ખેડૂત આક્રોશ યાત્રા થકી કૉંગ્રેસ સૌરાષ્ટ્રમાં ગુમાવેલો જનાધાર મેળવી શકશે?

ઇમેજ સ્રોત, GPCC
2017 વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસે જ્યારે 77 બેઠકો પર વિજય મેળવ્યો હતો. તેમાં સૌરાષ્ટ્રની 48માંથી 28 બેઠકો અંકે કરી હતી. હાલ સૌરાષ્ટ્રમાં કૉંગ્રેસ પાસે 48માંથી માત્ર એક ધારાસભ્ય વિમલ ચુડાસમા છે. જે સોમનાથ વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા હતા. વિધાનસભા બેઠકોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં કૉંગ્રેસનો આટલો રકાસ ક્યારેય થયો નથી.
2022ની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં કૉંગ્રેસને ત્રણ બેઠક મળી હતી. જેમાંથી અરવિંદ લાડાણી(માણાવદર) અને અર્જુન મોઢવાડિયા(પોરબંદર)એ પછી ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો.
કૉંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા જવાહર ચાવડા 2022માં જ્યારે માણાવદર બેઠક પર ચૂંટણી લડ્યા ત્યારે કૉંગ્રેસના અરવિંદ લાડાણીએ તેમને હરાવ્યા હતા. પછી લાડાણી પણ ભાજપમાં જોડાઈ ગયા હતા.
આ વખતે પણ કમોસમી વરસાદને લીધે સૌરાષ્ટ્રમાં પાક નુકસાનીની અસર મોટી છે. કૉંગ્રેસે ખેડૂતોના સમર્થનમાં ખેડૂત આક્રોશ યાત્રાનું આયોજન કર્યું છે. ખેડૂતોનાં દેવાં માફ કરવામાં આવે તેવી માગ સાથે છ નવેમ્બરે યાત્રા સોમનાથથી નીકળી છે, જે 13 નવેમ્બરે દ્વારકામાં સંપન્ન થશે.
આ યાત્રા સૌરાષ્ટ્રના દસ જિલ્લામાંથી પસાર થઈ રહી છે. જેમાં તાલાળા, માળિયા, કેશોદ, વીસાવદર, ભેસાણ, અમરેલી, ઢસા, બોટાદ, સાયલા, મૂળી, વાંકાનેર, ટંકારા, બેડી વગેરે સ્થળેથી પસાર થવાની છે. કૉંગ્રેસે ચૂંટણીના રાજકારણમાં પોતાનો જે જનાધાર ગુમાવ્યો છે તે આ યાત્રા દ્વારા મેળવવામાં કેટલે અંશે સફળ રહેશે? તે જાણવાનો પ્રયાસ કરીએ.
કૉંગ્રેસની યાત્રાને કેવું સમર્થન મળી રહ્યું છે?

ઇમેજ સ્રોત, GPCC
ખેડૂત આક્રોશ યાત્રામાં કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, રાજ્યસભા સાસંદ શક્તિસિંહ ગોહિલ, વિધાનસભામાં કૉંગ્રેસ પક્ષના નેતા ડૉ.તુષારભાઈ ચૌધરી સહિતના પાર્ટીના આગેવાનો જોડાઈ રહ્યા છે.
ચૂંટણીના રાજકારણમાં આ યાત્રાને લીધે કૉંગ્રેસ લોકોની સહાનુભૂતિ અને સરવાળે મતો અંકે કરી શકશે કે કેમ? આ મામલે બીબીસી ગુજરાતીએ રાજકીય નિષ્ણાતો સાથે વાત કરી હતી.
આ સવાલના જવાબમાં જાણીતા પત્રકાર જગદીશ આચાર્યે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "માવઠાને લીધે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. આ પ્રકારની સ્થિતિમાં હંમેશાં નુકસાનીના પ્રમાણમાં ઓછું વળતર મળતું હોય છે. સરકારી વળતર સામે ખેડૂતોને નારાજગી પણ હોય છે. તેથી વિપક્ષ આ નાજુક મુદ્દાનો લાભ લેવાનો પ્રયાસ કરે એ સ્વાભાવિક છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
"હાલ કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સૌરાષ્ટ્રનાં ગામડાંમાં સારો પગપેસારો કર્યો છે. તેથી ખેડૂતોના હામી થઈને તેમના મત અંકે કરવાનો પ્રયાસ કરે તે સ્વાભાવિક છે. મુદ્દો એ છે કે, કૉંગ્રેસ કેટલી ત્વરાથી આ યાત્રા કાઢે છે, કઈ રીતે મુદ્દા ઉઠાવે છે અને કેટલા લોકો તેમની સાથે જોડાય, તેના પર બધું નિર્ભર રહે છે."
ગુજરાત પ્રદેશ કિસાન કૉંગ્રેસના ચૅરમૅન પાલ આંબલીયાએ યાત્રા દરમિયાન બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે "ગઈ કાલે ચારસોથી પાંચસો ટ્રૅક્ટર ભરીને લોકો અમારી સાથે હતા. અમારી યાત્રાને આવકારવા અને વળાવવા ગામેગામ લોકો ભેગા થાય છે. ખેડૂતોનું દેવું સંપૂર્ણ માફ કરવામાં આવે તેમજ બંધ થયેલી પાક વીમા યોજના સરકાર શરૂ કરે એવી અમારી માગને લોકો ઠેર ઠેર ટેકો આપી રહ્યા છે. યાત્રા દરમિયાન દિવસ-રાત અમને ખેડૂતો મળે છે અને પોતાની વ્યથા વ્યક્ત કરે છે."
વરિષ્ઠ પત્રકાર અને ફૂલછાબના પૂર્વ તંત્રી કૌશિક મહેતાએ બીબીસી ગુજરાતીના સંવાદદાતા અર્જુન પરમાર સાથેની વાતચીતમાં કહ્યું કે, "સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોને આ વખત ઘણું નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો. કૉંગ્રેસે આ વખત સમયસૂચકતા વાપરીને યોગ્ય મુદ્દો ઉપાડ્યો હતો. પરંતુ હવે જ્યારે સરકારે ખૂબ ઓછા સમયમાં નુકસાની માટે ખૂબ મોટું પૅકેજ જાહેર કર્યું છે. તેથી હવે કૉંગ્રેસની આ યાત્રાની ઝાઝી અસર નહીં રહે."
તેઓ કહે છે કે, "ગુજરાતમાં ખેડૂતોનો આવો આક્રોશ મેં ઘણાં વર્ષોમાં પહેલી વાર જોયો છે. જો આ વખત સરકારે ઓછા સમયમાં સહાય જાહેર ન કરી હોત તો આ મોટો મુદ્દો બન્યો હોત. જોકે, આ સહાય કેટલી પૂરતી છે એ અંગેનો પ્રશ્ન જુદો છે. પરંતુ સરકારે આ વખત મોટું પૅકેજ જાહેર કરીને બાજી સંભાળી લીધી હોય એવું લાગે છે."
કૉંગ્રેસની પાયાગત નીતિ ખેડૂતલક્ષી?

ઇમેજ સ્રોત, gpcc
કોઈ પણ રાજકીય પાર્ટીને ચૂંટણીના રાજકારણમાં સારા મતો ત્યારે મળે છે જ્યારે તેઓ નિયમિત જનતા વચ્ચે રહે અને કાર્યક્રમો આપતા રહે. સફળતા તેના એક બે કાર્યક્રમો પર નિર્ભર નથી હોતી.
જગદીશ આચાર્ય કહે છે કે, "કૉંગ્રેસની આ યાત્રાની રાજકીય સફળતા એના પર પણ આધાર રાખે છે કે તેમના કેટલા નેતા વિવિધ જિલ્લામાં છે અને સંગઠન કેટલું મજબૂત છે. કૉંગ્રેસની વિટંબણા એ છે કે જે તે વિધાનસભા મતક્ષેત્રના નેતાઓને બાદ કરતાં કોઈ પ્રભાવશાળી નેતા કે સંગઠન કૉંગ્રેસ પાસે નથી."
"વળી, આ યાત્રા જેવા પ્રસંગે નેતાઓ બહાર આવે છે અને પછી ઘરમાં જતા રહે છે. આમ આદમી પાર્ટી પણ આ વિપક્ષ તરીકે ખેડૂતોની હામી બનવાનો પ્રયાસ કરી રહી છે. તેમની સભાઓમાં જે પ્રકારનો પ્રતિસાદ તેમને મળે છે તેવો કૉંગ્રેસને મળતો હોય તેવું દેખાઈ નથી રહ્યું. જો કૉંગ્રેસે ગુમાવેલો જનાધાર પાછો મેળવવો હોય તો ખેડૂત આક્રોશ યાત્રા જેવા પ્રયાસ નિરંતર ચાલુ રાખવા જોઈએ. તો જ ગામડાંના ખેડૂતોને એ વાત ગળે ઊતરે કે કૉંગ્રેસની નિષ્ઠા સાચી છે અને તેનો કૉંગ્રેસને લાભ મળે. બાકી આવી એકાદ યાત્રા કાઢીને ઘરે બેસી જાય તો એનાથી કાંઈ થાય નહીં. હા, સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે તેમાં કદાચ ફાયદો મળી શકે છે."
કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "કૉંગ્રેસ પાસે સંગઠન છે તેથી જ આટલા જિલ્લાઓમાં યાત્રા કાઢી છે. રહી વાત નિરંતર કાર્યક્રમો આપવાની તો અગાઉ અમે પણ હડદડમાં ખેડૂતો માટે કૃષક પંચાયત કરી હતી, પણ ત્યાં કોઈને ઉશ્કેરીને ભાગી નહોતા ગયા. ત્યાં અમે શાંતિપૂર્વક સભા કરી હતી અને ખેડૂતો મોટી સંખ્યામાં ત્યાં આવ્યા હતા."
મનીષ દોષી કહે છે કે, "કૉંગ્રેસની પાયાગત નીતિ ખેડૂતલક્ષી છે. મનમોહનસિંહની સરકાર હતી ત્યારે ખેડૂતોના 72000 કરોડનાં દેવાં માફ કર્યાં હતાં. એ વખતે અમે હૉર્ડીંગ મારીને હોહા નહોતી કરી. ખેડૂત ટકી શકે એ માટેની તે પ્રતિબદ્ધતા હતી."
"ગુજરાતમાં કૉંગ્રેસે હંમેશાં એ ધ્યાન રાખ્યું છે કે ખેડૂતની ખેતી બચશે તો રાજ્યની આર્થિક વ્યવસ્થા બચશે. મતોનું રાજકારણ એ પછી આવે છે. બીજી વાત એ કે અમે મુદ્દા આધારિત વાત કરીએ છીએ."
ખેડૂતો માટે કૉંગ્રેસ સભા અને યાત્રાઓ કરી રહી છે તો સૌરાષ્ટ્રમાં એ મતોમાં પરિવર્તીત થશે?
પાલ આંબલિયાએ કહ્યું હતું કે, "વિપક્ષ તરીકે અમારો પહેલો ધર્મ એ છે કે લોકો માટે અમારે લડવાનું હોય અને એ જ સાચી રાજનીતિ છે. જે વર્ગને નુકસાન થાય તેનો અવાજ બનાવનું હોય અને અમે એ અવાજ બનીને ગામે ગામ અમે ફરી રહ્યા છીએ."
મનીષ દોષીએ કહ્યું હતું કે, "ખેડૂતોએ અમને હંમેશાં આશીર્વાદ આપ્યાં છે તો ચૂંટણીના રાજકારણમાં પણ આપશે, તેથી સૌરાષ્ટ્રમાં અમે મજબૂત થઇશું., પણ અત્યારે અમે ખેડૂતોની પડખે એટલા માટે ઊભા છીએ કે કૉંગ્રેસની તે પરંપરા અને ફરજ છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












