ગુજરાત : એરંડામાંથી બનતું રાઇસિન નામનું ઝેર શું છે, એ રાસાયણિક હથિયારોની યાદીમાં કેમ સામેલ છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, બલ્લા સતીશ
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાત પોલીસે ડૉ. અહમદ મોહિઉદ્દીન સૈયદ, આઝાદ સુલેમાન શેખ અને મોહમ્મહ સુહૈલ, મોહમ્મદ સલીમ નામના ત્રણ લોકોની ધરપકડ કરી છે.
સમાચાર સંસ્થા પીટીઆઈના અહેવાલ અનુસાર, આ ત્રણેય પર લખનૌ, દિલ્હી અને અમદાવાદમાં મોટો હુમલો કરવાના કાવતરામાં સામેલ હોવાનો આરોપ છે.
જોકે, આ લોકોએ જે માર્ગ પસંદ કર્યો હતો તે હવે મોટી ચર્ચા અને ઉત્સુકતાનો વિષય બની ગયો છે.
ગુજરાત ઍન્ટી-ટેરરિસ્ટ સ્ક્વૉડનો આરોપ છે કે આ ત્રણેય શખ્સો લોકોની હત્યા માટે એરંડાના બીજમાંથી નીકળતા ઝેરનો ઉપયોગ કરવાની યોજના ઘડી રહ્યા હતા.
આ ત્રણ પૈકીના એક ડૉ. અહમદ મોહિઉદ્દીને ચીનમાં એમબીબીએસનો અભ્યાસ કર્યો છે.
ગુજરાત એટીએસના આરોપ મુજબ, ડૉ. અહમદ પોતાના રસાયણ વિજ્ઞાનના જ્ઞાનનો ઉપયોગ એરંંડાના બીજમાંથી ઝેર કાઢવા માટે કર્યો હતો.
પીટીઆઈના રિપોર્ટ અનુસાર, ગુજરાત પોલીસે માહિતી આપી છે કે આ લોકોનો સંબંધ ઇસ્લામિક સ્ટેટ સાથે છે.
આ ઘટનાને પગલે એવો સવાલ ઊઠ્યો છે કે એરંડાનું તેલ વાસ્તવમાં લોકોનાં મોતનું કારણ બની શકે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાત એટીએસે આ લોકોની ધરપકડ કરી ત્યારે તેમની પાસે એરંડાનું તેલ મળી આવ્યું હતું. ઇન્ડિયન ઍક્સપ્રેસ અખબારના અહેવાલ મુજબ, એક શકમંદે પોલીસને જણાવ્યું હતું કે તેઓ એરંડાના બીજમાંથી રાઇસિન (જેને રેઝીન પણ કહેવામાં આવે છે) કાઢવાના પ્રયાસ કરી રહ્યા હતા.
આ લોકો ઝેરનો ઉપયોગ કેવી રીતે કરવાના હતા તેની તપાસ પણ ચાલી રહી હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.
એટીએસના ડીઆઈજી સુનિલ જોશીએ જણાવ્યું હતું કે આ લોકો એક મોટા આતંકવાદી હુમલાની યોજના ઘડી રહ્યા હતા.
અલબત, પોલીસે જણાવ્યું હતું કે આ ત્રિપુટી પાસેથી રાઇસિનવાળું ઝેર મળ્યું નથી, પરંતુ એ બનાવવાના પ્રયાસ કરતી વખતે તેમને પકડી પાડવામાં આવ્યા હતા.
આ ખરેખર રાઇસિન છે?

ઇમેજ સ્રોત, X/DGPGujarat
રાઇસિન એક વિષ છે, જે એરંડાના દાણામાંથી કાઢવામાં આવે છે.
આ છોડનું વૈજ્ઞાનિક નામ રિસિનસ કમ્યુનિસ છે. બીજમાંથી તેલ કાઢ્યા બાદ બાકીના દાણામાંથી પણ તેલ કાઢવામાં આવે છે. તેની નાની અમથી માત્રા પણ જીવલેણ સાબિત થઈ શકે છે.
એરંડાનું તેલ ખતરનાક નથી. તેલ કાઢ્યા બાદ જે દાણા નીકળે છે તેને વિશેષ રીતે શુદ્ધ કરીને આ રાઇસિન કાઢવામાં આવે છે.
ઑર્ગેનાઇઝેશન ફૉર ધ પ્રોહિબિશન ઑફ કેમિકલ વેપન્સમાં ભારત સહિતના ઘણા દેશો સભ્ય છે. આ સંગઠનના જણાવ્યા અનુસાર, રાઇસિનનો સમાવેશ રાસાયણિક હથિયારોની યાદીમાં કરવામાં આવ્યો છે.
અલબત, અત્યાર સુધીમાં પુરવાર થયેલા અપરાધોમાં જાણવા મળ્યું છે કે વિશ્વમાં એક વ્યક્તિની હત્યા રાઇસિનના ઉપયોગ વડે કરવામાં આવી હતી.
રાઇસિન ગળવાથી, તે ઇન્જેક્શન સ્વરૂપે લેવાથી, મોં વાટે લેવાથી કે ત્વચા સાથે તેનો સ્પર્શ થવાથી પણ ખતરનાક સાબિત થઈ શકે છે. તેનો કોઈ સ્વાદ કે ગંધ હોતા નથી. તેથી એ ભોજનમાં છે કે નહીં એ કોઈ જણાવી શકતું નથી.
રાસાયણિક રીતે રાઇસિન એક લેક્ટિન છે. એટલે કે તે એક પ્રોટીન છે, જે કાર્બોહાઈડ્રેટ્સ સાથે જોડાય છે.
'કેટલાક લોકો દુરુપયોગ કરી રહ્યા છે..'

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સિકંદરાબાદની ગાંધી મેડિકલ કૉલેજમાં ઍનેસ્થિસિયૉલૉજીના પ્રોફેસર ડૉ. કિરણ મદાલાએ બીબીસીને કહ્યું હતું, "તેનો ઉપયોગ કૅન્સરની સારવારમાં પણ થાય છે, પરંતુ કેટલાક લોકો તેનો ઉપયોગ ખોટી રીતે કરી રહ્યા છે."
"આ ઝેર શ્વાસ મારફતે, ગળી જઈને અને ઇન્જેક્શન એમ ત્રણ રીતે આપી શકાય છે. તે કોષોના મૃત્યુનું કારણ બને છે એટલે કે તે માનવ શરીરના કોષોમાં પ્રોટીનનું ઉત્પાદન બંધ કરી દે છે. પરિણામે વ્યક્તિ 36થી 72 કલાકમાં મૃત્યુ પામે છે."
અમેરિકાના સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રૉલ ઍન્ડ પ્રિવેન્શનની વેબસાઇટ પર જણાવ્યા મુજબ, રાઇસિન સફેદ લોટ જેવું હોય છે. તેને પ્રવાહી અને ઘન એમ બન્ને સ્વરૂપમાં બનાવી શકાય છે. તે એરંડા તેલના છોડના કર્નલોમાંથી કાઢવામાં આવે છે.
તે માનવ કોષોમાં પ્રોટીનનું ઉત્પાદન અટકાવે છે. એ ઉપરાંત તે વિવિધ ઍલર્જીક રિઍક્શનનું કારણ બની શકે છે. થોડી માત્રામાં પણ તે જીવલેણ સાબિત થઈ શકે છે.
તે હવા, પાણી, ખોરાક, મોં, ઇન્જેક્શન, ગળવાથી, શ્વાસ લેવાથી, આંખો મારફતે અને ઘા દ્વારા શરીરમાં પ્રવેશી શકે છે.
રાઇસિનનું સેવન કરવામાં આવે તો વપરાશના થોડા કલાકો કે દિવસો સુધી તેનાં શારીરિક લક્ષણો દેખાતાં નથી. તેની અસર બાદમાં દેખાવાની શરૂ થાય છે. જઠરાંત્રીય માર્ગ પર તેની અસર તેને ખાધાના છ કલાકમાં સૌથી વધુ નોંધપાત્ર હોય છે.
સામાન્ય રીતે તેના સંપર્કમાં આવ્યાના બેથી પાંચ દિવસ પછી યકૃત, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, કિડની અને ઍડ્રેનલ ગ્રંથીઓ પર તેનો પ્રભાવ દેખાય છે. તે સાયટોટૉક્સિક છે. આ સાયટોટૉક્સિક અસર દેખાય એ પહેલાં પીડિતોમાં તેનાં કોઈ લક્ષણ દેખાતાં નથી.
રાઇસિનના ઝેરથી મૃત્યુ શરૂઆતના ત્રણથી પાંચ દિવસમાં શક્ય છે. તેની અસરનો આધાર રાઇસિન શરીરમાં કયા સ્વરૂપમાં પ્રવેશ કરે છે, કેટલી માત્રામાં ખવાયું છે અને તે શરીરના કયા હિસ્સામાં ગયું છે તેના પર હોય છે.
તેનો કોઈ સીધો ઇલાજ નથી. પીડિતને પ્રાથમિક સારવાર આપવી જોઈએ અને શક્ય તેટલો વહેલો ડૉક્ટર પાસે લઈ જવો જોઈએ. સ્થિતિની ગંભીરતાને આધારે સારવાર કરવી જરૂરી હોય છે.
ડૉ. કિરણ મદાલાએ કહ્યુ હતું, "એરંડાનું તેલ ખતરનાક નથી. તેનાં થોડાંક બીજ સીધા ખાવાં પણ બહુ ખતરનાક નથી. જોકે, બીજને પ્રક્રિયા અનુસાર પરિશુદ્ધ કરવામાં આવે ત્યારે જ રાઇસિન પ્રાપ્ત થાય છે."
"એક બીજમાં મોટા પ્રમાણમાં રાઇસિન હોતું નથી, પરંતુ તમે એકસાથે મોટી માત્રામાં બીજ ખાઓ તો તે ઝેરી બની જાય છે."
રાઇસિનના ઉપયોગ વડે કરવામાં આવેલી ચર્ચિત હત્યા
રાઇસિનના ઉપયોગ વડે કરાયેલી એકમાત્ર જાણીતી હત્યા જ્યોર્જી માર્કોવની છે. જ્યોર્જી બલ્ગેરિયાના સામ્યવાદી શાસનમાંથી છટકી ગયા પછી લંડનમાં રહેતા હતા. તેમની હત્યા 1978માં કરવામાં આવી હતી.
બીબીસીના અહેવાલ અનુસાર, લંડનના વૉટરલૂ બ્રિજ પર થયેલી જ્યોર્જીની હત્યાને અમ્બ્રેલા મર્ડર નામે પણ ઓળખવામાં આવે છે.
જ્યોર્જી માર્કોવ 1960ના દાયકા સુધીમાં બલ્ગેરિયામાં એક અગ્રણી લેખક બની ગયા હતા. 1969માં સામ્યવાદી પક્ષ દ્વારા સતામણી બાદ તેઓ લંડનમાં સ્થાયી થયા હતા.
તેમણે બીબીસીની બાહ્ય સેવાઓ માટે પણ કામ કર્યું હતું. અન્ય સંસ્થાઓ માટે તેમના રિપોર્ટિંગને કારણે સામ્યવાદી શાસકો ગુસ્સે થયા હતા અને તેમની હત્યા કરવામાં આવી હતી.
એક અજાણી વ્યક્તિએ તેમના પર છરી વડે હુમલો કર્યો હતો. તેમને જાંઘમાં દુખાવો થયો હતો. એ રાતે તેમને તાવ આવ્યો હતો. ચાર દિવસ પછી તેમનું મૃત્યુ થયું હતું. એ સમયે તેમના મૃત્યુનું કારણ સ્પષ્ટ ન હતું.
તપાસમાં જાણવા મળ્યું હતું કે રાઇસિન ઝેરથી ભરેલી ધાતુની બહુ નાની નળી કે ગોળી તેમના મૃત્યુનું કારણ બની હતી. તેમની હત્યામાં બલ્ગેરિયા અને સોવિયેત ગુપ્તચર સંસ્થા કેજીબીની સંડોવણીનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
વિશ્વભરમાં રાઇસિનના કેસ

ઇમેજ સ્રોત, x/DGPGujarat
રાઇસિનનો ઉપયોગ પ્રથમ વિશ્વયુદ્ધથી થતો રહ્યો છે. વિરોધીઓને મારવા અથવા નુકસાન પહોંચાડવા માટે વિશ્વભરમાં તેનો ઉપયોગ અનેક વખત કરવામાં આવ્યો છે. દુનિયાની પોલીસે આવાં અનેક કાવતરાંને નિષ્ફળ બનાવ્યાં છે.
ઓબામા અને ટ્રમ્પ સહિતના અનેક અમેરિકન રાજકારણીઓને રાઇસિન પાવડર મોકલવામાં આવ્યો હોવાના અહેવાલો છે. ગુજરાતની માફક જર્મન પોલીસે પણ 2018માં રાઇસિન પાવડર બનાવતા લોકોને પકડી પાડ્યા હતા. રાઇસિન સાથે સંકળાયેલા આવા ઘણા કિસ્સા દુનિયામાં નોંધાયેલા છે.
તમિલ હીરો વિશાલની ફિલ્મ ડિટૅક્ટિવ તેલુગુમાં રિલીઝ થઈ હતી. તેમાં રાઇસિનના ઉપયોગ વડે હત્યાના દૃશ્યો દર્શાવવામાં આવ્યાં છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમ દ્વારા પ્રકાશિત












