લૉર્ડ મેઘનાદ દેસાઈ : ભારતની જાહેરનીતિના સક્ષમ ટીકાકાર અને વિદ્વાન અર્થશાસ્ત્રી 'વિદ્રોહી લૉર્ડ'ની વિદાય

મેઘનાદ દેસાઈ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મેઘનાદ દેસાઈનો જન્મ વડોદરામાં થયો હતો
    • લેેખક, સુદર્શન આયંગર
    • પદ, અર્થશાસ્ત્રી, બીબીસી ગુજરાતી માટે

ભારતીય મૂળના નેચરલાઇઝડ ઇન્ડિયન, પદ્મભૂષણ લૉર્ડ મેઘનાદ જગદીશચંદ્ર દેસાઈનું 85 વર્ષે નિધન થયું છે.

યુવા અવસ્થામાં બૉમ્બે યુનિવર્સિટીમાં ભણતી વખતે હિંદી ફિલ્મો બહુ જોતા અને દિલીપકુમાર એમના હીરો.

છેક 64 વરસની ઉંમરે એટલે 2004માં મેઘનાદભાઈએ એક સરસ મજાનું પુસ્તક અંગ્રેજીમાં લખ્યું, 'નહેરુઝ હીરો દિલીપકુમાર ઇન ધ લાઇફ ઑફ ઇન્ડિયા".

આમ તો એમણે એ પુસ્તકને અંગત લખાણ ગણાવેલું, પરંતુ તેનું આમુખ લખતાં એમના મિત્ર લૉર્ડ ડેવિડ પુટ્ટનમ જણાવે છે કે એ પુસ્તક એક સમાજવિજ્ઞાનના રસાળ દસ્તાવેજ તરીકે પણ વખાણી શકાય.

નહેરુના સપનાને અનુરૂપ લખાયેલી પટકથાઓ પર બનેલી ફિલ્મોમાં દિલીપકુમારનો અભિનય ઉચ્ચ કક્ષાનો અને સંદેશ બરાબર પહોંચાડે તેવો છે.

પુસ્તકમાં ચિત્રપટ પર દેખાડાતું દેશનું જીવન અને દેશનો સામાજિક, આર્થિક ચિતાર સહેજે ઊપસી આવે છે.

લૉર્ડ દેસાઈ પુસ્તકની ભૂમિકામાં લખે છે કે મારો પહેલો ખયાલ તો એવો જ હતો કે આ પુસ્તક એક સંવાદરૂપે જ પ્રકટ થાય, પરંતુ દિલીપકુમાર અને મારો સમય સાથે સાધી શકાયો નહીં અને મારે લેખક તરીકે જ લખવું પડ્યું.

વડોદરામાં જન્મ, 14 વર્ષની ઉંમરે મેટ્રિક પાસ કર્યું

લોર્ડ મેઘનાદ દેસાઈ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લોર્ડ મેઘનાદ દેસાઈનું 85માં વર્ષે નિધન થયું છે

અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે એમનું નામ તો વિદ્યાર્થીકાળથી જ સાંભળેલું. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરામાં મારા પ્રોફેસર વીએન કોઠારી અને લૉર્ડ મેઘનાદના ગુરુભાઈ ગણાય, કારણ કે મુંબઈ યુનિવર્સિટીમાં તેમના ગુરુ તે પ્રોફેસ્સોર ડીટી લાકડાવાલા.

ક્લાસમાં એમના વિચારો અને એમના અંગેની વાતો આવે. લૉર્ડ દેસાઈનાં માતાપિતા વડોદરાનાં રહેવાસી હોવાં જોઈએ.

એમનો જન્મ વડોદરામાં 10 જુલાઈ, 1940માં થયો હતો. આયુષ્યનાં 85 વરસ પૂરાં કરીને 29 જુલાઈ 2025ના રોજ ગયા.

શાળાશિક્ષણ વડોદરાનું છે તેવું જણાય છે, કારણ કે તેઓ ઉચ્ચ શિક્ષણ માટે મુંબઈ ગયા એવું જાણવા મળે છે. બાળપણથી જ વિલક્ષણ બુદ્ધિવાળા હશે, કેમ કે, 14 વરસની ઉંમરે મેટ્રિક પાસ થયા હતા.

સ્નાતકની ડિગ્રી અર્થશાસ્ત્ર સાથે બી.એ. મુંબઈની રામનારાયણ રુઇયા કૉલેજમાં ભણીને લીધી.

અનુસ્નાતક અભ્યાસ માટે મુંબઈ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગમાં જોડાયા, અને 20 વરસની ઉંમરે 1960માં અર્થશાસ્ત્રમાં એમ.એ. થયા.

તેજસ્વી કારકિર્દી થકી યુનિવર્સિટી ઑફ પેન્સિલ્વેનિયામાં શિષ્યવૃત્તિ મળી અને 1963માં પીએચ.ડી. થઈ ગયા.

લૉર્ડ મેઘનાદ દેસાઈનું અંગત જીવન કેવું હતું?

એમના અંગત જીવનની ખબર બહુ ઓછા લોકોને છે. આપણે ગુજરાતના લોકો જે જાહેર જીવનમાં હતા અને છે તેઓ એમના ભાઈ બીજે દેસાઈને ઓળખીએ છીએ.

તેઓ ગુજરાત સરકારમાં ઊંચા હોદ્દા પર હતા. ગુજરાતના કર્મશીલો સાથે એમનો ઘરોબો. એ ચર્ચાઓમાં જોડાય. સરકારમાં હતા, પણ વિચારધારા રૅડિકલ.

એમના બીજા ભાઈ તૈલપ દેસાઈ અને બહેન પુનીતા વસાવડા. આ ભાઈ અને બહેનનો ઉલ્લેખ દિલીપકુમારના પુસ્તકની પ્રસ્તાવનામાં છે.

મેઘનાદભાઈની 2020માં પ્રકાશિત મેઘનાદ દેસાઈ, રેબેલિયસ લૉર્ડ' હું વાંચી શક્યો નથી. તેઓ નાસ્તિક હતા.

લગ્ન મોડેથી કર્યાં હોય એવું જણાય છે. 1970માં મેઘનાદ દેસાઈએ તેમના એલએસઈનાં સાથીદાર ગેઇલ વિલ્સન સાથે લગ્ન કર્યાં હતાં.

જે તેમની પહેલી પત્ની હતી. તે જ્યૉર્જ એમ્બલર વિલ્સન સીબીઈની પુત્રી હતી. તેમને ત્રણ બાળકો હતાં. નહેરુનો હીરો…. લખવા દરમિયાન દેસાઈ તેમની બીજી પત્ની કિશ્વર આહલુવાલિયાને મળ્યા અને એમની સાથે રજિસ્ટ્રાર ઑફિસમાં લગ્ન કર્યાં હતાં.

લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સમાં પ્રોફેસર

તેમની શૈક્ષણિક કારકિર્દી ભવ્ય રહી હતી. શરૂઆત કૅલિફોર્નિયાના બર્કલેમાં કૅલિફોર્નિયાના કૃષિ અર્થશાસ્ત્ર વિભાગમાં ઍસોસિએટ સ્પેશિયાલિસ્ટ તરીકે કરી.

1965માં લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સમાં (એલએસઈ) લેક્ચરર અને1983માં અર્થશાસ્ત્રના પ્રોફેસર બન્યા.

એમણે ઘણાં વરસો સુધી વર્ષોથી અર્થમિતિ, મેક્રોઇકૉનૉમિક્સ, માર્ક્સિયન અર્થશાસ્ત્ર અને વિકાસ અર્થશાસ્ત્ર શીખવ્યું.

એલએસઈમાં જ ડેવલપમેન્ટ સ્ટડીઝ ઇન્સ્ટિટ્યૂટના તેઓ નિયામક રહ્યા. 2003માં સેવાનિવૃત્ત થયા અને 1992થી નિવૃત્તિના વર્ષ સુધી એલએસઈ ગ્લોબલ ગવર્નન્સનું નેતૃત્વ કર્યું.

20 પુસ્તકો અને 200થી વધુ સંશોધન લેખોના લેખક તરીકે ચર્ચિત અર્થશાસ્ત્રી રહ્યા છે.

લેબર પાર્ટીના ખમતીધર રાજકારણી

અભિનેતા ઇરફાન ખાન અને લૉર્ડ મેઘનાદ દેસાઈ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અભિનેતા ઇરફાન ખાન અને લૉર્ડ મેઘનાદ દેસાઈ

માર્ક્સિયન ઇકૉનૉમિક થિયરી (1973), એપ્લાઇડ ઇકૉનૉમેટ્રિક્સ(1976), માર્ક્સિયન ઇકૉનૉમિક્સ (1979) અને ટેસ્ટિંગ મોનેટરિસ્મ (1981) એમના વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં જાણીતા બન્યા હતા.

1984થી 1991 સુધી જર્નલ ઑફ એપ્લાઇડ ઇકૉનૉમેટ્રિક્સના સહસંપાદક રહ્યા. અખબારોની કૉલમ પણ ચલાવતા.

ઇંગ્લૅન્ડમાં ક્રાંતિકારી અખબાર ગણાતા ટ્રિબ્યુનમાં કૉલમ લખતા. આપણા દેશના બિઝનેસ સ્ટેન્ડર્ડ, ઇન્ડિયન ઍક્સપ્રેસ અને ફાયનાન્સિયલ ઍક્સપ્રેસમાં પણ કૉલમ લખતા.

સક્રિય રાજનીતિમાં પણ રાજનીતિમાં ઝંપલાવ્યું અને 1971થી જ લેબર પાર્ટીના સક્રિય સભ્ય થયા. માર્ક્સવાદી અર્થશાસ્ત્રી અને સમાજવાદી રાજકારણી તરીકે પંકાયા. જૂન 1991માં હાઉસ લૉર્ડ્સ પ્રવેશ્યા.

2011માં હાઉસ ઑફ લૉર્ડ્સના સ્પીકર તરીકેની ઉમેદવારી નોંધાવી પણ હાર્યા. આખી જિંદગી લેબર પાર્ટીના એક ખમતીધર રાજકારણી રહ્યા.

જીવનના છેલ્લા સમયમાં એટલે કે નવેમ્બર 2020માં પાર્ટીએ રંગભેદમાં માનનારા જર્મી કોર્બિનને પાર્ટીમાં ફરી દાખલ કરવાથી તેમણે પોતાની 49 વર્ષની લેબર પાર્ટીના સભ્યપદને તિલાંજલિ આપી. આ વિદ્રોહી લૉર્ડનું સ્વરૂપ હતું.

ભારતની જાહેરનીતિના સક્ષમ ટીકાકાર

લૉર્ડ મેઘનાદ દેસાઈ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

2002માં દેસાઈનું પુસ્તક "માર્ક્સ'સ રીવેન્જ : ધ રિસર્જન્સ ઑફ કેપિટાલિઝમ ઍન્ડ ધ ડેથ ઑફ સ્ટેટિસ્ટ સોશિયાલિઝમ" ખૂબ ચર્ચામાં આવ્યું.

પુસ્તકને ખૂબ સારો આવકાર પણ મળ્યો. એમણે માર્ક્સના ઓછા જાણીતા વિચારો પર પ્રકાશ નાખતાં જણાવ્યું કે જેણે માર્કસ પરનો ઊંડો અને વ્યાપક અભ્યાસ કર્યો હોય તેને ખયાલ આવી જ જવાનો કે છેલ્લે મૂડીવાદનો પ્રભાવશાળી થશે.

માર્ક્સના સિદ્ધાંતો આધુનિક મૂડીવાદ અને વૈશ્વિકીકરણ વિશેની આપણી સમજણમાં વધારો કરે છે. એમનો તર્ક એ હતો કે ઉદારીકરણ, બજારીકરણ અને વૈશ્વિકીકરણની છેલ્લી મંજિલ તો સમાજવાદ તરફી જ છે.

2009માં એમણે રિડિસ્કવરી ઑફ ઇન્ડિયા લખ્યું. ભારતના ઇતિહાસ, રાજનીતિ અને અર્થકારણનું વિશ્લેષણ કરતા ભારતમાં પ્રજાતંત્ર કેમ ટકે છે તેની પર પ્રકાશ નાંખ્યો છે.

તેથી જ તેઓ ભારતની જાહેરનીતિના એક સક્ષમ ટીકાકાર તરીકે જાણીતા છે.

2017માં એમણે એક ટીકા એવી કરી હતી કે ભારતના વડા પ્રધાન સમજી ગયા છે કે સમાવેશી વિકાસ જ સમતાભર્યા સમાજની રચનાનો પાયો રહેશે.

એ જ અરસામાં ઇંગ્લૅન્ડ યુરોપિયન યુનિયનમાંથી નીકળવા માગતું હતું. લૉર્ડ મેઘનાદ દેસાઈએ કહ્યું હતું કે બ્રેક્સિટની અસર તરત નહીં, પરંતુ 2020 પછી જણાશે.

સાથે એવું પણ કહ્યું હતું કે ભારત માટે ચિંતાનું કોઈ કારણ નથી. આજની સ્થિતિ વિશે પણ તેઓ વિચારી જ રહ્યા હશે અને જો વધુ જીવતા હોત તો એમણે ચોક્કસ પોતાના વિચારો રજૂ લેખો કે પુસ્તક સ્વરૂપે પ્રકટ કર્યા જ હોત.

ગાંધીજીની ઊંચાઈને ઊંડાઈથી સમજનાર

લૉર્ડ મેઘનાદ દેસાઈ, નિતીશ કુમાર બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બિહારના મુખ્ય મંત્રી નીતીશકુમાર સાથે લૉર્ડ મેઘનાદ દેસાઈ

2010માં મુરબ્બી મિત્ર અને ગુજરાતી સાહિત્ય અકાદમી, લંડનના તત્કાલીન મહામંત્રી વિપુલ કલ્યાણીએ પરિવાર કૉમ્યુનિકેશનના નેજા હેઠળ વરસોથી પ્રકાશિત થતી 'ઓપિનિયન' પત્રિકાની મુદ્રિત આવૃત્તિ બંધ કરવાનું નક્કી કર્યું અને એક મોટો કાર્યક્રમ 'સંકેલો' યોજ્યો હતો.

એમાં મને મારાં પત્ની સહિત આમંત્રણ આપ્યું હતું. કાર્યક્રમના ભાગરૂપે 31 માર્ચ, 2010ની સાંજે લંડનની હાઈ કમિશન ઑફ ઇન્ડિયાના ધ નહેરુ સેન્ટરમાં 'દિ ન્યૂ મિલેનિયમ ઍન્ડ ગાંધી' વિષય પર એક સેમિનાર યોજ્યો હતો.

લૉર્ડ દેસાઈ ગાંધીજીની ઊંચાઈ ને ઊંડાઈથી સમજતા હતા. પણ ગાંધીજીના 'હિંદ સ્વરાજ'ને 'આઉટડેટેડ' માનતા તેવું જણાયું.

તેઓ મક્કમપણે આધુનિકવાદમાં વિચાર ને વ્યવહારથી માનનારા હતા એવું તેમણે જણાવ્યું હતું.

વિદ્રોહી લૉર્ડ મેઘનાદ દેસાઈ

લૉર્ડ મેઘનાદ દેસાઈ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

અમદાવાદમાં 6 જાન્યુઆરી, 2012ના રોજ તેઓ ગૂજરાત વિદ્યાપીઠના ત્રણ દાયકા ઉપરાંત કુલનાયક અને કુલપતિ રહેલા ખૂબ જાણીતા ગાંધીવિદ રામલાલ પરીખની સ્મૃતિમાં યોજાતા વ્યાખ્યાન માટે રામલાલભાઈનાં પુત્રી મંદાબહેન પરીખના આમંત્રણથી વ્યાખ્યાન આપવા આવ્યા હતા.

એમનો વ્યાખ્યાનનો વિષય હતો 'હિંસા પર ગાંધીજીના વિચારો'. વિષય પરથી એમના તોફાની સ્વભાવનો અણસાર આવી જવો જોઈતો હતો.

લૉર્ડ દેસાઈએ ખૂબ ચર્ચા જગાવી હતી. તેઓએ કહ્યું હતું કે ગાંધીજી હિંસાને નકારતા ન હતા, એવું હોત તો તેમણે ભગવદગીતાનો જે રીતે આશરો લીધો હતો તે ન લીધો હોત.

એમનાં મંતવ્ય મુજબ પોતાની પર અનુશાસન મેળવવા ગાંધીજીનો પ્રયત્ન ખૂબ જ હિંસક હતો. આમ અમને વિદ્રોહી લૉર્ડની ઝલક રૂબરૂ મળી.

અમારી વચ્ચે ફરી એક વાર લંબાણથી 'હિંદ સ્વરાજ' પર ચર્ચા થઈ. એમાં રહેલા તત્ત્વની પ્રસ્તુતતા કોઈ પણ કાળે રહેશે અને પ્રેમબળ, આત્મબળ અને સત્યબળ શાશ્વત મૂલ્ય તરીકે સમાજને માર્ગદર્શન આપશે, એ વાત એમને ગળે ઉતારવા હું નિષ્ફળ નીવડ્યો હતો.

ભારતીય મૂળ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા એક મહાન વિચારક, મૌલિક વિદ્વાન, ગાંધીજીને સમીક્ષાત્મક રીતે જોનારા અને એક ખૂબ મોટા ગજાના વિદ્વાન અને ક્રિયાશીલ અને વિદ્રોહી રાજકારણી લૉર્ડ મેઘનાદ દેસાઈને શ્રદ્ધાંજલિ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન