'રોમાન્સના કિંગ' અને હિન્દી ફિલ્મોના બ્રાન્ડ ઍમ્બેસૅડર શાહરુખ ખાનની કહાની

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી ન્યૂઝ
ભારતના લોકો વિશે કહેવાય છે કે ફિલ્મો માટે તેઓ પાગલ છે. દુનિયામાં સૌથી વધુ—લગભગ 1,500થી 2,000ની વચ્ચે—ફિલ્મો ભારતમાં બને છે.
તેમાંથી લગભગ 120થી 140 ફિલ્મ હિન્દીમાં હોય છે. ઘણાં અવલોકનોમાં એવો દાવો કરવામાં આવે છે કે આખા દેશની લગભગ 30,000 સ્ક્રીન્સ પર દરરોજ 1.5 કરોડ લોકો ફિલ્મો જુએ છે.
ભારતના લોકોમાં, ભલે તેઓ આ દેશમાં રહેતા હોય કે વિદેશમાં રહેતા હોય, શાહરુખ ખાનની મોટા પ્રમાણમાં ફૅન ફૉલોઇંગ છે.
તેમની લોકપ્રિયતા એટલી બધી છે કે લોકો પર્યટન સ્થળની જેમ મુંબઈમાં તેમના બંગલાને જોવા જાય છે.
ક્યારેક ક્યારેક શાહરુખ ખાન બંગલાના ટૅરેસ પર આવીને હાથ હલાવીને અભિવાદન કરીને પોતાના ચાહકોનું દિલ જીતી લે છે.

ઇમેજ સ્રોત, Getty Images
શાહરુખ ખાનનાં મૂળ પાકિસ્તાનના શહેર પેશાવરમાં છે.
જાણીતાં ફિલ્મ પત્રકાર અનુપમા ચોપડાએ શાહરુખ ખાનના જીવનચરિત્ર 'કિંગ ઑફ બૉલીવુડ શાહરુખ ખાન'માં લખ્યું છે, "પેશાવરમાં ઢાકી નાલ બંદી નામનો એક મહોલ્લો છે. ત્યાં એક ઘર છે, જ્યાં એક સમયે પૃથ્વીરાજ કપૂર રહેતા હતા. ત્યાંથી પાંચ મિનિટના અંતરે બીજો એક મહોલ્લો છે ડુમા ગલી, જ્યાંના એક ઘરમાં દિલીપકુમારનો જન્મ થયો હતો."
તેમણે લખ્યું છે, "આ બંને ઘરના વૉકિંગ ડિસ્ટન્સે એક બીજા મહોલ્લા શાહવાલી કતલની એક સાંકડી ગલીના મકાન નંબર 1147માં 1928માં શાહરુખ ખાનના પિતા મીર તાજમોહમ્મદનો જન્મ થયો હતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"1942માં જ્યારે ભારત છોડો આંદોલન શરૂ થયું, ત્યારે લગભગ 60 હજાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા લોકોમાં મીર અને તેમના ભાઈ ગામા પણ હતા."
"એ વિસ્તારની રાજકીય અશાંતિ મીરના અભ્યાસને અસર કરી શકે છે, એવું લાગતાં તેમના પરિવારજનોએ 1946માં તેમને દિલ્હી મોકલી દીધા હતા."
1947માં જ્યારે ભારતના ભાગલા થયા, ત્યારે મીર તાજમોહમ્મદ દિલ્હીમાં હતા, પરંતુ તેમનો પોતાનો કહી શકે એવો કોઈ દેશ નહોતો, કેમ કે, તેમની રાજકીય પ્રવૃત્તિઓ અને સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફારખાનની સાથે તેમની નિકટતાના કારણે તેમના પેશાવર જવા સામે પ્રતિબંધ હતો."
15 વર્ષની ઉંમરે પિતા ગુમાવ્યા

