કચ્છમાં આવેલું હજારો વર્ષો પહેલાંનું એ મુસાફરખાનું જેમાં વેપારીઓને તમામ સગવડો મળતી

ઇમેજ સ્રોત, Prabodh Shirvalkar
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
આમ તો ગુજરાતનું કચ્છ હજારો વર્ષો જૂના ધોળાવીરા માટે જાણીતું છે પરંતુ સિંધુ ખીણ સંસ્કૃતિનો આ હિસ્સો તે સમયે દુનિયાના વેપારી માર્ગનો મહત્ત્વપૂર્ણ ભાગ હતો એ વિશે નવી જાણકારી તાજેતરના અભ્યાસમાં બહાર આવી છે.
ગુજરાત અને બીજા ભાગોમાં ફેલાયેલી સિંધુ ખીણ સંસ્કૃતિને હડપ્પા સંસ્કૃતિ પણ કહેવાય છે.
કચ્છમાં ભુજથી લગભગ 50 કિલોમીટર દૂર આવેલા નખત્રાણા ખાતે કોટડા ભડલી ગામની આર્કિયોલૉજિકલ સાઇટ ખાતે વર્ષ 2009થી ખોદકામ ચાલતું હતું.
અહીં મળેલા અવશેષોના અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે આ સ્થળનો વેપારીઓ કારાવાંસરાય – એટલે કે મુસાફરખાના તરીકે ઉપયોગ કરતા હતા.
ઉલ્લખનીય છે કે આ પહેલાં આ પ્રકારનું સંશોધન ક્યારેય થયું ન હતું તથા આ સંશોધનને કારણે ધોળાવીરાથી લઈ છેક મધ્ય એશિયા સુધીની અનેક નવી કડીઓ જોડાવાની આશા સેવાઈ રહી છે.
હાલમાં જ L'Anthropologie (Elsevier, 2025) જર્નલમાં આ અંગે એક રિપોર્ટ પ્રકાશિત થયો છે, જેમાં એ જણાવવામાં આવ્યું છે કે કચ્છના નખત્રાણાએ હજારો વર્ષ પહેલાં માનવીય સંસ્કૃતિને સમૃદ્ધ બનાવવામાં કેટલો મહત્ત્વપૂર્ણ ફાળો આપ્યો છે.
કોટડા ભડલી ગામની આર્કિયોલૉજિકલ સાઇટ ખાતે વર્ષ 2009 થી 2013 સુધી ખોદકામ ચાલ્યું હતું, સમયાંતરે તેને લગતાં અભ્યાસો અને તારણો વિવિધ જર્નલમાં પ્રસિદ્ધ થયાં છે.
તેનો સંપૂર્ણ રિપોર્ટ ટૂંક સમયમાં બહાર આવશે એવી શક્યતા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હડપ્પા સંસ્કૃતિની આ સાઇટ કેમ અલગ છે?

ઇમેજ સ્રોત, Prabodh Shirvalkar
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હડપ્પા સંસ્કૃતિમાં સુનિયોજિત શહેરો અને વેપારની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી.
સિંધુ ખીણની સંસ્કૃતિ 'મૉર્ડન ટાઉન પ્લાનિંગ' માટે જાણીતી હતી. આ સંસ્કૃતિનાં શહેરો એમનાં મકાનો, સ્થાપત્યો, જાહેર સ્થળો, ગટરવ્યવસ્થા માટે આજે પણ આદર્શ માનવામાં આવે છે.
ઇતિહાસના આ સમયગાળા દરમિયાન જમીન અને સમુદ્ર એમ બંને માર્ગે વેપાર થતો હતો, પરંતુ વેપાર માટે લોકો કેવી રીતે મુસાફરી કરતા અને શું ખાસ વસાહતો બનાવવામાં આવી હતી? તે અંગે કોઈ પુરાવા મળતા ન હતા.
જોકે, અન્ય સંસ્કૃતિઓમાં તેના ઉલ્લેખ અને પુરાવા મળે છે. તત્કાલીન સમયમાં કારવાંસરાયમાં વેપારીઓને આરામ, ખોરાક અને સુરક્ષા મળતાં હતાં.
ગુજરાતના કોટડા ભડલીમાં મળેલા પુરાવાઓ બતાવે છે કે ત્યાં હડપ્પા સમયની કારવાંસરાય જેવી વ્યવસ્થા હતી, જે વેપાર વ્યવસ્થાની સમજ માટે મહત્ત્વપૂર્ણ છે.
હડપ્પા સંસ્કૃતિની ઉપર પ્રકાશ પાડતી ધોળાવીરા અને લોથલ જેવી અનેક સાઇટ પર ખોદકામ થયું છે અને લોકોને તેના વિશે ઘણી જાણકારી મળી છે.
હડપ્પાકાલીન વેપારીઓ જ્યારે એક સ્થળેથી બીજા સ્થળે પ્રવાસ કરતા હતા, તો તેઓ ક્યાં રોકાતા હતા, આરામ ક્યાં કરતા હતા, તેમની સાથે રહેલાં ઘોડા, ઊંટ કે અન્ય પ્રાણીઓ શું ખાતાં હતાં, તેઓ આરામ કેવી રીતે કરતાં હતાં? જેવા પ્રશ્નોનો જવાબ, આ અહેવાલ પહેલાં મળ્યો ન હતો.
વેપારીઓ પોતાનો સામાન લઈને હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડતા હતા અને આરામ માટે કારાવાંસરાય (મુસાફરખાના) જેવાંં સ્થળો પર રોકાતા હતા. જોકે, આ તારણ સુધી પહોંચવા માટે નિષ્ણાતોએ વર્ષોનો અભ્યાસ કર્યો છે.
હડપ્પન સંસ્કૃતિના જે અભ્યાસનાં તારણો બહાર આવ્યાં છે, તેમાં હજી સુધી 'કારાવાંસરાય'નો ઉલ્લેખ કોઈ અભ્યાસમાં થયો નથી.
પ્રથમ વખત આ પ્રકારના અભ્યાસ થકી ખબર પડી છે કે દુનિયાભરથી હાલના ગુજરાતમાં થઈને વેપારીઓ પ્રવાસ કરતા અને લોકો હાલના કચ્છના આ સ્થળે કેવી રીતે રહેતા.
કેવું હતું કારાવાંસરાય કહેવાતું આ સ્થળ?

ઇમેજ સ્રોત, Pravin Shirvalkar
પ્રાચીન સમયમાં વેપારીઓ જે વસ્તુઓ લઈને સિલ્કરૂટ મારફતે મધ્ય-એશિયાના રસ્તેથી નીકળતા હતા, તે સમયે તેમના રહેવા, સુરક્ષા પૂરી પાડવા, પાણી, ભોજન વગેરેની સગવડ આપતું એક સ્થળ એટલે કારાવાંસરાય.
ઇતિહાસકારો અનુસાર કારાવાંસરાયનો ઉલ્લેખ સમ્રાટ અશોકના શિલાલેખો પર જોવા મળ્યો છે, પરંતુ આ પ્રથમ વખત છે કે તેનો ઉલ્લેખ સિંધુ ખીણ સંસ્કૃતિમાં પણ જોવા મળ્યો છે.
કારાવાંસરાય સામાન્ય રીતે, ચારે બાજુ દીવાલની વચ્ચે રહેવા માટેની ઇમારત હતી, જેમાં કાફલાનાં પ્રાણીઓને રાખવાની તથા મુસાફરોને રહેવા તથા ખાવા-પીવાની સગવડ મળી રહેતી.
કેવી રીતે નક્કી થયું કે આ સ્થળ એક કારાવાંસરાય છે

ઇમેજ સ્રોત, Twitter/vijayrupanibjp
આર્કિયોલૉજીમાં સામાન્ય રીતે કોઈ પણ સાઇટનું મહત્ત્વ શું છે, તે જાણવું સૌથી વધારે જરૂરી કાર્ય હોય છે. બીજી આર્કિયોલૉજિકલ સાઇટ સાથે કોઈ સાઇટ કેવી રીતે જોડાયેલી છે, તે જાણવું નિષ્ણાતો માટે સૌથી મોટો પડકાર હોય છે.
કોટડા ભડલીની આ સાઇટનું ખોદકામ ચાલતું હતું તે સમયે નિષ્ણાતોને કોઈ એવી વસ્તુઓ ન મળી હતી, જે બીજી સાઇટ પર જોવા મળતી હતી. એટલે કે કોઈ કલાકૃતિ, ઘરેણાં કે રહેણાક મકાનો વગેરે જેવા કોઈ પુરાવા મળ્યા ન હતી અથવા તો ત્યાં કોઈ વસ્તુ બનતી હોય તેવા પણ કોઈ પુરાવા મળ્યા ન હતા, તેમ છતાંય આ સાઇટ મહત્ત્વની હતી, કારણ કે પ્રવાસે જતા લોકો અહીં રોકાતા હતા અને તેમને તમામ સગવડો પૂરી પાડવામાં આવતી હતી.
આ અભ્યાસના મુખ્ય રિસર્ચર અને મહારાષ્ટ્રના પુણેની ડેક્કન કૉલેજના ડિપાર્ટમેન્ટ ઑફ ઍન્શિઅન્ટ ઇન્ડિયન હિસ્ટ્રી, કલ્ચર ઍન્ડ આર્કિયોલૉજીના આસિસટન્ટ પ્રોફેસર પ્રબોધ શ્રીવાલકર જણાવે છે કે, "અમને માત્ર એક 'સેન્ટ્રલ સ્ટ્રક્ચર' મળ્યું હતું, અને તેની ફરતે એક ઊંચી દીવાલ બનાવવામાં આવી હતી. તેની આસપાસ બીજું કોઈ બાંધકામ જોવા મળ્યું ન હતું."
સામાન્ય રીતે મોટાભાગની હડપ્પન સંસ્કૃતિની સાઇટો પર 'સ્ટીએટાઇટ બીન્સ'થી બનેલી કલાકૃતિઓ કે ઘરેણાં જોવા મળે છે, જે એ સમયના લોકો વિશે ઘણું કહી જાય છે, પરંતુ આ સાઇટ પર એવું કંઈ જ મળ્યું ન હતું, પરંતુ આ સ્થળેથી જૂનાં વાસણો, ખાસ તો મોટા ઘડા મળ્યાં હતાં.
શ્રીવાલકર વધુમાં જણાવે છે કે, "આ ઘડાઓની લિપિડ પ્રોફાઇલની તપાસ કરાવતા તેમાં દૂધ હોવાના પુરાવા મળ્યા હતા. બીજું કે તેવા પણ પુરાવાઓ મળ્યા હતા, જેથી કહી શકાય કે આ સ્થળે પ્રાણીઓને કતલખાને લઈ જઈ તેમનો ભોજનમાં ઉપયોગ થતો હતો. તેની સાથે સાથે પ્રાણીઓના જે અવશેષો મળ્યા હતા, તેમાં સ્ટ્રેસ માર્ક વગેરે જોઈ શકાયા હતા, તેથી એવો અંદાજો લગાવી શકાય કે આ પ્રાણીઓને વજન ઊંચકવા માટે ઉપયોગમાં લેવામાં આવતાં હતાં."
આ સાઇટને જોતા નિષ્ણાતોને લાગ્યું હતું કે – અહીં કોઈ પણ પ્રકારનું ઉત્પાદન થતું નથી, દરિયો અહીંથી દૂર છે, તો માછીમારી પણ થતી નથી, કોઈ લોકો અહીં રહેતા નથી, તેમ છતાંય અહીં જીવનના સંકેતો મળે છે, જેથી તેમણે એ તારણ કાઢ્યું કે કચ્છનું આ ગામ એક સમયે કારાવાંસરાય તરીકે ઉપયોગમાં લેવામાં આવતું હતું, જે વેપારીઓને સગવડો સાથે સુરક્ષા પૂરી પાડતું હતું.
નિષ્ણાતોને અભ્યાસ દરમિયાન રાજસ્થાન, અને હરિયાણા જેવા વિસ્તારોની તે સમયની વસ્તી મળી છે, જેથી તેમણે તારણ કાઢ્યું છે કે, અહીં 'બાર્ટર સિસ્ટમ' થકી લોકો રોકાતા હશે, અને પોતાના રોકાણને બદલે પોતાની પાસે જે વસ્તુઓ હોય તે વસ્તુઓ આપતા જતા હશે.
ગુજરાતમાં સિંધુ ખીણ સંસ્કૃતિ

ઇમેજ સ્રોત, AFP via Getty Images
સિંધુ ખીણ સંસ્કૃતિ કે હડપ્પા સંસ્કૃતિ, જે આજના ભારત અને પાકિસ્તાનના વિસ્તારોમાં ફેલાયેલી હતી, તેના વિશે છેલ્લાં 100 વર્ષથી અનેક વિજ્ઞાનીઓએ અભ્યાસ કર્યો છે. સંશોધન બતાવે છે કે હડપ્પા યુગમાં શહેરોનું નિર્માણ યોજનાબદ્ધ રીતે મુજબ થતું હતું, વિવિધ હસ્તકલા તેની વિશેષતા હતી અને જમીન તેમજ સમુદ્ર માર્ગે વેપાર થતો હતો. વેપાર હડપ્પન સમાજના આર્થિક વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવતો હતો. ઘણાં સંશોધનોએ વેપારના માર્ગો વિશે માહિતી આપી છે.
1930 થી 1990 વચ્ચેનું સંશોધન ગુજરાતમાં હડપ્પા સંસ્કૃતિની હાજરી શોધવા માટે મહત્ત્વપૂર્ણ હતું.
એસ. આર. રાવ નામના આર્કિયોલૉજિસ્ટે સુરેન્દ્રનગરના રાંગપુર ખાતેના ખોદકામે વિસ્તારની સાંસ્કૃતિક શ્રેણી નિર્ધારિત કરી. ત્યાર બાદ ગુજરાતમાં આવેલી અનેક હડપ્પન સાઇટોને રાંગપુર ક્રમ મુજબ વર્ગીકૃત કરવામાં આવી, જેમાં મોટાભાગનાં સ્થળો લેટ હડપ્પન અથવા પોસ્ટ-અર્બન હડપ્પન તરીકે ઓળખાયાં.
આ પ્રથમ સંશોધન તબક્કાએ 2000 થી 800 ઈ.પૂ. વચ્ચે ગુજરાતમાં પ્રૌઢ, લેટ અને પોસ્ટ હડપ્પન વસાહતોના અસ્તિત્વને પુરવાર કર્યું, જે વિસ્તારના પ્રાચીન ઇતિહાસ અને સંસ્કૃતિને સમજવા માટે આધારરૂપ બન્યું.
ગુજરાતમાં સિંધુ સંસ્કૃતિનાં શહેરો

ઇમેજ સ્રોત, Getty Images
હાલના ભારતના પશ્ચિમમાં અને પાકિસ્તાનના પૂર્વમાં સિંધુ નદીના કિનારે વિકસેલી હોવાને કારણે તેને સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવી.
પાકિસ્તાનમાં આવેલું હડપ્પા આ સંસ્કૃતિનું મહત્ત્વનું કેન્દ્ર હતું અને એટલે આ પ્રાચીન સંસ્કૃતિ 'હડપ્પન સંસ્કૃતિ' તરીકે પણ જાણીતી છે.
સિંધુ ખીણની આ સંસ્કૃતિનાં મૂળ ઉત્તરમાં છેક અફઘાનિસ્તાન સુધી અને દક્ષિણમાં છેક ગુજરાત સુધી વિસ્તર્યાં હતાં.
હડપ્પા, ગનેરીવાલા, મોહેંજો-દડો, ધોળાવીરા, કાલી બંગળ, રાખીગઢી, રુપર અને લોથલ એ આ સંસ્કૃતિનાં મહત્ત્વનાં શહેરો હતાં.
કચ્છમાં આવેલું ધોળાવીરા અને અમદાવાદ નજીક આવેલું લોથલ ગુજરાતમાં આવેલી સિંધુ ખીણની સંસ્કૃતિની પુરાતત્ત્વીય સાઇટ્સ છે.
સિંધુ ખીણ સંસ્કૃતિનો સમયગાળો અને તેનું પતન

'આર્કિયૉલૉજીકલ સર્વે ઑફ ઇન્ડિયા' સિંધુ ખીણની સંસ્કૃતિનો સમયગાળો ઈ.સ. પૂર્વે 1500થી ઈ.સ. પૂર્વે 3 હજાર વર્ષ સુધીનો ગણે છે.
જોકે, કેટલાક સંશોધકો સિંધુ ખીણની સંસ્કૃતિને એથી પણ વધુ પ્રાચીન ગણાવે છે.
'ઇન્ડસ વૅલી સિવિલાઇઝેશન' નામના પુસ્તકના લેખક ડૉ. સમર કંદુના મતે 6 હજાર વર્ષ પહેલાં આ સંસ્કૃતિની શરૂઆત થઈ હતી.
કેટલાક નિષ્ણાતો એવું પણ માને છે કે આ સંસ્કૃતિ પાંચ હજાર વર્ષ કરતાં પણ જૂની છે.
સિંધુ ખીણની સંસ્કૃતિનું પતન કઈ રીતે થયું એ અંગે પણ મતમતાંતર પ્રવર્તે છે.
એક મત એવો છે કે 'આર્યોના ભારતમાં આગમને સિંધુ ખીણની સંસ્કૃતિનો નાશ કર્યો.'
બ્રિટિશ આર્મી ઑફિસર અને આર્કિયૉલૉજિસ્ટ સર રૉબર્ટ ઍરિક માર્ટિમર વ્હિલરનો દાવો હતો કે મધ્ય એશિયામાંથી ઊતરી આવેલા આર્યોનાં ધાડાંએ આ સંસ્કૃતિનો નાશ કર્યો હતો.
જોકે, કેટલાક આ થિયરી સાથે સંમત નથી, તેમના મત પ્રમાણે ક્લાઇમેટ ચેન્જને કારણે સંસ્કૃતિ નાશ પામી હોઈ શકે છે.
સિંધુ ખીણની સંસ્કૃતિની પૃષ્ઠભૂમિ પર બનેલી 'મોહેંજો-દડો' ફિલ્મમાં આ સંસ્કૃતિના વિનાશનું કારણ જળને ગણાવાયું છે.
'નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑશનોગ્રાફી' આ સંસ્કૃતિનું પતન પાણીને કારણે થયું હોવાના સંકેત આપે છે.
ઇન્સ્ટિટ્યૂટના સંશોધનમાં એવા સંકેતો મળ્યા છે કે 'કચ્છના દરિયાકાંઠે આવેલી ભયાનક સુનામીએ ધોળાવીરાનો ભોગ લઈ લીધો હશે.'
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












