ભારતથી બમણા આકારનાં આ જંગલો સુકાઈ જશે તો વિશ્વ પર શું અસર થશે?

ઇમેજ સ્રોત, BBC/Getty Images
- લેેખક, નવીનસિંહ ખડકા, એેતોનિયા ક્યૂબેરો અને વિઝ્યુઅલ જર્નાલિઝ્મ ટીમ
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
આ વર્ષનું સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ સંમેલન (કૉપ30) બ્રાઝિલના ઉત્તરે આવેલા શહેર બેલેમમાં આયોજિત થઈ રહ્યું છે. તેને ઘણી વાર વિશ્વના સૌથી મોટા વર્ષાવન એમેઝોનનું પ્રવેશદ્વાર કહેવાય છે.
આ એક પ્રતીકાત્મક સ્થાન છે. સમગ્ર વિશ્વના દેશ પેરિસમાં થયેલા જળવાયુ સંમેલનનાં દસ વર્ષ બાદ બેલેમ ખાતે એકઠા થઈ રહ્યા છે. પેરિસમાં એક ઐતિહાસિક સમાધાન થયું હતું, જેનો હેતુ ધરતીને ગરમ કરતી ગૅસોના ઉત્સર્જનને સુરક્ષિત મર્યાદા સુધી રોકવાનો હતો.
પરંતુ અત્યાર સુધી આ પ્રયાસ સફળ નથી રહ્યા, કારણ કે ઉત્સર્જન સતત વધી રહ્યું છે.
આ જ કારણે પર્યાવરણમાંથી ભારે પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ શોષતાં એમેઝોનનાં જંગલ, આ સ્થિતિને સુધારવાના ઉપાયોમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનાં છે.
પરંતુ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે દાયકાઓથી કપાઈ રહેલાં જંગલો અને જળવાયુની અસરોને કારણે એમેઝોનનું પોતાનું ભવિષ્ય જ અનિશ્ચિત થઈ ગયું છે. જે પારા રાજ્યના પાટનગર બેલેમમાં વર્ષાવનના વિનાશનનું સ્તર સમગ્ર એમેઝોનમાં સૌથી વધુ છે.
આ જ કારણે બીબીસીએ એમેઝોનની વર્તમાન સ્થિતિ અને જેનો તેણે સામનો કરવો પડી રહ્યો છે એવાં જોખમો પર ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે.
બ્રાઝિલમાં એમેઝોનનો લગભગ 60 ટકા ભાગ આવેલો છે. બ્રાઝિલનું કહેવું છે કે એ ઉષ્ણકટિબંધીય વર્ષાવનોની મજબૂત સુરક્ષા માટે એક નવું સમાધાન કરાવવાનો પ્રયાસ કરશે.
ઉષ્ણકટિબંધીય વર્ષાવન મોટા ભાગે ભૂમધ્ય રેખા (વિષુવવૃત્ત)ની પાસે મળી આવે છે. ત્યાં મોટા ભાગે ઊંચાં અને બારમાસી વૃક્ષો હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દુર્લભ પ્રજાતિઓનું ઠેકાણું

એમેઝોનમાં માત્ર જંગલ જ નથી, બલકે કળણ અને સવાના એટલે કે ઘાસનાં મેદાન પણ છે. એ દક્ષિણ અમેરિકાના 67 લાખ વર્ગ કિમી કરતાં વધુ ક્ષેત્રમાં ફેલાયેલું છે, જે ભારતના આકાર કરતાં બમણું છે. એ પૃથ્વીના સૌથી સમૃદ્ધ અને જૈવવૈવિધ્યવાળા વિસ્તારો પૈકી એક છે.
તેમાં સામેલ છે :
- ઓછામાં ઓછા 40,000 છોડોની પ્રજાતિઓ
- 427 સ્તનધારી પ્રજાતિઓ
- પક્ષીઓની 1300 પ્રજાતિઓ, જેમાં હાર્પી ઈગલ અને ટૂકાન સામેલ છે
- હરી ઇગુઆનાથી માંડીને બ્લૅક કૅમન સુધીની 378 સરિસૃપ પ્રજાતિ
- 400 કરતાં વધુ ઉભયચર પ્રજાતિ, જેમાં ડાર્ટ પૉઇઝન ફ્રૉગ અને સ્મૂધ-સાઇડેડ ટોડ સામેલ છે
- અને ઓછામાં ઓછી 3000 મીઠા પાણીની માછલીની પ્રજાતિઓ, જેમાં પિરાન્હા અને વિશાળ અરપાઇમા સામેલ છે, જેનું વજન 200 કિલોગ્રામ સુધી હોઈ શકે છે
એ પૈકી ઘણી પ્રજાતિઓ વિશ્વમાં બીજે ક્યાંય નથી જોવા મળતી. આ સિવાય, આ ક્ષેત્રમાં સેંકડો મૂળનિવાસી સમુદાય રહે છે.


એમેઝોન વિશ્વની સૌથી મોટી નદી છે. પોતાના 1100 કરતાં વધુ સહાયક નદીઓ સાથે આ ધરતી પર મીઠા પાણીનો સૌથી મોટો સ્રોત છે.
આ પાણી એટલાન્ટિક મહાસાગરમાં જઈને મળે છે અને સમુદ્રની ધારાઓને જાળવી રાખવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
એમેઝોન એક મોટું કાર્બન સિંક છે. જોકે, હાલમાં એમેઝોનના કેટલાક ભાગોમાં વૃક્ષછેદન અને જમીન ખરાબ થવાના કારણે એવું જોવા મળ્યું છે કે આ ક્ષેત્ર જેટલું કાર્બન ડાયોક્સાઇડ શોષે છે, તેના કરતાં વધુ ઉત્સર્જિત કરી રહ્યું છે.
એમેઝોન ભોજન અને દવાનો પણ એ મોટો સ્રોત છે. ત્યાં ધાતુ, ખાસ કરીને સોના માટે ખનન કરાય છે.
આ ક્ષેત્ર ઑઇલ અને ગૅસનો પણ મોટું ઉત્પાદક બની શકે છે. જંગલો નષ્ટ થવાને કારણે આ ક્ષેત્ર લાકડાનું પુરવઠો પૂરું પાડતું ક્ષેત્ર બની ગયું છે.
એમેઝોનમાં શું થઈ રહ્યું છે?

ઇમેજ સ્રોત, AFP via Getty Images/NELSON ALMEIDA
તાપમાનમાં તીવ્ર વધારો અને લાંબા ગાળા સુધી ચાલેલા દુષ્કાળે એમેઝોનના પ્રાકૃતિક સંતુલન પર ઊંડી અસર કરી છે.
સામાન્યપણે ભીનાસવાળું આ જંગલ હવે શુષ્ક પડી ચૂક્યું છે અને આગ પ્રત્યે વધુ સંવેદનશીલ બની ગયું છે.
ઉદાહરણ તરીકે, બ્રાઝિલની અવકાશ એજન્સી આઇએનપીઇ અનુસાર સપ્ટેમ્બર 2024માં બ્રાઝિલિયન એમેઝોનમાં 41,463 સ્થળોએ આગના હૉટસ્પૉટ નોંધાયા. આ 2010 બાદ સપ્ટેમ્બર મહિનામાં નોંધાયેલી સૌથી વધુ સંખ્યા હતી.
અમેરિકાની યેલ યુનિવર્સિટીમાં 'ઇકૉસિસ્ટમ કાર્બન કૅપ્ચર'ના ઍસોસિયેટ પ્રોફેસર પાઉલો બ્રાંડો કહે છે કે, "અમે દુષ્કાળ અને આગની ઘટનાઓમાં સતત વધારો નોંધી રહ્યા છીએ અને તેના કારણે એમેઝોનના ઘણા ભાગોમાં ધોવાણ વધી ગયું છે."
તેઓ આગળ કહે છે કે, "ઘણાં ક્ષેત્રોમાં આ ધોવાણ હવે એમેઝોન માટે એક મોટો ખતરો બનીને સામે આવી રહ્યું છે."
ઊડતી નદીઓ પર અસર

સમસ્યા અહીંથી જ શરૂ થાય છે. વિશાળ એમેઝોન ક્ષેત્રમાં તેની ખુદની મોસમ પ્રણાલીઓ છે.
તેનાં જંગલ એટલાન્ટિક મહાસાગરમાંથી આવતા ભેજને સર્કુલેટ કરે છે, જેને આકાશમાં વહેતી 'હવાઈ નદીઓ' કે 'ફ્લાઇંગ રિવર્સ' કહેવામાં આવે છે.
આ વાતાવરણીય નદીઓ સૌપ્રથમ એમેઝોનના પૂર્વ ભાગમાં, એટલે કે એટલાન્ટિક પાસે વરસાદ કરે છે. એ બાદ જમીન અને વૃક્ષોથી પાણી બાષ્પ બનીને ઉપર ઊઠે છે, જે બાષ્પીભવનની પ્રક્રિયા વડે હવામાં ફેલાય છે અને વર્ષાવનના બીજા ભાગો પર પડે એ પહેલાં પશ્ચિમ તરફ આગળ વધે છે.
વર્ષાવનના એક ભાગથી બીજા ભાગ સુધી પાણીનું આ ચક્ર આખા એમેઝોનમાં ચાલે છે. આ જ એ બાબત જણાવે છે કે આખરે આ વિશાળ વર્ષાવન આટલા લાંબા સમય સુધી કેવી રીતે આબાદ રહ્યું.
વાતાવરણીય નદીઓ ખરેખર તો ભેજની નદીઓ છે, જે આકાશમાં પાણીને લાવે અને લઈ જાય છે.

ઇમેજ સ્રોત, AFP via Getty Images/Pedro Pardo
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જોકે, નિષ્ણાતો ચેતવે છે કે હવે એમેઝોનમાં ભેજનું પ્રાકૃતિક સંતુલન પડી ભાંગ્યું છે.
જે ભાગોમાં જંગલો કપાયાં છે કે જમીનનું ધોવાણ થયું છે, એ મહાસાગરમાંથી આવતા ભેજને અગાઉની માફક સર્કુલેટ નથી કરી કરી શકી રહ્યાં. જેના કારણે, જમીન અને વૃક્ષોમાંથી બાષ્પ બનીને હવામાં પરત ફરતા ભેજનું પ્રમાણ ઘણું ઘટી ગયું છે.
એમેઝોન કન્ઝર્વેશનના વૈજ્ઞાનિક અને 'ફ્લાઇંગ રિવર્સ અને એમેઝોનના ભવિષ્ય' અંગે તાજેતરમાં બહાર આવેલા રિપોર્ટના સહલેખક મેટ ફાઇનર કહે છે કે, "પહેલાં આખા એમેઝોનમાં એકબીજા સાથે જોડાયેલી ભેજને સર્કુલેટ કરનારી નાની નાની મોસમ પ્રણાલીઓ હવે તૂટી ચૂકી છે."
તેમના મતે આની સૌથી ખરાબ અસર પશ્ચિમ એમેઝોન પર પડી છે, જે એટલાન્ટિક મહાસાગરથી સૌથી દૂર છે, ખાસ કરીને દક્ષિણ પેરુ અને ઉત્તર બોલીવિયાના વિસ્તારોમાં.
તેઓ કહે છે કે, "પેરુ અને બોલીવિયાનાં વર્ષાવનોનું અસ્તિત્વ હકીકતે તો પૂર્વમાં સ્થિત બ્રાઝિલનાં જંગલો પર આધારિત છે. જો આ જંગલ નષ્ટ થઈ જાય, તો 'ફ્લાઇંગ રિવર્સ' બનાવતું જળચક્ર તૂટી જશે અને ભેજ પશ્ચિમ એમેઝોન સુધી નહીં પહોંચી શકે. આ બધું એકબીજા સાથે જોડાયેલું છે."
આ સમસ્યા જૂનથી નવેમ્બર સુધી ચાલતી શુષ્ક મોસમમાં સૌથી ગંભીર સ્વરૂપ ધારણ કરી લે છે.
નિર્ણાયક વળાંકના સંકેત

ઇમેજ સ્રોત, The Washington Post via Getty Images/Rafael Vilela
પહેલાં એમેઝોનનું આ ભેજવાળું વર્ષાવન, જંગલની આગ સામે ખૂબ મજબૂત હતું, પરંતુ જે વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઘટ્યં છે, ત્યાં આ પ્રતિરોધ ધીરે-ધીરે કમજોર પડતો જોઈ રહ્યો છે.
કેટલાક વૈજ્ઞાનિકોને આશંકા છે કે સુકાતાં જઈ રહેલાં વર્ષાવન હવે એક નિર્ણાયક વળાંક પર પહોંચી ગયાં છે, આ એ તબક્કો છે, જ્યાંથી કોઈ સુધારાને અવકાશ નહીં રહે. તે હંમેશાં માટે નષ્ટ થઈ જાય એવો ખતરો છે.
મેટ ફાઇનર જણાવે છે કે, "નિર્ણાયક બદલાવના પ્રારંભિક સંકેત આપણને એમેઝોનના કેટલાક વિસ્તારોમાં દેખાઈ રહ્યા છે."
યુનિવર્સિટી ઑફ ઓક્સફર્ડની 'ઇકૉસિસ્ટમ લૅબ'માં સિનિયર રિસર્ચ ઍસોસિયેટ એરિકા બેરેનગુએર પણ માને છે કે ખતરો સતત વધી રહ્યો છે. ફાઇનરની માફક તેઓ પણ કહે છે કે કેટલાંક ક્ષેત્રોને અન્યની સરખામણીએ વધુ પ્રભાવિત છે.
તેઓ કહે છે કે, "આ એક ખૂબ ધીમી પ્રક્રિયા છે, જે અમુક ખાસ વિસ્તારોમાં થઈ રહી છે."
પાણીનું સંકટ
જાણકારોનું કહેવું છે કે એમેઝોનના આકાશમાં ભેજના ઓછા સર્કુલેશનની અસર માત્ર જંગલના સ્વાસ્થ્ય પર જ નહીં, બલકે એમેઝોન અને તેની સહાયક નદીઓ પર પણ પડી રહી છે.
પાછલાં કેટલાંક વર્ષોમાં એમેઝોન બેસિનની ઘણી નદીઓનું જળસ્તર રેકૉર્ડ નીચી સપાટીએ પહોંચી ગયું છે. 2023માં આ ક્ષેત્રમાં 45 વર્ષનો સૌથી ભયાનક દુષ્કાળ પડ્યો હતો.
2023 અને 2024ના પ્રારંભિક મહિનામાં દુષ્કાળની આ સ્થિતિ આંશિકપણે 'અલ નીનો'ને કારણે સર્જાઈ હતી. એ એક પ્રાકૃતિક મોસમ પ્રણાલી છે, જેમાં પૂર્વ પ્રશાંત મહાસાગરમાં સમુદ્રની સપાટીનું તાપમાન વધી જાય છે. તેની અસર આખા વિશ્વની વરસાદની પૅટર્ન પર પડે છે. ખાસ કરીને દક્ષિણ અમેરિકામાં.
ખાણકામનો પડકાર

ઇમેજ સ્રોત, NurPhoto via Getty Images/Rafael Guadeluppe
જાણે, જંગલોનો નાશ અને જળવાયુ સંકટને કારણે થતું નુકસાન જ પૂરતું નહોતું, એમ હવે ગેરકાયદેસર ખાણકામ, ખાસ કરીને સોનાના ખનને પણ એમેઝોનને ભારે નુકસાન પહોંચાડ્યું છે.
એરિકા બેરેનગુએર કહે છે કે, "હવે આ ક્ષેત્રમાં રેર અર્થ ખનિજ (દુર્લભ ખનિજ તત્ત્વો) માટે પણ ખનનની શરૂઆત થઈ છે."
આ ખનિજ ઇલેક્ટ્રિક વાહનો, પવન ટર્બાઇન, મોબાઇલ ફોન અને ઉપગ્રહોમાં ઉપયોગમાં લેવાય છે, તેથી આધુનિક અર્થતંત્ર માટે અત્યંત જરૂરી છે.
જોકે, ખનનથી ખૂબ મોટા પાયે જંગલોનો નાશ નથી થતો, પરંતુ તેના કારણે પારા જેવાં રસાયણોથી નદીઓ, માટી અને વૃક્ષોને પ્રદૂષિત જરૂર કરી દે છે. ભવિષ્યમાં આ ઝેર પ્રાણીઓ અને માણસો બંને માટે ઘાતક બની શકે છે.
વિશેષજ્ઞોનું કહેવું છે કે ગેરકાયદેસર ખનન કરનારા અને સંગઠિત અપરાધના નેટવર્ક વચ્ચેના સંબંધોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. તેમાં હથિયાર અને બંદૂકની દાણચોરી કરનારાં જૂથો પણ સામેલ છે.
મેટ ફાઇનર કહે છે કે, "ક્રિમિનલ નેટવર્ક આખા એમેઝોનમાં ફેલાઈ ચૂક્યું છે, જેના કારણે તંત્ર માટે પાયાના સ્તરે નિયંત્રણ જાળવી રાખવાનું કામ અત્યંત મુશ્કેલ બની ગયું છે."
એમેઝોન આઠ દેશોમાં ફેલાયેલું છે અને દરેક દેશના અલગ કાયદા અને તેને લાગુ કરવાની અલાયદી રીત છે. આ જ કારણે ક્રોસ-બૉર્ડર ગુનાખોરીનો સામનો કરવાનું કામ ખૂબ મુશ્કેલ બની જાય છે.
ચિંતાનું વધુ એક કારણ એ છે કે એમેઝોનની નીચે ભારે પ્રમાણમાં હાઇડ્રોકાર્બન મળી આવ્યા છે.
ઇન્ફોએમેઝોનિયા અનુસાર, 2022થી 2024 વચ્ચે લગભગ 5.3 અબજ બેરલ જેટલા ઑઇલ ભંડાર શોધવામાં આવ્યા છે. તેના અનુસાર, આ ક્ષેત્રમાં વિશ્વના હાલમાં જ શોધાયેલા ઑઇલ ભંડારોનો પાંચમો ભાગ મોજૂદ છે, જેથી એ જીવાશ્મ ઈંધણ ઉદ્યોગ માટે એક નવું કેન્દ્ર બની ગયું છે.
આ ભંડારોની શોધ પહેલાં, અને 'ફ્લાઇંગ રિવર્સ' પર લેટેસ્ટ સંશોધન પહેલાં, સાયન્સ પૅનલ ફૉર ધ એમેઝોન રિપોર્ટમાં બતાવાયું હતું કે વર્ષાવનના વિનાશના કારણે દસ હજાર કરતાં પણ વધુ છોડ અને પ્રાણીઓની પ્રજાતિઓ પર વિલુપ્ત થવાનો ખતરો છે.
ક્ષેત્ર માટે જ નહીં, સુદૂર વિસ્તારો માટે પણ મહત્ત્વપૂર્ણ

ઇમેજ સ્રોત, Reuters/Ueslei Marcelino
એમેઝોન હજુ પણ એક મજબૂત કાર્બન સિંક છે, જે ધરતીને ગરમ કરતી મુખ્ય ગૅસ કાર્બન ડાયોક્સાઇડની ભારે માત્રાને શોષી લેવાની ક્ષમતા ધરાવે છે.
2024માં જાહેર કરાયેલ 'મૉનિટરિંગ ઑફ ધ એન્ડીઝ એમેઝોન પ્રોગ્રામ એમએએપી)ના રિપોર્ટ અનુસાર, 2022 સુધી એમેઝોનની જમીનની ઉપર અને નીચે લગભગ 71.5 અબજ મેટ્રિક ટન કાર્બન જમા હતું.'
આ માત્રા 2022ના સ્તરે વૈશ્વિક કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનના લગભગ બે વર્ષ જેટલી છે.
પરંતુ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જંગલોનો નાશ અને જળવાયુ પરિવર્તનના પ્રભાવથી એ વાતનો ખતરો વધી રહ્યો છે કે ક્ષેત્રના વધુ ભાગો હવે કાર્બન શોષવાને સાથે તેનું ઉત્સર્જન કરવા લાગ્યા.
તેમનું કહેવું છે કે જો આપણે એમેઝોનને ગુમાવી દીધું, તો એ વાત જળવાયુ સંકટની લડાઈમાં હાર જેવી હશે.
ઉષ્ણકટિબંધીય જંગલો વાદળોના એક સ્તરનું નિર્માણ કરે છે, જે સૂર્યના પ્રકાશને પરાવર્તિત કરીને પરત અવકાશમાં મોકલી દે છે અને પૃથ્વીને ઠંડી રાખવામાં મદદ કરે છે. જ્યાં સુધી આ પ્રક્રિયા ચાલતી રહી છે, એ પૃથ્વીની ગરમ થવાની ગતિને ધીમી જાળવી રાખે છે.
બ્રાઝિલિયન વન વૈજ્ઞાનિક ટાસો અઝેવેદો જણાવે છે કે, "જેવી રીતે એમેજોન જેવાં ઉષ્ણકટિબંધીય જંગલો કાર્બન શોષીને ધરતીના તાપમાનને સીમિત રાખે છે, એવી જ રીતે તેમાં ગ્રહને ઠંડો રાખવાની પણ ક્ષમતા હોય છે."
તેઓ કહે છે કે, "તેથી આ ગરમ થતા વિશ્વ માટે એમેઝોન એક વિશાળ ઍર કંડિશનરની માફક છે."
અગાઉ જણાવ્યું એમ, વિશ્વના સૌથી મોટા મીઠા પાણીના મુખત્રિકોણ પ્રદેશની વૈશ્વિક જળવાયુ પર પણ ઊંડી અસર થાય છે.
વૈજ્ઞાનિકો કહે છે કે મીઠા પાણીનો વિશાળ પ્રવાહ એટલાન્ટિક મહાસાગરની ધારાઓને દિશા આપવામાં મદદ કરે છે, અને આ પ્રવાહમાં કોઈ ફણ બદલાવ સમુદ્રની ધારાઓની સાથોસાથ ક્ષેત્રીય અને વૈશ્વિક મોસમ પ્રણાલીઓનોનેય પ્રભાવિત કરી શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












