સાવરકરે દરિયામાં મારેલી 'છલાંગ'નું સત્ય શું, તરીને કિનારે પહોંચવા સામે શું સવાલો થયા?

બીબીસી ગુજરાતી, વિનાયક દામોદર સાવરકર, અરુણ શૌરી, અટલ બિહારી વાજપેયી, સુભાષચંદ્ર બોઝ, મહાત્મા ગાંધી, આંદામાન નિકોબાર, હિન્દુત્વ, હિંદુ, ભારતીય જનતા પાર્ટી, અંગ્રેજો, બ્રિટિશ શાસન, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, આરએસએસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સાવરકરે 8 જુલાઈ 1910ના રોજ ફ્રાન્સના એક બંદર પર જહાજમાંથી છલાંગ લગાવી હતી
    • લેેખક, મયુરેશ કોણ્ણુર
    • પદ, બીબીસી સંવાદદાતા

વિનાયક દામોદર સાવરકરે ફ્રાન્સના માર્સેલી સમુદ્રમાં મારેલી છલાંગ મહારાષ્ટ્ર તથા દેશભરમાં કાયમ ચર્ચામાં રહી છે. સાવરકર સમર્થકોનાં લખાણો તથા ભાષણોમાં તેને ઘણી વાર "ત્રિખંડમાં પ્રખ્યાત છલાંગ" તરીકે વર્ણવવામાં આવી છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સમિટ માટે મંગળવાર, 11 ફેબ્રુઆરીએ ફ્રાન્સ પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માર્સેલીમાં ઉતરાણ કર્યા પછી તરત જ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ 'ઍક્સ' પર લખતી વખતે સાવરકરની છલાંગનો ઉલ્લેખ કર્યો હતો.

જોકે, પ્રખ્યાત લેખક અને પત્રકાર અરુણ શૌરીએ હવે નવો દાવો કર્યો છે. તેમના મતે સાવરકરની સમુદ્રમાં છલાંગનાં વર્ણનો "અતિશયોક્તિપૂર્ણ" છે.

શૌરીએ આ એક જ ઘટના બાબતે કોઈ નવા દાવા કર્યા હોય એવું નથી. તેમણે સાવરકર સંબંધી અન્ય ઘણી ઘટનાઓ વિશે લખ્યું છે અને હાલમાં તેની ખૂબ ચર્ચા થઈ રહી છે.

અટલ બિહારી વાજપેયીના પ્રધાનમંડળમાં કેન્દ્રીય પ્રધાન રહેલા અરુણ શૌરી ભાજપના રાજ્યસભાના સાંસદ પણ હતા. તાજેતરમાં, ગાંધીજીની પુણ્યતિથિ (30 જાન્યુઆરી)એ અરુણ શૌરીનું સાવરકર વિશેનું નવું પુસ્તક પ્રકાશિત થયું.

અંગ્રેજીમાં લખાયેલા આ પુસ્તકનું નામ 'ધ ન્યૂ આઇકૉનઃ સાવરકર ઍન્ડ ધ ફેક્ટ્સ' છે. આ પુસ્તકમાં શૌરીએ સાવરકર સંબંધી ઘણી ઘટનાઓ, દાવાઓ, દંતકથાઓ અને તેમાંથી સર્જાયેલી વિવિધ છબીઓની તરતપાસ કરી છે.

આ પુસ્તકમાં શૌરીએ સાવરકર અને તેમના સમગ્ર વ્યક્તિત્વ વિશે રચાયેલી ઘણી માન્યતાઓની ચર્ચા કરી છે.

વિનાયક દામોદર સાવરકરનું નામ અનેક વિષયો સંદર્ભે સતત સમાચારમાં ચમકતું રહે છે. સાવરકરના હિન્દુત્વથી લઈને આંદામાન જેલમાંથી તેમની મુક્તિ સુધી, મહાત્મા ગાંધી હત્યા કેસમાં કથિત આરોપોથી લઈને તેમના રાજકીય વિચારો સુધી, તેમની આસપાસના વિવાદો ક્યારેય અટક્યા નથી.

તેમાં તેમના સમર્થકો અને ટીકાકારો બંને ભાગ લેતા રહ્યા છે. એક રીતે સમકાલીન મુખ્ય પ્રવાહ બની ગયેલા હિન્દુત્વના રાજકારણના કેન્દ્રમાં પણ સાવરકર છે.

અરુણ શૌરીના નવા પુસ્તકે તેમાં એક નવી ચર્ચાનો ઉમેરો કર્યો છે.

સાવરકરની ફ્રાન્સના દરિયામાં છલાંગ

બીબીસી ગુજરાતી, વિનાયક દામોદર સાવરકર, અરુણ શૌરી, અટલ બિહારી વાજપેયી, સુભાષચંદ્ર બોઝ, મહાત્મા ગાંધી, આંદામાન નિકોબાર, હિન્દુત્વ, હિંદુ, ભારતીય જનતા પાર્ટી, અંગ્રેજો, બ્રિટિશ શાસન, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, આરએસએસ
ઇમેજ કૅપ્શન, સાવરકર સમુદ્રમાં કૂદ્યા હતા તે વિખ્યાત દાવા અંગે અરુણ શૌરી નવી વિગત જણાવે છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સાવરકરની છલાંગ 1910ની આઠ જુલાઈએ ફ્રાન્સના માર્સેલી બંદર ખાતે બનેલી એક ઘટનાનો ઉલ્લેખ કરે છે. અનંત કાન્હેરેએ ડિસેમ્બર 1909માં નાસિકના તત્કાલીન બ્રિટિશ કલેક્ટર જેક્સનની ગોળી મારીને હત્યા કરી હતી.

જે પિસ્તોલથી એ ગોળીબાર કરવામાં આવ્યો હતો તે ઇંગ્લૅન્ડથી ભારત મોકલવામાં આવી હતી. એ વખતે સાવરકર લંડનમાં હતા અને તેમની હત્યાના આ ષડયંત્રમાં સામેલગીરીની આરોપસર ધરપકડ કરવામાં આવી હતી.

સાવરકરને ધરપકડ કરીને જે 'એસએસ મોરિયા' જહાજમાં ભારત લાવવામાં આવી રહ્યા હતા તે જહાજને ફ્રાન્સના માર્સેલીના બંદરે લાંગરવામાં આવ્યું હતું ત્યારે તેમાંથી કૂદકો મારીને નાસવાનો પ્રયાસ સાવરકરે કર્યો હતો.

એ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો, પરંતુ તેમનો કૂદકો બહુ ગાજ્યો અને આજે પણ તેની ચર્ચા થાય છે. અરુણ શૌરીએ તેમના નવા પુસ્તકમાં આ વિશે લખ્યું છે.

સાવરકરે જહાજમાંથી કૂદકો મારીને ભાગવાનો જે પ્રયાસ કર્યો તો તે બહાદુરીભર્યો હતો, એમ જણાવતાં શૌરી એવું પણ કહે છે કે તે ઘટના બાબતે કહેવામાં આવતી કથા અતિશયોક્તિપૂર્ણ છે.

તેઓ લખે છે, "નાનકડી બારીમાંથી કૂદકો મારવો તે ચોક્કસપણે એક બહાદુરીભર્યો પ્રયાસ હતો, પરંતુ તેમને મોજાં સામે સંઘર્ષ કરતાં, ઊછળતા સમુદ્રમાં તરવું એવું શા માટે કહેવું જોઈએ?"

અરુણ શૌરીએ સાવરકરની દરિયામાં મારેલી છલાંગ અંગે શું સવાલો ઉઠાવ્યા?

બીબીસી ગુજરાતી, વિનાયક દામોદર સાવરકર, અરુણ શૌરી, અટલ બિહારી વાજપેયી, સુભાષચંદ્ર બોઝ, મહાત્મા ગાંધી, આંદામાન નિકોબાર, હિન્દુત્વ, હિંદુ, ભારતીય જનતા પાર્ટી, અંગ્રેજો, બ્રિટિશ શાસન, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, આરએસએસ
ઇમેજ કૅપ્શન, સાવરકર વિશે અરુણ શૌરીનું નવું પુસ્તક પ્રકાશિત થયું છે

શૌરીના જણાવ્યા મુજબ, તથ્યોને જાણ્યા વિના જ આ ઘટનામાં કેટલીક કાવ્યાત્મક કલ્પનાઓ જોડી દેવામાં આવી છે. આ માટે તેઓ અટલ બિહારી વાજપેયીએ સાવરકર વિશે આપેલી વિખ્યાત ભાષણનું ઉદાહરણ આપે છે.

છલાંગના પ્રકરણના સંદર્ભ સ્વરૂપે શૌરીએ, સાવરકરે પોતે પોતાનાં લખાણોમાં કરેલા ઉલ્લેખ, ચિત્રગુપ્ત નામે લખેલા જીવનચરિત્ર (જેના વિશે એવું માનવામાં આવતું રહ્યું છે કે તે સાવરકરે પોતે છદ્મ નામે લખ્યું હતું. એવો ઉલ્લેખ શોરીએ અને ડૉ. રવીન્દ્ર વામન રામદાસે 1986ની આવૃત્તિની પ્રસ્તાવનામાં પણ કર્યો છે) અને એ સમયના કેટલાક સત્તાવાર દસ્તાવેજોનો ઉપયોગ કર્યો છે.

સાવરકરના સમુદ્રમાં કૂદકો બાબતે શૌરીને સૌથી પહેલો વાંધો એ છે કે તેઓ તરીને જેટલા દૂર ગયા હોવાનો દાવો કરવામાં આવે છે તેટલા દૂર પહોંચ્યા ન હતા.

તેમના જણાવ્યા મુજબ, ઉપલબ્ધ દસ્તાવેજોમાંથી જાણવા મળે છે કે સાવરકરને ભારત લાવી રહેલું જહાજ કોલસા લોડ કરવા માટે માર્સેલ બંદરે રોકાયું હતું અને જે સ્થળે તેને લાંગરવામાં આવ્યું હતું ત્યાંથી કિનારો કેવળ 10-12 ફૂટ દૂર હતો.

શૌરી લખે છે, "આ બાબતે અગાઉ જ થોડી તપાસ કરવામાં આવી હોત તો સ્પષ્ટ થઈ ગયું હોત કે જહાજ સમુદ્રમાં લાંબો સમય થંભ્યું ન હતું."

અરુણ શૌરી પોતાની દલીલના સમર્થનમાં અહીં સાવરકરના જેલવાસના દિવસોના આત્મકથાત્મક પુસ્તક 'મારી જન્મઠેપ'નો હવાલો આપે છે. તેમાં સાવરકરે જણાવ્યું હતું કે તેમને આંદામાન લઈ જવાયા તે પહેલાં અલીપુર જેલમાં લઈ જવામાં આવ્યા હતા.

સાવરકરે લખ્યું છે, "બીજા સિપાઈએ મને પૂછ્યું હતું, તમે કેટલા દિવસ સમુદ્રમાં તરતા રહ્યા હતા? એ દેખીતી રીતે માર્સેલી વિશે પૂછી રહ્યો હતો. મેં જવાબ આપ્યો કે કેવા દિવસ અને કેવી રાત? હું માત્ર 10 મિનિટ તરતો રહ્યો હતો અને કિનારે પહોંચી ગયો હતો."

બીબીસી ગુજરાતી, વિનાયક દામોદર સાવરકર, અરુણ શૌરી, અટલ બિહારી વાજપેયી, સુભાષચંદ્ર બોઝ, મહાત્મા ગાંધી, આંદામાન નિકોબાર, હિન્દુત્વ, હિંદુ, ભારતીય જનતા પાર્ટી, અંગ્રેજો, બ્રિટિશ શાસન, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, આરએસએસ

ઇમેજ સ્રોત, savarkar.org

ઇમેજ કૅપ્શન, અરુણ શૌરીએ સાવરકરે લખેલા પુસ્તકનો હવાલો આપીને અલગ દાવો કર્યો છે

'માઝી જન્મઠેપ' પુસ્તકના આ અંશો ટાંકીને શૌરી લખે છે, "આવું લખતી વખતે સાવરકર સત્યની નજીક હતા, પણ મારા મતે તેમને 10 મિનિટથી પણ ઓછો સમય લાગ્યો હશે."

શૌરી એવો સવાલ પણ કરે છે કે સાવરકરે દરિયામાં લાંબું અંતર પાર કર્યું હોય તો તેમની સુરક્ષામાં તહેનાત બે ભારતીય પોલીસ કર્મચારીઓ કિનારા સુધી કેવી રીતે પહોંચ્યા? તેઓ પણ તરતા હતા એવું પણ કોઈએ કહ્યું નથી.

શૌરીના જણાવ્યા મુજબ, એ વખતે ત્યાં જહાજમાંથી કિનારા પર ઊતરવાનો એક પુલ હતો અને એ માર્ગે પોલીસ ત્યાં આવી હતી. તત્કાલીન મુંબઈ સરકારે એ ઘટના વખતે હાજર બે ભારતીય અને બે બ્રિટિશ એમ ચાર પોલીસ કૉન્સ્ટેબલને પૂછપરછ કરી હતી અને તેનો અહેવાલ તૈયાર કર્યો હતો. તે ઉપલબ્ધ છે.

શૌરીએ તેમના આ પુસ્તકમાં એવો દાવો પણ કર્યો છે કે સમુદ્રમાં છલાંગની આ ઘટનાની બાદમાં અતિશયોક્તિપૂર્ણ રજૂઆત કરવામાં આવી હતી. તેનું બીજ સૌપ્રથમ ચિત્રગુપ્ત લિખિત પુસ્તક 'ધ લાઈફ ઑફ બેરિસ્ટર સાવરકર' પુસ્તકમાં રોપવામાં આવ્યું હતું.

શૌરી લખે છે, "આ પુસ્તકમાં એસએસ મોરિયા પરથી ભાગવા વિશે એક આખું પ્રકરણ છે અને તેમાં એક મિથક તૈયાર થવાના બધા ઘટકો છે."

સાવરકર, તેમના રાજકારણ અને તેના પરિણામ સંબંધી ઘટનાઓ બાબતે શૌરી પહેલાં પણ અનેક લેખકોએ લખ્યું છે.

વૈભવ પુરંદરેએ અંગ્રેજીમાં સાવરકરની જીવનકથા 'સાવરકરઃ ધ ટ્રૂ સ્ટોરી ઑફ ફાધર ઑફ હિન્દુત્વ' લખી છે. પુરંદરેના જણાવ્યા મુજબ, સાવરકરના કૂદકાનું અતિશયોક્તિપૂર્ણ વર્ણન કરવામાં આવ્યું હતું તે સાચી વાત છે, પરંતુ એ માટે સાવરકરને દોષ આપી શકાય નહીં.

વૈભવ પુરંદરે કહે છે, "તેમણે છલાંગ મારી અને જે થયું તે સાચું છે, પરંતુ એ પછી જે અતિશયોક્તિ કરવામાં આવી તેનું કારણ સાવરકર હતા એવું કઈ રીતે કહી શકાય? વાસ્તવમાં સાવરકરે પોતે એ બાબતે જે કંઈ કહ્યું કે લખ્યું છે તે એક નિશ્ચિત મર્યાદાની અંદર જ લખ્યું હતું. પુસ્તક લખતી વખતે મારા ધ્યાનમાં એ પણ આવ્યું હતું કે બીજા લોકો સાવરકર પાસે આવીને એ ઘટના બાબતે અતિશયોક્તિપૂર્ણ વાતો કરતા હતા ત્યારે સાવરકર તેમને પણ કહેતા હતા કે તમે જેવું કહો છો તેવું નથી. તેથી મને નથી લાગતું કે અતિશયોક્તિ માટે સાવરકરને જવાબદાર ઠેરવવા જોઈએ."

સુભાષચંદ્ર બોઝને ભારતમાંથી ભાગીને સૈન્ય રચવાની સલાહ સાવરકરે આપી હતી?

બીબીસી ગુજરાતી, વિનાયક દામોદર સાવરકર, અરુણ શૌરી, અટલ બિહારી વાજપેયી, સુભાષચંદ્ર બોઝ, મહાત્મા ગાંધી, આંદામાન નિકોબાર, હિન્દુત્વ, હિંદુ, ભારતીય જનતા પાર્ટી, અંગ્રેજો, બ્રિટિશ શાસન, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, આરએસએસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુભાષ ચંદ્ર બોઝ

અરુણ શૌરીએ સાવરકર વિશેના પોતાના પુસ્તકમાં સુભાષચંદ્ર બોઝ અને તેમની આઝાદ હિંદ ફોજ બાબતે કરવામાં આવેલા દાવાઓની ચર્ચા પણ કરી છે. સમર્થકો અને ટીકાકારો વચ્ચે એ દાવાઓ બાબતે પણ સતત ચર્ચા થતી રહી છે.

સુભાષચંદ્ર બોઝના આ સાહસિક કાર્ય, વિદેશમાં સૈન્યની રચના અને અંગ્રેજો સામે લડવાની વ્યૂહરચના સાથે સાવરકરને કોઈ લેવાદેવા ન હતી, એવી રજૂઆત શૌરીએ કરી છે.

સાવરકરે મે, 1952માં પુણેમાં પોતાનાં ભાષણોમાં આવો દાવો કર્યો હતો. સ્વતંત્રતા આંદોલન કાળ દરમિયાન સાવરકરે સશસ્ત્ર ક્રાંતિ માટે અભિનવ ભારત નામના સંગઠનની સ્થાપના કરી હતી. સ્વાતંત્ર્ય મળ્યા બાદ એ સંગઠનને વિખેરી નાખવામાં આવ્યું હતું, કારણ કે તેનો ઉદ્દેશ હાંસલ થઈ ગયો હતો. સંગઠનનો સમાપન સમારંભ પુણેમાં યોજવામાં આવ્યો હતો.

ત્રણ દિવસના એ સમારંભમાં કરેલા ભાષણમાં સાવરકરે સ્વાતંત્ર્યસંગ્રામ દરમિયાન કરવામાં આવેલા ક્રાંતિકારી કાર્યોની સમીક્ષા કરી હતી. તેમાં સાવરકરે જણાવ્યું હતું કે સુભાષચંદ્ર બોઝ "મારી સલાહને અનુસરીને" ભારત છોડીને જર્મની ચાલ્યા ગયા હતા. એમની આઝાદ હિન્દ ફોજ બાબતે પણ સાવરકરે વિસ્તારથી જણાવ્યું હતું.

મુંબઈમાં મુલાકાત દરમિયાન પોતે સુભાષચંદ્ર બોઝને આ ક્રાંતિકારી કાર્યનો વિચાર કેવી રીતે આપ્યો હતો અને સુભાષચંદ્ર બોઝે તે કાર્ય કેવી રીતે કર્યું હતું તેની વાત સાવરકરે કરી હતી.

બીબીસી ગુજરાતી, વિનાયક દામોદર સાવરકર, અરુણ શૌરી, અટલ બિહારી વાજપેયી, સુભાષચંદ્ર બોઝ, મહાત્મા ગાંધી, આંદામાન નિકોબાર, હિન્દુત્વ, હિંદુ, ભારતીય જનતા પાર્ટી, અંગ્રેજો, બ્રિટિશ શાસન, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, આરએસએસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સાવરકરે મે 1952માં પૂણેમાં પોતાના ભાષણમાં મોટા દાવા કર્યા હતા

1952ની 11 મેના રોજ આપેલા આ શ્રેણીના બીજા દિવસના ભાષણમાં સાવરકરે 1940ની 22 જૂને મુંબઈના સાવરકર સદન ખાતે સુભાષચંદ્ર બોઝ સાથેની તેમની મુલાકાતની વાતો કરી હતી.

અરુણ શૌરીએ સંદર્ભ તરીકે 'સમગ્ર સાવરકર'ના હિન્દી અનુવાદના ત્રીજા ખંડમાં પ્રકાશિત ભાષણોનો ઉપયોગ કર્યો છે. ત્રણેય ભાષણોનું મરાઠી સંસ્કરણ 'Savarkar Smarak.com' નામની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

એ ભાષણમાં સાવરકરે "સુભાષચંદ્ર બોઝ સાથેની અણધારી મુલાકાત"ની વાતો કહી છે. એ મુલાકાતની કથા કેટલાક લોકો જાણતા હોવા છતાં ભાષણના પ્રારંભમાં સાવરકરે કહે છે, "તેનો ઉલ્લેખ હું જાહેર સભામાં પહેલીવાર અને ઈરાદાપૂર્વક કરી રહ્યો છું."

મુસ્લિમ લીગના મહમદઅલી ઝીણાને મળ્યા પછી બોઝ સાવરકરને મળવા આવ્યા હતા. આ બેઠકની અન્ય વિગત આપ્યા બાદ સાવરકરે પોતે બોઝને આપેલી સૂચના બાબતે વાત કરી હતી.

સાવરકરે કહ્યું હતું, "રાસબિહારી જેવા ઘણા સશસ્ત્ર ક્રાંતિકારી નેતાઓ અંગ્રેજો સમક્ષ શરણાગતિ સ્વીકારીને જાપાન તથા જર્મની ભાગી ગયા તેમ આપણે પણ તત્કાળ ભાગી જવું જોઈએ. ઈટાલી અને જર્મની માટે કામ કરતા હજારો ભારતીય સૈનિકોનું નેતૃત્વ ખુલ્લેઆમ સ્વીકારવું જોઈએ."

"હિન્દુસ્તાનના સંપૂર્ણ સ્વાતંત્ર્યની ઘોષણા કરવી જોઈએ અને જાપાન યુદ્ધમાં પ્રવેશે કે તરત જ બંગાળના ઉપસાગરમાંથી કે બ્રહ્મદેશથી ભારતમાંના બ્રિટિશ શાસન પર આક્રમણ કરવું જોઈએ. આપણે આવા કોઈ સશસ્ત્ર અને હિંમતભર્યા પરાક્રમ વિના ભારતને આઝાદ કરી શકીશું નહીં. આવા પરાક્રમ અને હિંમત માટે સમર્થ જણાતા બે-ત્રણ માણસોમાંથી તમે એક છો. તેથી મારી નજર તમારા પર છે."

અંગ્રેજો સામે સૈન્ય ઊભું કરવાનો વિચાર સાવરકરનો હતો?

બીબીસી ગુજરાતી, વિનાયક દામોદર સાવરકર, અરુણ શૌરી, અટલ બિહારી વાજપેયી, સુભાષચંદ્ર બોઝ, મહાત્મા ગાંધી, આંદામાન નિકોબાર, હિન્દુત્વ, હિંદુ, ભારતીય જનતા પાર્ટી, અંગ્રેજો, બ્રિટિશ શાસન, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, આરએસએસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુભાષ ચંદ્ર બોઝે જર્મનીમાં હિટલરની પણ મદદ લેવા પ્રયાસ કર્યો હતો

સાવરકરના આ ભાષણમાંના સુભાષચંદ્ર બોઝના સંદર્ભમાં કરવામાં આવેલા ઉલ્લેખને લઈને અરુણ શૌરીએ તેમના પુસ્તકમાં સાવરકરના એ દાવાનું ખંડન કર્યું છે કે "ભારત છોડીને જર્મની અથવા જાપાનની મદદથી અન્ય દેશોમાં અંગ્રેજો સામે સૈન્ય ઊભું કરવાનું સૂચન અથવા વિચાર સાવરકરનો હતો."

શૌરી એમ પણ જણાવે છે કે આ દાવો ઐતિહાસિક નથી અને તેના કોઈ પુરાવા પણ નથી. "ચકાસણી કરીએ ત્યારે આ દાવો પોકળ સાબિત થાય છે."

આ દાવા વિરુદ્ધ પુરાવા આપતાં શૌરીએ, સુભાષચંદ્ર બોઝે પોતે લખેલો એક અહેવાલ ટાંક્યો છે. શૌરી લખે છે કે બોઝના પુસ્તક 'ધ ઇન્ડિયન સ્ટ્રગલ'માં સાવરકરની મુલાકાતનો ઉલ્લેખ જોઈએ તો સાવરકરે પોતે જે કહ્યું હતું તેનાથી કંઈક અલગ જ જોવા મળે છે.

યુરોપમાં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું પછી તેનો લાભ કેવી રીતે લેવો તેની ચર્ચા કરવા માટે બોઝે મહાત્મા ગાંધી, નેહરુ, ઝીણા, સાવરકર અને અન્ય લોકો સાથે મુલાકાત કરી હતી.

એ મુલાકાત વિશે બોઝે લખ્યું છે, "સાવરકર વર્તમાન આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને અવગણતા હોય તેવું લાગે છે અને ફક્ત હિન્દુઓ બ્રિટિશ સેનામાં કેવી રીતે જોડાઈ શકે તથા લશ્કરી તાલીમ મેળવી શકે એ વિશે વિચારી રહ્યા છે. આ બેઠકો પછી એવા નિષ્કર્ષ પર આવવાની ફરજ પડી હતી કે મુસ્લિમ લીગ હોય કે હિન્દુ મહાસભા હોય, કોઈ પાસેથી કશી અપેક્ષા રાખી શકાય તેમ નથી."

બીબીસી ગુજરાતી, વિનાયક દામોદર સાવરકર, અરુણ શૌરી, અટલ બિહારી વાજપેયી, સુભાષચંદ્ર બોઝ, મહાત્મા ગાંધી, આંદામાન નિકોબાર, હિન્દુત્વ, હિંદુ, ભારતીય જનતા પાર્ટી, અંગ્રેજો, બ્રિટિશ શાસન, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, આરએસએસ

ઇમેજ સ્રોત, savarkarsmaraak.com

બોઝે તેમના પુસ્તકમાં સાવરકર સાથેની મુલાકાત બાબતે આટલો જ ઉલ્લેખ કર્યો હોવાનું જણાવતાં શૌરી નોંધે છે કે સાવરકરના દાવા મુજબ, બોઝે સાવરકરના પ્રભાવ હેઠળ કોઈ કાર્યવાહી કરી હોય તે શક્ય નથી.

સાવરકરના આ દાવા બાબતે સંશોધન કરનાર અન્ય કેટલાક વિદ્વાનોનાં તારણોનો ઉલ્લેખ પણ શૌરીએ કર્યો છે.

ઇતિહાસકાર લિયોનાર્ડ ગોર્ડનના સંશોધનને ટાંકીને શૌરી જણાવે છે કે દેશ છોડીને ભાગી જવાનો અને બળવો કરવાના મૂળ વિચાર સાવરકર તથા અન્ય લોકો સાથે સાંકળવામાં આવે છે, પરંતુ તે વિચાર માત્ર સુભાષચંદ્ર બોઝનો હતો.

શૌરીના જણાવ્યા મુજબ, "સીધી કાર્યવાહી કરતાં પહેલાં બોઝ ઓછામાં ઓછા એક દાયકા સુધી ઈટાલી, જર્મની, જાપાન અને અન્ય દેશોના અધિકારીઓના સંપર્કમાં હતા." એ ઉપરાંત આ વ્યૂહરચના સાવરકરની હતી એવું જણાવતા કોઈ પુરાવા નથી અને તે બોઝનો જ વિચાર હતો, એવું ગોર્ડને તેમના પત્રવ્યવહારમાં જણાવ્યું છે.

આ મત સાથે સાવરકરનું જીવનચરિત્ર અંગ્રેજીમાં લખનાર વૈભવ પુરંદરે પણ સહમત છે.

બીબીસી સાથે વાત કરતાં વૈભવ પુરંદરે કહે છે, "આ મુદ્દે મેં મારા પુસ્તકમાં વિગતવાર લખ્યું છે. સુભાષચદ્ર બોઝનું દેશમાંથી ભાગી જવું અને પછીની કાર્યવાહી કરવાનો વિચાર કે સૂચના પોતે આપી હતી એવા સાવરકરના દાવામાં કોઈ તથ્ય દેખાતું નથી. હકીકતમાં મુંબઈમાં સાવરકરને મળ્યા પછી સુભાષબાબુએ તેમની ટીકા કરી હતી. વિદેશ જવાનો, અન્ય દેશો સાથે હાથ મિલાવવાનો અને આઝાદ હિંદ સેના સ્થાપવાનો વિચાર તથા પ્રેરણા સુભાષબાબુના પોતાના હતા, બીજા કોઈના નહીં."

વિનાયક સાવરકર સંબંધી અન્ય વિષયો

અલબત્ત, અરુણ શૌરીએ તેમના પુસ્તકમાં ફક્ત આ બે ઘટના વિશે જ લખ્યું નથી. સાવરકર સંબંધી અન્ય ઘટનાઓ અને વિવાદો વિશેનાં લખાણો, કેટલાક પુરાવાઓ અને સંદર્ભોની મદદથી તેમના વ્યક્તિત્વની તરતપાસ કરવામાં આવી છે.

દાખલા તરીકે, શૌરીએ ગાંધી વિશેના સાવરકરના વિચારો, દોસ્તી અને તેમના કથિત દાવાઓની ચકાસણીનો પ્રયાસ કર્યો છે. આંદામાનમાં બનેલી ઘટનાઓ, સાવરકરના પ્રસ્થાન અને તેના કારણો વિશે પણ શૌરીએ લખ્યું છે.

સૌથી અગત્યનું, હિન્દુત્વવાદી રાજકારણના વર્તમાન યુગમાં તેઓ સાવરકરના હિન્દુત્વ પર તેમણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ગાય વિશેના સાવરકરના વલણથી લઈને ઇતિહાસ વિશેના તેમના વિચારો સુધીનું વિશ્લેષણ આ શ્રેણીમાં આવે છે.

આટલાં વર્ષો પછી પણ ભારતીય રાજકારણ પરના મહાત્મા ગાંધીના પ્રભાવને ઓછો કરવા માટે સાવરકરનો ઉપયોગ થઈ રહ્યો છે કે કેમ, તે સવાલનો જવાબ શોધવાનો પ્રયાસ પણ શૌરી કરે છે.

બીબીસી ગુજરાતી, વિનાયક દામોદર સાવરકર, અરુણ શૌરી, અટલ બિહારી વાજપેયી, સુભાષચંદ્ર બોઝ, મહાત્મા ગાંધી, આંદામાન નિકોબાર, હિન્દુત્વ, હિંદુ, ભારતીય જનતા પાર્ટી, અંગ્રેજો, બ્રિટિશ શાસન, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, આરએસએસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અરુણ શૌરી

આ પુસ્તક બાબતે બીબીસી સાથે વાત કરતાં શૌરીએ કહ્યું હતું, "ઘણા લોકોની જેમ હું પણ આપણો દેશ જે દિશામાં જઈ રહ્યો છે, તે બાબતે ચિંતિત છું. હું એ શોધવાનો પ્રયાસ કરી રહ્યો છું કે તેનું મૂળ ક્યાં છે? તેની શરૂઆત ક્યાંથી થઈ? તેથી મેં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ગોલવલકર જેવા તેના સરસંઘચાલકોનાં લખાણો વાંચવાનું શરૂ કર્યું, પણ મને એવું જાણવા મળ્યું કે આજના હિન્દુત્વનો મૂળ વિચાર સાવરકરથી જ શરૂ થયો છે."

શૌરીએ કહ્યું હતું, "સાવરકર વિશે ઘણાં પુસ્તકો લખાયાં છે, પરંતુ તેમાં સાવરકરે પોતાના વિશે અને વિવિધ ઘટનાઓ વિશે તે લખ્યું હતું તેનો પુનરોચ્ચાર જ કરવામાં આવ્યો છે. તેથી મેં તેમણે જે કહ્યું હતું, જે લખ્યું હતું તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આ તેમણે પોતે જે લખ્યું હતું તેનું વિશ્લેષણ છે. તેથી તેનો ઇનકાર કરવો મુશ્કેલ છે."

વિવાદ, ચર્ચા અને સાવરકર વચ્ચેનો આ સંબંધ નવો નથી. તેથી આ નવા પુસ્તકમાંના નવા દાવાઓએ ફરીથી ચર્ચા શરૂ કરી છે, પરંતુ માત્ર ચર્ચાને બદલે આ વિચારમંથનમાંથી કોઈ નવું સત્ય બહાર આવે તેના પર બધાનું ધ્યાન કેન્દ્રિત થયું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.