ગરીબ પરિવારના દાલમિયા જ્યોતિષની મદદથી કરોડપતિ બન્યા ને પછી જેલની હવા ખાવી પડી

- લેેખક, વિનાયક હોગાડે
- પદ, બીબીસી સંવાદદાતા
ભારત જેવા બળકટ માર્કેટ ધરાવતા દેશમાં વિવિધ ક્ષેત્રોમાં પોતાનો વિસ્તાર કરવા ઇચ્છતા અનેક ઔદ્યોગિક જૂથો આઝાદી પહેલાંનાં સમયથી અસ્તિત્વમાં હતાં.
અનૈતિક રીતરસમોનો ઉપયોગ કરીને, ભ્રષ્ટાચાર કરીને અથવા ગેરરીતિ આચરીને આગળ વધવાના આક્ષેપો આઝાદી પછી પણ ઉદ્યોગસાહસિકો અથવા ઔદ્યોગિક જૂથો પર થતા રહ્યા છે.
ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓ વચ્ચેના સંબંધ, વિરોધીઓ દ્વારા કરવામાં આવતા આક્ષેપો તથા તેના અર્થ તેમજ રાજકારણ રાબેતા મુજબની બાબત છે.
જોકે, ભારતના ઇતિહાસમાં એક દેશવ્યાપી અને શક્તિશાળી ઉદ્યોગ સમૂહે આરોપીના પાંજરામાં ઊભું રહેવું પડ્યું હોય તેવી પહેલી ઘટના આઝાદી પછી તરત જ બની હતી.
દેશને સ્વતંત્રતા મળી એ પછી 1950ના દાયકામાં ભારતનું તે સમયનું સૌથી મોટું ઔદ્યોગિક જૂથ ગેરરીતિના આરોપોમાં ફસાયું હતું.
તત્કાલીન જવાહરલાલ નહેરુ સરકારે તે ઔદ્યોગિક જૂથ સામે તપાસ હાથ ધરી હતી અને તેને દોષિત જાહેર કર્યું હતું. તે ઉદ્યોગ સમૂહ હતો દાલમિયા-જૈન જૂથ.
રસપ્રદ વાત એ છે કે દાલમિયા-જૈન જૂથને આરોપીના પિંજરામાં ઊભું કરનાર બીજું કોઈ નહીં, પરંતુ નહેરુના પોતાના જમાઈ ફિરોઝ ગાંધી હતા.
એ પ્રકરણ શું હતું? દાલમિયા-જૈન જૂથે કરેલા ગોટાળા અને તેનો રસપ્રદ ઇતિહાસ શું છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિવિધ ક્ષેત્રે વિસ્તરેલું દાલમિયા-જૈન જૂથ

ઇમેજ સ્રોત, srishti publishers
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સ્વતંત્ર ભારતમાં ઔદ્યોગિકીકરણને વેગ આપવામાં આવ્યો હતો.
એ સમયે દેશમાં જે સૌથી મોટા અને દેશવ્યાપી ઔદ્યોગિક સમૂહો હતા તેમાં દાલમિયા-જૈન જૂથનું નામ મોખરે હતું. આ ગ્રૂપ પર ગેરરીતિના આરોપો વારંવાર મૂકવામાં આવ્યા હોવા છતાં સ્વતંત્ર ભારતમાં ઔદ્યોગિકીકરણને વેગ આપવામાં આ જૂથનું યોગદાન હજુ પણ સ્વીકારવામાં આવે છે.
દાલમિયા-જૈન ગ્રૂપ સિમેન્ટ, બૅન્કિંગ (ભારત બૅન્ક અને પંજાબ નૅશનલ બૅન્ક), ઇન્સ્યોરન્સ (ભારત ઇન્સ્યોરન્સ), મીડિયા (બૅનેટ કોલમેન), ખાંડ, કાગળ, રસાયણો, કાપડ, ઉડ્ડયન, મોટર વ્હિકલ્સ, વીજ વિતરણ, બિસ્કિટ ઉત્પાદન અને ડેરી બિઝનેસ એમ વિવિધ ક્ષેત્રોમાં વિસ્તરેલું હતું.
આ જૂથના વડા રામકૃષ્ણ દાલમિયા હતા. વાસ્તવમાં તેઓ આઝાદી પહેલાં એટલે કે 1930ના દાયકાથી જ એક અગ્રણી ઉદ્યોગપતિ હતા.
તેમનું નામ દેખીતી રીતે જ સ્વાતંત્ર્ય પછીના દેશના કેટલાક મોટા ઉદ્યોગસાહસિકોમાં હતું. આઝાદી પછી ઉદ્યોગનાં વિવિધ ક્ષેત્રોમાં આ ગ્રૂપનું વર્ચસ્વ એટલી હદે વધ્યું હતું કે દાલમિયા-જૈન સમૂહ તત્કાલીન તાતા અને બિરલા જૂથ પછીના બીજા ક્રમે હતું.

સટોડિયા અને ઉદ્યોગસાહસિક
એક સમયે અત્યંત ગરીબ હતા તે દાલમિયા આટલા મોટા ઉદ્યોગપતિ કઈ રીતે બન્યા તેની કથા પણ ઘણી રસપ્રદ છે.
દાલમિયાએ 1949માં યુએસ પ્રેસને આપેલી મુલાકાતમાં પોતાના જીવનપ્રવાસ વિશે વાત કરી હતી.
તેની નોંધ ભાસ્કર મુખરજીએ તેમના પુસ્તક 'ધ ફાઉન્ડિંગ ફાધર્સ ઑફ ફ્રૉડ' પુસ્તકમાં કરી છે.
રાજસ્થાનના ચીડાવાના એક ગરીબ પરિવારમાં જન્મેલા દાલમિયાનું બાળપણ કોલકાતામાં પસાર થયું હતું. પિતાના અવસાન પછી અઢાર વર્ષની વયે એક મોટા પરિવારની જવાબદારી તેમના માથા પર આવી પડી હતી.
તેઓ તેમના કાકા મોતીલાલ ઝુનઝુનવાલા સાથે કામ કરતા હતા અને ત્યાં જ તેમણે વેપારની અનેક બાબતો શીખી હતી.
તેમણે ખાસ કરીને ચાંદીના વેપારની બધી યુક્તિઓ શીખી લીધી હતી. શરૂઆતમાં સારી કમાણી કર્યા પછી સટ્ટા અને જુગારના વ્યસનને કારણે તેઓ ફરીથી આર્થિક મુશ્કેલીમાં ફસાયા હતા.
કરજમાં ડૂબી ગયેલા દાલમિયાએ એક જ્યોતિષની મદદ લીધી હતી અને ચાંદીના વેપારમાં જંગી કમાણી કરવા માટે જોખમ લીધું હતું. આ વાતનો ઉલ્લેખ તેમણે પોતે તેમના જીવનચરિત્ર તથા ઇન્ટરવ્યૂમાં કર્યો છે.
એ કમાણી કર્યા પછી દાલમિયાએ સટ્ટાબાજી છોડી દીધી હતી અને ઉદ્યોગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
જોકે, સમય જતાં તેમના જૂથ પર ભંડોળના દુરુપયોગનો, શ્રીમંત કંપનીઓના ભંડોળનો ઉપયોગ પોતાના ખાનગી વ્યવસાયમાં કરવાનો તેમજ તેમની ઇન્સ્યોરન્સ કંપનીના પૈસાનો અયોગ્ય રીતે ઉપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
નહેરુના જમાઈએ કર્યો કૌભાંડનો પર્દાફાશ

ઇમેજ સ્રોત, Nehru Memorial Museum and Library
ઇકૉનૉમિક કો-ઑપરેશન ઍન્ડ ડેવલપમૅન્ટ બૅન્ક (ઓઈસીડી) અને વર્લ્ડ બૅન્કના જણાવ્યા અનુસાર, આ એ સમયની વાત છે, જ્યારે 100 રૂપિયાનું તત્કાલીન મૂલ્ય આજના 9,163.80 રૂપિયા હતું.
હકીકતમાં મુંદડા કૌભાંડને સ્વતંત્ર ભારતમાં પ્રથમ નાણાકીય કૌભાંડ ગણવામાં આવે છે. એ મુંદડા કૌભાંડ પણ દાલમિયા-જૈન કૌભાંડ વિના અધૂરું છે. રસપ્રદ વાત એ છે કે આ બંને મોટાં કૌભાંડોનો પર્દાફાશ પંડિત જવાહરલાલ નહેરુના જમાઈ ફિરોઝ ગાંધીએ કર્યો હતો.
સ્વતંત્ર ભારતની પહેલી સંસદીય ચૂંટણીમાં ફિરોઝ ગાંધી ઉત્તર પ્રદેશના રાયબરેલી મતવિસ્તારમાંથી લોકસભા માટે ચૂંટાયા હતા. પ્રજાના પ્રતિનિધિ તરીકે લોકસભામાં એ તેમનું પહેલું ભાષણ હતું.
1955માં એક પૉલિસીધારકે વીમા કંપનીમાં કરેલા મોટા રોકાણનાં નાણાં ગાયબ થઈ ગયાં હોવાનું એક તપાસમાં બહાર આવ્યું હતું.
તેની પશ્ચાદભૂમાં તત્કાલીન રાષ્ટ્રપતિએ વીમા કાયદાને મજબૂત કરવા માટે નવેમ્બરમાં એક વટહુકમ બહાર પાડ્યો હતો. એ વટહુકમને કાયદાનું સ્વરૂપ આપવા માટે સંસદમાં ચર્ચા ચાલી રહી હતી. એ કાયદાના સમર્થનમાં ફિરોઝ ગાંધીએ લગભગ એક કલાક અને પચાસ મિનિટનું ભાષણ કર્યું હતું.
ફિરોઝ ગાંધીએ કહ્યું હતું, "વીમા વ્યવસાય ખૂબ જ ફાયદાકારક હોવાથી અનેક નવી કંપનીઓ આ બિઝનેસમાં પ્રવેશી છે. ઓછી મૂડીની જરૂરિયાત અને લોકો દ્વારા ચૂકવવામાં આવતા પ્રીમિયમનાં નાણાંના ઉપયોગની તકનો આ કંપનીઓ દ્વારા દુરુપયોગ કરાઈ રહ્યો છે."
ફિરોઝ ગાંધીએ છેલ્લે એ જ ભાષણમાં દાલમિયા-જૈન જૂથના નિયંત્રણ હેઠળની ભારત ઇન્સ્યોરન્સ કંપનીને નિશાન બનાવી હતી.
તેમણે આક્ષેપ કર્યો હતો કે ભારત ઇન્સ્યોરન્સ કંપનીએ પેન્શનર્સના ફંડમાંથી રૂ. 220 લાખનો દુરુપયોગ કર્યો છે. ફિરોઝ ગાંધીના આ ભાષણ પછી વીમા ઉદ્યોગમાં થતી ગેરરીતિઓ પર સરકારનું ધ્યાન વધારે ખેંચાયું હતું.
દાલમિયાએ 1936માં ભારત ઇન્સ્યોરન્સ કંપની ખરીદી હતી અને માત્ર એક જ વર્ષમાં કંપનીનું ટર્નઓવર વધીને રૂ. 25 કરોડ થઈ ગયું હતું.
ફિરોઝ ગાંધીએ તેમના નાટકીય ભાષણમાં દાલમિયા જૂથની મજાક ઉડાવી હતી અને તેનું પંચનામું રજૂ કરી દીધું હતું, એવું ભાસ્કર મુખરજીએ તેમના પુસ્તક 'ફાઉન્ડિંગ ફાધર્સ ઑફ ફ્રૉડ'માં નોંધ્યું છે.
ફિરોઝ ગાંધીએ સંસદમાં આ ટીકા કરતાં દાલમિયાએ યુએસ પ્રેસને આપેલા ઇન્ટરવ્યૂનો હવાલો આપ્યો હતો અને એક રીતે તેની મજાક ઉડાવી હતી.
દાલમિયાએ કેવી રીતે ચાંદીનો વેપાર શરૂ કર્યો અને જ્યોતિષીની સલાહને આધારે તેઓ કેવી રીતે સમૃદ્ધ થયા તેની વાત પણ સંસદમાં કહેવામાં આવી હતી.
ફિરોઝ ગાંધીએ એવી ટીકા પણ કરી હતી કે દાલમિયા હવે વીમા અને બૅન્કિંગ ઉદ્યોગમાં જનતાના પૈસા વડે જુગાર રમી રહ્યા છે.
આ સંદર્ભમાં દાલમિયાનાં પુત્રી નીલિમા દાલમિયાએ 'ફાધર્સ ડિયરેસ્ટઃ ધ લાઇફ ઍન્ડ ટાઇમ્સ ઑફ આર. કે. દાલમિયા' લખ્યું છે. તે પુસ્તકમાં નીલિમા દાલમિયાએ લખ્યું છે, "1955માં સંસદમાં ફિરોઝ ગાંધીએ કરેલી જોરદાર માગણીએ નહેરુને એ તક આપી હતી, જેની તેઓ રાહ જોઈ રહ્યા હતા. એ પછી વિવિયન બોઝ તપાસપંચની સ્થાપના સાથે દાલમિયા સૌથી ખરાબ પરિસ્થિતિમાં ફસાઈ ગયા હતા."
તપાસપંચ, ગુનો અને સજા

ઇમેજ સ્રોત, Getty Images
એ પછી નહેરુના વડપણ હેઠળની ભારત સરકારે 1956ની 11 ડિસેમ્બરે દાલમિયા-જૈન ગ્રૂપ ઑફ કંપનીઝમાં તપાસ શરૂ કરી હતી. તેનો હેતુ આ ગ્રૂપના કંપનીઓમાં છેતરપિંડી, અપ્રામાણિકતા અથવા ગેરકાયદે વ્યવહાર કરવામાં આવે છે કે તેમ તેની તપાસનો હતો.
દાલમિયાએ ગેરકાયદે નફાખોરી કરી છે કે કેમ અને તેના ભ્રષ્ટાચારથી જનતાને કેટલું નુકસાન થયું છે તે શોધવા માટે બૉમ્બે હાઈકોર્ટના ન્યાયમૂર્તિ એસ. આર. તેંડુલકર અને સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ વિવિયન બોઝના વડપણ હેઠળના પંચે તપાસ શરૂ કરી હતી.
તે તપાસપંચમાં શરૂઆતમાં તેંડુલકર ઉપરાંત એએફ ફર્ગ્યુસન ઍન્ડ કંપનીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એન. આર. મોદી તથા આવકવેરા કમિશનર એસ. સી. ચૌધરી સભ્ય હતા. તેંડુલકરનું માંદગીને કારણે મૃત્યુ થતાં 1958ની 20 ઑગસ્ટે આ તપાસપંચનું નેતૃત્વ જસ્ટિસ વિવિયન બોઝને સોંપવામાં આવ્યું હતું.
એ તપાસપંચે 1962ની 15 જૂને પોતાની તપાસનો 815 પાનાંનો અહેવાલ સુપરત કર્યો હતો.
તપાસપંચે જણાવ્યું હતું કે દાલમિયા જૂથે લોકોએ કરેલા રોકાણનો દુરુપયોગ કર્યો હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. જાહેર કંપનીઓ, બૅન્કો અને વીમા કંપનીઓના પૈસાનો વ્યક્તિગત ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો ખુલાસો પણ તપાસપંચે કર્યો હતો.
દાલમિયા જૂથે આ તપાસપંચ સામે સવાલ ઉઠાવીને કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે કમિશન ઑફ ઇન્ક્વાયરી ઍક્ટ – 1952 હેઠળ આ તપાસપંચ અમાન્ય છે અને આ કાયદો ખાનગી કંપનીઓને લાગુ પડતો નથી.
જોકે, કોર્ટે દાલમિયા જૂથની દલીલોને ફગાવી દીધી હતા. દાલમિયા જૂથમાં ગેરરીતિને કારણે જનતાને ભારે નુકસાન થઈ રહ્યું છે તેમજ સાર્વજનિક દૃષ્ટિએ આ મહત્ત્વની બાબત છે, એવું જણાવીને અદાલતે દાલમિયા જૂથના દાવાને ફગાવી દીધો હતો.
અંતે દાલમિયાને તિહાડ જેલમાં બે વર્ષના કારાવાસની સજા થઈ હતી.
ફિરોઝ ગાંધીએ આ કૌભાંડનો પર્દાફાશ કર્યો પછી 1956ની 19 જાન્યુઆરીએ ભારતમાં વીમા ઉદ્યોગનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું.
એ પછી દાલમિયા જૂથના સામ્રાજ્યની પડતીના દિવસો શરૂ થયા હતા.
દાલમિયાને બધા સાથે સંબંધ હતો

ઇમેજ સ્રોત, Getty Images
બીજા વિશ્વયુદ્ધ પછી રાજકીય અને આર્થિક ક્ષેત્રે વિકાસને વેગ મળ્યો હતો. એ સમયગાળાને ઘણા ભારતીય ઉદ્યોગપતિઓ પોતાની ખાનગી સંપત્તિ વધારવાની તક તરીકે જોતા હતા અને દાલમિયા પણ તેમાં અપવાદ ન હતા.
એક મોટા ઉદ્યોગપતિ હોવાને કારણે દાલમિયાને મહમદઅલી ઝીણા, જમનાલાલ બજાજ, જે. કે. બિરલા, બિકાનેર, જયપુર, દરભંગા, જોધપુર તથા જામનગરના મહારાજાઓ અને હૈદરાબાદના નિઝામ સાથે બહુ સારા સંબંધ હતા.
દાલમિયાને શરૂઆતમાં કૉંગ્રેસ અને મહાત્મા ગાંધી પ્રત્યે કૂણી લાગણી હતી, પરંતુ પાછળથી એ જ દાલમિયા જવાહરલાલ નહેરુના ટીકાકાર બન્યા હતા.
આઝાદી પૂર્વેના ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, સુભાષચંદ્ર બોઝ, વલ્લભભાઈ પટેલ અને જયપ્રકાશ નારાયણ જેવા ઘણા નેતાઓ તથા ક્રાંતિકારીઓ સાથે પણ દાલમિયાને સારા સંબંધ હતા.
તેમને જવાહરલાલ નહેરુ સાથે ક્યારેય જામ્યું ન હતું, પણ મહમદઅલી ઝીણા સાથે તેમને સૌહાર્દપૂર્ણ સંબંધ હતો. તેઓ ગાઢ મિત્રો હતા. દાલમિયાનું ઘર ઝીણાના ઘરથી માત્ર પાંચ મિનિટના અંતરે આવેલું હતું. તેઓ ઘણી વાર સાથે સમય પસાર કરતા હતા. દિલ્હીના 10, ઔરંગઝેબ રોડ (હવે એપીજે અબ્દુલ કલામ રોડ) પરનો ઝીણાનો બંગલો દેશના વિભાજન પછી દાલમિયાએ જ બે લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.
દાલમિયા પોતે બહુ ધાર્મિક હતા. ગૌહત્યા પર પ્રતિબંધ માટે તેમણે ઘણું કામ કર્યું હતું.
નાથુરામ ગોડસેની ડાયરીમાં હતું દાલમિયાનું નામ

ઇમેજ સ્રોત, Getty Images
મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેએ હત્યા પૂર્વે વિગતવાર રેકી કરી હતી. જાન્યુઆરી 1948માં દિલ્હી આવેલા નાથુરામ ગોડસેએ દિલ્હી રેલવે સ્ટેશન પરથી દાલમિયાને ફોન કર્યો હતો.
આ માહિતી દાલમિયાનાં પુત્રી નીલિમા દાલમિયાએ તેમના પુસ્તક 'ફાધર્સ ડિયરેસ્ટઃ ધ લાઇફ ઍન્ડ ટાઇમ્સ ઑફ આર. કે. દાલમિયા'માં નોંધી છે.
પોતાના પુસ્તકમાં નીલિમાએ લખ્યું છે, "ગોડસેને લાગતું હતું કે દાલમિયા એક સમૃદ્ધ અને શક્તિશાળી હિન્દુ છે, જેમનો અવાજ દેશના ખૂણેખૂણે પહોંચે છે. તેથી તેઓ માનતા હતા કે દાલમિયા તેમને તેમના મિશનમાં મદદ કરી શકશે. તેઓ દાલમિયા વિશે બીજું કશું જાણતા ન હતા. તેમને એટલી ખબર જરૂર હતી કે દાલમિયા ધર્માભિમાની અને ધર્મનું આચરણ કરતા હિન્દુ હતા અને તેમણે કૉંગ્રેસ પ્રત્યે જાહેરમાં તિરસ્કાર વ્યક્ત કર્યો હતો."
ફોન કરનાર વ્યક્તિ કદાચ પૈસા માગવા માટે ફોન કરી રહી હશે એમ વિચારીને દાલમિયાએ ફોન ઉપાડ્યો ન હતો. જોકે, બાદમાં તે નિર્ણય જ દાલમિયા માટે ફાયદાકારક સાબિત થયો હતો.
તેનું કારણ એ હતું કે ગાંધીજીની હત્યા પછી નાથુરામ ગોડસેની ધરપકડ કરવામાં આવી ત્યારે દાલમિયાનો સંપર્ક નંબર ગોડસેની ડાયરીમાં નોંધાયેલો જોવા મળ્યો હતો. ગાંધીજીની હત્યામાં દાલમિયા સંડોવાયેલા હોવાની કોઈ કડી પોલીસ સ્થાપિત કરી શકી ન હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












