સબરીમાલા : ભારતના પ્રખ્યાત હિંદુ મંદિરમાંથી સોનાની ચોરી, વિજય માલ્યાએ દાન કર્યું હતું

ઇમેજ સ્રોત, Vivek Nair
- લેેખક, ગીતા પાંડે, બીબીસી ન્યૂઝ, દિલ્હી
- પદ, અશરફત પદન્ના, તિરુઅનંતપુરમ
કેટલીક મૂર્તિઓ પરથી સોનાનું આવરણ ઉતારી લેવામાં આવ્યું હોવાનું કેરળ હાઇકોર્ટે જણાવ્યાને પગલે દક્ષિણ ભારતનું એક પ્રખ્યાત મંદિર વિવાદમાં ફસાયું છે.
ભારતીય મંદિરોમાંની મૂર્તિઓ અને પ્રતિમાઓ પર સોના તથા ચાંદીનું આવરણ એક સામાન્ય બાબત છે. તે આવરણ ચડાવવાના ખર્ચની ચુકવણી મોટા ભાગે ભક્તો કરતા હોય છે.
કેરળના સબરીમાલા મંદિરની મુલાકાત દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ લે છે અને આ મંદિરમાં થયેલી ચોરીને કારણે ભક્તો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ ઘટના મીડિયામાં હેડલાઇન્સ બની છે.
કેરળ હાઇકોર્ટે એક ખાસ તપાસ ટીમ – એસઆઇટીની રચના કરી છે, પોલીસે સોનું ગાયબ થવા બાબતે તપાસ શરૂ કરી છે અને ભૂતપૂર્વ સહાયક મંદિર પૂજારી સહિતના ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
તપાસ પર નજર રાખી રહેલી બે ન્યાયમૂર્તિઓની ખંડપીઠે સપ્ટેમ્બરથી આ કેસની નિયમિત સુનાવણી કરી રહી છે અને આગામી સુનાવણી બુધવારે છે.
ભગવાન અયપ્પાને સમર્પિત આ પહાડી મંદિર થોડાં વર્ષો પહેલાં પણ સમાચારોમાં ચમક્યું હતું. માસિક આવતું હોય તેવી મહિલાઓના પ્રવેશ પર મંદિરે પ્રતિબંધ મૂક્યો હતો અને સુપ્રીમ કોર્ટે તે ભેદભાવ પર પૂર્ણવિરામ મૂકવાનો આદેશ આપ્યો હતો.
જોકે જોરદાર વિરોધ પછી અદાલત તેના ઐતિહાસિક ચુકાદાની સમીક્ષા કરવા સંમત થઈ હતી અને તેનો અમલ મુલતવી રાખ્યો હતો.
સબરીમાલા મંદિરમાંથી શું શું ચોરાયું છે?

હાલનો વિવાદ, મુખ્ય દેવતા બિરાજમાન છે તે ગર્ભગૃહની બહારની દ્વારપાળની બે મૂર્તિઓની આસપાસ કેન્દ્રિત છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઘણી બધી મૂર્તિઓ પરના સોનાનાં આવરણ ઉતારી લેવામાં આવ્યાં હોવાનો અહેવાલ કોર્ટ દ્વારા નિયુક્ત સબરીમાલા સ્પેશિયલ કમિશનરના અહેવાલમાં થયા પછી સપ્ટેમ્બરમાં અદાલતે આ કેસની કાર્યવાહી હાથ ધરી હતી.
એ પછીના અદાલતના તબક્કા વાર આદેશોમાં ન્યાયાધીશ રાજા વિજયરાઘવન વી અને કેવી જયકુમારે જણાવ્યું છે કે તેમણે મંદિરના અધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા રેકૉર્ડ્સ, સંબંધિત મૂર્તિઓના પહેલાં તથા પછીના ફોટોગ્રાફ્સ અને અન્ય દસ્તાવેજો જોયા છે.
આ દસ્તાવેજો ખાસ તપાસ ટીમે "ભગવાન અયપ્પાની પવિત્ર કિંમતી વસ્તુઓની ચોરી સાથે સંકળાયેલા અસાધારણ કેસમાં" એકઠા કર્યા છે.
ન્યાયાધીશોએ જણાવ્યું હતું કે તેમણે મંદિરના અધિકારીઓને મૂર્તિઓના સમારકામ સંબંધી તમામ ફાઇલ્સ તથા રેકૉર્ડ રજૂ કરવાનો આદેશ આપ્યો ત્યારે "અમને ખ્યાલ ન હતો કે અમે વાસ્તવમાં વિવાદનો મધપૂડો છંછેડી રહ્યા છીએ."
મંદિરનો રેકૉર્ડ દર્શાવે છે કે મૂર્તિઓ અને કેટલાક થાંભલા, દરવાજાની કમાનો તેમજ ભગવાન અયપ્પાની કથા દર્શાવતી પેનલો સહિતના કેટલાક ભાગો પર 1998-99માં સોનાનું આવરણ ચડાવવા માટે 30.291 કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સોનાનું દાન ભાગેડુ અબજોપતિ ઉદ્યોગપતિ વિજય માલ્યાએ કર્યું હતું.
અદાલતના જણાવ્યા મુજબ, આ મંદિરનું સંચાલન ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડ (ટીડીબી) કરે છે અને ટીબીડીએ જુલાઈ 2019માં સોનાનું આવરણ ચડાવવા માટે મૂર્તિઓને બહાર કાઢવાની મંજૂરી મુખ્ય શકમંદ તથા સબરીમાલાના ભૂતપૂર્વ સહાયક પૂજારી ઉન્નીકૃષ્ણન પોટીને આપી હતી.
બે મહિના પછી મૂર્તિઓને પાછી લાવવામાં આવી ત્યારે તેનું વજન કરવામાં આવ્યું ન હતું, પરંતુ અદાલતના જણાવ્યા મુજબ, એ પછીની તપાસમાં જાણવા મળ્યું હતું કે મૂર્તિનું વજન ઘણું હળવું થઈ ગયું હતું.
'સોનાની ચોરી અને લૂંટ'
મંદિરનાં પગથિયાં અને દરવાજાની ફ્રેમમાંથી પણ ચોરી થઈ હોવાનું ખાસ તપાસમાં બહાર આવ્યું છે. 2019 પછી આશરે 4.54 કિલો સોનું ગાયબ થઈ ગયું હોવાનું અદાલતે જણાવ્યું છે.
ન્યાયાધીશોએ ગુમ થયેલા સોનાના આ કેસનું વર્ણન "સોનાની ચોરી અને લૂંટ" એવા શબ્દોમાં કર્યું છે.
કોર્ટે નોંધ્યું છે કે સૌથી અસામાન્ય બાબત ઉન્નીકૃષ્ણન પોટીને અપાયેલી મૂર્તિઓ બહાર લઈ જવાની પરવાનગી છે, કારણ કે સમારકામ સામાન્ય રીતે મંદિરની અંદર જ કરવામાં આવતું હોય છે.
અદાલતે ઉમેર્યું હતું, મંદિર બોર્ડે "પોટીને કિંમતી વસ્તુઓ સોંપતી વખતે તેની નોંધ તાંબાની પ્લેટ" તરીકે કરી હતી.
સમારકામ પછી "ઉન્નીકૃષ્ણન પોટીને" લગભગ 474.9 ગ્રામ સોનું રાખવાની "અયોગ્ય મંજૂરી" આપવા બદલ અદાલતે મંદિર બોર્ડની ઝાટકણી પણ કાઢી હતી.
ઉન્નીકૃષ્ણન પોટીએ "તેમની ઓળખીતી અથવા સંબંધી છોકરીનાં લગ્ન માટે વધારાના સોનાનો ઉપયોગ" કરવાની પરવાનગી માગતો ઇમેઇલ મોકલ્યો હતો.
તેનો ઉલ્લેખ કરતાં અદાલતે કહ્યું હતું, "આ ખૂબ જ ચિંતાજનક બાબત છે અને પ્રસ્તુત કિસ્સામાંના અયોગ્યતાના પ્રમાણને વધુ એક વાર છતું કરે છે."
શકમંદો અને તેમનો ઇનકાર

ઇમેજ સ્રોત, Getty Images
ઉન્નીકૃષ્ણન પોટીની ધરપકડ કરવામાં આવી છે અને મૅજિસ્ટ્રેટે તેમના જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. બીબીસી તેમની સાથે વાત કરી શક્યું નથી.
જોકે, ધરપકડ પછી કોર્ટમાંથી બહાર નીકળતી વખતે ઉન્નીકૃષ્ણન પોટીએ ત્યાં ઊભેલા પત્રકારોને બૂમ પાડીને કહ્યું હતું કે તેમને "ફસાવાઈ રહ્યા છે."
તેમણે કહ્યું હતું, "સત્ય બહાર આવશે. જેમણે મને ફસાવ્યો છે તેમણે કાયદાનો સામનો કરવો પડશે. બધું જ બહાર આવશે."
પોલીસે છેલ્લા કેટલાક દિવસોમાં બોર્ડના બે અધિકારીઓની પણ ધરપકડ કરી છે. બોર્ડના પ્રમુખ પીએસ પ્રશાંત સામે પણ તપાસ ચાલી રહી છે. પ્રશાંતે બીબીસીના ફોનકૉલ્સ કે મૅસેજોનો જવાબ આપ્યો નથી.
તેમણે અગાઉ પત્રકારોને કહ્યું હતું, "પ્રસ્તુત ઘટનાને વર્તમાન બોર્ડ સાથે કોઈ સંબંધ નથી." તેમણે ઉમેર્યું હતું કે તેઓ "તપાસમાં સંપૂર્ણ સહકાર આપી રહ્યા છે." તેમણે "આશા વ્યક્ત કરી હતી કે તમામ ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે."
ખાસ તપાસ ટુકડીને તપાસ પૂર્ણ કરવા માટે છ સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે અને અદાલતે "વ્યક્તિના પદ, પ્રભાવ અથવા દરજ્જાને ધ્યાનમાં લીધા વિના... આ બાબતમાં દોષિત દરેક વ્યક્તિને ઓળખીને કાયદાના કઠેડામાં લાવવાની પ્રતિજ્ઞા લીધી છે."
મંદિરમાં થયેલી ચોરી બાદ રાજકીય વિવાદ અને વિરોધ

આ કૌભાંડના કારણે કેરળમાં રાજકીય વિવાદ પણ સર્જાયો છે અને વિરોધ પક્ષો કેરળની સામ્યવાદી સરકાર સામે વિરોધપ્રદર્શન કરી રહ્યા છે.
કૉંગ્રેસના અને રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા વીડી સતીશને બીબીસીને કહ્યું હતું, "લગભગ પાંચ કિલો સોનું ચોરાયું છે. અદાલતે આઘાત વ્યક્ત કર્યો છે અને નોંધ્યું છે કે આ કેસમાં અધિકારીઓ પણ સમાન રીતે દોષિત છે."
સતીશ અને અન્ય વિપક્ષી રાજકારણીઓએ માગ કરી છે કે રાજ્યના મંદિર બાબતોના મંત્રી વીએન વસાવન ભગવાનની મૂલ્યવાન વસ્તુઓનું રક્ષણ કરવામાં નિષ્ફળતાની જવાબદારી લે અને રાજીનામું આપી દે.
વીએન વસાવને આરોપોને નકારી કાઢ્યા છે અને રાજીનામાના વિપક્ષના આહ્વાનને ફગાવી દીધું છે. તેમણે બીબીસીને કહ્યું હતું, "ઉચ્ચ સ્તરીય પોલીસ ટીમ મારફત અદાલતના નિરીક્ષણ હેઠળની તપાસમાં અમે સંપૂર્ણ સહકાર આપીશું."
તેમણે ઉમેર્યું હતું, "1998થી થયેલા વ્યવહારોની અને હાલ શું થઈ રહ્યું છે તેની ખબર લોકોને ભલે પડે. અમારે કશું છુપાવવાનું નથી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












