આકાશમાંથી બંદૂકોનો વરસાદ: ભારતને હચમચાવી નાખનારો કેસ જેનું રહસ્ય 30 વર્ષ બાદ પણ ઉકેલાયું નથી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી
ડિસેમ્બર 1995ની આ વાત છે. 17 ડિસેમ્બરની રાત્રે લગભગ ચાર ટન વજન જેટલાં ખતરનાક હથિયારો લાદીને એક રશિયન એન્ટોનોવ એએન 26 વિમાને કરાચીથી ઢાકા માટે ટેક ઑફ કર્યું.
એ વિમાનમાં આઠ મુસાફરો બેઠા હતા. એક ડેનિશ વ્યક્તિ કિમ પીટર ડેવી, એક બ્રિટિશ હથિયાર વિક્રેતા પીટર બ્લીચ, સિંગોપોરના રહીશ ભારતીય મૂળના એક વ્યક્તિ દીપક મણિકાન અને ચાલકદળના પાંચ સભ્યો.
આ પાંચેય રશિયન બોલતા હતા અને લાતવિયાના નાગરિક હતા. વિમાને વારાણસીના બાબતપુર એરપૉર્ટ પર ઈંધણ પુરાવ્યું. ત્યાં જ, વિમાનમાં લદાયેલાં હથિયારો સાથે ત્રણ પૅરાશૂટ બાંધવામાં આવ્યાં.
પીટર બ્લીચે સીબીઆઇને આપેલા પોતાના નિવેદનમાં આ વાતો સ્વીકારી હતી અને એવું પણ કબૂલ્યું હતું કે કરાચી આવતાં પહેલાં બલ્ગેરિયાના બર્ગાસમાં બધાં હથિયાર આ વિમાનમાં લાદવામાં આવેલાં.
વરિષ્ઠ પત્રકાર ચંદન નંદી પોતાના બહુચર્ચિત પુસ્તક 'ધ નાઇટ ઇટ રેન્ડ ગન્સ'માં લખે છે, "વારાણસીથી ટેક ઑફ કર્યા બાદ વિમાને ગયાની ઉપરથી પોતાનો માર્ગ બદલી નાખ્યો. તે જેવું પશ્ચિમ બંગાળના એક ખૂબ જ પછાત જિલ્લા પુરુલિયાની ઉપર પહોંચ્યું, ત્યારે તે ખૂબ નીચે ઊડવા લાગ્યું. ત્યાં જ પૅરાશૂટ સાથે બંધાયેલાં લાકડાંનાં ત્રણ બૉક્સ નીચે ફેંકી (ડ્રૉપ) દેવામાં આવ્યા, જેમાં સેંકડો એકે 47 રાઇફલ્સ ભરેલી હતી."
"આ સામાન ઝાલદા ગામની નજીક પાડવામાં આવ્યો હતો, જે આનંદમાર્ગના મુખ્ય મથકથી ઘણું નજીક હતું. સામાન નીચે પાડી દેવાયા પછી વિમાન પોતાના પૂર્વ નિર્ધારિત રસ્તે ફરીથી ઊડવા લાગ્યું. તેણે કલકત્તામાં લૅન્ડ કરીને ફરી ઈંધણ પુરાવ્યું અને થાઇલૅન્ડના ફુકેત માટે ઊડી ગયું."
પીટર બ્લીચની આશંકા

ઇમેજ સ્રોત, Rupa
ચંદન નંદી અને બ્રિટિશ પત્રકાર પીટર પૉફેમ અનુસાર, વિમાનમાં બેઠેલા હથિયારોના વેપારી પીટર બ્લીચનો સંબંધ બ્રિટિશ ઇન્ટેલિજન્સ એજન્સી એમઆઇ 6 સાથે હતો. ક્યારેક ક્યારેક તે તેમનાં જાસૂસી મિશનમાં મદદ કરતા હતા.
જ્યારે વિમાને વારાણસીથી ટેક ઑફ કર્યું, ત્યારે તેને બીક હતી કે તેના વિમાનને તોડી પડાશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બ્રિટનના જાણીતા અખબાર 'ધ ઇન્ડિપેન્ડન્ટ'ના 6 માર્ચ 2011ના અંકમાં 'અપ ઇન આર્મ્સ: ધ બિઝાર કેસ ઑફ ધ બ્રિટિશ ગન રનર, ધ ઇન્ડિન રેબેલ્સ ઍન્ડ ધ મિસિંગ ડેન' શીર્ષક-લેખમાં પીટર પૉફેમે લખ્યું હતું, "પીટર બ્લીચે મને જણાવ્યું હતું કે ઉડ્ડયનના ત્રણ મહિના પહેલાં એક ડેનિશ ગ્રાહકને મોટી માત્રામાં હથિયારો ઉપલબ્ધ કરાવવા માટે તેનો સંપર્ક કરાયો હતો. જ્યારે તેને ખબર પડી કે આ હથિયાર કોઈ દેશ માટે નથી, બલકે એક ચરમપંથી સંગઠન માટે છે, ત્યારે તેણે તેની માહિતી બ્રિટિશ ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટને પહોંચાડી દીધી હતી."
"બ્રિટિશ ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટે તેને સલાહ આપી હતી કે તે પોતાનું કામ ચાલુ રાખે. તે એવા વિશ્વાસે આ ઑપરેશનમાં સામેલ થયો કે તે એક ચરમપંથી વિરોધી સ્ટિંગ ઑપરેશનમાં ભાગ લઈ રહ્યો છે અને હથિયારો જમીન પર પાડી (ડ્રૉપ કરી) દેવાય તે પહેલાં ભારતીય એજન્સીઓ તેને અટકાવી દેશે અને તે આમાંથી બહાર નીકળી જશે."
પુરુલિયામાં હથિયાર પાડી દેવાયાં

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પરંતુ મિશન શરૂ થયા પહેલાં એ બાબતના કશા સંકેત નહોતા મળ્યા કે ભારતીય વહીવટીતંત્ર આને રોકવા માટેની કોશિશ કરી રહ્યું છે.
પીટર પૉફેમ લખે છે, "બ્લીચે કહેલું કે જ્યારે તેમણે વારાણસીથી ટેક ઑફ કર્યું, ત્યારે તેમને ચિંતા સતાવવા લાગી હતી. તેમને લાગ્યું કે ભારતીયોએ વિમાનને તોડી પાડવાનો નિર્ણય કરી લીધો છે. તેમને બીક હતી કે તેમનો અંત નજીક છે."
પરંતુ વિમાને રાત્રિના અંધકારમાં હથિયારો નીચે પાડી દીધાં અને કંઈ પણ ન થયું. બ્લીચની દૃષ્ટિએ તેમની મુશ્કેલીનો અંત આવી ગયો હતો, પરંતુ ત્યાંથી તેમની મુશ્કેલીની શરૂઆત થઈ રહી હતી.
સેંકડો એકે 47 રાઇફલ્સ અને હથિયાર જમીન પર વેરવિખેર પડેલાં મળ્યાં.
18 ડિસેમ્બરની સવારે પુરુલિયા જિલ્લાના ગનુડીહ ગામના સુભાષ તંતુબાઈ પોતાના ઢોરઢાંખર ચરાવવા બહાર નીકળ્યા.
અચાનક તેમની નજર એક ટેકરી સામેના ઘાસના મેદાન પર પડી, જ્યાં એક વસ્તુ ચમકી રહી હતી.
ઝાલદા પોલીસ સ્ટેશનની કેસ ડાયરીમાં લખવામાં આવ્યું હતું કે, જ્યારે સુભાષ નજીક ગયા ત્યારે તેમની નજર એક એવી બંદૂક પર ચોંટી ગઈ જેને તેમણે અગાઉ ક્યારેય નહોતી જોઈ. ત્યાં ચારેબાજુ લગભગ 35 બંદૂકો વેરાયેલી પડી હતી. આ જોતાં જ તેઓ ઝાલદા પોલીસ સ્ટેશન તરફ ભાગ્યા.
પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પ્રણવકુમાર મિત્રએ ચંદન નંદીને જણાવ્યું હતું, "સમાચાર સાંભળતાં જ હું મારી વર્દી પહેરીને ચિતમૂ ગામ તરફ રવાના થઈ ગયો. જ્યારે હું ત્યાં પહોંચ્યો, તો મેં જોયું કે ત્યાં જમીન પર પડેલા ઑલિવ કલરના લાકડાનાં ક્રેટ તોડી નંખાયાં હતાં અને તેમાં રખાયેલાં હથિયાર ગુમ હતાં."
"મારો એક સાથી ભારતીય સેનાના એક સૈનિકને બોલાવી લાવ્યો હતો. મારા કહેવાથી તેણે નજીકના તળાવમાં ડૂબકી મારી. જ્યારે બહાર નીકળ્યા ત્યારે તેમના હાથમાં એક ટૅન્કનાશક ગ્રેનેડ હતો. ત્યારે મને પહેલા વાર અંદાજ આવ્યો કે આ એક ગંભીર મામલો છે."
ત્યાર પછી ત્યાં લાઉડ સ્પીકર દ્વારા જાહેરાત કરાવાઈ કે જેમની પાસે હથિયાર હોય, તેઓ તે પોલીસને પાછાં સોંપી દે.
પછીથી નજીકનાં ગામ ખટંગા, બેલામૂ, મારામૂ, પાગડો અને બેરાડીહમાં ઘણી એકે 47 રાઇફલ્સ પડેલી મળી આવી.
એક વ્યક્તિએ આવીને જણાવ્યું કે ખેતરમાં નાઇલૉનનો એક મોટો પૅરાશૂટ પડ્યો છે, જેની નીચે ઘણી રાઇફલ્સ પડી છે.
કલકત્તાની અદાલત દ્વારા બ્રિટન, બલ્ગેરિયા, લાતવિયા અને દક્ષિણ આફ્રિકાના સંબંધિત અધિકારીઓને મોકલવામાં આવેલા વિનંતીપત્રમાં કહેવાયું, "પુરુલિયા અને તેની આસપાસના વિસ્તારોમાંથી કુલ 300 એકે 47 રાઇફલ્સ, 25 9એમએમ પિસ્ટલ, 2 7.62 સ્નાઇપર રાઇફલ્સ, 2 નાઇટ વિઝન દૂરબીન, 100 ગ્રેનેડ્સ અને 16,000 રાઉન્ડ ગોળીઓ મળી આવ્યાં છે. આ બધાંનું કુલ વજન 4,375 કિલોગ્રામ હતું."
વિમાનને જબરજસ્તી મુંબઈમાં ઉતારવામાં આવ્યું

ઇમેજ સ્રોત, Getty Images
હથિયાર જમીન પર પાડનારાઓ માટે પરિસ્થિતિ ત્યારે બગડવા માંડી જ્યારે તેમને ખબર પડી કે તેમના દ્વારા ફેંકવામાં આવેલાં હથિયાર ભારતીય સુરક્ષા દળોના હાથમાં આવી ગયાં છે.
તેમ છતાં, તેમણે પાછા જવા માટે કરાચી માટેનું ઉડ્ડયન શરૂ કર્યું. ફુકેતથી પાછા વળતાંના ઉડ્ડયન માટે તેમણે કલકત્તાના બદલે ચેન્નઈમાં ઈંધણ ભરાવ્યું અને ત્યાંથી ટેક ઑફ કર્યું.
હજુ તો તેમનું વિમાન મુંબઈથી 15-20 મિનિટના અંતરે હતું, ત્યાં કૉકપિટના રેડિયો પર અવાજ ગૂંજ્યો અને ભારતીય વાયુસેનાના મિગ 21 વિમાને રશિયન વિમાનને મુંબઈ ઍરપૉર્ટ પર ઊતરવાનો આદેશ આપ્યો.
ચંદન નંદી લખે છે, "જ્યારે વિમાન ઊતરવા લાગ્યું, ત્યારે કિમના ચહેરા પર ચિંતાની રેખાઓ વધી ગઈ. તેણે પોતાની બ્રીફકેસમાંથી કેટલાક કાગળ કાઢીને તેના નાના નાના ટુકડા કરીને તેને સળગાવી દીધા. ત્યાર પછી તેણે તેને ટૉયલેટમાં ફ્લશ કરી દીધા."
"પછી તેણે પોતાની બ્રીફકેસમાંથી ચાર ફ્લૉપી ડિસ્ક કાઢીને તેના પણ ટુકડા કરી નાખ્યા. પછી તેણે બ્લીચનું લાઇટર લઈને તેને સળગાવી દીધા. જ્યાં સુધીમાં તેણે આ કાર્ય પૂરું કર્યું, વિમાનનાં પૈડાં મુંબઈ ઍરપૉર્ટના રનવેને અડી ગયાં હતાં."
કિમ ડેવી ભાગી જવામાં સફળ થયા

ઇમેજ સ્રોત, Getty Images
જ્યારે વિમાન સહાર આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર લૅન્ડ થયું, તે સમયે રાત્રિના એક વાગ્યા ને ચાલીસ મિનિટ થઈ હતી, પરંતુ ત્યાં વિમાન માટે એક પણ વ્યક્તિ હાજર નહોતો.
પીટર બ્લીચે સીબીઆઇને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે 10 મિનિટ પછી એરપૉર્ટ પર ત્યાં એક જીપ પહોંચી, જેમાં બે વ્યક્તિ બેઠા હતા.
તેમણે તેમને સવાલ પૂછ્યો કે તેઓ ત્યાં શું કરે છે અને મંજૂરી વગર વિમાનને ત્યાં લૅન્ડ કેમ કર્યું છે?
ચંદન નંદી લખે છે, "ડેવી અને બ્લીચ એ બે અધિકારીઓ સાથે વાતચીત કરતા રહ્યા. ભારતીય અધિકારીઓની મૂર્ખતા અને અક્ષમતા એની પરાકાષ્ઠાએ હતી. જ્યારે ડેવીએ તેમને પૂછ્યું કે શું તેમણે લૅન્ડિંગ માટેની ફી ચૂકવવી પડશે, ત્યારે અધિકારીઓનો ઉત્તર હતો – હા."
"વિમાન લૅન્ડ થયાની લગભગ 45 મિનિટ પછી બીજી એક જીપ ત્યાં પહોંચી. જેમાં સાદાં કપડાંમાં છ-સાત લોકો બેઠા હતા. તેમણે પોતાની ઓળખ કસ્ટમ અધિકારીઓ તરીકે આપી અને કહ્યું કે તેઓ વિમાનની જડતી લેવા માગે છે."
"કસ્ટમ અધિકારીઓ વિમાનમાં પ્રવેશ્યા પછી ડેવી વિમાનમાં ઘૂસ્યો. તેણે કાગળોનું એક ફોલ્ડર ઉપાડ્યું અને ચૂપચાપ વિમાનમાંથી નીચે ઊતરી ગયો. ત્યાર પછી ડેવીને કોઈએ ન જોયો. થોડી વાર પછી વિમાનને 50થી 70 સશસ્ત્ર સુરક્ષાકર્મીઓએ ઘેરી લીધું."
વિમાનના ચાલકદળને આજીવન જેલ

ઇમેજ સ્રોત, Getty Images
પીટર બ્લીચ અને વિમાનના ચાલકદળના પાંચ સભ્યોની ધરપકડ કરી લેવામાં આવી. તે બધા પર ભારત વિરુદ્ધ યુદ્ધનો કેસ ચલાવવામાં આવ્યો.
બે વર્ષ સુધી ચાલેલા મુકદમા પછી બધાને આજીવન જેલની સજા સંભળાવવામાં આવી.
લગભગ 10 વર્ષ પછી કિમ ડેવી ફરી દેખાયા. ડેવીએ આખા ડેન્માર્કમાં ફરીને પોતાના કામનાં ગુણગાન ગાયાં.
ભારતે ડેવીના પ્રત્યાર્પણ માટે ભરપૂર પ્રયાસો કર્યા, પરંતુ સફળતા ન મળી.
ડેવીનો સનસનાટીભર્યો દાવો

ઇમેજ સ્રોત, Getty Images
ડેવીએ 27 એપ્રિલ 2011એ એક ટીવી ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો, "આ આખા પ્રકરણમાં ભારતીય ઇન્ટેલિજન્સ એજન્સી રૉની ભૂમિકા હતી અને ભારત સરકારને પહેલાંથી જ હથિયાર પડવાની બાબતની માહિતી હતી. આ ઑપરેશન રૉ અને બ્રિટિશ ઇન્ટેલિજન્સ એમઆઇ 6નું સંયુક્ત ઑપરેશન હતું."
સરકાર દ્વારા આ દાવાનું ખંડન કરવામાં આવ્યું અને સીબીઆઇએ નિવેદન આપ્યું કે આ ઘટનામાં કોઈ પણ સરકારી એજન્સીનો હાથ નહોતો. પછીથી કિમ ડેવીએ એક પુસ્તક લખ્યું 'ધે કૉલ્ મી ટેરરિસ્ટ'.
તેમાં કિમ ડેવીએ દાવો કર્યો, "બિહારના એક રાજનેતાએ તેને ભારતમાંથી ભાગવામાં મદદ કરી હતી. તેમની મદદથી જ વાયુસેનાનાં રડારોને થોડા સમય માટે બંધ કરી દેવાયાં, જેથી હથિયારોને વિના રોકટોક નીચે ફેંકી શકાય. એ હથિયારોનો ઉદ્દેશ આનંદમાર્ગીઓ દ્વારા પશ્ચિમ બંગાળમાં હિંસા ફેલાવવાનો હતો, જેથી તેનું બહાનું કરીને જ્યોતિ બસુના નેતૃત્વવાળી રાજ્ય સરકારને બરતરફ કરી શકાય."
આનંદમાર્ગે પહેલાં અને કિમ ડેવીના દાવા પછી પણ બધા આરોપોનો ઇનકાર કર્યો હતો અને એમ કહેલું કે કેટલાક લોકો તેમની સંસ્થાને બદનામ કરવા માગે છે. પોલીસે જમીન પર હથિયાર પાડવામાં આવ્યાં પછી તપાસ કરી હતી. આનંદમાર્ગનો દાવો હતો કે પોલીસને ત્યાંથી કોઈ હથિયાર નહોતાં મળ્યાં.
જ્યારે ભારતીય સંસદ દ્વારા રચવામાં આવેલી પુરુલિયા આર્મ્સ ડ્રૉપિંગ કમિટીના કેટલાક સાંસદોએ સવાલ પૂછ્યો કે શું ભારતીય વાયુસેનાનાં રડાર 24 કલાક કામ કરે છે?
ત્યારે ભારતીય વાયુસેનાના પ્રતિનિધિ ઍર વાઇસમાર્શલ એમ મૅકમોહને જવાબ આપ્યો હતો, "રડારોને 24 કલાક સક્રિય રાખવાં શક્ય નથી, કેમ કે, તેનાથી તે બળી જવાનું જોખમ ઊભું થાય છે."
(પુરુલિયા આર્મ્સ ડ્રૉપિંગ કમિટીનો ત્રીજો રિપોર્ટ, પૃષ્ઠ 7)
બ્રિટનના ગૃહમંત્રીએ કહ્યું– ભારતને પહેલાંથી આના વિશે માહિતી હતી

ઇમેજ સ્રોત, People’s Press
કિમ ડેવીએ એવો દાવો પણ કર્યો કે ભારતના વહીવટી તંત્રને તેમના ફ્લાઇટ પ્લાનની પહેલાંથી ખબર હતી, તેમને એ પણ ખબર હતી કે વિમાનમાં કેટલા લોકો સવાર છે, વિમાનમાં કેટલાં હથિયાર છે અને તેને કઈ જગ્યાએ પાડી દેવાનાં છે.
ડેવીએ સવાલ કર્યો કે કોઈ પણ સમજદાર વ્યક્તિ સરકારની જાણ વગર એક દુશ્મન દેશ પાસેથી હથિયારોથી ભરેલું વિમાન ભારતીય સીમાની અંદર શા માટે લાવશે?
