'ઇસ્લામ ભારતમાં છે અને રહેશે', 75 વર્ષની વયે નિવૃત્તિ અને ભાજપ-સંઘના સંબંધો વિશે મોહન ભાગવતે શું કહ્યું?

બીબીસી ગુજરાતી ભાજપ આરએસએસ સંઘ મોહન ભાગવત ઇસ્લામ ભારત હિંદુ ધર્મ

ઇમેજ સ્રોત, ANI

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની સ્થાપનાનાં 100 વર્ષ પૂરાં થતાં રાજધાની દિલ્હીમાં 26થી 28 ઑગસ્ટ સુધી ત્રણ દિવસનો એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. ગુરુવારે તેનો છેલ્લો દિવસ હતો.

આ પ્રસંગે સંઘના વડા મોહન ભાગવતે ઘણી બાબતો પર પોતાનો અભિપ્રાય રજૂ કર્યો હતો.

તેમણે નિવૃત્તિ, ભાજપ અને સંઘ વચ્ચેના સંબંધો, ઘૂસણખોરી, વસ્તી અને ઇસ્લામ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા.

તેમના ભાષણમાંથી પાંચ મહત્ત્વની બાબતો મળી આવે છે.

ઇસ્લામ વિશે મોહન ભાગવતનો મત

બીબીસી ગુજરાતી ભાજપ આરએસએસ સંઘ મોહન ભાગવત ઇસ્લામ ભારત હિંદુ ધર્મ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, સંઘની સ્થાપનાના 100 વર્ષ નિમિત્તે રાજધાની દિલ્હીમાં 26થી 28 ઑગસ્ટ સુધી કાર્યક્રમ યોજાયો હતો

મોહન ભાગવતે કહ્યું કે "ઇસ્લામનો ભારતમાં પહેલો દિવસ હતો, ત્યારથી તે અહીં છે અને ભવિષ્યમાં પણ રહેશે. મેં આ વાત અગાઉ પણ કહી હતી. ઇસ્લામ નહીં રહે એવું વિચારનાર હિંદુ ન કહેવાય. હિંદુ વિચાર આવા નથી હોતા. બંને તરફ વિશ્વાસ વધશે ત્યારે સંઘર્ષ ખતમ થશે. સૌથી પહેલા એ માનવું પડશે કે આપણે બધા એક છીએ."

તેમણે કહ્યું કે, "ઘૂસણખોરી અટકવી જોઈએ. સરકાર કેટલાક પ્રયાસ કરી રહી છે, ધીમે ધીમે આગળ વધે છે. આપણા દેશમાં પણ મુસલમાન નાગરિકો છે. તેમને પણ રોજગારની જરૂર છે. મુસ્લિમોને રોજગાર આપવો હોય તો તેમને આપો. બહારથી આવેલાને શા માટે આપો છો? તેમના દેશની વ્યવસ્થા તેમણે કરવી જોઈએ."

મોહન ભાગવત નિવૃત્ત થશે?

'75 વર્ષ પછી શું રાજકારણમાંથી નિવૃત્તિ લેવી જોઈએ?'

આ સવાલના જવાબમાં મોહન ભાગવતે કહ્યું કે "મોરોપંતજીના નિવેદનનો હવાલો આપીને મેં તેમના વિચાર મૂક્યા હતા... મેં એવું નહોતું કહ્યું કે હું નિવૃત્ત થઈ જઈશ અથવા બીજા કોઈએ નિવૃત્ત થવું જોઈએ... અમે જિંદગીમાં કોઈ પણ સમયે નિવૃત્ત થવા માટે તૈયાર છીએ અને સંઘ અમારી પાસે જેટલો સમય કામ કરાવવા માગે, એટલો સમય અમે સંઘ માટે કામ કરવા તૈયાર છીએ."

સંઘ અને ભાજપ વચ્ચેનો સંબંધ

બીબીસી ગુજરાતી ભાજપ આરએસએસ સંઘ મોહન ભાગવત ઇસ્લામ ભારત હિંદુ ધર્મ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, માત્ર આ સરકાર સાથે નહીં, પણ દરેક સરકાર સાથે સંઘનો સારો સંબંધ રહ્યો છે તેવો દાવો ભાગવતે કર્યો હતો
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભાજપ અને સંઘ વિશેના સંબંધ પર ભાગવતે કહ્યું કે "માત્ર આ સરકાર સાથે નહીં, પણ દરેક સરકાર સાથે અમારો બહુ સારો સમન્વય રહ્યો છે... ક્યાંય કોઈ ઝઘડો નથી."

તેમણે કહ્યું કે, "મતભેદના મુદ્દા ક્યારેય નથી હોતા. આપણે ત્યાં વિચારોમાં મતભેદ હોઈ શકે છે, પરંતુ મનભેદ બિલકુલ નથી. એકબીજા પર વિશ્વાસ છે... શું ભાજપ સરકારમાં બધું સંઘ નક્કી કરે છે? આ સંપૂર્ણ રીતે ખોટી વાત છે. હું ઘણાં વર્ષોથી સંઘ ચલાવું છું, તેઓ સરકાર ચલાવે છે. સલાહ આપી શકે છે, પરંતુ તે ક્ષેત્રમાં તેઓ નિર્ણય લે છે અને આ ક્ષેત્રમાં અમે...અમે નક્કી કરીએ તો આટલો સમય થોડો લાગે? અમે નક્કી નથી કરતા..."

કેટલાક પક્ષો આરએસએસનો વિરોધ કરે છે તેના વિશે ભાગવતે કહ્યું કે, "અમે પરિવર્તન થતું પણ જોયું છે. 1948માં જયપ્રકાશબાબુ હાથમાં સળગતી મશાલ લઈને સંઘનો કાર્યાલય બાળવા આવ્યા હતા... ત્યાર પછી ઇમરજન્સી વખતે તેમણે કહ્યું કે પરિવર્તનની આશા તમારી પાસેથી જ છે."

તેમણે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામથી લઈને પ્રણવ મુખરજીનો ઉલ્લેખ કરતા કહ્યું કે "તેઓ સંઘના આયોજનમાં આવ્યા, તેમણે પોતાનો મત ન બદલ્યો, પરંતુ સંઘ વિશે તેમની જે ગેરમાન્યતા હતી તે દૂર થઈ ગઈ."

તહેવારોમાં માંસાહાર પર શું કહ્યું?

બીબીસી ગુજરાતી ભાજપ આરએસએસ સંઘ મોહન ભાગવત ઇસ્લામ ભારત હિંદુ ધર્મ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, મોહન ભાગવતના માનવા પ્રમાણે દરેક પરિવારમાં ત્રણ બાળકો હોવા જરૂરી છે

ભાગવતે કહ્યું કે, "વ્રત વખતે લોકો શાકાહાર કરવા માગે છે. તે દિવસોમાં તેમની સામે એવું કોઈ દૃશ્ય આવી જાય તો શક્ય છે કે તેમની લાગણી દુભાય. બે-ત્રણ દિવસની વાત છે. સમજદારી એમાં છે કે આવા સમયે આવી ચીજોથી પરહેજ રાખવામાં આવે. તો કાયદો પણ ઘડવાની જરૂર નહીં રહે."

'ત્રણ બાળકો હોવાં જોઈએ'

ભાગવતે કહ્યું કે ભારતમાં દરેક નાગરિકને ત્રણ બાળકો હોવાં જોઈએ.

તેમણે કહ્યું કે વસ્તી નિયંત્રિત રહે અને પૂરતી રહે. આ હેતુથી ત્રણ જ બાળકો હોવાં જોઈએ. ત્રણથી વધારે ન હોવાં જોઈએ. આ બધાએ સ્વીકારવું જોઈએ.

તેમણે કહ્યું કે, આપણા દેશની પૉલિસી દરેક બાળકને 2.1 બાળકની ભલામણ કરે છે. આ દેશની એવરેજ છે. સંતાન 0.1 તો ન હોઈ શકે. તેથી ભારતના દરેક નાગરિકના ઘરે ત્રણ બાળકો હોવાં જોઈએ.

તેમણે એમ પણ કહ્યું કે, "બધાનો જન્મદર ઘટી રહ્યો છે. હિંદુઓમાં પહેલેથી ઓછો હતો જે વધુ ઝડપથી ઘટી રહ્યો છે, પરંતુ બીજા સમુદાયોમાં એટલો નીચો ન હતો, તેમાં પણ હવે ઘટી રહ્યો છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન