'હીરો કોઈ પણ હોય, હિરોઇન તો એક જ', ગુજરાતી ફિલ્મોમાં સ્નેહલતાનો દબદબો કેવો હતો?

ઇમેજ સ્રોત, Ultra Gujarati youtube
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાતી ફિલ્મોમાં અભિનેતા તરીકે ઉપેન્દ્ર ત્રિવેદી અને નરેશ કનોડિયાની જેમ હિરોઇન તરીકે સ્નેહલતાનો દૌર રહ્યો. સીતેરના દાયકામાં જ્યારે ઉપેન્દ્ર ત્રિવેદી છવાયેલા હતા ત્યારે તેમની સાથે સ્નેહલતાની જોડી હતી એવી જ રીતે એંશીના દાયકામાં જ્યારે નરેશ કનોડિયાનું નામ ગુંજતું થયું ત્યારે તેમની સાથે પણ સ્નેહલતાની જ જોડી હતી.
સ્નેહલતાની કેટલીક ફિલ્મોમાં આસીસ્ટન્ટ ડિરેક્ટર રહી ચૂકેલા ગુજરાતી ફિલ્મ ડિરેક્ટર અમરકુમાર – ડેની કહે છે કે, "સીતેર-એંશીનો દાયકો અને નેવુંના દાયકાની શરૂઆત સુધી હીરો બદલાતા રહેતા હતા, પણ હીરોઇન તરીકે તો સ્નેહલતા જોવા મળતાં હતાં."
સ્નેહલતાએ રણજિત રાજ, કિરણ કુમાર, અરવિંદ કિરાડ જેવા ઍક્ટર્સ સાથે પણ હીટ ફિલ્મો આપી હતી.
સ્નેહલતાએ હિન્દી ફિલ્મોમાં સહાયક ભૂમિકાઓથી શરૂઆત કરી હતી પણ તેમની કારકિર્દી ગુજરાતી ફિલ્મોમાં જામી હતી. હિન્દી ફિલ્મ ખામોશીના "હમને દેખી હૈ ઇન આંખો કિ મહેકતી ખુશ્બૂ" ગીત સ્નેહલતા પર ફિલ્માવાયેલું છે. એવી જ રીતે દિલીપકુમારને ચમકાવતી ફિલ્મ સંઘર્ષનું પ્રખ્યાત ગીત "મેરે પૈરો મેં ઘુંઘરું બાંધ દે કે ફિર મેરી ચાલ દેખ લે"માં પણ સ્નેહલતા છે.
ગુજરાતી ફિલ્મોમાં ડાન્સ સ્નેહલતા અને નરેશ કનોડિયાની જોડીને લીધે પ્રચલિત થયો હતો. લોકોને તેમનો ડાન્સ ખૂબ પસંદ પડ્યો હતો. તેમના ગીતો અને ડાન્સ આજે પણ ધૂમ મચાવે છે.
સ્નેહલતા સાથે 'હિરણને કાંઠે', 'ઢોલા મારુ', 'મેરુ માલણ', 'ઢોલી', 'સાયબા મોરા' જેવી ફિલ્મો બનાવનારા ફિલ્મમેકર મેહુલ કુમારે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "સ્નેહલતાની વિશેષતા એ હતી કે જે પાત્ર ભજવે તેમાં ઓતપ્રોત થઈ જાય. આ ઉપરાંત તેઓ કુશળ ડાન્સર હતાં. શૂટીંગ વખતે સેટ પર તેમના કોઈ નખરા નહોતા, તેથી કોઈ ફિલ્મમેકર એક વખત તેમની સાથે કામ કરે તો સ્નેહલતાને પોતાની અન્ય ફિલ્મમાં પણ રિપીટ કરે."
ફિલ્મ સમીક્ષક કાર્તિકેય ભટ્ટે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "સ્નેહલતાનો લહેકો અને દેખાવ ગુજરાતી મહિલાઓમાં વિશેષ લોકપ્રિય થયો હતો."
સ્નેહલતાની આંખોમાં ચમક અને નમક હતાં

ઇમેજ સ્રોત, MehulKumar
ગુજરાતી ફિલ્મોના વખણાયેલા ખલનાયક ફિરોઝ ઈરાનીએ કરિયરની એંસી ટકા ફિલ્મો સ્નેહલતા સાથે કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અઢી – ત્રણ દાયકા સુધી ઇન્ડસ્ટ્રીમાં સ્નેહલતાનો અભિનેત્રી તરીકે દબદબો રહ્યો એનું કારણ શું હતું? એના જવાબમાં ફિરોઝ ઈરાની બીબીસી ગુજરાતીને જણાવે છે કે, "તેમનો ચહેરો સરસ રીતે હાવભાવ પ્રગટ કરી શકતો હતો. ઉપરાંત, તેમના ચહેરામાં એક સાદગી હતી. કોઈ લેખકે લખ્યું છે કે અભિનય કલા એટલે આંખ, આંખ ને માત્ર આંખ, એમ સ્નેહલતાની આંખો વાચાળ અને ભાવવહી હતી. ફિલ્મોમાં પણ એ કલાકાર લાંબુ ખેડાણ કરી શકે છે જે આંખોથી કામ લે છે. સ્નેહલતાની આંખોમાં એ ચમક અને નમક હતાં."
નરેશ કનોડિયાના પુત્ર અને અભિનેતા હિતુ કનોડિયા હસતાં-હસતાં કહે છે કે, "ઘણા લોકો એમ જ માનતા કે તેઓ મારાં મમ્મી છે. પરફોર્મન્સમાં ગુજરાતી ફિલ્મોમાં સ્નેહલતા જેવી નમણી હીરોઇન બીજી એકેય નથી. તેઓ ગુજરાતી ફિલ્મોનાં ખરાં સુપરસ્ટાર હીરોઇન હતાં."
અભિનેત્રી મોના થીબા માને છે કે "સ્નેહલતાનું વ્યક્તિત્વ ખૂબ જાજરમાન હતું." સ્નેહલતાની બાયોપિક બનવી જોઇએ એવું તેમને લાગે છે અને જો તક મળે તો તેમને એ ભૂમિકા ભજવવાની ઇચ્છા છે.
હસતાં-હસતાં મોના એમ પણ કહે છે કે સ્નેહલતાની બાયોપિકમાં નરેશ કનોડિયાની ભૂમિકા તેમના જીવનસાથી હિતુ કનોડિયા ભજવે!
ગુજરાતી ફિલ્મોમાં સ્નેહલતાની ઉપેન્દ્ર ત્રિવેદી તેમજ નરેશ કનોડિયા સાથે જોડી જામી હતી અને તબક્કાવાર હીટ ફિલ્મો તેમણે આપી હતી.
આનું કારણ જણાવતાં કાર્તિકેય ભટ્ટ કહે છે કે, "મૂળ તો એક જોડી હિટ થાય એટલે તેને જ પકડી રાખવાની ટેવ ફિલ્મ-ઉદ્યોગમાં છે, ઉપરાંત ચોક્કસ પ્રકારના જૂથનું રાજકારણ પણ કામ કરતું હોય છે. ઉપેન્દ્રભાઈએ જ જણાવેલું કે એક તબક્કે તેમના અને સ્નેહલતા વચ્ચે બહુ સારા સંબંધ નહોતા પણ પડદા ઉપર એ ક્યારેય વર્તાવા દીધું નહોતું."
ફિરોઝ ઇરાનીનો સ્નેહલતા સાથે પરિવાર જેવો નાતો

ફિરોઝ ઈરાનીએ તેમની સ્નેહલતા સાથે પહેલી ફિલ્મ ૧૯૭૮માં "માણેક થંભ" કરી હતી. જેમાં ઉપેન્દ્ર ત્રિવેદી હીરો હતા.
એ ફિલ્મમાં એક સીન એવો હતો કે ખલનાયક ફિરોઝ ઈરાની સ્નેહલતાને મેળામાંથી ઊંચકીને લઈ જાય છે. એના શૂટીંગ વિશે જણાવતાં ફિરોઝભાઈ કહે છે :
"મારું પાત્ર ડાકુનું હતું. તેમની સાથે પહેલો શોટ હતો. જેમાં હિરોઇનને મેળામાંથી ઉપાડીને મારે ભાગવાનું હતું. તેમની સાથે મારી એ પ્રથમ ફિલ્મ હતી તેથી થોડી અવઢવ તો હતી જ. જોકે, તેમણે ખૂબ સહકાર આપ્યો હતો. તેમણે મને કહ્યું કે તમે મને ઉપાડી શકશો? મેં કહ્યું કે 'હા બહેન.' એ વખતે ત્યાં એક તંદુરસ્ત આસિસ્ટન્ટ ડિરેક્ટર હતો. રિહર્સલ તરીકે હું તેમને ઉંચકીને થોડું દોડ્યો. તેથી તેઓ સમજી ગયાં કે શૂટીંગ થઈ જશે અને વાંધો નહીં આવે. તેમણે મને કહ્યું કે તમે ચિંતા કર્યા વગર બેધડક થઈને કામ કરો. એ પછી શોટ સરસ રીતે ફિલ્માવાઈ ગયો હતો. મારી તેમની સાથેની પહેલી ફિલ્મમાં જ તેમણે મને આત્મવિશ્વાસ અપાવી દીધો હતો."
એ પછી તો ફિરોઝ ઈરાની સાથે તેમને પરિવાર જેવો નાતો થઈ ગયો હતો. તેમનાં પત્નિ સાથે પણ સ્નેહલતાને જામતું હતું.
ફિરોઝભાઈ કહે છે કે, "મારી પત્ની ક્યારેક મારી સાથે શૂટીંગમાં હોય. મારો સ્નેહલતા સાથેનો સીન પૂરો થાય એટલે અમે બધાં ભેગાં મળીને હસીએ. કારણ કે મારા અને તેમના સીનમાં નાટ્યતા ભરપૂર હોય. હું ખલનાયક હોઉં એટલે સીનમાં તેમણે મારા પર ગુસ્સો જ કરવાનો હોય. સીન પૂરો થાય પછી તે પણ ખૂબ હસી પડતાં હતાં. પછી બીજો શોટ તૈયાર ન થાય ત્યાં સુધી મારાં પત્ની સાથે બેસીને વાતો કરતાં હોય."
સ્નેહલતાની સફળતાનું રહસ્ય

ઇમેજ સ્રોત, MEHULKUMAR
સ્નેહલતા સાથે ફિલ્મમેકર મેહુલ કુમારને પણ પરિવાર જેવો નાતો છે. મેહુલ કુમાર કહે છે કે અમે હજી પણ ક્યારેક ક્યારેક ફોન પર જૂની ફિલ્મોને વાગોળીને એ દિવસો યાદ કરીએ છીએ.
સ્નેહલતા અભિનેત્રી તરીકે લાંબી ઇનિંગ્સ રમી શક્યાં તેનું કારણ જણાવતાં મેહુલ કુમાર કહે છે :
"સ્નેહલતા મોટાં હીરોઇન હતાં. એ ગ્રેડનાં કલાકાર હતાં. તેઓ સેટ પર નખરા કરે તો એ કોઈ પણ ફિલ્મમેકરે ચલાવી લેવા પડે, પરંતુ તેમણે ક્યારેય એવું કર્યું નહોતું. હીરોઇન એવી ડિમાન્ડ કરે કે હું તો ફ્લાઇટમાં જ આવીશ તો પ્રોડ્યુસરે ટિકિટ મોકલવી પડે. મને યાદ છે કે અમારી ફિલ્મ માટે સ્નેહલતા ટ્રેનમાં શૂટીંગ માટે આવતાં હતાં."
આઉટડોર શૂટીંગ વખતનો એક પ્રસંગ યાદ કરતાં મેહુલ કુમાર કહે છે :
"એક વખત અમે આઉટડોર શૂટીંગ કરતા હતા તો સ્નેહલતાને કપડાં બદલવાનાં હતાં. મેં કહ્યું કે શૂટીંગમાં વપરાતા જે લાઇટ રિફ્લેક્ટર છે તે ગોઠવી દઈશું અને સ્નેહલતાએ કોઈ પણ નારાજગી કે આનાકાની વગર રિફ્લૅક્ટર્સની આડશમાં કપડાં બદલ્યાં હતાં. તેમણે હિરોઇન હોવાના તોરમાં ક્યારેય કોઈ માંગ કરી નથી. તેથી જ જે ફિલ્મમેકર તેમની સાથે કામ કરે તે તેમને રિપીટ કરે જ. મેં તેમની સાથે છએક ફિલ્મો કરી છે. જે બધી હીટ રહી છે."
આવી જ કેટલીક બાબતો વર્ણવતાં અમરકુમાર – ડેની કહે છે કે, "તેઓ સેટ પર આવી જાય પછી બીજે ક્યાંય ન જાય. તે કોઈની સાથે કામ વગર વાત ન કરે."
ફિરોઝ ઈરાની કહે છે કે,"તેમની આભા એવી કે સેટ પર આવે એટલે બધા જ ચૂપ થઈ જાય અને કામમાં પરોવાઈ જાય. એને કારણે કામ સરસ થતું અને ઝડપી થતું હતું."
સાથે જ ફિરોઝભાઈ કહે છે, "સ્નેહલતા માટે સેટ પર દરેક કલાકાર સરખા હતા. સ્પોટ બોયથી લઈને ફિલ્મના મુખ્ય કલાકાર સાથે તેમનો વ્યવહાર એકસરખા ઊમળકાવાળો રહેતો હતો. કોઈ નવાસવા કલાકારને તેઓ એવું ક્યારેય મહેસૂસ ન થવા દે કે તે નવો છે અને પોતે ફિલ્મનાં હીરોઈન છે. સેટ પર આવે કે તરત બધાને ગૂડ મૉર્નિગ વગેરે કહે અને દરેકને મળે. અભિનેત્રી તે ઉમદાં ખરાં જ, માણસ પણ એટલાં સારાં."
સ્નેહલતા શા માટે ફિલ્મોથી દૂર છે?

ઇમેજ સ્રોત, IMDB
હવે તો ગુજરાતી ફિલ્મોમાં પણ દરેક ઉંમરના કલાકારની ભૂમિકાને ન્યાય મળે તે પ્રકારે ફિલ્મો બને છે. કેટલીક ફિલ્મો પચાસની વય વટાવી ચૂકેલા પાત્રો પર કેન્દ્રિત હોય છે. પચાસ વર્ષથી વધારેની ફિલ્મ કરીયર ધરાવતા ફિરોઝ ઈરાની પોતે પણ હાલ ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. સ્નેહલતા જેવી અભિનેત્રી માટે પણ ચોક્કસ ભૂમિકા ધરાવતા રોલ ફિલ્મમાં લખાઈ શકે?
આ વિશે જણાવતાં ફિરોઝભાઈ કહે છે કે, "એવું તો થઈ જ શકે તેમ છે. કારણ કે તેઓ ખૂબ જાણીતો ચહેરો છે અને તેમનું નામ પણ મોટું છે. તેથી તેમને ધ્યાનમાં રાખીને ફિલ્મ લખાય જ. જોકે, મેં જે સાંભળ્યું છે તે એવું છે કે તેમણે ફિલ્મોમાં ભૂમિકા ભજવવાનું બંધ કર્યા પછી તેમને કામ ઑફર થયું હતું પણ તેમણે સ્વીકાર્યું નહોતું."
આ વિશે વધુ ફોડ પાડતાં મેહુલ કુમાર કહે છે કે, "મારી તેમની સાથે વાત થતી રહેતી હોય છે. મને તેમણે જણાવ્યું હતું કે ફિલ્મોમાં હવે કશું કરવાનું તેમને બાકી રહ્યું નથી. તેથી તેમણે અંતર જાળવ્યું છે."
બહુ ઓછા લોકોને જાણ હશે કે ગુજરાતીઓના માનસમાં હીરોઇન તરીકે લાંબો સમય રાજ કરનારાં સ્નેહલતા મૂળ ગુજરાતી ભાષી નથી.
ગુજરાતી ભાષાના મૂળ અંગે સવાલ કરવામાં આવે તો તેમને ગમતું નથી. તેઓ પોતાને સવાયા ગુજરાતી ગણાવે છે. નરેશ કોનડિયાનું અવસાન થયું એ વખતે બીબીસી ગુજરાતીના સંવાદદાતા સુરેશ ગવાણિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, "હું મારી જાતને ગુજરાતી માનું છું, ગુજરાત મારું છે, ગુજરાત મારી કર્મભૂમિ છે, ગુજરાતના લોકોએ મને ચાહી છે. ગુજરાતે મને જે પ્રેમ આપ્યો છે એને હું ક્યારેય ભૂલી નહીં શકું."
ગુજરાતી કેવી રીતે શીખ્યાં એ અંગે સ્નેહલતા કહે છે, "રાજા ભરથરી(1973) મારી પહેલી ફિલ્મ હતી. પંદર દિવસ સુધી માત્ર ગીત અને ડાન્સનું શૂટિંગ હતું."
"મને એક ટેપ રેકૉર્ડર આપ્યું હતું. સવારથી સાંજ સુધી હું ગીતો સાંભળતી હતી. ગીતના શબ્દો પણ લખીને આપ્યા હતા. ગુજરાતી ભાષાનો લહેકો ધીમેધીમે મારી જીભ પર આવતો ગયો અને પછી મને ક્યારેય ગુજરાતી બોલવામાં કોઈ તકલીફ ન પડી."
મેહુલ કુમાર જણાવે છે કે, "ફિલ્મમાં તેમને ગુજરાતી સ્ક્રિપ્ટ આપવામાં આવતી હતી અને તેઓ સરસ રીતે વાંચી શકતાં હતાં."