ઇમેજ સ્રોત, WARNER BOOKS
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સ્વતંત્ર ભારતમાં, મીર તાજમોહમ્મદ દેશના પહેલા શિક્ષણમંત્રી મૌલાના આઝાદ વિરુદ્ધ 1952માં ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેમાં તેઓ હારી ગયા.
આઝાદીનાં 13 વર્ષ પછી તેમની મુલાકાત હૈદરાબાદ નિવાસી ફાતિમા સાથે થઈ. ઘણી મહેનત પછી તેમણે તેમની સાથે લગ્ન કર્યાં. શાહરુખ ખાનનો જન્મ 2 નવેમ્બર 1965માં થયો હતો.
દિલ્હીના તલવાર નર્સિંગ હોમમાં તેમનો જન્મ થયો હતો. તેઓ મીર અને ફાતિમાના બીજા સંતાન હતા. એ જમાનામાં તેઓ દિલ્હીના રાજેન્દ્રનગર વિસ્તારમાં રહેતા હતા.
મોહર બસુએ શાહરુખ ખાનના જીવનચરિત્ર 'લિજેન્ડ, આઇકન, સ્ટાર શાહરુખ ખાન'માં લખ્યું છે, "શાહરુખના પિતા તેમને 'યાર' કહીને બોલાવતા હતા. શાહરુખનું બાળપણ એંગ્રી યંગ મૅન અમિતાભ બચ્ચનના જમાનામાં વીત્યું. તે સમયે તેઓ અમિતાભ બચ્ચનના ખૂબ મોટા ફૅન હતા."
"એ દિવસોમાં તેમનાં મિત્ર અમૃતાસિંહ તેમની સાથે અમિતાભ બચ્ચનની ફિલ્મો જોવા માટે જતાં હતાં. આ બંને પૈસા બચાવવા માટે ઘણી વાર હૉલમાં સૌથી આગળ બેસતાં હતાં."
"પછીથી તેમણે 1983માં આવેલી 'બેતાબ' ફિલ્મથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. શાહરુખ, તેમની મોટી બહેન શહનાઝ અને અમૃતા એક જ સ્કૂલમાં ભણતાં હતાં."
"અમૃતાએ તેમને સ્વિમિંગ શીખવવાની ખૂબ કોશિશ કરી, પરંતુ તેમાં તેઓ સફળ ન થયાં. જ્યારે શાહરુખ માત્ર 15 વર્ષના હતા, ત્યારે તેમના પિતાનું કૅન્સરની બીમારીથી મૃત્યુ થયું હતું."
શાહરુખ ખાન અને સ્કૂલનાં તોફાનો

ઇમેજ સ્રોત, HARPER COLLINS
1972માં દિલ્હીની પ્રખ્યાત સૅન્ટ કોલંબસ સ્કૂલમાં શાહરુખ ખાનનું ઍડ્મિશન કરાવવામાં આવ્યું હતું. સ્કૂલમાં નખ ચોખ્ખા અને વાળ ટૂંકા રાખવાના નિયમ ખૂબ કડક હતા.
લાંબા વાળ રાખનાર વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી સીધા ગોલ માર્કેટની પાસે વાળ કાપવાની દુકાને મોકલવામાં આવતા હતા. મોટા વાળ રાખનાર શાહરુખને ઘણી વાર એ દુકાને મોકલવામાં આવતા હતા.
11મા ધોરણમાં પહોંચતાં સુધીમાં શાહરુખની હિંમત વધી ગઈ હતી. એક દિવસ જ્યારે ક્લાસમાં આળસ આવવા લાગી, તો શાહરુખે આંચકી આવવા (વાઈ)નું નાટક કર્યું.
શિવનાથ ઝાએ પોતાના પુસ્તક 'શાહરુખ ખાન હિઝ ઇનક્રેડિબલ જર્ની ફ્રૉમ ચાઇલ્ડહુડ ટૂ સુપરસ્ટારડમ'માં લખ્યું છે, "શાહરુખ જમીન પર પડી ગયા અને તેમના મોંમાંથી ફીણ નીકળવા લાગ્યું. તેમના સહાધ્યાયીઓએ શિક્ષકને મનાવી લીધા કે શાહરુખને ચામડાનું જૂતું સૂંઘાડીને જ ભાનમાં લાવી શકાશે."
"તે સમયે શિક્ષકે ચામડાનાં જૂતાં પહેરેલાં હતાં. તેમણે તરત પોતાનું એક જૂતું કાઢીને આપી દીધું. બધા છોકરા શાહરુખને ડૉક્ટરને બતાવવાનું બહાનું કરીને શિક્ષકનાં જૂતાં સાથે ક્લાસની બહાર નીકળી ગયા."
"એ બધા આખો દિવસ સ્કૂલની બહાર ધિંગામસ્તી કરતા રહ્યા અને તેમના શિક્ષકે આખો દિવસ એક જૂતા વગર ખુલ્લા પગે વિતાવવો પડ્યો."
બૅરી જૉનની છત્રછાયામાં શાહરુખનો અભિનય

ઇમેજ સ્રોત, SHIVNATH JHA
શાહરુખને અભિનયનો એટલો બધો શોખ હતો કે તેઓ દિલ્હીની રામલીલા સમિતિ 'રામચંદ્ર છાબડા'ની રામલીલામાં અભિનય કરતા હતા.
તેમણે ડૅવિડ લેટરમૅનના ટીવી કાર્યક્રમ 'માય નેક્સ્ટ ગેસ્ટ'માં જણાવ્યું હતું કે તેમનો રોલ એટલો નાનો રહેતો હતો કે હનુમાનની લાઇન 'સિયાપતિ રામચંદ્ર કી…' પછી તેમણે માત્ર 'જય' બોલવાનું હતું.
સૌથી પહેલાં, દિલ્હીના એક નાટ્યકર્મી અને થિયેટર આર્ટ ગ્રૂપના સંસ્થાપક બૅરી જૉને શાહરુખને કહ્યું હતું કે તેમણે ફિલ્મોમાં કામ કરવું જોઈએ. તેમણે તેમના એક નાટક 'એની ગેટ યૉર ગન'માં કામ કર્યું હતું.
એ જમાનામાં પણ શાહરુખ પોતાના અભિનયથી લોકોનું ધ્યાન ખેંચતા હતા. તેમના અભિનયમાં કુદરતી અંદાજ હતો. જોકે, તેઓ હજુ અભિનયનો કક્કો શીખતા હતા, પરંતુ તેમના સાથીદારો માનતા હતા કે તેઓ ખૂબ આગળ વધશે.
ટીએજીના ડાયરેક્ટર સંજય રૉયે કહ્યું હતું, "કદાચ શાહરુખ એ સમયના સૌથી સારા અભિનેતા નહોતા, પરંતુ ત્યારે પણ તેમનામાં એક સ્ટાર બનવાનાં બધાં લક્ષણ હતાં. એ દિવસોમાં પણ તેમના વ્યક્તિત્વમાં એક જન્મજાત છાપ જોવા મળતી હતી."
સૌથી પહેલાં તેમણે એક શૉર્ટ ફિલ્મ 'ઇન વિચ એની ગિવ્સ ઇટ ધોઝ વન'માં કામ કર્યું હતું. તેને પ્રદીપ કૃષ્ણએ દિગ્દર્શિત કરી હતી અને એ ફિલ્મનાં હીરોઇન હતાં પ્રખ્યાત લેખિકા અરુંધતી રૉય.
આ ફિલ્મમાં શાહરુખના માત્ર ચાર સીન હતા અને તેમના પાત્રને કોઈ નામ આપવામાં નહોતું આવ્યું. એ સમયે શાહરુખ દિલ્હીની હંસરાજ કૉલેજમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ કરતા હતા, પરંતુ અભ્યાસની સાથોસાથ બૅરી જૉન તેમને અભિનયની કલા પણ શીખવી રહ્યા હતા.
'ફૌજી' સિરિયલ દ્વારા રાષ્ટ્રીય ઓળખ મળી

ઇમેજ સ્રોત, SHIVNATH JHA
ટેલિવિઝન સિરિયલ 'ફૌજી'થી શાહરુખને પહેલી વખત રાષ્ટ્રીય ઓળખ મળી.
એ સમયે શાહરુખ બીજી એક સિરિયલ 'દિલ દરિયા'માં પણ કામ કરતા હતા અને લંચ બ્રેક દરમિયાન 'ફૌજી'નું શૂટિંગ કરતા હતા.
મોહર બસુએ લખ્યું છે, "'ફૌજી'ના ઑડિશન વખતે શાહરુખનો ઘણો અઘરો ટેસ્ટ લેવામાં આવ્યો હતો. સવારના પહોરમાં ખૂબ વહેલા ઊંઘમાંથી જગાડીને તેમને દોઢ માઈલ સુધી દોડાવ્યા હતા."
"તેના તરત પછી તેમની એક બૉક્સિંગ હરીફાઈ કરાવવામાં આવી હતી. શાહરુખે પોતાની શિસ્ત દ્વારા દરેકનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. ઘણા બધા લોકોએ અધવચ્ચે જ દોડ છોડી દીધી, પરંતુ શાહરુખ અડગ રહ્યા."
"શરૂઆતમાં શાહરુખને એક નાના રોલ માટે પસંદ કરાયા હતા અને લીડ રોલ સિરિયલના પ્રોડ્યૂસર કર્નલ રાજ કપૂરના પુત્રએ કરવાનો હતો. આ દૃષ્ટિએ શાહરુખ ખૂબ ભાગ્યશાળી હતા કે તેઓ યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ હતા."
'ફૌજી'નાં લેખિકા અને અભિનેત્રી અમીના શેરવાનીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે 'ફૌજી'નો એક એપિસોડ બનાવવા માટે બે લાખ રૂપિયા થતા હતા, જે તે જમાનામાં ખૂબ મોટી રકમ ગણાતી હતી.
'ધ પ્રિન્ટ'ને આપેલા ઇન્ટરવ્યૂમાં શેરવાનીએ જણાવ્યું હતું, "મને યાદ છે, સેનાએ અમને શૂટિંગ માટે સ્ટેનગન અને બીજાં સાધનો આપવાનાં હતાં, પરંતુ તેમણે અમને હાથ પણ અડાડવા ન દીધો."
"કોઈક રીતે અમે એક કમાન્ડો દ્વારા તૂટેલી સ્ટેનગનની વ્યવસ્થા કરાવી. અમે તેના ઍલ્યુમિનિયમના 12 નમૂના બનાવ્યા, જે બિલકુલ અસલી જેવા દેખાતા હતા."
"એક દિવસ અમે તે હથિયારોને ઑટોમાં લઈ જતાં હતાં, એવામાં એક પોલીસવાળાએ અમને રોક્યા. એ તો નસીબ સારું હતું કે અગાઉ અમે દિલ્હી પોલીસ માટે એક ફિલ્મ બનાવી ચૂક્યા હતા, તેથી પોલીસ કમિશનરને ખબર હતી કે અમે શું કરી રહ્યા છીએ."
"અમારો સૌથી મોટો પડકાર શાહરુખને પોતાના વાળ કપાવવા માટે મનાવવાનો હતો. એ માટે તેઓ બિલકુલ તૈયાર નહોતા. ઘણી મહેનત પછી તેઓ તૈયાર થયા. પરંતુ 'ફૌજી'ના શૂટિંગને જોવું એક સુપરસ્ટારના ઉદયને જોવા જેવું હતું."
વેશભૂષા અને દેખાવને નજરઅંદાજ કર્યાં

ઇમેજ સ્રોત, Getty Images
જ્યારે શાહરુખ અભિનય ક્ષેત્રમાં કામ શોધવા માટે મુંબઈ ગયા, ત્યારે તેમનું બૉડી જિમ-ટોન્ડ પ્રકારનું નહોતું.
'ચમત્કાર' ફિલ્મમાં શાહરુખના ડાયરેક્ટર રહેલા રાજીવ મહેરાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું, "એ દિવસોમાં શાહરુખ પોતાના લૂક પર ખાસ ધ્યાન નહોતા આપતા. એ દિવસોમાં તેમની પાસે પોતાના વાળ માટે જેલ ખરીદવાના પૈસા પણ નહોતા."
"તેથી તેઓ પોતાના વાળને કૅમલિન ગુંદર અને પાણીથી ચોંટાડતા હતા. તેમની આંખોની ચારેબાજુ ખાડા હતા, કેમ કે તેઓ રાત્રે 2:00 વાગ્યા પહેલાં ક્યારેય સૂવા નહોતા જતા."
પ્રોડ્યૂસર જીપી સિપ્પીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, "એ દિવસોમાં શાહરુખના વાળ સૂકા-બરછટ હતા. તેઓ ફિલ્મી હીરો જેવા જરાય નહોતા દેખાતા. આમિર અને સલમાનની જેમ તેમની ત્વચાનો રંગ પણ ગોરો નહોતો."
"એ સમય સુધી એક પણ ટેલિવિઝન સ્ટારે ફિલ્મોમાં સફળ એન્ટ્રી નહોતી કરી, પરંતુ તેમનો ટેલિવિઝન રિઝ્યૂમે તેમના માટે વરદાન સાબિત થયો અને બીબાઢાળ વ્યક્તિત્વ કરતાં તેમનું વ્યક્તિત્વ અલગ હોવા છતાં તેમને ઝડપથી ફિલ્મોની ઑફર મળવા લાગી."
ગૌરી છિબ્બર સાથે લગ્ન

શાહરુખ જ્યારે 18 વર્ષના હતા, ત્યારે ગૌરીને પહેલી વાર મળ્યા હતા. ગૌરી ત્યારે માત્ર 14નાં હતાં.
તેઓ પંચશીલ પાર્કના ખૂબ સમૃદ્ધ પરિવારનાં હતાં. શાહરુખ હિસ્ટરીની નોટ્સ બનાવવામાં તેમને મદદ કરતાં હતાં. તેમણે તેમને ડ્રાઇવિંગ પણ શિખવાડ્યું હતું.
ગૌરીનાં માતા-પિતાએ શાહરુખ સાથેનાં લગ્નનો વિરોધ કર્યો હતો, પરંતુ આખરે શાહરુખ તેમને મનાવવામાં સફળ થયા હતા. બંનેનાં લગ્ન હિન્દુ રીતરિવાજ અને કોર્ટ મૅરિજ, બંને પ્રકારે થયાં હતાં.
મોહર બસુએ લખ્યું છે, "લગ્ન સુધી પહોંચ્યા સુધીમાં શાહરુખ ગૌરીના ઘરના લોકોમાં પ્રિય થઈ ગયા હતા. ગૌરીના પરિવાર તરફથી સંબંધોમાં સુધારાનો પહેલો સંકેત ત્યારે મળ્યો, જ્યારે ગૌરીનાં માતાએ તેમની પ્રશંસા કરતાં કહ્યું, 'મને ખબર નહોતી કે તમે દેખાવમાં આટલા સુંદર છો'."
"જ્યારે વિદાયનો સમય આવ્યો ત્યારે ગૌરી કારમાં બેસતાં જ રડવા લાગ્યાં. તેમનાં માતા, પિતા અને ભાઈઓએ પણ રડવાનું શરૂ કરી દીધું. શાહરુખે અચાનક ગંભીર થતાં કહ્યું, 'જો તમને બધાને ગૌરીના જવાનું આટલું બધું દુઃખ હોય, તો તમે તેને તમારી પાસે રાખો. હું તેને મળવા આવતો રહીશ'."
'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'એ સ્ટાર બનાવ્યા

ઇમેજ સ્રોત, Getty Images
બૉલીવુડમાં શાહરુખની પહેલી ફિલ્મ હતી, 'દીવાના'; પરંતુ જે ફિલ્મે તેમને રાષ્ટ્રીય ઓળખ આપી, એ હતી 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'.
2001માં આ ફિલ્મે એક સિનેમા હૉલમાં સતત ચાલતી 'શોલે'નો રેકૉર્ડ તોડી નાખ્યો હતો. 'શોલે' સતત પાંચ વર્ષ સુધી ચાલી હતી.
એક અનુમાન અનુસાર, 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'ના સાઉન્ડ ટ્રૅકની લગભગ 2.5 કરોડ કૉપીઓ વેચાઈ હતી.
અનુપમા ચોપડાએ લખ્યું છે, "જ્યારે જ્યારે આ ફિલ્મે કોઈ પણ માઇલ સ્ટોન પાર કર્યો – પહેલાં પાંચ વર્ષ, પછી 100 વીક, પછી 10 વર્ષ – દર વખતે એ પ્રસંગને કવર કરવા માટે પત્રકારોનાં ટોળાં મરાઠા મંદિરે એકઠાં થઈ જતાં હતાં."
"આ બધા વચ્ચે શાહરુખની ઘણી બ્લૉકબસ્ટર્સ આવી, તેમને બે બાળકો થયાં; આદિત્ય ચોપડાનાં લગ્ન થયાં, છૂટાછેડા પણ થયા; કાજોલનાં પણ લગ્ન થયાં, તેમને એક પુત્રી પણ જન્મી, તેઓ ત્રણ વર્ષ માટે ફિલ્મોમાંથી રિટાયર થઈ ગયાં, તેઓ પરદા પર પાછાં પણ આવ્યાં; પણ, 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' સતત એક સિનેમા હૉલમાં ચાલતી રહી."
મહિલાઓમાં લોકપ્રિય

ઇમેજ સ્રોત, SHIVNATH JHA
1997માં આવેલી શાહરુખની ફિલ્મ 'દિલ તો પાગલ હૈ' પણ જોરદાર હિટ થઈ અને તેણે શાહરુખને ફીલ ગુડ સિનેમાના પોસ્ટર બૉય બનાવી દીધા.
શાહરુખે પોતાની ભૂમિકાઓ અને વ્યક્તિત્વથી મહિલાઓનાં દિલમાં પોતાનું એક અલગ સ્થાન બનાવ્યું. શાહરુખને પોતાની પત્નીના જમીનને અડી રહેલા ડ્રેસનો છેડો પકડવામાં સહેજે શરમ-સંકોચ નહોતાં.
તેઓ રસોડામાં સહજ રીતે જ પોતાની પ્રેમિકાની માના કામમાં મદદ કરતા જોવા મળતા હતા; છોકરીઓ માટે કારનો દરવાજો ખોલવો તેમના વ્યક્તિત્વનો અંશ હતો.
તાક્ષી મહેતાએ 'વૉગ ઇંડિયા'ના જૂન 2002ના અંકમાં '30 યર્સ ઑફ શાહરુખ ખાન' લેખમાં લખ્યું, "ખાન મહિલાઓને પુરુષોની 'ઑબ્જેક્ટ ઑફ ડિઝાયર'ની દૃષ્ટિથી નથી જોતા. તેમની આંખોમાં તેમના માટે હંમેશા આદર રહે છે."
'જબ હૅરી મૅટ સેજલ'ના પ્રમોશન દરમિયાન અપાયેલા ઇન્ટરવ્યૂમાં શાહરુખે કહેલું, "મને ખબર છે કે મહિલાઓને કઈ રીતે માન અપાય."
માધુરી દીક્ષિતે એક વાર તેમના વિશે કહેલું, "તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી સારી વ્યક્તિ છે. સારી હોવાનો મારો મતલબ તેઓ સજ્જ્ન છે એમ કહેવાનો છે."
"તેઓ ફિલ્મના સેટ પરથી ત્યાં સુધી નથી જતા, જ્યાં સુધી તેઓ એ ખાતરી ન કરી લે કે તેમની સાથે કામ કરતી મહિલા કલાકાર શૂટ પછી સુરક્ષિત પોતાના ઘરે જવા નીકળી ગઈ છે."
શાહરુખનો એક વીડિયો ખૂબ વાઇરલ થયો હતો, જેમાં તેઓ દિલીપકુમારના અંતિમ સંસ્કાર દરમિયાન લોકોનાં ટોળાંને નિયંત્રિત રાખવા માટે ફરજ બજાવતી મુંબઈ પોલીસના એક કૉન્સ્ટેબલને સલામ કરે છે.
ફ્લૉપ ફિલ્મો પછી કમ-બૅક

ઇમેજ સ્રોત, Getty Images
શાહરુખે 'કભી હાં કભી ના', 'કોયલા', 'પરદેશ', 'અશોકા', 'કભી ખુશી કભી ગમ', 'વીર-ઝારા' જેવી હિટ ફિલ્મો આપી.
જ્યારે 'રા.નવ', 'ડૉન 2', 'ફિર ભી દિલ હૈ હિંદુસ્તાની', 'ઝીરો' જેવી ફિલ્મો ફ્લૉપ થવાથી એવી ચર્ચાઓ થવા લાગી કે શાહરુખની શ્રેષ્ઠતા ભૂતકાળ બની ગઈ છે. પરંતુ દરેક વખતે તેમણે એક હિટ આપીને જોરદાર કમ-બૅક કર્યું.
તેમના વિશે કહેવાયું કે તેઓ બૉલીવુડના 'ટૅફલૉન મૅન' છે, જે નિષ્ફળ થતા નથી. 2005માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કરાયા. એ જ વર્ષે લંડનના જાણીતા મૅડમ તુસાદ મ્યૂઝિયમમાં તેમની મીણની પ્રતિમા મૂકવામાં આવી.
'માય નેમ ઇઝ ખાન' ફિલ્મે પણ શાહરુખની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ વધારી.
જાણીતા લેખક પાઉલો કોએલોએ ઍક્સ પર લખ્યું હતું, "શાહરુખ ખાન કિંગ, લિજેન્ડ અને ફ્રૅન્ડ છે. આ બધાથી વધારે તો તેઓ દિગ્ગજ અભિનેતા છે. પશ્ચિમમાં જે લોકો તેમને નથી ઓળખતા તેમને હું સલાહ આપીશ કે તેઓ તેમની ફિલ્મ 'માય નેમ ઇઝ ખાન' જુએ."
વિવાદોમાં શાહરુખ ખાન

ઇમેજ સ્રોત, Getty Images
2012માં કોલકાતા નાઇટ રાઇડર્સ અને મુંબઈ ઇન્ડિયન્સની મૅચ પછી શાહરુખ ખાને કથિત રીતે સુરક્ષાકર્મીઓ સાથે ગેરવર્તન કર્યું, ત્યાર પછી તેમના વાનખેડે સ્ટેડિયમમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવાયો.
જોકે, પછીથી શાહરુખ ખાને સ્પષ્ટતા કરી કે તેમણે એવું એટલા માટે કર્યું હતું, કેમ કે સુરક્ષાકર્મી તેમનાં બાળકો અને મિત્રો સાથે ખરાબ વર્તન કરતા હતા.
આની પહેલાં જયપુરની એક અદાલતે એક આઇપીએલ મૅચ દરમિયાન જાહેરમાં સિગારેટ પીવાના આરોપમાં તેમને હાજર થવા કહ્યું હતું. તેમના પર આરોપ હતો કે તેઓ હજારો દર્શકો સામે સિગારેટ પીતા હતા, જે આખી દુનિયામાં લાઇવ દેખાતું હતું.
2021માં શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની ડ્રગ્સ રાખવાના અને તેનો ઉપયોગ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે, પછી તેમના પરના આ આરોપ સાબિત ન થયા.
2023માં જ્યારે શાહરુખની ફિલ્મ 'પઠાન' રિલીઝ થઈ ત્યારે તેમાંના એક ગીતમાં ફિલ્મની હીરોઇન દીપિકા પાદુકોણનાં કપડાં બાબતે કેટલાક લોકો અને નેતાઓએ વાંધો ઉઠાવ્યો.
ઘણાં જમણેરી તત્ત્વોએ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની પણ માગ કરી, તેમ છતાં આ ફિલ્મની લોકપ્રિયતાને કશી અસર ન થઈ.
'ચક દે ઇન્ડિયા'માં અદ્ભુત અભિનય

ઇમેજ સ્રોત, Getty Images
તેમની બીજી એક ફિલ્મે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું, એ હતી 'ચક દે ઇન્ડિયા'.
અનુપમા ચોપડાએ લખ્યું છે, "કમલ હાસનની 'હે રામ'નો નાનો રોલ બાદ કરી દઈએ તો શાહરુખે 2007માં આવેલી 'ચક દે ઇન્ડિયા'માં પહેલી વાર કોઈ ફિલ્મમાં મુસ્લિમ પાત્ર ભજવ્યું હતું."
"પરંતુ આ ફિલ્મમાં પણ આપણે શાહરુખને નમાજ પઢતા નથી જોયા. આખી ફિલ્મમાં તેઓ પશ્ચિમી કપડાં પહેરે છે."
"હું માનું છું કે, 'ચક દે'માં શાહરુખે પોતાના જીવનનો સર્વશ્રેષ્ઠ અભિનય કર્યો છે. ભારતના સૌથી મોટા રોમૅન્ટિક સ્ટારે આ ફિલ્મમાં કોઈની સાથે પ્રેમ નથી કર્યો. પરંતુ આ ફિલ્મમાં પણ તેમનો પ્રેમ હતો અને એ પ્રેમ હતો હૉકી સાથે, દેશ સાથે અને જીત સાથે."
2007માં જ્યારે ભારતે વર્લ્ડકપ જીત્યો હતો, ત્યારે ભારતના એકેએક રસ્તા પર આ ફિલ્મનો ટાઇટલ ટ્રૅક સાંભળવા મળતો હતો, જાણે કે એ બીજું 'રાષ્ટ્રગાન' હોય!
શાહરુખ ખાન વિશે કહી શકાય કે તેઓ બૉલીવુડ અને ભારતના સૌથી મોટા બ્રાન્ડ ઍમ્બેસૅડર છે.
તેમણે દુનિયામાં હિન્દી ફિલ્મોનો જેટલો પ્રસાર વધાર્યો, એટલો કદાચ બીજા કોઈ અભિનેતાએ નથી વધાર્યો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












