આરએસએસના 'હિંદુ રાષ્ટ્ર'માં મુસલમાનોનું સ્થાન ક્યાં, સંઘનાં 100 વર્ષમાં શું શું બદલાયું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રજનીશકુમાર
- પદ, બીબીસી સંવાદદાતા
આરએસએસની સ્થાપનાને 100 વર્ષ થઈ ચૂક્યાં છે, સંગઠન શરૂઆતથી જ વિવાદો અને સવાલોના ઓછાયામાં રહ્યું છે.
એક સવાલ ઘણી વાર થતો રહ્યો છે કે આરએસએસના 'હિંદુ રાષ્ટ્ર'માં મુસલમાનોનું શું સ્થાન હશે?
આરએસએસના વર્તમાન સરસંઘચાલક મોહન ભાગવતે દિલ્હીમાં 26 ઑગસ્ટે એક કાર્યક્રમ દરમિયાન આ સવાલ પરનો પોતાનો દૃષ્ટિકોણ રજૂ કર્યો.
તેમણે જે કંઈ કહ્યું, તેનો આશય એવો જ હતો કે ભારતમાં ઇસ્લામની ઓળખ હિંદુ સંસ્કૃતિથી અલગ નથી.
મોહન ભાગવતે કહ્યું, "ભારતીયોનો ધર્મ ભલે ગમે તે હોય, પરંતુ તેઓ પોતાના પૂર્વજોની સમાન પરંપરાઓથી એકબીજા સાથે જોડાયેલા છે અને અખંડ ભારતમાં 40 હજાર વર્ષ કરતાં પણ વધારે સમયથી એક જ ડીએનએ રહ્યું છે."
2021માં પણ તેમણે કહેલું, "હિંદુ અને મુસલમાન એક જ વંશના છે, હિંદુ શબ્દ આપણી માતૃભૂમિ, પૂર્વજો અને સંસ્કૃતિના સમૃદ્ધ વારસા સમાન છે અને પ્રત્યેક ભારતીય હિંદુ છે."
સંઘનો સંઘર્ષ અને વારસો

ઇમેજ સ્રોત, Getty Images
જાણીતા લેખક અને રાજકીય વિશ્લેષક એજી નૂરાનીએ પોતાના પુસ્તક 'ધ આરએસએસ, એ મેનેસ ટૂ ઇન્ડિયા'માં લખ્યું છે, "અંગ્રેજો વિરુદ્ધના 1857ના પહેલા વિદ્રોહમાં મુસલમાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, પરંતુ 19મી સદીના અંતમાં એવો વિચાર ફેલાવવામાં આવવા લાગ્યો કે મુસલમાન બહારથી આવ્યા અને તે બધા આક્રમણકાર હતા."
સ્વતંત્રતા સેનાની અશોક મહેતાએ લખ્યું છે, "1857ના વિદ્રોહમાં હિંદુ અને મુસલમાન બંને સમુદાયના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કોઈ એક સમુદાયનો વિદ્રોહ નહોતો, પરંતુ ઐતિહાસિક અને વૈચારિક કારણોથી મુસલમાન હિંદુઓની સરખામણીએ અંગ્રેજોની વિરુદ્ધ વધારે ઉગ્ર હતા તેથી અંગ્રેજોએ મુસલમાનોને વધુ નિશાન બનાવ્યા" ('1857: ધ ગ્રેટ રિબેલિયન'. 1946).
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હિંદુત્વના અગ્રણી વિચારક સાવરકરે પણ પોતાના પુસ્તક 'ધ ઇન્ડિયન વૉર ઑફ ઇન્ડિપેન્ડન્સ ઑફ 1857'માં વિસ્તારપૂર્વક લખ્યું છે કે મુસલમાન અને હિંદુ કઈ રીતે એકજૂથ થઈને લડતા હતા.
સાવરકરે આ જ પુસ્તકમાં લખ્યું છે, "મૌલવીઓએ તેમને તાલીમ આપી, વિદ્વાન બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા અને તેમની સફળતા માટે દિલ્હીની મસ્જિદોથી લઈને બનારસનાં મંદિરો સુધી પ્રાર્થનાઓ કરવામાં આવી. સ્વધર્મ અને સ્વરાજના સિદ્ધાંતને અપનાવવામાં આવ્યો. જ્યારે જીવનથી પણ વધારે પ્રિય ધર્મ પર ખતરનાક, વિનાશક, ધૂર્ત હુમલાના સંકેત મળતા હતા ત્યારે ધર્મની રક્ષા માટે 'દીન, દીન'નો ધ્વનિ ગુંજ્યો."
વિજયચંદ્ર જોશીએ 1966માં સાવરકરનાં લેખો અને ભાષણોના સંગ્રહનું સંપાદન કર્યું હતું અને તે જાલંધર યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત થયું હતું.
સાવરકરે કહ્યું હતું, "જો આ દેશમાં કોઈ હિંદુ રાજનું સપનું જુએ છે અને તેમને લાગે છે કે તેઓ મુસલમાનોને કચડીને અહીંના સર્વશક્તિમાન બની શકે છે, તો તેઓ મૂર્ખ છે અથવા તો એમ કહો કે પાગલ છે. તેમનું આ પાગલપણું હિંદુઇઝમ અને દેશ બંનેને બરબાદ કરી દેશે."
સાવરકરના આ વિચાર 1911માં જેલ ગયા પહેલાંના છે. 1921માં સેલ્યુલર જેલમાંથી બહાર આવ્યા પહેલાં જ મુસલમાનો વિશેનો સાવરકરનો એક નવો દૃષ્ટિકોણ દેખાવા લાગ્યો હતો, જેનો ઉલ્લેખ આપણે આગળ કરીશું.
આરએસએસની વિચારધારામાં મુસલમાન ક્યાં?

ઇમેજ સ્રોત, Getty Images
આરએસએસના બીજા સરસંઘચાલક (1940થી 1973 સુધી) અને સંઘ પરિવારમાં આદરથી 'ગુરુજી' કહેવાતા માધવ સદાશિવ ગોલવલકરે પોતાના પુસ્તક 'વી ઑર અવર નૅશનહૂડ ડિફાઇન્ડ'માં લખ્યું છે, "ચતુર અને પ્રાચીન દેશોના અનુભવથી સાબિત થાય છે કે હિંદુસ્તાનમાં વિદેશી જાતિઓએ હિંદુ સંસ્કૃતિ અને ભાષાને અપનાવવી પડશે, હિંદુ ધર્મનું સન્માન કરતાં શીખવું પડશે, હિંદુ ધર્મ પ્રત્યે શ્રદ્ધા રાખવી પડશે, હિંદુ જાતિ અને સંસ્કૃતિના ગૌરવનો સ્વીકાર કરવો પડશે. તેના ઉપરાંત, પોતાના અલગ અસ્તિત્વને ભૂંસીને પોતાને હિંદુ જાતિમાં ભેળવવા પડશે."
આ જ પુસ્તકમાં ગોલવલકરે લખ્યું છે, "જો તેઓ એવું નહીં કરે, તો તેમણે આ હિંદુ રાષ્ટ્રને આધીન રહેવું પડશે. તેમાં તેઓ કોઈ વસ્તુ પર હક નહીં દર્શાવે, તેમને કોઈ વિશેષાધિકાર નહીં મળે, કોઈ પણ પ્રકારની પ્રાથમિકતા નહીં મળે અને એટલે સુધી કે નાગરિકોના અધિકાર પણ નહીં મળે. તેમના માટે આ સિવાય કોઈ રસ્તો નથી અને ન હોવો જોઈએ. આપણે એક પ્રાચીન દેશ છીએ અને આપણે આપણા દેશમાં રહેતી વિદેશી જાતિઓ સાથે એ જ રીતે વર્તવું જોઈએ" ('વી ઑર અવર નૅશનહૂડ ડિફાઇન્ડ'. ભારત પબ્લિકેશન – નાગપુર. 1939. પે.નં. 47-48).
'વી ઑર અવર નૅશનહૂડ ડિફાઇન્ડ'માં ગોલવલકરે લખ્યું છે, "પોતાની પ્રજાતિ અને સંસ્કૃતિની શુદ્ધતા જાળવી રાખવા માટે જર્મનીએ યહૂદીઓનો નિકાલ કરીને દુનિયાને ચોંકાવી દીધી. જર્મનીમાં પ્રજાતિ માટેનો ગર્વ ઉચ્ચ સ્તરે હતો. જર્મનીએ એ પણ બતાવ્યું કે પ્રજાતિ અને સંસ્કૃતિઓનું મૂળભૂત અંતર દૂર કરવું અશક્ય છે. હિંદુસ્તાન માટે તે સારી શિખામણ છે, જેમાંથી તેણે શીખવું જોઈએ અને લાભ ઉઠાવવો જોઈએ" ('વી ઑર અવર નૅશનહૂડ ડિફાઇન્ડ'. ભારત પબ્લિકેશન – નાગપુર. 1939. પે.નં. 35).
'વિભાજિત નિષ્ઠા'ની દલીલ

ઇમેજ સ્રોત, Getty Images
વાત ફક્ત ગોલવલકરની જ નહોતી, પરંતુ 'હિંદુત્વ'ની વિચારધારાના પ્રવર્તક ગણાતા વિનાયક દામોદર સાવરકર પણ જર્મનીમાં નાઝીવાદનું સમર્થન કરી રહ્યા હતા.
પહેલી ઑગસ્ટ, 1938એ પુણેમાં એક જનસભાને સંબોધતાં સાવરકરે કહ્યું હતું, "જર્મનીને નાઝીવાદ અને ઇટાલીને ફાસીવાદના માર્ગે ચાલવાનો પૂર્ણ અધિકાર છે. આ બંને દેશોમાં જે પરિસ્થિતિ હતી, તેમાં તેમનું હોવું અનિવાર્ય અને તેમના હકમાં હતું" ('સાવરકર પેપર્સ એમ–23 પાર્ટ 2 મિસલેનિયસ કૉરસપૉન્ડન્સ'. જાન્યુઆરી 1938, મે 1939. માઇક્રો ફિલ્મ સેક્શન, દિલ્હી).
બીજી બાજુ, નહેરુ જર્મનીના નાઝીવાદ અને ઇટાલીના ફાસીવાદ વિરુદ્ધ બોલી રહ્યા હતા.
વિનાયક દામોદર સાવરકરે કહ્યું હતું, "આપણે જર્મની, જાપાન, રશિયા અને ઇટાલીને કહેનાર કોણ છીએ કે તેઓ કઈ વ્યવસ્થા અપનાવે. શું આપણે એવું માત્ર ઍકેડૅમિક વલણના આધારે કહી શકીએ છીએ? ચોક્કસપણે હિટલરને પંડિત નહેરુ કરતાં વધારે ખબર છે કે જર્મની માટે શું સારું છે. નાઝીવાદ અને ફાસીવાદ પછી જે રીતે જર્મની અને ઇટાલી શક્તિશાળી બન્યા છે, તે એ સાબિત કરવા માટે પૂરતું છે કે એ રાજકીય વિચારધારા તેમના સ્વાસ્થ્ય માટે સૌથી જરૂરી ટૉનિક હતી" ('સાવરકર પેપર્સ'. મે 1937થી મે 1938).
આરએસએસની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર ઘણાં પુસ્તકો લખી ચૂકેલા પ્રોફેસર શમ્સુલ ઇસ્લામ કહે છે, "સાવરકર જર્મનીના નાઝીવાદનું સમર્થન કરીને ભારતમાં અલ્પસંખ્યકો માટેના પોતાના વિચારો જ વ્યક્ત કરી રહ્યા હતા."
14 ઑક્ટોબર, 1938એ સાવરકરે માલેગાંવમાં એક ભાષણમાં કહ્યું હતું, "એક રાષ્ટ્ર ત્યાં રહેતા બહુસંખ્યકોથી બને છે. જર્મનીમાં યહૂદી શું કરતા હતા? અલ્પસંખ્યક હોવાના લીધે તેમને જર્મનીમાંથી કાઢી મૂકવામાં આવ્યા" (મહારાષ્ટ્ર સ્ટેટ આર્કાઇવ્સ, મુંબઈ).
સાવરકરે 'હિંદુત્વ: હૂ ઇઝ એ હિંદુ'માં લખ્યું છે કે જે લોકોને "બળજબરીથી બિનહિંદુ ધર્મોમાં ધર્માંતરિત કરાયા, તેમની પિતૃભૂમિ પણ આ જ છે અને સંસ્કૃતિનો મોટો ભાગ પણ એકસમાન જ છે, છતાં પણ તેમને હિંદુ ન માની શકાય. જોકે, હિંદુઓની જેમ હિંદુસ્થાન તેમની પણ પિતૃભૂમિ છે, પરંતુ પુણ્યભૂમિ નથી. તેમની પુણ્યભૂમિ સુદૂર અરબ છે. તેમની માન્યતાઓ, તેમના ધર્મગુરુ, વિચાર અને નાયક આ માટીની ઊપજ નથી. એ દૃષ્ટિએ જોતાં તેમનાં નામ અને દૃષ્ટિકોણ મૂળ રૂપે વિદેશી છે. તેમનો પ્રેમ વહેંચાયેલો છે."
ખિલાફત આંદોલનનો ફાંટો

ઇમેજ સ્રોત, Getty Images
1920થી કૉંગ્રેસનું નેતૃત્વ ગાંધીની પાસે આવ્યું ત્યારે ઑટોમન્સ સામ્રાજ્યનો અંત થયો અને ખિલાફતની વ્યવસ્થા પણ ખતમ થઈ. એ બાબતે આખી દુનિયાના મુસલમાનોમાં રોષ હતો અને ભારતના મુસલમાન ખિલાફત આંદોલન કરી રહ્યા હતા.
આ સમય વિશે ગોલવલકર 'ધ મિથ બિહાઇન્ડ ધ મૅન, ધ મૅન બિહાઇન્ડ મિશન'ના લેખક ધીરેન્દ્રકુમાર ઝા કહે છે, "એ જ સમયે હિંદુઓને ગણેશપૂજા જેવાં ધાર્મિક આયોજનો દ્વારા એકત્ર કરવામાં આવી રહ્યા હતા, એટલે કે સંસ્થાનવાદ વિરુદ્ધ જૂથબંધી દ્વારા ધર્મ બની રહ્યો હતો. ગાંધીના નેતૃત્વમાં ભારતના રાષ્ટ્રવાદીઓ સંસ્થાનવાદની વિરુદ્ધ આંદોલન ઊભું કરવા હિંદુઓ અને મુસલમાનોને સાથે લાવવા માગતા હતા, તેથી ખિલાફત આંદોલનનું સમર્થન કરી રહ્યા હતા."
આ વાત એ સમયની છે, જ્યારે આરએસએસ અસ્તિત્વમાં નહોતું આવ્યું અને કેશવ બલિરામ હેડગેવાર કૉંગ્રેસમાં જ હતા. હેડગેવાર ખિલાફત આંદોલનને સમર્થન આપવાની વિરુદ્ધ હતા.
આરએસએસ બન્યાના એક વર્ષ પહેલાં 1924માં હેડગેવાર વર્ધાસ્થિત આશ્રમમાં ગાંધીને મળવા ગયા હતા. આ મુલાકાતમાં તેમણે કૉંગ્રેસની નીતિઓ પર ચર્ચા કરી હતી. આ મુલાકાતનું વિવરણ હેડગેવારના નજીકના મિત્ર રહેલા અપ્પાજી જોશીએ 'તરુણ ભારત'માં 5 મે, 1970એ લખ્યું હતું.
ખિલાફત આંદોલનને સમર્થન આપવાના ગાંધીના નિર્ણય પર હેડગેવારે અસંમતિ દર્શાવી હતી અને તેમણે કહેલું કે તેનાથી મુસલમાનોમાં અલગતાવાદી ભાવના જન્મી રહી છે.
ધીરેન્દ્ર ઝા કહે છે, "ગાંધીએ પહેલું જન આંદોલન હિંદુ અને મુસલમાનોની એકતાના મુદ્દે ઊભું કરી દીધું. અંગ્રેજ પરેશાન હતા કે તેને કઈ રીતે તોડવામાં આવે. 1920ના માફીનામામાં સાવરકરે અંગ્રેજોને કહ્યું, મુસલમાન આપણા બંનેના દુશ્મન છે. ત્યાર પછી તેઓ આંદામાનથી મેનલૅન્ડની જેલમાં આવ્યા. જેલમાં પોતાનું પુસ્તક 'હિંદુત્વ' લખ્યું, ત્યાર બાદ તેઓ જેલમાંથી બહાર આવ્યા."
પુણ્યભૂમિ સાથે વફાદારી

ઇમેજ સ્રોત, Getty Images
સાવરકરે જ 'પિતૃભૂમિ' અને 'પુણ્યભૂમિ'નો વિચાર આપ્યો અને કહ્યું કે મુસલમાનોની નિષ્ઠા વિભાજિત છે; કેમ કે, તેમની પુણ્યભૂમિ બીજે ક્યાંક છે.
ધીરેન્દ્ર ઝા કહે છે, "આ થિયરી એટલા માટે આપવામાં આવી, જેથી હિંદુઓને સમજાવી શકાય કે મુસલમાન આપણા પોતાના નથી અને પહેલાં તેમની વિરુદ્ધ લડવાની જરૂર છે."
ધીરેન્દ્ર ઝા કહે છે, "વિભાજિત નિષ્ઠાઓ શું હોય છે? અમેરિકા, યુરોપ અને બાકીના બીજા દેશોમાં જે હિંદુ છે, શું તેમની નિષ્ઠાઓ વહેંચાયેલી છે? શું ઋષિ સુનક બ્રિટન માટે વફાદાર નહોતા?"
દિલ્હી યુનિવર્સિટીમાં પૉલિટિકલ સાયન્સના પ્રોફેસર અને આરએસએસ સાથે જોડાયેલા પ્રોફેસર સંગીત રાગી આ સવાલ પર કહે છે, "હિંદુઓ અને મુસલમાનોમાં ફરક છે. શું કોઈ દેશમાં હિંદુઓએ ધાર્મિક કટ્ટરતા બતાવી? પૅન હિંદુઇઝમની વાત કરી? તેનો જવાબ ના છે, પરંતુ ભારતના મુસલમાન શું પૅન ઇસ્લામની વાત નથી કરતા? તુર્કીના મુદ્દા પર ભારતમાં ખિલાફત આંદોલનની શી જરૂર હતી?"
ગોલવલકર અને ગાંધીની મુલાકાત

ઇમેજ સ્રોત, Getty Images
આઝાદી પછી કલકત્તામાં થયેલાં સાંપ્રદાયિક તોફાનોને શાંત કરવા માટે મહાત્મા ગાંધીએ 1947માં 2 ડિસેમ્બરથી ત્રણ દિવસ માટે ઉપવાસ રાખ્યા હતા. ત્યાર પછી ગાંધી 9 સપ્ટેમ્બરે દિલ્હી પાછા આવ્યા હતા.
સરદાર પટેલનાં પુત્રી મણિબહેનની ડાયરી અનુસાર, 12 સપ્ટેમ્બર, 1947એ દિલ્હીના બિરલા હાઉસમાં ગોલવલકરની મુલાકાત મહાત્મા ગાંધી સાથે થઈ (પીએન ચોપડા ઍન્ડ પ્રભા ચોપડા. 'ઇનસાઇડ સ્ટોરી ઑફ સરદાર પટેલ: ધ ડાયરી ઑફ મણિબહેન પટેલ'. વિઝન બુક્સ, નવી દિલ્હી. 2001. પે.નં. 167).
આ મુલાકાતમાં ગાંધીએ ગોલવલકરને કહ્યું, 'તમારા સંગઠનનો હાથ પણ લોહીથી ખરડાયેલો છે'. ગોલવલકરે આ આરોપને નકારતાં કહ્યું હતું કે આરએસએસ કોઈનો દુશ્મન નથી. તેમણે કહ્યું કે આરએસએસ મુસલમાનોની હત્યાનું સમર્થન નથી કરતો ('ધ કલેક્ટેડ વર્ક્સ ઑફ મહાત્મા ગાંધી'. પ્રકાશન વિભાગ. 1983. પે.નં. 177).
મહાત્મા ગાંધીના અંગત સચિવ પ્યારેલાલે પોતાના પુસ્તક 'મહાત્મા ગાંધી: ધ લાસ્ટ ફેઝ' (પે.નં. 439)માં લખ્યું છે, "ગાંધી ગોલવલકરના જવાબથી સંતુષ્ટ નહોતા. ગાંધીએ ગોલવલકરને કહ્યું કે તેઓ જાહેરમાં આરોપોનું ખંડન કરે અને મુસલમાનોની હત્યાની નિંદા કરે, પરંતુ ગોલવલકરે એવું કરવાનો ઇનકાર કરી દીધો અને વિનંતી કરી કે ગાંધી પોતે તેમના તરફથી એવું કરી દે."
પ્યારેલાલે લખ્યું છે કે ગોલવલકર સાથેની મુલાકાતના ચાર દિવસ પછી સપ્ટેમ્બર 1947માં દિલ્હીના વાલ્મીકિ મંદિરમાં આરએસએસના કાર્યકરોને સંબોધતાં ગાંધીએ કહેલું, "જો હિંદુઓને લાગતું હોય કે ભારતમાં બિનહિંદુઓને સમાન અને સન્માનજનક રીતે રહેવાનો અધિકાર નથી અને મુસલમાનોએ ભારતમાં રહેવું હોય તો દ્વિતીય દરજ્જાના નાગરિક બનીને રહેવું પડશે અથવા મુસલમાનોને લાગતું હોય કે પાકિસ્તાનમાં હિંદુઓને તેમના આધીન રહેવું પડશે; એવું થયું તો તે હિંદુ ધર્મ અને ઇસ્લામ બંને પર ગ્રહણ જેવું હશે."

ઇમેજ સ્રોત, Getty Images
ગોલવલકર અને ગાંધીની મુલાકાતના લગભગ દોઢ મહિના પછી નહેરુએ મુખ્ય મંત્રીઓને પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે કહેલું, "મને ખબર છે કે દેશમાં કેટલીક હદ સુધી એવી ભાવના છે કે કેન્દ્ર સરકાર નબળી છે અને મુસલમાનોનું તુષ્ટીકરણ કરી રહી છે. આ વાત સંપૂર્ણ બકવાસ છે. કમજોર પડવાનો કે તુષ્ટીકરણનો સવાલ જ ઊભો નથી થતો."
"ભારતમાં મુસ્લિમ અલ્પસંખ્યક એટલી મોટી સંખ્યામાં છે કે તેઓ ઇચ્છે તોપણ બીજે ક્યાંય ન જઈ શકે. તેમણે ભારતમાં જ રહેવું પડશે. એ બાબતે કોઈ વાદવિવાદ ન થઈ શકે. પાકિસ્તાન તરફથી ભલે ગમે તેટલી ઉશ્કેરણી હોય અને ત્યાં બિનમુસલમાનો સાથે ભલે ગમે તેટલું ઉત્પીડન થાય, આપણે આપણા અલ્પસંખ્યકો સાથે સભ્ય રીતે વર્તવું પડશે" (જી પાર્થસારથિ સંપાદિત 'જવાહરલાલ નહેરુ લેટર્સ ટૂ ચીફ મિનિસ્ટર – 1947-1964').
દિલ્હીમાં 1947માં 29 સપ્ટેમ્બરે નહેરુએ એક જનસભાને સંબોધતાં કહ્યું હતું, "ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાની માગ મુસ્લિમ લીગની જીત હશે, જે પાકિસ્તાન બનાવવા કરતાં પણ ઘણી મોટી હશે. આપણે એ સિદ્ધાંતોનો સ્વીકાર ન કરવો જોઈએ જેની વિરુદ્ધ આપણે ભૂતકાળમાં લડાઈ લડી છે" ('સિલેક્ટેડ વર્ક ઑફ નહેરુ'. સેકન્ડ સિરીઝ. વૉલ્યુમ 4. 1986. પે.નં. 105).
1947માં 2 ઑક્ટોબરે નહેરુએ કૉંગ્રેસ કાર્યકરોને સંબોધતાં કહ્યું હતું, "હિંદુ રાષ્ટ્રની માગણી માત્ર મૂર્ખતા અને મધ્યકાલીન વિચારને જ પ્રગટ નથી કરતી, બલકે પોતાની પ્રકૃતિમાં પણ ફાસીવાદી છે. આ વિચારધારાને પ્રોત્સાહન આપનારાઓની એ જ હાલત થશે, જે હિટલર અને મુસોલિનીની થઈ" ('સિલેક્ટેડ વર્ક્સ ઑફ નહેરુ'. સેકન્ડ સિરીઝ. વૉલ્યુમ 4. 1986. પે.નં. 118).
હિંદુ રાષ્ટ્રના વિચારનો વિરોધ માત્ર ગાંધી અને નહેરુ જ નહોતા કરતા બલકે ભીમરાવ આંબેડકર પણ ખૂલીને કરી રહ્યા હતા, જેઓ ઘણા બધા મુદ્દા પર તેની સાથે સંમત નહોતા.
બીઆર આંબેડકરે પોતાના પુસ્તક 'પાકિસ્તાન ઍન્ડ ધ પાર્ટિશન ઑફ ઇન્ડિયા'માં લખ્યું છે, "જો હિંદુ રાષ્ટ્ર હકીકત બની જાય તો તે નિઃશંક આ દેશ માટે સૌથી મોટી દુર્ઘટના હશે. કોઈ પણ કિંમતે હિંદુ રાષ્ટ્ર બનતાં અટકાવવું પડશે" (1946. પે.નં. 354-355).
આંબેડકરે 24 માર્ચ, 1947એ રાઇટ્સ ઑફ સ્ટેટ ઍન્ડ માઇનૉરિટી પર એક રિપોર્ટ તૈયાર કર્યો હતો. આ રિપોર્ટમાં તેમણે લખ્યું હતું, "ભારતીય અલ્પસંખ્યકોનું એ દુર્ભાગ્ય છે કે ભારતીય રાષ્ટ્રવાદે એક નવો સિદ્ધાંત બનાવી લીધો છે. બહુસંખ્યકોને લાગે છે કે તેમને અલ્પસંખ્યકો પર રાજ કરવાનો દૈવીય અધિકાર છે. અલ્પસંખ્યક જો સત્તામાં ભાગીદારી માગે, તો તેમને સાંપ્રદાયિક ઠરાવી દેવાશે, જ્યારે બહુસંખ્યકોના સત્તા પર એકાધિકારને રાષ્ટ્રવાદ કહેવાશે."
ગાંધીની હત્યા

ઇમેજ સ્રોત, Getty Images
નાથુરામ ગોડસેએ 1948માં 30 જાન્યુઆરી શુક્રવારની સાંજે મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.
નાથુરામના ભાઈ ગોપાલ ગોડસેએ કહેલું, "અમારો ઉદ્દેશ સરકાર પર નિયંત્રણ કરવાનો નહોતો, અમે તો માત્ર રાષ્ટ્રને એવા વ્યક્તિથી મુક્ત કરવાનો પ્રયાસ કરતા હતા, જેનાથી ખૂબ નુકસાન થયું હતું. તેમણે સતત હિંદુ રાષ્ટ્રનું અપમાન કર્યું અને પોતાના અહિંસાના સિદ્ધાંતથી તેને નબળું પાડ્યું હતું. પોતાના અનેક ઉપવાસોમાં તેમણે હંમેશાં મુસ્લિમ સમર્થક શરતો રાખી, તેમણે મુસ્લિમ કટ્ટરપંથીઓ વિશે પણ કશું ન કહ્યું. અમે ભારતીયોને એ બતાવવા માગતા હતા કે એવા ભારતીય પણ છે, જે અપમાન સહન નહીં કરે. હિંદુઓમાં હજી પણ કેટલાક એવા લોકો બચ્યા છે" ('ગાંધી વધ ઔર મૈં'. ગોપાલ ગોડસે. પે.નં. 20).
ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણીએ પોતાના પુસ્તક 'મેરા દેશ મેરા જીવન' (પે.નં. 58)માં સ્વીકાર્યું છે કે, એક સમયે ગોડસે આરએસએસના સ્વયંસેવક રહ્યા હતા. અડવાણીએ લખ્યું છે, "જે વ્યક્તિએ આ પાપપૂર્ણ અપરાધ કર્યો, તે હિંદુ મહાસભાનો સભ્ય હતો. તે ક્યારેક સંઘનો સ્વયંસેવક રહ્યો હતો, પરંતુ સંઘની સાથે ઊંડા મતભેદ હોવાના કારણે 15 વર્ષ પહેલાં સંઘ છોડી ચૂક્યો હતો."
ગોલવલકરથી અલગ દેવરસનો માર્ગ

ઇમેજ સ્રોત, organiser.org
જૂન 1973માં ગોલવલકરનું અવસાન થયું અને આરએસએસની કમાન મધુકર દત્તાત્રેય દેવરસ (બાલાસાહેબ દેવરસ)ને મળી. દેવરસ જ્યારે આરએસએસના સરસંઘસંચાલક બન્યા ત્યારે તેમની ઉંમર 58 વર્ષ હતી. દેવરસ ગોલવલકર કરતાં 9 વર્ષ નાના હતા.
આરએસએસની કમાન સૌથી લાંબા સમય, એટલે કે લગભગ 33 વર્ષ (1940-1973) સુધી ગોલવલકર પાસે રહી.
આ 33 વર્ષમાં ગોલવલકરે આરએસએસને વૈચારિક રીતે ઘડ્યું. ગોલવલકર પછી દેવરસ સૌથી લાંબા સમય સુધી, એટલે કે લગભગ 21 વર્ષ (1973-1994) આરએસએસના સરસંઘચાલક રહ્યા.
આ જ 21 વર્ષમાં ભારતમાં કટોકટી લાગુ થઈ, લાઇસન્સ રાજ ખતમ થયું, મંડલ કમિશન લાગુ થયું અને અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી નાખવામાં આવી.
આ જ મહત્ત્વના સમયમાં દેવરસ આરએસએસનું નેતૃત્વ કરી રહ્યા હતા. દેવરસ સરસંઘચાલક રહ્યા તે સમયે ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર બની અને પછાત જાતિના કલ્યાણસિંહ મુખ્ય મંત્રી બન્યા.
દેવરસ અને ગોલવલકર વચ્ચે ઘણા મતભેદ હતા અને આ મતભેદ સમયાંતરે સાર્વજનિક થતા રહેતા હતા. સંજીવ કેલકરે 'લૉસ્ટ યર્સ ઑફ આરએસએસ'માં લખ્યું છે કે આ એ જ સમય હતો, જેમાં આરએસએસ ખૂબ સતર્ક હતો.
વરિષ્ઠ પત્રકાર અને લેખક નીલાંજન મુખોપાધ્યાયે પોતાના પુસ્તક 'ધ આરએસએસ: આઇકન્સ ઑફ ધ ઇન્ડિયન રાઇટ'માં લખ્યું છે "દેવરસને લાગતું હતું કે હેડગેવાર પછી તેમને સરસંઘચાલક બનવું હતું, પરંતુ ગોલવલકરે તે ઝૂંટવી લીધું. ગોલવલકર 1930ના દાયકા પછીનાં વર્ષોમાં હેડગેવારની પસંદ બન્યા, જ્યારે દેવરસ પહેલાંથી જ આરએસએસના અગ્રણી નેતૃત્વમાં સામેલ હતા."
"દેવરસને હેડગેવારના ઉત્તરાધિકારી તરીકે પણ જોવામાં આવતા હતા. ગોલવલકર સરસંઘચાલક બન્યા તેની સામે દેવરસે સ્પષ્ટ નારાજગી પ્રકટ કરી હતી. બીજી બાજુ, ગોલવલકર ઘણી વાર દેવરસનાં વખાણ કરતા હતા. એટલે સુધી કે ગોલવલકર દેવરસને 'હેડગેવારનો પડછાયો' ગણાવતા હતા, પરંતુ તેનાથી દેવરસને વધુ ફરક ન પડ્યો. ગોલવલકરે સરસંઘચાલક બન્યા પછી પહેલી બેઠક બોલાવી અને દેવરસે આ બેઠકમાં હાજર ન રહીને પોતાનો વિરોધ દર્શાવ્યો."
દેસરાજ ગોયલે પોતાના પુસ્તક 'રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ'માં લખ્યું છે, "દેવરસે કહ્યું હતું કે તેઓ નાગપુરમાં મેસની દેખરેખ માટે ગયા હતા, જેથી સ્વયંસેવકોને સમયસર ખાવાનું મળી શકે. એ બાબતે ગોલવલકરે કહ્યું હતું, સાચા સરસંઘચાલક મેસમાં છે. હું તો નામમાત્રનો સરસંઘચાલક છું. પહેલાં તેમને બોલાવો."
દલિતો અને પછાતોને જોડવાની પહેલ

ઇમેજ સ્રોત, Getty Images
નીલાંજન મુખોપાધ્યાયે લખ્યું છે, "હેડગેવાર અને ગોલવલકર સાવરકરના હિંદુત્વનું સમર્થન કરતા હતા, પરંતુ બંનેએ તેને જુદી જુદી રીતે અપનાવ્યું. સાવરકર હિંદુઓના સૈન્યીકરણના પક્ષમાં હતા. હેડગેવારે સંગઠનને મજબૂત બનાવવા પર ભાર મૂક્યો, જ્યારે ગોલવલકર હિંદુત્વની વિચારધારાને આધ્યાત્મિક રૂપે મજબૂત કરવા માગતા હતા. તેમનાથી અલગ, દેવરસ આરએસએસને રાજકીય શક્તિ બનાવવા માગતા હતા."
દેવરસે ભારતીય મજદૂર સંઘ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જેવાં સહાયક સંગઠનોને મજબૂત કર્યાં. દેવરસનું માનવું હતું કે તેનાથી રાજકીય પ્રવૃત્તિઓનો પાયો તૈયાર થશે.
નીલાંજન મુખોપાધ્યાય કહે છે, "દેવરસને લાગતું હતું કે સંઘે દલિતો સુધી પહોંચવું જોઈએ. દેવરસને લાગતું હતું કે જો દલિતોને મુખ્ય ધારામાં લેવામાં નહીં આવે, તો તેઓ બીજો ધર્મ અપનાવી લેશે. દલિતોએ 1981માં મીનાક્ષીપુરમમાં મોટી સંખ્યામાં ઇસ્લામ ધર્મ અપનાવી લીધો હતો. ત્યાર પછીથી દેવરસ વધુ સક્રિય થઈ ગયા હતા."
નીલાંજન માને છે કે નવેમ્બર 1989માં અયોધ્યામાં વિશ્વ હિંદુ પરિષદે મંદિરનો શિલાન્યાસ એક દલિત દ્વારા કરાવ્યો હતો, જે ખૂબ જ પ્રતીકાત્મક સંદેશ હતો. ત્યાર પછી જ્યારે 1991માં ભાજપને ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં જીત મળી, ત્યારે પછાત જાતિના કલ્યાણસિંહને મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા. ઉમા ભારતી, વિનય કટિયાર અને બીજા ઘણા ચહેરાને આગળ કરવામાં આવ્યા જે સવર્ણ નહોતા.
તેઓ કહે છે, "આજે ભાજપ દલિત અને પછાત જાતિઓ પર ફોકસ કરીને ચાલી રહ્યો છે, પરંતુ તેની શરૂઆત દેવરસે કરી હતી."
રજ્જુભૈયાનો સમય

ઇમેજ સ્રોત, RSS
દેવરસે 1994માં રજ્જુભૈયા (રાજેન્દ્રસિંહ)ને આરએસએસના સરસંઘચાલક બનાવ્યા અને આ નિર્ણય પણ એક પરંપરાને તોડવા જેવો જ હતો. અત્યાર સુધીના બધા સરસંઘચાલક બ્રાહ્મણ બન્યા હતા, પરંતુ રજ્જુભૈયા ઉત્તર પ્રદેશના ઠાકુર હતા.
નીલાંજન મુખોપાધ્યાય આને પણ દેવરસનો વ્યૂહાત્મક નિર્ણય માને છે. મુખોપાધ્યાય કહે છે કે જો દેવરસ રજ્જુભૈયાને સરસંઘચાલક ન બનાવત, તો કોઈ બિનબ્રાહ્મણને જ બનાવત.
સંઘની પરંપરા અનુસાર, વર્તમાન સરસંઘચાલક જ પોતાના ઉત્તરાધિકારીના નામની જાહેરાત કરે છે. દેવરસે એવા સમયે રજ્જુભૈયાને પસંદ કર્યા જ્યારે દેશમાં જાતીય ઓળખનું રાજકારણ જોર પકડતું હતું.
જોકે, રજ્જુભૈયાનો સરસંઘચાલકનો કાર્યકાળ માત્ર છ વર્ષનો રહ્યો. આ અત્યાર સુધીના બધા સરસંઘચાલકોમાં સૌથી નાનો કાર્યકાળ હતો.
દેવરસ મુસલમાનો વિરુદ્ધની આક્રમકતાથી બચતા હતા. નીલાંજન મુખોપાધ્યાયે આની સાથે સંકળાયેલો એક પ્રસંગ પોતાના પુસ્તકમાં રજૂ કર્યો છે.
મુખોપાધ્યાયે લખ્યું છે, "રજ્જુભૈયા ઇચ્છતા હતા કે સરસંઘચાલક, એટલે કે દેવરસ વિજયાદશમી (1992)ના સંબોધનમાં અયોધ્યામાં રામમંદિરના મુદ્દે સાચી વાત કહે. રજ્જુભૈયાએ તે માટે નાગપુર જવાનો નિર્ણય કર્યો, જેથી દેવરસના ભાષણમાં અયોધ્યા મુદ્દાને આક્રમકતાથી સામેલ કરાવી શકાય. રજ્જુભૈયાએ દેવરસના અંગત સહાયક શ્રીકાંત જોશી પાસે વિજયાદશમીના ભાષણની નકલ માગી. સામાન્ય રીતે એમજી વૈદ્ય ભાષણ લખતા હતા. રજ્જુભૈયાની આશંકા સાચી પડી, કેમ કે ભાષણમાં રામમંદિરના મુદ્દાને આક્રમકતાથી રજૂ નહોતો કરાયો. એમજી વૈદ્યે રજ્જુભૈયાની સલાહથી ભાષણને સુધાર્યું અને રામમંદિરના મુદ્દાને આક્રમક રીતે ઉમેર્યો."
મુખોપાધ્યાયે લખ્યું છે, "બીજા દિવસે સવારે દેવરસે વૈદ્યને બોલાવ્યા અને પૂછ્યું, તમને લાગે છે કે સરસંઘચાલક પોતાના ભાષણમાં આવા શબ્દોનો ઉપયોગ કરે છે? એમજી વૈદ્યે રજ્જુભૈયાના સૂચનનો ઉલ્લેખ ન કર્યો અને દેવરસે પોતાનું જૂનું ભાષણ જ વાંચ્યું."
મુખોપાધ્યાયે બીબીસીને કહ્યું, "પરંતુ તેનો એવો અર્થ ક્યારેય નહોતો કે દેવરસ મસ્જિદ તોડવાના પક્ષમાં નહોતા અને રામમંદિર નહોતા ઇચ્છતા."
સુદર્શનનો સમય

ઇમેજ સ્રોત, Getty Images
રજ્જુભૈયા પછી કેએસ સુદર્શન આરએસએસના સરસંઘચાલક બન્યા. તેમનો કાર્યકાળ 2000થી 2009 સુધી રહ્યો. રાયપુરમાં જન્મેલા સુદર્શન અને અટલ બિહારીના સંબંધોમાં ઘણી વખત ખેંચતાણ જોવા મળતી હતી. સુદર્શને આક્ષેપ કર્યો હતો કે વાજપેયીએ પોતાના 'જમાઈને ભ્રષ્ટાચાર કરતા રોક્યા નહોતા'.
હકીકતમાં, આરએસએસમાં કોઈ મુસલમાન સામેલ નથી થઈ શકતા અને આ બાબતમાં ઘણી વાર તેની ટીકા થતી હતી. સુદર્શનના કાર્યકાળમાં જ, 2002માં 'મુસ્લિમ રાષ્ટ્રીય મંચ' બન્યો હતો.
'મુસ્લિમ રાષ્ટ્રીય મંચ'ને 'રાષ્ટ્રવાદી મુસલમાનોનું સંગઠન' ગણાવવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે તેના સભ્યો 'રાષ્ટ્ર પહેલાં, સંપ્રદાય પછી'ના સિદ્ધાંતમાં માને છે.
નીલાંજન મુખોપાધ્યાય જણાવે છે કે મુસલમાનોમાં જગ્યા બનાવવાના હિમાયતી સુદર્શનના ગુરુઓમાં બાલાસાહેબ દેવરસ પણ હતા.
મુસલમાનોમાં 'વંદે માતરમ' ગાવાની ઝુંબેશ ચલાવનાર 'મુસ્લિમ રાષ્ટ્રીય મંચ' વિવાદોમાં રહ્યો, તેના તાર અજમેર અને માલેગાંવ જેવા બૉમ્બવિસ્ફોટો સાથે જોડવામાં આવ્યા હતા, પરંતુ 2016માં એનઆઇએએ બધા આરોપોને હટાવવાનો નિર્ણય કર્યો.
2009માં આરએસએસનું નેતૃત્વ મોહન ભાગવતને મળ્યું, જેઓ છેલ્લાં 16 વર્ષથી સરસંઘચાલક છે, ગોલવલકર અને દેવરસ પછી ભાગવતનો કાર્યકાળ અત્યાર સુધીનો ત્રીજો સૌથી લાંબો કાર્યકાળ છે.
2014માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સત્તામાં આવ્યો અને ત્યારથી દેશની સૌથી મોટી ધાર્મિક અલ્પસંખ્યક વસ્તી ગણાતા મુસલમાનોનું પ્રતિનિધિત્વ સંસદમાં સતત ઓછું થતું ગયું છે.
હાલના સમયે લોકસભામાં મુસલમાનોનું પ્રતિનિધિત્વ ભારતની લોકશાહીના ઇતિહાસમાં પોતાના ઓછામાં ઓછા સ્તરે છે. દેશમાં લગભગ 15 ટકા લોકો મુસલમાન છે, પરંતુ સંસદમાં કુલ 24 મુસલમાન જ પહોંચી શક્યા, એટલે કે કુલ સીટોના 4.4 ટકા.
2024ની સામાન્ય ચૂંટણીમાં ભાજપના માત્ર એક મુસલમાનને સંસદ માટે ઉમેદવાર બનાવ્યા. કેરલમાં વધુ મુસ્લિમ વસ્તીવાળા મલ્લાપુરમ સીટ પર અબ્દુલ સલામને ભાજપના ઉમેદવાર બનાવ્યા હતા. તેમની હાર પહેલાંથી નક્કી મનાતી હતી, અને એવું જ થયું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












