નવા લેબર લૉથી દર મહિને તમારા હાથમાં આવતો પગાર ઘટી જશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અજિત ગઢવી
- પદ, બીબીસી સંવાદદાતા
કામદાર યુનિયનોના વિરોધ વચ્ચે દેશમાં 21 નવેમ્બરથી નવા લેબર કૉડ લાગુ થઈ ગયા છે. આ કૉડની વિવિધ દરખાસ્તોને કારણે કામદારોના દર મહિને હાથમાં આવતા પગાર (ટેક-હોમ સૅલેરી) માં ફરક પડશે. આ ઉપરાંત, પ્રોવિડન્ટ ફંડ (PF) અને ગ્રેચ્યુઇટીમાં યોગદાન પણ બદલાઈ જશે.
ભારતમાં શ્રમ સંબંધિત 29 અલગ-અલગ કાયદાઓ હતા, જેને સંગઠિત કરીને ચાર કૉડ માં રૂપાંતરિત કરવામાં આવ્યા છે.
- આના કારણે શ્રમ સંબંધિત નિયમોની સંખ્યા 1400થી ઘટીને લગભગ 350 થઈ છે.
- કંપનીઓએ ભરવા પડતાં ફૉર્મની સંખ્યા 180થી ઘટીને 73 થઈ જશે.
વેતન અંગેના નિયમો ગયા સપ્તાહથી લાગુ થઈ ગયા છે, પરંતુ વિગતવાર નિયમોની જાહેરાત આગામી દોઢ મહિનાની અંદર કરવામાં આવશે.
હાથમાં આવતો પગાર ઘટશે

ઇમેજ સ્રોત, Getty Images
હવેથી કર્મચારીના કોસ્ટ-ટુ-કંપની (CTC) માં ઓછામાં ઓછા 50 ટકા હિસ્સો બેઝિક સૅલેરીનો રહેશે. આના લીધે કંપનીઓ પગારના પૅકેજનું માળખું બદલે તેવી શક્યતા છે.
કર્મચારીઓને નિવૃત્તિ પછી વધુ રકમ મળે તેવું આયોજન હોવાથી, ઘણા કર્મચારીઓનો દર મહિને હાથમાં આવતો પગાર ઘટી જવાની શક્યતા છે.
હાલમાં ઘણી કંપનીઓ બૅઝિક સૅલેરી ઓછો રાખતી હોય છે, જેથી તેમણે નિવૃત્તિ વખતે ઓછા લાભ આપવા પડે. પરંતુ નવા કૉડ મુજબ પ્રોવિડન્ટ ફંડ (PF) અને ગ્રેચ્યુઇટીમાં હવેથી વધારે યોગદાન આપવામાં આવશે. તેથી નિવૃત્તિ સમયે વધારે રકમ મળી શકશે.
હાલમાં બૅઝિક સૅલેરીના 12 ટકા રકમ પીએફમાં જાય છે. જ્યારે ગ્રેચ્યુઇટીની ગણતરી છેલ્લા બૅઝિક પગાર અને કંપનીમાં પૂરા કરેલા કામનાં વર્ષના આધારે થાય છે.
કર્મચારીઓને સરળતાથી છૂટા કરી શકાશે

ઇમેજ સ્રોત, Getty Images
- હવેથી 300થી ઓછા કર્મચારી હોય તો કંપની સરકારની મંજૂરી વગર કર્મચારીઓની છટણી કરી શકશે. અગાઉ આ મર્યાદા 100 કર્મચારીની હતી.
- માણસોને છૂટા કરવામાં નાની કંપનીઓએ બહુ આકરા નિયમો પાળવા નહીં પડે.
- હવેથી કારખાનામાં હડતાળ માટે 14 દિવસ અગાઉથી નોટિસ આપવી પડશે. માસ કેજ્યુઅલ લીવ પણ સ્ટ્રાઇકની વ્યાખ્યામાં આવી જશે.
- ભારતમાં પહેલી વખત ગિગ અને પ્લૅટફૉર્મ વર્કર (જેમ કે ઓલા, ઉબરના ડ્રાઇવરો, ઝોમેટો કે સ્વિગીના ડિલિવરી પાર્ટનર્સ વગેરે)ને પહેલી વખત લેબર કોડમાં વ્યાખ્યાયિત કરાયા
- કંપનીઓ કર્મચારીઓને રોજના 8થી 12 કલાક કામ કરાવી શકશે. અઠવાડિયામાં મહત્તમ 48 કલાક કામ કરાવી શકાશે.
- ઓવરટાઇમ માટે નૉર્મલ વેતન કરતા બમણું વેતન ચૂકવવું પડશે.
- કૉન્ટ્રેક્ટરને ભારતમાં ગમે ત્યાં કામ કરવા સિંગલ લાઇસન્સ લેવું પડશે, જે પાંચ વર્ષ માટે ચાલશે.
- દરેક કર્મચારીને લેખિત, સત્તાવાર ઍપૉઇન્ટમેન્ટ લેટર આપવા પડશે. તેમાં કર્મચારીની ભૂમિકા, પગાર અને સોશિયલ સિક્યૉરિટીની વિગત હોવી જરૂરી છે.
- ગિગ અને પ્લૅટફૉર્મ વર્કર સહિતના તમામ કર્મચારીઓને સોશિયલ સિક્યૉરિટી આપવી પડશે.
- કર્મચારીઓને દર વર્ષે ફ્રી મેડિકલ ચેકઅપની સુવિધા આપવી પડશે.
મહિલા કર્મચારીઓને શું ફાયદો?

ઇમેજ સ્રોત, Getty Images
- એક સરખા કામ માટે એક સરખો પગાર લાગુ થશે. એટલે કે મહિલાઓને પુરુષ કર્મચારી જેટલો જ પગાર આપવો પડશે.
- સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હોય તેવા કિસ્સામાં મહિલાઓ પોતાની ઈચ્છાથી નાઇટ શિફ્ટમાં કામ કરી શકશે.
- અસંગઠીત સેક્ટરની મહિલાઓને પણ મેટરનિટી બેનિફીટ મળશે. જેમાં 26 અઠવાડિયાંની પેઇડ લીવ સામેલ છે.
- મિનિમમ લિવિંગ સ્ટાન્ડર્ડ માટે એક કાયદાકીય ધોરણ નક્કી કરાશે. કોઈ રાજ્ય આ બેન્ચમાર્કથી નીચે પગાર નહીં રાખી શકે.
રજાઓ અને ગ્રેચ્યુઇટી અંગેના નિયમો

ઇમેજ સ્રોત, Getty Images
નવા લેબર કાયદા હેઠળ ફિક્સ્ડ ટર્મ કર્મચારીઓ પાંચ વર્ષના બદલે માત્ર એક વર્ષની સર્વિસ પછી ગ્રેચ્યુઇટી મેળવવાને પાત્ર રહેશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કર્મચારીઓ માટે ટૅક્સ ફ્રી ગ્રેચ્યુઇટીની લિમિટ 20 લાખ રૂપિયા પર જાળવી રાખવામાં આવી છે. 2018માં આ લિમિટ 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી હતી. એટલે કે 20 લાખથી વધારે ગ્રેચ્યુઇટી મળે ત્યારે તે કરપાત્ર આવકમાં ગણાશે અને તે મુજબ ટૅક્સ સ્લેબ લાગુ પડશે.
180 દિવસ કામ કર્યા પછી કર્મચારી દર 20 દિવસે એક દિવસની એન્યુઅલ લીવ મેળવવાને પાત્ર બનશે. અગાઉ 240 દિવસ કામ કર્યા પછી આ લીવ મળતી હતી. તેનાથી કૉન્ટ્રેક્ટ વર્કર્સ, સિઝનલ કામદારો, માઇગ્રન્ટ કામદારોને ફાયદો થઈ શકે છે.
કામના કલાકો પછી ઓવરટાઇમ માટે ડબલ વેતન આપવું પડશે તે જોગવાઈ ઔદ્યોગિક કામદારોને લાભદાયક બનશે તેવો સરકારનો દાવો છે. જોકે, કામદારો પાસે તેમની મંજૂરી વગર ઓવરટાઇમ નહીં કરાવી શકાય.
લેબર બાબતોના નિષ્ણાતોનો મત

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અગાઉ માત્ર સરકારી માલિકીની કંપનીઓમાં હડતાળ અગાઉ 14 દિવસની નોટિસ આપવી પડતી હતી, હવે ખાનગી કંપનીઓમાં પણ નોટિસ પિરિયડ લાગુ થશે જેનો સેન્ટર ફૉર ઇન્ડિયન ટ્રેડ યુનિયન્સ (સીટુ)ના રાષ્ટ્રીય મહામંત્રી સુદીપ દત્તાએ વિરોધ કર્યો છે.
અગાઉ 100થી વધુ કામદાર ધરાવતી ફૅક્ટરીએ જ છટણી કરવા માટે સરકારની મંજૂરી લેવી પડતી હતી. હવે આ 299 સુધી કર્મચારી હોય તો સરકારની મંજૂરી વગર કર્મચારીઓને છૂટા કરી શકાશે. આ નિયમનો વિરોધ કરતા સુદીપ દત્તાએ બીબીસીને કહ્યું કે, "સરકાર લેબર કાયદામાં મોટી સંખ્યામાં વર્કફોર્સને દૂર શા માટે કરી રહી છે?"
અખિલ ગુજરાત મજદૂર સંઘના ઍડ્વોકેટ અને નિવૃત્ત જજ એમ. જે. મેમણે બીબીસી ગુજરાતીને જણાવ્યું, "આપણા ત્યાં 300 કે તેનાથી વધુ કર્મચારી વાળી કંપનીઓ પાંચ ટકા પણ નહીં હોય. તેથી મોટા ભાગના કર્મચારીઓને 'હાયર ઍન્ડ ફાયર' મુજબ ગમે ત્યારે કાઢી શકાશે."
તેમના કહેવા પ્રમાણે, આ લોકો અનઑર્ગેનાઇઝ્ડ સેક્ટરમાં કામ કરે છે અને તેઓ કોઈ વકીલનો કે યુનિયનનો પણ સંપર્ક નહીં કરી શકે. તેઓ ઉમેરે છે કે, 21 નવેમ્બર, 2025 પછી જે કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા તેમની ફરિયાદ લેબર કમિશ્નર લેતા પણ નથી.
કોઈ કર્મચારી એક વર્ષ સુધી કામ કરે તો 15 દિવસનો પગાર ગ્રેચ્યુઇટી તરીકે આપવો તેવું નક્કી થયું છે. પરંતુ જો કંપનીઓ 11 મહિનામાં જ કર્મચારીને કાઢી મૂકશે તો ગ્રેચ્યુઇટી નહીં મળે અને તેની ફરિયાદ પણ સાંભળવામાં નહીં આવે.
ઍડ્વોકેટ મેમણે જણાવ્યું કે, "નવા કાયદામાં સરકારે લેબર કોર્ટ જ કાઢી નાખી છે અને ઔદ્યોગિક ન્યાય પંચ નામે માળખું ઊભું કર્યું છે, જેના માટે જે બે જજ જોઈએ તેની નિમણૂક કરવામાં નથી આવી."
ઓવરટાઇમના કાયદા વિશે તેમણે કહ્યું કે "અત્યાર સુધી ભાગ્યે જ કોઈ કંપનીએ કર્મચારીઓને ડબલ ઓવર ટાઇમ આપ્યો હશે. માંડ એક ટકા ઉદ્યોગો આનું પાલન કરતા હશે."
બીજી તરફ કોલંબિયા યુનિવર્સિટીના ઇકૉનૉમિસ્ટ પ્રોફેસર અરવિંદ પનાગરિયાના કહેવા પ્રમાણે કર્મચારીઓની છટણીને નિયંત્રિત કરતા અગાઉના કાયદા ભારત માટે નુકસાનકારક હતા અને ચીન, વિયેતનામ અને બાંગ્લાદેશ જેવા દેશોની સામે ભારતની સ્પર્ધાત્મકતા ઘટાડતા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












