'દેવતાઓ સાથે લગ્ન કરનાર' દેવદાસીઓની કહાણી, જે સેક્સ વર્કર બની ગઈ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, દેવદાસી, ઇતિહાસ

ઇમેજ સ્રોત, Sakhi Trust

ઇમેજ કૅપ્શન, ઘણી દેવદાસીઓની માફક શિલ્પા પણ પોતાના પાર્ટનર સાથે તેમના ઘરે રહેતાં
    • લેેખક, સ્વામીનાથન નટરાજન
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ

ચંદ્રિકા કહે છે, "જાતીય કાર્યની મારા પર ખૂબ માઠી અસર થઈ છે. મારું શરીર ખૂબ જ નબળું પડી ગયું છે. હું માનસિક રીતે ભાંગી પડી છું."

એક સેક્સ વર્કર તરીકે ચંદ્રિકા(નામ બદલ્યું છે)ના જીવનની શરૂઆત એક ધાર્મિક વિધિથી થઈ હતી. ચંદ્રિકાને 15 વર્ષની વયે મંદિરમાં લઈ જવામાં આવ્યાં હતાં અને તેમનાં લગ્ન વિધિપૂર્વક દેવી સાથે કરવામાં આવ્યાં હતાં.

ચંદ્રિકા બીબીસીને કહે છે, "એ સમયે મને આ વિધિના અર્થની ખબર ન હતી."

ચંદ્રિકા હવે આયુષ્યના ત્રીસીના અંત ભાગમાં છે અને પૈસા માટે લગભગ બે દાયકાથી સેક્સ વર્કર તરીકે કામ કરી રહ્યાં છે.

દેવદાસીથી વેશ્યાવૃત્તિ સુધી

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, દેવદાસી, ઇતિહાસ
ઇમેજ કૅપ્શન, સાંગલીમાં સેક્સવર્કર તરીકે કામ કરતી વખતે ચંદ્રિકા પોતાના પાર્ટનરને મળ્યાં હતાં

દેવદાસી પરંપરામાં દીક્ષિત થયા પછી દેહવ્યાપારમાં આવેલાં ચંદ્રિકા જેવી મહિલાઓની ઓળખ કરવા માટે કર્ણાટક રાજ્ય એક સર્વેક્ષણ કરી રહ્યું છે.

દેવદાસી અથવા "દેવના સેવક"ની પરંપરાનો ઉદ્ભવ 1,000 વર્ષ પહેલાં દક્ષિણ ભારતમાં થયો હતો. દેવદાસીઓ શરૂઆતમાં મંદિરોમાં કલાકારો તરીકે રજૂઆત કરતી હતી. ગાયન અને નૃત્ય બંનેમાં પારંગત હતી. સમય જતાં દેવદાસી પ્રથા સ્વીકૃત વેશ્યાવૃત્તિ જેવી બની ગઈ છે.

વસાહતી યુગ દરમિયાન દેશના ઘણા ભાગોમાં આ પ્રથા પર પ્રતિબંધ લાદવાનું શરૂ થયું હતું.

કર્ણાટકમાં આ પ્રથાને છેક 1982માં ગેરકાયદે ઠેરવવામાં આવી હોવા છતાં તે આજે પણ ચાલુ છે.

ગામડાઓમાં રહેતી દેવદાસીઓનો કોઈ ગાઢ જીવનસાથી હોઈ શકે છે અને તેઓ અન્ય ગ્રાહકો સાથે સેક્સ પણ કરી શકે છે. આવી ઘણી મહિલાઓ વેશ્યાલયોમાં કામ કરવા માટે મુંબઈ જેવાં શહેરોમાં સ્થળાંતર કરે છે.

દેહવ્યાપારમાં ફસામણી

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બેલગામ શહેરમાં સમર્પણ સમારંભ પછી ચંદ્રિકા ઘરે પાછાં ફર્યાં હતાં અને ચાર વર્ષ સુધી સામાન્ય જીવન જીવ્યાં હતાં. એ પછી તેમનાં એક મહિલા સંબંધી તેમને ઘરકામની નોકરીનું વચન આપીને ઔદ્યોગિક શહેર સાંગલી લઈ ગયાં હતાં અને તેમણે ચંદ્રિકાને એક વેશ્યાલયમાં છોડી દીધાં હતાં.

એ દિવસોને યાદ કરતાં ચંદ્રિકા કહે છે, "શરૂઆતના થોડા મહિના ખૂબ જ મુશ્કેલ હતા. હું માંદી પડી ગઈ હતી. બરાબર ખાઈ કે સૂઈ શકતી ન હતી. હું ભાગી જવાનો વિચાર કરતી હતી, પરંતુ ધીમે ધીમે મેં એ પરિસ્થિતિ સ્વીકારી લીધી હતી."

ચંદ્રિકા ત્યારે માત્ર 19 વર્ષનાં હતાં. બહુ ઓછું ભણ્યાં હતાં અને સાંગલીમાં બોલાતી હિન્દી કે મરાઠી ભાગ્યે જ સમજી શકતાં હતાં.

ચંદ્રિકા કહે છે, "મારા કેટલાક ગ્રાહકો શારીરિક હુમલો કરતા હતા, કેટલાક ગાળો આપતા હતા. તેમની સાથે કામ પાર પાડવામાં મુશ્કેલી પડતી હતી."

વેશ્યાલયના ગ્રાહકોમાં કૉલેજના વિદ્યાર્થીઓથી માંડીને ડ્રાઇવરો, વકીલો અને દૈનિક મજૂરોનો સમાવેશ થતો હતો.

ચંદ્રિકાને સાંગલીમાં દેહવ્યાપાર કરતી વખતે તેમના જીવનસાથી, એક ટ્રક ડ્રાઇવરનો ભેટો થયો હતો.

ચંદ્રિકાને એમનાથી એક પુત્રી અને એક પુત્ર થયાં. તેમના જીવનસાથીએ બાળકોની સંભાળ રાખી, જ્યારે ચંદ્રિકા વેશ્યાલયમાં કામ કરતાં રહ્યાં અને રોજ 10થી 15 ગ્રાહકોને સેવા આપતાં રહ્યાં.

બીજા સંતાન તરીકે તેમના પુત્રના જન્મ પછી ચંદ્રિકાના જીવનસાથીનું એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું અને ચંદ્રિકા બેલગામ પાછાં ફર્યાં હતાં. તેમણે બેલગામથી એક અનુવાદક મારફતે બીબીસી સાથે વાત કરી હતી.

'પુરુષો અમને પરણવા આવતા નથી'

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, દેવદાસી, ઇતિહાસ

ઇમેજ સ્રોત, Sakhi Trust

ઇમેજ કૅપ્શન, અંકિતા પાસે સફેદ અને લાલ મોતીથી બનેલો હાર છે, જે તેમનાં લગ્નનું પ્રતીક છે

બધી દેવદાસીઓ વેશ્યાલયમાં કામ કરતી નથી અને કેટલીક તો સેક્સ વર્કર સુદ્ધાં નથી.

અંકિતા અને શિલ્પા બંને 23 વર્ષનાં છે. પિતરાઈ બહેનો છે અને ઉત્તર કર્ણાટકના એક ગામમાં રહે છે. ચંદ્રિકાની માફક આ બન્ને બહેનો પણ ભેદભાવનો ભોગ બનતી દલિત જાતિની છે.

શિલ્પાએ એક વર્ષ અભ્યાસ કર્યા પછી સ્કૂલ છોડી દીધી હતી. દેવદાસી તરીકે તેમનું સમર્પણ 2022માં થયું હતું. અંકિતા 15 વર્ષનાં થયાં ત્યાં સુધી અભ્યાસ કરતાં રહ્યાં હતાં. તેમના માતાપિતાએ 2023માં સમારંભનું આયોજન કર્યું હતું. ભાઈના મૃત્યુ પછી તેમના પર દેવદાસી બનવાનું દબાણ કરવામાં આવ્યું હતું.

અંકિતા કહે છે, "મારાં માતાપિતાએ મને કહ્યું હતું કે તેઓ મને દેવીઓને સમર્પિત કરવા ઇચ્છે છે. મેં ના પાડી. એક અઠવાડિયા પછી તેમણે મને ભોજન આપવાનું બંધ કરી દીધું હતું."

"મને ખૂબ ખરાબ લાગ્યું હતું, પણ મારા પરિવાર માટે મેં તેનો સ્વીકાર કર્યો હતો. મેં દુલહનનો પોશાક પહેર્યો હતો અને દેવી સાથે લગ્ન કર્યાં હતાં."

અંકિતા સફેદ મોતી અને લાલ મણકાઓનો બનેલો હાર પહેરે છે, જે દેવી સાથેના તેમના જોડાણનું પ્રતીક છે.

અંકિતાનાં માતા કે દાદી દેવદાસી ન હતાં. પરિવાર પાસે ખેતીની જમીનનો નાનો ટુકડો હતો, જે પરિવારના પાલનપોષણ માટે પૂરતો ન હતો.

'કોઈ દીક્ષા નહીં લે તો દેવી શ્રાપ આપશે એવો ડર હોય છે'

દેવદાસીઓ લગ્ન કરી શકતી નથી, પરંતુ તેમના અંતરંગ જીવનસાથી હોઈ શકે છે. એ જીવનસાથી બીજી સ્ત્રી સાથે કાયદેસર રીતે લગ્ન કરી શકે છે.

અંકિતાએ પુરુષો તરફથી મળેલી બધી ઑફર્સ નકારી કાઢી છે અને આજે પણ ખેતમજૂર તરીકે કામ કરે છે તથા રોજ લગભગ 320 રૂપિયા કમાય છે.

શિલ્પાના જીવનમાં અલગ વળાંક આવ્યો હતો. દીક્ષા પછી તેમનો એક સ્થળાંતરિત કામદાર સાથે સાથે સંબંધ બંધાયો હતો.

એ દિવસોને યાદ કરતાં શિલ્પા કહે છે, "એ મારી પાસે આવ્યો હતો, કારણ કે હું દેવદાસી છું એ તે જાણતો હતો."

ઘણી દેવદાસીઓની માફક શિલ્પા પણ તેમના જીવનસાથીના ઘરે રહેતાં હતાં.

શિલ્પા કહે છે, "એ માત્ર થોડા મહિના મારી સાથે રહ્યો હતો અને મને ગર્ભવતી કરી હતી. એ મારી સાથે હતો તે દરમિયાન તેણે મને 3,000 રૂપિયા આપ્યા હતા. તેણે મારી ગર્ભાવસ્થા વિશે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી અને એક દિવસ ગાયબ થઈ ગયો હતો."

શિલ્પા ત્રણ મહિનાનાં ગર્ભવતી હતાં અને મૂંઝવણમાં હતાં.

"મેં તેને ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનો સંપર્ક થઈ શક્યો ન હતો. એ મૂળ ક્યાંનો છે એ પણ હું જાણતી નથી."

એ પુરુષને શોધવા માટે શિલ્પાએ પોલીસની મદદ માંગી હતી.

શિલ્પા કહે છે, "અમારી વ્યવસ્થામાં પુરુષો લગ્ન કરવા અમારી પાસે આવતા નથી."

ગરીબી અને શોષણ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, દેવદાસી, ઇતિહાસ

ઇમેજ સ્રોત, Sakhi Trust

ઇમેજ કૅપ્શન, અંકિતા પોતે લગ્ન કરવા માગે છે એવું કહીને હાર ઉતારી દે છે

ડૉ. એમ. ભાગ્યલક્ષ્મી સ્થાનિક સ્વયંસેવી સંગઠન સખી ટ્રસ્ટનાં ડિરેક્ટર છે અને બે દાયકાથી વધુ સમયથી દેવદાસીઓ સાથે કામ કરી રહ્યાં છે. તેમના જણાવ્યા મુજબ, પ્રતિબંધ હોવા છતાં દેવદાસી દીક્ષા ચાલુ રહી છે.

ડૉ. ભાગ્યલક્ષ્મી કહે છે, "અમે દર વર્ષે ત્રણથી ચાર છોકરીઓને દેવદાસી તરીકે સમર્પિત થતી અટકાવીએ છીએ, પરંતુ મોટાભાગની વિધિ ગુપ્ત રીતે થાય છે. તેથી કોઈ નાની છોકરી ગર્ભવતી થાય કે બાળક જન્મે ત્યારે જ અમને તેના વિશે ખબર પડે છે."

ડૉ. ભાગ્યલક્ષ્મીના જણાવ્યા મુજબ, ઘણી મહિલાઓ પાસે મૂળભૂત સુવિધાઓનો અભાવ હોય છે. તેમને યોગ્ય ખોરાક કે શિક્ષણ મળતું નથી અને મદદ માગતાં તેમને બહુ ડર લાગે છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, દેવદાસી, ઇતિહાસ
ઇમેજ કૅપ્શન, વર્તમાન અને પૂર્વ દેવદાસીઓ વાર્ષિક ઉત્સવ માટે બેલગામમાં આવેલા સુંદતી યેલ્મા મંદિર ખાતે એકઠી થાય છે

તેમણે બીબીસીને કહ્યું હતું, "અમે વિજયનગર જિલ્લામાં 10,000 દેવદાસીઓનો સરવે કર્યો છે. ઘણી અપંગ, અંધ અને સંવેદનશીલ મહિલાઓને વ્યભિચારમાં ધકેલી દેવામાં આવી હોવાનું મારા ધ્યાનમાં આવ્યું છે. એ પૈકીની લગભગ 70 ટકા પાસે ઘર નહોતું."

આવી મહિલાઓ સાથે સેક્સ કરતા ગ્રાહકો ઘણીવાર કૉન્ડોમના ઉપયોગનો ઇનકાર કરે છે. તેના પરિણામે અનિચ્છનીય ગર્ભાવસ્થા સર્જાય છે અથવા એચઆઈવીનો ચેપ લાગે છે.

ડૉ. ભાગ્યલક્ષ્મીના અંદાજ મુજબ, લગભગ 95 ટકા દેવદાસીઓ દલિત જાતિમાંથી આવે છે અને બાકીની આદિવાસી સમુદાયોની હોય છે.

ભૂતકાળથી વિપરીત રીતે આધુનિક દેવદાસીઓને મંદિરમાંથી કોઈ ટેકો મળતો નથી કે આવક થતી નથી.

ડૉ. ભાગ્યલક્ષ્મી ભારપૂર્વક કહે છે, "દેવદાસી પ્રથા નર્યું શોષણ છે."

આ પ્રથા પર પૂર્ણવિરામના પ્રયાસો

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, દેવદાસી, ઇતિહાસ

વર્તમાન અને ભૂતપૂર્વ દેવદાસીઓ વાર્ષિક ઉત્સવ માટે બેલગામના સૌદંતી યેલમ્મા મંદિરમાં એકત્ર થાય છે, પરંતુ અધિકારીઓ જણાવે છે કે ત્યાં કોઈને દીક્ષા આપવામાં આવતી નથી.

વિશ્વાસ વસંત વૈદ્ય કહે છે, "હવે તે સજાપાત્ર ગુનો છે. તહેવારો દરમિયાન અમે પોસ્ટર્સ તથા પૅમ્ફ્લેટ્સ મારફત લોકોને આકરાં પગલાં લેવાની ચેતવણી આપીએ છીએ."

વિશ્વાસ વસંત વૈદ્ય કર્ણાટક વિધાનસભાના સભ્ય છે અને યેલમ્મા મંદિર બોર્ડના સભ્ય પણ છે. તેમણે બીબીસીને જણાવ્યું હતું કે સક્રિય દેવદાસીઓની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે.

તેઓ કહે છે, "મારા મતવિસ્તારમાં અત્યારે 50થી 60 દેવદાસીઓ હોઈ શકે. મંદિરમાં દેવદાસી તરીકે દીક્ષા લેવા કોઈ પ્રોત્સાહન આપતું નથી."

તેઓ દાવો કરે છે કે "અમારા આકરાં પગલાંને કારણે દેવદાસી પરંપરા બંધ થઈ ગઈ છે."

કર્ણાટક સરકાર દ્વારા 2008માં કરવામાં આવેલા સર્વેક્ષણમાં રાજ્યમાં 46,000થી વધુ દેવદાસીઓ હોવાનું જાણવા મળ્યું હતું.

આગામી પેઢી

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, દેવદાસી, ઇતિહાસ

ઇમેજ સ્રોત, Sakhi Trust

ઇમેજ કૅપ્શન, શિલ્પા તેમની દીકરીને સારું શિક્ષણ આપવા માગે છે

સેક્સ વર્કમાંથી મળેલા પૈસાને લીધે ચંદ્રિકાને ગરીબીમાંથી બહાર આવવામાં મદદ મળી. તેમણે તેમનાં સંતાનોને કલંકથી બચાવવા માટે બોર્ડિંગ સ્કૂલમાં ભણવા મોકલ્યાં.

ચંદ્રિકા કહે છે, "મને મારી દીકરીની ચિંતા કાયમ થતી હતી. એ 16 વર્ષની થઈ ત્યારે મેં તેનાં લગ્ન એક સંબંધી સાથે કરાવ્યાં હતાં, જેથી તેણે મારી જેમ દેવદાસી ન બનવું પડે. મારી દીકરી હવે તેના પતિ સાથે રહે છે."

ચંદ્રિકા હવે એક સ્વયંસેવી સંગઠન સાથે કામ કરે છે અને એચઆઈવીની નિયમિત તપાસ કરાવે છે.

તેઓ કહે છે, "હું વૃદ્ધ થઈ રહી છું. થોડાં વર્ષો પછી સેક્સ કરી શકીશ નહીં."

ચંદ્રિકા ગુજરાન ચલાવવા માટે ફળો તથા શાકભાજીની દુકાન શરૂ કરવાની યોજના બનાવી રહ્યાં છે.

શિલ્પા તેમની દીકરીને સારું શિક્ષણ આપવા માંગે છે. દેવદાસી પરંપરા પ્રત્યે શિલ્પા સખત નારાજ છે.

શિલ્પા કહે છે, "હું ઇચ્છું છું કે આ પ્રથા બંધ થાય. હું મારી દીકરીને દેવદાસી નહીં બનાવું. આ પ્રથા ચાલુ રહે તેવું હું ઇચ્છતી નથી."

અંકિતાના કહેવા મુજબ, તેઓ લગ્ન કરવા અને તેમના ગળામાંનો મોતીનો હાર ઉતારી નાખવા ઇચ્છે છે.

(આ સ્ટોરીમાં મહિલાઓનાં નામ તેમની ઓળખ સલામત રાખવા માટે બદલવામાં આવ્યાં છે)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન