ગુજરાતમાં અહીં ખેડૂતો પોતાના ખેતરમાંથી બીજો પાક કાઢીને નાળિયેરી કેમ વાવી રહ્યા છે?

- લેેખક, ગોપાલ કટેશિયા
- પદ, બીબીસી સંવાદદાતા
2021-22માં ગુજરાત સહિત આખા ભારતમાં જ્યારે કોરોના વાઇરસ હાહાકાર મચાવી રહ્યો હતો ત્યારે અમુક ફળોની ભારે માગ હતી. તેમાંનું એક ફળ હતું લીલું નાળિયેર એટલે કે ત્રોફા.
2019 પહેલાં દસથી પંદર રૂપિયે મળતું એક લીલું નાળિયેર અચાનક ખૂબ મોંઘું થઈ ગયું અને તેના ભાવ મોટાં શહેરોમાં પચાસ રૂપિયાથી પણ વધી ગયેલા. તે વખતના ઊંચા ભાવ હજુ પણ જળવાઈ રહ્યા છે.
આ ઊંચા ભાવનો મહત્તમ લાભ ગુજરાતના દરિયાકાંઠાના ખેડૂતોને મળી રહ્યો છે તેમ રાજ્ય સરકારના બાગાયત ખાતાના અધિકારીઓ કહે છે.
ભારતના સંદર્ભમાં ગુજરાતના ભૌગોલિક સ્થાનના કારણે લીલાં નાળિયેરના મળી રહેલા સારા ભાવ, તેની વધી રહેલી માગ, તુલનાત્મક રીતે ઓછો ખેતી-ખર્ચ અને રાજ્ય સરકારના પ્રોત્સાહનને કારણે ચાર જ વર્ષમાં ગુજરાતમાં નાળિયેરીના વાવેતર વિસ્તારમાં આશરે એક હજાર હેક્ટર એટલે કે અંદાજે 6,250 વીઘાનો વધારો થયો છે અને આવનાર દિવસોમાં તેમાં વધારે ઝડપથી વધારો થશે તેમ આ ક્ષેત્રના નિષ્ણાતો જણાવે છે.
ખેડૂતોને લીલાં નાળિયેરના ભાવ કેટલા મળે છે?

ઇમેજ સ્રોત, BipinTankaria/BBC
ગીર સોમનાથ જિલ્લાના ખેડૂત લક્ષ્મણભાઈ રામનો પરિવાર વેરાવળમાં વર્ષોથી નાળિયેરની ખેતી કરે છે. તેઓ હાલ 40 વીઘા એટલે કે 6.4 હેક્ટરમાં નાળિયેરીના બગીચા ધરાવે છે.
બીબીસી સાથે વાત કરતા લક્ષ્મણભાઈ કહે છે, "2020 પહેલાં લીલા નાળિયેરનો ભાવ પ્રતિ નંગ 10થી 15 રૂપિયા મળતો, પરંતુ કોરોનાની બીમારીના કારણે લોકોને સારા સ્વાસ્થ્ય અને તેના માટે જરૂરી નાળિયેર જેવા ફળનું મહત્ત્વ સમજાયું. તેથી, નાળિયેરની માગ વધી. પરિણામે તેના ભાવમાં પણ દર વર્ષે સરેરાશ પાંચ રૂપિયાનો વધારો થવા લાગ્યો. 2021માં ભાવ વધીને 20 રૂપિયા થઈ ગયો. 2022માં તે વધીને 25 થયો અને હાલ ભાવ 35 રૂપિયા જેટલો છે. તેથી, ખેડૂતોને વળતર સારું મળી રહ્યું છે."
લક્ષ્મણભાઈ કહે છે કે એક વીઘામાં સરેરાશ 40 નાળિયેરીનું વાવેતર કરવામાં આવે છે અને સારા વર્ષે વીઘા દીઠ દોઢ લાખ રૂપિયા કરતાં વધારે મૂલ્યનાં લીલાં નાળિયેર પાકે છે.

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
તેઓ વધુમાં ઉમેરે છે, "આ વળતર અન્ય બાગાયતી પાકોમાં મળતા વળતર કરતાં વધારે છે. ક્યારેક ડુંગળી, લસણ કે ટામેટાંના પાકમાં એવું વળતર મળી જાય છે, પણ તે ચાર-પાંચ વર્ષે એક વાર મળે છે. જો ખેડૂત તેના બગીચાની થોડી કાળજી રાખે તો નાળિયેરીમાં સરેરાશ એવું વળતર દર વર્ષે મળે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતમાં નાળિયેરીની ખેતી મુખ્યત્વે ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, વલસાડ, કચ્છ, નવસારી અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થાય છે.
અધિકારીઓ કહે છે કે કોરોનાની મહામારી ઉપરાંત 2021માં ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાના દરિયાકિનારે ત્રાટકેલું તૌકતે વાવાઝોડું પણ લીલાં નાળિયેરના ભાવમાં થયેલા વધારા માટે કારણભૂત છે.

ઇમેજ સ્રોત, Laxmanbhai Ram
તૌકતે વાવાઝોડાએ ખાસ કરીને ગીર સોમનાથના ઉના તાલુકા અને અમરેલીના જાફરાબાદ અને રાજુલા તેમજ ભાવનગરના મહુવા તાલુકામાં નાળિયેરી સહિતના બાગાયતી પાકોને વ્યાપક નુકસાન પહોચાડ્યું હતું.
ગીર સોમનાથ જિલ્લાના નાયબ બાગાયત નિયામક કુલદીપ સોજિત્રા જણાવે છે, "તૌકતે વાવાઝોડામાં નાળિયેરીના બગીચાઓમાં ઘણાં ઝાડનાં માથાં કપાઈ ગયાં, તો કેટલાંય ઝાડ પડી ગયાં અથવા ત્રાંસાં થઈ ગયાં. તેના કારણે લીલાં નાળિયેરનું ઉત્પાદન ઘટ્યું. આ ઘટાડો એવા સમયે આવ્યો જ્યારે માગમાં ખૂબ વધારો થયો હતો. પરિણામે ભાવ વધ્યા. ત્યાર બાદ પણ માગમાં થઈ રહેલા ઉત્તરોત્તર વધારાને કારણે લીલાં નાળિયેરના ભાવ પણ વધી રહ્યા છે અને તેથી ખેડૂતોને સારી ઊપજ થઈ રહી છે."
લીલાં નાળિયેરના વેપારમાં ગુજરાતનો કેવો દબદબો છે?

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
કેન્દ્ર સરકારના ખેતી અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના નેજા હેઠળ કામ કરતા નાળિયેરી વિકાસ બોર્ડના આંકડા મુજબ 2023-24માં ભારતમાં નાળિયેરીનો વાવેતર વિસ્તાર 21.65 લાખ હેક્ટર(1.35 કરોડ વીઘા) હતો. તેમાંથી માત્ર 26,560 હેક્ટર (1.66 લાખ વીઘા) એટલે કે દેશના કુલ વાવેતર વિસ્તારના 1.23 ટકા વિસ્તાર સાથે ગુજરાત છેક આઠમા નંબરે હતું. 2023-24ના વર્ષમાં દેશમાં 21 અબજ 37 કરોડ નાળિયેરનું ઉત્પાદન થયું હતું. તેમાંથી માત્ર 24 કરોડ 60 લાખ નાળિયેરનું ઉત્પાદન ગુજરાતમાં થયું હતું જે કુલ ઉત્પાદનના 1.5 ટકા થાય.
તેમાં છતાં ગુજરાતની ભૌગોલિક વિશિષ્ટતા અને ખેડૂતોની સૂઝના કારણે ગુજરાતે ઉત્તર અને પશ્ચિમ ભારતનાં દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન રાજ્યોમાં લીલાં નાળિયેરના વેપારમાં એક મજબૂત મૉનોપૉલી (એકાધિકાર) સ્થાપી છે તેમ અમરેલી જિલ્લાના નાયબ બાગાયત નિયામક અરુણ કરમુર કહે છે.
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેઓ બીબીસીને કહે છે, "દક્ષિણ ભારતનાં રાજ્યોમાં નાળિયેરનું ઉત્પાદન મોટા પાયે થાય છે, પરંતુ ત્યાં સૂકાં નાળિયેરનું ઉત્પાદન કરવાનું ચલણ વધારે છે. ત્યાંના ખેડૂતો લીલાં નાળિયેર પણ વેચે છે, પરંતુ ત્યાં લીલાં નાળિયેરનું વેચાણ સ્થાનિક બજાર પૂરતું સીમિત રહે છે, કારણ કે ભૌગોલિક અંતરના કારણે દક્ષિણ ભારતના કેરળ કે કર્ણાટકથી ઉત્તર ભારતના દિલ્હીમાં લીલાં નાળિયેર મોકલવાનું વાહનભાડું ખૂબ વધારે થાય છે. જો ગુજરાતથી લીલાં નાળિયેર દિલ્હી મોકલવામાં આવે તો તેનું વાહનભાડું પ્રમાણમાં ઓછું થાય છે. પરિણામે, ગુજરાતના ખેડૂતો દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતમાં પણ લીલાં નાળિયેરના વેપારમાં મૉનોપૉલી ધરાવે છે."
જૂનાગઢ જિલ્લાના માંગરોળ અને માળીયા તાલુકા તેમ જ ગીર સોમનાથના વેરાવળ તાલુકાના ત્રિભેટે આવેલું ગડુ ગામ લીલા નાળિયેરના જથ્થાબંધ વેપારનું એક મોટું કેન્દ્ર છે. આ ત્રયેણ તાલુકાઓમાંથી ખેડૂતો તેમ જ નાના વેપારીઓ તેમનાં નાળિયેર વેચવા ગડુ આવે છે અને ગડુના વેપારીઓ તેમની પાસેથી ખરીદીને ગુજરાતમાં અને ગુજરાત બહારનાં રાજ્યોમાં મોકલે છે. આવા એક વેપારી મુકુંદ પરમાર કહે છે કે ગુજરાતની મોનોપૉલી માટે અન્ય કારણો પણ જવાબદાર છે.

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
મુકુંદ પરમાર કહે છે: "કર્ણાટકના વેપારીઓ લીલાં નાળિયેર ઉત્તર ભારતના બજારોમાં વેચવા મોકલે છે પરંતુ ગુજરાતની સરખામણીએ તેમને ટ્રાન્સપોર્ટેશન પ્રતિ નંગ ચારેક રૂપિયા વધુ ચૂકવવું પડે છે. વળી, કર્ણાટકનાં નાળિયેર ગુજરાતનાં નાળિયેર કરતાં કદમાં મોટાં હોય છે અને તેમાં પાણી પણ વધારે હોય છે. તેથી, તેની કિંમત પણ ગુજરાતનાં લીલાં નાળિયેર કરતાં વધારે હોય છે. ગુજરાતની જમીન અને આબોહવાને કારણે ગુજરાતનાં લીલાં નાળિયેરનું પાણી કર્ણાટકના નાળિયેરનાં પાણી કરતાં સ્વાદમાં ખૂબ સારું છે. પરિણામ એ આવે છે કે ચડિયાતી ગુણવત્તાવાળાં ગુજરાતના નાળિયેર ઉત્તર ભારતના ગ્રાહકોને અન્ય રાજ્યોનાં નાળિયેરની સરખામણીએ સસ્તાં મળે છે. આ કારણે પણ ગુજરાતનો દબદબો છે."
દુનિયામાં 2 સપ્ટેમ્બર વિશ્વ નાળિયેરી દિવસ તરીકે ઊજવાય છે. આ વર્ષે 1 સપ્ટેમ્બરે ગુજરાત સરકારે એક સત્તાવાર અખબારી યાદીમાં જણાવ્યું કે ગુજરાતમાં થતા 40 ટકા લીલાં નાળિયેર વેચાણ માટે પાડોશી રાજ્યોમાં મોકલવામાં આવે છે.યાદીમાં સરકારે કહ્યું કે 'ગુજરાતમાં ઉત્પાદન થતા કુલ નાળિયેરમાંથી મુખ્યત્વે નાળિયેરનું ત્રોફા તરીકે ઉત્પાદન થાય છે. ગુજરાતમાં ઉત્પાદિત થતા આશરે 40 ટકા નાળિયેરની દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ જેવાં રાજ્યોમાં નિકાસ કરવામાં આવે છે. બારે માસ મળતાં નાળિયેરની માગ ઉનાળામાં એટલે કે માર્ચથી જૂન મહિના દરમિયાન સૌથી વધુ હોય છે.'
ગુજરાતમાં કયા જિલ્લામાં કેટલી નાળિયેરીનું વાવેતર થાય છે?

ગુજરાતના બાગાયત નિયામકની વેબસાઇટ પર ઉલબ્ધ માહિતી અનુસાર ગુજરાતમાં 1994-95માં નાળિયેરીનો વાવેતર વિસ્તાર 15,065 હેક્ટર (94 ,156 વીઘા) હતો તે 2024-25માં વધીને 28,197 હેક્ટર (1.76 લાખ વીઘા) થઈ ગયો. આમ, વાવેતર વિસ્તાર છેલ્લાં ત્રીસ વર્ષમાં લગભગ બમણો થઈ ગયો છે અને મોટા ભાગનો વધારો છેલ્લા એક દાયકામાં થયો છે.
હાલ રાજ્યના 17 જિલ્લામાં નાળિયેરીના બગીચા છે. તેમાં સૌથી વધારે ગીર સોમનાથ (10,915 હેક્ટર), જૂનાગઢ(6770 હેક્ટર), ભાવનગર(3517 હેક્ટર), વલસાડ (3215 હેક્ટર), કચ્છ (987 હેક્ટર) અને પોરબંદર (830 હેક્ટર)માં છે. ગુજરાતમાં નાળિયેરીના કુલ 28,197 હેક્ટર વાવેતર વિસ્તારમાંથી 22,944 હેક્ટર સૌરાષ્ટ્રમાં, 4044 હેક્ટર દક્ષિણ ગુજરાતમાં, 955 હેક્ટર ઉત્તર ગુજરાતમાં (જેમાં કચ્છને પણ સમાવી લેવામાં આવ્યો છે) અને 214 હેક્ટર મધ્ય ગુજરાતમાં છે.
કેવા ખેડૂત નાળિયેરીની ખેતી તરફ વળી રહ્યા છે?

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
વેરાવળ તાલુકાના તાતીવેલ ગામના ખેડૂત અરજણભાઈ રામ 10 વીઘા જમીન ધરાવે છે. તેમનો પરિવાર ચોમાસાં મગફળી, શિયાળામાં શાકભાજી અને ઉનાળામાં મગ-અડદનું વાવેતર કરતા હતા. પરંતુ આ વર્ષે શિયાળામાં તેમણે 10 વીઘા જમીનમાંથી ચાર વીઘામાં નાળિયેરનું વાવેતર કર્યું.
અરજણભાઈ બીબીસીને જણાવે છે, "પરંપરાગત ખેતી પાકોમાં ભાવ તો સારા મળે છે પરંતુ તેમાં બાગાયતી પાકો કરતા ખેતી ખર્ચ ખૂબ વધારે રહે છે. અમારું ગામ વેરાવળ શહેર નજીક હોવાથી દૈનિક 500 રૂપિયા મજૂરી આપવા છતાં મજૂર મળતા નથી. નાળિયેરીના બાગાયતી પાકમાં મજૂરો લાવવાની જરૂર રહેતી નથી કારણ કે નાળિયેર ઉતારવા માટે વેપારીઓ તેમના જ માણસો મોકલે છે. વળી, મારા કાકાના દીકરા પોલાભાઈએ છ વર્ષ પહેલાં નાળિયેરીનો બગીચો કર્યો તેમાંથી તેને સારી આવક મળે છે. તે જોઈને પણ મને થયું કે હું પણ થોડી નાળિયેરી વાવું."
લખમણભાઈ રામ નાળિયેરીની ખેતી કરવા ઉપરાંત કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય બાગાયત બોર્ડ દ્વારા પ્રમાણિત મહાકાળી કોકોનટ નર્સરી ચલાવીને નાળિયેરીના રોપા બનાવી તેનું વેચાણ પણ કરે છે. તેઓ કહે છે, "નાળિયેરીનું નવું વાવેતર કરતા ખેડૂતોમાં 70 ટકા ખેડૂતો એવા છે કે જે ખુલ્લી ખેતી કરીને મગફળી, ઘઉં, બાજરી વગેરે પાકો લેતા હતા, પરંતુ હવે બાગાયત અપનાવવાનો નિર્ણય કર્યો છે. બાકીનું 30 ટકા નવું વાવેતર એવા ખેડૂતો કરી રહ્યા છે જેઓ પાસે નાળિયેરીના હયાત બગીચા છે, પરંતુ વળતર વધતા ખુલ્લી ખેતીનો વિસ્તાર ઘટાડી તેમાં પણ નાળિયેરીના બગીચા કરવાનું નક્કી કર્યું છે. પરિણામે રોપાની માગ બહુ જ વધી ગઈ છે. 2020 પહેલાં હું વર્ષે સરેરાશ 1500 રોપા વેચતો. હવે તે વેચાણ વાર્ષિક દોઢ લાખ રોપા થઈ ગયું છે."

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
અરુણ કરમુર કહે છે કે નાળિયેરીનું વાવેતર દરિયાકાંઠે તેમજ કાંઠાથી 15થી 20 કિલોમીટર દૂર સુધીના વિસ્તારમાં કરી શકાય છે.
તેઓ કહે છે, "નાળિયેરીને ભેજવાળું હવામાન જોઈએ જે ગુજરાતમાં દરિયાકાંઠાથી 15થી 20 કિલોમીટર દૂર સુધી મળી રહે છે. તેનાથી દૂરના વિસ્તારોમાં નાળિયેરીનું વાવેતર કરવામાં આવે તો નાળિયેરીના ઝાડ વિકસે છે અને નાળિયેર પણ આવે છે, પરંતુ ભેજના અભાવે નાળિયેર બટન અવસ્થા એટલે કે ખૂબ નાનાં હોય ત્યારે જ મોટી સંખ્યામાં ખરી જાય છે અને તેથી નાળિયેરનું ઉત્પાદન પરવડે નહીં તેટલું નીચું રહે છે."
અરુણ કરમુર કહે છે કે ગુજરાતમાં ખેડૂતો હાલ વેસ્ટ કોસ્ટ ટોલ એટલે કે પશ્ચિમ કાંઠાની ઊંચી નાળિયેરીની દેશી જાત અને ગ્રીન ડ્વાર્ફ એટલે કે ઠીંગણી લીલી જાતની નાળિયેરીના સંકરણથી તૈયાર કરેલી ડવાર્ફ-ટોલ નામની હાઈબ્રિડ જાતનું વાવેતર કરી રહ્યા છે.
તેઓ ઉમેરે છે, "આ જાતમાં ચોથા કે પાંચમા વર્ષે ઉત્પાદન મળવાનું શરૂ થઈ જાય છે. તે પહેલાં ખેડૂત નાળિયેરીના બગીચામાં મગફળી વગેરે આંતરપાકો લઈ શકે છે."
નાળિયેરીની ખેતી ગુજરાતના ખેડૂતોને કેવી રીતે ફાયદાકારક સાબિત થઈ રહી છે?

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
અરુણ કરમુર કહે છે કે લીલું નાળિયેર ફળ બેઠા બાદ સાડા ચાર મહિનામાં પીવાલાયક થઈ જાય છે, જ્યારે સૂકું નાળિયેર તૈયાર થતા બાર મહિના થાય છે.
તેઓ ઉમેરે છે, નાળિયેરીની વિશેષતા એ છે કે જો લીલાં નાળિયેર ઉતારી લેવામાં આવે તો તેમાં બીજાં નાળિયેર બેસે છે. એક નાળિયેરી વર્ષમાં દોઢસોએક સૂકાં નાળિયેર આપે છે, પરંતુ જો નાળિયેર કાચાં હોય ત્યારે લીલાં નાળિયેર તરીકે ઉતારી લેવામાં આવે તો તે જ નાળિયેરી વર્ષે 300 લીલાં નાળિયેર આપે છે. વળી, લીલાં નાળિયેર વર્ષમાં બેથી ત્રણ વાર ઉતારી શકાય છે. તેથી, ખેડૂતોને સમયાંતરે અવાક થતી રહે છે જ્યારે આંબા જેવા બાગાયતી પાકોમાં વર્ષમાં એક જ મોસમ આવે છે."
તેઓ ઉમેરે છે, "નાળિયેરીની ખેતીમાં ખેડૂતોને બમણો ફાયદો છે. ખેડૂતોને લીલાં નાળિયેરના સારા ભાવ મળે છે અને બીજી તરફ તુલનાત્મક રીતે ખેતી-ખર્ચ ઘણો ઓછો છે. નાળિયેરી વાવવામાં થોડી મોંઘી છે, કારણ કે તેના છોડની કિંમત 500 રૂપિયા કે તેથી વધુ હોઈ શકે છે. જોકે એક વાર વવાઈ ગયા પછી તેમાં વાર્ષિક માવજત ખર્ચ વધારે થતો નથી. તેને માત્ર પિયત આપવાનું છે, છાણિયું કે ગળતિયું ખાતર કે યુરિયા, ડીએપી, પોટાશ જેવાં રાસાયણિક ખાતર આપવાના છે અને નિંદામણ નિયંત્રણમાં રાખવાનું હોય છે."
માંગરોળના ગોરેજ ગામના ખેડૂત મહેશભાઈ સોલંકીનો પરિવાર ત્રીસેક વર્ષથી નાળિયેરીનો બગીચો ધરાવે છે. મહેશભાઈ કહે છે, "ખેતી પાકો કરતા નાળિયેરીના પાકમાં વળતર વધારે મળે છે. પરંતુ છેલ્લા પાંચ-છ વર્ષથી વ્હાઇટ ફ્લાય (નાળિયેરીને અસર કરતી એક જીવાત) નામની જીવાત નાળિયેરીને ભારે નુકસાન પહોંચાડી રહી છે. તે જ રીતે નાળિયેર બટન અવસ્થાએ જ ખુબ મોટા પ્રમાણમાં ખરી રહ્યા છે. આ બે કારણોસર ઉત્પાદન ઘટ્યું છે જે એક ચિંતાનો વિષય છે."
પરંતુ અરુણ કારમુર કહે છે, "ગુજરાતમાં નાળિયેરીમાં કોઈ રોગ આવતો નથી. પરંતુ છેલ્લાં દસેક વર્ષથી કોકોનટ વ્હાઇટ ફ્લાય એટલે કે નાળિયેરીની સફેદ માખી નામની જીવાતનો ઉપદ્રવ નોંધાયો છે. જોકે દવા છાંટીને તેને નિયંત્રણમાં રાખવામાં ખેડૂતો સફળ રહ્યા છે અને દવા છાંટવા માટે ટ્રેક્ટરથી ચાલતા સ્પ્રે પમ્પ ખરીદવા માટે રાજ્ય સરકાર ખેડૂતોને આર્થિક સહાય કરે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












