ગુજરાત : રોઝ કે ભૂંડ પણ ખાય નહીં અને પિયતની જરૂર નહીં, સુરેન્દ્રનગરના ખેડૂતો આ કયો પાક વાવવા લાગ્યા?

ઇમેજ સ્રોત, Sachin Pithva/BBC
- લેેખક, ગોપાલ કટેશિયા
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાતમાં કેટલાય વિસ્તારના ખેડૂતો રોઝ અને જંગલી ભૂંડ જેવાં જંગલી પ્રાણીઓ અને રખડતાં ગાય અને આખલા દ્વારા ઊભા પાકોને થતા નુકસાનની ફરિયાદો કરે છે. વળી, ખેતી માટે મજૂરો ન મળવાની પણ એક સમસ્યા પાછલાં કેટલાંક વર્ષોથી ઉદ્ભવી છે, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક ખેડૂતોએ કળથીના પાકને અપનાવીને આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો છે.
ખેડૂતોનો દાવો છે કે કળથીની ખેતી સંપૂર્ણ ઑર્ગેનિક પદ્ધતિથી કરાય છે, કારણ કે તેમાં કોઈ દવા કે ખાતર આપવામાં આવતા નથી. વળી, તે સંપૂર્ણપણે વરસાદ આધારિત પાક હોવાથી ખેતી ખર્ચ પણ ઓછો રહે છે.
તેથી, કેટલાય ખેડૂતો કપાસને બદલે કળથી વાવતા થયા છે અને તાજેતરનાં વર્ષોમાં કળથીના બજારભાવમાં થયેલા સુધારાને કારણે આ પાકમાંથી મળતા વળતરમાં પણ વધારો થઈ રહ્યો છે.
ખેતીવાડી વિભાગના અધિકારીઓ કહે છે કે કેટલાક ફાયદાને કારણે ખેડૂતો કપાસ કે ઘાસચારાને બદલે કળથીના પાક તરફ વળી રહ્યા છે.
ગુજરાતના ખેડૂતો કેમ કળથી વાવી રહ્યા છે?

ઇમેજ સ્રોત, Sachin Pithva/BBC
સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના સરલા ગામના ખેડૂત પ્રકાશ પટેલ 100 વીઘાથી વધારે જમીનમાં ખેતી કરે છે અને મુખ્યત્વે કપાસ અને મગફળી વાવે છે, પરંતુ મૂળી-હળવદ રોડ પર આવેલા તેમના છ વીઘાના ખેતરમાં છેલ્લાં બે વર્ષથી કળથી વાવી રહ્યા છે.
પોતાના નિર્ણયનું કારણ આપતા પંચાવન વર્ષીય પ્રકાશ પટેલ બીબીસીને કહે છે, "હું આ ખેતરમાં ઘાસચારા માટે જુવાર વાવતો હતો, પરંતુ તેમાં રોઝ, જંગલી ભૂંડ, ઘુડખર અને રખડતા ગાય અને આખલાનો બહુ ત્રાસ છે. મારા આ ખેતરમાં ત્રણ બાજુએ મેં ફેન્સિંગ કરી દીધી છે. રોડ બાજુની સાઇડ ખુલ્લી હોવાથી આ પશુઓ ઊભા પાકમાં નુકસાન કરતા હતા. તેથી, મેં ગયા વર્ષેથી જુવારના બદલે કળથી વાવવાની શરૂઆત કરી છે."
"કળથી એવો પાક છે, જેને કોઈ જંગલી પશુ કે પાલતું પશુ ખાતાં નથી. તેને બકરી કે ઘેટાં પણ ખાતાં નથી. તેથી મને હવે નિરાંત છે."
પ્રકાશભાઈ કહે છે કે ગત વર્ષે તેમને વીઘા દીઠ સાત મણ કળથીનું ઉત્પાદન મળ્યું હતું અને રાજકોટના યાર્ડમાં રૂપિયા 1200 પ્રતિ મણના ભાવે વેચાઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મૂળી ગામના ખેડૂત જયરાજસિંહ જાડેજાએ પણ પોતાની 200 વીઘા જમીનમાંથી 18 વીઘા જમીનમાં આ વર્ષે કળથી વાવી છે.
તેઓ કહે છે, "આ 18 વીઘા જમીન ગામથી દૂર સીમાડે આવેલી છે અને આજુબાજુમાં વોકળા અને ઝાડી-ઝાંખરાં હોવાથી રોઝ અને રેઢિયાળ ઢોરનો બહુ ત્રાસ છે. મારી આ જમીન મોટા ભાગે પડતર રહેતી, પરંતુ આ વર્ષે મેં તેમાં કળથી વાવી દીધી છે. ઉપરાંત કળથીને પિયત આપવાની પણ જરૂર નથી. મારી આ 18 વીઘા જમીનમાં પિયતની સુવિધા નથી. તે રીતે પણ ત્યાં કળથી વાવવી ફાયદાકારક સાબિત થશે તેમ મારું માનવું છે."
ગુજરાતમાં કેટલાં વર્ષથી કળથીનું ચલણ વધ્યું છે?

ઇમેજ સ્રોત, Sachin Pithva/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મૂળીના સરપંચ લક્ષ્મણસિંહ પરમાર કરે છે કે છેલ્લાં બે વર્ષથી કળથી વાવવાનું ચલણ વધ્યું છે.
તેઓ કહે છે, "ગામના પાદરમાં આવેલી જમીનો અને ગામથી દૂર સીમાડે આવેલી જમીનોમાં ખેડૂતો કળથી વાવવા લાગ્યા છે, કારણ કે પાદરની વાડીઓમાં રખડતાં ઢોર અને સીમાડાની વાડીઓમાં રોઝ અને ભૂંડો ત્રાસ વધ્યો છે. ખેતી ખર્ચ નહિવત્ છે. તેમ છતાં વીઘે સાતથી આઠ મણ જેટલું સરેરાશ ઉત્પાદન મળે છે. તેથી છેલ્લાં બે વર્ષથી કળથી વાવવાનું ચલણ વધ્યું છે."
મૂળી તાલુકાના ધર્મેન્દ્રગઢ ગામના ખેડૂત સુરેશભાઈ ભૂતે પણ 2023 અને 2024માં તેમની 75 વીઘા જમીનમાંથી છ વીઘા જમીનમાં અન્ય કારણસર કળથી વાવી હતી.
તેઓ કહે છે, "આ જમીનમાં પિયતની સુવિધા નથી તેમ છતાં અમે આ વાડીમાં કપાસ વાવતા હતા અને વીઘે આઠથી 10 મણનું ઉત્પાદન મળતું, પરંતુ ખેતમજૂર મળવા દિવસે ને દિવસે મુશ્કેલ થતું જાય છે. બે વર્ષ સુધી કોઈ મજૂર ન મળતા મેં તેમાં કળથી વાવી દીધી હતી, કારણ કે કળથીની ખેતીમાં ખૂબ ઓછી મજૂરી કરવી પડે છે. વાવેતર બાદ એકાદ વાર નિંદામણ કાઢી લઈએ એટલે પછી તેમાં કળથી પાકી જાય ત્યાં સુધી તેમાં બીજી કોઈ મજૂરી કરવાની જરૂર પડતી નથી. વળી, તેને વાઢવાનું અને પછી થ્રેશરમાં નાખવાનું પણ પ્રમાણમાં સરળ છે."

ઇમેજ સ્રોત, Sachin Pithva/BBC
30 સપ્ટેમ્બર, 2025ના રોજ રાજકોટ એપીએમસીમાં કળથીનો ભાવ 665 રૂપિયા પ્રતિ મણ હતો.
સુરેશભાઈ ઉમેરે છે કે કળથી ઑર્ગેનિક પદ્ધતિથી વાવવામાં આવે છે, તેમ છતાં તેનું યોગ્ય માર્કેટિંગ થતું ન હોવાથી પૂરતા ભાવ મળતા નથી અને ખેડૂતોમાં પણ કેટલીક જૂની માન્યતાઓ પ્રવર્તે છે.
તેઓ કહે છે, "કળથીના પાકમાં કોઈ રોગ આવતો નથી. તેથી, તેમાં કોઈ દવા છાંટવાની જરૂર રહેતી નથી. વળી, તેને કોઈ રાસાયણિક ખાતર આપવાની પણ જરૂર નથી. આમ, આ સંપૂર્ણ ઑર્ગેનિક (જૈવિક) પાક છે. ક્યારેક તે 400 રૂપિયાના ભાવે પણ જાય છે. વળી, એવી પણ માન્યતા છે કે જે ખેડૂત અન્ય કોઈ પાક લેવા સક્ષમ ન હોય તે જ કળથી વાવે. તેથી, ખુદ ખેડૂત વર્ગ કળથીની ખેતીને ગર્વની બાબત ગણાતો નથી."
સુરેન્દ્રનગરમાં કેટલા વીઘામાં કળથીનું વાવેતર થયું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત સરકારના ખેતી નિયામકની કચેરીએ બહાર પડેલા અઠવાડિક વાવેતર વિસ્તારના આંકડા અનુસાર રાજ્યમાં 29 સપ્ટેમ્બર, 2025 સુધીમાં 84 લાખ 19 હજાર હેક્ટરથી વધારે વિસ્તારમાં વિવિધ ચોમાસું પાકોનું વાવેતર થઈ ચૂક્યું હતું.
સૌથી વધારે વાવેતર નોંધાયું હોય તેવા જિલ્લાની યાદીમાં કચ્છ (6 લાખ 49 હજાર હેક્ટર) અને બનાસકાંઠા (6 લાખ 47 હજાર હેક્ટર) બાદ સુરેન્દ્રનગર (5 લાખ 83 હજાર 400 હેક્ટર) જિલ્લાનો ત્રીજો નંબર આવે છે.
સુરેન્દ્રનગરમાં 3 લાખ 83 હજાર 700 હેક્ટરમાં કપાસ, 62,800 હેક્ટરમાં ઘાસચારો, 45,200 હેક્ટરમાં મગફળી, 38,800 હેક્ટરમાં એરંડા, 31,200 હેક્ટરમાં તુવેર અને 10,400 હેક્ટરમાં શાકભાજીનું વાવેતર નોંધાયું છે.
આ જિલ્લામાં તુવેર ઉપરાંત મગ (500 હેક્ટર) મઠ (400 હેક્ટર) અને અડદ (2,300 હેક્ટર)નું પણ નોંધપાત્ર વાવેતર થયું છે.
જોકે બીબીસી સાથે વાત કરતા સુરેન્દ્રનગર જિલ્લાના ખેતીવાડી વિસ્તરણ અધિકારી મનીષ બ્રાહ્મણિયાએ કહ્યું કે સુરેન્દ્રનગરમાં 137 હેક્ટર (એક હેક્ટર =6.25 વીઘા) એટલે કે 856 વીઘામાં કળથીનું વાવેતર પણ થયું છે.
તેમણે કહ્યું, "સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં 110 હેક્ટર (687.5 વીઘા) અને ચોટીલા તાલુકામાં 27 હેક્ટર (186 .75 વીઘા)માં આ વર્ષે કળથીનું વાવેતર નોંધાયું છે. આ ઉપરાંત મૂળી તાલુકામાં પણ કેટલાક વિસ્તારોમાં કળથીનું વાવેતર નોંધાયું છે."
વિસ્તરણ અધિકારીએ કહ્યું કે સુરેન્દ્રનગરમાં 137 હેક્ટર કરતાં પણ વધારે વિસ્તારમાં કળથીનું વાવેતર નજીકના ભૂતકાળમાં નોંધાયું છે.
તેમણે કહ્યું, "ઉત્પાદન સારું મળે તે માટે ખેડૂતો પાકની ફેરબદલી કરતા હોય છે અને તેમાં તેઓ કઠોળ પસંદ કરતા હોય છે. વળી, જે પાકમાં વધારે વળતર મળે તેવો પાક ખેડૂતો વાવતા હોય છે. કળથી એક પરંપરાગત પાક છે અને જે વિસ્તારોમાં પિયતની સુવિધા ઓછી છે ત્યાં ખેડૂતો કાળથીનું વાવેતર કરે છે."
કળથીનું કમબૅક કેમ થઈ રહ્યું છે?

ઇમેજ સ્રોત, Sachin Pithva/BBC
વિસ્તરણ અધિકારી મનીષ બ્રાહ્મણિયા કહે છે કે જ્યાં પિયતની સુવિધા ન હોય તેવી જમીનમાં ખેડૂતો કળથી વાવી રહ્યા છે, પરંતુ મૂળી ગામમાં બિયારણ અને જંતુનાશકોની દુકાન ધરાવતા અને મૂળી તાલુકાના ટીકર ગામના ખેડૂત એવા ભરત પટેલ કહે છે કે જે ખેડૂતો દાયકાઓ પહેલાં કળથી વાવતા તે હવે તે જ પાક તરફ પાછા ફરી રહ્યા છે.
તેઓ કહે છે, "2000ના દાયકાની શરૂઆતમાં બીટી કપાસ આવતા જે ખેડૂતો પેઢી દર પેઢી કળથી વાવતા તેમણે કપાસ વાવવાનું ચાલુ કર્યું, પરંતુ હવે કપાસમાં રોઝ, ભૂંડ અને રખડતાં પશુઓનો ત્રાસ વધી ગયો છે અને ગુલાબી ઈયળનો ઉપદ્રવ પણ થાય છે. મગફળીમાં પણ આ જ સમસ્યા નડે છે. તેથી, છેલ્લા વિકલ્પ તરીકે ખેડૂતો કળથી વાવે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












