દાદરા નગર હવેલી પોર્ટુગીઝોના કબજામાંથી કેવી રીતે મુક્ત થયું હતું, મોરારજી દેસાઈની તેમાં શી ભૂમિકા હતી?

દાદરા નગર હવેલી, મુક્તિ સંગ્રામ, મોરારજી દેસાઈ, પોર્ટુગલ, પોર્ટુગીઝ શાસન, દીવ દમણ ગોવા, ભારત, બીબીસી ગુજરાતી, ગુજરાતમાં સમાચાર, મુંબઈ, ગુજરાત, સેલવાસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પોર્ટુગીઝના કબજા હેઠળના દાદરા અને નગર હવેલીને સ્વતંત્ર કરાવવામાં મોરારજી દેસાઈની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી.
    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી સંવાદદાતા

ઈ.સ. 1947માં ભારત બ્રિટિશ હકૂમતમાંથી આઝાદ થયું પછી વર્ષ 1952માં ફ્રાન્સની સરકારે પણ પોંડિચેરી (હાલનું પુડ્ડુચેરી), ચંદ્રનગર, કરાઇકલ અને અન્ય પ્રદેશો પર પોતાનો અધિકાર જતો કર્યો.

દીવ-દમણ, ગોવા અને દાદરા નગર હવેલીનો કબજો પોર્ટુગીઝો પાસે હતો. પોર્ટુગીઝ સરકાર આ મામલે કોઈ બાંધછોડ કરવા તૈયાર નહોતી. તેનો દાવો હતો કે દીવ-દમણ, ગોવા અને દાદરા નગર હવેલી એ પોર્ટુગલનો જ ભાગ છે.

દરમિયાન ગોવાને મુક્ત કરવા માટેની ચળવળ શરૂ થઈ ગઈ હતી. તે પૈકીના ઘણા લોકોને પોર્ટુગીઝોએ જેલમાં મોકલી દીધા.

પ્રજાસમાજવાદી પક્ષના આગેવાન પીટર અલ્વારીસ પણ આ મામલે ચાલી રહેલા આંદોલનમાં અગ્રસ્થાને હતા. રામમનોહર લોહિયાએ પણ આ ચળવળને મજબૂત કરવા માટેનો પ્રયાસ કર્યો હતો.

ભારતીય માનવવિજ્ઞાન સર્વેક્ષણ દ્વારા પ્રકાશિત કે. એસ. સિંહના પુસ્તક 'પીપલ ઑફ ઇન્ડિયા- દાદરા ઍન્ડ નગર હવેલી'માં લખવામાં આવ્યું છે, "આ પ્રદેશમાં પોર્ટુઝીઝો સામેની ચળવળની શરૂઆત બહુ પહેલાં થઈ ગઈ હતી."

"સપ્ટેમ્બર, 1930માં ચાર્લ્સ ડુ ક્રૂઝ નામના એક ગોવાના રહેવાસીને દાદરા નગર હવેલીની રાજધાની સેલવાસમાં ચાલતી એક પોર્ટુગીઝ સ્કૂલમાં શક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેમણે ગોવામાં ચાલતી રાષ્ટ્રવાદી ચળવળને સમર્થન આપવાનું શરૂ કર્યું."

"તેમણે ત્યાંથી એક અખબાર પણ શરૂ કર્યું હતું. પરંતુ, તેમની આ રાષ્ટ્રવાદી ચળવળને કારણે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા."

વર્ષ 1953-54માં મુંબઈ રાજ્યના વિસ્તાર પાસે દાદરા-નગર હવેલી અને દમણ પ્રદેશ આવેલા હતા. આ પ્રદેશો પોર્ટુગીઝ હકૂમત નીચે હતા.

દમણ સમુદ્રના કિનારે હતું, તેથી તેની સાથે સમુદ્રના માર્ગે ગોવાથી શાસન ચલાવી શકાતું હતું, પરંતુ દાદરા નગર હવેલીની હકૂમત માટે જમીનમાર્ગે જવું પડતું હતું.

આથી ચળવળકર્તાઓને લાગ્યું કે દાદરા નગર હવેલી એ પોર્ટુગીઝની સૌથી નબળી કડી છે, કારણકે જો તેને જમીનમાર્ગેથી અલગ કરી દેવામાં આવે તો પોર્ટુગીઝો માટે તેના સૈન્યને મોકલવું અશક્ય બની જશે.

દાદરા એ દક્ષિણ ગુજરાતના વાપી શહેરથી થોડે દૂર આવેલો પ્રદેશ હતો. દાદરાથી પાછું નગર હવેલી જવું હોય, તો પાછું વચ્ચે લવાછા નામના ભારતના પ્રદેશમાંથી (તત્કાલીન મુંબઈ રાજ્યનું ગામ) જવું પડે.

તેથી ચળવળકર્તાઓએ પહેલાં દાદરાને મુક્ત કરવાનો નિર્ણય લીધો. તે વખતે મોરારજી દેસાઈ મુંબઈ રાજ્યના મુખ્ય મંત્રી હતા.

જ્યારે મોરારજી દેસાઈએ નહેરુને વાત કરી

દાદરા નગર હવેલી, મુક્તિ સંગ્રામ, મોરારજી દેસાઈ, પોર્ટુગલ, પોર્ટુગીઝ શાસન, દીવ દમણ ગોવા, ભારત, બીબીસી ગુજરાતી, ગુજરાતમાં સમાચાર, મુંબઈ, ગુજરાત, સેલવાસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સત્યાગ્રહીઓ દ્વારા 22મી જુલાઈ, 1954ના રોજ પોર્ટુગીઝ સત્તા હેઠળ રહેલા દાદરા ગામ પર કબજો કરવામાં આવ્યો ત્યારની તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ વિશે પૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈએ પોતાની આત્મકથા 'મારું જીવન વૃતાંત'માં લખે છે, "આ પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિને કારણે ગોવાનિવાસી અને કેટલાક આગેવાનો દાદરા અને નગર હવેલીને મુક્ત કરાવવા માટે લડત ચલાવવાની બાબતમાં મને મળ્યા હતા. હું જો તેમને મદદ કરું તો તેઓ લડતને સફળ બનાવી શકે તેવું તેમને લાગતું હતું."

જોકે, મોરારજી દેસાઈને એવું પણ લાગતું હતું કે આ કામ યોગ્ય રીતે થવું જોઈએ અને તે પણ ભારત સરકારની નીતિને અનુરૂપ હોવું જોઈએ.

આ વિશે મોરારજી દેસાઈ લખે છે, "મેં તેમને કહ્યું કે તમે બધા એ પ્રદેશોની અંદર પહોંચી જઈને એમનો કબજો લેવા ઇચ્છો તો લઈ લો. કારણ કે, પોર્ટુગીઝ સત્તાવાળાઓ ગોવાથી ત્યાં માણસો મોકલી શકશે નહીં."

"આપણી હકૂમતમાંથી એમને જવા દેવામાં નહીં આવે તેની કાળજી હું જરૂર રાખી શકું."

તેમણે આ વિશે નહેરુ સરકાર સાથે વાતચીત પણ કરી હતી.

જો આ સત્યાગ્રહીઓ દાદરા નગર હવેલીમાં જાય અને તેમના પર કોઈ જુલમ ગુજારવામાં આવે, તો તેમને મદદ મોકલી શકાય તેમ પણ નહોતું.

આ સંભાવનાને ધ્યાનમાં રાખીને મોરારજી દેસાઈએ બીજી ગોઠવણો કરી રાખી હતી.

મોરારજી દેસાઈ આ વિશે લખે છે, "દાદરા અને નગર હવેલી મુંબઈ પ્રદેશની હદમાં આવેલાં હતાં. તેની આસપાસ મુંબઈની હકૂમત હતી."

"તેથી તેની આસપાસ મેં અમારી રિઝર્વ પોલીસના માણસોને મૂકી દીધા હતા. આ પોલીસદળ સૈન્ય જેવું જ લાગતું હતું."

"આ પ્રકારે ગોઠવણ કર્યા પછી સત્યાગ્રહીઓ દાદરા નગર હવેલીમાં દાખલ થયા."

પોર્ટુગીઝો સતર્ક થઈ ગયા

દાદરા નગર હવેલી, મુક્તિ સંગ્રામ, મોરારજી દેસાઈ, પોર્ટુગલ, પોર્ટુગીઝ શાસન, દીવ દમણ ગોવા, ભારત, બીબીસી ગુજરાતી, ગુજરાતમાં સમાચાર, મુંબઈ, ગુજરાત, સેલવાસ
દાદરા અને નગર હવેલી સંઘ પ્રદેશનું જૂનું પ્રવેશદ્વાર

ઇમેજ સ્રોત, APURVA PAREKH

ઇમેજ કૅપ્શન, સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીનું જૂનું પ્રવેશદ્વાર

પોર્ટુગીઝ સરકારને આ સ્થિતિની ગંભીરતાનો અંદાજ આવી ગયો હતો.

ઑગસ્ટ, 1953માં જ દમણના ચીફ કમિશનર રેવેઝ રૉમ્બાએ આ મામલે યુનાઇટેડ ફ્રંટ ઑફ ગોવા તથા અન્ય ગોવાના નેતાઓને વાતચીત માટે બોલાવ્યા હતા.

ભારતીય માનવવિજ્ઞાન સર્વેક્ષણ દ્વારા પ્રકાશિત કે. એસ. સિંહના પુસ્તક 'પીપલ ઑફ ઇન્ડિયા- દાદરા ઍન્ડ નગર હવેલી'માં લખાયું છે, "તેમને આ પ્રદેશમાં રાજકીય સ્વાયત્તતા માટે ચર્ચા કરવા બોલાવાયા, પરંતુ તેમનું ભયંકર અપમાન કરવામાં આવ્યું."

"તેમના પર આ વિશે તેમણે નક્કી કરેલા ઍજન્ડા પર સહમતિ વ્યક્ત કરવાનું દબાણ કરવામાં આવ્યું, પરંતુ તેમણે તેનો ઇન્કાર કરી દીધો."

"ગોવાના રાષ્ટ્રવાદીઓમાં તેને કારણે ભયંકર રોષ હતો. તેમણે હવે આ પ્રદેશને આઝાદ કરવાનું બીડું ઝડપ્યું. નગર હવેલીમાં જાન્યુઆરી, 1954માં ચળવળ શરૂ થઈ. ટી. બી. ચુન્હા, પીટર અલ્વારીસ, એ. કે. કરમરકરે વાપીમાં મોટી સભા કરી."

"જેમાં દાદરા નગર હવેલીના સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાની જે. એન. દેસાઈ, ગુમાનસિંહ, બી. એમ. દાસ, ઘેલાભાઈ ભાવસાર તથા અન્ય લોકો પણ સામેલ થયા."

"એપ્રિલ, 1954થી લઈને મે, 1954 સુધી અનેક જાહેર સભાઓ થઈ. તે પૈકી 17મી મે, 1954ના રોજ એક બેઠકને તો જયપ્રકાશ નારાયણે પણ સંબોધી હતી."

જેને કારણે પોર્ટુગીઝોના મનમાં ફફડાટ વ્યાપી ગયો. દમણના ચીફ કમિશનર રેવેઝ રૉમ્બાએ સેલવાસના ચીફ ઑફ પોલીસને એક ગુપ્ત આદેશમાં તાત્કાલિક પગલાં લેવાનો સંદેશ મોકલ્યો.

દાદરા પર કબજો

દાદરા નગર હવેલી, મુક્તિ સંગ્રામ, મોરારજી દેસાઈ, પોર્ટુગલ, પોર્ટુગીઝ શાસન, દીવ દમણ ગોવા, ભારત, બીબીસી ગુજરાતી, ગુજરાતમાં સમાચાર, મુંબઈ, ગુજરાત, સેલવાસ

ઇમેજ સ્રોત, X/IndiaHistoryPic

ઇમેજ કૅપ્શન, 1956માં દાદરા અને નગર હવેલી ખાતે ગણતંત્ર દિવસની ઊજવણી

યુનાઇટેડ ફ્રંટ ઑફ ગોવાના 35 જેટલા સ્વયંસેવકોના સ્થાનિક લોકોના સહકાર સાથે 21મી જુલાઈ, 1954ના રોજ પોર્ટુગીઝ વસાહત હેઠળના દાદરા ગામમાં પ્રવેશ સાથે જ ભારતના પોર્ટુગીઝ સત્તા હેઠળના પ્રદેશની મુક્તિનો આરંભ થયો.

આ મુક્તિસૈનિકોએ પોર્ટુગીઝ પોલીસના પ્રતિકારનો સામનો કરવો પડ્યો.

પોલીસની કાર્યવાહીને કારણે એક સબ-ઇન્સ્પેક્ટર અને અન્ય બે પોલીસકર્મી સહિત છ લોકો ઘાયલ થયા. પાછળથી આ કાર્યવાહીમાં એક પોલીસ અધિકારીનું મૃત્યુ થયું હતું.

22મી જુલાઈ,1954ની મધરાતે દાદરા પોલીસ ચોકીના ચીફ અનાસેટ રોઝેરિયોને તેમણે ઘૂંટણિયે પાડી દીધા.

યુનાઇડેટ ફ્રંટ ઑફ ગોવાના પ્રમુખ ફ્રાંસિસ મ્હસ્કારેન્સે 22મી જુલાઈએ સવારે દાદરા ગામમાં ભારતીય તિરંગો ફરકાવ્યો. બપોર સુધીમાં આખા ગામ પર સ્વયંસેવકોએ કબજો લઈ લીધો હતો.

દાદરામાં આવેલા પોર્ટુગીઝ પોલીસ સ્ટેશનમાંથી તેમણે 32 સિપાઈઓને કેદ કર્યા અને તેમની પાસેથી છ રિવોલ્વર તથા અન્ય હથિયારો કબજે કર્યાં.

ફ્રાન્સિસ મ્હસ્કારેન્સ દાદરાના કમાન્ડર બન્યા અને જે. એન. દેસાઈને ગામના સરપંચ બનાવવામાં આવ્યા.

વાપીની નજીક આવેલા નરોલીને 28મી જુલાઈ, 1954ના રોજ આઝાદ કરાવાયું. તેમનું નેતૃત્વ સ્થાનિક સત્યાગ્રહી ગુમાનસિંહ સોલંકીએ કર્યું હતું.

દાદરા નગર હવેલીની મુક્તિ માટે મુખ્યત્વે બે જૂથો અગ્રેસર હતાં

દાદરા નગર હવેલી, મુક્તિ સંગ્રામ, મોરારજી દેસાઈ, પોર્ટુગલ, પોર્ટુગીઝ શાસન, દીવ દમણ ગોવા, ભારત, બીબીસી ગુજરાતી, ગુજરાતમાં સમાચાર, મુંબઈ, ગુજરાત, સેલવાસ

ઇમેજ સ્રોત, DHARMESH PANDYA/APURVA PAREKH/DNH

ઇમેજ કૅપ્શન, દાદરા અને નગર હવેલી મુક્તિસંગ્રામમાં ભાગ લેનારા સત્યાગ્રહીઓ રઘલાભાઈ પટેલ (ડાબેથી), ભાસ્કર ગજાનન કરજેકર ઉર્ફે નાના કજરેકર, વિષ્ણુપંત ભોપલે, બચુભાઈ ઓઝા, ભીખુભાઈ પંડ્યા, પીલાજીરાવ જાધવ અને વસંતરાવ પ્રસારે નજરે પડે છે.

હવે, દાદરા નગર હવેલીને મુક્ત કરવા માટે બે જૂથો અલગ-અલગ ચળવળ ચલાવતાં હતાં.

એક જૂથ જે વાતચીત દ્વારા શાંતિથી દાદરા નગર હવેલીને કબજો કરવા માગતું હતું, જ્યારે બીજું સીધી ચઢાઈ કરીને તેને આઝાદ કરાવવા માગતું હતું.

આ બે જૂથમાં રાજા વાકણકર અને વામન સરદેસાઈનું જૂથ સામેલ હતું. વામન દેસાઈ અને રાજા વાકણકર એમ બંનેએ પોતપોતાની રીતે દાદરાને લેવાના પ્રયત્નો કર્યા હતા.

અપ્પાસાહેબ કરમરકર નામના એક બૅન્ક કર્મચારીએ પણ નૅશનલ લિબરેશન મૂવમેન્ટ ઑર્ગનાઇઝેશન (NLMO) બનાવ્યું હતું.

ગોવા પીપલ્સ પાર્ટી અને તે વખતની ભારતીય સામ્યવાદી પાર્ટીની વિચારધારા સાથે સંકળાયેલા નેતાઓએ વારલી આદિવાસીઓ સાથે મળીને આ આંદોલન કરવાનો નિર્ધાર કર્યો હતો.

તેમાં તે વખતનાં કૉમરેડ એલ. બી. ઘનગર, રૂપજી કાડૂ અને ગોદાવરી પારુલેકર પણ એ સ્વાતંત્રતા સંગ્રામમાં સામેલ હતાં.

બીજી તરફ વિશ્વનાથ લવાંદે, દત્તાત્રેય દેશપાંડે અને પ્રભાકર સિનારી જેવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.એસ.એસ.) સાથે જોડાયેલા નેતા રાજા વાકણકર અને નાનાસાહેબ કાજરેકરની આગેવાનીમાં આ મુક્તિસંગ્રામમાં સામેલ થયા. તેમણે આ માટે આઝાદ ગોમાંતક દળ (AGD) નામનું સંગઠન બનાવ્યું હતું.

રાજા વાકણકર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા હતા, જ્યારે વામન સરદેસાઈ વામપંથી વિચારધારાની નજીકના માનવામાં આવતા હતા.

વામન સરદેસાઈ જૂથમાં યુનાઇડેટ ફ્રંટ ઑફ ગોવાના પ્રમુખ ફ્રાન્સિસ મ્હસ્કારેન્સ પણ સામેલ હતા.

દાદરા નગર હવેલીના મુક્તિસંગ્રામમાં પ્રદેશના નાગરિકોએ પણ ભાગ લીધો હતો. તેઓ પ્રદેશને પોર્ટુગીઝોના કબજામાંથી છોડાવવા માટે સત્યાગ્રહીઓ દ્વારા જે બેઠકો બોલાવવામાં આવતી હતી તેમાં હાજર રહેતા હતા. આ સ્થાનિકો પૈકી ભીખુભાઈ પંડ્યા હંમેશાં પુણે, ગોવા કે પછી અન્ય જગ્યાએથી આવતા સત્યાગ્રહીઓની રહેવાની કે જમવાની સગવડોની વ્યવસ્થા કરતા હતા. દાદરા નગર હવેલી આઝાદ થયા બાદ સામરવરણી ગામમાં પહેલી શાળા તેમણે જ શરૂ કરી હતી.

દાદરા નગર હવેલી, મુક્તિ સંગ્રામ, મોરારજી દેસાઈ, પોર્ટુગલ, પોર્ટુગીઝ શાસન, દીવ દમણ ગોવા, ભારત, બીબીસી ગુજરાતી, ગુજરાતમાં સમાચાર, મુંબઈ, ગુજરાત, સેલવાસ

ઇમેજ સ્રોત, Dharmesh Pandya/DNH

ઇમેજ કૅપ્શન, પોર્ટુગીઝની કબજે કરેલી જીપ પર સવાર પિલાજીરાવ માધવરાવ

દાદરા અને નરોલી મુક્ત થઈ ગયું હવે તેમનું લક્ષ્ય તેનું પાટનગર સેલવાસ હતું.

હવે વામન જૂથે દાદરા પર કબજો કર્યો તે પહેલાં રાજા વાકણકર જૂથે પણ દાદરાને કબજો કરવાના પ્રયત્નો કર્યા હતા.

લેખિકા સુધા કરંજગાવકરના પુસ્તક 'દાદરા નગર હવેલી મુક્તિસંગ્રામ'માં લખવામાં આવ્યું છે, "રાજા વાકણકર જૂથના નાના કાજરેકરે દાદરાના ફોજદાર અનાસેટ રોઝારિયો સાથે મિત્રતા કરીને તેને મુક્ત કરવાની યોજના બનાવી હતી."

"તેઓ જ્યારે લવાછા ખાતેના આશ્રમમાં રહેતા હતા, ત્યારે દાદરાના સ્થાનિક નાગરિક જયંત દેસાઈએ હેમવતીબહેન નાટેકરની જમીનનું ઘાસ સાચવનારા નાનસિંહ ભૈયા તરીકે તેમનો પરિચય દાદરાના પોલીસ અધિકારી રોઝારિયો સાથે કરાવ્યો હતો."

"આ પરિચય મિત્રતામાં પરિણમ્યો. તેઓ તેની સાથે રોજ રમી રમતા અને રોઝારિયોને દારૂ પીવડાવતા. 21મી જુલાઈએ પણ તેઓ રોઝારિયોને મળ્યા હતા."

"દાદરા મેળવી લેવાની યોજના પાર પાડવા માટે જયંત દેસાઈ, રતનચંદ શાહ વગેરે સ્થાનિકોએ એક ગુપ્ત સભા બોલાવી હતી. તેમની યોજના રોઝારિયોને ખૂબ દારૂ પીવડાવીને બેભાન કરવા."

"એ પછી બાકીના પોલીસકર્મીઓને આત્મસમર્પણ કરવા માટે મજબૂર કરવાની હતી. આ આત્મસમર્પણ થાય, ત્યાર બાદ તેઓ દાદરામાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને સ્વતંત્રતાની જાહેરાત કરવા માગતા હતા."

દાદરા નગર હવેલી, મુક્તિ સંગ્રામ, મોરારજી દેસાઈ, પોર્ટુગલ, પોર્ટુગીઝ શાસન, દીવ દમણ ગોવા, ભારત, બીબીસી ગુજરાતી, ગુજરાતમાં સમાચાર, મુંબઈ, ગુજરાત, સેલવાસ

ઇમેજ સ્રોત, DHARMESH PANDYA/DNH

ઇમેજ કૅપ્શન, નરોલી કબજે કર્યા બાદ સત્યાગ્રહીઓ સુધીર ફડકે, આપા કરમરકર, નાના કરજેકર, અંબાલાલ ભાવસાર (ભીલાડવાળા) તથા અન્ય નજરે પડે છે.

પરંતુ તેમની યોજના ફળી નહીં, કારણકે જ્યારે તેમની આ સભા ચાલતી હતી, ત્યારે ફ્રાન્સિસ મ્હસ્કારેન્સે દાદરા પર ચઢાઈ કરી દીધી.

લેખિકા સુધા કરંજગાવકર લખે છે, "વામન દેસાઈના યુનાઇટેડ ફ્રંટ ઑફ ગોવાની ટુકડી દાદરામાં પ્રવેશ કરવામાં સફળ રહી. સાવ ઓછા પ્રયત્નમાં જ દાદરા સામ્યવાદીઓના હાથમાં આવી ગયું અને આ સમાચાર 23મી જુલાઈ, 1954ના રોજ આખા દેશમાં પહોંચી ગયા."

સુધા કરંજગાવકર લખે છે, "દાદરા સામ્યવાદીઓના હાથમાં ગયા પછી રાજા વાકણકર, વિશ્વનાથ લવાદે વગેરે રાજ્ય અનામત દળના પોલીસ અધિકારી નગરવાલાને મળ્યા."

