'મેલી વિદ્યા' માટે માણસોની હત્યાઓ અને 'સમૃદ્ધિ' આપતું તાવીજ, કુરબાની અને માનવઅંગના વેપારની ભયાનક કહાણી

જાદુઈ તાવીજ બનાવવા માટે લોકોની હત્યા અને અંગોનો વેપાર, કેવી રીતે ચાલે છે આ નેટવર્ક?
બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, આફ્રિકા, બીબીસી આફ્રિકા આઇ, બીબીસી ઇન્વેસ્ટિગેશન માનવઅંગો જાદૂ ટોણા કાળો જાદૂ
ઇમેજ કૅપ્શન, બીબીસી આ પ્રકારનાં કેટલાંક માનવઅંગોના તસ્કરો સુધી પહોંચ્યું
    • લેેખક, ટાયસન કૉનટેહ
    • પદ, બીબીસી આફ્રિકા આઈ, સિયેરા લિયોનથી

સિયેરા લિયોનમાં થયેલી અનેક હત્યાઓનો સંબંધ કથિત રીતે મેલી વિદ્યા સાથે હતો અને પરિવારો આજે પણ તેનું દર્દ સહન કરી રહ્યા છે. બીબીસી આફ્રિકા આઈએ માનવઅંગોની તસ્કરી સાથે સંકળાયેલા લોકોની પડતાલ હાથ ધરી હતી.

ચેતવણી : આ અહેવાલમાં આપવામાં આવેલી કેટલીક માહિતી અમુક વાચકોને વિચલિત કરી શકે છે.

સેલી કાલોકોહના 11 વર્ષના દીકરા પાપાયોની ચાર વર્ષ અગાઉ હત્યા થઈ ગઈ હતી. કથિત રીતે કાળા જાદૂની વિધિને માટે આ હત્યા કરવામાં આવી હતી, છતાં હજુ સુધી આ કેસમાં કોઈને સજા નથી થઈ.

કાલોકોહએ બીબીસી આફ્રિકન આઈ સાથે વાત કરતાં કહ્યું, "મને આજે પણ એ વાતનું દર્દ છે. તેમણે મારા દીકરાને મારી નાખ્યો અને હજુ સુધી કંઈ થયું નથી."

કાલોકોહએ જણાવ્યું કે પાપાયો બજારમાં માછલી વેચવા માટે ગયો હતો અને પછી ક્યારેય પરત જ ન ફર્યો.

બે અઠવાડિયાં સુધી પરિવારજનોએ પાપાયોની શોધ કરી એ પછી તેમના દીકરાનો મૃતદેહ એક કુવામાંથી ક્ષતવિક્ષત અવસ્થામાં મળી આવ્યો હતો. પાપાયોનાં આંખ, બાજુ સહિત તેનાં અનેક અંગો ગુમ હતાં.

કોલકોહ કહે છે, "અમે અમારાં છોકરાંઓને હંમેશા સાવધાન રહેવા ચેતવીએ છીએ. અમે તેમને કહીએ છીએ કે તમે જ્યારે બજારમાં ચીજવસ્તુઓ જાવ, ત્યારે ગલીના સૂમસામ ખૂણામાં કે અજાણ્યા લોકો પાસેથી ચીજવસ્તુઓ ન લેશો."

સિયેરા લિયોનમાં મારાં ગૃહનગરની આ હત્યાની યાદો અનેક વખત મને સતાવે છે. જૂજૂ નામે ઓળખાતા કાળાજાદુને માટે હત્યાના સમાચાર છાશવારે અખબારોમાં છપાતા રહે છે અને અધિકારીઓ દ્વારા તેની પૂરતી તપાસ નથી થતી.

જ્યારે કથિત રીતે જૂજૂ માટે કોઈની હત્યા થાય છે, ત્યારે તેનાં અંગોનો ઉપયોગ કરવામાં આવે છે. આમ છતાં પોલીસે પાપાયોના કેસને "વિધિ માટે હત્યા માનવાનો ઇન્કાર કરી દીધો હતો.

કાળા જાદુનો કાળો પડછાયો

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, આફ્રિકા, બીબીસી આફ્રિકા આઇ, બીબીસી ઇન્વેસ્ટિગેશન માનવઅંગો જાદૂ ટોણા કાળો જાદૂ
ઇમેજ કૅપ્શન, પપાયોનાં માતા સેલી કાલોકોહ હજુ તેમના દીકરાના મૃત્યુને ભૂલી નથી શક્યાં, તેમની ઇચ્છા છે કે દીકરાના હત્યારા પકડાય

આવી રીતે જૂજૂ કરનારા લોકો તેમના ક્લાયન્સને ખોટો વિશ્વાસ અપાવે છે કે માનવઅંગ સાથેનું તાવીજ પહેરવાથી તેમને મોટી રકમ, સમૃદ્ધિ કે સત્તા મળશે.

સિયેરા લિયોનનું તંત્ર ખૂબ જ ટાંચાં સાધનોમાં કામ કરે છે. અહીં લગભગ 89 લાખ લોકોની વચ્ચે દેશભરમાં એક જ પૅથૉલૉજિસ્ટ છે. ગુનેગારોને પકડવા માટે જરૂરી પુરાવા એકઠા કરવાનું કામ મોટાભાગે અશક્ય હોય છે.

મારણજારણ વિશે સિયેરા લિયોનમાં ગાઢ માન્યતાઓ પ્રવર્તે છે, જેથી કેટલાક પોલીસ અધિકારીઓ પણ તપાસને આગળ વધારતા ડરે છે અને આ પ્રકારના મોટાભાગના કેસ વણઉકેલાયેલા જ રહી જાય છે.

મારે ગુપ્ત રીત ચાલતા માનવઅંગોના વેપાર વિશે વધુ જાણવું હતું. બીબીસી આફ્રિકા આઈની ટીમે એવા બે લોકોને શોધી કાઢ્યા જેઓ કથિત રીતે જૂજૂ ટોટકાં કરતા હતા અને તેમણે વિધિ માટે માનવઅંગો મેળવી આપવાની ખાતરી આપી હતી.

બંનેએ દાવો કર્યો હતો કે તેઓ વિશાળ નેટવર્કનો હિસ્સો છે, એમાંથી એકે દાવો કર્યો હતો કે પશ્ચિમ આફ્રિકાના અનેક શક્તિશાળી લોકો તેની પાસે વિધિ કરાવવા આવે છે. બીબીસી તેમના આ દાવાની સ્વતંત્ર રીતે પુષ્ટિ નથી કરતું.

કુરબાનીના બદલામાં સત્તા

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમારી ટીમની એક વ્યક્તિએ ઓસમાણ નામના રાજકારણીનો સ્વાંગ લીધો અને માનવજાતની કુર્બાની દ્વારા સત્તા મેળવવાની માગ કરી.

પહેલાં અમે સિયેરા લિયોનની ઉત્તરે આવેલા કામ્બિયા જિલ્લામાં ગયા. આ વિસ્તાર ગ્યુએનાની સરહદે આવેલો છે. ગાઢ જંગલો પાર કરીને અમે જૂજૂ કરનાર શખ્સના ગુપ્ત ઠેકાણે પહોંચ્યા. અહીં તે પોતાના અસીલોને મળતો.

આ શખ્સે પોતાની ઓળખ કનુ તરીકે આપી. તેણે પોતાની ઓળખ છૂપાવવા માટે સામાન્ય રીતે જૂજ ક્રિયા દરમિયાન વપરાતું લાલ કપડું વીંટી રાખ્યું હતું અને દાવો કર્યો હતો કે તે રાજનેતાઓને સાથે સંબંધ ધરાવે છે.

કનુએ કહ્યું, "મેં ગ્યુએના, સેનેગલ તથા નાઇજીરિયાના મોટા રાજનેતાઓ માટે વિધિ કરી છે. અમારી ટીમ છે. ક્યારેક,ચૂંટણી દરમિયાન મોડીરાત્રે આ જગ્યા હકડેઠઠ ભરાઈ જાય છે."

કેટલાક લોકો ચૂંટણી સમયને ખૂબ જ જોખમી માને છે અને વાલીઓને તેમનાં સંતાનોની વિશેષ સંભાળ રાખવા ચેતવણી આપે છે, કારણ કે આ ગાળા દરમિયાન બાળકો ઊઠાવી જવાનું જોખમ વધી જતું હોય છે.

બીજી મુલાકાત દરમિયાન કનુને ઓસમાણ ઉપર વિશ્વાસ બેસવા લાગ્યો હતો અને તેણે દાવો કર્યો હતો કે તે જૂજૂ ક્રિયા જાણે છે. આ માટે તેણે પુરાવા પેટે ખોપડી પણ દેખાડી.

કનુએ કહ્યું, "આને જોઈ? તે બીજા કોઈકની છે અને હું તેમને સૂકવી આપવાનો છું. તે એક મહિલાની ખોપડી છે. મને લાગે છે કે તે આજકાલમાં આવીને લઈ જશે."

કનુએ તેના પૂજાના સ્થળની પાછળ એક કાણું દેખાડ્યું અને કહ્યું : "અહીં અમે માનવઅંગોને લટકાવીએ છીએ. ત્યાં કુર્બાની આપીએ છીએ અને પછી લોહી પેલી તરફ વહી જાય છે....મોટામોટા નેતાઓ પણ સત્તા જોઈતી હોય, ત્યારે અહીં આવે છે. એમને જે કંઈ જોઈતું હોય, તે હું આપું છું."

ઓસમાણે કહ્યું કે તેને વિધિ માટે મહિલાના હાથની જરૂર છે,ત્યારે કનુ સીધો મુદ્દા ઉપર આવી ગયો: "એક મહિલાની કિંમત સાત કરોડ (લગભગ બે લાખ 68 હજાર રૂપિયા) લિયોન (સ્થાનિક ચલણ) છે."

અમે કોઈને જોખમમાં મૂકવા નહોતા માંગતા એટલે ફરી ક્યારેય કનુ સાથે મુલાકાત ન કરી. તે ઠગ હોય શકે, છતાં અમે બધા પુરાવા સ્થાનિક પોલીસને સુપ્રત કરી દીધા, જેથી કરીને તેઓ જરૂરી તપાસપડતાલ કરી શકે.

દવાની આડમાં જૂજૂ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, આફ્રિકા, બીબીસી આફ્રિકા આઇ, બીબીસી ઇન્વેસ્ટિગેશન
ઇમેજ કૅપ્શન, સિયેરા લિયોન વિશ્વના સૌથી ગરીબ દેશો પૈકી એક છે અને એ હજુ 11 વર્ષ ચાલેલા ગૃહયુદ્ધના આઘાતમાંથી બહાર નીકળી રહ્યું છે

જૂજૂ ક્રિયા કરનારા ક્યારેક પોતાની ઓળખ જડીબુટ્ટીના જાણકાર તરીકે આપતા હોય છે. જડીબુટ્ટીના જાણકાર સ્થાનિક વનસ્પતિઓમાંથી પરંપરાગત ઔષધિ બનાવીને સામાન્ય બીમારીઓની સારવાર કરતાં હોય છે.

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના ડેટા પ્રમાણે, 1990ના દાયકા દરમિયાન સિયેરા લિયોનમાં ભયાનક ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું હતું અને એક દાયકા પહેલાં જ્યારે ઇબોલા ફાટી નીકળ્યો હતો, તેનું કેન્દ્રબિંદુ પણ હતું.

વર્ષ 2022માં સિયેરા લિયોનમાં લગભગ એક હજાર નોંધાયેલા તબીબ હતા, જેની સામે પરંપરાગત રીતે સારવાર કરનારાઓની સંખ્યા 45 હજાર જેટલી હતી.

સિયેરા લિયોનના લોકો શારીરિક અને માનસિક બીમારીની સારવાર માટે મહદંશે આવા પરંપરાગત ઉપચારકો ઉપર જ આધાર રાખતા હોય છે. આ લોકો પોતાનાં ઠેકાણાંમાં રહીને દર્દીઓની સારવાર કરે છે. આ લોકોની સાથે ગૂઢવિદ્યા અને આધ્યાત્મની ભાવના પણ જોડાયેલી હોય છે.

શકુ તરાવાલે સિયેરા લિયોનના પરંપરાગત ઉપચારકોની કાઉન્સિલના વડા છે. તેઓ ભારપૂર્વક કહે છે કે કનુ જેવા મેલીવિદ્યા કરનારાઓને કારણે તેમનું નામ બદનામ થાય છે.

શકુ તરાવાલેએ બીબીસી આફ્રિકા આઈને જણાવ્યું, "અમારી પ્રતિષ્ઠાને જાળવી રાખવા માટે અમે સઘન મહેનત કરીએ છીએ. સામાન્ય લોકો આ ભેદ નથી સમજતા, એટલે તેઓ પરંપરાગત રીતે સારવાર કરનારા બધાયને ખરાબ માની બેસે છે."

"એક ખરાબ માછલી બધાને ખરાબ કરી દે છે....અમે દર્દનિવારક છીએ, હત્યારા નહીં."

સરકાર તથા અન્ય સ્વૈચ્છિક સંસ્થાની મદદથી તેઓ પરંપરાગત ઔષધિઓથી ઉપચાર માટેનું સારવાર કેન્દ્ર ખોલવા માગે છે, જેથી કરીને દર્દીઓની સારવાર થઈ શકે.

શકુ માને છે કે જે લોકો આવી વિધિ માટે હત્યા કરાવે છે, તેઓ સત્તા અને પૈસાના ભૂખ્યા હોય છે.

"જ્યારે કોઈને નેતા બનવું હોય, ત્યારે તે માનવઅંગો મેળવે છે. તેઓ કુર્બાની આપે છે. લોકોને સળગાવીને તેમની રાખનો ઉપયોગ સત્તા મેળવવા કરે છે. લોકોનાં તેલનો ઉપયોગ સત્તા મેળવવા માટે થાય છે."

કેટલી કુરબાની, કોની કુરબાની

સિયેરા લિયોનની મોટાભાગની વસતિ ખ્રિસ્તી અથવા મુસ્લિમ છે. અહીં મારણજારણ કરવા માટે કેટલી હત્યા થઈ, તેનો નક્કર આંકડો મળી શકે એમ નથી.

યુકેની ઍર્ડન યુનિવર્સિટી ખાતે પ્રોફેસર ઇમેન્યુઅલ સરપોંગ ઓવસુએ બીબીસીને જણાવ્યું, "મોટાભાગના આફ્રિકન દેશોમાં કુર્બાની માટે થયેલી હત્યાને અલગ મથાળા હેઠળ નોંધવામાં નથી આવતી."

"કેટલાકને ખોટી રીતે વર્ગિકૃત કરવામાં આવે છે અથવા અકસ્માતે મૃત્યુ કે જંગલી પ્રાણીનો હુમલો, આપઘાત, કુદરતી મોત તરીકે નોંધવામાં આવે છે.....મોટભાગના અપરાધીઓ- કદાચ 90 ટકા- ક્યારેય પકડાતા નથી."

અમને રાજધાની ફ્રીડાઉનના વૉરલૂ વિસ્તારમાં માનવઅંગોના વધુ એક સપ્લાયર વિશે માહિતી મળી. આ વિસ્તાર ડ્રગ્સ તથા અન્ય ગુનાઓ માટે કુખ્યાત છે.

ઓસમાણે સિક્રેટ કૅમેરા સાથે પોતાને ઇદારા તરીકે ઓળખાવતા શખ્સની મુલાકાત કરી. ઇદારાના કહેવા પ્રમાણે, "હું એકલો નથી. મારા હાથ નીચે અઢીસો જેટલા હર્લિયો (જડીબુટ્ટીના જાણકાર) કામ કરે છે."

ઇદારાએ ઉમેર્યું, "તમે માંગો તે ભાગ હાજર કરી શકીએ છીએ. એક વખત ચોક્કસ અંગની માંગ કરીએ એટલે તેઓ લાવી આપે છે. અમે કામની વહેંચણી કરેલી છે."

ઇદારાએ જણાવ્યું કે કેવી રીતે તેના કેટલાક સાગરિત લોકોનું અપહરણ કરવામાં પાવરધા છે. બીજી મુલાકાત વેળાએ ઇદારાએ ઓસમાણને એક વૉઇસ મૅસેજ સંભળાવ્યો. જેમાં સામેવાળી વ્યક્તિનું કહેવું હતું કે તે પીડિતની શોધ માટે દરરોજ રાત્રે બહાર જવા તૈયાર છે.

ઓસમાણે જૂજૂ કરનારા ઇદારાને જાળવી જવા કહ્યું, એ પછી ઇદારાનો સામેથી ફોન આવ્યો. તેણે કહ્યું કે તેની ટીમે એક પીડિતની ઓળખ કરી લીધી છે. એટલે ટીમે પોલીસ કમિશનર ઇબ્રાહિમ સમાનો સંપર્ક સાધ્યો.

પોલીસની પોતાની પરેશાની

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, આફ્રિકા, બીબીસી આફ્રિકા આઇ, બીબીસી ઇન્વેસ્ટિગેશન
ઇમેજ કૅપ્શન, પોલીસે વૉટરલૂ ખાતે આ ઘરે દરોડો પાડી ઇદારા સહિતના લોકોની ધરપકડ કરી, બાદમાં તેમના પર જાદુટોણાં વિરોધી કાયદા અંતર્ગત કેસ થયો હતો

પોલીસ કમિશનર ઇબ્રાહિમ સમાએ રેડ કરવાની તૈયારી દાખવી, સાથે જ ઉમેર્યું કે શકુ તરાવાલે સાથે નહીં હોય, ત્યાર સુધી તેમના માણસો રેડ નહીં પાડે. શકુ સામાન્ય રીતે પોલીસની આવી કામગીરીમાં સ્વૈચ્છાએ મદદ કરતાં હોય છે.

રેડમાં સામેલ ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ અલિયા જાલોએ કહ્યું, "જ્યારે અમને કોઈ ખતરનાક જાદુટોણા કરનારા વિશે માહિતી મળે, ત્યારે અમે પરંપરાગત ઉપચારકોને સાથે રાખીને જ કાર્યવાહી કરીએ છીએ."

જાલોએ ભ્રષ્ટ જૂજૂ ક્રિયા કરનારાઓ સામે કાર્યવાહી કરતી વેળાએ તેમના કેટલાક સિપાહીઓની અંધશ્રદ્ધા વિશે કહ્યું: "હું નથી ઇચ્છતો કે પરિસ્થિતિ વણસી જાય. મને ખબર છે કે તેમની પાસે આવી કેટલીક શક્તિઓ છે, જે મારી સમજ બહારની વાત છે."

ઇદારાને પકડવા માટે દરોડો પાડવામાં આવ્યો, ત્યારે તે હાથમાં ચાકૂ લઈને છાપરા ઉપર છૂપાયેલો મળી આવ્યો. એ પછી શકુ તરાવાલેએ પુરાવા શોધવા માટે ઇદારાનાં ઠેકાણાંની તપાસ હાથ ધરી. શકુએ દાવો કર્યો કે ત્યાંથી માનવ હાડકાં, માનવવાળ અને માણસને અગ્નિદાહની રાખનો ઢગલો મળી આવ્યો છે.

પોલીસ પાસે ઇદારા તથા અન્ય બે શખ્સોની ધરપકડ કરવા માટે પુરતા પુરાવા હતા. જૂન મહિનામાં તેમની ઉપર મેલીવિદ્યા કરવાનો તથા કુર્બાની માટે વપરાતાં પરંપરાગત હથિયારો રાખવાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

ત્રણેય શખ્સોએ તેમની ઉપર લાગેલા આરોપોને નકાર્યા અને તેમને જામીન મળી ગયા. તેમની સામે તપાસ ચાલી રહી છે.

કામ્બિયા પોલીસે કનુ સામે શું કાર્યવાહી કરી, તેના વિશે અમને કશું જણાવવામાં નહોતું આવ્યું. મેં કનુને ફોન કરીને તેની સામેના આરોપો વિશે તેની પાસેથી જવાબ મેળવવા કૉલ કર્યો, પરંતુ તેનો સંપર્ક નહોતો થઈ શક્યો.

મારી કહાણી, મારી સમસ્યા

ઘણી વખત ખૂબ જ હાઇપ્રોફાઇલ કેસમાં પણ પ્રગતિ નથી થતી. બે વર્ષ પહેલાં ફ્રીટાઉનમાં એક યુનિવર્સિટીના પ્રોફેસર ગુમ થઈ ગયા હતા. એ પછી જૂજૂ કરનારા એક શખ્સના પૂજાસ્થાનેથી તેમનો મૃતદેહ દફનાવાયેલી અવસ્થામાં મળી આવ્યો હતો.

ઑગસ્ટ-2023માં પ્રોફેસરનો કેસ મૅજિસ્ટ્રેટ તથા હાઇકોર્ટ સુધી ચાલ્યો હતો, પરંતુ બે સૂત્રોએ બીબીસીને જણાવ્યું કે આ કેસમાં કોઈ પ્રગતિ નથી થઈ અને જેમની ધરપકડ કરવામાં આવી હતી, તેમને પોલીસે જામીન ઉપર છોડી મૂક્યા છે.

મારો પરિવાર પણ ન્યાય મેળવવામાં આવી જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. મે મહિનામાં હું બીબીસી માટે પડતાલ કરી રહ્યો હતો, ત્યારે મારી પિત્રાઈ બહેન ફાતિમા કૉનટેહની (ઉં.વ.28) મકેનીમાં હત્યા કરી દેવામાં આવી હતી.

ફાતિમા હેરડ્રેસર હતી અને તેને બે સંતાનો હતાં. જન્મદિવસનાં બીજા દિવસે જ તેની હત્યા કરીને રસ્તાના કિનારે ફેંકી દેવામાં આવી હતી. એક સ્થાનિકના કહેવા પ્રમાણે, તાજેતરના અઠવાડિયામાં એજ સ્થળેથી આ પહેલાં પણ બે લાશો મળી આવી હતી.

ફાતિમાનો દાંત ગુમ હતો. સ્થાનિકોનું માનવું છે કે કોઈ રિવાજનું પાલન કરવા માટે આ હત્યા કરવામાં આવી હશે.

સ્થાનિક નમાજમાં ફાતિમાનાં પરિવારજનો, મિત્રો તથા સહકર્મીઓ તેને આખરી અલવિદા કહેવા માટે એકઠા થયા, ત્યારે જનાજા માટે આવેલા એક શખ્સે કહ્યું, "તે ક્યારેય કોઈનું બુરું ના કરી શકે. તે ખૂબ જ શાંત અને મહેનતુ હતાં."

ફાતિમાની હત્યા પાછળનો હેતુ અમને ક્યારેય જાણવા નહીં મળે. ફાતિમાના મૃતદેહનું પોસ્ટમૉર્ટમ થઈ શકે, એ માટે તેના મૃતદેહને પરિવારજનોએ પોતાના ખર્ચે ફ્રીટાઉન મોકલાવ્યો. કારણ કે સ્થાનિક અધિકારીઓનું કહેવું હતું કે તેઓ આટલો ખર્ચ ન શરી શકે.

પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં કશું નક્કર બહાર ન આવ્યું અને એ કેસમાં હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં નથી આવી.

માકેના ગરીબ રહીશો ભય અને આતંકના માહોલમાં જીવે છે. પાપાયોના કેસમાં કોઈ પ્રગતિ નથી થઈ એટલે તેનાં માતાને પણ ધરપત નથી. તેમને લાગે છે કે પોલીસે તેમને રઝળતાં મૂકી દીધાં છે.

ક્રિસ એલોક તથા લુઇસ બારુચો દ્વારા વધારાનું રિપોર્ટિંગ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન