તિરુપતિના લાડુનો વિવાદઃ અગાઉ પણ ઘીનાં ટૅન્કર્સ પરત મોકલાયાં હતાં, પ્રાણીઓની ચરબી વિશે રિપોર્ટ શું કહે છે?

ઇમેજ સ્રોત, FACEBOOK
- લેેખક, બલ્લા સતીશ
- પદ, બીબીસી સંવાદદાતા
વિશ્વવિખ્યાત તિરુપતિના મંદિરમાં પ્રસાદના લાડુ બનાવવા માટે ચોખ્ખા ઘીની જગ્યાએ પ્રાણીઓની ચરબી વપરાયાના આરોપોએ ખળભળાટ મચાવી દીધો છે.
આંધ્રપ્રદેશના મુખ્ય મંત્રી ચંદ્રબાબુ નાયડુએ તિરુપતિ મંદિરના પ્રસાદમાં પ્રાણીઓની ચરબીના ઉપયોગ વિશે નિવેદન આપ્યું તેનાથી શ્રદ્ધાળુઓને આધાત લાગ્યો છે.
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્ (ટીટીડી)ના કાર્યકારી અધિકારી શ્યામલા રાવે પણ આ વાતની પુષ્ટિ કરી છે. તિરુમાલામાં પ્રસાદ માટે ઘીનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે.
જોકે, અગાઉ માત્ર વનસ્પતિ ઘીમાં જ ભેળસેળ હોવાનું જણાવનાર શ્યામલા રાવે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે તેમાં પ્રાણીની ચરબી પણ જોવા મળી છે.
આંધ્રપ્રદેશમાં નવી સરકારની રચના થઈ ત્યારે શ્યામલા રાવને ટીટીડીના કાર્યકારી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
તેમણે મીડિયાને કહ્યું કે, “કાર્યભાર સંભાળ્યા બાદ હું જ્યારે મુખ્ય મંત્રીને મળ્યો ત્યારે તેમણે મને પ્રસાદની ગુણવત્તા વિશે જણાવ્યું હતું. તેથી મેં તેના પર ધ્યાન આપ્યું. તે સમયે પાંચ કંપનીઓ ઘી સપ્લાય કરતી હતી, પરંતુ મેં જ્યારે ઘીની ગુણવત્તા અંગે ચેતવણી આપી ત્યારે તેમણે પોતાનું વલણ બદલી નાખ્યું. પરંતુ એક કંપનીએ કોઈ ફેરફાર ન કર્યો. તેથી અમે તેને બ્લૅકલિસ્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરી."

ઇમેજ સ્રોત, RAJESH
ગઈ 23 જુલાઈએ એક પ્રેસ કૉન્ફરન્સમાં શ્યામલા રાવે કહ્યું હતું કે ઘીમાં વનસ્પતિ તેલની ભેળસેળ કરવામાં આવી છે. પરંતુ ગુરુવારે તેમણે મીડિયા સમક્ષ કહ્યું કે તેમાં એનિમલ ફૅટ (પ્રાણીજ ચરબી) પણ હાજર છે.
તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે લૅબનો રિપોર્ટ મેળવવામાં અને નિષ્ણાતો સાથે વાત કરવામાં સમય લાગ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે જણાવ્યું કે તમિલનાડુની એઆર ડેરી ફૂડ્સ કંપનીમાંથી ઘીનાં 10 ટૅન્કર આવ્યાં, ત્યારે તેમાંથી છ ટૅન્કરના ઘીનો ઉપયોગ થઈ ચૂક્યો હતો. જ્યારે ચાર ટૅન્કરના નમૂના પરત મોકલવામાં આવ્યા અને તેમના રિપોર્ટમાં ભેળસેળનો ખુલાસો થયો હતો.
શ્યામલા રાવે કહ્યું કે કંપની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની વિચારણા ચાલુ છે.
જોકે, એઆર ડેરી ફૂડ્સે તેના નિવેદનમાં જણાવ્યું કે, “જુલાઈમાં અમે તિરુપતિ મંદિરને 16 ટન ઘી સપ્લાય કર્યું હતું. અમે કોઈપણ ભેળસેળ વગરનું શુદ્ધ ઘી આપ્યું હતું."
શુદ્ધ ઘીની ખરીદી માટે 12 માર્ચ 2024 ના રોજ ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં હતાં. 8 મે સુધીમાં તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું અને 15 મેના રોજ સપ્લાય શરૂ થયો હતો. કંપની 319 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ગાયનું ઘી સપ્લાય કરવા માટે સહમત થઈ હતી.
રિપોર્ટમાં શું કહેવાયું છે?

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ટીટીડીએ ગુજરાતના નેશનલ ડેરી ડેવલપમેન્ટ બૉર્ડ (એનડીડીબી)ની કાફ લૅબ (સેન્ટર ફૉર એનાલિસિસ ઍન્ડ લર્નિંગ ઇન લાઇવસ્ટોક ઍન્ડ ફૂડ)માં તપાસ માટે ઘીના નમૂના મોકલ્યા હતા.
તેના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 17 જુલાઈએ સૅમ્પલ્સ મળ્યાં હતાં અને 23 જુલાઈના રોજ તપાસ પૂરી થઈ હતી.
આ રિપોર્ટ વૉટર ઍન્ડ ફૂડ એનાલિસિસ લૅબોરેટરી, ટીટીડીના નામે બહાર પડ્યો હતો. તેમાં સંલગ્નક 1 વિવાદનું કેન્દ્ર છે.
તેમાં કહેવાયું છે કે, "ઘીમાં 'એસ વેલ્યૂ' ક્યારેક વધારે અથવા ઓછી હોય છે. જો આવું છે હોય તો ઘીમાં બાહ્ય ચરબી ઉમેરવામાં આવી છે એમ માનવું પડે."
લૅબ રિપોર્ટમાં જણાવાયા મુજબ 'એસ વેલ્યૂ'ના આધારે ઘીનાં સેમ્પલ્સ તમામ પાંચ માપદંડમાં ફેલ થયાં હતાં.
જોકે, અહેવાલમાં વનસ્પતિ તેલ અને પશુ ચરબી બંનેની ભેળસેળ જણાવવામાં આવી છે.
પ્રથમ પરિમાણ હતું - સોયાબીન, સૂર્યમુખી, રેપસીડ, ઑલિવ, કપાસના બીજ, માછલીનું તેલ વગેરેની ભેળસેળ.
બીજું પરિમાણ - નારિયેળ અને પામ બીજની ચરબીનું મિશ્રણ.
ત્રીજું પરિમાણ - બીફ ફૅટ (ગાયની ચરબી) અને પામ તેલની ભેળસેળ સંબંધિત છે.
જ્યારે ચોથા પરિમાણમાં પૉર્ક ટેલો (ડુક્કરની ચરબી)ની ભેળસેળની તપાસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભેળસેળની સર્વાંગીપણે પણ તપાસ કરવામાં આવી હતી.
આ ભેળસેળનો રિપોર્ટ પામ તેલના કારણે છે કે બીફ ફૅટના કારણે તે સ્પષ્ટ નથી.
એનડીડીબીના એક અધિકારીએ બીબીસીને કહ્યું કે, “અમને મળેલા નમૂનાઓ વિશેની માહિતી ગોપનીય છે. મોકલનારની માહિતી અને શહેરનું નામ નથી. અમને માત્ર સૅમ્પલ્સ મળ્યાં છે. પરંતુ તપાસનાં પરિણામો પર અમે કંઈ નહીં કહીએ. સૅમ્પલ્સ ક્યાંથી આવ્યાં તે કોઈ નથી જાણતું."
નિષ્ણાતો શું કહે છે?

ઇમેજ સ્રોત, RAJESH
બીજી બીજુ બીબીસીએ લૅબ રિપોર્ટ જોનારા બે નિષ્ણાતો સાથે વાત કરી જેઓ ડેરી અને ફૂડ સેફ્ટીના ક્ષેત્રમાં અનુભવ ધરાવે છે.
તેમાંથી એક વ્યક્તિએ નામ ન આપવાની શરતે કહ્યું કે, “ઘીમાં ભેળસેળ એ હકીકત છે. પરંતુ ભેળસેળ વનસ્પતિ તેલની છે કે પ્રાણીની ચરબીની, તે માત્ર આ રિપોર્ટના આધારે કહી ન શકાય."
તેમણે કહ્યું કે, “સામાન્ય રીતે 15 ટન ઘી બનાવવા માટે ગાયનાં છ લાખ લિટર દૂધની જરૂર પડે. મારા મત પ્રમાણે સપ્લાય કરતી કંપની પાસે આટલા મોટા પાયે ગાયનું દૂધ એકત્ર કરવાની કોઈ વ્યવસ્થા નથી. આ ઉપરાંત તેની કિંમત પણ ઘણી ઓછી છે. તેથી ભેળસેળ થઈ જ હશે. પરંતુ ભેળસેળ શું છે તે કહી શકાય નહીં."
તેમણે કહ્યું, “હું જાણું છું કે જાહેર ક્ષેત્રની એક ડેરી કંપનીના પ્રતિનિધિએ ઘી સપ્લાય કરવા ટીટીડીનો સંપર્ક કર્યો હતો અને તેમણે ટીટીડીના તત્કાલિન અધ્યક્ષને કહ્યું હતું કે હાલની કંપનીઓના ભાવે ઘી સપ્લાય કરવો અશક્ય છે. પરંતુ તેમણે તેમની વાત સાંભળી નહીં.”
અન્ય એક નિષ્ણાતે બીબીસીને કહ્યું, "માત્ર એક રિપોર્ટના આધારે અમે કહી ન શકીએ કે એનિમલ ફૅટની ભેળસેળ થઈ છે કે નહીં. સામાન્ય રીતે ભારતમાં ઘીમાં પામ ઑઇલની ભેળસેળ કરવામાં આવે છે. પરંતુ ટીટીડીના કિસ્સામાં શું થયું છે તે હું ચોક્કસપણે કહી શકતો નથી."
તેમણે કહ્યું કે, "રિપોર્ટમાં આ ચીજો ઘણાં કારણોથી મળી શકે છે. ઉદાહરણ તરીકે જો કોઈ ગાયને પામ ઑઈલ, કપાસિયા તેલ, રેપસિડના તેલમાં મિશ્રિત આહાર આપવામાં આવે તો આ તત્વો તેનાં દૂધમાં મળી શકે છે. ગાયને જો વધુ પૌષ્ટિક ચારો આપવામાં આવે અથવા ગાય કુપોષિત હોય તો પણ તેનાં દૂધમાં આ તત્વો હોઈ શકે છે. આ ઉપરાંત વાછરડાને જન્મ આપ્યા પછી તરત જ ગાયનું કન્ડેન્સ્ડ મિલ્ક મિક્સ કરવામાં આવે તો તેમાં પણ આ તત્વો મળી આવે છે."

ઇમેજ સ્રોત, Getty Images
દૂધમાંથી કોઈ ખાસ રીતે કૉલેસ્ટ્રોલ દૂર કરવામાં આવે તો પણ આવું થઈ શકે છે. રિપોર્ટમાં એવું પણ લખવામાં આવ્યું છે કે આ પરિણામો ખોટાં પણ હોઈ શકે છે. અગાઉ પણ ઘીનાં અનેક ટૅન્કર્સ પરત મોકલવામાં આવ્યાં હતાં.
આ પહેલાં પણ ટીટીડી ઘીનાં ઘણાં ટૅન્કરો પરત મોકલી ચૂકી છે. જોકે, આ અંગે કોઈ આંકડા ઉપલબ્ધ નથી.
પરંતુ ટીટીડી ગવર્નિંગ કાઉન્સિલના ઘણા સભ્યો અને પ્રમુખે કહ્યું છે કે વાયસીપી અને ટીડીપી (તેલુગુ દેશમ્ પાર્ટી)ની સરકારો દરમિયાન નબળી ગુણવત્તાને કારણે ઘીના ડઝનેક ટૅન્કર્સ પાછા મોકલવામાંં આવ્યાં હતાં.
જો કે, વર્તમાન ઍક્ઝિક્યુટિવ ઑફિસર શ્યામલા રાવે જણાવ્યું હતું કે ટીટીડી પાસે ઘીનું પરીક્ષણ કરવા માટે કોઈ લૅબ નથી. પરંતુ તેનું પરીક્ષણ કેવી રીતે કરવામાં આવ્યું અને કયા આધારે તેમને પાછાં મોકલવામાં આવ્યાં તે જાણી શકાયું નથી.
ટીટીડીએ ચોથી સપ્ટેમ્બરથી કર્ણાટક મિલ્ક ફેડરેશન પાસેથી ઘી ખરીદવાનું શરૂ કર્યું છે.
વહીવટી અધિકારીએ તે જ દિવસે તેમના અખબારી નિવેદનમાં ભેળસેળની વાત કરી હતી, પરંતુ એનિમલ ફૅટનું નામ લીધું ન હતું.
તેમણે કહ્યું હતું કે નવા ટેન્ડરમાં ઘણી વધુ શરતો ઉમેરવામાં આવી છે અને આ ટેન્ડર હજુ ચાલુ છે.
શું નીચા ભાવ તેનું મૂળ કારણ છે?
અગાઉની સરકારમાં જ્યારે ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં, ત્યારે કંપનીએ 319 રૂપિયા પ્રતિ કિલોના દરે ગાયનું ઘી સપ્લાય કરવા તૈયારી દર્શાવી હતી.
જોકે, ઘણા નિષ્ણાતોએ કહ્યું છે કે આટલી નીચી કિંમતે ગાયનું ઘી પૂરું પાડવું શક્ય નથી.
હવે ટીટીડીએ પણ આ વાત સ્વીકારી છે. હાલમાં નંદિની કંપની 475 રૂપિયા પ્રતિ કિલોના દરે ઘી સપ્લાય કરી રહી છે. આ ઉપરાંત અન્ય કંપનીઓ પાસેથી પણ ઘી મંગાવવામાં આવી રહ્યું છે.
પ્રસાદ પર રાજનીતિ

એક તરફ તિરુપતિ મંદિરના પ્રસાદની ગુણવત્તાને લઈને ભક્તોની લાગણી દુભાઈ છે. બીજી તરફ આને લઈને રાજકારણ પણ શરૂ થઈ ગયું છે.
તિરુમાલા ટ્રેડ યુનિયનના નેતા સૈયદ મુરલીએ જણાવ્યું હતું કે, “ઘીની ગુણવત્તા યોગ્ય ન હોય તો તેઓ ભૂતકાળમાં પણ તેને પરત કરી ચૂક્યા છે. પરંતુ તેનો ઉપયોગ વિરોધીઓને નિશાન બનાવવા માટે ન થવો જોઈએ. આમાં ખરેખર ભૂલ થઈ છે તેવું જાણવા મળે તો ભેદભાવ વગર પગલાં લેવા જોઈએ."
તેલુગુ દેશમ્ પાર્ટીના નેતા ઓ. વી. રમણે બીબીસીને કહ્યું કે, "કર્ણાટક સિવાય અન્ય કોઈ રાજ્યમાં આટલી સંખ્યામાં ગાયો નથી. પંજાબ દૂર હોવાના કારણે ત્યાંથી પણ ઘી મેળવવાનું મુશ્કેલ છે. કર્ણાટક ડેરી (નંદિની)માંથી ઘી લેવાનું બંધ કરી દેવામાં આવ્યું અને ખાનગી કંપનીઓ પાસેથી ઓછી કિંમતે ખરીદવામાં આવ્યું ત્યારે સમસ્યા શરૂ થઈ.”
ખાનગી કંપનીઓ વિદેશથી આયાત થતા બટર ઑઇલની ભેળસેળ કરે છે. હકીકતમાં ટીટીડીનું ટેન્ડર મેળવવા માટે ડેરી પાસે 2.5 લાખ લિટર દૂધ પ્રોસેસ કરવાની ક્ષમતા હોવી જોઈએ.
ટેન્ડર આપતી વખતે આ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવી હતી. અત્યારે પણ જરૂરિયાતનું 35 ટકા ઘી માત્ર નંદિની પાસેથી મેળવવામાં આવે છે. બાકીનું ઘી ખાનગી કંપનીઓમાંથી આવે છે.
ભૂતકાળમાં પણ ઘીનાં સૅમ્પલ્સ લેવામાં આવ્યાં હતાં. રમણે આ બધાની તપાસની માંગ કરી છે.
વર્તમાન ઍક્ઝિક્યુટિવ ઑફિસર શ્યામલા રાવે મીડિયાને જણાવ્યું કે તિરુમાલા પાસે તેની પોતાની ટેસ્ટિંગ લૅબ નથી. 75 લાખ રૂપિયાના ખર્ચે બનતી લૅબ શા માટે બનાવવામાં નથી આવી તે તેઓ નથી જાણતા.
તેમણે કહ્યું કે ગુજરાત એનડીડીબી ટીટીડીને લૅબનાં સાધનો આપવાં માટે તૈયાર છે અને તે ટૂંક સમયમાં તેને ઇન્સ્ટોલ કરવામાં આવશે.
શ્યામલા રાવે કહ્યું કે હાલમાં સીએફટીઆરઆઈ, મૈસુરમાં તપાસ ચાલી રહી છે.
જગનમોહન રેડ્ડીએ પ્રશ્નો પૂછ્યા

ઇમેજ સ્રોત, ANI
ભૂતપૂર્વ મુખ્ય મંત્રી જગનમોહન રેડ્ડીએ શુક્રવારે કહ્યું કે ચંદ્રબાબુ નાયડુનું 100 દિવસનું શાસન સારું નથી રહ્યું. તેમણે તેના પરથી ધ્યાન હટાવવા માટે આ મુદ્દો ઉઠાવ્યો છે.
જગને પૂછ્યું કે, “ટીટીડી પાસે ઘી એકત્ર કરવાની પોતાની સ્થાપિત પદ્ધતિ છે. તે ખરાબ ઘી પાછું આપી દે છે. ટીટીડીમાં ત્રણ ટેસ્ટ પછી જ ઘીનો ઉપયોગ થાય છે. ભૂતકાળમાં પણ અમે ચંદ્રબાબુના કાર્યકાળ દરમિયાન ઘીના 14થી 15 ટેન્કર અને અમારા કાર્યકાળ દરમિયાન ઘીના 18 ટેન્કર પરત કર્યા છે. આ એક સામાન્ય પ્રક્રિયા છે."
"પરંતુ 23 જુલાઈનો રિપોર્ટ લાવવામાં બે મહિનાનો વિલંબ શા માટે થયો? આ રિપોર્ટ ટીટીડીના બદલે તેલુગુ દેશમ્ પાર્ટીની ઑફિસમાંથી બહાર પાડવામાં આવ્યો?"
તેમણે કહ્યું કે "ટીટીડીના ભૂતપૂર્વ કાર્યકારી અધિકારી વાય.વી. સુબ્બારેડ્ડી 45 વખત અયપ્પામાલા રહી ચૂક્યા છે. તેમના કરતા વધુ સારી વ્યક્તિ કોણ હોઈ શકે?"
અયપ્પામાલા એક ધાર્મિક વિધિ છે જેમાં પૂજારીઓ વર્ષમાં 40 દિવસ ઘરથી દૂર રહીને પૂજાપાઠ કરે છે.
જોકે, ઘીના મામલે ભાજપ, જનસેના, કૉંગ્રેસ અને અન્ય અગ્રણી નેતાઓએ પ્રતિક્રિયા આપીને વ્યાપક તપાસની માંગણી કરી છે.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)












