબિત થયા હતા. ધ્રુવ જુરેલે શૂન્ય, ઋષભ પંતે સાત રન અને રવીન્દ્ર જાડેજાએ માત્ર છ રન બનાવ્યા હતા.

બીજી ઇનિંગમાં પણ ભારતના દેખાવમાં કોઈ સુધારો થયો ન હતો. બીજી ઇનિંગમાં કેએલ રાહુલે છ રન, કુલદીપ યાદવે પાંચ રન, ધ્રુવ જુરેલે બે રન બનાવ્યા હતા. રવીન્દ્ર જાડેજાના 54 રનને બાદ કરતાં કોઈ બૅટ્સમૅનો ટકી શક્યા ન હતા.

સાઉથ આફ્રિકાની વેધક બૉલિંગ

બીબીસી ગુજરાતી ભારત સાઉથ આફ્રિકા ગુવાહાટી ટૅસ્ટ મૅચ ક્રિકેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, માર્કો યાન્સન સાઉથ આફ્રિકા વતી ભારે સફળ બૉલર સાબિત થયા છે

કોલકાતામાં રમાયેલી પ્રથમ ટેસ્ટની જેમ જ બીજી ટેસ્ટમાં પણ સાઉથ આફ્રિકાના બૉલરો છવાઈ ગયા હતા. ભારતની પહેલી ઇનિંગમાં માર્કો યાન્સનને 19.5 ઓવરમાં માત્ર 48 રન આપીને ભારતની છ વિકેટો ખેરવી હતી. હાર્મરે પણ ત્રણ વિકેટો ઝડપી હતી.

ભારતની બીજી ઇનિંગમાં પણ સાઉથ આફ્રિકાના બૉલરો એટલા જ ઘાતક સાબિત થયા હતા. આ વખતે સિમોન હાર્મરે 37 રન આપીને છ વિકેટો ઝડપી હતી જ્યારે માર્કો યાન્સનને એક વિકેટ અને કેશવ મહારાજને બે વિકેટ મળી હતી. બીજી ઇનિંગમાં ભારતના પાંચ બૅટ્સમૅનો 10 રનથી ઓછા સ્કોરમાં આઉટ થઈ ગયા હતા.

મજબૂત પાર્ટનરશિપ ન બની

બીબીસી ગુજરાતી ભારત સાઉથ આફ્રિકા ગુવાહાટી ટૅસ્ટ મૅચ ક્રિકેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બીજી ઇનિંગમાં કેએલ રાહુલ 6 રન બનાવીને આઉટ થયા હતા

ભારતીય બૅટ્સમૅનો લાંબો સમય સુધી મેદાન પર ટકી શક્યા ન હોવાથી કોઈ મોટી પાર્ટનરશિપ પણ બની ન હતી.

પહેલી ઇનિંગમાં પહેલી વિકેટ માટે 65 રનની ભાગીદારી થઈ હતી. પરંતુ જયસ્વાલ આઉટ થયા પછી એક પછી એક બૅટ્સમૅનો વિકેટ ગુમાવવા લાગ્યા અને ઇનિંગને સ્થિરતા મળી ન હતી. આવું જ બીજી ઇનિંગમાં પણ થયું હતું.

તેની સામે સાઉથ આફ્રિકાની ટીમે બંને દાવમાં સારો દેખાવ કર્યો. પ્રથમ દાવમાં મુથુસામીએ 109 રન અને માર્કો યાન્સને 93 રન બનાવ્યા, તે ઉપરાંત સ્ટબ્સે 49 અને વિકેટકીપર વેરિને પણ 45 રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકાએ આઠમી વિકેટ માટે 97 રનની પાર્ટનરશિપ બનાવી જેણે બીજી ટેસ્ટમાં જીતમાં મોટો ભાગ ભજવ્યો.

બીજી ઇનિંગમાં પણ સાઉથ આફ્રિકાએ 82 રનથી લઈને 101 રન સુધીની પાર્ટનરશિપ બનાવી હતી.

બૉલિંગમાં સાતત્યનો અભાવ

સાઉથ આફ્રિકા સામે ભારતીય બૉલિંગની નબળાઈ સ્પષ્ટ દેખાઈ આવી છે. પ્રથમ ઇનિંગમાં કુલદીપ યાદવે ચાર વિકેટ ઝડપી હતી જેની સામે 115 રન આપ્યા હતા. મોહમ્મદ સિરાજે 30 ઓવરમાં 106 રન આપ્યા પરંતુ માત્ર બે વિકેટ ઝડપવામાં સફળતા મળી હતી. તેવી જ રીતે બુમરાહે પણ 32 રનમાં બે વિકેટ ઝડપી હતી.

સાઉથ આફ્રિકાની બીજી ઇનિંગમાં રવીન્દ્ર જાડેજાને ચાર વિકેટ મળી અને વૉશિંગ્ટન સુંદરે એક વિકેટ ઝડપી. પરંતુ કુલદીપ યાદવને એક પણ વિકેટ મળી ન હતી. બુમરાહ કે સિરાજને પણ વિકેટ મળી ન હતી.

બીબીસી ગુજરાતી ભારત સાઉથ આફ્રિકા ગુવાહાટી ટૅસ્ટ મૅચ ક્રિકેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઋષભ પંત સારો દેખાવ કરવામાં નિષ્ફળ રહ્યા છે

ભૂતપૂર્વ ક્રિકેટરોએ શું કહ્યું?

ભારતના નબળા દેખાવની ભૂતપૂર્વ ક્રિકેટરોએ ટીકા કરી છે.

ક્રિસ શ્રીકાંતે નીતીશ રેડ્ડીને ટીમમાં સમાવવા સામે સવાલ કર્યા છે. તેમણે કહ્યું કે "મૅલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG)માં નીતીશ રેડ્ડીએ સદી ફટકારી, પરંતુ ત્યાર પછી શું કર્યું છે? જો તે ઑલરાઉન્ડર હોય તો હું પણ મહાન ઑલરાઉન્ડર છું."

શ્રીકાંતે વન-ડે ટીમમાં રેડ્ડીને સમાવવા સામે પણ સવાલ ઉઠાવ્યા હતા.

ભૂતપૂર્વ ક્રિકેટર અશ્વિને પણ ભારતીય ટીમની બૉડી લેંગ્વેજ સામે સવાલ કર્યા છે. તેમણે લખ્યું છે કે "બીજી ઇનિંગમાં ભારત બાઉન્સબૅક કરે તેવી આશા રાખું છું. પરંતુ ફિલ્ડમાં બૉડી લેંગ્વેજ કંઇક અલગ સંકેત આપે છે."

રવિ શાસ્ત્રીએ બીજી ટેસ્ટમાં બેટિંગ ઑર્ડર અંગે કહ્યું કે "કોલકાતામાં ચાર સ્પિનરને રમાડો અને એક સ્પિનરને માત્ર એક ઓવર આપો છો. તેના બદલે એક સ્પેશિયાલિસ્ટ બૅટ્સમૅનને સામેલ કરવાની જરૂર હતી. વૉશિંગ્ટન સુંદરને અગાઉની ટેસ્ટમાં ત્રીજા ક્રમે મોકલવામાં આવ્યા. તેમને આ વખતે ચોથા ક્રમે ઉતારવાની જરૂર હતી. તેના બદલે આઠમા ક્રમે મોકલવામાં આવ્યા."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન