ગુજરાત : વરસાદમાં પલળી ગયેલી મગફળીને કેવી રીતે સારી કરી શકાય?

ચોમાસું, મગફળી, વરસાદ, વરસાદથી નુકસાન, ખેતી, કપાસ, બીબીસી ગુજરાતી, સૌરાષ્ટ્ર

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના તલગણા ગામે મંગળવારે પોતાની પલળી ગયેલી મગફળીના પાથરા બતાવી રહેલા ખેડૂત એભાભાઈ બેરા
    • લેેખક, ગોપાલ કટેશિયા
    • પદ, બીબીસી સંવાદદાતા

"મગફળીના ડોડવા કાળા થઈ ગયા, હવે સરકાર તેને ટેકાના ભાવની ખરીદીમાં નહીં રાખે. પલળી ગયેલી મગફળીમાંથી તેલ કાઢી નહીં શકાય અને બજારમાં પણ ભાવ નહીં મળે."

રાજકોટના જિલ્લાના ઉપલેટા તાલુકાના તલગણા ગામના ખેડૂત એભાભાઈ બેરા મંગળવારે પોતાની વાડીમાં 15 વીઘા જમીનમાં પલળી ગયેલી મગફળી મીડિયાને બતાવતા રડી પડ્યા હતા.

25 ઑક્ટોબર એટલે કે શનિવારથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.

આ માવઠું એવા સમયે આવ્યું જ્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મગફળી લેવાની મોસમ તેજ ગતિએ ચાલી રહી હતી.

મગફળીની મોસમ લેવાના સમયે જ માવઠું થતા ખેડૂતોની મગફળી તેમજ મગફળીના છોડનો ભુક્કો (જેને ખેડૂતો પાલો કહે છે) પલળી ગયો છે.

સતત ચાર દિવસથી વરસાદ વરસતો હોવાથી મગફળી પલળી જતા તેની ગુણવત્તા પર માઠી અસર પડી શકે છે જ્યારે પાલો (જે પશુઓ માટે ઉત્તમ ચારો ગણાય છે) નાશ પામશે તેવી ભીતિ ખેડૂતો અને નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના ખેતી નિયામકની કચેરીના આંકડા અનુસાર ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ દરમિયાન કુલ 84.94 લાખ હેક્ટર (6.25 વીઘા =1 હેક્ટર) એટલે કે 5.30 કરોડ વીઘામાં ચોમાસુ પાકોનું વાવેતર નોંધાયું છે. તેમાંથી 22 લાખ હેક્ટર એટલે કે 1.37 કરોડ વીઘામાં મગફળીનું વાવેતર નોંધાયું છે. તે કુલ વાવેતર વિસ્તારનું લગભગ 26 ટકા થાય અને તે રીતે આ વર્ષે ગુજરાતમાં કપાસને પાછળ રાખીને મગફળી સૌથી મોટો પાક બની ગયો છે.

વળી, મગફળીના કુલ 22 લાખ હેક્ટરના વિસ્તારમાંથી 16.64 લાખ હેક્ટર કરતાં પણ વધારે વાવેતર વિસ્તાર સૌરાષ્ટ્ર પ્રદેશના 11 જિલ્લામાં જ નોંધાયો છે.

આમ, રાજ્યના મગફળીના કુલ વાવેતર વિસ્તારમાંથી 75 ટકા કરતાં પણ વધારે વાવેતર સૌરાષ્ટ્ર પ્રાંતમાં નોંધાયું છે.

'મગફળીના પાલાને સલામત જગ્યાએ ખસેડવાનો સમય જ ન રહ્યો'

ચોમાસું, મગફળી, વરસાદ, વરસાદથી નુકસાન, ખેતી, કપાસ, બીબીસી ગુજરાતી, સૌરાષ્ટ્ર
ઇમેજ કૅપ્શન, રાજકોટના એક ગામમાં મગફળીના ઢગલા પરથી સોમવારે વરસાદનું પાણી દૂર કરી રહેલ એક ખેડૂત
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઉપલેટા તાલુકાના તલગણા ગામના ખેડૂત એભાભાઈ અને તેમના બે ભાઈઓની સંયુક્ત 15 વીઘા જમીન છે.

એભાભાઈ બેરાએ બીબીસી સાથે વાત કરતા આ ખેડૂતે કહ્યું, "મગફળી પાકી ગઈ હોવાથી તેને કાઢી લેવા સિવાય કોઈ ઉપાય ન હતો, પરંતુ જમીનમાંથી કાઢી તેના ચોથા દિવસે વરસાદ આવી ગયો અને ચાર દિવસથી વરસી જ રહ્યો છે."

"સૌથી મોટી ચિંતા તો મને ત્રણ ગાયની છે. મગફળીનો પાલો અમારી ગાયનો ચારો છે, પરંતુ વરસાદમાં બધો પાલો પલળી ગયો છે અને બગડી જશે. તેથી, ગાયોને શું ખવડાવશું તેની ચિંતા છે."

એભાભાઈએ કહ્યું કે આ વર્ષે તેમણે તેમની દીકરીનાં લગ્ન કર્યાં હતાં અને દીકરો ભણે છે તેના ખર્ચની પણ ચિંતા છે.

તેમણે કહ્યું, "વરસાદ આવતા આખી સિઝન ફેઈલ થઈ છે. વળી, મારા મોટા ભાઈ અને ભાભી વૃદ્ધ છે અને તેમની સંભાળ રાખવાની જવાબદારી પણ અમારી છે."

તો અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના માંડરડી ગામના ખેડૂત રમેશ વસોયાએ 40 વીઘામાં મગફળી વાવી હતી અને તેમાંથી 30 વીઘા ઉપાડી લીધી હતી.

તેમણે કહ્યું, "થ્રેશિંગ ચાલુ હતું ને માવઠું આવી ચડ્યું. અમે પંદરેક વીઘાનું થ્રેશિંગ કરી શક્યા, પણ બાકીની પંદર વીઘાની મગફળીના પાથરા પલળી ગયા. એટલી બધી મગફળીના પાથરા ભેગા કરી ઢાંકવા શક્ય નથી અને તેમ કરીએ તો પણ લીલા હોવાને કારણે સડી જાય. તેથી, મેં જે મગફળી નીકળી ગઈ હતી તેને ખેતરમાંથી ભરી લઈ ફરજામાં ઠાલવી દીધી."

"પાલાને સલામત જગ્યાએ ખસેડવાનો સમય જ ન રહ્યો. તેથી તેને ખેતરમાં જ તાટપત્રી ઢાંકી દીધી છે. ઢગલાનો ઉપરનો ભાગ તો કોરો રહેશે, પરંતુ નીચેના ભાગેથી વરસાદનું પાણી પસાર થઈ જતા ઘણો બધો પાલો બગડી જશે. આ ઉપરાંત કેટલીય મણ મગફળી આખળીમાં (છોડમાંથી તૂટીને જમીનમાં જ રહી ગયેલ) છે. તે હવે ઊગી જતા વીણવા લાયક રહેશે નહીં એ વધારાનું નુકસાન છે."

રાજ્યના કૃષિમંત્રી જિતુ વાઘાણીએ ભાવનગરમાં મીડિયાને જણાવ્યું કે પાક લેવાના સમયે આવેલા કમોસમી વરસાદ ખેડૂતોને વધારે નુકસાન કરી રહ્યો છે.

તેમણે કહ્યું કે "ગુજરાત સરકાર ભૂતકાળમાં અને આજે પણ લોકો માટે કામ કરવા તત્પર રહી છે. સર્વે માટે મુખ્ય મંત્રીએ પ્રાથમિક અહેવાલો પણ મંગાવ્યા છે."

તેમણે કહ્યું કે "હું ગુજરાતના ખેડૂતભાઈને વિશ્વાસ અપાવું છું કે સરકાર મુશ્કેલીના સમયમાં ખેડૂતો સાથે ઊભી છે. તેમને સધિયારો આપવા સરકાર પ્રતિબદ્ધ છે. નીતિનિયમો પ્રમાણે રાહત પણ અપાશે."

મગફળીના પાક પર માવઠાની શું અસર થશે?

ચોમાસું, મગફળી, વરસાદ, વરસાદથી નુકસાન, ખેતી, કપાસ, બીબીસી ગુજરાતી, સૌરાષ્ટ્ર

ઇમેજ સ્રોત, Gopal Kateshiya/BBC

ઇમેજ કૅપ્શન, રાજકોટ જિલ્લાના હલેન્ડા ગામે વરસાદના કારણે એક વાડીમાં પલળી ગયેલ મગફળી

ગુજરાતમાં મુખ્યત્વે ગુજરાત ગ્રાઉન્ડનટ-20, ગુજરાત જૂનાગઢ ગ્રાઉન્ડનટ-22 વગેરે જેવી અર્ધવેલડી પ્રકારની અને ગુજરાત જૂનાગઢ ગ્રાઉન્ડનટ-32, ગિરનાર-4, ગુજરાત ગ્રાઉન્ડનટ-35, ગુજરાત ગ્રાઉન્ડનટ-39, ટ્રોમ્બે ગ્રાઉન્ડનટ-37 વગેરે જેવી ઉભડી જાતોની મગફળીનું વાવેતર થાય છે તેમ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્રના વડા રમેશ માદરિયા જણાવે છે.

તેઓ કહે છે કે મગફળીનો પાક અઢી મહિનાથી સાડા ચાર મહિનામાં તૈયાર થઈ જાય છે અને આ વર્ષે જૂન મહિનામાં મોટા ભાગનું વાવેતર થઈ ગયું હોવાથી ઑક્ટોબરના બીજા પખવાડિયાથી મગફળીનું હાર્વેસ્ટિંગ પૂરજોશમાં ચાલી રહ્યું હતું.

પરંતુ હાર્વેસ્ટ એટલે કે મોસમના સમયે જ કમોસમી વરસાદ થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

બીબીસી સાથે વાત કરતા રમેશ માદરિયાએ કહ્યું, "મોટા ભાગની ઉભડી જાતનો હાર્વેસ્ટિંગનો સમય પાકી ગયો છે અને જે ખેડૂતો વરસાદને કારણે ઉભડી જાતોનું હાર્વેસ્ટિંગ નથી કરી શક્યા તેમની મગફળીના ડોડવા જમીનમાં જ ઊગી જવાનો ભય છે. જો તેમ થાય તો ખેડૂતોને હેક્ટર દીઠ મળતા ઉત્પાદનમાં ઘટાડો થાય. જોકે 20 નંબર અને 22 નંબર હજુ થોડા દિવસ ઊભી રહે તો પણ તે ઊગી જવાની ચિંતા નથી."

ચોમાસું, મગફળી, વરસાદ, વરસાદથી નુકસાન, ખેતી, કપાસ, બીબીસી ગુજરાતી, સૌરાષ્ટ્ર

ઇમેજ સ્રોત, Universal Images Group via Getty Images

રમેશ માદરિયાએ કહ્યું કે જે ખેડૂતોએ મગફળી જમીનમાંથી ખેંચી લીધી હોય અને તેના પાથરા કરી તડકામાં સુકાવા ખેતરમાં જ રાખી મૂકી હોય તેમને નુકસાન થવાનો ભય છે.

તેમણે કહ્યું, "જૂનાગઢના માંગરોળથી શરૂ કરીને ગીર સોમનાથના કોડીનાર સુધીના દરિયાકાંઠાના પટ્ટામાં ખેડૂતો 20 નંબર અને 22 નંબરનું વાવેતર વધારે કરે છે અને ત્યાં પચ્ચીસેક ટકા જેટલો પાક હજુ પણ ઊભો છે. તેથી, તેને નુકસાન થવાની શક્યતા નથી. જે મગફળીને કાઢી લીધી છે, પરંતુ થ્રેશર (હલર)માં નાખી છોડથી ડોડવા અલગ નથી કરી શકાયા તેવા ડોડવા વરસાદમાં પલળી જવાને કારણે કાળા પડી ગયા છે. પરિણામે ખેડૂતોને તેનો બજારભાવ નીચો મળશે. ઉપરાંત તેના દાણામાં ભેજ જલદી ન સુકાવાના કારણે દાણો નાનો રહેશે અને તેથી વજન ઘટશે. પરિણામે ખેડૂતો માટે ઉત્પાદન પણ ઘટશે અને શેલિન્ગ આઉટટર્ન (ડોડવાનાં ફોતરાંના વજનની સરખામણીએ તેમાં રહેલ દાણાનું વજન) પણ ઘટશે."

રમેશ માદરિયાએ વધુમાં ઉમેર્યું કે જે ખેડૂતો મગફળીને થ્રેશરમાં નાખ્યા બાદ પાલાનો ઢગલો કરી ઢાંકવામાં સફળ રહ્યા છે તેઓ આ ઉચ્ચ ગુણવત્તાનો ચારો બચાવમાં સફળ રહેશે, પરંતુ તેમણે ચેતવણી સાથે ઉમેર્યું, "જમીનમાંથી ખેંચ્યાના એક-બે દિવસ બાદ જ જે મગફળીને વરસાદ નડ્યો છે અને ખેડૂતો જે મગફળીના પાથરા કે પાલો ઢાંકવામાં સફળ નથી રહ્યા તે પાલો સડી શકે છે, કારણ કે જમીનમાંથી ખેંચ્યા બાદ પણ મગફળીના છોડ એક-બે દિવસ સુધી જીવંત રહે છે અને પરિણામે તેને ફૂગ લાગી જાય છે. આ ફૂગ છોડને કોહવી નાખે છે."

"તે જ રીતે જો તડકામાં ત્રણ-ચાર દિવસ સુધી સુકવેલ પાથરાનો ઢગલો કરી તેને ઢાંકી દેવામાં આવ્યા હોય તો તેમાં બહુ નુકસાન થવાની શક્યતા ઓછી રહે છે. જમીનમાંથી ખેંચ્યાના એકાદ બે દિવસની અંદર જ જો પાથરાનો ઢગલો કરી તેને ઢાંકવામાં આવે તો તેમાં બાફ વળી શકે છે અને બાફના કારણે પાલો પશુઓ માટે ખાદ્ય ન રહે તેવું બની શકે છે."

પલળી ગયેલી મગફળી કેવી રીતે સારી કરી શકાય?

ચોમાસું, મગફળી, વરસાદ, વરસાદથી નુકસાન, ખેતી, કપાસ, બીબીસી ગુજરાતી, સૌરાષ્ટ્ર

ઇમેજ સ્રોત, Gopal Kateshiya/BBC

ઇમેજ કૅપ્શન, રાજકોટ જિલ્લાના ખારચિયા ગામે વરસાદના કારણે એક વાડીમાં પલળી ગયેલ પાલાનો ઢગલો

રમેશ માદરિયા કહે છે કે પલળી ગયેલી મગફળીને કાળી થતા અટકાવી શકાય તેવા તો કોઈ ઉપાય નથી, પરંતુ જો હવામાન સુધરે તો ખેડૂતોએ મગફળીને વધારે બગડતી અટકાવવા અમુક પગલાં લેવા જોઈએ.

તેમણે કહ્યું, "જો માવઠાનો વરસાદ એકાદ દિવસ સુધી વરસી જઈને બંધ થઈ જાય તો તે બહુ નડતું નથી, પરંતુ ધાબડિયું અને સતત ભેજવાળું વાતાવરણ નડે છે. જો આગામી સમયમાં તડકો નીકળે અને ખાસ કરીને ભૂર પવન એટલે કે શિયાળાનો સૂકો પવન ફૂંકાવા લાગે તો સ્થિતિ બે દિવસની અંદર જ સુધરી શકે છે. આવા હવામાનમાં ખેડૂતે મગફળીના પાથરાને ઊથલાવી નાખવો જોઈએ. જો વાતાવરણ સારું રહે તો વરસાદમાં પલળેલી મગફળીના પાથરા બે-ત્રણ દિવસમાં જ સુકાઈ જાય અને પછી ખેડૂતો તેનું થ્રેશિંગ કરી શકે છે."

રમેશ માદરિયાએ ખેડૂતોને સલાહ આપતા કહ્યું, "રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છે અને વરસાદ વરસી રહ્યો છે તેવા સંજોગોમાં ખેડૂતો બહુ વધારે કાંઈ કરી શકે તેમ નથી. તેમણે તડકો નીકળવાની રાહ જોવી પડશે અને તડકો નીકળતા પાથરા જલદી સુકાય તે માટે પ્રયત્નો કરવા પડશે. પાંચેક દિવસ પાથરા સૂકવ્યા બાદ મગફળીના ડોડવાને પણ પાંચેક દિવસ તડકામાં સૂકવવામાં આવે તો તેમાંથી ભેજનું પ્રમાણ ઘટશે અને ગુણવત્તા સુધરશે."

માંડરડી ગામના ખેડૂત રમેશ વસોયાએ કહ્યું કે આવા સંજોગોમાં ખેડૂતો તૈયાર માલને સંઘરવાની કોશિશ કરે છે.

તેમણે કહ્યું, "તે મુજબ મેં પણ જે મગફળી ઓપનરમાં નાખી દીધી હતી અને છોડમાંથી છૂટી કરી લીધી હતી તેને ફરજામાં નાખી દીધી, પરંતુ દરેક ખેડૂત પાસે ટ્રેક્ટર જેવાં સાધન નથી હોતાં. તેથી, કેટલાય ખેડૂતોની મગફળી અને પાલો બંને ખેતરમાં જ રહી ગયા છે અને હવે વરસાદને કારણે દસેક દિવસ સુધી ખેતરમાં વાહન ચાલી શકશે નહીં તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે."

પલળી ગયેલ મગફળીના બજારભાવ કેવા રહેશે?

ચોમાસું, મગફળી, વરસાદ, વરસાદથી નુકસાન, ખેતી, કપાસ, બીબીસી ગુજરાતી, સૌરાષ્ટ્ર

ઇમેજ સ્રોત, Gopal Kateshiya/BBC

ઇમેજ કૅપ્શન, રાજકોટ જિલ્લાના બળધોઈ ગામ નજીક એક વાડીમાં મગફળીના પલળી ગયેલ પથરા

28 ઑક્ટોબરે રાજકોટ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના યાર્ડમાં મગફળીના ભાવ પ્રતિ મણ રૂપિયા 841થી 1151 રહ્યા હતા, પરંતુ સૌરાષ્ટ્ર ઑઇલ મિલ્સ ઍસોસિયેશન (સોમા)ના પ્રમુખ કિશોર વીરડિયાએ બીબીસીને કહ્યું કે વરસાદમાં પલળી જતા મગફળીમાં રહેલી તેલની ગુણવત્તા સારી રહેતી નથી અને પરિણામે વેપારીઓ તેવી મગફળીનો ભાવ સામાન્ય મગફળી કરતા ઓછો આપશે.

કિશોર વીરડિયાએ જણાવ્યું, "જો મગફળી વરસાદી પાણીમાં ડૂબેલી રહે અને પાણી ડોડવાની અંદર પહોંચી જાય તો તેવી મગફળીમાં ફૂગ લાગી જાય છે. સામાન્ય રીતે ખેડૂતો તેવી મગફળી વેચવા માટે બજારમાં લાવતા નથી અને જો લાવે તો કોઈ વેપારી તેને ખરીદતા નથી. વરસાદમાં પાથરા પલળી ગયા છે તે મગફળી પણ કાળી પડી જાય છે. કેટલીક મગફળી સારી ગુણવત્તાની રહે છે જ્યારે કેટલાક ટકામાં અફ્લાટોક્સિન નામનું ઝેર બનવા લાગે છે અને પરિણામે તેની ગુણવત્તા બગડે છે. તેમાં રહેલા તેલનો સ્વાદ અને રંગ ફરી જાય છે."

વીરડિયાએ ઉમેરતા કહ્યું, "પલળી ગયેલા સિંગદાણાને પીલીને તેમાંથી નીકળતા તેલને ફિલ્ટર કરીને સીધું વેચાણ કરી શકાય તેવું રહેતું નથી. તેલ લાલ રંગનું થઈ જાય છે. તેથી, આવા તેલને રિફાઇન (શુદ્ધ) કરવા માટે રિફાઇનરીમાં મોકલવું પડે છે જ્યાં તેને ઉકાળીને, તેમાં રસાયણો ભેળવીને તેમાં રહેલ અફ્લાટોક્સિનને અને લાલ રંગને દૂર કરાય છે અને તેને યોગ્ય સ્વાદવાળું બનાવાય છે, છતાં લાલ રંગવાળા તેલમાંથી મોટા ભાગનો જથ્થો સાબુ બનાવવાની ઇન્ડસ્ટ્રીમાં જાય છે અને કિલોએ 15થી 20 રૂપિયાના ભાવે જ વેચાય છે. આવી મગફળીમાંથી નીકળતો ખોળ પણ હલકી ગુણવત્તાનો હોય છે. આ બંને કારણસર સારી મગફળી અને પલળી ગયેલી મગફળીના ભાવમાં મોટો તફાવત હશે."

'સોમા'ના પ્રમુખે વધારે ઉમેરતા કહ્યું, "આવી મગફળી સરકાર ટેકાના ભાવે ખરીદશે નહીં. તેથી, જો સરકારે ખેડૂતોને બચાવવા હોય તો ભાવાંતર ભુક્તાન યોજના લાવે તેમ જ ખેડૂતોને પાકવીમો આપવાની સુવિધા ફરીથી ચાલુ કરે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન