છત્રપતિ શિવાજીના વિદ્રોહી પુત્ર સંભાજીના દુ:ખદ અંતની કહાણી

ઇમેજ સ્રોત, DR. KAMAL GOKHALE
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી
છત્રપતિ શિવાજી મહારાજના મોટા પુત્ર સંભાજી ફક્ત બે વર્ષના હતા ત્યારે તેમની માતાનું 1659માં અવસાન થયું. તેઓ તેમના પિતા શિવાજી અને દાદી જીજાબાઈની દેખરેખ હેઠળ મોટા થયા હતા.
ઔરંગઝેબે તેમને આગ્રામાં કેદ કર્યા ત્યારે તેઓ તેમના પિતા શિવાજી સાથે હતા. જ્યારે ત્યાંથી તેઓ ભાગી જવામાં સફળ રહ્યા ત્યારે પણ તેઓ તેમની સાથે જ હતા.
શિવાજીએ તેમને ભણાવવા માટે શિક્ષકોની નિમણૂક કરી હતી. શરૂઆતથી જ તેમને સંસ્કૃત ભાષામાં રસ હતો, જેમાં તેમણે નિપુણતા મેળવી હતી.
1670થી શિવાજીએ તેમને મહત્ત્વપૂર્ણ વહીવટી કામો સોંપવાનાં શરૂ કર્યા. જ્યારે શિવાજી રાજા બની ગયા ત્યારે સ્વાભાવિક રીતે જ સંભાજીને તેમના ઉત્તરાધિકારી તરીકે જોવામાં આવ્યા, પરંતુ આ જ સમય દરમિયાન શિવાજીના પરિવારમાં સંઘર્ષ ચાલી રહ્યો હતો.
વૈભવ પુરંદરે તેમના પુસ્તક 'શિવાજી ઇન્ડિયાઝ ગ્રેટ વોરિયર કિંગ' માં લખે છે, "શિવાજીનાં સૌથી મોટાં પત્ની સોયરાબાઈએ 24 ફેબ્રુઆરી, 1670 ના રોજ એક પુત્રને જન્મ આપ્યો, જેમનું નામ રાજારામ રાખવામાં આવ્યું."
"શિવાજીના રાજ્યાભિષેક સમયે તેઓ ફક્ત ચાર વર્ષના હતા, પરંતુ સોયરાબાઈ ઇચ્છતાં હતાં કે તેમના પુત્રને સંભાજીને બદલે શિવાજીનો ઉત્તરાધિકારી બનાવવામાં આવે."
તેઓ લખે છે, "શિવાજીએ આઠ લગ્ન કર્યાં હતાં છતાં તેમને ફક્ત બે પુત્રો હતા. આમાંથી ઘણાં લગ્ન તો રાજકીય હેતુઓ માટે કરવામાં આવ્યાં હતાં. તેમને છ પુત્રીઓ પણ હતી, જેમનાં લગ્ન પ્રતિષ્ઠિત મરાઠા પરિવારોમાં થયાં હતાં."
સંભાજીએ પિતા શિવાજીનો પક્ષ છોડી દીધો

ઇમેજ સ્રોત, DR. KAMAL GOKHALE/CONTINENTAL PUBLICATION
જ્યારે 1676ની શરૂઆતમાં શિવાજી એક મહિના માટે ગંભીર રીતે બીમાર પડ્યા ત્યારે દક્ષિણના કેટલાક વિસ્તારમાં અફવા ફેલાઈ ગઈ કે તેમનું અવસાન થયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ જ સમયે શિવાજીના પરિવારના ગંભીર મતભેદોના સમાચાર પણ ફેલાવા લાગ્યા હતા.
કમલ ગોખલે તેમના પુસ્તક 'શિવાપુત્ર સંભાજી' માં લખે છે, "આ સમય દરમિયાન સંભાજીના કથિત ખરાબ વર્તનના સમાચાર પણ જોર પકડવા લાગ્યા. 1674માં શિવાજીના રાજ્યાભિષેક પછી આવા સમાચારોમાં વધારો થયો. તેમનાં સાવકાં માતા સોયરાબાઈ તેને ફેલાવવામાં સામેલ હતાં જેથી લોકોની નજરમાં સંભાજીને બદનામ કરી શકાય."
"એ સાચું હતું કે શિવાજીના પરિવારમાં તણાવ શરૂ થઈ ગયો હતો. સંભાજી પરિવારમાં તેમના સ્થાન બાબતે ખૂબ જ અસંતુષ્ટ હતા."
1674માં જ તેમના સૌથી મોટા સમર્થક એવાં દાદી જીજાબાઈનું પણ અવસાન થયું.
13 ડિસેમ્બર, 1678ના રોજ સંભાજીએ એક એવું પગલું ભર્યું જેનાથી તેણે તેમના પિતાને દુઃખી અને ચકિત કરી દીધા.
તેઓ સતારા છોડીને પેડગાંવ ગયા, જ્યાં તેમણે મોગલ ગવર્નર દિલેર ખાનનો હાથ પકડ્યો. તે સમયે તેમની ઉંમર 21 વર્ષની હતી.
બેચેન સંભાજી

ઇમેજ સ્રોત, Getty Images
તે સમયે ઉપલબ્ધ પુરાવાઓ સંભાજીના શિવાજીનો પક્ષ છોડવા પાછળના કારણ પર પ્રકાશ પાડતા નથી.
વિશ્વાસ પાટીલ સંભાજીના જીવનચરિત્રમાં લખે છે, "દિલેર ખાનની અનુભવી આંખોએ યુવાન રાજકુમારના ચહેરા પરના ઉદાસીના હાવભાવ વાંચી લીધા. તેમણે સંભાજીને સાંત્વના આપી અને કહ્યું, 'તમારા ભાઈ દિલેરને સંપૂર્ણ જાણકારી છે કે રાયગઢમાં તમારું કેવું અપમાન થયું છે.'"
"જ્યારે સંભાજી હાથી પર સવાર થઈને બહાદુરગઢના કિલ્લામાં પ્રવેશ્યા ત્યારે ત્યાં હાજર લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. પરંતુ તેમ છતાં સંભાજી અસહજ હતા."
દિલેર ખાન સંભાજી કરતાં 40 વર્ષ મોટા હતા, પરંતુ તેઓ યુવાન રાજકુમાર સાથે ખૂબ જ મૈત્રીપૂર્ણ વર્તન કરતા હતા.
દિલેર ખાન પ્રત્યે પણ સંભાજીનો મોહભંગ થયો

ઇમેજ સ્રોત, PHAS/UNIVERSAL IMAGES GROUP VIA GETTY IMAGES
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સંભાજીને પોતાના પક્ષમાં લેવા એ મોગલો માટે એક મોટી સિદ્ધિ હતી. પરંતુ ટૂંક જ સમયમાં તેમને દિલેર ખાન સાથે પણ મતભેદ થવા લાગ્યા.
એપ્રિલ 1679માં જ્યારે દિલેર ખાને ભૂપાલગઢ કિલ્લા પર હુમલો કરીને કબજો કર્યો ત્યારે સંભાજી તેમની સાથે હતા. દિલેર ખાને કિલ્લાના લોકો અને સ્થાનિક ગામના લોકો સાથે ખૂબ જ ક્રૂર વર્તન કર્યું.
જદુનાથ સરકાર તેમના પુસ્તક 'શિવાજી ઍન્ડ હિઝ ટાઇમ્સ' માં લખે છે, "દિલેર ખાને કિલ્લામાં બચી ગયેલા 700 લોકોનો એક હાથ કાપી નાખ્યો અને પછી તેમને છોડી દીધા. ગામમાં રહેતા લોકોને પોતાના ગુલામ બનાવી દીધા."
દિલેર ખાને આદિલશાહી સામે પણ પોતાનું અભિયાન શરૂ કર્યું અને આદિલશાહીના સેનાપતિ સિદ્દી મસૂદે બીજાપુરના બચાવ માટે શિવાજીની મદદ માંગી.
સેતુમાધવ રાવ પગાડી તેમના પુસ્તક 'છત્રપતિ શિવાજી' માં લખે છે, "શિવાજીએ તરત જ દસ હજાર ઘોડેસવારો અને અનાજ ભરેલાં દસ હજાર બળદગાડાં મોકલ્યાં. અને દબાણ ઓછું કરવા માટે તેમણે મોગલ વિસ્તાર જાલના પર હુમલો કર્યો અને તેને કબજે કરી લીધું."
તેઓ આગળ લખે છે, "પરિણામ એ આવ્યું કે દિલેર ખાને બીજાપુરનો ઘેરો તોડી નાખ્યો અને પાછા ફરતી વખતે દિલેર ખાને ટિકોટા શહેર પર હુમલો કર્યો. આ શહેરના ત્રણ હજાર નાગરિકોને બંદી બનાવી લીધા. આ પછી તે અઠાની ગયો જ્યાં તેણે ત્યાંના લોકો પર વધુ ત્રાસ ગુજાર્યો."
શિવાજીની ઉદાર લોકનીતિ હેઠળ ઊછરેલા સંભાજીને દિલેર ખાનનું સામાન્ય નાગરિકો પ્રત્યેનું ક્રૂર વર્તન ગમ્યું નહીં.
તેમને ખ્યાલ આવી ગયો કે મોગલો સાથેનો તેમનો સંબંધ લાંબો સમય ટકવાનો નથી.
સંભાજીનું સ્વદેશ પુનરાગમન

ઇમેજ સ્રોત, RANJIT DESAI
જદુનાથ સરકાર લખે છે, "20 નવેમ્બર, 1679ના રોજ સંભાજી તેમનાં પત્ની યશુબાઈ સાથે મોગલ છાવણીમાંથી ભાગી ગયા. તેમનાં પત્ની પુરુષના વેશમાં હતાં. તેમની સાથે દસ સૈનિકો હતા."
"ઘોડા પર સવાર થઈને તેઓ બીજા દિવસે બીજાપુર પહોંચ્યા, જ્યાં મસૂદે તેમનું સ્વાગત કર્યું. 4 ડિસેમ્બરે તેઓ પન્હલા પહોંચ્યા જ્યાં પિતા પુત્રની મુલાકાત થઈ."
શિવાજી તેમનું ઉષ્માભર્યુ સ્વાગત કર્યું અને મળ્યા, પરંતુ પિતા અને પુત્ર વચ્ચેના સબંધોમાં પડેલી તિરાડ અંત સુધી ટકી રહી. લગભગ એક વર્ષ સુધી ચાલેલા સંભાજીના બળવાથી મરાઠા સામ્રાજ્યમાં ભારે ઊથલપાથલ મચાવી દીધી હતી.
આ મુલાકાત પછી પણ શિવાજીના ઉત્તરાધિકારનો મુદ્દો ઉકેલાયો ન હતો.
કૃષ્ણાજી અનંત સભાસાદ શિવાજીના જીવનચરિત્ર 'સભાસદ બખર' માં લખે છે, "મને એક ખ્યાલ આવે છે કે તમે એક અલગ રાજ્ય બનાવવાનું વિચારી રહ્યા છો. મારા બે પુત્રો છે, તમે સંભાજી અને રાજારામ."
"હું મારા સામ્રાજ્યને બે ભાગમાં વહેંચીશ. મારા રાજ્યના બે ભાગ છે, એક તુંગભદ્રથી કાવેરી સુધી અને બીજો તુંગભદ્રની બીજી બાજુ જે ગોદાવરી નદી સુધી જાય છે. હું તમને કર્ણાટકનો વિસ્તાર આપુ છું અને બાકીનો વિસ્તાર રાજારામને."
શિવાજીના મૃત્યુ પછી, સંભાજીએ રાજ્યની બાગડોર સંભાળી

ઇમેજ સ્રોત, Getty Images
શિવાજીનું અવસાન ૩ એપ્રિલ, 1680ના રોજ થયું. તેઓ માત્ર 53 વર્ષના જ હતા. જ્યારે શિવાજી મૃત્યુશય્યા પર હતા ત્યારે સંભાજીને તેની જાણ કરવામાં આવી ન હતી.
ડેનિસ કિનકેડ તેમના શિવાજીના જીવનચરિત્રમાં લખે છે, "જ્યારે સંભાજીને શિવાજીની બીમારી વિશે ખબર પડી ત્યારે તેઓ તરત જ પન્હાલાથી તેમના ઊંટ પર રાયગઢ જવા રવાના થયા."
"ગરમીમાં દિવસ-રાત મુસાફરી કરીને તે રાયગઢના કિલ્લા પર પહોંચ્યા, પરંતુ ત્યાં સુધીમાં તેમના પિતાનું અવસાન થઈ ગયું હતું. ગુસ્સામાં તેમણે પોતાના ઊંટનું માથું કાપી નાખ્યું. બાદમાં તેમણે તે જ જગ્યાએ માથા વગરના ઊંટની પ્રતિમા બનાવવાનો આદેશ આપ્યો."
સંભાજી શિવાજીના ઉત્તરાધિકારી બન્યા. રાજા બન્યાના એક વર્ષ પછી તેમણે તેમનાં સાવકાં માતા સોયારાબાઈને મૃત્યુદંડની સજા ફટકારી. તેમના પર તેમના પતિ શિવાજીને ઝેર આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
જદુનાથ સરકાર લખે છે, "સંભવત: આ એક ખોટું બહાનું હતું, કારણ કે સંભાજી પોતાનાં સાવકાં માતા પાસેથી પોતાના પુત્રને શિવાજીનો ઉત્તરાધિકારી બનાવવાના પ્રયાસોનો બદલો લેવા માંગતા હતા."
ઔરંગઝેબની સેનાએ સંભાજીને પકડી લીધા

ઇમેજ સ્રોત, PENGUIN INDIA
1681 અને 1682ની વચ્ચે ઔરંગઝેબે દક્ષિણ ભારતના તમામ પડકારોને પહોંચી વળવા માટેનું અભિયાન શરૂ કર્યું.
તેમણે બીજાપુર અને ગોલકોંડા પર કબજો કર્યો અને તેમના રાજાઓને કેદ કર્યા.
1689માં સંભાજીને રત્નાગિરિના સંગમેશ્વર ખાતે પણ કેદી બનાવવામાં આવ્યા.
વિશ્વાસ પાટીલ લખે છે, "સંભાજીને બહાદુરગઢની મોગલ છાવણીમાં લઈ જવામાં આવ્યા હતા અને ઔરંગઝેબના આદેશથી તેમને આખા શહેરમાં પરેડ કરાવવામાં આવી હતી. સંભાજીને વિદૂષકનો પોશાક પહેરાવવામાં આવ્યો હતો."
તેઓ આગળ લખે છે, "એક સમયે સોનાના સિંહાસન પર બેઠેલા સંભાજીને સામાન્ય ગુનેગારની જેમ પાતળા ઊંટ પર બેસાડવામાં આવ્યા હતા. તેમના માથા પર કેદીઓ જેવી લાકડાની ટોપી પહેરાવવામાં આવી હતી."
"તેના હાથ ઉપર કરીને લાકડાના પાટિયા સાથે બાંધી દેવામાં આવ્યા હતા. તેની ગરદન પણ લાકડાના પાટિયા સાથે બાંધી દેવામાં આવી હતી જેથી તે આસપાસ ન જોઈ શકે."
ધીમે ધીમે આ સરઘસ દિવાન-એ-ખાસ પહોંચ્યું. પોતાની ખુશી પર કાબૂ ન રાખી શકવાથી ઔરંગઝેબ પોતાની બેઠક પર જ ઊભા થઈ ગયા.
જદુનાથ સરકાર લખે છે, "ઔરંગઝેબ શિવાજીના પુત્રને કેદી તરીકે પોતાની સામે આવતા જોઈને મોગલ બાદશાહ જમીન પર ઝૂકી પ્રાર્થના કરવા માંડ્યા."
"સંભાજીને ઔરંગઝેબ સમક્ષ માથું નમાવવાનું કહેવામાં આવ્યું, પરંતુ સંભાજીએ તેમ કરવાની ના પાડી દીધી અને તે ઔરંગઝેબને ઘૂરકીને તાકી રહ્યો. ઔરંગઝેબે એ જ રાત્રે સંભાજીની આંખો કાઢી લેવાનો આદેશ આપ્યો."
આ ઘટનાનું વર્ણન કરતાં ડેનિસ કિનકેડ લખે છે, "ઔરંગઝેબે તેમને ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાનો આદેશ આપ્યો, પરંતુ સંભાજીએ તેમ કરવાનો ઇનકાર કર્યો. ઔરંગઝેબના આદેશ પર તેમની જીભ ખેંચી લેવામાં આવી."
" ફરીથી બાદશાહનો પ્રસ્તાવ તેમની સામે રજૂ કરવામાં આવ્યો. સંભાજીએ એક કાગળ મંગાવ્યો અને તેના પર પોતાનો જવાબ લખ્યો. 'બિલકુલ નહીં. બાદશાહ તેમની પુત્રી મને આપે તો પણ નહીં."
સંભાજીનું મૃત્યુ
શિવાજીના પુત્રને આંધળો કર્યા પછી ઔરંગઝેબના આદેશ પર 15 દિવસ સુધી યાતનાઓ આપવામાં આવી.
ડેનિસ કિનકેડ આગળ લખે છે, "11 માર્ચ, 1689ના રોજ સંભાજીના શરીરના બધા ભાગો એક પછી એક કાપી નાખવામાં આવ્યા અને અંતે તેમનો શિરચ્છેદ કરવામાં આવ્યો."
ક્રૂરતાના સૌથી વરવું ઉદાહરણમાં કહી શકાય તેમ તેમના કપાયેલા માથાને દક્ષિણનાં મુખ્ય શહેરોમાં ફેરવવામાં આવ્યું.
બીજી બાજુ શિવાજીના નાના પુત્ર રાજારામને રાજા બનાવવામાં આવ્યા. મોગલોએ તેમનો પીછો પણ છોડ્યો નહીં.
વૈભવ પુરંદરે લખે છે કે, મોગલોએ સંભાજીનાં પત્ની અને પુત્ર શાહુને બંદી બનાવી લીધાં હતાં.
રાજારામને તેમનાં પત્ની તારાબાઈ સાથે જિનજી કિલ્લામાં આશ્રય લેવો પડ્યો. આખરે 1697માં બંને જિનજીના કિલ્લામાંથી ભાગી જવામાં સફળ થયાં. ત્યાર બાદ તેમણે ઔરંગઝેબ સામે વળતો હુમલો કર્યો.
રાજારામનું 1699માં માત્ર ૩૦ વર્ષની ઉંમરે અવસાન થયું. પરંતુ તેમનાં પત્ની તારાબાઈએ ઔરંગઝેબ સામેની લડત ચાલુ રાખી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












