RSSનાં 100 વર્ષ : ભારતનું બંધારણ, રાષ્ટ્રધ્વજ અને જાતિવ્યવસ્થા અંગે સંઘનું વલણ કેમ શંકામાં રહે છે?

RSS, આરએસએસ, હિન્દુત્ત્વ, ભાજપ, ભારતનું રાજકારણ, સંધ, રાષ્ટ્રધ્વજ, જાતિવ્યવસ્થા, ભારતનું બંધારણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, રાઘવેન્દ્ર રાવ
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતનું બંધારણ, રાષ્ટ્રધ્વજ અને જાતિવ્યવસ્થા બાબતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારોની ઘણી વાર ટીકા થતી રહી છે.

આઝાદી પછીથી અત્યાર સુધીમાં જુદા જુદા પ્રસંગોએ સંઘે આ ત્રણેય મુખ્ય બાબતો પરના પોતાના વિચાર અનેક વાર બદલ્યા છે.

ભારતના બંધારણની સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સંબંધ અત્યંત જટિલ રહ્યો છે.

'બંચ ઑફ થૉટ્સ' નામના પ્રખ્યાત પુસ્તકમાં સંઘના બીજા સરસંઘચાલક માધવ સદાશિવરાવ ગોલવલકરે લખ્યું છે, "આપણું બંધારણ પણ પશ્ચિમી દેશોનાં જુદાં જુદાં બંધારણોની અલગ અલગ કલમોનું બોજારૂપ અને વિષમ સંયોજનમાત્ર છે. એમાં એવું કશું નથી જેને આપણું કહી શકાય. શું તેના માર્ગદર્શક સિદ્ધાંતોમાં એક પણ એવો સંદર્ભ છે કે આપણું રાષ્ટ્રીય મિશન શું છે, અને જીવનમાં આપણો મુખ્ય ઉદ્દેશ શો છે? ના."

ઘણા ઇતિહાસકારોએ એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે, ભારતને આઝાદી મળી તેના એક દિવસ પહેલાં, 14 ઑગસ્ટ 1947એ આરએસએસના મુખપત્ર ઑર્ગેનાઇઝરે લખ્યું કે, "ભાગ્યના જોરે સત્તામાં આવેલા લોકો ભલે ને તિરંગો આપણા હાથમાં પકડાવી દે, પરંતુ, હિંદુ તેનું ક્યારેય સન્માન નહીં કરે અને તેને અપનાવશે નહીં. ત્રણ શબ્દ પોતાનામાં જ એક ખરાબી છે અને ત્રણ રંગ વાળો ઝંડો નિશ્ચિત રીતે ખૂબ ખરાબ મનોવૈજ્ઞાનિક અસર ઊભી કરશે અને દેશ માટે તે નુકસાનકારક છે."

એજી નૂરાની એક જાણીતા વકીલ અને રાજકીય ટીકાકાર હતા, જેમણે સુપ્રીમ કોર્ટ અને બૉમ્બે હાઇકોર્ટમાં કામ કર્યું. પોતાના પુસ્તક 'ધ આરએસએસ : એ મેનેસ ટૂ ઇન્ડિયા'માં તેમણે લખ્યું છે કે, સંઘ ભારતીય બંધારણનો અસ્વીકાર કરે છે.

તેમણે લખ્યું છે, "તેણે (સંઘે) 1 જાન્યુઆરી 1993એ પોતાનો 'શ્વેતપત્ર' પ્રકાશિત કર્યો, જેમાં બંધારણને 'હિંદુવિરોધી' ગણાવાયું અને દેશમાં તે કયા પ્રકારનું રાજકારણ સ્થાપવા માગે છે તેની રૂપરેખા જણાવાઈ. તેના મુખપૃષ્ઠ પર બે સવાલ પૂછવામાં આવ્યા : 'ભારતનાં અખંડતા, ભાઈચારા અને સાંપ્રદાયિક સૌહાર્દને નષ્ટ કરનારા કોણ છે?' અને 'ભૂખમરો, બેરોજગારી, ભ્રષ્ટાચાર અને અધર્મ કોણે ફેલાવ્યાં છે?' તેનો જવાબ શ્વેતપત્રમાં 'વર્તમાન ઇન્ડિયન બંધારણ' શીર્ષક હેઠળ આપવામાં આવ્યો છે.

RSS, આરએસએસ, હિન્દુત્ત્વ, ભાજપ, ભારતનું રાજકારણ, સંધ, રાષ્ટ્રધ્વજ, જાતિવ્યવસ્થા, ભારતનું બંધારણ, બીબીસી ગુજરાતી

આ શ્વેતપત્ર 6 ડિસેમ્બર 1992એ થયેલા બાબરી મસ્જિદ વિધ્વંસના થોડાક જ દિવસ પછી છપાયો હતો.

એજી નૂરાનીએ લખ્યું છે કે, આ શ્વેતપત્રમાં હિંદી શીર્ષકમાં 'ઇન્ડિયન' શબ્દનો ઉપયોગ એક ઉદ્દેશ સાથે કરવામાં આવ્યો. તેમણે લખ્યું છે કે, "તેનો અર્થ એ છે કે, આ હિંદુ (અથવા ભારતીય) બંધારણ નહીં, પરંતુ ઇન્ડિયન બંધારણ છે."

નૂરાનીએ નોંધ્યું છે કે, શ્વેતપત્રની પ્રસ્તાવનામાં સ્વામી હીરાનંદે લખ્યું, "વર્તમાન બંધારણ દેશની સંસ્કૃતિ, ચરિત્ર, પરિસ્થિતિઓ વગેરેથી જુદું છે. તે 'વિદેશોન્મુખી છે' અને 'વર્તમાન બંધારણને નાબૂદ કર્યા પછી જ આપણે આપણી આર્થિક નીતિ, ન્યાયિક અને વહીવટી માળખું, અને અન્ય રાષ્ટ્રીય સંસ્થાઓ વિશે નવેસરથી વિચારવું પડશે'.

પોતાના પુસ્તકમાં નૂરાનીએ લખ્યું છે કે, જાન્યુઆરી 1993માં આરએસએસના પ્રમુખ રહેલા રાજેન્દ્રસિંહે લખ્યું કે, બંધારણમાં ફેરફારની જરૂર છે અને ભવિષ્યમાં આ દેશના લોકાચાર અને પ્રતિભાને અનુરૂપ બંધારણ અપનાવવું જોઈએ.

24 જાન્યુઆરી 1993એ આંધ્રપ્રદેશના અનંતપુરમાં તત્કાલીન ભાજપ અધ્યક્ષ મુરલી મનોહર જોશીએ પણ બંધારણમાં નવેસર વિચાર કરવાની ફરીથી માંગણી કરી હતી.

બંધારણ બદલવાની કોશિશ?

RSS, આરએસએસ, હિન્દુત્ત્વ, ભાજપ, ભારતનું રાજકારણ, સંધ, રાષ્ટ્રધ્વજ, જાતિવ્યવસ્થા, ભારતનું બંધારણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BJP

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વર્ષ 2024ની લોકસભા ચૂંટણીની બરાબર પહેલાં ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓનાં નિવેદનો વચ્ચે એવું કહેવાવા લાગ્યું કે ભાજપ જો 'અબકી બાર 400 પાર'નું સૂત્ર વાસ્તવિકતામાં ફેરવી દે, તો તે બંધારણ બદલી નાખશે.

ભાજપે અનેક વાર સ્પષ્ટીકરણ કર્યું કે, એવું કરવાનો તેનો કશો ઇરાદો નથી, પરંતુ, એવા ઉદાહરણ ઉપલબ્ધ છે જ્યારે પાર્ટીએ બંધારણમાં મોટા મૂળભૂત ફેરફારની કોશિશ કરી.

વરિષ્ઠ પત્રકાર અને લેખક નીલાંજન મુખોપાધ્યાયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં મોટાં નામો પર 'ધ આરએસએસ : આઇકન્સ ઑફ ધ ઇન્ડિયન રાઇટ' નામક પુસ્તક લખ્યું છે.

તેમણે કહ્યું છે, "જ્યારે અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન હતા ત્યારે એનડીએ સરકારમાં તેમણે સૌથી પહેલું કામ એ કર્યું કે બંધારણની સમીક્ષા માટે એક સમિતિ બનાવી. ભારે હોબાળાના કારણે તેમણે સમિતિ બનાવવાનું કારણ બદલવું પડ્યું અને કહેવું પડ્યું કે આ સમિતિ બંધારણની પૂર્ણ સમીક્ષા નહીં કરે, પણ એ જોશે કે અત્યાર સુધી બંધારણે કઈ રીતે કાર્ય કર્યું છે."

મુખોપાધ્યાય અનુસાર, વાજપેયી સરકારમાં બંધારણની સમીક્ષા કરવા માટે સમિતિ એટલા માટે બનાવવામાં આવી હતી, કેમ કે, સંઘ અને ભાજપ એવું માનતા હતા કે વર્તમાન બંધારણની જગ્યાએ એક નવું બંધારણ હોવું જોઈએ.

2014માં વડા પ્રધાન બનતાંની સાથે જ નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યકાળની શરૂઆત બંધારણને ભારતના એકમાત્ર પવિત્ર પુસ્તક અને સંસદને લોકશાહીનું મંદિર કહીને કરી.

સંઘ બંધારણને માને છે?

RSS, આરએસએસ, હિન્દુત્ત્વ, ભાજપ, ભારતનું રાજકારણ, સંધ, રાષ્ટ્રધ્વજ, જાતિવ્યવસ્થા, ભારતનું બંધારણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

છેલ્લાં થોડાં વર્ષોમાં સંઘે બંધારણ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરવાની કોશિશ કરી છે.

વર્ષ 2018માં દિલ્હીના વિજ્ઞાન ભવનમાં સંઘના વર્તમાન સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું, "આ બંધારણ આપણા લોકોએ તૈયાર કર્યું છે અને આ બંધારણ આપણા દેશની કન્સેન્સસ (સર્વસંમતિ) છે, તેથી બંધારણના નિયમોનું પાલન કરવું એ સૌનું કર્તવ્ય છે. સંઘ તેને પહેલેથી જ માને છે… અમે સ્વતંત્ર ભારતનાં બધાં પ્રતીકો અને બંધારણની ભાવનાનું પૂર્ણ સન્માન કરીને ચાલીએ છીએ."

બદ્રીનારાયણ એક સામાજિક ઇતિહાસકાર અને સાંસ્કૃતિક માનવવિજ્ઞાની છે. હાલ તેઓ ગોવિંદવલ્લભ પંત સામાજિક વિજ્ઞાન સંસ્થામાં પ્રોફેસર તરીકે કાર્યરત છે.

તેમણે કહ્યું, "સંઘે અનેક વાર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે કે તે બંધારણને પૂર્ણપણે માને છે, બંધારણની સાથે છે અને બંધારણનાં મૂલ્યોમાં વિશ્વાસ ધરાવે છે. મુદ્દા ઊભા કરનારા લોકો ગમે તે મુદ્દો ઊભો કરી દે છે અને દરેક વસ્તુમાં રાજનીતિ શોધી લે છે. જો તમે સંઘનાં નિવેદનો જુઓ—મોહન ભાગવત અથવા તેમની પહેલાં બાલાસાહેબ દેવરસે જે કહ્યું છે—તો એ દર્શાવે છે કે સંઘ એક લોકશાહી રાજ્ય અને બંધારણમાં વિશ્વાસ ધરાવે છે."

પ્રોફેસર બદ્રીનારાયણના અનુસાર, બંધારણની સાથે સંઘનો સંવાદ ગાઢ છે અને બંધારણ બાબતે છેલ્લા બે દાયકામાં સંઘે જે વલણ દર્શાવ્યું છે તે બંધારણની તરફેણમાં જ છે અને તેમાં કશો વિરોધાભાસ નથી.

મનુસ્મૃતિ અને બંધારણ

RSS, આરએસએસ, હિન્દુત્ત્વ, ભાજપ, ભારતનું રાજકારણ, સંધ, રાષ્ટ્રધ્વજ, જાતિવ્યવસ્થા, ભારતનું બંધારણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ડિસેમ્બર 2024માં જ્યારે ભારતની સંસદ બંધારણ અપનાવ્યાનાં 75 વર્ષ પૂર્ણ થયાંનો ઉત્સવ ઊજવી રહી હતી ત્યારે કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ બંધારણ અને મનુસ્મૃતિના મુદ્દા પરનાં સાવરકરનાં લખાણનો ઉલ્લેખ કરીને ભાજપ પર નિશાન સાધ્યું હતું.

પોતાના જમણા હાથમાં બંધારણ અને ડાબા હાથમાં મનુસ્મૃતિની પ્રત લઈને રાહુલ ગાંધીએ કહ્યું કે, સાવરકરે પોતાના લખાણમાં સ્પષ્ટ રીતે કહ્યું છે કે, આપણા બંધારણમાં કંઈ પણ ભારતીય નથી, અને બંધારણને મનુસ્મૃતિ મુજબ બદલી નાખવું જોઈએ. આ નિવેદનના મુદ્દે સંસદ સત્રમાં ઘણા દિવસ સુધી હોબાળો થયો.

કૉંગ્રેસ સહિત ઘણાં વિપક્ષી રાજકીય દળો મનુસ્મૃતિ અને બંધારણના મુદ્દા પર સતત આરએસએસને ઘેરતાં રહ્યાં છે.

પ્રોફેસર શમ્સૂલ ઇસ્લામ દિલ્હી યુનિવર્સિટીમાં પૉલિટિકલ સાયન્સ ભણાવી ચૂક્યા છે અને આરએસએસ અને હિન્દુ રાષ્ટ્રવાદના વિષયો પરનાં ઘણાં પુસ્તકોના લેખક છે.

તેમણે કહ્યું, "26 નવેમ્બર 1949એ ભારતની બંધારણસભાએ ભારતનું બંધારણ પસાર કર્યું. ચાર દિવસ પછી સંઘ સાથે જોડાયેલા લોકોએ એડિટૉરિયલ લખ્યું, જેમાં કહ્યું કે, આ બંધારણમાં કંઈ પણ ભારતીય નથી."

પ્રોફેસર ઇસ્લામ અનુસાર, બંધારણની ટીકા કરતાં સંઘે એ સવાલ પણ ઉઠાવ્યો હતો કે, શું મનુસ્મૃતિમાં એવું કશું ન મળ્યું જેનો ઉપયોગ કરી શકાય.

તેમણે કહ્યું, "આની પહેલાં સાવરકર એવું બોલી ચૂક્યા હતા કે, મનુસ્મૃતિ એ ધર્મગ્રંથ છે, જે આપણા હિન્દુ રાષ્ટ્ર માટે વેદો પછી સૌથી વધારે પૂજનીય છે અને મનુસ્મૃતિ હિન્દુ કાયદા છે."

ગોલવલકરના 'બંચ ઑફ થૉટ્સ'નો ઉલ્લેખ કરતાં પ્રોફેસર ઇસ્લામે કહ્યું, "ભારતના બંધારણની એટલી મજાક તો મુસ્લિમ લીગે પણ નથી ઉડાવી જેટલી ગોલવલકરે ઉડાવી."

પ્રોફેસર શમ્સૂલ ઇસ્લામે કહ્યું કે, "બંધારણ માટેની આરએસએસની પહેલાં જે વિચારધારા હતી તે આજે પણ છે; અને તેઓ યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા છે."

નીલાંજન મુખોપાધ્યાય પ્રોફેસર ઇસ્લામની વાત સાથે સહમત છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં બંધારણમાં થયેલા મોટા ફેરફારોની વાત કરતાં મુખોપાધ્યાયે કહ્યું કે, "સીએએ હેઠળ નાગરિકતાને ધાર્મિક ઓળખ સાથે જોડી દેવામાં આવ્યો છે. તે એવા લોકો માટે છે, જેઓ બહારથી આવીને ભારતમાં વસી ગયા છે, પરંતુ, એવા લોકોમાંથી મુસલમાનોને બહાર રાખવામાં આવ્યા છે."

મુખોપાધ્યાયનું કહેવું છે કે, વર્તમાન સરકારે બંધારણના મૂળભૂત માળખા પર ચર્ચા શરૂ કરી દીધી છે, એ મૂળભૂત માળખું જેના વિશે સુપ્રીમ કોર્ટે 1973માં આદેશ આપ્યો હતો કે, તેમાં ફેરફાર કરી શકાતો નથી.

તેઓ કહે છે કે, "ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પૂર્વ કાયદામંત્રી કિરણ રિજિજૂ દલીલ કરે છે કે, 'બંધારણનું મૂળભૂત માળખું' નામની કોઈ વસ્તુ નથી, બધું જ બદલી શકાય છે. તેઓ કહે છે કે, ધારાસભા સર્વોચ્ચ છે, તેથી બંધારણમાં કોઈ પણ ફેરફાર કરવા માટે તમારે ફક્ત સંસદીય બહુમતની જરૂર છે."

ભારતના ઝંડા પ્રત્યેનું આરએસએસનું બદલાતું વલણ

RSS, આરએસએસ, હિન્દુત્ત્વ, ભાજપ, ભારતનું રાજકારણ, સંધ, રાષ્ટ્રધ્વજ, જાતિવ્યવસ્થા, ભારતનું બંધારણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

આરએસએસ હવે સાર્વજનિક રીતે તિરંગો ઝંડો ફરકાવે છે. આરએસએસના કાર્યક્રમો અને પરેડ્સમાં ઘણી વાર તિરંગો જોવા મળે છે. સંઘ કહે છે કે, તે રાષ્ટ્રીય ધ્વજનું સન્માન કરે છે.

પરંતુ, આઝાદી પહેલાં અને પછીના ઘણા દાયકા સુધી તિરંગાને લઈને સંઘના વલણ અંગે અનેક સવાલો થયા છે.

આરએસએસના બીજા સરસંઘચાલક માધવ સદાશિવરાવ ગોલવલકર ભારતના તિરંગા ઝંડાના ટીકાકાર હતા. પોતાના પુસ્તક 'બંચ ઑફ થૉટ્સ'માં તેમણે લખ્યું છે કે, તિરંગો "આપણા રાષ્ટ્રીય ઇતિહાસ અને વારસા પર આધારિત કોઈ રાષ્ટ્રીય દૃષ્ટિ કે સત્યથી પ્રેરિત નહોતો."

ગોલવલકરનું કહેવું હતું કે, તિરંગો અપનાવ્યા પછી તેને જુદા જુદા સમુદાયોની એકતારૂપે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો – ભગવો રંગ હિંદુ માટે, લીલો રંગ મુસ્લિમનો અને સફેદ રંગ અન્ય બધા સમુદાયોનો.

તેમણે લખ્યું છે, "બિનહિંદુ સમુદાયોમાંથી મુસલમાનનું નામ વિશેષ રૂપે એટલા માટે લેવામાં આવ્યું, કેમ કે, એ અગ્રિમ નેતાઓના મનમાં મુસલમાન જ મુખ્ય હતા અને તેમનું નામ લીધા વગર તેઓ નહોતા વિચારતા કે આપણી રાષ્ટ્રીયતા પૂર્ણ થઈ શકે છે! જ્યારે કેટલાક લોકોએ જણાવ્યું કે તેમાં સાંપ્રદાયિક દૃષ્ટિકોણની ગંધ આવે છે ત્યારે એક નવું સ્પષ્ટીકરણ સામે આવ્યું કે, ભગવો બલિદાનનો પ્રતીક છે, સફેદ પવિત્રતા અને લીલો શાંતિનો પ્રતીક છે."

લેખક અને પત્રકાર નીલાંજન મુખોપાધ્યાય કહે છે કે, "1929માં જ્યારે કૉંગ્રેસના લાહોર અધિવેશનમાં પૂર્ણ સ્વરાજની વાત કહેવામાં આવી, ત્યારે એ નિર્ણય લેવાયો કે 26 જાન્યુઆરી 1930ને સ્વતંત્રતા દિવસ તરીકે ઊજવવામાં આવશે અને તિરંગો ઝંડો ફરકાવવામાં આવશે. આરએસએસએ તે દિવસે પણ તિરંગાની જગ્યાએ ભગવો ઝંડો ફરકાવ્યો હતો."

ધીરેન્દ્ર ઝા એક જાણીતા લેખક છે, જેમણે આરએસએસ પર સઘન અભ્યાસ કર્યો છે. તાજેતરમાં જ સંઘના બીજા સરસંઘચાલક ગોલવલકર પરનું તેમનું પુસ્તક પ્રકાશિત થયું છે. આની પહેલાં તેઓ નાથુરામ ગોડસે અને હિંદુત્વના વિષયો પર પણ પુસ્તકો લખી ચૂક્યા છે.

ઝા કહે છે કે, ડૉ. હેડગેવારે 21 જાન્યુઆરી 1930એ લખેલા પત્રમાં સંઘની શાખાઓમાં તિરંગો નહીં, બલકે, ભગવા ઝંડાને ફરકાવવાની વાત કહી હતી.

સંઘ આ આરોપોનું ખંડન કરતો રહ્યો છે. એમ પણ, 1930માં તિરંગા ઝંડાને રાષ્ટ્રધ્વજનો દરજ્જો મળ્યો નહોતો.

વર્ષ 2018માં સંઘના હાલના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું કે, "ડૉ. હેડગેવારના જીવનનું એકમાત્ર મિશન રાષ્ટ્રનું ગૌરવ અને સ્વતંત્રતા પ્રાપ્ત કરવાનું હતું. એટલે, સંઘનું બીજું કશું લક્ષ્ય કઈ રીતે હોઈ શકે? અને સ્વાભાવિક રીતે સ્વયંસેવકોના મનમાં આપણી સ્વતંત્રતાનાં બધાં પ્રતીકો પ્રત્યે અત્યંત શ્રદ્ધા અને સમર્પણ છે. સંઘ તેના સિવાય બીજું કશું વિચારી પણ ન શકે."

'એ સમયે તિરંગો કૉંગ્રેસનો ઝંડો હતો, રાષ્ટ્રધ્વજ નહીં'

RSS, આરએસએસ, હિન્દુત્ત્વ, ભાજપ, ભારતનું રાજકારણ, સંધ, રાષ્ટ્રધ્વજ, જાતિવ્યવસ્થા, ભારતનું બંધારણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

રામબહાદુર રાય એક જાણીતા પત્રકાર રહ્યા છે અને અત્યારે તેઓ ઇંદિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્રના અધ્યક્ષ છે. તેમણે ભારતના બંધારણ અને આરએસએસના પૂર્વ સરસંઘચાલક બાલાસાહેબ દેવરસ પર પુસ્તકો લખ્યાં છે.

સંઘની વર્ષ 1930માં તિરંગો ફરકાવવાની વાત પર તેમણે કહ્યું, "હું માનું છું કે તિરંગો નહીં ફરકાવ્યો હોય. તમે આને મનોવૈજ્ઞાનિક દૃષ્ટિથી જુઓ. તિરંગો તે સમયે આઝાદીનું પ્રતિનિધિત્વ નહોતો કરતો. તિરંગો એ સમયે કૉંગ્રેસનું પ્રતિનિધિત્વ કરતો હતો."

રાય કહે છે, "એ સાચું છે કે કૉંગ્રેસ તે સમયે રાષ્ટ્રીય સ્વતંત્રતા સંગ્રામની મુખ્ય ધારાનો પ્રતિનિધિ મંચ હતી. આરએસએસ પણ સ્વાધીનતાના લક્ષ્યથી પ્રેરિત હતો, પરંતુ આરએસએસનું અસ્તિત્વ કૉંગ્રેસથી જુદું હતું. અને આરએસએસના અસ્તિત્વનું ચિહ્ન ભગવો છે. એટલે, ડૉ. હેડગેવારે જે પત્ર લખ્યો, તેમાંથી હું બે વાત સમજ્યો છું કે, સ્વાધીનતાના આંદોલનમાં અમે સામેલ છીએ, પરંતુ અમારું અસ્તિત્વ અલગ છે, તેથી અમારે પોતાનો ઝંડો ફરકાવવો જોઈએ."

સંઘના અખિલ ભારતીય પ્રચારપ્રમુખ સુનીલ આંબેકરે પોતાના પુસ્તક 'આરએસએસ : 21વીં સદી કે લિયે રોડમૅપ'માં લખ્યું છે, "આપણો રાષ્ટ્રીય ધ્વજ, જેને હિંદીમાં 'તિરંગો' કહેવામાં આવે છે, આપણને બધાને પ્રિય છે. 15 ઑગસ્ટ 1947એ ભારત સ્વતંત્ર થયાના દિવસે અને 26 જાન્યુઆરી 1950, જે દિવસે ભારત એક પ્રજાસત્તાક બન્યો ત્યારે નાગપુરમાં આરએસએસ મુખ્ય મથકમાં તિરંગો ફરકાવવામાં આવ્યો હતો."

આંબેકર એ વાતનો પણ ઉલ્લેખ કરે છે કે, 1963માં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લીધો ત્યારે સ્વયંસેવકોએ તિરંગો ઝંડો જ ઉઠાવ્યો હતો.

સંઘ સાથે સંકળાયેલા લોકો પણ ઘણી વાર એ વાતનો ઉલ્લેખ કરે છે કે, 1962માં ચીન સાથે થયેલા યુદ્ધ પછી 1963માં પ્રજાસત્તાક દિવસની પરેડમાં તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ સંઘને વિશેષ આમંત્રણ આપ્યું હતું.

ધીરેન્દ્ર ઝાએ કહ્યું છે કે, "સંઘના લોકોના હાથમાં 1963ની પ્રજાસત્તાક દિવસની પરેડમાં પહેલી વાર તિરંગો જોવા મળ્યો." પરંતુ, એવું નહોતું કે આ પરેડમાં માત્ર સંઘને જ બોલાવવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, આ પરેડમાં બધાં જ ટ્રેડ યુનિયનો, સ્કૂલો, કૉલેજોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

ઝા કહે છે કે, "આ પરેડને લોકોની પરેડ રૂપે વિચારવામાં આવી હતી, કેમ કે, 1962નું યુદ્ધ સમાપ્ત જ થયું હતું અને સેનાઓ સરહદ પર જ હતી. ભારતીય મજદૂર સંઘ, ઑલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કૉંગ્રેસ અને ઇન્ડિયન નૅશનલ ટ્રેડ યુનિયન કૉંગ્રેસ જેવાં સંગઠનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમાં તે (સંઘના લોકો) વર્દી પહેરીને સામેલ થયા, કેમ કે, તેમને માન્યતાની જરૂર હતી, ગાંધી હત્યાકાંડ પછી તેમને ગેરકાયદેસર ઠરાવી દેવાયા હતા."

ઝા કહે છે કે, સંઘના લોકોના હાથમાં એ સમયે તિરંગો જોવા મળ્યો, કેમ કે, તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ એ સ્પષ્ટ કરી દીધું હતું કે, કોઈ પણ પોતાનો ઝંડો કે બૅનર નહીં લાવે અને સૌના હાથમાં ફક્ત તિરંગો હશે.

ધીરેન્દ્ર ઝા અનુસાર, "આમાં પણ પછીથી સંઘ જુઠાણું ફેલાવવા લાગ્યો કે આરએસએસને નહેરુજીએ આમંત્રણ આપ્યું હતું." તેઓ કહે છે, "તિરંગા સાથે સંઘનો સંબંધ સહજ નથી રહ્યો. ઘણા સમય પછી જ્યારે સંઘને સમજાવા લાગ્યું કે તિરંગો, બંધારણ અને ગાંધી તો આ દેશનો આત્મા છે, ત્યારથી તેઓ તિરંગા પ્રત્યે શ્રદ્ધાનો દેખાડો કરવા લાગ્યા."

આઝાદી પછી પણ ઝંડો ન ફરકાવવાનો સંઘ પર આરોપ

RSS, આરએસએસ, હિન્દુત્ત્વ, ભાજપ, ભારતનું રાજકારણ, સંધ, રાષ્ટ્રધ્વજ, જાતિવ્યવસ્થા, ભારતનું બંધારણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Organiser

સંઘની એક ટીકા એ પણ થતી હતી કે, સંઘ પોતાના મુખ્ય મથક પર ભારતનો ધ્વજ નથી ફરકાવતો. સંઘે 26 જાન્યુઆરી 2002એ પોતાના મુખ્ય કાર્યાલય પર પહેલી વાર તિરંગો ફરકાવ્યો હતો.

આના જવાબમાં આરએસએસના સમર્થક અને નેતા કહે છે કે, સંઘે 2002 સુધી રાષ્ટ્રીય ધ્વજ એટલા માટે ન ફરકાવ્યો, કેમ કે, 2002 સુધી ખાનગી નાગરિકોને રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાની મંજૂરી નહોતી.

પરંતુ આ દલીલના જવાબમાં કહેવાય છે કે, 2002 સુધી પણ જે ફ્લૅગ કોડના નિયમ લાગુ હતા, તેમાં કોઈ પણ ભારતીય વ્યક્તિ અથવા સંસ્થાને પ્રજાસત્તાક દિવસ, સ્વતંત્રતા દિવસ અને ગાંધી જયંતીએ ધ્વજ ફરકાવતાં રોકવામાં નહોતા આવતા.

નીલાંજન મુખોપાધ્યાય કહે છે કે, 1950, 60 અને 70ના દાયકામાં પણ ખાનગી કંપનીઓ સુધ્ધાં 15 ઑગસ્ટ અને 26 જાન્યુઆરીના દિવસે ભારતનો ધ્વજ ફરકાવતી હતી. "ફ્લૅગ કોડનો ઉદ્દેશ માત્ર એ હતો કે રાષ્ટ્રીય ધ્વજની સાથે રમત ન થાય."

આંબેકરે લખ્યું છે કે, "ઘણાં સંગઠનો અને સરકારી વિભાગોની જેમ જ આરએસએસનો પણ પોતાનો ઝંડો છે – ભગવો ઝંડો કે ભગવો ધ્વજ. ભગવો ઝંડો સદીઓથી ભારતના સાંસ્કૃતિક ડીએનએનું પ્રતિનિધિત્વ કરતો રહ્યો છે. 2004માં ધ્વજ સંહિતાના નિયમોના ઉદારીકરણ પછીથી સંઘ પોતાના મુખ્ય કાર્યાલયમાં નિયમિત રીતે ઉચ્ચ માપદંડો સાથે તિરંગો ફરકાવતો રહ્યો છે. પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસે દેશના બધા જ ભાગોમાં તિરંગો ફરકાવવામાં આવે છે; આ તહેવારોએ ભગવો ધ્વજ પણ ફરકાવવામાં આવે છે."

પ્રોફેસર શમ્સૂલ ઇસ્લામ કહે છે કે, જે દિવસોમાં તિરંગો ભારતનો રાષ્ટ્રીય ધ્વજ બન્યો ત્યારે સંઘે કહ્યું કે આ અશુભ ધ્વજ છે. તેઓ કહે છે, "જે કંઈ ભારતની લોકશાહીનાં પ્રતીક હતાં, સંઘે તેનું સન્માન ન કર્યું, કેમ કે, તેમના અનુસાર એ પ્રતીક હિંદુ રાષ્ટ્રનાં નહોતાં."

જાતિ વ્યવસ્થા, જાતિગત વસ્તીગણતરી અને સંઘ

RSS, આરએસએસ, હિન્દુત્ત્વ, ભાજપ, ભારતનું રાજકારણ, સંધ, રાષ્ટ્રધ્વજ, જાતિવ્યવસ્થા, ભારતનું બંધારણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

સંઘના શરૂઆતના સમયગાળામાં સંઘના નેતા વર્ણવ્યવસ્થાને હિંદુ સમાજનું અભિન્ન અંગ માનતા હતા.

'બંચ ઑફ થૉટ્સ'માં ગોલવલકરે લખ્યું છે, "આપણા સમાજની બીજી એક ખાસિયત વર્ણવ્યવસ્થા હતી. પરંતુ, આજે તેને 'જાતિવાદ' કહીને તેની મજાક ઉડાવવામાં આવે છે. આપણા લોકોને વર્ણવ્યવસ્થાનું નામ લેવાનું જ અપમાનજનક લાગે છે. તેઓ ઘણી વાર એમાં નિહિત સામાજિક વ્યવસ્થાને સામાજિક ભેદભાવ સમજી લે છે."

ગોલવલકરનું કહેવું હતું કે, વર્ણવ્યવસ્થાના પતનશીલ અને વિકૃત સ્વરૂપને જોઈને કેટલાક લોકો એવો પ્રચાર કરતા રહ્યા કે, "એ વર્ણવ્યવસ્થા જ હતી, જે આ સદીઓમાં આપણા પતનનું કારણ બની".

સાથે જ, ગોલવલકરનું એમ પણ કહેવું હતું કે, ભારતમાં પ્રાચીનકાળથી જ જાતિઓ હતી અને એવાં કોઈ ઉદાહરણ નથી મળતાં કે જાતિઓના કારણે સમાજની એકતા ખંડિત થઈ હોય કે તેની પ્રગતિમાં કોઈ અવરોધ આવ્યો હોય.

નીલાંજન મુખોપાધ્યાય કહે છે કે, ગોલવલકરના મૃત્યુ પછી જ્યારે બાલાસાહેબ દેવરસ સરસંઘચાલક બન્યા, ત્યારે તેમણે આરએસએસનું વિસ્તરણ કરવા અને અન્ય જાતિઓના લોકો સુધી પહોંચવાની જરૂરિયાત વિશે વાત કરી.

મુખોપાધ્યાય કહે છે, "સામાજિક સમરસતા એક એવો શબ્દ છે, જેને આપણે બધા સાંભળીએ છીએ. દેવરસે પહેલી વાર 1974માં સમરસતાની જરૂરિયાત અંગે વાત કરી હતી. પરંતુ, આરએસએસએ નીચલી જાતિના લોકોના માટે પોતાની બંધ દરવાજાવાળી નીતિ ચાલુ રાખી. 1980ના દાયકાના અંતમાં જ તેમણે દરવાજા ખોલવાનું શરૂ કર્યું અને બીજી જાતિઓના લોકોને આકર્ષવાનું શરૂ કર્યું."

નીલાંજન મુખોપાધ્યાય 9 નવેમ્બર 1989એ અયોધ્યામાં થયેલા રામમંદિર શિલાન્યાસની યાદ અપાવતાં કહે છે કે, આ શિલાન્યાસ કરનાર વ્યક્તિ વિશ્વ હિંદુ પરિષદના અનુસૂચિત જાતિના નેતા કામેશ્વર ચૌપાલ હતા. તેઓ રામમંદિર ટ્રસ્ટના સભ્ય હતા અને ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં તેમનું અવસાન થયું. તેઓ કહે છે, "કામેશ્વર ચૌપાલ 1989 પછી થોડાંક વર્ષ ભાજપમાં પણ રહ્યા અને ત્યાર બાદ તેઓ આરએસએસમાં પાછા રામમંદિર ટ્રસ્ટમાં જતા રહ્યા હતા."

મુખોપાધ્યાય કહે છે, "આ ખૂબ જ વિચિત્ર પ્રકારની વાત છે. તેઓ જાણે છે કે તેમને લોકો સુધી પહોંચવાનું છે, પરંતુ, તેઓ એક નિશ્ચિત બિંદુથી આગળ નથી પહોંચી શકતા. હું નથી જાણતો કે તેઓ આ દ્વિધા સાથે ક્યાં સુધી ઝઝૂમતા રહેશે, પરંતુ હાલ આ પરિસ્થિતિ ચાલુ છે."

વર્ષ 2018માં આ વિષય પર બોલતાં સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું, "પચાસના દાયકામાં સંઘમાં તમને બ્રાહ્મણ જ જોવા મળતા હતા. આજના સંઘમાં, કારણ કે તમે પૂછો છો, થોડુંઘણું હું જોઉં છું, તો મારા ધ્યાનમાં આવે છે કે પ્રાંત અને પ્રાંતથી ઉપર ક્ષેત્ર સ્તરે બધી જાતિઓના કાર્યકરો આવે છે. અખિલ ભારતીય સ્તરે પણ હવે એક જ જાતિ નથી રહી. આ વધતું જશે અને સંપૂર્ણ હિંદુ સમાજનું સંગઠન, જેમાં કામ કરનારાઓમાં બધી જાતિ–વર્ગોનો સમાવેશ છે, એવી કાર્યકારિણી તમને એ સમયે જોવા મળશે. મેં કહ્યું કે યાત્રા લાંબી છે, પરંતુ, અમે એ દિશામાં આગળ વધી રહ્યા છીએ, તે મહત્ત્વની વાત છે."

જાતિવ્યવસ્થા અંગેનું બદલાતું વલણ

RSS, આરએસએસ, હિન્દુત્ત્વ, ભાજપ, ભારતનું રાજકારણ, સંધ, રાષ્ટ્રધ્વજ, જાતિવ્યવસ્થા, ભારતનું બંધારણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

સંઘે એક બાજુ હિંદુ સમુદાયમાં એકતાની જરૂરિયાત પર ભાર મૂક્યો, તો બીજી બાજુ તેણે દલિતો અને પછાત જાતિઓની સામાજિક-આર્થિક સ્થિતિને સુધારવા માટે અનેક કાર્યક્રમો શરૂ કર્યા.

સામાજિક સમરસતા વેદિકા અને વનવાસી કલ્યાણ આશ્રમ જેવી સંસ્થાઓ દ્વારા આરએસએસ જાતિ-આધારિત ભેદભાવ અને અસ્પૃશ્યતા જેવાં સામાજિક દૂષણોને નાબૂદ કરવા માટે ઘણા કાર્યક્રમો ચલાવે છે.

આ સંસ્થાઓ અંતરિયાળ ગામોમાં રહેતા દલિતો, પછાત જાતિઓ અને આદિવાસીઓને શિક્ષિત કરવાનું કામ કરે છે અને હાંશિયામાં રહેલા સમુદાયોને સમાજની મુખ્ય ધારામાં લાવવાનો પ્રયાસ કરે છે.

પરંતુ સંઘના ટીકાકારો કહે છે કે, દલિત અને પછાત જાતિઓ માટે સંઘ જે કંઈ કરે છે તેનો હેતુ માત્ર તે સમુદાયોને સંઘ પ્રત્યે વફાદાર રાખવાનો છે.

નીલાંજન મુખોપાધ્યાય કહે છે, "સંઘ જાણે છે કે જાતિઓ વચ્ચે હિંદુ એકીકરણ માટે જાતિગત ઓળખના આધારે ભેદભાવને ખતમ કરવો જરૂરી છે. તેઓ એ પણ જાણે છે કે જો જાતિગત ભેદભાવ ચાલુ રહે તો સંઘ આગળ ન વધી શકે. પરંતુ, સંઘ જાતિવ્યવસ્થામાં પણ માને છે. તેનું નેતૃત્વ મુખ્યત્વે ઉચ્ચ જાતિના હાથમાં રહ્યું છે. તાજેતરનાં વર્ષોમાં જ બીજી જાતિઓમાંથી કેટલાક લોકો આવ્યા છે, પરંતુ હજુ પણ આરએસએસ મુખ્યત્વે ઉચ્ચ જાતિનું સંગઠન છે."

'સંઘને એક નવા લેન્સથી જોવાની જરૂર'

RSS, આરએસએસ, હિન્દુત્ત્વ, ભાજપ, ભારતનું રાજકારણ, સંધ, રાષ્ટ્રધ્વજ, જાતિવ્યવસ્થા, ભારતનું બંધારણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

પ્રોફેસર બદ્રીનારાયણ કહે છે કે, જ્યારે કોઈ સંસ્થા ઊભરે છે, ત્યારે તેનું ન્યૂક્લિયસ (કેન્દ્ર) જાતિ પર જ આધારિત હોય છે.

તેઓ કહે છે, "કોઈ પણ સંસ્થાની શરૂઆત સામાજિક નેટવર્કથી થાય છે; પરંતુ, ધીમે ધીમે જ્યારે સંસ્થાનો વિકાસ થાય છે ત્યારે તેમાં અન્ય લોકોને સામેલ કરે છે. જે કોઈ સંસ્થા અન્ય લોકોને સામેલ ન કરે, તે આગળ વધી નથી શકતી. અને સંઘ એટલી મોટી સંસ્થા બની ચૂકી છે કે લોકોને સામેલ કર્યા વગર આગળ વધી ન શકે. એવું માની ન શકાય કે અન્ય લોકોને સામેલ કર્યા વગર આટલી મોટી સંસ્થા બની જાય."