મોરારજી દેસાઈની મૂંઝવણ

દાદરા નગર હવેલી, મુક્તિ સંગ્રામ, મોરારજી દેસાઈ, પોર્ટુગલ, પોર્ટુગીઝ શાસન, દીવ દમણ ગોવા, ભારત, બીબીસી ગુજરાતી, ગુજરાતમાં સમાચાર, મુંબઈ, ગુજરાત, સેલવાસ

ઇમેજ સ્રોત, X/IndiaHistoryPic

ઇમેજ કૅપ્શન, વર્ષ 1956માં દાદરા અને નગર હવેલીમાં સ્વાતંત્ર્ય પર્વની ઊજવણી.

'અપરાઇઝિંગ- ધ લિબરેશન ઑફ દાદરા નગર હવેલી' નામના પુસ્તકના લેખક નિલેશ કુલકર્ણી લખે છે:

"યુનાઇટેડ ફ્રંટ ઑફ ગોવા દ્વારા દાદરા પર સફળતા મેળવ્યા બાદ તેઓ હવે દાદરા નગર હવેલીના 70 પરગણાં પર કબજો કરવાનું આયોજન કરવા લાગ્યા. તેમનાં નેતા ગોદાવરીબાઈ પારુલેકરને સરકારનો ટેકો નહોતો."

"તેઓ વારલી અને કોંકણા આદિવાસીઓનું સમર્થન ધરાવતાં હતાં. તેમણે નારખેડ અને રણચીરાઈ ગામ પર 3જી ઑગસ્ટ, 1954ના રોજ તિરંગો ફરકાવ્યો. તેઓ રાન્ધા અને પિલવાણી ગામ પર પણ કબજો કર્યો. 70 પૈકી છ ગામો પર તેમનો કબજો થઈ ગયો."

હવે મામલો મોરારજી દેસાઈ પાસે ગયો. તેમણે બેઠક બોલાવી હતી. નિલેશ કુલકર્ણી લખે છે:

"મોરારજી દેસાઈ માટે કપરી પરિસ્થિતિ હતી, કારણકે દાદરામાં હિંસા થઈ હતી અને તેથી તેમને નહેરુ સામે તેનો બચાવ કરવાનો હતો."

"દરમિયાન તેમને બીજી સ્થિતિનો પણ સામનો કરવાનો વારો આવ્યો, કારણ કે દાદરા સામ્યવાદીઓના હાથે આઝાદ થયું હતું. તેમને અહીં હૈદરાબાદના ભારતમાં ભળવા સમયે તેલંગાણામાં થયેલા સશસ્ત્ર વિદ્રોહની જેમ અહીં પણ વિદ્રોહ થાય તેવો ભય લાગ્યો."

બીજી તરફ યુનાઇટેડ ફ્રંટ ઑફ ગોવાના ચળવળકારોએ દમણના ગવર્નરની દાદરામાં પ્રવેશ વખતે ધરપકડ કરવાનું આયોજન કર્યું.

જો આમ થાય તો ભારત સરકાર માટે આ ઘટના એક આંતરરાષ્ટ્રીય મુદ્દો બને તેમ હતું, કારણકે પોર્ટુગલ નાટો એટલે કે નૉર્થ ઍટલાન્ટિક ટ્રીટી ઑર્ગનાઇઝેશનનું સભ્ય હતું.

આ સંગઠનના કોઈ એક સભ્ય પર સશસ્ત્ર હુમલો કરવામાં આવે, તેવા સંજોગોમાં એકમેકની મદદ કરવાના તેમના સભ્યો વચ્ચે કરાર છે. તેથી ભારતના નેતાઓ આ મામલે છાસ પણ ફૂંકી-ફૂંકીને પીવા માગતાં હતાં.

દાદરા નગર હવેલી, મુક્તિ સંગ્રામ, મોરારજી દેસાઈ, પોર્ટુગલ, પોર્ટુગીઝ શાસન, દીવ દમણ ગોવા, ભારત, બીબીસી ગુજરાતી, ગુજરાતમાં સમાચાર, મુંબઈ, ગુજરાત, સેલવાસ

ઇમેજ સ્રોત, DHARMESH PANDYA/DNH

ઇમેજ કૅપ્શન, સેલવાસમાં પોર્ટુગીઝોનાં હથિયારો કબજે કર્યા બાદ સત્યાગ્રહીઓ અને સ્થાનિકો નજરે પડે છે.

નિલેશ કુલકર્ણી લખે છે કે "આઝાદ ગોમાંતક દળના શામરાવ લાડ અને ફડકે અને સંઘના વાકણકર તથા સ્થાનિક આગેવાન ભીખુભાઈ પંડ્યા અને ગુમાનસિંહ સોલંકી સાથે નગરવાલાએ બેઠક કરી."

આ લોકોએ પણ નગર હવેલીમાં પ્રવેશની મંજૂરી માગી હતી. તેમનો આરોપ હતો કે સરકાર યુનાઇટેડ ફ્રંટ ઑફ ગોવાના સ્વયંસેવકોને દાદરા નગર હવેલીમાં પ્રવેશ માટે પરવાનગી આપે છે, જ્યારે તેમને પ્રવેશવાની પરવાનગી નથી આપતી.

જે. ડી. નગરવાલાએ મોરારજી દેસાઈને આ વાત કરી. દરમિયાન ખબર મળી કે ગોદાવરી પારુલેકરનાં નેતૃત્વમાં આદિવાસીઓ સેલવાસ પર ચઢાઈ કરવાની યોજના બનાવી રહ્યાં છે.

નિલેશ કુલકર્ણી લખે છે, "નહેરુની ઇચ્છાથી વિપરીત મોરારજી દેસાઈએ આઝાદ ગોમાંતક દળ અને સંઘના કાર્યકર્તાઓને નગર હવેલીમાં પ્રવેશવાની સશર્ત પરવાનગી આપી."

સુધા કરંજગાવકર લખે છે, "મોરારજી દેસાઈએ જે સંદેશો મોકલાવ્યો તેમાં એમ પણ કહ્યું હતું કે સામ્યવાદીઓને દૂર રાખવા માટે અન્ય જે સંગઠનો આ પ્રયત્ન કરતા હોય તેમને સહાય કરવી ઉચિત રહેશે."

મોરારજી દેસાઈએ તેમની આત્મકથામાં આ તમામ જૂથોની ભૂમિકા વિશે કંઈ જ નથી લખ્યું. ન તેમણે એવું લખ્યું છે કે તેમણે સામ્યવાદીઓને આ સંગ્રામથી દૂર રાખવા માટે સંઘના લોકોને દાદરા નગર હવેલીમાં પ્રવેશવાની મંજૂરી આપી હતી.

જોકે, નગરવાલાએ તેમને સૂચના આપી હતી કે કોઈ પણ સત્યાગ્રહીઓ સંઘના કાર્યકર્તા તરીકે દાદરા નગર હવેલીમાં પ્રવેશ નહીં કરી શકે. જો તેઓ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે જવા માગતા હોય, તો જ તેમને ત્યાં જવાની પરવાનગી આપવામાં આવશે.

સુધા કરંજગાવકરે લખ્યું છે કે "નગરવાલાને આઝાદ ગોમાંતક દળ સામે વાંધો નહોતો, પરંતુ સંઘના કાર્યકર્તાઓ સામે હતો, પરંતુ સંઘના વાકણકરે નગરવાલાની વાત સ્વીકારી લીધી હતી."

સેલવાસ પર કબજો

દાદરા નગર હવેલી, મુક્તિ સંગ્રામ, મોરારજી દેસાઈ, પોર્ટુગલ, પોર્ટુગીઝ શાસન, દીવ દમણ ગોવા, ભારત, બીબીસી ગુજરાતી, ગુજરાતમાં સમાચાર, મુંબઈ, ગુજરાત, સેલવાસ

ઇમેજ સ્રોત, DHARMESH PANDYA/DNH

ઇમેજ કૅપ્શન, હથિયારો સાથે રામભાઉ વાકણકર નજરે પડે છે.

વાકણકરે તેમના નજીકના દસ જણાને તાર કરીને નગર હવેલી પહોંચવાની સૂચના આપી. તેમાં રમણ ગુજર, પિલાજી જાધવ, વિષ્ણુ કાંબળે, ધનાજી મુરગળે, શરદ મુંગી અને વસંત ઝાઝલ સામેલ હતા.

આ તમામ 25 જુલાઈ, 1954ના રોજ પૂણેથી નીકળીને વાપી પહોંચ્યા. બધા કરમબેલે ગામના ચિંતેશ્વર મહાદેવના મંદિરમાં પહોંચ્યા.

તેમની સાથે રાજા વાકણકર, વિષ્ણુપંત ભોપળે, શ્યામરાવ લાડ, નાના કાજરેકર, વસંત ઝાઝલે, પિલાજી જાધવ, ત્રંબક ભટ્ટ, અનંત થળી, પ્રભાકર સિનારી, રોજી ફર્નાન્ડીઝ, શરદ જોશી, બચુભાઈ, ગજુભાઈ, વજુભાઈ, વિશ્વનાથ વરવણે, ગજાનન ભટ્ટ, મોહન રાનડે, વાસુદેવ ભીંડે અને શાંતારામ વૈદ્ય પણ હતા.

28મી જુલાઈના દિવસે સત્યાગ્રહીઓ તેમને જે હથિયારો મળ્યાં તે લઈને કરમબેલે રેલવે સ્ટેશન પાસે જમા થયા. તેમની સાથે ભારતભરમાંથી આવેલા કાર્યકર્તાઓ હતા.

વરસાદને કારણે દમણગંગા નદીમાં પૂર હતાં, છતાં તેમણે નગર હવેલીના પોલીસ સ્ટેશનને ઘેરી લીધું. પોર્ટુગીઝ પોલીસે હથિયારો હેઠાં મૂકવા પડ્યાં.

દાદરા નગર હવેલી, મુક્તિ સંગ્રામ, મોરારજી દેસાઈ, પોર્ટુગલ, પોર્ટુગીઝ શાસન, દીવ દમણ ગોવા, ભારત, બીબીસી ગુજરાતી, ગુજરાતમાં સમાચાર, મુંબઈ, ગુજરાત, સેલવાસ

ઇમેજ સ્રોત, @sanjeevsanyal

ઇમેજ કૅપ્શન, નીલેશ કુલકર્ણીની અપરાઇઝિંગ- ધ લિબરેશન ઑફ દાદરા ઍન્ડ નગર હવેલી પુસ્તકનું મુખ્યપૃષ્ઠ

હવે આ સત્યાગ્રહીઓ સેલવાસ તરફ ગયા. સેલવાસના રસ્તા પર પિપરીયાનું પોલીસ સ્ટેશન સૌ પ્રથમ કબજે કર્યું.

દરમિયાન સેલવાસથી એક મોટરકારમાં એક પોલીસ અધિકારી અને અન્ય એક અધિકારીનાં પત્નીઓ આવી રહ્યાં હતાં. સત્યાગ્રહીઓએ કારને કબજે કરી.

ડ્રાઇવર મારફતે સેલવાસના પોર્ટુઝીઝ કૅપ્ટન ફિદાલ્ગોને સંદેશ મોકલાવ્યો કે તે આત્મસમર્પણ કરે.

ફિદાલ્ગો દમણથી તેમના ઉપરી અધિકારીના આદેશની રાહ જોતા હતા. તેથી સત્યાગ્રહીઓએ સેલવાસ પહોંચીને ગોળીબાર શરૂ કરી દીધો.

ફિદાલ્ગો અને પોલીસ અધિકારી ફાલ્કોવ ત્યાંથી ભાગીને દાદરા નગર હવેલીના જંગલમાં છુપાઈ ગયા. પાછળથી સત્યાગ્રહીઓએ પોલીસ અધિકારીઓનાં પત્નીને છોડી મૂક્યાં.

આ હુમલામાં પોર્ટુગીઝનો એક સિપાહીનું મૃત્યુ થયું અને સત્યાગ્રહીઓમાં ત્રણ જણા ઘાયલ થયા. આખરે સેલવાસની કચેરી પર તિરંગો લહેરાયો.

દાદરા નગર હવેલી, મુક્તિ સંગ્રામ, મોરારજી દેસાઈ, પોર્ટુગલ, પોર્ટુગીઝ શાસન, દીવ દમણ ગોવા, ભારત, બીબીસી ગુજરાતી, ગુજરાતમાં સમાચાર, મુંબઈ, ગુજરાત, સેલવાસ

ઇમેજ સ્રોત, WWW.SURVEYOFINDIA.GOV.IN

ઇમેજ કૅપ્શન, વર્ષ 1947માં ભારતની સ્વતંત્રતા સાથે ગોવા, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારત સાથે ભળવાની માગ ઉઠવા લાગી

મોરારજી દેસાઈએ બસ એટલું જ લખ્યું છે, "સત્યાગ્રહીઓ દાદરા નગર હવેલીમાં દાખલ થયા. ગોવાની હકૂમતના જે કોઈ માણસો-પોલીસો કે બીજાઓ- દાદરા નગર હવેલીમાં હતા, તેમને રિઝર્વ પોલીસના માણસોને ગોઠવાયેલા જોઈને એમ લાગ્યું હશે કે આ સેનાના લોકો છે."

"એમની સંખ્યા વધારે હોવાને કારણે તેઓ ગભરાઈ ગયા અને સ્થાન છોડીને જંગલમાં છુપાઈ ગયા. આ સંજોગોમાં અંદર દાખલ થયેલા સત્યાગ્રહીઓને દાદરા નગર હવેલીનો કબજો લેવામાં કોઈ મુશ્કેલી પડી નહીં."

મોરારજી દેસાઈ લખે છે કે સત્યાગ્રહીઓએ દાદરા નગર હવેલી પર કબજો કર્યા બાદ પોર્ટુગીઝ સરકારે આ પ્રદેશ પર ફરી કબજો કરવા માટે પોતાના માણસો મોકલવા ભારતની હદમાંથી પ્રવેશવાની પરવાનગી માગી હતી, પરંતુ પોર્ટુગીઝ સરકારને ભારત સરકારે આ પ્રકારની પરવાનગી આપી નહોતી.

આખરે 2જી ઑગસ્ટ, 1954ના રોજ દાદરા નગર હવેલી પોર્ટુગીઝ વસાહતમાંથી મુક્ત થયું છે તેવી જાહેરાત કરવામાં આવી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન