એ ગુજરાતી જનરલ જેણે હૈદરાબાદને ભારતમાં ભેળવી દીધું

ઇમેજ સ્રોત, indianarmy.nic.in/Getty
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી
અવિભાજિત ભારતમાં હૈદરાબાદ રાજ્યનું ક્ષેત્રફળ 82 હજાર 698 વર્ગ કિલોમીટર હતું અને તેની ગણતરી દેશના સૌથી મોટા રજવાડાંમાં થતી. તેનો વિસ્તાર બ્રિટન અને સ્કૉટલૅન્ડ કરતાં પણ વધારે હતો.
હૈદરાબાદની વસતિ એક કરોડ 60 લાખ કરતાં વધુ હતી, જે અનેક યુરોપિયન દેશો કરતાં વધુ હતી. વિશેષ દરજ્જાને કારણે જ તેને આઝાદી પછી ભારતમાં સામેલ થવું કે નહીં, તેનો નિર્ણય લેવા માટે વધારાના છ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો.
સરદાર પટેલ સાથે રહીને દેશના વિલીનીકરણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા વી.પી. મેનને એચ.વી. હોડસનને વર્ષ 1964માં આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું, "નહેરુએ બેઠકની શરૂઆતમાં જ મારી ઉપર હુમલો કર્યો. હકીકતમાં તેઓ મારા બહાને સરદાર પટેલ ઉપર નિશાન સાધી રહ્યા હતા."
"પટેલ થોડો સમય મૌન રહ્યા, પરંતુ નહેરુ ખૂબ જ કડવું બોલ્યા એટલે તેઓ બેઠકમાંથી વૉકાઉટ કરી ગયા. હું પણ તેમની પાછળ બહાર આવી ગયો કારણકે મારા મંત્રીની ગેરહાજરીમાં મારા માટે ત્યાં બેસવાનું કોઈ કારણ ન હતું."
"રાજાજીએ મારો સંપર્ક કરીને સરદારને મનાવવા કહ્યું. એ પછી હું અને રાજાજી મળીને સરદાર પટેલ પાસે ગયા. તેઓ પથારી પર સૂતા હતા. તેમનું બ્લડપ્રેશર બહુ વધી ગયું હતું. સરદારે ગુસ્સે થઈને ઊંચા અવાજે કહ્યું કે નહેરુ પોતાની જાતને શું સમજે છે? આઝાદીની લડાઈ બીજા લોકો પણ લડ્યા છે."
સરદાર ઇચ્છતા હતા કે કૉંગ્રેસ કાર્યસમિતિની બેઠક બોલાવીને નહેરુને વડા પ્રધાનપદેથી હઠાવી દેવામાં આવે. પરંતુ રાજાજીએ તેમને ડિફેન્સ કમિટીની બેઠકમાં સામેલ થવા માટે મનાવી લીધા.
આ બેઠકમાં નહેરુ શાંત રહ્યા અને હૈદરાબાદ પર સૈન્યકાર્યવાહીને મંજૂરી મળી ગઈ. આ જવાબદારી એક ગુજરાતી સૈન્યઅધિકારી ઉપર આવી, જેઓ પોતે તત્કાલીન રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવતા હતા.
જનરલ રાજેન્દ્રસિંહજી જાડેજા કોણ હતા?

રાજેન્દ્રસિંહ જાડેજા એ સમયના નવાનગર (હાલ જામનગર) સ્ટેટના સભ્ય હતા, એટલે ઔપચારિક રીતે તેમના સૈન્ય હોદ્દા પછી તેમનો રાજવી હોદો જોડવામાં આવતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તત્કાલીન નવાનગર સ્ટેટ દ્વારા 'શ્રીયદુવંશપ્રકાશ' નામનું પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું, જેમાં (પ્રથમ ખંડ, પેજ 391) આપવામાં આવેલી વિગતો પ્રમાણે, વિખ્યાત ક્રિકેટર રણજીતસિંહના મોટાભાઈ દેવીસિંહજી હતા.
જેમને ત્રણ પુત્રો એટલે સવાઈસિંહ, રાયસિંહ અને રાજેન્દ્રસિંહ. સવાઈસિંહ લૅફટનન્ટ તરીકે બે વર્ષ સુધી જર્મનો સામે આફ્રિકાના મોરચે લડ્યા હતા અને ઘાયલ થયા હતા. આગળ જતાં રાજેન્દ્રસિંહ પણ બ્રિટિશ સેનામાં જોડાયા હતા.

ઇમેજ સ્રોત, https://indianarmy.nic.in/
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રાજેન્દ્રસિંહજીનો જન્મ તા. 15 જૂન, 1899ના રોજ જામનગરના સરોદર ખાતે થયો હતો. તેમની સૈન્યપ્રૉફાઇલ પ્રમાણે, તેમણે રાજકોટસ્થિત રાજકુમાર કૉલેજમાંથી શિક્ષણ લીધું.
એ પછી રાજેન્દ્રસિંહે મેલવર્ન કૉલેજમાં ઉચ્ચશિક્ષણ મેળવ્યું અને સૅન્ડહર્સ્ટ મિલિટરી કૉલેજમાંથી તાલીમ મેળવી વર્ષ 1921માં 60મી રાયફલ્સની ત્રીજી બટાલિયનમાં સેકન્ડ લૅફટનન્ટ તરીકે જોડાયા.
મેજર જનરલ વી. કે. સિંહ તેમના પુસ્તક 'લીડરશિપ ઇન ઇન્ડિયન આર્મી'માં લૅફ. જનરલ ઠાકુર નથુસિંહ વિશેના પ્રકરણમાં લખે છે કે રાજેન્દ્રસિંહ સૅન્ડહર્સ્ટમાંથી નીકળીને ભારતીય સેનામાં થ્રી-સ્ટાર રૅન્ક સુધી પહોંચનારા પ્રથમ સૈન્યઅધિકારી હતા.
એ જ પુસ્તકનું એક પ્રકરણ જનરલ કરિયપ્પા વિશે છે, જેમાં તેઓ લખે છે કે બ્રિટિશ સેનામાં ફરજ બજાવતી વેળાએ (પાછળથી) જનરલ કરિયપ્પાને લાગતું હતું કે અન્ય હોદ્દાઓમાંથી આવેલા 'એ' કૅડેટ્સ તથા રાજવી પરિવારમાંથી આવેલા 'એસ' કૅડેટ્સ કરતાં 'ઓ' કૅડેટ્સ વધુ સારા અને કાબેલ હતા.
'એસ' શ્રેણીના કૅડેટ્સ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને આવી શકે તેવા ન હોય, તેમને આ રીતે પાછલા બારણેથી પ્રવેશ અપાતો. જેના કારણે ઓછી ગુણવતાવાળા વધુ ઉંમરના લોકો સેનામાં આવી જતાં.
રાજેન્દ્રસિંહને સર્વોચ્ચ સેવા સન્માનથી નવાજવામાં આવ્યા હતા
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમને ઉત્તર આફ્રિકાના લિબિયામાં અભૂતપૂર્વ શૌર્ય દાખવ્યું હતું. ઇન્ડિયન ઇન્ફર્મૅશનમાં (15 ઑક્ટોબર,1941, પેજ. 373) યુદ્ધનું વિવરણ આપવામાં આવ્યું છે, જે મુજબ: તા. આઠમી અને નવમી એપ્રિલ, 1941ના રોજ મેજર રાજેન્દ્રસિંહ અને તેમની ટુકડીના 60 જેટલા સૈનિકોને મિચીલી ખાતે રણપ્રદેશમાં જર્મન-ઇટાલિયન સૈનિકોએ ઘેરી લીધા.
તેમની ટુકડીએ દુશ્મનોના પશ્ચિમી ઘેરાને તોડવા માટે ટ્રક મારી મૂક્યા. અચાનકના હુમલાથી દુશ્મનોનાં ઘેરામાં અંધાધૂંધી ફેલાઈ ગઈ અને નાસી મેજર રાજેન્દ્રસિંહજીની ટુકડીને નાસી છૂટવામાં સફળતા મળી. તેમની કુમક દિવસભર નાળાઓમાં છુપાઈ રહી.
એ પછી તેમણે સફર શરૂ કરી, જે 30 કલાક સુધી ચાલવાની હતી. આ દરમિયાન 30 જેટલા જર્મનોને યુદ્ધકેદી પકડવામાં આવ્યા અને સલામત રીતે બ્રિટિશ સેનાના કાફલા સુધી પહોંચી ગયા.
અહેવાલ પ્રમાણે, મેજર રાજેન્દ્રસિંહ ખુદ આગળ રહીને તેમની ટુકડીનું માર્ગદર્શન કરતા રહ્યા અને જરૂર પડ્યે આગળ પાછળ થતા. તેમણે પોતાની રિવૉલ્વરથી દુશ્મનોની જડતી લીધી અને તેમને પોતાની ટુકડીને હવાલે કર્યા.
રાજેન્દ્રસિંહે ફરજ પ્રત્યે સમર્પણ, ઉચ્ચ નેતૃત્વક્ષમતા અને ટુકડીને ઉત્તમ દિશાસૂચન દાખવ્યા. આ બદલ તેમને તત્કાળ ડીએસઓ (ડિસ્ટન્ટિગ્યુસ્ડ સર્વિસ ઑર્ડર)થી નવાજવામાં આવ્યા. વર્ષ 1943માં તેમને બીજી રૉયલ લાન્સર્સના કમાન્ડન્ટ બનાવવામાં આવ્યા, જે પલટનમાં નવલોહિયા અધિકારી તરીકે જોડાયા હતા, તેના જ વડા અધિકારી બન્યા.

ઇમેજ સ્રોત, Getty Images
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ મે-1945માં તેમને વૉશિંગ્ટન ખાતે પહેલાં મિલિટરી ઍટેચી તરીકે મોકલવામાં આવ્યા, જ્યાં તેમણે દોઢેક વર્ષ ફરજ બજાવી. અહીં અમેરિકાના રાષ્ટ્રપતિ હૅરી ટ્રૂમેને રાજેન્દ્રસિંહને 'લિજન ઑફ ઑનર'થી સન્માનિત કર્યા.
બ્રિટિશ સરકારના નિર્ગમન, ભારત-પાકિસ્તાનના વિભાજનને કારણે અનેક અધિકારીઓને સમય કરતાં પહેલાં અને ઉત્તરોત્તર બઢતીઓ મળી. જેમાં રાજેન્દ્રસિંહનો પણ સમાવેશ થતો.
સપ્ટેમ્બર-1946માં તેમને બ્રિગૅડિયર તરીકે બઢતી મળી. વિભાજન સમયે તેમને દિલ્હી અને પૂર્વ પંજાબની કમાન મળી. પાકિસ્તાનથી આવતા હિંદુ અને શીખ શરણાર્થીઓ મોટાભાગે આ હદવિસ્તારમાં જ ઠલવાતા હતા.
મેજર કે.સી. પ્રવલ તેમનાં પુસ્તક 'ઇન્ડિયન આર્મી આફ્ટર ઇન્ડિપૅન્ડન્સ' (પેજ 25-26) ઉપર લખે છે કે તા. 17મી ઑગસ્ટના નિરાશ્રિતોથી ભરેલી પહેલી ટ્રેન દિલ્હી પહોંચી. દિલ્હીના અનેક વિસ્તારોમાં રૅફ્યૂજીઓ માટેની છાવણીઓ ઊભી થઈ ગઈ.
એ પછી દિલ્હી અને આજુબાજુના વિસ્તારોમાં કોમીહુલ્લડો ફાટી નીકળ્યા. સ્વતંત્રતા સમયે મેજર જનરલ બનેલા રાજેન્દ્રસિંહ ઉપર ઘરબાર છોડી આવેલા લોકો માટે જરૂરી ગોઠવણો કરવાની તથા કાયદો-વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવાની બેવડી જવાબદારી આવી પડી.
સેનાની મેડિકલ ટીમો દ્વારા ઠેર-ઠેર કૅમ્પ ઊભા કરીને લોકોની સારવાર હાથ ધરવામાં આવી. જેઓ ગંભીર રીતે બીમાર હતા તેમને સૈન્ય હૉસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા. સેનાને વિશેષાધિકારો આપતો કાયદો પસાર કરવામાં આવ્યો, જેથી કરીને કાયદોવ્યવસ્થા થાળે પડે.
ઑપરેશન પોલો કેવી રીતે પાર પડ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
સત્તાવાર સૈન્યપ્રોફાઇલ પ્રમાણે, જાન્યુઆરી-1948માં રાજેન્દ્રસિંહને લૅફટનન્ટ જનરલ તરીકે બઢતી આપીને પૂર્વ કમાન્ડ ખાતે મોકલવામાં આવ્યા. મે-1948માં દખ્ખણના કમાન્ડર અંગ્રેજ અધિકારી લૅફ. જનરલ ઍરિક ગોદાર્દ નિવૃત્ત થયા, ત્યારે તેમની પાસેથી કમાન સંભાળી.
આ પહેલાં નવેક મહિના દરમિયાન નિઝામ દ્વારા એવાં અનેક પગલાં લેવામાં આવ્યાં, જેથી કરીને ભારતના સૈન્ય અને રાજકીય નેતૃત્વમાં ચિંતાની લહેર ફરી વળી હતી.
છેવટે, તા. 13 સપ્ટેમ્બરના ભારતીય સેનાએ હુમલો કરવો એવું નક્કી કરવામાં આવ્યું હતું. મેજર પ્રવલ તેમના પુસ્તકમાં (પૃષ્ઠ 114થી 121) લખે છે કે ભારત ખાતેના બ્રિટિશ હાઈકમિશનરને આ હુમલા વિશે પૂરતી માહિતી આપવામાં આવી હતી, જેથી કરીને તા. 10-11ના રોજ પશ્ચિમી દેશોના લોકો હૈદરાબાદમાંથી સલામત નીકળી શકે.
બ્રિટિશ સૈન્યઅધિકારીઓ ઇચ્છતા હતા કે ભારત દ્વારા દક્ષિણ તરફથી હુમલો કરવામાં આવે, પરંતુ લેફ. જનરલ રાજેન્દ્રસિંહ તથા ભારતીય સૈન્યઅધિકારીઓને લાગતું હતું કે પશ્ચિમ તરફથી હુમલો કરવો યોગ્ય રહેશે, કારણ કે દક્ષિણ તરફથી સામાન-સરંજામ પહોંચાડવામાં મુશ્કેલી પડી શકે છે.
વિજયવાડા અને સોલાપુરના રસ્તે સેનાએ આગળ વધવું એવું નક્કી થયું. ધરાતલ ઉપર મેજર જનરલ જયંતો નાથ ચૌધરી યોજનાને સફળ બનાવવાના હતા.
તા. 13મીએ નહેરુએ ફોન કરીને સરદાર પટેલને ઉઠાડ્યા અને કહ્યું કે જનરલ બૂચરે મને ફોન કરીને હુમલો રોકવા માટે વિનંતી કરી છે. મારે શું કરવું જોઈએ? પટેલનો જવાબ હતો, 'તમે સૂઈ જાવ, હું પણ એ જ કરવાનો છું.'
આ દરમિયાન તા. 11 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાનના રાષ્ટ્રપિતા મહમદ અલી ઝીણાનું અવસાન થયું, જેઓ હૈદરાબાદને નવગઠિત પાકિસ્તાન સાથે જોડવા માટે આતુર હતા.

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય સેના દ્વારા તેને 'ઑપરેશન પોલો' એવું નામ આપવામાં આવ્યું, કારણ કે એ સમયે હૈદરાબાદમાં વિશ્વનાં સૌથી વધુ 17 પોલો મેદાનો હતાં. જોકે, ઔપચારિક રીતે 'પોલીસ ઍક્શન' એવું જ નામ આપવામાં આવ્યું હતું.
એ સમયે ભારત સરકારના ઍજન્ટ જનરલ તરીકે કનૈયાલાલ મુંશી હૈદરાબાદમાં હતા. તેમને નજરકેદ કરી લેવામાં આવ્યા હતા. જેઓ સૈન્યકાર્યવાહી બાદ મુક્ત થયા.
વી.પી. મેનન તેમના પુસ્તક 'ધ સ્ટૉરી ઑફ ધ ઇન્ટિગ્રૅશન ઑફ ધ ઇન્ડિયન સ્ટેટ્સ'માં (359-361) લખે છે કે શરૂઆતના બે દિવસ ભારતીય સેનાએ પ્રતિકારનો સામનો કરવો પડ્યો, પરંતુ એ પછી રઝાકારો ઘૂંટણીએ પડી ગયા.
એક પછી એક વિસ્તારો ભારતીય સેનાના તાબા હેઠળ આવતા ગયા. નિઝામની સેનાના આરબ મૂળના કમાન્ડર-ઇન-ચીફ જનરલ અલ-ઇદરોસે મેજર જનરલ ચૌધરી સમક્ષ શરણાગતિ સ્વીકારી.
જે ઑપરેશન લગભગ 15 દિવસ ચાલે તેમ હતું, તે 108 કલાકમાં પતી ગયું. મેનન તેમના પુસ્તકમાં લખે છે કે પહેલા જ દિવસે ભારતીય સેનાએ નિઝામ માટે કામ કરતા ઇંગ્લૅન્ડના કમાન્ડોને અટકાવ્યા. તેમની જીપમાં વિસ્ફોટક ભરેલા હતા, જેની મદદથી તેઓ પુલોને ઉડાવી દેવાના હતા.
મેનન અવલોકે છે કે જો ભારતીય સેનાએ બે દિવસ મોડું આક્રમણ કર્યું હોત, તો પુલોને ઉડાવી દેવાયા હોત અને યુદ્ધ લંબાઈ ગયું હોત.

ઇમેજ સ્રોત, Getty Images
સરદાર પટેલ જ્યારે ભારતીય અધિકારીઓ સાથે હૈદરાબાદ પહોંચ્યા ત્યારે ખુદ નિઝામે તેમને ઍરપૉર્ટ ઉપર આવકાર્યા. લેફ. જનરલ રાજેન્દ્રસિંહે નાગરિકોને ગભરાટ ત્યજીને ભારતીય સેનાને સહયોગ કરવાનો સંદેશ હૈદરાબાદીઓને આપ્યો. સેનાએ કાયદો અને વ્યવસ્થાને થાળે પાડવા અને બચી ગયેલા રઝાકારોને નાથવા કવાયત હાથ ધરી.
આ દરમિયાન ભારતીય સેના ઉપર નિઝામની રૈયતમાં લૂંટ, બળાત્કાર, હિંસા અને હત્યાના આરોપ લાગ્યા. આ આરોપોની તપાસ માટે નહેરુ દ્વારા પંડિત સુંદરલાલના નેતૃત્વમાં અલગ-અલગ ધર્મોના સભ્યો ધરાવતું પ્રતિનિધિમંડળ તપાસાર્થે મોકલ્યું, જેનો રિપોર્ટ ક્યારેય સાર્વજનિક ન થયો.
પરંતુ આ રિપોર્ટનાં તારણો પ્રમાણે, 27થી 40 હજાર લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ રિપોર્ટ શા માટે સાર્વજનિક નહોતો કરાયો, તેના વિશે નહેરુએ ક્યારેય સ્પષ્ટતા નહોતી કરી.
આ કાર્યવાહીમાં 1373 રઝાકાર માર્યા ગયા. હૈદરાબાદ સ્ટેટના 807 જવાનોનાં પણ મોત નિપજ્યાં. ભારતીય સૈન્યએ પોતાના 66 જવાન ગુમાવ્યા જ્યારે 97 જવાન ઈજાગ્રસ્ત થયા હતા.
નહેરુના સલાહકાર પણ રહ્યા

ઇમેજ સ્રોત, NAWAB NAJAF ALI KHAN/BBC
જનરલ કરિયપ્પા વિશેના પ્રકરણમાં મેજર જનરલ વી.કે. સિંહ લખે છે કે પહેલી જાન્યુઆરી 1949ના જનરલ સર રૉય બૂચર એક વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરીને કમાન્ડર-ઇન-ચીફ પદેથી નિવૃત થવાના હતા અને ભારતીય સૈન્યઅધિકારીને આ પદ આપવાનું હતું.
એ સમયે કરિયપ્પા, રાજેન્દ્રસિંહ અને ઠાકુર નથુસિંહ પ્રબળ દાવેદાર હતા. ત્રણેય લેફ. જનરલ હતા અને કમાન્ડર હતા. કરિયપ્પા કરતાં રાજેન્દ્રસિંહ છ મહિના મોટા હતા, પરંતુ સેનામાં તેમનાથી એક વર્ષ જુનિયર હતા. નથુસિંહ અઢી વર્ષ જુનિયર હતા અને ઉંમરમાં પણ નાના હતા.
તત્કાલીન લેફ. જનરલ કરિયપ્પા કેટલાકને મતે 'અંગ્રેજ' હતા તો કેટલાકને પાકિસ્તાની સૈન્યઅધિકારીઓ સાથેની તેમની નિકટતા ખટકતી. એટલે તેઓ પહેલી પસંદ ન હતા. રાજેન્દ્રસિંહ અને નથુસિંહે તેમને મળેલી ઑફરો નકારી એટલે તા. 15 જાન્યુઆરી, 1949ના રોજ તેઓ પહેલા ભારતીય કમાન્ડર-ઇન-ચીફ બન્યા.
જ્યારે જનરલ કરિયપ્પાએ તેમનો ચાર વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો, ત્યારે તેમની અને નથુસિંહની વચ્ચે સ્પર્ધા હતી. પુસ્તકમાં ઉલ્લેખ પ્રમાણે, રાજનેતાઓ અને ઉચ્ચઅધિકારીઓ સાથે ઘર્ષણને કારણે તેઓ પ્રીતિપાત્ર ન હતા. લેફ. જનરલ રાજેન્દ્રસિંહને ત્રણ મહિનાનું ઍકસ્ટેન્શન આપવામાં આવ્યું હતું, જેથી તેઓ સ્પર્ધામાં ટકી શક્યા.
15 જાન્યુઆરી 1953ના દિવસે તેઓ દેશના કમાન્ડર-ઇન-ચીફ બન્યા. તા. પહેલી એપ્રિલ 1955ના રોજ આ હોદ્દો નાબુદ થયો અને દેશના રાષ્ટ્રપતિ હોદ્દાની રુએ સરસેનાપતિ બન્યા. ત્યારથી 14 મે, 1955 સુધી દરમિયાન તેઓ ખુશ્કીદળના વડા રહ્યા.
'1962 ધ વૉર ધૅટ વૉઝન્ટ' નામના પુસ્તકમાં શીવ કુનાલ વર્મા 'ગુડબાય તિબેટ, હેલ્લો ચાઇના' નામના પ્રકરણમાં લખે છે કે જનરલ તરીકેના રાજેન્દ્રસિંહના કાર્યકાળ દરમિયાન મેજર જનરલ કુલવંતસિંહના નેતૃત્વમાં કમિટીનું ગઠન કરવામાં આવ્યું હતું. જેને તિબેટ ઉપર ચીનના આક્રમણની અસર ચકાસવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
આ કમિટીનું માનવું હતું કે વર્ષ 1959થી 1961 દરમિયાન ભારત ઉપર ચીન આક્રમણ કરી શકે છે, જેના માટે ભારતે સજ્જ રહેવું જોઈએ. વર્ષ 1962માં ભારત-ચીન યુદ્ધ થયું, જેમાં ભારતનો નાલેશીભર્યો પરાજય થયો.
જૂન-1953માં જનરલ રાજેન્દ્રસિંહને ક્વિન ઍલિઝાબેથ દ્વિતીય કૉમનવેલ્થથી નવાજવામાં આવ્યા. માર્શલ ટીટોએ તેમને 'યુગોસ્લાવિયા આર્મી ક્લાસ I'થી સન્માનિત કર્યા. વડા પ્રધાન જવાહરલાલ નહેરૂના પત્રવ્યવહારો પરથી માલૂમ પડે છે કે નિવૃત્તિ બાદ પણ તેઓ જનરલ રાજેન્દ્રસિંહ તથા જનરલ થોરાટ સાથે સૈન્યબાબતોમાં પરામર્શ કરતા અને વિદેશી અગ્રણીઓ પણ તેમની સાથે મુલાકાત કરે. તા. પહેલી જાન્યુઆરી 1964ના રોજ જનરલ રાજેન્દ્રસિંહનું અવસાન થયું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













