દાદરા નગર હવેલી: એક દિવસ માટે નહેરુની સમકક્ષ વડા પ્રધાન બનનારા અધિકારીની કહાણી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
સામાન્ય જ્ઞાન કે સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછવામાં આવે કે ગુજરાતની સીમાઓ કોની-કોની સાથે જોડાયેલી છે, તો જવાબ હોય : પાકિસ્તાન, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, દીવ, દમણ અને દાદરા નગર હવેલી.
વર્ષ 1961માં ગોવા, દીવ અને દમણને ફિરંગીઓના શાસનમાંથી મુક્ત કરવા માટે સૈન્યઅભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ફિરંગી શાસન દરમિયાન દાદરા અને નગર હવેલી પ્રદેશ દમણથી સંચાલિત થતો, જોકે આ પ્રદેશ દમણ કરતાં સાતેક વર્ષ પહેલાં જ પોર્ટુગીઝ શાસનથી મુક્ત થઈ ગયો હતો અને તેનો મામલો આંતરરાષ્ટ્રીય અદાલત સુધી પહોંચ્યો હતો.
દાદરા અને નગર હવેલી વિસ્તારને ભારતમાં ભેળવવા માટે એક કૂટનીતિક પગલું લેવામાં આવ્યું હતું અને એક સનદી અધિકારીએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો...
દાદરામાં ફિરંગીઓની દસ્તક

ઇમેજ સ્રોત, dhtednhdd.in
બ્રિટીશ આધિપત્યમાંથી સ્વતંત્ર થયા બાદ ભારતે ફ્રાન્સ સાથે વાટાઘાટો હાથ ધરી હતી અને પોંડિચરીને (હાલનું પુડ્ડુચેરી) ભારતમાં ભેળવવા માટે વાટાઘાટો હાથ ધરી હતી. બે-ત્રણ વર્ષમાં તેમાં સફળતા પણ મળી ગઈ.
આવી જ વાટાઘાટો ફિરંગીઓ સાથે પણ હાથ ધરવામાં આવી હતી. જેઓ ગોવા (1510થી), દીવ (1535થી), દમણ (1559થી) તથા દાદરા અને નગર હવેલી (1783થી 1785 વચ્ચે) પર શાસન કરી રહ્યા હતા, પરંતુ તેમણે પોતાના સંસ્થાનો છોડવાનો ઇન્કાર કરી દીધો.
કુમાર સુરેશસિંહ તેમના પુસ્તક 'પીપલ ઑફ ઇન્ડિયા: દાદરા ઍન્ડ નગર હવેલી'માં (પેજ 2-5) લખે છે કે એક સમયે દાદરા અને નગર હવેલી ઉપર જવાહર તથા રામનગરના હિંદુ રાજાઓનું રાજ હતું. એ પહેલાં આ વિસ્તાર ઉપર કોળી સામંતોનું આધિપત્ય હતું.
રામનગરના રાજાએ પોર્ટુગીઝોની મદદથી પોતાની સીમાઓનો વિસ્તાર કર્યો હતો. સોમદેવ નામના શાસકના સમયમાં શિવાજીએ સુરત ઉપર આક્રમણ કર્યું હતું. ત્યારે થાણેથી સુરત સલામત રીતે જઈ શકાય તે માટે તેમણે આ વિસ્તાર ઉપર ચઢાઈ કરી અને તત્કાલીન શાસક સોમદેવે વ્યૂહાત્મક પીછેહઠ કરી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પેશ્વાકાળ દરમિયાન મરાઠાઓએ પોર્ટુગીઝોના 'સતાના' નામના જહાજને જપ્ત કરીને ડૂબાડી દીધું. આથી, ફિરંગી દૂતે પેશ્વાના દરબારમાં હાજરી આપી અને વળતરની માગણી કરી.
આ અરસામાં મરાઠાઓના રાજ્યાવિસ્તાર કરી રહ્યા હતા, જેમાં ઉત્તરમાં અંગ્રેજો અવરોધરૂપ હતા. કંપની સરકાર સાથે સાત વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું હતું, જે 1782માં પૂર્ણ થયું હતું.

ઇમેજ સ્રોત, X/IndiaHistoryPic
આ સંજોગોમાં બ્રિટીશરો અને ફિરંગીઓ એક ન થઈ જાય તે માટે મરાઠાઓએ વ્યૂહાત્મક પીછેહઠ કરી અને વર્ષ 1779માં પોર્ટુગીઝો સાથે સંધિ કરી. 1783માં દાદરાના 66 ગામડાંની જાગીર પોર્ટુગીઝોને આપવામાં આવી. જેની આવકમાંથી તેમણે નુકસાનની રકમ મેળવવી અને વસૂલાત થયે આ વિસ્તાર મરાઠાઓને પરત કરવો એવું નક્કી થયું.
એ પછી ફિરંગીઓએ ફરી પેશ્વાના દરબારમાં રજૂઆત કરી કે આ ગામડાંમાંથી રૂ. 12 હજાર કરતાં ઓછી આવક થાય છે એટલે તેમને નગર હવેલીના વધુ છ ગામડાંની જાગીર સોંપાઈ. આમ 72 ગામડાં અને 491 વર્ગ કિલોમીટર જેટલા વિસ્તાર ઉપર ફિરંગીઓનું વર્ચસ્વ સ્થપાયું.
મરાઠા સામ્રાજ્યની હદો વિસ્તરી રહી હતી અને આંતરિક ખેંચતાણ અને ખટપટો પણ હતી. આ સંજોગોમાં કોઈનું ધ્યાન દાદરા અને નગર હવેલીની જાગીરો પરત મેળવવા પર ન ગયું અને કદાચ આ બાબત ચર્ચાઈ તો પ્રાથમિક્તામાં ન હતી.
વર્ષ 1818માં બાજીરાવ પેશ્વા દ્વિતીયનો પરાજય થયો અને મરાઠાઓનું સામ્રાજ્ય બ્રિટિશરોને અધીન આવ્યું, જ્યારે દાદરા અને નગર હવેલી પોર્ટુગીઝો પાસે રહી જવા પામ્યા. દમણના ગવર્નર મારફત આ વિસ્તારનો વહીવટ થતો.
સ્વતંત્રતાનો સૂર્યોદય

ઇમેજ સ્રોત, WWW.SURVEYOFINDIA.GOV.IN
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વર્ષ 1947માં ભારતની સ્વતંત્રતા સાથે ગોવા, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારત સાથે ભળવાની માગ ઉઠવા લાગી, કારણ કે તેઓ આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને ભાષાકીય રીતે પાસેના ભારતીય ભૂભાગ સાથે વધુ નિકટતા ધરાવતા હતા.
રિઅર ઍડમિરલ (રિટાયર્ડ) સત્યેન્દ્રસિંહે ભારતીય નૌકાદળના ઇતિહાસ ઉપર પ્રકાશ પાડતાં 'ધ ઇન્ડિયન નેવી, 1951- '65' નામનું પુસ્તક લખ્યું છે. જેમાં તેમણે (પેજ 344-415) ગોવા અને દીવ-દમણની સ્વાતંત્ર્ય ચળવળ અને સૈન્યઅભિયાન ઉપર પ્રકાશ પાડ્યો છે. તેઓ લખે છે :
'તા. 21 જુલાઈના દિવસે દમણની પૂર્વે આવેલા દાદરામાં પોર્ટુગીઝ સરકાર સામે બળવો ફાટી નીકળ્યો અને સવાર સુધીમાં યુનાઇટેડ ફ્રન્ટ ઑફ ગોવન્સે તેને મુક્ત કરાવી દીધો. આગામી 11 દિવસ દરમિયાન એક પછી એક ગામડામાં પોલીસ તથા વહીવટી અધિકારીઓએ આત્મસમર્પણ કર્યું. પહેલી ઑગસ્ટના નગર હવેલીને પણ ફિરંગીઓથી મુક્ત કરાવી દેવાયું અને ત્યાં તિરંગો ફરક્યો.
ડિસેમ્બર-1955માં પોર્ટુગલે હૅગસ્થિત આંતરરાષ્ટ્રીય અદાલતના દરવાજા ખખડાવ્યા અને માગ કરી કે આ વિસ્તારોમાં પોતાના શાસનને પુનઃસ્થાપિત કરવા માટે ભારત દ્વારા દમણથી પોર્ટુગીઝોને દાદરા અને નગર હવેલી જવા દેવામાં આવે. ભારતે હથિયારધારીઓને દાદરા અને નગર હવેલીમાં મોકલવામાં આવ્યા હોવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો.
ચાર વર્ષની સુનાવણી બાદ તા. 12 એપ્રિલ 1960ના દિવસે આંતરરાષ્ટ્રીય અદાલતે ઠેરવ્યું કે પોર્ટુગીઝો પાસે બંને વિસ્તારની વચ્ચે વહીવટ જાળવી રાખવા માટે ભારતીય હદવિસ્તારમાંથી પસાર થવાના અધિકાર ન હતા. આ વિસ્તારમાં વહીવટી અધિકાર જાળવી રાખવા માટે ભારતીય હદવિસ્તારમાંથી પસાર થવાનો અધિકાર અનિવાર્ય છે ત્યારે આ વિસ્તારોમાં નવી સત્તાને 'યથાભૂત સ્વરૂપે સત્ય જોતા' પસાર થવાના અધિકારનો અંત આવ્યો છે.
જ્યારથી દાદરા અને નગર હવેલીમાં પોર્ટુગીઝ શાસનનું પતન થયું હતું, ત્યારથી આ વિસ્તારનો વહીવટ 'વરિષ્ઠ પંચાયત' દ્વારા કરવામાં આવતો હતો. આંતરરાષ્ટ્રીય ચુકાદા બાદ પરિસ્થિતિ પ્રવાહી બની ગઈ હતી. આથી, વરિષ્ઠ પંચાયતે ભારત સરકારનો સંપર્ક સાધ્યો. ભારતે આઈસીએસ અધિકારી કે.જી. બદલાણીને શાસનમાં મદદ માટે મોકલ્યા આગળ જતાં તેમની ઉપર જ દાદરા-નગર હવેલીને ભારતમાં ભેળવવાની જવાબદારી આવી.
આઈએએસ અધિકારીઓની નામાવલીની (1966) વિગતો પ્રમાણે, દિલ્હીના રહીશ 'કેજી'નો જન્મ તા. પહેલી જુલાઈ, 1921ના રોજ થયો હતો અને તેમણે બૉમ્બેમાંથી એમએ એલએલબીનો અભ્યાસ કર્યો હતો. તેઓ હિંદી, ગુજરાતી અને સિંધી ઉપર પ્રભુત્વ ધરાવતા હતા.

ઇમેજ સ્રોત, HTTP://DIU.GOV.IN
સ્ટેટ સિવિલ સર્વિસની સ્પેશિયલ રિક્રૂટમૅન્ટ સ્કીમ હેઠળ 30મી સપ્ટેમ્બર 1957ના તેમની ભરતી કરવામાં આવી હતી. એ સમયે બોમ્બે રાજ્યના નેજા હેઠળ ગુજરાત અને મહારાષ્ટ્ર એક હતા. અવિભાજિત રાજ્યના મહેસુલ વિભાગમાં તેમણે અલગ-અલગ ફરજો બજાવી.
ગુજરાત અને મહારાષ્ટ્રના અલગ થવાથી અનેક અધિકારીઓને વરિષ્ઠતાના પ્રમૉશન મળ્યા અને બદલાણી પણ તેમાંથી એક હતા. કન્ફર્મ થયાના લગભગ દોઢેક વર્ષમાં જ તેમની ઉન્નતિ થઈ હતી. તા. 17 ઑક્ટોબર 1960ના તેમને મુક્ત દાદરા નગર હવેલીના વહીવટકર્તા તરીકે મોકલવામાં આવ્યા.
તા. 12 જૂન 1961ના દિવસે વરિષ્ઠ પંચાયતે સર્વાનુમત્તે ઠરાવ પસાર કરીને ભારતમાં ભળવાનો નિર્ણય જાહેર કર્યો. તા. 11 ઑગસ્ટના એક દિવસ માટે કે જી બદલાણીને દમણ અને દાદરા નગર હવેલીના વડા પ્રધાન બનાવવામાં આવ્યા, જેથી કરીને તેઓ 'પંડિત નહેરૂની સમકક્ષ' બની ગયા હતા.
બદલાણીએ ભારતના નહેરૂની સાથે વિલીનીકરણના દસ્તાવેજ ઉપર સહી કરી અને 10માં બંધારણીય સુધારા દ્વારા દાદરા અને નગર હવેલીનો વિસ્તાર સત્તાવાર રીતે ભારતમાં જોડાઈ ગયો, જેને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો મળ્યો. એ પછી પણ બદલાણી આ વિસ્તારના વહીવટકર્તા રહ્યા અને આગળ જતાં દમણના કલેક્ટર પણ બન્યા.
તા. 19 ડિસેમ્બર, 1961ના સૈન્યકાર્યવાહી પછી ગોવા, દમણ અને દીવ પણ ફિરંગીઓના કબજામાંથી મુક્ત થયા અને કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા. આ ઘટનાક્રમ મુદ્દે ભારત અને પશ્ચિમી દેશો વચ્ચે તણાવ રહ્યો. જોકે, રશિયા ભારતની પડખે રહ્યું અને ચીનનું વલણ પણ નકારાત્મક ન હતું.
વર્ષ 1967માં દીવ, દમણ અને ગોવામાં જનમત સંગ્રહ થયા. જેમાં ગોવાના નાગરિકોને નવગઠિત મહારાષ્ટ્રમાં ભળવું કે કેન્દ્રશાસિત રહેવું; તથા દીવ-દમણના લોકોને નવા બનેલા ગુજરાતમાં ભળવું કે કેન્દ્રશાસિત રહેવું એવા વિકલ્પ આપવામાં આવ્યા.
ગોવા, દમણ તથા દીવના નાગરિકોએ કેન્દ્રશાસિત રહેવા માટેનો મત વ્યક્ત કર્યો. 30 ધારાસભ્યો વાળી વિધાનસભા સરકાર ચલાવતી તથા ઉપ-રાજ્યપાલ કેન્દ્ર સરકારના પ્રતિનિધિ હતા. દમણ તથા દીવમાંથી એક-એક ધારાસભ્ય ચૂંટાઈ આવતા.
વર્ષ 1974માં આંતરરાષ્ટ્રીય સમુદાયે આ વિસ્તારો ઉપર ભારતના પ્રભુત્વનો સ્વીકાર કર્યો. આ પહેલાં ડિસેમ્બર 1971માં બાંગ્લાદેશને પાકિસ્તાનથી અલગ સ્વતંત્ર દેશ બનવામાં મદદ કરીને ભારતે તેની સૈન્ય અને કૂટનીતિક ક્ષમતાનો પરિચય આપી દીધો હતો.
વર્ષ 1987માં ગોવાને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો અને 40 ધારાસભ્યોવાળી નવી વિધાનસભા બની. એ પછી દીવ અને દમણ કેન્દ્રશાસિત પ્રદેશ જ બની રહ્યા. એ પછી તા. 26 જાન્યુઆરી, 2020 ના નવી વ્યવસ્થા અમલમાં આવી અને દીવ, દમણ તથા દાદરા અને નગર હવેલીનું પુનર્ગઠન અમલમાં આવ્યું તથા એક કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો.












