'ઇલોન અબજોપતિની જેમ નથી રહેતા', મસ્ક પોતાની સંપતિનું શું કરે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીફની વર્થાઇમર અને એલિસ ડેવિસ
- પદ, .
ટેસ્લાના માલિક ઇલોન મસ્કના શીરે ઘણાં વર્ષોથી વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ હોવાનો તાજ છે અને તાજેતરમાં તેમની સંપત્તિમાં ધરખમ વધારા સાથે 500 બિલિયન ડૉલરના આંકડા સુધી પહોંચી ગઈ હતી.
તેમ છતાં, મસ્કનો દાવો છે કે તેઓ મોટા ભાગે ઝાકઝમાળ વગરની જીવનશૈલી ધરાવે છે. 2021માં તેમણે કહ્યું હતું કે તેઓ ટેક્સાસના એક ઘરમાં રહેતા હતા, જેની કિંમત 50 હજાર ડૉલર જ હતી.
તેમનાં ભૂતપૂર્વ પાર્ટનર અને તેમનાં બે બાળકોનાં માતા ગ્રાઇમ્સે વૅનિટી ફેરને 2022માં કહ્યું કે તેઓ ઘણા લોકો ધારે છે તેવી વધુ પડતી સુખસુવિધાઓવાળી વૈભવી જીવનશૈલી નથી માણતા.
તેમણે મૅગેઝિનને કહ્યું, "તેઓ એક અતિ ધનાઢ્ય વ્યક્તિની જેમ નથી જીવતા. ઘણી વાર તો તેઓ ગરીબી રેખાની નીચે રહેતી વ્યક્તિની જેમ રહે છે."
તેમણે કહ્યું કે એક વાર ઇલોને તેમના ગાદલામાં કાણું પડી ગયું હોવા છતાં નવું ગાદલું ખરીદવાની ના પાડી દીધી હતી.
જોકે, ભલે તેઓ લોકોની અપેક્ષાથી ઊલટું પોતાનું દૈનિક જીવન વિતાવે છે એ ક્વાર્ટર વૈભવી ન હોય, પરંતુ તેમનો અજુગતી કારો માટેનો પ્રેમ જાણીતો છે. જેમાં સબમરીનમાં બદલાઈ જતી કાર પણ સામેલ છે. તેમની પાસે કરોડો ડૉલરની કિંમતના પ્રાઇવેટ જેટનું કલેક્શન પણ છે.
અને પછી આવ્યું 2022નું ખર્ચાળ વર્ષ,જ્યારે તેમણે અમસ્તા જ 4.4 બિલિયન ડૉલરની કિંમત ચૂકવીને ટ્વિટર ખરીદી લીધું.
ઇલોન મસ્કે વેચેલા વૈભવી બંગલા

ઇમેજ સ્રોત, Getty Images
મસ્ક પાસે એક સમયે પ્રભાવિત કરી દે એવી અને એટલી સ્થાવર મિલકતો હતી. ધ વૉલ સ્ટ્રીટ જર્નલે વર્ષ 2019ના અહેવાલ અનુસાર તેમણે સાત વર્ષમાં સાત ઘર લેવા માટે 100 મિલિયન ડૉલરનો ખર્ચ કર્યો હતો. આ બધાં મકાનો કૅલિફોર્નિયાના પ્રખ્યાત વિસ્તાર બેલ-ઍરમાં એકબીજાથી થોડા જ અંતરે સ્થિત હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ સંપત્તિઓમાં સ્વિમિંગ પૂલ, ટેનિસ કૉર્ટ, વાઇન સેલર, ખાનગી પુસ્તકાલય અને બૉલરૂમ વગેરે હતાં. આ સંપત્તિઓમાં એક સમયે એક વિલી વોન્કાના ઍક્ટર જીન વાઇલ્ડરની માલિકીવાળું પશુ-ફાર્મવાળું ઘર પણ સામેલ હતું.
પરંતુ 2020માં મસ્કનું હૃદયપરિવર્તન થયું. તેમણે ટ્વીટ કર્યું કે તેઓ તેમની "લગભગ તમામ ભૌતિક સંપત્તિઓ" વેચી દેશે, અને "કોઈ ઘરના માલિક નહીં બને."
તેમણે લખ્યું, "મારે રોકડની જરૂર નથી. હું પૃથ્વી અને મંગળને મારી જાત સમર્પિત કરી રહ્યો છું. સંપત્તિ તમને નીચેની તરફ ધકેલે છે."
જોકે, તેમાં એક જોગવાઈ હતી - એ એ કે જીન વાઇલ્ડરના ઘરને "તોડી નહીં શકાય કે તેનો આત્મા નહીં ગુમાવે."
બાદમાં તેમણે આ ત્રણ બેડરૂમવાળી પ્રૉપર્ટીને વાઇલ્ડરના ભત્રીજા જોર્ડન વૉકર - પર્લમેનને જ વેચી. જોકે, એના માટે ઇલોને તેમને સારી એવી નાણાકીય લોન આપી. પરંતુ જૂન 2025માં, વૉકર-પર્લમૅન પુન:ચુકવણી કરવા કથિતપણે પાછા પડ્યા હોવાના મસ્કે માલિકી પરત મેળવી.
વર્ષ 2021માં મસ્કે ટ્વીટ કર્યું કે તેમનું 'પ્રાથમિક ઘર' એક નાનું પ્રીફેબ્રિકેટેડ ઘર છે, જેની કિંમત 50 હજાર ડૉલર છે અને એ ટેક્સાસની દક્ષિણે આવેલું છે. અહીંથી તેમની ઍરોસ્પેસ કંપની સ્પેસએક્સ ચાલે છે. આ વિસ્તાર હવે આધિકારિકપણે સ્ટારબેસ નામનું શહેર બની ગયો છે.
મસ્કે તેમના નાના ઘર વિશે કહ્યું, "એ એક પ્રકારે અદ્ભુત છે."
બીજા વર્ષે, મસ્કે કહ્યું કે તેમની પાસે ઘર જ નથી. તેમણે આ વાતનો ઉપયોગ પોતાની વિશાળ સંપત્તિ છતાં પોતાનો વપરાશ કેટલો ઓછો એનું ઉદાહરણ આપવા માટે કર્યો હતો.
ટેડ મીડિયા ઑર્ગેઇનાઝેશનના વડા ક્રિસ એન્ડરસનને કહ્યું કે, "હું હકીકતમાં મારા મિત્રોનાં ઘરે રહું છું. જ્યારે હું ટેસ્લાની મોટા ભાગની એન્જિનિયરિંગ શાખાઓ જ્યાં આવેલી છે તેવા ખાડી વિસ્તારનો પ્રવાસ ખેડું છું ત્યારે હું મિત્રોના ઘરમાં આવેલા વધારાના રૂમોમાં રહું છું."
જોકે, આ વાત કંઈ નવી નથી. 2015માં ગૂગલના તત્કાલીન સીઇઓ લેરી પેજે લેખક એશલી વેન્સને કહ્યું હતું કે મસ્ક "એક પ્રકારે ઘરબાર વિનાના" હતા.
"એ ઇમેઇલ કરીને કહેશે, 'આજે રાત્રે હું ક્યાં રહું એનો મને ખ્યાલ નથી. શું હું તમારા ત્યાં આવી શકું?'"
પાછલાં કેટલાંક વર્ષોથી મસ્ક અમેરિકામાં પ્રૉપર્ટી ખરીદી રહ્યા હોવાનાં જુદાં જુદાં અનુમાન કરાઈ રહ્યાં છે. જોકે, ટેક્સાસનું ઘર એ તેમની ખાનગી માલિકીનું એકમાત્ર આધિકારિક મકાન છે.
બેજોડ કારો

ઇમેજ સ્રોત, NurPhoto via Getty Images
મસ્ક સંપત્તિમાં ઝાઝો ખર્ચ ન કરતા હોવાની વાત તો છે, પરંતુ કારની વાત કંઈક અલગ છે.
ટેસ્લાના માલિકા તરીકે, તેમની પાસે વિચિત્ર અને અમુક કિસ્સામાં બેજોડ વાહનોનું એક મોટું કલેક્શન હોવાની વાત આશ્ચર્ય જન્માવે તેવી નથી.
આ કલેક્શનમાં મોટર ઇન્ડસ્ટ્રીમાં ક્રાંતિ લાવી દેનાર 20મી સદીની પ્રથમ પરવડે તેવી કાર મનાતી ફોર્ડ મૉડલ ટી સામેલ છે.
બીજી કારોમાં, મસ્ક જે કારને બાળપણથી ચાહતા તેવી 1967 જેગુઆર ઇ-ટાઇપ રોડસ્ટર, જેને તેમણે ક્રૅશ કરી અને બાદમાં જેને વેચતા પહેલાં રિપૅરિંગ પાછળ મસમોટો ખર્ચ કર્યો એવી 1997ની મેકલેરન એફ1 અને વર્ષ 2018માં મસ્ક દ્વારા અવકાશમાં છોડવામાં આવેલું તેમજ વેચાણમાં મુકાયેલું ટેસ્લાનું પ્રથમ મૉડલ એવું ટેસ્લા રોડસ્ટર સામેલ છે.
જોકે, આમાં સૌથી અજુગતી કાર 1976 લોટસ એસ્પ્રિટ છે, આ કાર 1977માં રિલીઝ થયેલી જેમ્સ બોન્ડ ફિલ્મ 'ધ સ્પાય હુ લવ્ડ મી'માં ચલાવી હતી.

ઇમેજ સ્રોત, Screen Archives/Getty Images
ફિલ્મમાં વેટ નિલીના હુલામણા નામથી ઓળખાતી આ કાર સબમરીનમાં બદલાઈ શકતી હતી. 2013માં મસ્કે એક હરાજીમાં આ કારને એક મિલિયન ડૉલરમાં ખરીદી હતી. આમ, ફરી વાર આ કારને સબમરીનમાં તબદીલ વાત હકીકત બનાવી.
વિમાનમાં ઊડીને કામે જવું
મસ્કે સ્વીકાર્યું છે કે વિમાન એવી બીજી બાબત છે, જેની પાછળ તેઓ વધુ ખર્ચ કરવા રાજી હોય છે. જોકે, તેઓ કહે છે કે તેની પાછળ તેની સાથે તેમની કામ પ્રત્યેની શિસ્ત સંકળાયેલી છે.
તેમણે 2022માં ટેડ ઇન્ટરવ્યૂમાં કહ્યું, "જો હું વિમાનનો ઉપયોગ ન કરું તો મારી પાસે કામ કરવા માટે ઓછો સમય રહેશે."
તેમના પ્રાઇવેટ જેટના કલેક્શનમાં ગલ્ફસ્ટ્રીમ મૉડલનાં ઘણાં વિમાન સામેલ છે, જેની એકેકની કિંમત કરોડોની છે.
તેઓ અમેરિકામાં સ્પેસએક્સ અને ટેસ્લા સાઇટ્સ વચ્ચે અવરજવર કરવા તેમજ આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે તેનો ઉપયોગ કરે છે.
બિનપરંપરાગત પરોપકાર?
અમેરિકન રેગ્યુલેટરી દસ્તાવેજો પ્રમાણે, મસ્કે શૅર સ્વરૂપે અબજો ડૉલરનું દાન કર્યું છે. આ સિવાય તેમણે બીજાં ઘણાં કામો માટે પણ દાન આપવાની નેમ લીધી છે. જોકે, તેમના આ પરોપકારની ટીકા પણ થઈ છે.
ગત વર્ષે ધ ન્યૂ યોર્ક ટાઇમ્સે તેમની આ પરોપકારી પ્રવૃત્તિને "બિનઆયોજિત અને મોટા ભાગે આત્મલાભ માટેની - પોતાને ટૅક્સમાંથી ભારે છૂટ મેળવવા માટે લાયક બનાવનાર અને તેમના બિઝનેસમાં મદદરૂપ થનાર" ગણાવે છે.
તેમની ચૅરિટેબલ સંસ્થા, મસ્ક ફાઉન્ડેશનની વેબસાઇટ પ્રમાણે તે "અદ્ભુત વૈજ્ઞાનિક સંશોધનો, ટૅક્નૉલૉજિકલ ઇનોવેશન અને શું શક્ય છે તેની સીમાઓને આગળ ધકેલવાના મહત્ત્વાંકાક્ષી પ્રયાસો થકી માનવજાતના વિકાસને આગળ વધારવા માટે સમર્પિત છે."
પરંતુ ન્યૂ યોર્ક ટાઇમ્સના અહેવાલ પ્રમાણે તેમની ફાઉન્ડેશન સતત ત્રણ વર્ષ દરમિયાન પોતે દાન કરવાની રકમ બાબતે પાછળ રહી ગઈ હતી. અખબાર ફાઉન્ડેશનના કરવેરાના દસ્તાવેજો ચકાસ્યા હતા, જેમાં સામે આવ્યું હતું કે તેનાં મોટાં ભાગનાં દાન મસ્ક સાથે સંકળાયેલી સંસ્થાઓને જ ગયાં હતાં.
ઇલોન મસ્ક અને મસ્ક ફાઉન્ડેશનનો આ બાબતે ખુલાસો માગવા સંપર્ક કરાયો હતો.
ભૂતકાળમાં જ્યારે આવી પરોપકારી અને દાનધર્માદાની પ્રવૃત્તિઓ અંગે મસ્કને પુછાયું છે ત્યારે તેઓ પરંપરાગત દાનની પ્રવૃત્તિ અંગે શંકાશીલ જણાયા છે.
ક્રિસ એન્ડરસનને વર્ષ 2022માં તેમણે કહ્યું, "મને લાગે છે કે જો તમને સારપના પરિપ્રેક્ષ્યને સ્થાને તેની હકીકતની પડી હોય તો દાન એ ખૂબ જ મુશ્કેલ છે."
મસ્ક માટે, તેમની ધંધાકીય પ્રવૃ્ત્તિની હયાતી એ એની જાતમાં દાનની પ્રવૃત્તિ છે. તેઓ કહે છે, "જો તમે કહો કે દાન એ માનવતાનો પ્રેમ છે, તઓ જ પરોપકાર છે."
તેઓ કહે છે ટેસ્લા એ "ટકાઉ ઊર્જાને આગળ ધપાવી રહ્યું" છે, જ્યારે સ્પેસએક્સ એ "માનવજાત લાંબા ગાળા સુધી ટકી રહે એ સુનિશ્ચિત કરી રહ્યું" છે તેમજ ન્યૂરાલિંક "મગજને થયેલી ઈજા અને એઆઇ સાથેનાં હયાતીનાં જોખમોના નિરાકરણનો પ્રયાસ કરી" રહ્યું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