પ્રોફેસર બદ્રીનારાયણ કહે છે કે, છેલ્લા થોડા સમયમાં તેમણે જ્યારે સંઘના પ્રચારકોની પ્રોફાઇલ્સ તપાસી અને તેનો અભ્યાસ કર્યો, તો સમજાયું કે, "સંઘમાં મોટી સંખ્યામાં ઓબીસી અને દલિત આગળ વધી રહ્યા છે અને ઊંચા હોદ્દા પર પહોંચી રહ્યા છે."

તેઓ કહે છે, "પ્રાંત પ્રચારકથી લઈને બીજાં ઘણાં પદ પર તેઓ આગળ વધી રહ્યા છે. સંઘ સતત નવા સમયને અપનાવી લે છે અને તેના આધારે તેમાં નવાં પરિવર્તન થતાં રહે છે. પરંતુ, ઘણા બધા લોકો હજુ પણ જૂના લેન્સથી જોઈ રહ્યા છે. જૂના લેન્સમાં એક ખાસ પ્રકારની ડાબેરી માન્યતા છે કે સંઘ આવો છે, સંઘ તેવો છે; પરંતુ, સંઘને જો નજીકથી જોઈએ, તો ઘણું પરિવર્તન થયું છે. તેના માટે આપણે એક નવો લેન્સ બનાવવો પડશે, જેનાથી સંઘને સમજી શકાય. તમે સંઘને બહારથી જોઈ રહ્યા છો અને બીજાઓએ બનાવેલી વ્યાખ્યાના આધારે જોઈ રહ્યા છો."

સંઘ સાથે સંકળાયેલી સરસ્વતી શિશુ મંદિર સ્કૂલોનું ઉદાહરણ આપતાં પ્રોફેસર બદ્રીનારાયણ કહે છે, "તેમાં દલિત અને ઓબીસી સમુદાયનાં બાળકો મોટી સંખ્યામાં ભણવા આવે છે અને ત્યાંથી શિક્ષણ મેળવીને આગળ વધી રહ્યાં છે. તેમાંથી ઘણા પ્રચારક પણ બને છે, ઘણા નોકરીઓ કરે છે. એટલે, સંઘ એક એવા સંગઠન તરીકે વિકસ્યો છે, જે સશક્ત બનાવે છે. સંઘની સ્કૂલોએ દરેક સમુદાયને સમાવવા માટે ઘણું કાર્ય કર્યું છે. અને સામેલ કરવાની આ પ્રક્રિયા નીચેથી શરૂ થઈ ઉપર સુધી વધતી જાય છે."

અરવિંદ મોહન એક વરિષ્ઠ પત્રકાર અને લેખક છે. તેમણે 'જાતિ ઔર ચુનાવ' નામનું એક પુસ્તક લખ્યું છે.

તેઓ કહે છે, "સંઘ જ્યારે પણ જાતિના મુદ્દાની કશી પ્રવૃત્તિ જુએ છે, ત્યારે કંઈક કહેવાનું શરૂ કરી દે છે. પરંતુ રજ્જુભૈયાને બાદ કરતાં આજ સુધી સંઘમાં બ્રાહ્મણ સિવાયની બીજી જાતિના કોઈ પણ નેતા નથી થયા – દલિતો, પછાતો અને મહિલાઓની તો બાદબાકી જ કરી દો, પરંતુ દરેક વખતે સંઘ દલિતોના મુદ્દા અને આદિવાસીઓના પગ ધોવા અને એ પ્રકારની વાતો પણ ઉઠાવે છે."

અરવિંદ મોહન અનુસાર, જાતિવાદ અને આભડછેટના મુદ્દે સમાજની વિચારધારા બદલાય કે દલિતોને અધિકાર મળે, "એવા કશા પ્રયત્નો સંઘ દ્વારા થયા હોય તેવું અત્યાર સુધી જોવા નથી મળ્યું, ભલે ને અત્યારે સંઘ પોતાના સોમા વર્ષની ઉજવણી કરતો હોય."

તેઓ કહે છે, "જો કશો પ્રયત્ન થતો હોય તો તે એટલો જ કે કોઈ દલિતના ઘરે જમી લીધું, કોઈ આદિવાસીના પગ ધોઈ નાખ્યા, એ સિવાય કંઈ જ નહીં. સત્તાની ભાગીદારીમાં પણ ક્યાંય દલિત જોવા મળતા નથી. અને સંઘના પોતાના સંગઠનાત્મક માળખામાં પણ દલિત ક્યાંય દેખાતા નથી."

જાતિ-આધારિત વસ્તીગણતરી અને અનામતના મુદ્દે સંઘમાં અસંમજસ?

જાતિ-આધારિત વસ્તીગણતરી અને અનામતના મુદ્દા બાબતે સંઘ અસમંજસની સ્થિતિમાં જોવા મળે છે, કેમ કે, એવું મનાય છે કે, સંઘના ઉચ્ચ જાતિના મોટી સંખ્યાના સમર્થકો અનામતના વિરોધી છે.

ડિસેમ્બર 2023માં વિદર્ભ ક્ષેત્રના આરએસએસ સહસંઘચાલક શ્રીધર ગાડગેએ કહેલું કે, જાતિ-આધારિત વસ્તીગણતરી ન થવી જોઈએ, કેમ કે, એવી વસ્તીગણતરી એક બિનજરૂરી કામ સાબિત થશે, જેનાથી ફક્ત અમુક લોકોને જ ફાયદો થશે.

આ નિવેદનની સાથે જ એક રાજકીય ઘમસાણ શરૂ થઈ ગયું અને બે દિવસ પછી આરએસએસએ સ્પષ્ટતા કરી કે તે જાતિ-આધારિત વસ્તીગણતરીની વિરુદ્ધ નથી.

એક નિવેદનમાં આરએસએસના અખિલ ભારતીય પ્રચાર પ્રભારી સુનીલ આંબેકરે કહ્યું કે, "તાજેતરમાં જ જાત-આધારિત વસ્તીગણતરીના મુદ્દા પર ફરીથી ચર્ચા શરૂ થઈ ગઈ છે. અમારું માનવું છે કે, તેનો ઉપયોગ સમગ્ર સમાજની પ્રગતિ માટે કરવો જોઈએ અને એવું કરતા સમયે બધાં પક્ષોએ એ બાબતનું ખાતરીપૂર્વક ધ્યાન રાખવું જોઈએ કે સામાજિક સદ્‌ભાવ અને અખંડતામાં કશો અવરોધ ન આવે."

સાથે જ, આંબેકરે એમ પણ કહ્યું કે, "આરએસએસ સતત ભેદભાવરહિત, સમરસતા અને સામાજિક ન્યાય પર આધારિત હિંદુ સમાજ બનાવવાના લક્ષ્ય સાથે કામ કરી રહ્યો છે. એ સાચું છે કે ઐતિહાસિક કારણોના લીધે સમાજના ઘણા વર્ગો આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે પાછળ રહી ગયા. ઘણી સરકારોએ સમયસમાંતરે તેમના વિકાસ અને સશક્તીકરણ માટે જોગવાઈઓ કરી છે. આરએસએસ તેમને સંપૂર્ણ સમર્થન આપે છે."

વર્ષ 2015માં બિહાર વિધાનસભા ચૂંટણીની બરાબર પહેલાં, જ્યારે સંઘના સરસંઘચાલક મોહન ભાગવતને અનામતની નીતિની સમીક્ષા કરવાની જરૂરિયાતની વાત કહેલી, ત્યારે આરએસએસ વિવાદમાં ફસાયો હતો.

તે સમયે ભાગવતે કહેલું કે, સમગ્ર દેશના હિત માટે ખરેખર ચિંતિત અને સામાજિક સમાનતા માટે પ્રતિબદ્ધ લોકોની એક સમિતિ બનાવવી જોઈએ અને તે નક્કી કરવું જોઈએ કે કયા વર્ગોને અનામતની જરૂર છે અને કેટલા સમય માટે છે.

પછીથી આરએસએસએ સ્પષ્ટતા કરી કે, ભાગવતે આ વાત એ સંદર્ભમાં કહી હતી કે અનામતનો લાભ સમાજના દરેક વંચિત વર્ગ સુધી પહોંચે, પરંતુ, આરજેડી નેતા લાલુ યાદવે ભાગવતના નિવેદનનો ઉલ્લેખ કરીને સંઘ અને ભાજપ પર અનામત ખતમ કરવાનું કાવતરું ઘડવાનો આરોપ કર્યો.

બિહારની ચૂંટણીમાં ભાજપને જે હાર મળી, તેનું એક મુખ્ય કારણ અનામતના મુદ્દે ભાગવતે કરેલા નિવેદનને માનવામાં આવ્યું.

આ પ્રકરણ પછીથી સંઘે સતત એ સ્પષ્ટ કરવાની કોશિશ કરી કે તે અનામતની વિરુદ્ધ નથી.

સપ્ટેમ્બર 2023માં મોહન ભાગવતે કહ્યું, "જ્યાં સુધી જાતિ-આધારિત ભેદભાવ રહેશે, અનામત રહેશે અને લોકોએ બસો વર્ષ સુધી એ લોકો માટે તકલીફો સહન કરવા માટે તૈયાર રહેવું જોઈએ જેમણે બે હજાર વર્ષ સુધી તકલીફો વેઠી છે."

સપ્ટેમ્બર 2024માં જ્યારે સંઘના પ્રચારપ્રમુખ સુનીલ આંબેકરે કહ્યું, "પછાત સમુદાયો કે જાતિઓ માટેની કલ્યાણકારી પ્રવૃત્તિઓ માટે સરકારને આંકડાની જરૂર હોય છે, પરંતુ એવા આંકડા ફક્ત એવા સમુદાયો માટેનાં કલ્યાણકારી કાર્યો માટે એકત્ર કરવા જોઈએ અને તેનો ચૂંટણીપ્રચાર માટે રાજકીય સાધન તરીકે ઉપયોગ ન કરવો જોઈએ." તેમાં સંઘે જાતિ-આધારિત વસ્તીગણતરી અંગેના પોતાના વિચાર ફરી એક વાર સ્પષ્ટ કર્યા.

RSS, આરએસએસ, હિન્દુત્ત્વ, ભાજપ, ભારતનું રાજકારણ, સંધ, રાષ્ટ્રધ્વજ, જાતિવ્યવસ્થા, ભારતનું બંધારણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

જાતિ-આધારિત વસ્તી ગણતરીના મુદ્દે સંઘનાં નિવેદનો બાબતે અરવિંદ મોહન કહે છે, "સમાજમાં જો જાતિ-આધારિત વસ્તીગણતરીના પ્રશ્ને હલચલ હોય તો તે હલચલને હલ કરવા માટે કંઈક ને કંઈક તો કરવું જ પડશે, નહીં તો તમે તૂટી જશો, પડી જશો અથવા ઝૂકી જશો."

તેઓ કહે છે કે, "સંઘનું આચરણ એ બતાવે છે કે જ્યારે પણ કોઈ મુશ્કેલી આવે ત્યારે ઝૂકીને તેને પસાર થઈ જવા દેવી જોઈએ અને પછીથી પોતાના મૂળ એજન્ડા પર ચાલતાં રહેવું જોઈએ."

1990ના દાયકામાં જ્યારે પછાત જાતિઓને અનામત આપનાર મંડલ કમિશન વિરુદ્ધ દેશભરમાં ઉગ્ર પ્રદર્શન થયાં, ત્યારે સંઘ પણ એ વિરોધમાં સામેલ હતો.

મંડલ કમિશનના સમયે, જ્યારે ભારતીય જનતા પાર્ટીએ વીપી સિંહના નેતૃત્વવાળી ગઠબંધન સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો હતો, ત્યારે પણ અનામતના મુદ્દે સંઘ અને ભાજપનો વિરોધ જોવા મળ્યો હતો.

મંડલ પંચના વિરોધના સમયે સંઘના વલણનો ઉલ્લેખ કરતાં અરવિંદ મોહન કહે છે, "મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભાજપનો ઓબીસી બેસ હતો. સુશીલ મોદી જેવા કેટલાક નેતા હતા, જેમને લાગ્યું કે જો તેઓ સમાજમાં થઈ રહેલાં પરિવર્તનો અનુસાર નહીં ચાલે, તો ખતમ થઈ જશે. તેથી, આ દબાણને લીધે ભાજપ બદલાયો, નહીં તો તે સમય સુધી ભાજપ ખુલ્લેઆમ અનામતનો વિરોધ કરી રહ્યો હતો, સંઘ વિરોધ કરતો રહ્યો હતો."

પ્રોફેસર બદ્રીનારાયણ અનુસાર, જાતિને એક આઇડેન્ટિટી ટૂલ (ઓળખનું સાધન) બનાવીને જ રાજકારણમાં તેનો ઉપયોગ થાય છે.

તેઓ કહે છે, "જ્યારે પણ તમે જાતિનો વિકાસ માટે ઉપયોગ કરવા માગશો, ત્યારે પણ તે આઇડેન્ટિટી ટૂલમાં ફેરવાશે જ. તેનાથી બચવું મુશ્કેલ છે. એટલે, જેવી જાતિ-આધારિત વસ્તીગણતરીની વાત કરશો, એટલે જાતિ તેમાં આવવાની અને જાતિ એક આઇડેન્ટિટી પૉલિટિક્સ (ઓળખ સાથે જોડાયેલી રાજનીતિ) તરીકે આવશે. અને આઇડેન્ટિટી પૉલિટિક્સ હાંશિયામાં રહેલા સમુદાયોને એક નિશ્ચિત સમય સુધી તો સશક્ત બનાવે છે, પરંતુ નિશ્ચિત સમય પછી તે આ સશક્તીકરણને અટકાવે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.