દિલ્હીમાં કાર વિસ્ફોટ અગાઉ પકડાયેલા ત્રણ ડૉક્ટરો કોણ છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સૈયદ મોઝિઝ ઇમામ
- પદ, બીબીસી સંવાદદાતા
- લેેખક, માજિદ જહાંગીર
- પદ, બીબીસી સંવાદદાતા, શ્રીનગર
દિલ્હીમાં 10 નવેમ્બરે સાંજે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે એક કારમાં વિસ્ફોટ થયો અને ઓછામાં ઓછા આઠ લોકોનાં મોત નીપજ્યાં અને અનેકને ઈજા થઈ છે.
આ વિસ્ફોટ અગાઉ જમ્મુ-કાશ્મીર પોલીસે હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં કેટલાક લોકોની ધરપકડ કરી હતી, કેટલાકને અટકાયતમાં લીધા છે.
ધરપકડ કરાયેલા લોકોમાં ત્રણ ડૉક્ટર સામેલ છે. આના વિશે ફરિદાબાદના પોલીસ કમિશનર સતેન્દ્રકુમાર ગુપ્તાએ કહ્યું કે "આ 15 દિવસથી ચાલતા સંયુક્ત ઑપરેશનનું પરિણામ છે અને ઑપરેશન હજુ ચાલુ છે."
જોકે, આ ધરપકડોને દિલ્હીના કાર વિસ્ફોટ સાથે કોઈ કડી હોવા વિશે પોલીસે કંઈ જણાવ્યું નથી.
દિલ્હીના વિસ્ફોટની તપાસ એનઆઇએને સોંપવામાં આવી છે.
પોલીસ ઑપરેશન હજુ ચાલુ
જમ્મુ-કાશ્મીર પોલીસની કાર્યવાહી મંગળવારે પણ ચાલુ રહી હતી. પોલીસની એક ટીમે ફરિદાબાદથી પકડવામાં આવેલા આરોપીઓના કાર્યસ્થળે લોકોની પૂછપરછ કરી છે. સહારનપુર અને લખનૌમાં પણ સર્ચ ઑપરેશન ચાલુ છે.
ફરિદાબાદ પોલીસે કહ્યું કે અલ ફલાહ યુનિવર્સિટીમાં તથા ફરિદાબાદના ઘણા ભાગોમાં લગભગ 800 પોલીસ કર્મચારી સર્ચ ઑપરેશન કરી રહ્યા છે, પરંતુ પોલીસે કોઈને ડિટેઇન અથવા ધરપકડ કરી નથી. અલ-ફલાહ અને આસપાસના લોકોની પૂછપરછ ચાલુ છે.
જોકે, દિલ્હી વિસ્ફોટ અગાઉ જમ્મુ-કાશ્મીર પોલીસે 10 નવેમ્બરે દાવો કર્યો હતો કે તેમણે સાત લોકોની ધરપકડ કરી છે. પોલીસના કહેવા પ્રમાણે આ લોકો પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને અન્સાર ગઝવત-ઉલ-હિંદ સાથે જોડાયેલા હતા, પરંતુ આરોપીઓના પરિવારજનોએ આ ધરપકડો વિશે સવાલ ઉઠાવ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ દરમિયાન સુરક્ષા એજન્સીઓ એ વાતની તપાસ કરે છે કે ધરપકડ કરવામાં આવેલા ડૉક્ટર અદીલ, ડૉક્ટર મુઝમ્મિલ શકીલ અને શાહીન સઈદ વચ્ચે કોઈ નેટવર્ક લિંક છે કે નહીં.
ડૉક્ટર ઉમર નબી પર શંકા, પરિવાર પરેશાન

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સાઉથ કાશ્મીરના પુલવામાના ડૉક્ટર ઉમર નબીને લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે થયેલા કાર વિસ્ફોટમાં મુખ્ય શકમંદ ગણાવવામાં આવે છે.
જોકે, તેમના પરિવારે ધરપકડ અંગે આશ્ચર્ય વ્યક્ત કરીને કહ્યું છે કે ડૉક્ટર નિર્દોષ છે અને છેલ્લા કેટલાય મહિનાથી તેઓ પોતાના કામમાં વ્યસ્ત હતા.
તપાસ એજન્સીઓ મુજબ 34 વર્ષીય ડૉક્ટર નબી જ કથિત રીતે સફેદ રંગની હ્યુન્ડાઈ આઇ20 કાર ચલાવતા હતા. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક પાર્કિંગમાં આ કારમાં જ વિસ્ફોટ થયો હતો.
બીબીસી આ દાવાની પુષ્ટિ કરતું નથી.
તપાસકર્તાઓ પ્રમાણે વિસ્ફોટમાં ઉપયોગ કરાયેલી કાર અને હરિયાણાના ફરિદાબાદમાં પકડાયેલા આતંકી મૉડ્યૂલ વચ્ચે સંભવિત કડી મળી છે.
ફરિદાબાદમાં પોલીસે તાજેતરમાં મોટા પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી જપ્ત કરી હતી. દિલ્હી વિસ્ફોટ સાથે તેનો શું સંબંધ છે તેની તપાસ ચાલુ છે.
સૂત્રોના કહેવા પ્રમાણે પ્રારંભિક તપાસમાં ડૉક્ટર ઉમર નબીનું નામ જૈશ-એ-મોહમ્મદ અને અન્સાર ગઝવત-ઉલ-હિંદ જેવાં ચરમપંથી સંગઠનો સાથે જોડાયેલા ઇન્ટર-સ્ટેટ નેટવર્કથી જોડાયેલ હોવાનું માનવામાં આવે છે. જોકે, પોલીસે હજુ સુધી કોઈ ધરપકડની સત્તાવાર પુષ્ટિ નથી કરી.
પરિવારમાં તેમનાં ભાભી મુઝમ્મિલ કહે છે કે શુક્રવારે નબી સાથે વાત થઈ હતી.
તેમણે કહ્યું કે તેમના પતિ, સાસુ અને દિયરને પોલીસ લઈ ગઈ છે. ત્યાર પછી પોલીસે નબીના પિતાને પણ અટકાયતમાં લીધા છે.
યુપીના સહારનપુરમાંથી ધરપકડ

ઇમેજ સ્રોત, ANI
જમ્મુ-કાશ્મીર પોલીસના કહેવા પ્રમાણે 7 નવેમ્બરે ઉત્તર પ્રદેશના સહારનપુરમાંથી ડૉક્ટર અદીલ અહમદ રાથરની ધરપકડ કરવામાં આવી હતી. રાથરના આધાર કાર્ડમાં અનંતનાગનું સરનામું છે. સહારનપુરના અંબાલા રોડ પર આવેલી ફૅમસ હૉસ્પિટલમાંથી આ ધરપકડ થઈ હતી.
ડૉક્ટર અદીલ પર આરોપ છે કે તેમણે અનંતનાગમાં ચરમપંથી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સમર્થનમાં પોસ્ટર લગાવ્યા હતા.
પોલીસે કહ્યું કે તપાસ દરમિયાન શ્રીનગર પોલીસે સીસીટીવી ફૂટેજ જોયા હતા, જેમાં તેઓ પોસ્ટર લગાવતા જોવા મળ્યા હતા. તેના આધારે જ તેમની ધરપકડ થઈ છે.
પોલીસના કહેવા પ્રમાણે ડૉક્ટર અદીલ લગભગ ત્રણ વર્ષથી સહારનપુરમાં રહેતા હતા. તેમણે માનકમઉ વિસ્તારમાં એક પ્રાઇવેટ સ્કૂલ નજીક ભાડાનું મકાન લીધું હતું. આ દરમિયાન તેમણે વી-બ્રોસ અને ફૅમસ મેડિકેર હૉસ્પિટલમાં નોકરી કરી હતી. અગાઉ તેઓ અનંતનાગની સરકારી મેડિકલ કૉલેજમાં સિનિયર રેસિડન્ટ ડૉક્ટર હતા.
24 ઑક્ટોબર 2024 સુધી તેઓ જીએમસી અનંતનાગમાં કાર્યરત હતા. યુપી પોલીસે સહારનપુરની હૉસ્પિટલમાં પહોંચીને તેમનો રેકૉર્ડ ચેક કર્યો અને બીજા કર્મચારીઓની પૂછપરછ કરી. તેમાં જાણવા મળ્યું કે ડૉ. અદીલનું અંબાલા રોડ પર ઍક્સિસ બૅન્કમાં ખાતું છે.
ડૉક્ટર અદીલનાં લગ્ન ચોથી ઑક્ટોબર 2025ના રોજ જમ્મુ-કાશ્મીરમાં થયા હતા. 26 સપ્ટેમ્બરે તેઓ રજા પર ગયા અને સ્ટાફના કેટલાક લોકોને લગ્નનું કાર્ડ આપ્યું હતું. અદીલની ધરપકડ પછી હૉસ્પિટલે તેમની નેમ પ્લૅટ હઠાવી લીધી છે.
હૉસ્પિટલે ડૉક્ટર વિશે શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
ફૅમસ મેડિકેર હૉસ્પિટલના વ્યવસ્થાપક મનોજ મિશ્રાએ કહ્યું કે જાન્યુઆરી-ફેબ્રુઆરી 2025માં હૉસ્પિટલમાં ફિઝિશિયનની જગ્યા ખાલી હતી, જેના માટે માર્ચ મહિનામાં અદીલની નિમણૂક થઈ હતી. ધરપકડ પછી હૉસ્પિટલે તેમની સર્વિસ સમાપ્ત કરી દીધી છે.
સ્થાનિક પોલીસ તપાસ કરે છે, પરંતુ કંઈ બોલવા તૈયાર નથી. સહારનપુરના એસપી (સિટી) વ્યોમ બિંદલે મીડિયાને કહ્યું કે "આ મામલો જમ્મુ-કાશ્મીર પોલીસનો છે, યુપી પોલીસે માત્ર સહયોગ આપ્યો છે."
પોલીસ હવે એ વાતની તપાસ કરે છે કે સહારનપુરમાં ડૉ. અદીલ કોની સાથે સંપર્કમાં હતા. અગાઉ તેમણે વી બ્રોસ હૉસ્પિટલમાં પણ કામ કર્યું હતું.
ત્યાંના પ્રશાસક ડૉક્ટર મમતા વર્માએ કહ્યું કે "અહીં ડૉક્ટર અદીલે લગભગ ચાર મહિના સુધી પોતાની સર્વિસ આપી હતી. તેઓ મેડિસિન સ્પેશિયાલિસ્ટના હોદ્દા પર હતા."
28 ફેબ્રુઆરીએ તેઓ આ હૉસ્પિટલ છોડીને ફૅમસ હૉસ્પિટલમાં જોડાઈ ગયા હતા.
તેમની સાથે કામ કરનાર એક વ્યક્તિએ નામ ન આપવાની શરતે કહ્યું કે અદીલ રાથરે કહ્યું હતું કે તેમની સગાઈ થઈ ગઈ છે અને યુવતી પણ જમ્મુ-કાશ્મીરનાં ડૉક્ટર છે.
એક સહકર્મી ડૉક્ટરે કહ્યું કે તેમને મેડિકલનું બહુ સારું જ્ઞાન હતું અને આ વાતની ઘણી વખત ચર્ચા પણ થતી હતી, પરંતુ અંગત સંપર્ક બહુ ઓછો હતો.
ડૉક્ટર ક્યાં રહેતા હતા તેના વિશે બહુ માહિતી નથી, પરંતુ તેમની સાથે કામ કરનારાઓએ કહ્યું કે તેઓ રિક્ષામાં હૉસ્પિટલ આવતા અને ખાવાનું ઑનલાઇન જ મગાવતા હતા.
હરિયાણાના ફરિદાબાદમાંથી ધરપકડ

ઇમેજ સ્રોત, ANI
હરિયાણાના ધૌજમાં અલ-ફલાહ યુનિવર્સિટીમાં ભણાવતા ડૉક્ટર મુઝમ્મિલ શકીલની પોલીસે ધરપકડ કરી છે.
સંયુક્ત કાર્યવાહીમાં પોલીસે દાવો કર્યો કે ડૉક્ટર શકીલ પાસેથી વાંધાજનક સામગ્રી મળી છે. તેમની ધરપકડ 30 ઑક્ટોબરે થઈ હતી. પોલીસના કહેવા પ્રમાણે તેમણે ભાડાના મકાનમાં વિસ્ફોટક સામગ્રી છુપાવી હતી.
ફરિદાબાદના પોલીસ કમિશનર સતેન્દ્ર ગુપ્તાએ કહ્યું કે "મુઝમ્મિલ અલ-ફલાહ યુનિવર્સિટીમાં ભણાવતા હતા. તેમની પાસેથી એક ક્રિનકોવ રાઇફલ, એક પિસ્તોલ અને ટાઇમર મળી આવ્યાં છે."
પોલીસના કહેવા પ્રમાણે શાહીન સઈદના નામે રજિસ્ટર્ડ એક કાર મળી છે, ત્યાર પછી શાહીનને પણ અટકાયતમાં લેવાયા છે.
સતેન્દ્ર ગુપ્તાએ કહ્યું કે "360 કિલો જ્વલનશીલ પદાર્થ મળી આવ્યો છે, પરંતુ તે આરડીએક્સ નથી."
ડૉક્ટર મુઝમ્મિલનાં માતા નસીમાએ સમાચાર એજન્સી પીટીઆઇને જણાવ્યું કે, તેમની ધરપકડ કરવામાં આવી છે એવી અમને બીજા લોકો પાસેથી ખબર પડી. અમે તેમને મળવાની કોશિશ કરી, પરંતુ પોલીસે મળવા ન દીધા.
મુઝમ્મિલની ધરપકડ પછી ફરિદાબાદથી મહિલા ડૉક્ટર શાહીન સઈદની ધરપકડ કરવામાં આવી છે.
જોકે, પીટીઆઇના રિપોર્ટ પ્રમાણે પુલવામામાં ડૉક્ટર મુઝમ્મિલના ભાઈ આઝાદ શકીલે કહ્યું કે તેમના પર ખોટા આરોપો લગાવાયા છે. તેઓ છેલ્લાં ત્રણ વર્ષથી દિલ્હીમાં ડૉક્ટર છે. તેમણે કહ્યું કે તેમને ભાઈને મળવા નથી દેવાતા. તેઓ વર્ષમાં બે વખત ઘરે આવતા હતા.
લખનૌ કનેક્શનની તપાસ

ઇમેજ સ્રોત, ANI
ફરિદાબાદમાં ધરપકડ કરવામાં આવેલા શાહીન સઈદના લખનૌસ્થિત ઘરે મંગળવારે પોલીસે તપાસ કરી હતી.
લખનૌમાં ડૉક્ટર શાહીન સઈદનો પરિવાર લાલ બાગના ખંડારી બજારમાં રહે છે. તેમના બે ભાઈ છે. મોટા ભાઈ શોએબ સઈદ પોતાના પિતા સાથે રહે છે જ્યારે પરવેઝ સઈદ આઇઆઇએમના મડિયાવ વિસ્તારમાં રહે છે.
તેમના પિતા સઈદ અહમદ અન્સારીએ કહ્યું કે "મારાં ત્રણ બાળકો છે. શાહીન સઈદ બીજા નંબરના છે. તેમણે અલાહાબાદ મેડિકલ કૉલેજમાંથી એમબીબીએસ અને એમડી કર્યું છે."
સઈદ અહમદ અન્સારીએ કહ્યું કે, "તમે જે (ગેરકાયદે કામ) કહો છો તેના પર મને વિશ્વાસ નથી બેસતો... પોલીસે હજુ સુધી મારો કોઈ સંપર્ક નથી કર્યો."
શાહીન સઈદના ભાઈ પરવેઝ અન્સારીના ઘરે પણ પોલીસે સહારનપુર અને લખનૌમાં તપાસ કરી છે. યુપી એટીએસ અને જમ્મુ-કાશ્મીર પોલીસે શાહીન સઈદના પિતાના ઘરની 11 નવેમ્બરે તલાશી લીધી છે.
સઈદ અન્સારીએ જણાવ્યું કે પરવેઝ સાથે દર અઠવાડિયે વાત થાય છે. તે ઇન્ટિગ્રલ યુનિવર્સિટીમાં ભણાવે છે. જ્યારે સઈદ અહમદનું કહેવું છે કે શાહીન સાથે એક મહિના અગાઉ તેમની વાત થઈ હતી અને દોઢ વર્ષ અગાઉ મુલાકાત થઈ હતી.
તેમના એક પડોશીએ નામ ન આપવાની શરતે કહ્યું કે, "શાહીન સઈદ ઘણાં વર્ષોથી અહીં રહેતાં ન હતાં. તેમની આવ-જા બહુ ઓછી હતી."
પહેલાં ધરપકડ અને પછી વિસ્ફોટના કારણે સવાલો ઊઠ્યા
હકીકતમાં જમ્મુ-કાશ્મીર પોલીસે દાવો કર્યો છે કે તે એક નેટવર્ક પર કામ કરતી હતી. યુપી અને હરિયાણા પોલીસના સહયોગથી આ સંયુક્ત અભિયાન ચલાવાયું હતું. પોલીસ મુજબ "લાંબા સમયથી રાખવામાં આવતી દેખરેખ અને ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી."
પોલીસનો દાવો છે કે તપાસમાં જાણવા મળ્યું કે આ મૉડ્યુલ જમ્મુ-કાશ્મીર બહાર સક્રિય રહીને આતંકવાદના સમર્થનમાં પ્રચાર કરવા, યુવાનોને ઉશ્કેરવા અને આતંકી પ્રવૃત્તિઓ માટે લૉજિસ્ટિક્સની વ્યવસ્થા કરવાનું કામ કરતું હતું.
કાશ્મીર પોલીસનો દાવો છે કે દરોડા દરમિયાન ઘણાં ડિજિટલ ઉપકરણ, પોસ્ટર અને ઇલેક્ટ્રોનિક રેકૉર્ડ્સ મળી આવ્યાં છે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે આરોપીઓ પ્રતિબંધિત સંગઠનોની વિચારધારાનો પ્રચાર કરતા હતા.
આ મામલે યુએપીએની કલમો હેઠળ કેસ દાખલ કરાયો છે.
ભૂતાનની મુલાકાતે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી વિસ્ફોટની ઘટના વિશે કહ્યું કે "વિસ્ફોટનું ષડ્યંત્ર રચનારાઓને છોડવામાં નહીં આવે. તમામ જવાબદાર લોકોને આકરી સજા મળશે."
બીજી તરફ વિપક્ષે આ મામલે કેન્દ્ર સરકારને ઘેરી છે. કૉંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે ઍક્સ પર લખ્યું, "દેશની રાજધાની દિલ્હીમાં બૉમ્બવિસ્ફોટમાં 13 લોકો માર્યા ગયા. ગઈ કાલે ફરિદાબાદમાંથી 360 કિલો વિસ્ફોટકો પકડાયા. તે અહીં સુધી પહોંચ્યા કઈ રીતે, કેટલી મોટી ઘટના બની શકે તેમ હતી."
તેમણે કહ્યું કે, હજુ સાત મહિના પહેલાં જ પહલગામમાં નૃશંસ આતંકી હુમલો થયો હતો. હવે આ દિલ્હીમાં થયું છે. કોની જવાબદારી છે? ગૃહમંત્રી ક્યાં છે? વડા પ્રધાન ક્યાં છે?"
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












