મોહન ભાગવત અને ઇંદ્રેશકુમારનાં નિવેદનો, ભાજપ અને સંઘ વચ્ચે ખરેખર ખટરાગ છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ભાગ્યશ્રી રાઉત
- પદ, બીબીસી માટે
લોકસભા ચૂંટણીનાં પરિણામો પછી હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બીજા નેતા ઇન્દ્રેશકુમારનું એક નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે સત્તાધારી પક્ષ ભાજપને 'અહંકારી' તથા વિપક્ષી ગઠબંધન 'ઇન્ડિયા'ને 'રામવિરોધી' ગણાવ્યાં છે.
આરએસએસની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય એવા ઇન્દ્રેશકુમારે કહ્યું હતું કે, "2024માં રામરાજ્યની લીલા જુઓ. જે લોકોમાં રામની ભક્તિ હતી અને ધીરેધીરે અહંકાર આવી ગયો, તેમને 240 બેઠકો પર રોકી દીધા. જેમણે રામનો વિરોધ કર્યો, તેમાંથી રામે કોઈને પણ શક્તિ ન આપી, કહ્યું- તમારી અનાસ્થાનો જ આ દંડ છે કે તમે ક્યારેય સફળ થઈ ન શકો."
કેટલાક દિવસ પહેલાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે પણ લોકસભા પરિણામોનાં કારણોનું વિશ્લેષણ કરતાં એક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, "જે મર્યાદાનું પાલન કરતાં-કરતાં કામ કરે છે, ગર્વ કરે છે પરંતુ અહંકાર કરતો નથી, એ જ સાચા અર્થમાં સેવક બનવાનો અધિકારી છે."
એવું મનાઈ રહ્યું છે કે તેમણે ભાજપના કથિત અહંકારને લઈને આ વાત કરી હતી.
એટલું જ નહીં તેમણે અનેક મુદ્દાઓ પર સત્તારૂઢ ભાજપ સરકારને સલાહ આપી હતી. તેમણે મણિપુરમાં થઈ રહેલી હિંસાનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે એ આપણું કર્તવ્ય છે કે આ હિંસાને હવે રોકી દેવામાં આવે.
લોકસભા ચૂંટણીનાં પરિણામોમાં ભાજપને પોતાના દમ પર આ વખતે બહુમતી મળી નથી. તેના કારણે અનેક સહયોગીઓ, સમર્થકો અને વિરોધીઓ ભાજપની ટીકા કરી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે ભાજપ માટે સૌથી મોટો ઝટકો એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન મનાય છે.

ચૂંટણીપરિણામો પછી મોહન ભાગવતનું ભાષણ અનેક સંદર્ભોમાં મહત્ત્વનું મનાય છે. તેની ચર્ચા દેશભરના મીડિયામાં થઈ અને હજુ પણ થઈ રહી છે. પરંતુ સંઘ તરફથી આ ટીકાનો સિલસિલો અટક્યો નહીં. આરએસએસના મુખપત્ર 'ઑર્ગેનાઇઝર'માં પણ ભાજપના નેતાઓની ટીકા કરવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઑર્ગેનાઇઝરે લખ્યું હતું કે, "લોકસભા ચૂંટણીનાં પરિણામો એ ભાજપના અતિ આત્મવિશ્વાસી નેતાઓ અને કાર્યકર્તાઓ માટે અરીસો છે. દરેક લોકો ભ્રમમાં હતા. કોઈએ લોકોનો અવાજ સાંભળ્યો નહીં." સંઘના સદસ્ય રતન શારદાએ આ લેખ લખ્યો છે અને ભાજપ તથા મોદી સરકારની ટીકા કરી છે.
તો સ્વાભાવિકપણે એ સવાલ ઊઠે છે કે શું સંઘ અને ભાજપ વચ્ચે બધું બરાબર છે કે નહીં? આ સવાલ એટલા માટે પણ પૂછવામાં આવી રહ્યો છે કારણ કે તેની સાથે એક ઘટના પણ જોડાયેલી છે.
લોકસભા ચૂંટણીના શરૂઆતના કોઈ તબક્કા પછી પ્રચાર દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ઇન્ડિયન ઍક્સપ્રેસને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, "ભાજપને હવે સંઘની જરૂર નથી."
એ સર્વવિદિત છે કે દેશભરમાં ફેલાયેલું સંઘનું તંત્ર, પારિવારિક સંસ્થાઓ, તેની સાથે જોડાયેલા લોકો કઈ રીતે ચૂંટણીમાં ભાજપને મદદ કરે છે. પછી તેમણે ચૂંટણીમાં આવું નિવેદન કેમ કર્યું હતું?
ચૂંટણીપરિણામો જાહેર થતાં જ મોહન ભાગવતે જ મોદી સરકારની ટીકા કરી હતી અને એ પછીના દિવસે જ આરએસએસના મુખપત્રે ભાજપના નેતાઓની ટીકા કરી હતી.
કયા મુદ્દાઓને લઈને બોલ્યા મોહન ભાગવત?
મોહન ભાગવત જાહેરમાં માત્ર બે વાર બોલે છે. એક વિજયાદશમીના અવસરે અને બીજું સંઘના કાર્યકર્તાની વિકાસકક્ષાઓ પછી, જોકે તેમાં તેઓ ક્યારેય રાજકીય સલાહ કે નિવેદન આપતા નથી. પરંતુ, આ વખતે તેમણે ચૂંટણીપરિણામો પછી તરત જ કારોબારી વિકાસ વર્ગ-2ના સમાપન ભાષણમાં ભાજપના વરિષ્ઠ નેતાઓને આડકતરી રીતે સલાહ આપી હતી.
તેમનું ભાષણ થોડું આક્રમક હતું, જેમાં તેમણે ચાર મુખ્ય વાતો કહી.
પહેલું મણિપુર પરનું તેમનું નિવેદન છે. જેમાં તેમણે કહ્યું, 'વિકાસ માટે દેશમાં શાંતિ જરૂરી છે. દેશમાં અશાંતિ છે અને કામ થઈ રહ્યું નથી. દેશનો મહત્ત્વનો હિસ્સો મણિપુર એક વર્ષથી સળગી રહ્યો છે. મણિપુરમાં નફરતથી અરાજકતા ફેલાઈ છે.
તેમણે વર્તમાન એનડીએ સરકારને સલાહ આપી હતી કે ત્યાં હિંસા રોકવી એ સરકારની પ્રાથમિકતા હોવી જોઈએ. બીજું, પીએમ મોદી હંમેશાં પોતાને પ્રધાન સેવક કહે છે. સરસંઘચાલકે પોતાના ભાષણમાં સેવક શબ્દનો ઉલ્લેખ કર્યો હતો.

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભાગવતે કહ્યું, "દેશને નિસ્વાર્થ સેવા અને સાચી સેવાની જરૂર છે. જે મર્યાદાનું પાલન કરે છે તેમનામાં અહંકાર હોતો નથી અને તેઓ સેવક તરીકે ઓળખાવાના હકદાર હોય છે."
રાજકારણના જાણકાર લોકો માને છે કે આ આડકતરી રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કહેવામાં આવ્યું હતું.
ત્રીજું, મોહન ભાગવતે વિરોધપક્ષને લઈને પણ નિવેદન આપ્યું. તેમણે કહ્યું, "શાસક પક્ષ અને વિપક્ષના અલગ-અલગ અભિપ્રાય છે. મૂળભૂત રીતે આપણે વિપક્ષ શબ્દનો ઉપયોગ કરવો જોઈએ, વિરોધ શબ્દનો નહીં. તેઓ સંસદમાં તેમના વિચારો વ્યક્ત કરે છે. તેનું પણ સન્માન કરવું જોઈએ. ચૂંટણીની એક મર્યાદા હોવી જોઈએ. પરંતુ, આ વખતે જોવા મળ્યું ન હતું."
ચોથું, ચૂંટણીપ્રચાર સંબંધિત નિવેદન હતું. તેમણે કહ્યું, "ચૂંટણી એ યુદ્ધ નથી પણ એક સ્પર્ધા છે. તેની મર્યાદા હોવી જોઈએ. ખોટનો સહારો લેવાથી કામ ચાલતું નથી. પ્રચારમાં ટીકા થઈ હતી અને સમાજમાં નફરત પેદા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કોઈ પણ કારણ વગર સંઘ જેવી સંસ્થાઓને પણ તેમાં ખેંચી લેવાની કોશિશ થઈ."
"ટેકનૉલૉજીની મદદથી ખોટ ફેલાવવું એ યોગ્ય નથી. ભલે કેન્દ્રમાં એનડીએ સરકાર પરત આવી હોય, પરંતુ દેશ સામેના પડકારોનો અંત આવ્યો નથી."
મોહન ભાગવતે 10મી જૂનની રાત્રે આ ભાષણ આપ્યું હતું અને તેના બીજા જ દિવસે 11મી જૂને આરએસએસ સાથે જોડાયેલ મૅગેઝિન 'ઑર્ગેનાઈઝર'એ ભાજપના વરિષ્ઠ નેતાઓને અરીસો બતાવવાનું કામ કર્યું હતું.
'ઑર્ગેનાઈઝર'માં શું લખવામાં આવ્યું છે?
ઑર્ગેનાઈઝરમાં છપાયેલા લેખમાં કહેવામાં આવ્યું છે કે, "ભાજપે આરએસએસનું કામ નથી કર્યું. પરંતુ, ભાજપ એક મોટી પાર્ટી છે અને તેમના પોતાના કાર્યકર્તાઓ છે. તેઓ પાર્ટીની કામગીરી, તેની વિચારધારા લોકો સુધી પહોંચાડી શકે છે."
"ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધારવા માટે સંઘ જનજાગૃતિનું કામ કરી રહ્યો છે. પરંતુ, ભાજપના કાર્યકરોએ સંઘ સુધી તેમની વાત નહોતી પહોંચાડી. તેમણે સ્વયંસેવકોને ચૂંટણીમાં સહકાર આપવાનું પણ કહ્યું ન હતું. તેમણે આવું શા માટે કર્યું?"
આ લેખમાં મહારાષ્ટ્રમાં જોડતોડના રાજકારણ પર પણ ભાજપની ટીકા કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રમાં આ પ્રકારના રાજકારણને ટાળી શકાયું હોત. 'મોદીની ગૅરંટી, અબકી બાર 40 પાર'ના 'ઓવરકૉન્ફિડન્સ'માં ભાજપના કાર્યકરો મસ્ત હોવાનું પણ કહેવામાં આવ્યું હતું.
લેખમાં સવાલ ઉઠાવવામાં આવ્યો હતો કે ભાજપ અને શિવસેનાને બહુમતી મળી રહી હતી તો પણ અજિત પવારને કેમ સાથે લેવામાં આવ્યા? જેમની સામે તેઓ વર્ષોથી લડ્યા હતા તેવા લોકોને સાથે લેવાથી ભાજપના સમર્થકોને દુઃખ થાય છે. એક જ ઝટકામાં તેની 'બ્રાન્ડ વેલ્યુ' ઘટાડવા બદલ ભાજપની આકરી ટીકા થઈ રહી છે.
આ નિવેદનો અને લેખો પહેલાં, સંઘની મશીનરીએ તેના સ્વયંસેવકો અને પદાધિકારીઓ પાસેથી ચૂંટણીપરિણામો વિશે 'ફીડબેક' એકત્રિત કર્યા હતા.
એક વરિષ્ઠ સ્વયંસેવક કે જેઓ આ ચૂંટણીના રાજકીય સંચાલનમાં વ્યવસાયિક રીતે પણ સંકળાયેલા હતા તેમની પાસેથી પણ આ 'ફીડબેક' લેવામાં આવ્યો હતો. તેમણે નામ ન આપવાની શરતે બીબીસી મરાઠીને કહ્યું, "સંઘના શાખાસ્તરેથી આ પ્રકારનો 'પ્રતિસાદ' આવી રહ્યો છે. આવો, રાષ્ટ્રીય કાર્યકારિણી સ્તરે આ કોઈ નવી વાત નથી."
"મતોની ટકાવારી કેમ ઘટી છે, સામાજિક એકતા પર શું અસર પડી છે, ચૂંટણીમાં શું નૅરેટિવ ચાલ્યું અને આવું પરિણામ કેમ આવ્યું વગેરે મુદ્દાઓ પર 'ફીડબેક' માંગવામાં આવ્યો હતો. આ વાત ભાજપ અને તેની સાથે જોડાયેલા લોકોને પણ લાગુ પડે છે.
જોકે, પરિણામને ધ્યાનમાં રાખીને ભાગવતના નિવેદનની વધુ ચર્ચા થઈ રહી છે. પરંતુ આ પહેલી વાર નથી જ્યારે તેમણે આવી ટીકા કરી હોય. ભાગવતે એ મુદ્દાઓ પર ટિપ્પણી કરી છે જેના પર મોદી સરકાર અગાઉ પણ મૌન રહી હતી. માત્ર ભાગવત જ નહીં પરંતુ તેમના પૂર્વે અનેક સરસંઘના નેતાઓએ પણ જાહેરમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.
મોહન ભાગવતે પહેલાં શું નિવેદન આપ્યું હતું?

ઇમેજ સ્રોત, ANI
મણિપુરનો મુદ્દો જ્યારે હેડલાઇનોમાં રહ્યો હતો ત્યારે વડા પ્રધાન મોદીએ તેના પર કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. વિપક્ષે વડા પ્રધાન મોદીના નિવેદનની માંગ કરી હતી અને સંસદમાં હોબાળો કર્યો હતો. કેટલાક સાંસદોને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. પરંતુ સરકાર તરફથી કોઈ મણિપુરના મુદ્દે વાત કરવા તૈયાર ન હતું. એ સમયે મોહન ભાગવતે 2023માં દશેરાના ભાષણમાં મણિપુર વિશે ટિપ્પણી કરી હતી.
તેમણે કહ્યું હતું કે, "મણિપુરમાં હિંસા કોણે ભડકાવી? આ હિંસા આપમેળે નહોતી થઈ અથવા તો કરવામાં આવી ન હતી. અત્યાર સુધી તો મૈતેઈ અને કુકી સમુદાયના લોકો સાથે જ રહેતા હતા."
ભાગવતે કહ્યું હતું કે આ સરહદી રાજ્ય છે અને જો અહીં હિંસા થાય છે તો આપણે વિચારવું જોઈએ કે તેનો ફાયદો કોને થઈ રહ્યો છે.
મોહન ભાગવતે અનામતની સમીક્ષા કરવાની જરૂરિયાત પણ વ્યક્ત કરી હતી. કોને અને કેટલા સમય સુધી અનામતનો લાભ મળે તે નક્કી કરવા માટે તેમણે એક કમિટી બનાવવાની દરખાસ્ત કરી હતી. ત્યારપછીની બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પણ આ જ મુદ્દાનું પ્રભુત્વ રહ્યું હતું.
એવો પ્રચાર કરવામાં આવ્યો કે સંઘ અનામતનો અંત લાવવા માંગે છે. ભાજપ પર પણ તેની અસર જોવા મળી હતી. ત્યારબાદ અનામતના સમર્થનમાં મોહન ભાગવતનું નિવેદન આવ્યું, જે તેમના અગાઉના નિવેદન અને સંઘના કેટલાક અધિકારીઓના સ્ટેન્ડથી વિપરીત હતું.
તેમણે કહ્યું, "જ્યાં સુધી સમાજમાં ભેદભાવ છે, ત્યાં સુધી અનામત અકબંધ રહેવી જોઈએ. બંધારણ મુજબ જે કંઈ અનામત છે તે રહેવી જોઈએ, સંઘ તેનું સમર્થન કરે છે."
સંઘ અને ભાજપ વચ્ચેના મતભેદો અગાઉ પણ પ્રકાશમાં આવ્યા છે. અગાઉ પણ સંઘના તત્કાલીન નેતા કે. એસ. સુદર્શને અટલ બિહારી વાજપેયી સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી."
વાજપેયી સરકાર અને સંઘ વચ્ચે તણાવ

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2000 દરમિયાન અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન હતા. પરંતુ વર્ષ 2004ની લોકસભા ચૂંટણીમાં ભાજપની હાર થઈ. ત્યારે સંઘના તત્કાલીન પ્રમુખ કે.એસ.સુદર્શને એનડીટીવીને ઇન્ટરવ્યૂ આપ્યો હતો.
એ સમયે તેમણે અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીની ખુલીને ટીકા કરી હતી.
વડા પ્રધાન તરીકે વાજપેયીના કાર્યકાળની ટીકા કરતાં તેમણે કહ્યું હતું કે, "મને નથી લાગતું કે તેમણે તેમના કાર્યકાળ દરમિયાન ઘણું બધું કામ કર્યું. તેમણે કેટલાક સારા નિર્ણયો લીધા, પરંતુ તેમણે બધાની સાથે હળીમળીને કામ કરવું જોઈતું હતું. પરંતુ તેમણે એવું ન કર્યું."
"અમને એ પસંદ નથી આવ્યું કે તેમણે વીએચપી, બજરંગદળ, વિદ્યાર્થી પરિષદ, ભારતીય મજદૂર સંઘ સાથે વાતચીત બંધ કરી દીધી હતી. હવે વાજપેયી અને અડવાણીએ સંન્યાસ લઈ લેવો જોઈએ અને નવી નેતાગીરીને મોકો આપવો જોઈએ."
એટલું જ નહીં તેમણે વાજપેયીના પરિવારની પણ ટીકા કરી હતી. સુદર્શને સરકારી કામકાજમાં દખલ દેવા માટે વાજપેયીના જમાઈ રંજન ભટ્ટાચાર્યની પણ ટીકા કરી હતી. એ સમયે ભાજપ અને સંઘના નેતાઓ વચ્ચે તણાવપૂર્ણ સંબંધો હતા.
જોકે, વર્ષોથી સંઘ પર રિપોર્ટિંગ કરનારા પત્રકારોનું કહેવું છે કે નાગપુરમાં સંઘ શિક્ષાવર્ગના સમાપન પર મોહન ભાગવતનું ભાષણ ગત કેટલાક વર્ષોમાં આપેલાં ભાષણો કરતાં વધુ આક્રમક હતું.
નડ્ડાના નિવેદનોથી સંઘ નારાજ હતો?

ઇમેજ સ્રોત, ANI
ચૂંટણી વખતે કોઈએ કશું જ કહ્યું ન હતું. વિશેષરૂપે ચૂંટણી દરમિયાન 17મેના રોજ 'ઇન્ડિયન ઍક્સપ્રેસ' અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કહ્યું હતું કે, "ભાજપને હવે સંઘની જરૂર નથી. ભાજપ રાજકીય નિર્ણયો લેવામાં સક્ષમ છે."
એ સમયે ન તો ભાજપ તરફથી કોઈ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું હતું કે ન તો આરએસએસ તરફથી કોઈએ આ મુદ્દે નારાજગી વ્યક્ત કરી હતી. પરંતુ જેવાં ચૂંટણીપરિણામો જાહેર થયાં કે તરત જ મોહન ભાગવતનું નિવેદન આવી ગયું.
એવામાં સવાલ ઊઠે છે કે ભાગવતનું નિવેદન નડ્ડાની નારાજગીના કારણે આવ્યું છે? શું તેનો જવાબ હવે આરએસએસએ આપ્યો છે?
નાગપુર લોકસત્તાના તંત્રી દેવેન્દ્ર ગાવંડેનું કહેવું છે કે નડ્ડાના નિવેદનથી સંઘના અનેક સ્વયંસેવકોને ઠેસ પહોંચી છે.
બીબીસી મરાઠી સાથે વાત કરતાં તેમણે કહ્યું, "એક અભિયાન ચલાવવામાં આવ્યું કે સંઘના લોકો ચૂંટણીમાં કામ નથી કરતા. ભાજપના લોકો જ્યારે એકલાં હોય ત્યારે આ પ્રકારની વાતો કરતા હતા. તેમાં ચૂંટણી દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું એ નિવેદન સામે આવ્યું. આ નિવેદનથી તણાવ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો."
જોકે, નાગપુરમાં આરએસએસ, ભાજપ અને રાજકારણ પર રિપોર્ટિંગ કરનાર પત્રકાર વિકાસ વૈદ્યનો મત અલગ છે.
તેઓ કહે છે, "જેપી નડ્ડાએ જે નિવેદન આપ્યું છે તેમાં ભાજપ અને આરએસએસની સહમતિ છે. એટલે સંઘના નારાજ થવાનો કોઈ સવાલ જ ઉત્પન્ન થતો નથી. જો સંઘને કોઈ આપત્તિ હોત તો તે એ જ સમયે તેની સામે નારાજગી વ્યક્ત કરત. ભાજપે પણ એ અંગે સ્પષ્ટીકરણ આપ્યું હોત. પરંતુ એવું કંઈ જ થયું નહીં."
ભાજપ અને સંઘ વચ્ચે શું કોઈ ટકરાવ છે?

ઇમેજ સ્રોત, Getty Images
જો મહારાષ્ટ્ર વિધાનસભાનું સત્ર હોય, તો ભાજપના તમામ ધારાસભ્યોને વિશેષ સૂચનાઓ જાહેર કરવામાં આવે છે અને તેમને રેશિમબાગ ખાતેના સ્મારકસ્થળ પર શ્રદ્ધાંજલિ આપવા માટે બોલાવવામાં આવે છે. પરંતુ, મોદી સરકાર છેલ્લાં 10 વર્ષથી સત્તામાં છે. ઘણા કાર્યક્રમોનું ઉદ્ઘાટન કરવા માટે મોદી પોતે નાગપુર આવ્યા છે. પરંતુ, નાગપુરમાં ચર્ચા એ વાતની છે કે તેઓ ક્યારેય આરએસએસ મુખ્યાલય કે સ્મારકસ્થળની મુલાકાતે ગયા નથી.
રાજકીય વિશ્લેષક સુહાસ પલશીકર એવું માનતા નથી કે ભાજપ અને આરએસએસ વચ્ચે કોઈ સંઘર્ષ છે. તેઓ કહે છે, "મને નથી લાગતું કે ભાજપ અને સંઘ વચ્ચે કોઈ મૂળભૂત મતભેદો છે. બંનેએ જે મુદ્દાઓ પર કામ કરવાનું છે તેના પર સહમતિ છે."
પલશીકરે જણાવ્યું હતું કે તેમના વચ્ચેના વર્તમાન કરારને સાંસ્કૃતિક ક્ષેત્રમાં યુનિયનો અને સંલગ્ન સંગઠનોની સ્વતંત્રતા તથા વહીવટી અને આર્થિક નીતિઓના ક્ષેત્રમાં ભાજપની સ્વાયત્તતા તરીકે જોવામાં આવે છે.
તેમના મતે, ભાજપ અને સંઘ જે સામાજિક અને સાંસ્કૃતિક સર્વોપરિતા સ્થાપિત કરવા માંગે છે તેના પર તેઓ ખૂબ સ્પષ્ટ છે. પરંતુ શક્ય છે કે સરકાર કેવી રીતે ચલાવવામાં આવે છે તેના પર તેમના મતભેદ હોય.
દરેક ચૂંટણીમાં સંઘ અને ભાજપ વચ્ચે સમન્વય રહેતો હતો. પરંતુ દેવેન્દ્ર ગાવંડે કહે છે તેમ તેણે આ ચૂંટણીમાં ભાગ લીધો ન હતો.
તેઓ કહે છે, "સંઘને ભાજપથી કોઈ ફરિયાદ નથી. પરંતુ મોદીનો ભાજપ નારાજ છે. કારણ કે સંઘ એક સીધી રેખામાં ચાલે છે. તેથી, સંઘ ભાજપની ખંડિત રાજનીતિ અને તેનાથી ભાજપની ઈમેજ ખરડાય તેની સાથે સહમત નથી. ભાગવતનાં નિવેદનો તેના કારણે જ આવ્યાં હશે. પણ તેનો મતલબ એ નથી કે તેમના વચ્ચે કોઈ મતભેદ છે. હા, થોડો તણાવ જરૂર છે."
વિકાસ વૈદ્ય પણ સહમત છે કે તેઓ જોડતોડની રાજનીતિથી સંતુષ્ટ નથી. પરંતુ, તેઓ ભારપૂર્વક કહે છે કે સંઘ અને ભાજપ વચ્ચે કોઈ મતભેદ નથી. તેઓ કહે છે, "જો સંઘ મોદીથી નારાજ હોત તો ભાગવતે તેમનું નામ સીધું જ લીધું હોત. સંઘ ભાજપનો અગ્રજ છે. તેથી પોતાને પાછળ હઠવું પડે એ સંઘને સ્વીકાર્ય નથી. સંઘને ભાજપ સાથે લગાવ છે. તેથી જ મોહન ભાગવત આગળ આવ્યા છે."
જોકે, નાગપુર લોકમતના સંપાદક શ્રીમંત માને ભાજપને સલાહ આપવી, વિરોધીઓને પ્રતિસ્પર્ધી ગણવા, તેમના અભિપ્રાયોને સન્માન આપવું વગેરે નિવેદનો પર શંકા વ્યક્ત કરે છે અને તેના ટાઇમિંગ પર સવાલ ઉઠાવે છે. તેમનું માનવું છે કે આ સંઘને સંતુલિત કરવાનો પ્રયાસ છે.
તેઓ કહે છે, "ભાજપે જીતેલી બેઠકો પર મતદાનની ટકાવારી ઘટી છે. વિપક્ષની તાકાત વધી રહી છે. આ પૃષ્ઠભૂમિમાં, શું સંઘ એ બતાવવાનો પ્રયાસ નથી કરી રહ્યો કે અમારો ઝુકાવ સંપૂર્ણપણે ભાજપ તરફ નથી?"
"છેલ્લાં 10 વર્ષથી તેઓ ભાજપના ઍજન્ડાને આગળ ધપાવી રહ્યા છે અને હવે તેઓ સંતુલન જાળવવાનો પ્રયાસ કરી રહ્યા છે જેથી કરીને તેઓ વિપક્ષના નિશાના પર ન આવે. ભાગવતે ચૂંટણી દરમિયાન એવું કેમ ન કહ્યું કે તેમણે વિપક્ષને પ્રતિસ્પર્ધક ગણવો જોઈએ, મણિપુર પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેઓ ચૂંટણી સુધી ચૂપ કેમ રહ્યા?"
હવે સવાલ એ છે કે જો સંઘ અને ભાજપ વચ્ચે બધું બરાબર નથી અને ભાજપ સંપૂર્ણપણે સંઘની સાથે નથી તો પછી આગળનાં રાજકીય પરિણામો શું આવશે?
ભાજપને સંઘની જરૂર પડી શકે છે, ખાસ કરીને ગઠબંધન સરકાર ચલાવતી વખતે તેની જરૂર છે. આગામી ચાર મહિનામાં મહારાષ્ટ્ર સહિત ત્રણ રાજ્યોમાં ચૂંટણીમાં પડકારજનક સ્થિતિને કારણે તેને ટીમવર્કની જરૂર પડશે. આવા સમયે મોહન ભાગવતના ભાષણ પરથી મોદી અને ભાજપ શું પગલા ભરે છે તેના પર સૌની નજર રહેશે.
ભાજપ નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીની તૈયારી પણ કરી રહ્યો છે. તે વિકલ્પ પરથી પણ સંઘ અને ભાજપ વચ્ચેના વર્તમાન સંબંધોનો અંદાજ લગાવી શકાશે.












