પરીક્ષા પે ચર્ચા 2023 : વડા પ્રધાને અમદાવાદના મિલમજૂરની દીકરીનો ઉલ્લેખ કેમ કર્યો?

ઇમેજ સ્રોત, youtube/@NarendraModi

- વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાંથી વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું
- ‘પરીક્ષા પે ચર્ચા 2023’માં વડા પ્રધાન સાથેનું પ્રશ્નોત્તરી સત્ર લગભગ 2 કલાક લાંબું ચાલ્યું હતું
- દેશભરમાંથી વડા પ્રધાનને પૂછવામાં આવેલા શિક્ષણલક્ષી કુલ 12 જેટલા પ્રશ્નોના તેમણે જવાબો આપ્યા હતા
- વડા પ્રધાનને વિદ્યાર્થીઓના સવાલો ઉપરાંત છેલ્લો સવાલ શિક્ષક દ્વારા પણ પૂછવામાં આવ્યો હતો
- જુઓ કે વિદ્યાર્થીઓએ વડા પ્રધાનને કેવા સવાલો પૂછ્યા અને વડા પ્રધાને તેના શું જવાબ આપ્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાંથી વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું.
‘પરીક્ષા પે ચર્ચા 2023’માં વડા પ્રધાન સાથેનું પ્રશ્નોત્તરી સત્ર લગભગ 2 કલાક લાંબું ચાલ્યું હતું.
દેશભરમાંથી વડા પ્રધાનને પૂછવામાં આવેલા શિક્ષણલક્ષી કુલ 12 જેટલા પ્રશ્નોના તેમણે જવાબો આપ્યા હતા.
વડા પ્રધાનને વિદ્યાર્થીઓના સવાલો ઉપરાંત છેલ્લો સવાલ શિક્ષક દ્વારા પણ પૂછવામાં આવ્યો હતો.
ટીકાઓને કઈ રીતે લેવી, માતાપિતાની અપેક્ષાપૂર્તિના દબાણથી કેવી રીતે બચવું, સમયપત્રક કેવી રીતે બનાવવું, પરીક્ષાના હાઉથી અને ચોરીથી કેવી રીતે બચવું, હાર્ડ વર્ક અને સ્માર્ટ વર્ક કેવી રીતે કરવું, સાધારણ વિદ્યાર્થી તરીકે મારે કેવી રીતે આગળ વધવું, મોબાઇલ અને સોશિયલ મીડિયા અને અભ્યાસ વચ્ચે કેવી રીતે સંતુલન મેળવવું, સખત મહેનત પછી પણ અપેક્ષિત પરિણામ ન મળે તો શું કરવું, વધુ ભાષાએ કેવી રીતે શીખવી- વગેરે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
વડા પ્રધાને સંબોધનની શરૂઆતમાં જ હળવા અંદાજમાં કહ્યું હતું કે દરેક વખતે મારી પાસે એ ફરિયાદ આવે છે કે આ કાર્યક્રમ લાંબો ચાલે છે. અલબત્ત, આ રમૂજ પછી પણ કાર્યક્રમ પૂરો થયો ત્યારે બે કલાક જેટલો સમય થઈ ગયો હતો.
વડા પ્રધાને વિદ્યાર્થીઓને સંબોધતા અમદાવાદની કૅલિકો મિલના મજૂરની દીકરીનું ઉદાહરણ આપ્યું હતું.

પરિવારની અપેક્ષાઓની પૂર્તિ ન થાય તો?

ઇમેજ સ્રોત, NARENDRAMODI.IN
સૌથી પહેલો પ્રશ્ન મદુરાઈથી અશ્વિની, પટનાથી પ્રિયંકા અને દિલ્હીથી નવતેશનો હતો, “મારું પરિણામ સારું ન આવે તો મારા પરિવારની અપેક્ષાઓની પૂર્તિ ન થતા તેમને નિરાશ થતા કેવી રીતે બચાવું?”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તણાવને લગતા આ પ્રશ્નના જવાબમાં વડા પ્રધાને કહ્યું, “ક્રિકેટમાં ગૂગલી બૉલ હોય છે. નિશાનો અલગ અને દિશા અલગ હોય છે. મને લાગે છે કે તમે પહેલા જ બૉલમાં મને આઉટ કરવા માગો છો. પરિવારજનોની અપેક્ષા સ્વાભાવિક છે. સામાજિક મોભાને લઈને અપેક્ષા રાખે તો તે ચિંતાનો વિષય છે. તમે સારું કરશો તો પણ વધારાની અપેક્ષાઓ ઊભી થશે. રાજનીતિમાં અમારા ઉપર પણ વધુને વધુ સીટો લાવવાનું દબાવ હોય છે.”
“બૅટ્સમૅન રમવા ઊતરે ત્યારે સ્ટેડિયમમાંથી ચોગ્ગા-છગ્ગાની માગ થતી હોય છે ત્યારે તે ઑડિયન્સની માગ પ્રમાણે ચોગ્ગા-છગ્ગા નથી મારતો. તે પોતાની રમત પર કેન્દ્રિત રહે છે. તમે પણ તેમ કરો. દબાવના દબાણમાં ન આવો. હા, તમારી ક્ષમતાના વિસ્તાર ઉપર વિચાર કરવો.”

‘પતંગના દોરાની ગૂંચ ધીરજથી ઉકલે’

ઇમેજ સ્રોત, youtube/@NarendraModi
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હિમાચલ પ્રદેશના ચંબાના બનીખેતનાં આરુષિ ઠાકુર, છત્તીસગઢના રાયપુરનાં અદિતિ દીવાન કહે છે કે મને ચિંતા રહે છે કે મારે ઘણું કરવું છે પણ અંતિમ સમય સુધી હું કંઈ નથી કરી શકતી. હું મારાં બધાં કામ સમયસર કેવી રીતે પૂરાં કરું?
વડા પ્રધાને જવાબમાં કહ્યું, “માત્ર પરીક્ષા પૂરતું જ નહીં, કાયમ માટે આપણે ટાઇમ મૅનેજમૅન્ટને લઈને જાગ્રત થવું જોઈએ. કામ કરવાથી નહીં, કામ નહીં કરવાથી થાક લાગે છે. ડાયરીમાં લખવાનું રાખો અને અઠવાડિયા સુધી નોંધ કરો કે તમે કયા વિષયને કેટલો સમય આપો છો.”
“તમને ધ્યાનમાં આવશે કે તમારી પસંદના વિષયમાં સૌથી વધુ સમય લગાવો છો અને તેમાં ખોવાયેલા રહો છો. ફ્રેશ માઇન્ડ હોય ત્યારે સૌથી ઓછી પસંદના વિષય માટે વધુ સમય આપો. આમ કરતા ધીરેધીરે એ વિષયમાં રુચિ વધશે.”
“મને બાળપણમાં પતંગ ચગાવવાનો બહુ શોખ હતો. પતંગના દોરાની ગૂંચ થઈ જાય ત્યારે દોરાને ખેંચતો નથી પણ ધીરેધીરે ગૂંચ ઉકેલે છે. આપણે પણ જોરજબરદસ્તી નથી કરવાની. આરામથી ઉકેલ લાવવાનો છે.”
“તમારે ઘરમાં તમારી માતાના કામનું અવલોકન કરો. તેમના ટાઇમ મૅનેજમૅન્ટ જુઓ. કોઈ કામનો તેમને બોજ નથી અનુભવાતો. તેનું કારણ ટાઇમ મૅનેજમૅન્ટ છે. માતાની ગતિવિધિનું ધ્યાનથી અવલોકન કરવાથી તમને સમસ્યામાંથી બહાર નીકળવાનો માર્ગ મળી જશે.”

પરીક્ષામાં ચોરી કરવાનો વિચાર આવે તો?

ઇમેજ સ્રોત, youtube/@NarendraModi
છત્તીસગઢના બસ્તરના રૂપેશ કશ્યપ, જગન્નાથ પુરીના તન્મયનો સવાલ હતો કે હું પરીક્ષાનો હાઉ કેવી રીતે દૂર કરી શકું, પરીક્ષામાં નકલથી કેવી રીતે બચવું?
ચોરી અને નકલના આ પ્રશ્નના જવાબમાં વડા પ્રધાને કહ્યું, “કેટલાક વિદ્યાર્થીઓ નકલ કરવાના નવતર પ્રયોગો શોધવામાં પાવરધા હોય છે. એટલો જ સમય અને ક્ષમતાને શીખવામાં લગાવે તો તે સારું કરી શકે.”
“આજે એક પરીક્ષામાંથી નીકળ્યા એટલે જિંદગી બની ગઈ એવું નથી, ડગલે ને પગલે પરીક્ષાઓ આવી રહી છે. ચોરી કરનારા એક પરીક્ષા પાસ કરી જશે પણ જીવન પાર નહીં કરી શકે.”
“જે વિદ્યાર્થી ભારે મહેનત કરે છે તેમને કહું છું કે તમારી મહેનત તમારા જીવનમાં રંગ લાવશે, તમારી અંદરની શક્તિ જ તમને આગળ લઈ જશે. ચોરી કરવાનું ક્યારેય ન વિચારવું. શોર્ટકટમાં ન જવું. બીજા કોઈ જાય તો તેની ચિંતા ન કરવી, તમારા પોતાના પર કેન્દ્રિત રહેવું.”
કંઝીકોડથી સુજલે હાર્ડવર્ક અને સ્માર્ટવર્ક અંગે સવાલ કર્યો હતો.
જવાબમાં વડા પ્રધાને કહ્યું, તમે બાળપણમાં એક કથા સાંભળી હશે. ઘડામાં પાણી હતું અને પાણી ઊંડે હતું. કાગડાને પાણી પીવું હતું, ચાંચ ડૂબતી નહોતી, કાગડાએ ઘડામાં થોડા કાંકરા નાંખ્યા અને પછી પાણી ઉપર આવી ગયું અને તેણે પાણી પી લીધું. આ સ્માર્ટ વર્ક છે.
"કેટલાક લોકો હાર્ડ વર્ક જ કરે છે અને કેટલાક લોકોમાં હાર્ડ વર્કનું નામોનિશાન નથી હોતું. કેટલાક લોકો ક્યારેક સ્માર્ટ વર્ક કરે છે અને કેટલાક સ્માર્ટલી હાર્ડ વર્ક કરે છે. આપણે સ્માર્ટલી હાર્ડ વર્ક અંગે વિચારવું જોઈએ."
"હું આદિવાસી વિસ્તારમાં કામ કરતો હતો ત્યારે મારે અંતરિયાળ વિસ્તારમાં જવાનું થયું. મારે જીપ લઈને જવાનું હતું. સવારે પાંચ વાગ્યે જીપ ચાલુ ન થઈ. સાત વાગ્યે કારીગરને બોલાવ્યો. તેણે 2 મિનિટમાં ચાલુ કરી દીધી. 200 રૂપિયા માગ્યા. અમે બે કલાકથી હાર્ડ વર્ક કરી રહ્યા હતા. ગાડી ચાલુ ન થઈ. મિકેનિકે સ્માર્ટલી 2 મિનિટમાં ચાલુ કરી આપી."

સાધારણ પ્રતિભા એટલે...
એક વિદ્યાર્થીએ સવાલ કર્યો હતો કે સાધારણ વિદ્યાર્થી છું, મારે કેવી રીતે તૈયારી કરવી?
વડા પ્રધાને આ વિદ્યાર્થીને અભિનંદન આપતા કહ્યું કે તમે સાધારણ વિદ્યાર્થી તરીકે પોતાની જાતનું મૂલ્યાંકન કરી શક્યા એ બદલ અભિનંદન. બાકી ઘણા તો પોતાની જાતને સબ બંદરના વેપારી માનતા હોય છે.
“માતાપિતાએ પણ બાળકોનું સાચું મૂલ્યાંકન કરવું જોઈએ. દુનિયામાં મોટા ભાગના સફળ લોકો એક સમયે સાધારણ લોકો હતા.”
“ અત્યારે દુનિયામાં આર્થિક સ્થિતિની ચર્ચાઓ ચાલી રહી છે. એવું નથી કે દુનિયા પાસે અર્થવેત્તાની કમી છે. પણ આપણે જોયું છે કે ભારતને આશાના કિરણના રૂપમાં જોવાઈ રહ્યું છે. અમારી સરકાર વિશે એવું જ લખાતું હતું કે આ સરકાર પાસે કોઈ ઇકૉનૉમિસ્ટ નથી. વડા પ્રધાનને પણ અર્થતંત્રનું જ્ઞાન નથી.”
“આપણે એ દબાણમાં ન રહેવું કે આપણે અસાધારણ નથી. તમારી અંદર કંઈક તો અસાધારણ હશે જ. તમારે એ અસાધારણ તત્ત્વને ઓળખવું.”

‘ટીકાકારોને તમે કેવી રીતે લો છો?’

ઇમેજ સ્રોત, narendramodi.in
ચંદીગઢથી મન્નત બાજવા, અમદાવાદના કુમકુમ, બૅંગલુરુના આકાશનો સવાલ હતો કે તમારી ટીકા કરનારાથી તમે પ્રભાવિત થાવ છો અને થાવ છો તો તેમાંથી કેવી રીતે બહાર નીકળો છો. તમારો જવાબ મને મદદરૂપ થશે.
વડા પ્રધાને જવાબમાં કહ્યું, “તમે પરીક્ષા આપીને તમે પરિવારજનો અને શિક્ષણ વચ્ચે બેસો તો કોઈ સવાલનો જવાબ ન આવડ્યો હોય તો તમારો પહેલો પ્રતિભાવ હોય છે કે આ સિલેબસ બહારનો સવાલ હતો. તમારો આ સવાલ પણ સિલેબસ બહારનો છે.”
“હું સૈદ્ધાંતિક રીતે માનું છું કે સમૃદ્ધ લોકતંત્ર માટે આલોચના એક શુદ્ધિ યજ્ઞ છે. એ લોકતંત્રની પૂર્વ શર્ત છે. આજે ટેકનોલૉજીમાં ઓપન સૉર્સ ટેકનોલૉજી હોય છે. ઘણા લોકોના પ્રયાસોથી તે સમૃદ્ધ સૉર્સ બની જાય છે.”
“ઘણી વાર આલોચક કોણ છે એના પર બધો આધાર હોય છે. આદતવશ આલોચના કરવાવાળાને કચરાપેટીમાં પધરાવી દો.”
વડા પ્રધાને માતાપિતાને ઉદ્દેશીને કહ્યું, “આજકાલ માબાપ આલોચના નથી કરતા, ટપાર્યા કરતા હોય છે અને તમને ગુસ્સો પણ એનો જ આવે છે. માબાપને મારો આગ્રહ છે કે તમે તમારા બાળકના ભલા માટે આમાંથી બહાર નીકળો.”
"તમે સંસદ ટીવીમાં સંસદની ચર્ચા સાંભળતા હશો. કેટલાક બહુ તૈયારી સાથે સ્પીચ આપે છે. વિપક્ષીઓ માનસિકતા જાણતા હોય છે એટલે ચૂંટલી ખણી લે છે અને સાંસદ તૈયારી કરીને આવેલા હોય એ છૂટી જાય છે અને ટિપ્પણીનો જ જવાબ આપવામાં સમય પસાર કરી નાખે છે."
"આપણે ફૉક્સ છોડવું ન જોઈએ. આરોપોને ધ્યાનમાં નથી લેવાના પણ આલોચનાને ચોક્કસ ધ્યાનમાં લેવાની છે."

ઘરમાં ‘નો ટેકનોલૉજી ઝોન’ બનાવો
ભોપાલના દીપેશનો સવાલ હતો કે, મોબાઇલ ગેમ અને સોશિયલ મીડિયાના વળગણથી દૂર રહીને કેવી રીતે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવું?
વડા પ્રધાને જવાબમાં કહ્યું, “સૌથી પહેલો નિર્ણય એ કરવાનો છે કે તમે સ્માર્ટ છો કે ગૅઝેટ્સ સ્માર્ટ્સ છે. તમે ગૅઝેટ્સને તમારાથી વધુ સ્માર્ટ માની લો છો ત્યારે જ સમસ્યા શરૂ થાય છે. ગૅઝેટ્સ એક સાધન છે જે તમારી ગતિ વધારી શકે.”
“ભારતમાં દિવસમાં એવરેજ 6 કલાક લોકો સ્ક્રીન પર વિતાવે છે. આ ચિંતાનો વિષય છે. તે આપણને ગૅઝેટ્સના ગુલામ બનાવી દે છે. ટૉકટાઇમ હતો ત્યારે 30 મિનિટ જતી હતી.”
“આ ગૅઝેટ્સના ગુલામ નહીં બનવાનો આપણે નિર્ણય લેવાનો છે. એમાંથી કામની વસ્તુ પૂરતું જ સીમિત રહેવાનો નિર્ણય કરવાનો છે.”
તમારે અઠવાડિયામાં કેટલાક દિવસ કે દિવસના કેટલાક કલાક ટેકનોલૉજીનો ઉપવાસ કરો. તેના ફાયદાનું અવલોકન કરો.”
પરિવારો પણ ડિજિટલ દુનિયામાં ફસાઈ રહ્યા છે. બધા પોતપોતાના મોબાઇલમાં ફસાયેલા રહે છે. આ બીમારીઓને આપણે ઓળખવી પડશે. ઘરમાં ‘નો ટેકનોલૉજી ઝોન’ બનાવવો જોઈએ.”
જમ્મુથી નિદા, હરિયાણાના પલવલથી પ્રશાંતનો સવાલ હતો, અમે સખત મહેનત કર્યા પછી પણ અપેક્ષિત પરિણામ ન મેળવી શકીએ તો કેવી રીતે માનસિક દબાણમાંથી બહાર આવવું.
વડા પ્રધાને જવાબમાં કહ્યું, “પરીક્ષાના પરિણામમાં તણાવનું મૂળ કારણ એ છે કે પરીક્ષા આપીને આવ્યા પછી ઘરના લોકોને મોટી મોટી વાતો કરીએ છીએ. પરિવારના લોકોને સારા પરિણામની અપેક્ષાઓ બંધાવીએ છીએ.”
“પરિણામમાં 40-45 માર્ક્સ આવે ત્યારે તોફાન મચે છે. આપણે સત્યનો મુકાબલો કરવાની આદત છોડી દીધી છે.”
“તણાવનું બીજું કારણ તમારા મગજમાં મિત્રો ભરાયેલા હોય છે. તેમની સાથે સ્પર્ધાના ભાવમાં જીવવું. પરીક્ષા કંઈ જીવનનો અંત નથી. આપણે તણાવમુક્તિનો મનમાં સંકલ્પ કરી લેવો જોઈએ.”

'દુનિયાની સૌથી પુરાતન ભાષા તમિલ છે'

ઇમેજ સ્રોત, Getty Images
તેલંગણાના હૈદરાબાદના અક્ષરા, ભોપાલના રિતિકાનો સવાલ હતો, વધુ ભાષાઓ શીખવા શું કરવું જોઈએ અને તેનું મહત્ત્વ શું છે?
વડા પ્રધાને જવાબમાં કહ્યું, “આ માટે તમારે એક્સ્ટ્રાવર્ટ થવું જરૂરી છે. ભારત વિવિધતાથી ભરેલો દેશ છે. આપણી પાસે સેંકડો ભાષા છે. હજારો બોલીઓ છે. આ આપણી સમૃદ્ધિ છે.”
“મન લગાવીને અડોશપડોશના રાજ્યની એકાદ બે ભાષા શીખવાથી ત્યાંના અનુભવોનો નિચોડ મળે છે. હજારો વર્ષની અવિરક્ત ધારા હોય છે એમાં. ઉતારચઢાવની ધારા હોય છે એમાં.”
ભાર વગર આપણે ભાષા શીખવી જોઈએ.
યુનોમાં આપેલા ભાષણનો ઉલ્લેખ કરતા વડા પ્રધાને કહ્યું, “દુનિયાની સૌથી પુરાતન ભાષા તમિલ જે દેશ પાસે હોય તે દેશને ગર્વ હોવો જોઈએ કે નહીં? ગત વર્ષોમાં મારા યુનોમાં ભાષણમાં જાણીજોઈને મેં કેટલાક તમિલ શબ્દોનો પ્રયોગ કર્યો હતો.”
“અમદાવાદની કૅલિકો મિલના મજૂર પરિવારને ત્યાં હું ભોજન માટે જતો, તેમની 8-10 વર્ષની દીકરી ઘણી ભાષાઓ બોલતી હતી. તેમના માતાજી બંગાળના, પિતાજી બિહારના, પાડોશી મહારાષ્ટ્રના હતા. આપણી વિરાસતનો આપણને ગર્વ હોવો જોઈએ.”
કટકથી શિક્ષક સુનયના ત્રિપાઠીએ સવાલ કર્યો હતો. વર્ગમાં વિદ્યાર્થીઓને જીવનના સાર્થક મૂલ્યો કેવી રીતે શીખવવા?
“શિક્ષકોએ વિદ્યાર્થીઓ સાથે પોતાપણાનું વાતાવરણ ઊભું કરવું જોઈએ. વિદ્યાર્થીઓની જિજ્ઞાસાને પ્રમોટ કરો. એ જ એમના જીવનની મોટી મૂડી છે.”
છેલ્લો પ્રશ્ન દિલ્હીના સુમન મિશ્રાએ કર્યો, વિદ્યાર્થીઓએ સમાજમાં કેવો વર્તાવ કરવો જોઈએ?
વડા પ્રધાને જવાબમાં કહ્યું, “તમારે તમારાં બાળકોને સમાજના ભિન્નભિન્ન વર્ગમાં જવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. તેમના ટ્રાયલ લેતા રહેવા જોઈએ.”
“તેમને બંધનોમાં ન બાંધવા જોઈએ. દસમા-બારમા ધોરણ પછી બાળકોને થોડાં નાણાં આપીને બહાર ફરવા મોકલી દેવા જોઈએ અને પાછા આવીને ફોટોગ્રાફ અને પ્રવાસનું વર્ણન કરવાનું કહેવું જોઈએ.”














