અમેરિકામાં હવે 'અમૂલનો દબદબો', ત્યાં ડેરીક્ષેત્રમાં સ્થાન જમાવવા કેવા પડકારોનો સામનો કર્યો?

ઇમેજ સ્રોત, AMUL/FB
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા, આણંદથી
અમેરિકામાં રહેતા ભારતીય મૂળના લોકોને વિદેશમાં પોતાના દેશની યાદ અપાવે એવું કંઈક થઈ રહ્યું છે.
અમેરિકાના બજારમાં અમૂલ દૂધનું વેચાણ શરૂ થતાં ભારતની આ સહકારી ક્ષેત્રની ડેરીએ એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. 1946ની સાલમાં આણંદથી પોતાની સફર શરૂ કરનાર અમૂલ હવે અમેરિકન ડેરી માર્કેટમાં ધીમે-ધીમે પોતાના પગ જમાવી રહી છે.
અમેરિકામાં દૂધના ઉત્પાદન અને વેચાણ માટે અમૂલે મિશિગન મિલ્ક પ્રૉડ્યુસર્સ એસોસિયેશન (MMPA) સાથે ભાગીદારી કરી છે. 108 વર્ષ જૂની મિશિગન મિલ્ક પ્રૉડ્યુસર્સ એસોસિયેશન પણ અમૂલની જેમ જ એક સહકારી સંસ્થા છે. તેના માલિકો અમેરિકાના મિશિગન, ઇન્ડિયાના, ઓહિયો અને વિસ્કોન્સિનના રાજ્યોના ખેડૂતો છે.
MMPAના દૂધનો સ્વાદ ભારતમાં મળતાં દૂધ જેવો છે. તે અમૂલની જેમ જ દૂધની ખરીદી, પૅકેજિંગ અને વિતરણ કરે છે.
બીબીસી સાથેની વાતચીતમાં અમૂલના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતા કહે છે, "અમને આશા છે કે અમારી ગુણવત્તા અને બ્રાન્ડના કારણે અમેરિકન લોકો પણ અમૂલ દૂધને સ્વીકારશે."

ઇમેજ સ્રોત, Getty Images
MMPA અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ અને અમૂલ તાઝા જેવા વિવિધ અમૂલ ઉત્પાદનો માટે પશુપાલકો પાસેથી દૂધની ખરીદી કરે છે.
અત્રે નોંધનીય છે કે અમેરિકામાં પનીર, દહીં અને ચીઝ જેવાં ડેરી ઉત્પાદનો દરેક જગ્યાએ મળે છે. ભારતીયો મોટા પ્રમાણમાં આ વસ્તુઓની ખરીદી કરતા હોય છે.
એક અહેવાલ મુજબ વર્ષ 2024માં અમેરિકાના દૂધ માર્કેટની સાઇઝ 30.35 બિલિયન ડૉલર છે. અમેરિકામાં દૂધનો વેપાર વાર્ષિક 3.21 ટકાના હિસાબે વધશે તેવો અંદાજ છે. પરંતુ ભારત આ મામલે પહેલેથી જ એક વૈશ્વિક તાકાત છે. ભારતમાં દૂધની માર્કેટનો આકાર 71 બિલિયન ડૉલર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તાજેતરના આંકડાઓ અનુસાર અમૂલ સાથે 36 લાખ પશુપાલકો અને 18 સભ્ય સંઘ જોડાયેલાં છે. સહકારી ક્ષેત્રની આ ડેરી દરરોજ આશરે 13 મિલિયન લિટર દૂધનું ઉત્પાદન કરે છે.
અમેરિકા સુધીનો અમૂલનો માર્ગ

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રૂથ હેરેડિયાના પુસ્તક ‘ધ અમૂલ ઇન્ડિયા સ્ટોરી’ અનુસાર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી અમૂલની સ્થાપના થઈ હતી. સરદાર પટેલે ખેડા જિલ્લાના ખેડૂતોને ખાનગી કંપનીને દૂધ વેચવા કરતા પોતાની સહકારી સંસ્થા સ્થાપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
થોડા સમય બાદ સહકારી સંસ્થાનું મુખ્ય મથક ખેડાથી આણંદ ખસેડવામાં આવ્યું હતું અને ત્રિભુવનદાસ પટેલને તેના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.
ભારતમાં શ્વેત ક્રાંતિના જનક અને અમૂલની રચનામાં મુખ્ય ભાગ ભજવનાર એવા ડૉ વર્ગીસ કુરિયન તેમની આત્મકથા 'આઈ ટુ હેડ ડ્રીમ'માં ઉલ્લેખ લખે છે કે 200 લિટર દૂધથી અમૂલની શરૂઆત થઈ હતી, જે સાલ 1952માં 20 હજાર લિટર દૂધ થઈ ગઈ હતી.
પરંતુ કેટલાક લોકો માને છે અમેરિકામાં અમૂલ માટેનો માર્ગ એટલો સહેલો નહીં હોય.
યુએસડીએ (યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઑફ એગ્રીકલ્ચર)ની ઇકોનૉમિક રિસર્ચ સર્વિસ ફૂડ અવેલેબિલિટી ડેટા સિસ્ટમ દર્શાવે છે કે છેલ્લા સાત દાયકામાં દેશમાં માથાદીઠ દૂધના વપરાશમાં સતત ઘટાડો આવ્યો છે.
મીડિયા અહેવાલો અનુસાર અમેરિકાની જાહેર શાળાઓમાં મોટાપાયે દૂધનો વપરાશ થાય છે. શાળાઓમાં વિદ્યાર્થીઓને લંચ અને બ્રેકફાસ્ટમાં દૂધ આપવામાં આવે છે. પરંતુ ટેસ્ટ સારો ન હોવાના કારણે વિદ્યાર્થીઓ દૂધ પીતાં નથી જેના કારણે શાળામાં દૂધનો વપરાશ ઘટી રહ્યો છે.
લોકો લેક્ટોઝ-મુક્ત દૂધ અને પ્લાન્ટ-બેઇઝડ વિકલ્પો પણ અપનાવી રહ્યા છે જેમાં બદામનું દૂધ, ઑટનું દૂધ, નાળિયેરનું દૂધ અને સોયા દૂધનો સમાવેશ થાય છે.
અમેરિકામાં અમૂલનો સ્વાદ કેવી રીતે વિકસિત કરવામાં આવ્યો?

નિષ્ણાતો અનુસાર અમેરિકામાં લો-ફેટ દૂધ વધારે વેચાય છે. બીજી બાજુ અમૂલ ભારતમાં વધુ ફેટ ધરાવતા દૂધનું વેચાણ કરે છે. અમૂલ ગોલ્ડ દૂધમાં 6 ટકા ફેટ હોય છે.
અમેરિકામાં ઉત્પાદિત દૂધથી સમાન સ્વાદવાળા દૂધનું ઉત્પાદન કરવું એ અમૂલ માટે સૌથી મોટો પડકાર હતો.
જયેન મહેતા કહે છે, “શરૂઆતમાં ચિંતા હતી કે 6 ટકા ફેટ ધરાવતા દૂધનું ઉત્પાદન કઈ રીતે કરીશું? પરંતુ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) અને અમૂલની ઉત્પાદન અને ગુણવત્તા નિયંત્રણની ટીમની મદદથી સંશોધનો અને ભૂલો પછી અમૂલ ગોલ્ડ અને અમૂલ શક્તિનું હવે અમેરિકામાં ઉત્પાદન કરી શકાય છે.”
MMPAના પ્રમુખ અને સીઈઓ જો ડિગ્લિઓ જણાવે છે, "અમારી પાસે રહેલી ટેકનૉલૉજીએ અમને ઇચ્છિત પરિણામ સાથે રેસીપી બનાવવાની ક્ષમતા પ્રદાન કરી છે."
MMPAએ દૂધ ઉત્પાદન માટે જરૂરી તકનીક અને તેની પ્રણાલિકા વિકસાવવામાં સફળતા મેળવી છે.
જો ડિગ્લિઓએ જણાવ્યું, "અમે દૂધમાંથી મલાઈ અલગ કરી નાખીએ છીએ. સ્કિમ્ડ દૂધ વેચાણ માટે જાય તે પહેલાં તેમાં જરૂરિયાત મુજબ ફેટનું પ્રમાણ મેળવવા માટે મલાઈ ઉમેરવામાં આવે છે.’’
અમેરિકામાં દૂધઉત્પાદનની પ્રક્રિયા

ઇમેજ સ્રોત, Getty Images
અમૂલનું દૂધ ઓહાયોના સુપિરિયર ડેરી પ્લાન્ટમાંથી પ્રોસેસ કરવામાં આવે છે.
જયેન મહેતા કહે છે, "ખેડૂત સહકારી સંસ્થા હોવાના કારણે MMPA ખેડૂતોનું વિશાળ નેટવર્ક ધરાવે છે. તેઓ અમૂલ માટે દૂધની ખરીદી કરે છે."
"ત્યારબાદ દૂધની વિવિધ તપાસ કરવામાં આવે છે અને કેટલાક ટેકનિકલ પાસાઓનો ઉપયોગ કરીને, તેને ભારતીય સ્વાદ અનુસાર તૈયાર કરવામાં આવે છે."
MMPAના દૂધની કામગીરી પેટન્ટ દ્વારા આંતરિક રીતે ડિઝાઇન કરવામાં આવી છે. તેમાં ઝડપી પરિવર્તન કરી શકાય છે. આનો અર્થ એ થયો કે પ્લાન્ટ ગમે ત્યારે પ્રોડક્ટ બદલી શકશે.
જો ડિગ્લિઓએ જણાવ્યું, "અમે અમૂલ દૂધના ઉત્પાદન માટે કોઈ અલગ ટેકનૉલૉજીનો ઉપયોગ નથી કરી રહ્યા પરંતુ અમે પ્રક્રિયામાં કેટલીક ટેકનિકનો સમાવેશ કર્યો છે જે ચોક્કસપણે નવીન છે. આ સ્વનિર્મિત ટેકનિક થકી શક્ય તેટલી ઝડપથી દૂધને પ્લાન્ટમાંથી ખસેડી શકાય છે."
ભારતીયો સિવાય અન્ય લોકો સુધી પહોંચવું

ઇમેજ સ્રોત, Getty Images
જયેન મહેતા અનુસાર એ કહેવું ખોટું હશે કે અમેરિકન લોકોને વધુ ફેટવાળું દૂધ પસંદ નથી. ઘણા અમેરિકન લોકો છે જેમને પોતાની કોફીમાં ઍકસ્ટ્રા ક્રીમ પસંદ છે. આ ઍકસ્ટ્રા ક્રીમની જગ્યા અમૂલ દૂધ લઈ શકે છે.
જો ડિગ્લિઓ અનુસાર અમેરિકામાં ભારતીયો સિવાયના લોકો પણ હવે અમૂલ દૂધ પસંદ કરવા લાગ્યા છે.
એક પ્રકારની જાગૃતિ અને વિશ્વાસ લોકોમાં આવ્યો છે કે આ કંઈક અલગ છે. લોકો તેને સારી રીતે અને મજબૂતીથી સ્વીકારી રહ્યા છે.
અમેરિકામાં પોતાનું સ્થાન મજબૂત કરવા માટે અમૂલ અમેરિકન ક્રિકેટ ટીમને સ્પૉન્સર કરી રહી છે. અમેરિકન T20 ક્રિકેટ ટીમના ટી-શર્ટમાં તેનો લોગો જોઈ શકાય છે.
જયેન મહેતા કહે છે, અમે સમગ્ર અમેરિકામાં સોશિયલ મીડિયામાં છવાયેલા છીએ. ભારતીયો પોતાના વૉટ્સઍપ ગ્રૂપમાં પણ અમારી ચર્ચા કરતા હોય છે.
નિષ્ણાતો અનુસાર અમૂલને તેના બ્રાન્ડનો લાભ મળશે પરંતુ અમૂલ માટે સૌથી મોટો પડકાર એ છે કે અમેરિકાના કડડ ફૂડ નિયમોનું પાલન કરીને ઉત્પાદન કરવો પડશે.
ડિગ્લિઓ કહે છે, "અમારા ઑપરેશન્સ ઉચ્ચ ગુણવત્તાવાળા રહ્યા છે. અમે ઉચ્ચ ગુણવત્તાવાળા દૂધનું ઉત્પાદન કરીએ છીએ. અમારા ઉત્પાદકો પણ સહકારી સંસ્થાના સભ્યો છે. અમારો પ્રયત્ન છે કે અમે ઉચ્ચ ગુણવત્તાના ઉત્પાદનો જ બનાવીએ. "
તેમણે કહ્યું હતું કે, "એક સહકારી સંસ્થા તરીકે અમારો પ્રયત્ન રહેશે કે અમારી સાથી સહકારી સંસ્થાને અમે એવું જ દૂધ અને અન્ય ઉત્પાદનો ઉપલબ્ધ કરાવીએ કે જેવું અમૂલની બ્રાન્ડ સાથે વણાયેલું છે. "
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)