રૉના એક પૂર્વ અધિકારી આરકે યાદવે પોતાના પુસ્તક 'મિશન રૉ'માં લખ્યું, "ડેવીના આ દાવાની પુષ્ટિ ત્યારે થઈ, જ્યારે ભારતના પ્રવાસે આવેલા બ્રિટનના ગૃહમંત્રી માઇકલ હાવર્ડે એક પત્રકાર પરિષદમાં સ્પષ્ટ કહ્યું કે બ્રિટિશ સરકારે હથિયાર પડવા બાબતે ભારતને પહેલાંથી જાણ કરી દીધી હતી."
"આમ છતાં નાગરિક ઉડ્ડયન ડાયરેક્ટર જનરલે વિમાનને કલકત્તામાં ઊતરવાની પરવાનગી શા માટે આપી? જો રૉને આના વિશે અગાઉથી માહિતી હતી, તો સરકારની બીજી એજન્સીઓ જેવી કે ઇન્ટેલિજન્સ બ્યૂરો, સ્થાનિક પોલીસ કે કસ્ટમ વિભાગે વારાણસીમાં જ વિમાનની જડતી શા માટે ન લીધી?"
પીટર બ્લીચ અને ચાલકદળને મુક્તિ

ઇમેજ સ્રોત, Manas Publication
આરકે યાદવે પોતાના પુસ્તકમાં લખ્યું, "રશિયાના વિમાનને જાણી જોઈને એરપૉર્ટ ઇમારતથી છ કિમી દૂર પાર્ક કરવામાં આવ્યું. જ્યારે સુરક્ષા અને ઇન્ટેલિજન્સ એજન્સીઓના લોકો ત્યાં પહોંચ્યા ત્યારે વિમાનનો દરવાજો ખુલ્લો હતો અને ડેવીને અરપૉર્ટના સરકારી વાહનમાં ત્યાંથી લઈ જવામાં આવ્યા અને કસ્ટમ અને ઈમિગ્રેશનની કોઈ પણ તપાસ કર્યા વગર તેમને ત્યાંથી ભાગી જવા દેવાયા."
એ વાત કલ્પના બહારની છે કે એક વિદેશી વિમાન ભારતીય હવાઈસીમાનું ઉલ્લંઘન કરે છે અને પૅરાશૂટની મદદથી તેના વિસ્તારમાં હથિયાર ઉતારે છે.
ચંદન નંદી લખે છે, "એ પણ ન સમજાય તેવી વાત છે કે વિમાનને જબરજસ્તી ઉતાર્યા છતાં આ આખા ઑપરેશનના સર્વેસર્વા કિમ ડેવી ઉર્ફે નીલ નિલ્સન ભારતીય સુરક્ષા એજન્સીઓના હાથમાંથી છટકીને રહસ્યમય પરિસ્થિતિઓમાં મુંબઈના સહાર આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પરથી બચીને નીકળી ગયા."
ધરપકડ પછી કિમ ડેવીના સાથી પીટર બ્લીચે આખી ઘટનાનો ભાંડો ફોડી નાખ્યો, કેમ કે, તેને આશા હતી કે તેને છોડી મૂકવામાં આવશે.
પરંતુ તેના પર કેસ ચલાવવામાં આવ્યો અને આજીવન જેલની સજા પણ સંભળાવવામાં આવી.
એ અલગ વાત છે કે 2004માં ટોની બ્લેરની લેબર સરકારની વિનંતી પછી ભારતના રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે તેને માફી આપી દીધી અને તેને છોડી મૂકવામાં આવ્યો. તે સમયે અટલ બિહારી વાજપેયી ભારતના વડા પ્રધાન હતા.
તેનાં ચાર વર્ષ પહેલાં 22 જુલાઈ 2000એ રશિયાની સરકારની વિનંતીથી ચાલકદળના બાકીના સભ્યોને છોડી દેવામાં આવ્યા હતા. તે વર્ષે રાષ્ટ્રપતિ પુતિનની ભારતયાત્રા પહેલાં સદ્ભાવના તરીકે આ પગલું ભરાયું હતું. તે સમયે પણ વાજપેયી ભારતના વડા પ્રધાન હતા.
ડેન્માર્કે ડેવીના ભારત પ્રત્યાર્પણ માટે ઇનકાર કર્યો

ઇમેજ સ્રોત, Getty Images
સીબીઆઈએ આ કેસની તપાસ કરી. પહેલાં પાંચ વર્ષ પછી તેની ગતિ ધીમી પડી ગઈ અને એક સમય એવો આવ્યો કે તે સંપૂર્ણ ઠપ થઈ ગઈ. ચંદન નંદીનું માનવું છે કે 'તેને ઠપ થઈ જવા દેવામાં આવી'.
તેમના શબ્દોમાં, "સીબીઆઈ ડાયરેક્ટર પીસી શર્માના ગયા પછી કોઈ પણ સીબીઆઈ વડાએ આ કેસમાં રસ ન લીધો. વર્ષ 2001થી 2011ની વચ્ચેનો સમય બરબાદ કરી દેવામાં આવ્યો. જોકે, એપ્રિલ 2011માં કોપનહેગનમાં એક દિવસ માટે પીટર ડેવીની ધરપકડ જરૂર કરવામાં આવી, પરંતુ એક દિવસ પછી ડેનિસ પોલીસે તેને છોડી મૂક્યા. ડેન્માર્કની પોલીસે ઇન્ટરપોલની રેડ કૉર્નર નોટિસ હોવા છતાં તેની વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરી."
ડેન્માર્કની કોર્ટે એવા આધારે ડેવીને ભારતને સોંપવાનો ઇનકાર કરી દીધો કે તેમને બીક હતી કે તેમને ભારતમાં કષ્ટ આપવામાં આવશે અને તેમના માનવ અધિકારોનું ઉલ્લંઘન થશે.
ઘણા સવાલોના જવાબ નથી મળ્યા

ઇમેજ સ્રોત, Getty Images
ચંદન નંદી લખે છે, "સંપૂર્ણ તપાસ કર્યા પછી એવી વાત પણ ઉજાગર થઈ કે આ કાંડની યોજના ઓછામાં ઓછાં ત્રણ વર્ષ પહેલાં બનાવવામાં આવી હતી. કિમની પાસે બે નકલી પાસપૉર્ટ હતા. એક પાસપૉર્ટમાં તેમનું નામ હતું કિમ પાલગ્રેવ ડેવી અને બીજા પાસપૉર્ટમાં તેમનું નામ હતું કિમ પીટર ડેવી."
આ બંને પાસપૉર્ટ 1991 અને 1992માં ન્યૂઝીલૅન્ડની રાજધાની વેલિંગ્ટનથી ઇશ્યૂ થયા હતા.
આ ઘટનાનાં લગભગ 30 વર્ષ વીતી ગયાં પછી પણ ઘણા સવાલોના સ્પષ્ટ જવાબ અત્યાર સુધી નથી મળ્યા; જેવા કે, આ હથિયારોને કોના માટે નીચે ફેંકવામાં આવ્યાં હતાં? તેમને કોણે ફેંકાવ્યાં હતાં અને તેના માટેના પૈસા કોણે આપ્યા હતા?
ભારતીય હવાઈસીમામાં પ્રવેશતાંની સાથે જ તે વિમાનને શા માટે રોકવામાં ન આવ્યું? શું રૉને આ હથિયાર ઊતરવાની પહેલાંથી ખબર હતી? અને જો હા, તો તેની પહેલાંથી માહિતી હોવા છતાં તેણે બીજી એજન્સીઓને આના વિશે શા માટે ન જણાવ્યું?
કિમ ડેવીને મુંબઈ ઍરપૉર્ટ પરથી બહાર કઈ રીતે જવા દેવાયા અને તેઓ આપણા દેશમાંથી ડેન્માર્ક પાછા કઈ રીતે પહોંચ્યા?
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












