દિલ્હી બ્લાસ્ટ 'આતંકવાદી હુમલો' હતો? ચાર સવાલો જેના જવાબ હજુ નથી મળ્યા

ઇમેજ સ્રોત, Getty Images
દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક થયેલા વિસ્ફોટ પછી મંગળવારે સવારથી જ તપાસકર્તાઓ અને અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે હાજર છે અને તપાસ કરી રહી છે.
સોમવારે સાંજે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક એક કારમાં વિસ્ફોટ થયો હતો, જેમાં આઠ લોકોનાં મોત નીપજ્યાં હોવાની પુષ્ટિ થઈ છે.
વિસ્ફોટ પછી તરત પોલીસ અને તપાસ એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ગૃહમંત્રી અમિત શાહે પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. ફોરેન્સિક અધિકારીઓએ વિસ્ફોટના સ્થળેથી નમૂનાઓ એકઠા કરીને તપાસ માટે લૅબમાં મોકલ્યા છે. પરંતુ હજુ સુધી ચાર સવાલ એવા છે જેના જવાબ નથી મળ્યા.
પહેલો સવાલ: શું આ 'આતંકવાદી હુમલો' હતો?

ઇમેજ સ્રોત, EPA/Shutterstock
હુમલા વિશે પોલીસે સ્પષ્ટ રીતે કોઈ નિવેદન નથી આપ્યું. જોકે, દિલ્હીના પોલીસ કમિશનરે કહ્યું કે ઘણી એજન્સીઓ તપાસમાં જોડાઈ છે.
ફોરેન્સિક સાયન્સ લૅબોરેટરીના અધિકારી મહમદ વાહિદે પત્રકારોને જણાવ્યું કે "ઘટનાસ્થળેથી નમૂનાઓ એકત્ર કરીને લૅબમાં મોકલાઈ રહ્યા છે. ત્યાર પછી જ અમને માહિતી મળશે. નમૂનાઓના પરીક્ષણ પછી જ અમે કોઈ તારણ સુધી પહોંચી શકીશું."
વિસ્ફોટ અંગે મીડિયામાં જાતજાતની વાતો થઈ રહી છે. કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ દાવો કર્યો કે સીએનજીને કારણે વિસ્ફોટ થયો છે, જ્યારે પોલીસે આ વિશે સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી.
મંગળવારે સવારે દિલ્હી નૉર્થના ડીસીપી રાજા બંથિયાએ મીડિયાને કહ્યું કે "દિલ્હી વિસ્ફોટમાં UAPA, એક્સપ્લોઝિવ ઍક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ફોરેન્સિક નિષ્ણાતો, FSLની ટીમ અને બીજી ટીમો ઘટનાસ્થળે હાજર છે અને પુરાવા એકઠા કરી રહી છે."
બીજો સવાલઃ વિસ્ફોટ કેવી રીતે થયો?

ઇમેજ સ્રોત, Getty Images
દિલ્હીના પોલીસ કમિશનર સતીશ ગોલચાએ વિસ્ફોટ અંગે માહિતી આપતાં કહ્યું કે, આ વિસ્ફોટથી આસપાસની ઘણી કારને નુકસાન થયું હતું. આની માહિતી મળતાં જ દિલ્હી પોલીસ, FSL, NIA અને NSGની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે અને પરિસ્થિતિનો તાગ મેળવી રહી છે. વિસ્ફોટની તપાસ ચાલુ છે. ટૂંક સમયમાં તેનું આકલન કરીને પછી જાણકારી અપાશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ કારમાં વિસ્ફોટ કેવી રીતે થયો તેની કોઈ સ્પષ્ટ માહિતી નથી મળી. શું કારમાં પહેલેથી કોઈ વિસ્ફોટક સામગ્રી હાજર હતી કે પછી બૉમ્બ મુકાયો હતો? શું કારની ફ્યૂઅલ ટાંકી અથવા સીએનજીની ટાંકીમાં વિસ્ફોટ થયો હતો જેના કારણે બીજી ગાડીઓ પણ સળગી ગઈ? શું કારમાં સવાર લોકોને પહેલેથી તેના વિશે કોઈ માહિતી હતી? આ બધા સવાલોના જવાબ નથી મળ્યા.
ત્રીજો સવાલઃ કારનો માલિક કોણ છે?

ઇમેજ સ્રોત, Reuters
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં થયેલા વિસ્ફોટ અંગે માહિતી આપતાં કહ્યું હતું કે, "સાત વાગ્યા નજીક લાલ કિલ્લા પાસે સુભાષ માર્ગ ટ્રાફિક સિગ્નલ પાસે Hyundai i20 ગાડીમાં બ્લાસ્ટ થયો છે. વિસ્ફોટને કારણે આસપાસની કેટલીક ગાડીઓને નુકસાન થયું અને કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. પ્રાથમિક માહિતી પ્રમાણે કેટલાક લોકો માર્યા પણ ગયા છે."
આ કાર વિશે ભારતીય મીડિયામાં અનેક પ્રકારની ચર્ચા ચાલે છે, પરંતુ હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી નથી મળી. કારના માલિક કોણ છે, કાર ક્યાંથી આવી હતી, ક્યાં જઈ રહી હતી, કારમાં કેટલા લોકો સવાર હતા, અને વિસ્ફોટમાં કારમાં સવાર કેટલા લોકો માર્યા ગયા, તેના વિશે કોઈ સ્પષ્ટ માહિતી નથી.
તપાસ અધિકારીઓ કારની અવરજવરની જાણકારી મેળવવા પ્રયાસ કરે છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જ્યાં વિસ્ફોટ થયો તે વિસ્તારમાં કાર કેટલાક કલાકથી આંટા મારતી હતી. કહેવાય છે કે કાર એક પાર્કિંગમાં ઊભી હતી અને વિસ્ફોટથી થોડા સમય પહેલાં જ ધીમે ધીમે ચાલવા લાગી હતી. કારમાં જ્યાં વિસ્ફોટ થયો તે સ્થળ મેટ્રો સ્ટેશનની નજીક હતું.
પરંતુ BBC કે પોલીસે આ માહિતીની પુષ્ટિ કરી નથી.
ચોથો સવાલઃ ટાર્ગેટ કોણ હતા?
એવો સવાલ પણ થાય છે કે દુર્ઘટનાને કારણે આ વિસ્ફોટ થયો હતો કે પછી જાણી જોઈને વિસ્ફોટ કરવામાં આવ્યો હતો.
જો જાણી જોઈને વિસ્ફોટ કરાયો હોય તો તેના નિશાન પર કોણ હતા? શું સામાન્ય લોકોને નિશાન બનાવવાના હતા? આ ઘટનાના છેડા સ્થાનિક સ્તરે જોડાયેલા છે કે પછી રાજ્ય અથવા દેશની બહાર તેની કડી છે?
આ બધા સવાલોના જવાબ મળવાના હજુ બાકી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












