ભારતમાં વસતીગણતરીમાં થયેલો વિલંબ દેશને કઈ રીતે નુકસાન કરી રહ્યો છે?

ભારતમાં વસતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, શરણ્યા ઋષિકેશ
    • પદ, બીબીસી સંવાદદાતા
રેડ લાઇન
  • દર દસ વર્ષે દેશમાં વસતીગણતરી યોજાય છે. 2021માં વસતીગણતરી યોજાવાની હતી પણ તેમાં વિલંબ થયો.
  • હવે વસતીગણતરી ક્યારે યોજાશે તે અંગે સ્પષ્ટતા કરવામાં નથી આવી.
  • નિષ્ણાતો વસતીગણતરીમાં થતા વિલંબથી ચિંતિત છે.
  • વસતીગણતરીમાં વિલંબથી દેશમાં લોકો માટે કેવાં પરિણામ આવી શકે છે, તે વિશે વિસ્તારથી અહેવાલમાં વાંચો.
રેડ લાઇન

સેંકડો ગણતરીકર્તાઓ દ્વારા પૂછવામાં આવેલા મૂંઝવતા સંખ્યાબંધ સવાલોના જવાબ 1881માં દેશના 25 કરોડથી વધુ લોકોએ આપ્યા હતા અને બ્રિટિશરોના શાસન હેઠળના ભારતમાં સૌપ્રથમ સમકાલિક વસતીગણતરી કરવામાં આવી હતી.

એ પછીના 130 વર્ષ સુધી, આઝાદી પછી અને યુદ્ધો તથા અન્ય કટોકટીઓમાં ભારતમાં દર દસ વર્ષે એક વખત વસતીગણતરીનું કામ કરવામાં આવતું રહ્યું છે. વસતીગણતરી કરતા સેંકડો કર્મચારીઓ દેશના નાગરિકોના ધંધા-રોજગાર, પરિવાર, આર્થિક સ્થિતિ, સ્થળાંતરની સ્થિતિ અને સામાજિક-સાંસ્કૃતિક લાક્ષણિકતા સહિતની માહિતી એકત્ર કરવા પ્રત્યેક ઘરની મુલાકાત લેતા રહ્યા હતા.

વસતીગણતરી એક મહત્ત્વકાંક્ષી, અમૂલ્ય કવાયત છે, જે પ્રશાસકો, નીતિ ઘડવૈયાઓ, અર્થશાસ્ત્રીઓ, વસતી વિષયક નિષ્ણાતો તેમજ વિશ્વનો બીજા ક્રમનો સૌથી વધુ વસતી ધરાવતો દેશ (જે આ વર્ષે ચીનને પાછળ છોડી દેવાનો છે ક્યાં જઈ રહ્યો છે તે જાણવામાં રસ ધરાવતા દરેક માણસ માટે ડેટાનો જંગી ખજાનો એકત્ર કરે છે. તે માહિતીનો ઉપયોગ રાજ્યોને કેન્દ્રીય ભંડોળની ફાળવણીથી માંડીને શાળાઓના નિર્માણ તેમજ મતવિસ્તારો માટે સીમાંકન સહિતની તમામ બાબતોના નિર્ણય લેવા માટે કરવામાં આવે છે.

ગ્રે લાઇન

ભારતની વસતી ચીન કરતાં વધી જશે તેનો અર્થ

ભારતની વસતી

જોકે, દર દસ વર્ષે દેશમાં યોજાતી વસતીગણતરીમાં (જે વાસ્તવમાં 2021માં યોજાવાની હતી) વિલંબ થયો છે અને તે ક્યારે યોજાશે તે બાબતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. નિષ્ણાતો જણાવે છે કે તેઓ વિલંબના પરિણામથી ચિંતિત છે. તેમાં કલ્યાણ યોજનાઓમાંથી લોકોના બાકાત રહી જવાથી માંડીને સંસાધનોની ખોટી ફાળવણી સુધીની બાબતોનો સમાવેશ થાય છે.

ગરીબી તથા અસમાનતાના ક્ષેત્રે વ્યાપક કામ કરી ચૂકેલા ડેવલપમેન્ટ ઇકોનૉમિસ્ટ પ્રોફેસર કે પી કન્નન કહે છે કે “વસતીગણતરી એ માત્ર દેશના લોકોની સંખ્યાની ગણતરી નથી. તે સૂક્ષ્મ સ્તરે નિર્ણય લેવા માટે જરૂરી માહિતી પણ પ્રદાન કરે છે.”

દેશમાં સેન્સસ ઍક્ટ, 1948 હેઠળ વસતીગણતરી હાથ ધરવામાં આવે છે. સરકારે આ કવાયત ક્યારે હાથ ધરવી અથવા તેના પરિણામ જાહેર કરવા વિશે કોઈ ચોક્કસ સમયગાળો આ કાયદા હેઠળ સ્પષ્ટ કરવામાં આવ્યો નથી.

વસતીગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસિંગના ડેટા એકત્ર કરવામાં આવે છે. આ કામ 2020માં હાથ ધરવાનું હતું, પરંતુ ત્યારે કોવિડ મહામારી ત્રાટકી હતી. લોકોના પ્રવાસ તથા આવાગમન પર નિયંત્રણો લાદવામાં આવ્યાં હતાં અને વહીવટકર્તાઓએ વધુ મહત્ત્વનાં કામ કરવાનાં હતાં. તેથી આ કવાયત મોકૂફ રાખવામાં આવી હતી.

ગ્રે લાઇન

ભારતની વસતીગણતરી- સારાં અને માઠાં પરિણામ

ભારતની વસતી

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ગત ડિસેમ્બરમાં સંસદને જણાવ્યું હતું કે “કોવિડ-19 મહામારી ફાટી નીકળવાને કારણે 2021ની વસતીગણતરી અને એ સંબંધી ફિલ્ડ ઍક્ટિવિટી આગામી આદેશ મળે ત્યાં સુધી મોકૂફ રાખવામાં આવી છે.”

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

થોડાં સપ્તાહ પછી રજિસ્ટ્રાર જનરલ ઑફ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે વહીવટી સીમાંકન સંબંધી કામગીરી બંધ રાખવાની સમયમર્યાદા વિસ્તારીને આ વર્ષની 30 જૂન કરવામાં આવી છે. (વસતીગણતરીનું કામ ચાલતું હોય ત્યારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો જિલ્લાઓ, નગરો કે ગામડાંઓની સીમામાં કોઈ ફેરફાર કરી શકતા નથી) આ નવા આદેશને કારણે વસતીગણતરીનું કામ કમસેકમ સપ્ટેમ્બર સુધી શરૂ નહીં થઈ શકે.

નિરીક્ષકો માને છે કે વસતીગણતરીની કવાયત 2024ના ઉત્તરાર્ધ પહેલાં હાથ ધરવામાં આવે તેવી શક્યતા નથી, કારણ કે દેશમાં આગામી વર્ષના પૂર્વાર્ધમાં સંસદીય ચૂંટણી યોજાવાની છે.

દિલ્હી યુનિવર્સિટીમાં કાર્યરત અર્થશાસ્ત્રી દીપા સિંહા કહે છે કે “વસતીગણતરીમાં વિલંબની સૌથી પહેલાં તો જાહેર વિતરણ વ્યવસ્થા (પીડીએસ) પર થશે.” (પીડીએસ હેઠળ સરકાર ગરીબોને ધાન્ય તથા બીજી જીવનજરૂરી ચીજો પૂરી પાડે છે)

અર્થશાસ્ત્રીઓ જીન ડ્રેઝ, રીતિકા ખેરા અને મેઘના મુંગલીકરના સંશોધનનો હવાલો આપતાં દીપા સિંહા જણાવે છે કે, મદદ માટે કોણ લાયક છે તે નક્કી કરવા માટે સરકાર હાલ 2011ની વસતીગણતરીના આંકડા પર આધાર રાખે છે. તેથી અંદાજે 10 કરોડ લોકો પીડીએસમાંથી બાકાત રહી જશે.

જીન ડ્રેઝ, રીતિકા ખેરા અને મેઘના મુંગલીકરે હાથ ધરેલા સંશોધનમાં વસતીનું પ્રમાણ નક્કી કરવા માટે રાજ્યો તથા કેન્દ્રના ગૃહમંત્રાલયે બહાર પાડેલા જીવન તથા મૃત્યુના આંકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

દીપા સિંહ કહે છે કે “ઉત્તર પ્રદેશ જેવા મોટા રાજ્યોમાં વધુ લોકો કલ્યાણ યોજનાઓના લાભથી વંચિત રહ્યા હશે.”

રોગચાળા અને વિલંબ પહેલાં પણ 2021ની વસતીગણતરી વિવાદાસ્પદ કવાયત બનવાની હતી.

સરકારે જણાવ્યું હતું કે વસતીગણતરીની સાથે નેશનલ પૉપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર)ને પણ અપડેટ કરવા માટે વસતી સર્વેક્ષણ હાથ ધરવામાં આવશે, પરંતુ ટીકાકારોએ એવો આક્ષેપ કર્યો હતો કે એનપીઆર એક યાદી હશે, જેમાંથી ‘શંકાસ્પદ નાગરિકોને’ તેઓ ભારતીય છે તેવું પુરવાર કરવા જણાવવામાં આવશે. આ ટીકા 2019ના વિવાદાસ્પદ નાગરિકત્વ કાયદાની પૃષ્ઠભૂમિમાં કરવામાં આવી છે. વિરોધીઓ તે કાયદાને ભારતના 20 કરોડથી વધુ મુસ્લિમોનો વિરોધી ગણાવ્યો હતો અને એ કાયદાના વિરોધમાં દેશભરમાં મહિનાઓ સુધી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

કેન્દ્ર સરકારે જ્ઞાતિ આધારિત વસતીગણતરી કરાવવી જોઈએ એવી માગણી વિરોધ પક્ષો અને પ્રાદેશિક નેતાઓએ કરી હતી. વિશ્લેષકો માને છે કે જ્ઞાતિ આધારિત વસતીગણતરીથી હિન્દુ મતમાં તિરાડ પડી શકે છે અને તેનાથી શાસક ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ને નુકસાન થઈ શકે છે. એ ઉપરાંત અનેક જૂથો અનામતની માગણી પણ કરી શકે છે.

લોક કલ્યાણ યોજનાઓ પર સીધી અસર કરવા ઉપરાંત વસતીગણતરી નેશનલ સૅમ્પલ સરવે અને નેશનલ ફેમિલી હૅલ્થ સરવે જેવા મહત્ત્વના અન્ય અભ્યાસો માટે પણ માહિતી પૂરી પાડે છે. નેશનલ સેમ્પલ સરવેમાં નાગરિકોના આર્થિક જીવનનાં તમામ પાસાં વિશેની માહિતી એકત્ર કરવા શ્રેણીબદ્ધ સર્વેક્ષણ કરવામાં આવે છે, જ્યારે નેશનલ ફેમિલી હૅલ્થ સરવેમાં આરોગ્ય તથા સામાજિક સંકેતકોનું વ્યાપક પારિવારિક સર્વેક્ષણ કરવામાં આવે છે.

રાજ્યો અને કેટલાંક મંત્રાલય પોતપોતાના સર્વેક્ષણ કરાવીને ખૂટતી વિગત પૂરી પાડવામાં મદદરૂપ બની શકે છે. દાખલા તરીકે, બિહારમાં હાલ જ્ઞાતિ આધારિત વસતીગણતરીનું કામ ચાલી રહ્યું છે, જે અન્ય ઘણા સૂચકાંકો પર પ્રકાશ ફેંકશે. અલબત, આવાં પગલાં વચગાળાની વ્યવસ્થા હોઈ શકે, એવું નિષ્ણાતો જણાવે છે.

પ્રોફેસર કન્નન કહે છે કે “ભરોસાપાત્ર રાષ્ટ્રીય સર્વેક્ષણનો વસતીગણતરીથી ઉત્તમ કોઈ વિકલ્પ નથી. તેમાં દેશના દરેક નાગરિકની સંપૂર્ણ ગણતરી કરવામાં આવે છે. રાજ્યો, વસતી એકધારી રહેતી હોય તેવો ચુસ્ત પ્રદેશ નથી.”

કેન્દ્ર સરકાર સામે ડેટાની ગુણવત્તા તથા અનેક સર્વેક્ષણના તારણના પ્રકાશનમાં વિલંબને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે એવા સમયે વસતીગણતરી અંગેની અનિશ્ચિતતા આવી પડી છે.

દાખલા તરીકે, ચાર દાયકા પછી સૌપ્રથમવાર ગ્રાહક ખર્ચમાં ઘટાડો થયો હોવાનું એક અભ્યાસમાં બહાર આવ્યાના એક મીડિયા અહેવાલ બાદ સરકારે 2019માં જણાવ્યું હતું કે “ડેટાની ગુણવત્તા સંબંધી સમસ્યાઓને” કારણે તે 2017-18ના એક મહત્ત્વના સર્વેક્ષણનું તારણ બહાર પાડશે નહીં.

અર્થશાસ્ત્રના નોબલ પુરસ્કાર વિજેતા એંગ્વસ ડીટોન સહિતના 200થી વધુ શિક્ષણશાસ્ત્રીઓ તથા પત્રકારોએ સરકાર સમક્ષ ડેટા બહાર પાડવાની માગણી કરતું એક નિવેદન બહાર પાડ્યું હતું અને ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.

એ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે “આંકડાકીય સંસ્થાઓને રાજકીય હસ્તક્ષેપથી સ્વતંત્ર રાખવામાં આવે અને તેમને સ્વતંત્ર રીતે ડેટા જાહેર કરવાની છૂટ આપવામાં આવે તે દેશ માટે મૂળભૂત રીતે મહત્ત્વનું છે.”

સાતમી આર્થિક વસતીગણતરીના તારણના પ્રકાશનમાં “અનુચિત વિલંબ” બદલ એક સંસદીય સમિતિએ ગયા ઑગસ્ટમાં સરકારને સવાલ કર્યો હતો.

દીપા સિંહા કહે છે કે “દેશમાં સાર્વત્રિક ડેટાની સમસ્યા છે.”

ભારતે માહિતી એકત્ર કરવાની કળા દુનિયાને કઈ રીતે શીખવી?

પ્રોફેસર કન્નન જણાવે છે કે ભારતે ભૂતકાળમાં અન્ય વિકાસશીલ દેશોને તેમની વસતીગણતરીમાં મદદ કરી હતી, જે રાષ્ટ્રીય ગૌરવની બાબત છે.

તેઓ કહે છે કે “ડેટાની સત્યનિષ્ઠામાં ઘટાડાના પરિણામે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની પ્રતિષ્ઠાને નુકસાન થઈ શકે છે.”

રેડ લાઇન
રેડ લાઇન