તાજુદ્દીન અહમદ: બાંગ્લાદેશના પહેલા કાર્યકારી પીએમ, જેમણે મૃત્યુ પહેલાં નમાજ પઢવાની પરવાનગી માગી

ઇમેજ સ્રોત, TAJUDDINAHMAD.ORG
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી હિન્દી
25 માર્ચ 1971માં પાકિસ્તાની સેનાએ ઢાકામાં જેવું ઑપરેશન સર્ચલાઇટ શરૂ કર્યું, અવામી લીગના મહાસચિવ તાજુદ્દીન અહમદ અને ઢાકાના એક પ્રખ્યાત વકીલ અમીરુલ ઇસ્લામ અંડરગ્રાઉન્ડ થઈ ગયા.
આ બંને પાકિસ્તાનની નૅશનલ એસેમ્બ્લીના ચૂંટાયેલા સભ્ય હતા. બંનેએ પછીના બે દિવસ ઢાકાના લાલમટિયા વિસ્તારમાં વિતાવ્યા.
આ જગ્યા ધાનમંડીના શેખ મુજીબુર્રહમાનના ઘરથી વધુ દૂર નહોતી.
ત્યાર પછી તેમણે ભારતીય સરહદ તરફ આગળ વધવાનું શરૂ કર્યું. ત્રણ દિવસ સુધી સતત પગપાળા અને બળદગાડાંઓ પર મુસાફરી કરીને તેઓ કુશ્તિયા જિલ્લાના એ વિસ્તારમાં પહોંચ્યા, જે ભારતીય સીમાને અડતો હતો.
પહેલાંથી નક્કી એક સ્થળે તેમની મુલાકાત એક બંગાળી અધિકારી તૌફીક ઇલાહી ચૌધરી સાથે થઈ.
ચૌધરીએ 30 માર્ચે સીમા પર તહેનાત સીમા સુરક્ષા દળના અધિકારીઓને સંદેશો મોકલ્યો: 'મુજીબના નજીકના લોકો, આવામી લીગના બે વરિષ્ઠ નેતા, સીમા પાસે પહોંચી ચૂક્યા છે. જો તેમનું સ્વાગત સરકારી મહેમાનની જેમ કરવામાં આવે, તો તેઓ ભારતનાં વડાં પ્રધાનને મળવા ઇચ્છશે.'
બીએસએફ અધિકારીઓએ આ માહિતી પોતાના આઇજી ગોલક મજૂમદારને આપી.
મજૂમદારે તરત જ આ માહિતી દિલ્હીમાં પોતાના વરિષ્ઠ અધિકારી કેએફ રુસ્તમજીને આપી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ન્યૂ માર્કેટમાંથી તૈયાર કપડાં ખરીદવામાં આવ્યાં

ઇમેજ સ્રોત, BSF
જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે રાતના એક વાગી ગયા હતા. તે સમયે કોલકાતા (તે સમયનું કલકત્તા)ની બધી હોટલ અને દુકાનો બંધ થઈ ગઈ હતી.
રુસ્તમજીની પાસે આકસ્મિક મુસાફરી માટે કપડાંની એક કિટ હંમેશા તૈયાર રહેતી હતી.
તેમાંથી તેમણે પાયજામા કાઢીને પોતાના મહેમાનોને પહેરવા માટે આપ્યા.
મજૂમદારે બધા માટે સ્ટવ પર આમલેટ બનાવી. બીજા દિવસે એક વ્યક્તિને કલકત્તાની ન્યૂ માર્કેટ મોકલવામાં આવ્યા.
ત્યાંથી તાજુદ્દીન અહમદ અને તેમના સાથી માટે રેડીમેડ કપડાં ખરીદવામાં આવ્યાં. રુસ્તમજીની ઇચ્છા હતી કે તેમના માટે સૌથી સારાં કપડાં ખરીદવામાં આવે; કેમ કે, તેઓ પોતાના દેશના પ્રતિનિધિ તરીકે વડાં પ્રધાન ઇંદિરા ગાંધીને મળવા જતા હતા.
ઇંદિરા ગાંધી સાથે તાજુદ્દીનની મુલાકાત

ઇમેજ સ્રોત, TAJUDDINAHMAD.ORG
તાજુદ્દીન અહમદ બીજા દિવસે રુસ્તમજીની સાથે એક વિશેષ વિમાનમાં દિલ્હી પહોંચ્યા.
સ્ટેટમૅનના પૂર્વ પત્રકાર માનશ ઘોષ પોતાના પુસ્તક 'બાંગ્લાદેશ વૉર રિપોર્ટ ફ્રૉર્મ ગ્રાઉન્ડ જીરો'માં લખે છે, "ઇંદિરા ગાંધીએ તાજુદ્દીન અહમદને સલાહ આપી કે આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિ મેળવવા માટે એ જરૂરી છે કે બાંગ્લાદેશની સરકારને આંતરરાષ્ટ્રીય મીડિયા સમક્ષ સોગંદ લેવડાવવામાં આવે."
"…અને આ સોગંદવિધિ સમારંભ એવી જગ્યાએ હોય, જે બાંગ્લાદેશી સ્વતંત્રતા સેનાનીઓના નિયંત્રણમાં હોય."
ઇંદિરા ગાંધીએ ત્યાં હાજર ભારતીય અધિકારીઓ, ખાસ કરીને રુસ્તમજીને સૂચના આપી કે તાજુદ્દીન અહમદ અને તેમની પ્રસ્તાવિત સરકારને બધી જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે.
કાર્યકારી વડા પ્રધાન તરીકે સોગંદ લીધા
નક્કી કરવામાં આવ્યું કે નાદિયા જિલ્લાને અડીને આવેલા બૈદ્યનાથતાલને બાંગ્લાદેશની વચગાળાની સરકારના સોગંદવિધિ સ્થળ તરીકે પસંદ કરવામાં આવશે.
17 એપ્રિલ 1971એ કલકત્તામાં બધા વિદેશી પત્રકારોને ભેગા કરવામાં આવ્યા અને તેમને જણાવવામાં આવ્યું કે તેમને એક વિશેષ કાર્યક્રમના રિપોર્ટિંગ માટે એક અજ્ઞાત સ્થળે લઈ જવાશે.
કલકત્તાથી લગભગ 60 ગાડીઓનો કાફલો બૈદ્યનાથતાલ તરફ રવાના થયો.
મીનાજપુરથી અવામી લીગના સાંસદ પ્રોફેસર યુસુફ અલીએ માઇક ઉપર જાહેરાત કરી કે બાંગ્લાદેશ હવે એક સ્વતંત્ર અને સાર્વભૌમ ગણરાજ્ય છે.
તેમણે જ સૈયદ નઝરુલ ઇસ્લામને કાર્યકારી રાષ્ટ્રપતિ અને તાજુદ્દીન અહમદને કાર્યકારી વડા પ્રધાન તરીકેના સોગંદ લેવડાવ્યા.
બીજા દિવસે દુનિયાનાં મુખ્ય અખબારોમાં આ ઐતિહાસિક ઘટનાના સમાચાર પ્રકાશિત થયા.
આવામી લીગના નેતાઓની નારાજગી

ઇમેજ સ્રોત, TAJUDDINAHMAD.ORG
તાજુદ્દીન અહમદનો જન્મ 23 જુલાઈ 1925એ ઢાકાથી 62 કિલોમીટર દૂર દરદરિયા ગામમાં થયો હતો. તેઓ અવામી લીગના સંસ્થાપક સભ્યોમાંના એક હતા. તાજુદ્દીન અહમદને અવામી લીગનું 'ઇન્ટેલેક્ચુઅલ પાવર હાઉસ' કહેવામાં આવતા હતા.
અર્થશાસ્ત્રના મેધાવી વિદ્યાર્થી રહેલા તાજુદ્દીન અહમદ સાઠના દાયકામાં ઘણી વાર સાઇકલ ચલાવીને શહેરમાં ફરતા અને સામાન્ય લોકોને મળતા નજરે પડતા હતા. છ-સૂત્રીય આંદોલનમાં ભાગ લેવાના કારણે તેમને ત્રણ વર્ષ સુધી પાકિસ્તાનની જેલોમાં રહેવું પડ્યું હતું.
તાજુદ્દીન અહમદની ઇંદિરા ગાંધી સાથે થયેલી ઐતિહાસિક મુલાકાત અવામી લીગનાં કેટલાંક જૂથને ગમી નહોતી.
માનશ ઘોષ પોતાના પુસ્તક મુજીબ્સ બ્લંડર્સમાં લખે છે, "મુજીબના ભત્રીજા અને મુજીબ બાહિનીના પ્રમુખ શેખ ફઝલુલ હક મોનીએ ખુલ્લેઆમ તાજુદ્દીન અહમદના નેતૃત્વને પડકાર ફેંકતા સવાલ કર્યો હતો કે તેઓ કયા અધિકારથી અવામી લીગના નેતા તરીકે ઇંદિરા ગાંધીને મળવા ગયા હતા."
"તાજુદ્દીનને નીચા બતાવવાના હેતુથી તેમણે પાર્ટીમાં તાજુદ્દીનના હરીફ મુશ્તાક અહમદ સાથે સાઠગાંઠ કરી લીધી હતી, જોકે, બંનેમાં કશી વૈચારિક સમાનતા નહોતી."
તાજુદ્દીન અને મુશ્તાક વચ્ચે ખટરાગ
સપ્ટેમ્બર 1971માં જ્યારે મુશ્તાક અહમદ બાંગ્લાદેશના પ્રતિનિધિમંડળને લઈને સંયુક્ત રાષ્ટ્ર જવાના હતા, તાજુદ્દીન અહમદે તેમને તેમના પદ પરથી હટાવી દીધા હતા.
તેના માટે મુશ્તાકે તેમને ક્યારેય માફ ન કર્યા અને પછીથી એ જ તેમની હત્યાનું કારણ પણ બન્યું.
બાંગ્લાદેશની આઝાદીની લડાઈ દરમિયાન તેઓ કલકત્તાના 8, થીઅટર રોડ પર પોતાની ઑફિસની બાજુમાં એક નાના રૂમમાં રહેતા હતા.
તેઓ એક સાધારણ ખાટલા પર સૂતા હતા. તેમની પાસે થોડાંક જ કપડાં હતાં, જેને તેઓ પોતાના હાથે ધોતાં હતાં.
તાજુદ્દીન અહમદ વિરુદ્ધ ખોટો પ્રચાર

ઇમેજ સ્રોત, TAJUDDINAHMAD.ORG
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
16 ડિસેમ્બરે બાંગ્લાદેશ આઝાદ થયા પછીના છ દિવસ પછી, 22 ડિસેમ્બરે તાજુદ્દીન અહમદ પોતાના મંત્રીમંડળ સાથે ભારતીય હવાઈદળના ખાસ હેલિકૉપ્ટર્સથી ઢાકા પહોંચ્યા હતા.
ઍરપૉર્ટ પરથી તેમની ગાડીઓના કાફલાને ઢાકાના ગવર્નમેન્ટ હાઉસ લઈ જવામાં આવ્યો હતો.
તાજુદ્દીનની ગેરહાજરીમાં, તેમના ધાનમંડી ખાતે આવેલા બે માળના મકાનને પાકિસ્તાની સેનાએ તોડીને લૂંટી લીધું હતું. તાજુદ્દીન અહમદે શરૂઆતના દિવસોમાં ગવર્નમેન્ટ હાઉસમાં જ રહીને બાંગ્લાદેશનું શાસન ચલાવ્યું હતું.
તાજુદ્દીનને એવો અંદાજ હતો કે તેમનામાં શેખ મુજબ જેવો જાદુ નહોતો અને તેમને શેખ જેવું જનસમર્થન મળ્યું નહોતું.
પાર્ટીમાં શેખ મોની અને મુશ્તાક અહમદ જેવા તેમના વિરોધીઓ એવા સમાચાર ફેલાવવા લાગ્યા હતા કે તાજુદ્દીન બાંગ્લાદેશની આઝાદી પછી ખૂબ મહત્ત્વાકાંક્ષી થઈ ગયા છે અને તેઓ નથી ઇચ્છતા કે શેખ મુજીબ પાકિસ્તાનની જેલમાંથી છૂટીને પાછા આવે.
માનશ ઘોષ લખે છે, "તાજુદ્દીન એ ખોટા પ્રચારથી એટલા દુઃખી થઈ ગયા કે તેમની આંખમાંથી આંસુ વહી નીકળ્યાં. તેમણે પોતાના નજીકના સાથી નુરુલ કાદેરને કહ્યું, 'ખૂબ સારું હોત જો હું બાંગ્લાદેશની આઝાદી પછી મરી ગયો હોત. જેથી મારે આ ખોટી વાતો તો સાંભળવી ન પડત, જેમાં મુજીબભાઈ માટેની મારી નિષ્ઠા પર સવાલ ઉઠાવવામાં આવ્યા'."
મુજીબે તાજુદ્દીનને વડા પ્રધાન પદ છોડવા કહ્યું

ઇમેજ સ્રોત, TAJUDDINAHMAD.ORG
9 જાન્યુઆરીએ જ્યારે શેખ મુજીબ પાકિસ્તાની જેલમાંથી છૂટીને ઢાકા પહોંચ્યા, ત્યારે લાખો લોકોની સાથે તાજુદ્દીન અહમદ પણ તેમના સ્વાગત માટે વિમાનમથકે હાજર હતા.
તેઓ મુજીબને જોતાં જ ભેટી પડ્યા. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં.
શેખ મુજીબ શક્ય એટલું જલદી, બાંગ્લાદેશના વડા પ્રધાનનું પદ સંભાળવા માગતા હતા.
માનશ ઘોષ લખે છે, "જ્યારે શેખ મુજીબને ફૂલોથી ઢંકાયેલા ટ્રકમાં વિમાનમથકેથી ઢાકા શહેરમાં લઈ જવાતા હતા, તેમણે તાજુદ્દીનના કાનમાં હળવેથી કહેલું કે તેઓ વડા પ્રધાન બનવા માગે છે."
"બીજા દિવસે સવારમાં જ તેઓ લુંગી અને કુર્તો પહેરીને તાજુદ્દીનના ઘરે પહોંચ્યા અને કહ્યું કે તેઓ તેમના વડા પ્રધાન પદ માટેની વ્યવસ્થા કરે. ઢાકામાં ચારેબાજુ આ પરિવર્તન બાબતે આશંકાનો માહોલ હતો. લોકો દબાયેલા અવાજમાં સવાલ કરતા હતા કે દેશના વડા પ્રધાન બદલવાની એટલી ઉતાવળ પણ શી છે? લોકો આ ઉતાવળને પચાવી પણ નહોતા શકતા."
તાજુદ્દીન નાણામંત્રી બન્યા

ઇમેજ સ્રોત, TAJUDDINAHMAD.ORG
જોકે, તાજુદ્દીને રાજીનામું આપવામાં મોડું ન કર્યું. શેખ મુજીબે વડા પ્રધાનનું પદ સંભાળ્યું અને તેમણે તાજુદ્દીન અહમદને પોતાના નાણામંત્રી બનાવ્યા.
જોકે, ઘણા બધા લોકોને આશા હતી કે તેમની પ્રતિષ્ઠાને જોતાં મુજીબ તેમને નાયબ વડા પ્રધાન તો બનાવશે જ, પરંતુ એવું ન થયું.
નાણામંત્રી તરીકે તેઓ નવા આઝાદ થયેલા દેશના પુનર્નિર્માણમાં વ્યસ્ત થઈ ગયા. ઈ.સ. 1974માં તેમની અમેરિકાયાત્રાની ઘણી ચર્ચા થઈ.
સૈયદ બદરુલ હસન પોતાના પુસ્તક 'ગ્લોરી ઍન્ડ ડિસ્પેયર ધ પૉલિટિક્સ ઑફ તાજુદ્દીન અહમદ'માં લખે છે, "જ્યારે વિશ્વ બૅંકના અધ્યક્ષ રૉબર્ટ મૅકનમારાએ તેમને પૂછ્યું કે વિશ્વ બૅંક બાંગ્લાદેશની કઈ જરૂરિયાતોને પૂરી કરી શકે છે? ત્યારે તેમણે વિના સંકોચ જવાબ આપ્યો કે તેમને ખેતી કરવા માટે બળદો અને હળો સાથે બાંધવા માટે દોરડાંની જરૂર છે."
શેખ મુજીબ અને તાજુદ્દીન વચ્ચેનું અંતર વધતું ગયું. 26 ઑક્ટોબર 1974એ બાંગ્લાદેશના કૅબિનેટ સચિવ તૌફીક ઇમામ બે કવર લઈને તાજુદ્દીન અહમદની ઑફિસમાં આવ્યા.
માનશ ઘોષ લખે છે, "એક પરબીડિયામાં મુજીબનો પત્ર હતો, જેમાં લખ્યું હતું કે રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને તમને તાત્કાલિક અસરથી રાજીનામું આપવા માટે કહેવામાં આવે છે."
"બીજા કવરમાં ટાઇપ કરેલો રાજીનામાપત્ર મોકલવામાં આવી રહ્યો છે. તમે તેના પર સહી કરીને આ પત્ર લઈ આવનારને આપી દો."
તાજુદ્દીન અહમદે હસતાં હસતાં તે રાજીનામાપત્ર પર સહી કરી અને કૅબિનેટ સચિવને સોંપી દીધો.
બાંગ્લાદેશમાં તાજુદ્દીન અહમદ પાસેથી જબરજસ્તી રાજીનામું લઈ લેવાયાને આવનારા સંકટના સંકેત રૂપે જોવામાં આવ્યું.
તાજુદ્દીનની ધરપકડ

ઇમેજ સ્રોત, TAJUDDINAHMAD.ORG
15 ઑગસ્ટ 1975એ જ્યારે શેખ મજીબુર્રહમાનની તેમના પરિવાર સહિત હત્યા કરી દેવામાં આવી અને ખોંડકર મુશ્તાક અહમદ બાંગ્લાદેશના નવા રાષ્ટ્રપતિ બન્યા, ત્યારે તાજુદ્દીન અહમદને તેમના ઘરમાં નજરકેદ કરી દેવાયા.
જ્યારે તાજુદ્દીન અહમદ, સૈયદ નજરુલ ઇસ્લામ, કૅપ્ટન મન્સૂર અલી અને એએચ કમરુઝ્ઝમાંએ ખોંડકર મુશ્તાક અહમદના મંત્રીમંડળમાં સામેલ થવાનો ઇનકાર કરી દીધો, ત્યારે તેમને ઢાકા સેન્ટ્રલ જેલમાં મોકલી દેવામાં આવ્યા.
સલિલ ત્રિપાઠી પોતાના પુસ્તક 'ધ કર્નલ હૂ વુડ નૉટ રિપેઇન્ટ'માં લખે છે, "2-3 નવેમ્બર 1975ની રાતે જ્યારે બાંગ્લાદેશમાં સૈન્ય તખ્તાપલટ થયો, ત્યારે બંગ ભવનથી જેલના ઇન્સ્પેક્ટર જનરલ મોહમ્મદ નૂરુઝ્ઝમાંને ફોન આવ્યો કે સૈનિક વર્દીમાં કેટલાક લોકો ઢાકા જેલમાં આવશે. તેમને જેલમાં બંધ રાજકીય કેદીઓ પાસે લઈ જવામાં આવે."
તાજુદ્દીન અહમદની હત્યા

ઇમેજ સ્રોત, TAJUDDINAHMAD.ORG
થોડીક જ ક્ષણોમાં મોસ્લેઉદ્દીનના નેતૃત્વમાં કાળાં કપડાં પહેરેલા સૈનિકો ઢાકા જેલ પહોંચી ગયા.
સલિલ ત્રિપાઠી લખે છે, "ચારેય કેદીઓને જગાડીને બીજા કેદીઓથી અલગ કરી દેવાયા. તાજુદ્દીન અને નજરુલ એક રૂમમાં છ કેદીઓની સાથે બંધ હતા. તે બંને અને મન્સૂર અલી અને કમરુઝ્ઝમાંને બીજા રૂમમાં લઈ જવામાં આવ્યા."
"જેલર અમીનુર રહમાનને કહેવામાં આવ્યું કે તેઓ આ કેદીઓની ઓળખ કરે. તાજુદ્દીનને આખો મામલો સમજાઈ ગયો. તેમણે જેલર પાસે નમાજ પઢવાની પરવાનગી માગી. જેલરે તેની મંજૂરી આપી દીધી. નમાજ પૂરી થતાં જ કૅપ્ટન અને તેમના સાથીદારોએ એ ચારેય પર ગોળીબાર શરૂ કરી દીધો."
અવામી લીગના ચારેય નેતા જમીન પર પડી ગયા. આ હત્યાઓ જેલની અંદર જેલ અધિકારીઓની સામે કરવામાં આવી હતી.
જ્યારે સૈનિકો આ ચારેયને મારી નાખીને પાછા જતા રહ્યા, ત્યારે જેલ સ્ટાફે બંગ ભવન ફોન કરીને જણાવ્યું હતું કે તાજુદ્દીન અહમદ અને કૅપ્ટન મન્સૂર અલી જીવિત છે અને પાણી માગી રહ્યા છે.
માનશ ઘોષ લખે છે, "મુશ્તાકે આદેશ આપ્યો કે સૈનિકો બીજી વખત જેલ જઈને સુનિશ્ચિત કરે કે તેઓ જીવતા નથી. સૈનિકોએ પાછા જેલ જઈને તાજુદ્દીન અને મન્સૂર અલીને મારી નાખ્યા."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












