જૌન એલિયા : એ શાયર જેમણે પોતાને જ બરબાદ કરી નાખ્યા અને છતાં સહેજે મનદુઃખ નહીં

ઇમેજ સ્રોત, Elia Family
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી હિન્દી
જૌન એલિયાના મિત્ર કમર રઝીએ એક વાર તેમના વિશે કહેલું, “જલદી ખોટું લાગી જાય તેવા પરંતુ ખૂબ જ સાચા મિત્ર; પોતાના વિચારોમાં ડૂબેલો મુસાફર”,
“એક અભિમાની ફિલસૂફ, તરત જ રોઈ પડે તેવો હમદર્દ, અંતિમ હદ સુધીનો ખુદ્દાર અને મનમોજી આશિક; ખૂબ નિર્બળ પરંતુ આખી દુનિયા સાથે ઝઘડી લેનાર.”
“દુનિયા આખીને પોતાના મિત્ર બનાવી લેનાર અજાણ્યો વ્યક્તિ; બિલકુલ બેજવાબદાર અને બીમાર; આ એ શાયર છે જેને જૌન એલિયા કહે છે.”
જૌન એલિયાનો જન્મ 14 ડિસેમ્બર 1931એ અમરોહામાં સાહિત્યકારો અને વિદ્વાનોના કુટુંબમાં થયો હતો.
જૌન એલિયા પર એક પુસ્તક ‘જૌન એલિયા, એક અજબ ગજબ શાયર’ લખનાર મુંતઝિર ફિરોઝાબાદી જણાવે છે કે, “જૌનસાહેબ મારા માટે દ્રોણ સમાન છે અને હું તેમનો એકલવ્ય છું.”
“જૌનસાહેબને મેં ક્યારેય જોયા નથી. મેં ઘણા બધા શાયરને વાંચ્યા–સાંભળ્યા હતા, પરંતુ, જૌનસાહેબ સાથે જ ખાસ લગાવ થઈ ગયો. જૌનસાહેબનો અંદાજ જ એવો છે.”
“જૌન જે રીતે વાળ ઝટકાવે છે. દરેક નવયુવાને પ્રભાવિત કરે છે. મઝરૂહ સુલતાનપુરીએ તેમને શાયરોના શાયર કહ્યા હતા.”
બીબીસી સાથે વાત કરતાં મુંતઝિર ફિરોઝાબાદીએ કહ્યું, “જે લોકપ્રિય થઈ જાય અને તે સારા શાયર પણ હોય, એ વાતની કોઈ ગૅરંટી નથી. પરંતુ, જૌન લોકપ્રિય પણ છે અને સારા શાયર પણ છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
“ઘણા લોકો અમરોહાથી વીડિયો કૉલ કરીને મને જૌનસાહેબનું ઘર બતાવે છે. પોતાના પિતા અલ્લામા શરીફ હસન એલિયાના તેઓ સૌથી નાના સંતાન હતા.”
“મશહૂર ફિલ્મકાર અને શાયર કમાલ અમરોહી તેમના પિતરાઈ ભાઈ હતા.”
જૌન શરૂઆતમાં ભણવામાં કંઈ બહુ હોશિયાર નહોતા, પરંતુ, છ વર્ષની નાની ઉંમરે તેમણે પોતાનો પહેલો શેર લખી નાખ્યો હતો–
ચાહ મેં ઉસકી તમાચે ખાયે હૈં
દેખ લો સુર્ખી મેરે રુખસાર કી
જૌન એલિયાને ભાષાઓમાં બહુ રસ હતો. અરબી-ફારસી તો તેઓ જાણતા જ હતા. પછીથી તેમણે અંગ્રેજી, હિબ્રૂ અને સંસ્કૃત પણ શીખી લીધી હતી.
ઉર્દૂ ઉપરાંત, ઇતિહાસ અને સૂફી પરંપરા પરની તેમની પકડ મજબૂત હતી.
ઝાહિદા હિના સાથે લગ્ન અને છૂટાછેડા

ઇમેજ સ્રોત, Elia Family
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જૌન ધર્મના આધારે દેશના ભાગલાના કટ્ટર વિરોધી હતા અને ભારતમાં જ રહેવા માગતા હતા, પરંતુ, પરિવારનાં મોટા ભાગનાં સભ્ય પાકિસ્તાન જતાં રહ્યાં બાદ તેમણે પણ 1959માં પાકિસ્તાન જવું પડ્યું.
જૌનસાહેબ પાસેથી ઘણી વાર આ વાક્ય સાંભળવા મળતું હતું, “પાકિસ્તાન… આ પાકિસ્તાન… આ બધું અલીગઢના છોકરડાઓની બદમાશી હતી.”
ઉર્દૂ પત્રિકા ઈન્શા પ્રકાશિત કરવા દરમિયાન તેમની મુલાકાત ઝાહિદા હિના સાથે થઈ હતી. તેમની સાથે પ્રેમ થયો અને પછી 1970માં બંનેનાં લગ્ન થઈ ગયાં. આ સંબંધ વધારે દિવસ ટકી શક્યો નહીં.
બંનેના સ્વભાવની ભિન્નતાએ પોતાનો રંગ રાખ્યો અને 1984માં બંનેએ છૂટાછેડા લઈ લીધા.
જૌન એલિયાનાં પુત્રી સોહૈના એલિયાએ રાવલપિંડીથી ફોન પર વાત કરતાં કહ્યું, “હકીકતમાં, મને લાગે છે કે જૌન એલિયા અને ઝાહિદા હિના બંને સાથે કંઈક વધારે પડતું જ થયું.”
“બંનેએ લગ્ન નહોતાં કરવા જોઈતાં. બંનેએ પોતપોતાનાં કામ પર વધુ સમય આપવો જોઈતો હતો.”
ઝાહિદા હિના એક જમાનામાં બીબીસી ઉર્દૂ માટે કામ કરતાં હતાં. એક વાર તેમણે જૌન પર એક લેખ ‘અપને કર્બલા કી તલાશ’માં લખ્યું હતું, “તેમની મહબૂબાઓ પણ કહાણીના પાત્ર જેવી હતી.”
“પોતાના મહબૂબને પાતાળમાંથી જીવતા કરી લાવતી અને પોતાના આશિક માટે સોના અને ઝવેરાતના ઢગલાને પણ તરછોડી દેતી.”
“તેઓ એક એવા મર્દ હતા જે આગળ વધીને પ્રાપ્ત કરી લેવાના બદલે એ ઘડીની રાહ જુએ કે ચાંદી જેવી રૂપાળી તે માત્ર પ્રેમનો એકરાર કરવામાં જ પહેલ ન કરે, બલકે, ઇશ્કને મંઝિલ સુધી પહોંચાડવાની પણ તેની જવાબદારી ઠરે; અને જે બિનઅસરકારકતા અને કાયરતાને પોતાના ઘમંડની આડમાં છુપાવી દે.”
અનેક આવરણવાળા વ્યક્તિ

ઇમેજ સ્રોત, Suhaina Elia
જૌન એલિયાનાં પુત્રી સોહૈના એલિયાએ પોતાના પિતાને યાદ કરતાં બીબીસીને કહ્યું, “તેમના અનેક મહોરા હતા. ક્યાંક ગુસ્સો છે, ક્યાંક સંતાપ છે, ક્યાંક ગમ છે, ક્યાંક ચીડ છે, ક્યાંક ખૂબ નફરત છે, ક્યાંક અહંકારપ્રિયતા – તેઓ અત્યંત મુશ્કેલ માણસ હતા. એક રીતે તેઓ પોતાના અહમ્થી બંધાયેલા હતા.”
સુહૈના પોતાના પિતાનો એક શેર સંભળાવે છે–
મૈં ભી બહુત અજીબ હૂં, ઇતના અજીબ હૂં કિ બસ
ખુદ કો તબાહ કર લિયા ઓર મલાલ ભી નહીં
સુહૈના કહે છે, “તેમની પાસેથી ઘણું બધું શીખવા અને વાંચવા માગતી હતી, પરંતુ, તેઓ પોતાનામાં જ ગૂંચવાયેલા રહ્યા. તેમણે મારા અને મારાં ભાઈબહેન સાથે ન તો એ રીતનો સમય પસાર કર્યો કે ન તો એ રીતની વાતો કરી.”
“તેઓ એ ભૂલી જતા હતા કે અમે કયા ધોરણમાં છીએ. તેઓ અમારી ઉંમર ભૂલી જતા હતા. તેઓ પોતાની અંદર જ એક બાળક હતા. હું તેમની પાસેથી થોડુંઘણું શીખી શકી, પરંતુ, ફારસી અને અરબી ન શીખી શકી.”
“તેમની પાસે સમય જ નહોતો. અડધો દિવસ તો તેઓ સૂઈ રહેતા.”
બાળપણના દિવસોને યાદ કરતાં તેઓ કહે છે, “જ્યારે અમ્મી ઑફિસેથી આવતાં ત્યારે તેઓ કહેતા, ગબ્ચૂ મને બહુ પરેશાન કરે છે. તેઓ મને લાડમાં ગબ્ચૂ કહેતા હતા.”
“મારે કંઈક લખવાનું હોય ત્યારે હું તેમને કહેતી, અબ્બૂ મને તરત જ એક શેર કહી દો. તો તેઓ હસીને કહેતા, ગબ્ચૂ, આ અશઆર (છંદ) છે, ફૅક્ટરી થોડી જ છે. શેર કહેવો એ કંઈ સરળ વાત થોડી છે.”
કવિતા વાંચવાનો અનોખો અંદાજ

ઇમેજ સ્રોત, Khalid Ahmad Ansari
પાકિસ્તાન આવીને જૌન પોતાની શાયરીથી છવાઈ ગયા. શાયરીની સાથોસાથ લોકો તેમની રજૂઆતના નાટકિયા અંદાજથી ખૂબ ખુશ થતા હતા.
જૌનને અવનવું કરીને લોકોનું ધ્યાન ખેંચવામાં બહુ મજા પડતી હતી. લાંબા લાંબા વાળ સાથે, ઉનાળામાં ધાબળો ઓઢીને નીકળવું અને રાતના સમયે સન-ગ્લાસ પહેરવા તેમના માટે સામાન્ય વાત હતી.
જૌન એલિયા દારૂ પીવાના શોખીન હતા અને તેને તેઓ બિલકુલ છુપાવતા નહોતા. પછીના દિવસોમાં તેઓ ખૂબ વધારે પીવા લાગ્યા હતા.
મુંતઝિર ફિરોઝાબાદી જણાવે છે, “જૌન મંચના માણસ હતા. મંચ પર કેવો ડ્રામા કરવો, લોકોને શું ગમશે તે તેઓ ખૂબ સારી રીતે જાણતા હતા.”
“જૌનસાહેબ કહેતા પણ ખરા કે જો હું શાયર ન હોત તો ડ્રામેબાજ હોત. બધા નિયમોને તેઓ દીવાલે ટીંગાડી દેતા હતા. તેમનું રમતિયાળપણું હંમેશા જીવંત રહેતું. ગુસ્સામાં માણસ ઇચ્છે કે હું દીવાલ તોડી નાખું.”
“બીજે ક્યાંક નીકળી જઉં. બધો સામાન ફેંકી દઉં. જૌનસાહેબ એવી બાબતોને પોતાના શેરમાં વણી લે છે કે, માણસને લાગે કે, આ તો મારું જીવન છે, મારો સંઘર્ષ છે.”
જૌન એલિયા પોતાના સમયના બીજા શાયરો કરતાં બિલકુલ જુદી છાપ ધરાવતા શાયર છે.
પાકિસ્તાની શાયર અને પત્રકાર અહમદ નદીમ કાસમીએ લખ્યું છે, “વીસમી સદીના ઉત્તરાર્ધની શાયરીમાં તેમનો અવાજ જુદી ઓળખ ઊભી કરે છે.”
“ઉર્દૂ શાયરીના ત્રણસો વર્ષના ઇતિહાસમાં કોઈ શાયરે આ અંદાજના, આવા ગૌરવશાળી અને દિલ શારી નાખે તેવા શેર ઓછા જ રજૂ કર્યા હશે.”
કાસમી તેમની કવિતા સંભળાવે છે–
ક્યા સિતમ હૈ કિ અબ તેરી સૂરત
ગૌર કરને પે યાદ આતી હૈ
અથવા તો આ શેર–
ન કરો બહસ હાર જાઓગી
હુશ્ન ઇતની બડી દલીલ નહીં
જૌન એલિયાએ કોણ જાણે કેટલાય મુશાયરામાં વાહવાહી મેળવી અને કેટલાય લોકોની એકલતાના સાથી બની ગયા.
કાસમી કહે છે, “જૌનસાહેબની શાયરી ગુફ્તગૂ કરે છે.”
“તેઓ સ્ટેજ પર બેસીને વાતચીત કરવાનું જાણે છે. તેમને ખબર હતી કે કયા શેર કઈ રીતે લોકો સુધી પહોંચાડવાના છે, કઈ રીતે પોતે જ પોતાનું માથું પટકવાનું છે, હાથપગ ઉછાળવાના છે; એ તો ઠીક, પણ ક્યારે પોતાના જ શેર પર ઝૂમવાનું છે. તેમના આ અંદાજ જ તેમને બીજા બધા કરતાં અલગ પાડે છે.”
પ્રેમાળ સ્વભાવ

ઇમેજ સ્રોત, Elia Family
જૌન એલિયા બાળપણથી જ આશિકમિજાજ હતા. તેમની સપનાની એક રાજકુમારી હતી, જેની સાથે તેઓ ઘણી વાર વાતો કરતા હતા.
બાર વરસની ઉંમરે તેઓ પોતાની સપનાની મહબૂબા સોફિયાને ચિઠ્ઠીઓ પણ લખતાં હતાં.
પછી નવયુવાન થયા ત્યારે તેમણે એક છોકરી ફારિહાને પ્રેમ પણ કર્યો, જેને તેઓ જિંદગીભર યાદ પણ કરતા રહ્યા, પરંતુ, તેમણે ક્યારેય તેની સામે પ્રેમની કબૂલાત ન કરી.
પ્રેમની કબૂલાતને તેઓ એક નાનું કામ સમજતા હતા.
મશહૂર પાકિસ્તાની વ્યંગકાર મુશ્તાક અહમદ યૂસુફી એક કિસ્સો સંભળાવ્યા કરતા હતા, “જ્યારે જૌને કહ્યું કે, મને પહેલો પ્રેમ આઠ વર્ષની ઉંમરે એક કાતિલ હસીના સાથે થયો હતો, ત્યારે મારાથી રહેવાયું નહીં.”
“મેં ખૂબ જ આદર સાથે પૂછ્યું, તે વખતે એ સાહિબાની ઉંમર શી હશે?, તેમણે કહ્યું, ‘છ વર્ષ’. મેં આશ્ચર્યથી તેમની તરફ જોયું તો તેમણે વાળમાં એવી રીતે આંગળીઓ ફેરવી કે વધારે ગૂંચવાઈ જાય અને પછી બોલ્યા, ‘પુખ્ત થવાને ઉંમર સાથે કશી લેવાદેવા નથી’.”
જૌને પોતે લખ્યું છે, “છોકરી અમારા ઘરે આવી. તે સમયે હું જમતો હતો. તેને જોતાં જ, તરત હું કોળિયો ગળી ગયો.”
“મહબૂબા સામે કોળિયો ચાવવાનું કામ મને અસભ્ય અને વાહિયાત જેવું લાગ્યું.”
“ઘણી વાર મને એવું વિચારીને શરમ આવતી કે, મને જોઈને તે ક્યારેક વિચારતી હશે કે મારા શરીરમાં પણ આંતરડા જેવી જુગુપ્સાજનક અને બિનરોમૅન્ટિક વસ્તુ હોય છે.”
મુંતઝિર ફિરોઝાબાદી લખે છે, “એલિયા આશિકમિજાજ શાયર છે, પરંતુ આ આશિક દબાયેલો-કચડાયેલો – હતાશ-પરેશાન નથી. એલિયા આશિક-માશૂકની શાયરી કરીને પણ ‘ટશન’માં રહેનાર શાયર છે.”
અમરોહા સાથે ‘ઇશ્ક’

ઇમેજ સ્રોત, Tariq Azeem
જૌને ભલે કરાચીમાં વસવાટ કર્યો હોય પરંતુ તેઓ અમરોહાને આજીવન ભૂલી ન શક્યા.
મુંતઝિર ફિરોઝાબાદી કહે છે, “તેઓ અમરોહા પર મરતા હતા. અમરોહાના તેમના અનેક કિસ્સા છે. એક વખત જ્યારે તેઓ અમરોહા સ્ટેશન પર ઊતર્યા તો સૌથી પહેલાં ત્યાંની ધૂળમાં તેઓ આળોટી પડ્યા.”
“અમરોહાની બાણ નદીની તેમને ખૂબ યાદ આવતી હતી. એક વાર મંચ પર તેમનો પરિચય આપતાં કોઈએ તેમને પાકિસ્તાની શાયર કહી દીધા. એ વાતનું તેમને ખૂબ ખોટું લાગ્યું હતું.”
“તેઓ હીબકે હીબકે રડી પડ્યા અને કહ્યું કે, હું પાકિસ્તાનનો નથી. હું હિન્દુસ્તાનનો શાયર છું.”
જૌનની બહેન સૈય્યદા શાહ-એ-ઝનાં નઝફીએ લખ્યું છે, “તેમને અમરોહાના અમારા જમાનાની રમતો, જેવી કે ગિલ્લીદંડા, ખૂબ ગમતી. જ્યારે પણ તેઓ અમરોહા આવતા ત્યારે પોતાની માતૃભૂમિને નમન કરતા હતા.”
“દિલ્હીમાં તેઓ મારી પુત્રીના ઘરે આવતા ત્યારે તેઓ કહેતા કે હું એ બાજુ બેસવા માગું છું જે બાજુથી અમરોહાની હવા આવતી હોય. અમરોહામાં ઉનાળામાં મોટા મોટા આંગણાવાળાં ઘરોમાં પાણી છાંટવામાં આવતું હતું.”
“જ્યારે તેઓ દિલ્હીમાં હોય ત્યારે એવું જ વાતાવરણ ઊભું કરવાના ઉધામા કરતા. કહેતા કે ટૅરેસ પર પાણી છાંટો, ખુરશીઓ મૂકો અને મારી ખુરશી અમરોહાની દિશામાં મૂકો.”
મુશાયરા લૂંટવામાં માહેર

ઇમેજ સ્રોત, Elia Family
તેમને નજીકથી જાણનાર શકીલ આદિલઝાદા લખે છે, “શ્રોતાઓથી છલોછલ ભરેલા મુશાયરામાં કવિતા સંભળાવવા દરમિયાન તેઓ કોઈ ઓળખીતાને જોઈ જાય તો તેમનું નામ લઈને આશ્ચર્યનો ઉદ્ગાર કાઢતા, અરે કાશિફ તમે પણ? પેલી તમારી દીકરીઓ કેમ છે? ગઈ વખતે તેણે કેવો મિર્ચ કીમો ખવડાવ્યો હતો! તેઓ કવિતા છપાવવામાં આળસુ અને મુશાયરા લૂંટવાની રીતરસમોમાં માહેર હતા.”
“યાદ નથી કે ક્યારેય તેમની અવગણના થઈ હોય, ઊલટાનું, સાંભળનારને અવગણવાનો હુનર તેમને સારો આવડતો હતો. વાતચીતમાં અનોખા ક્યારેય સાંભળ્યા ન હોય તેવા વાક્યપ્રયોગોથી સામેનાને દિગ્મૂઢ કરી દેવામાં તેમની બરાબરી કરી શકે એવું બીજું કોઈ નહોતું.”
જૌનના ચાહકોની દીવાનગી

ઇમેજ સ્રોત, Khalid Ahmad Ansari
મુંતઝિર ફિરોઝાબાદી લખે છે, “જૌનના એક ચાહકે તો ત્યાં સુધી કહેલું કે, જ્યારે તમે જૌનસાહેબ સાથે વાતો કરતા હો ત્યારે એવું અનુભવો કે જાણે કોઈ ‘લિબરેટેડ ખાતૂન’ સાથે ડેટ કરી રહ્યા છો.”
“કોઈ વાત પર ચર્ચા કર્યા પછી તમે જૌનસાહેબ સાથે ફરી એ જ વિષય પર વાત કરો તો તેમની વાતમાં એક પણ વાત રિપીટ નહીં થાય.”
જૌનનાં ઘણાં પુસ્તકો પ્રકાશિત કરાવનાર ખાલિદ અહમદ અંસારી કહે છે, “મને પંજાબમાંથી શીખોના ફોન આવે છે, તેઓ કહે છે, ‘યાર, આ માણસ કોણ છે જેણે એમને પાગલ કરી દીધા છે’.”
“અફઘાનિસ્તાનથી કોલ આવે છે, ‘યાર, આ માણસ અમને મારી નાખશે’.”
ખાલિદ અંસારી આગળ લખે છે, “મને જોઈને તેમણે એક વાક્ય કહેલું, ‘મિયાં, તમારી ઉંમરનો કોઈ છોકરો મારી સાથે ક્યારેય બેઠો નથી… તમે બેઠા તો છો, પણ ધ્યાન રાખજો, ક્યારેય દુનિયા સાથે ચાલી નહીં શકો’. એ વખતે તો મને એમની આ વાતની કશી પ્રતીતિ ન થઈ, પરંતુ આજે થાય છે. અને તેથી જ સામાન્ય લોકો સાથે મારે જામતું નથી.”
જૌન એલિયાએ પોતાના વિશે કહેલું–
યે હૈ એક જબ્ર, ઇત્તેફાક નહીં
જૌન હોના કોઈ મઝાક નહીં
ધર્મ અને ઈશ્વરમાં વિશ્વાસ નહોતો

ઇમેજ સ્રોત, Elia Family
તેઓ દુનિયાના બધા ધર્મો વિશે ઘણું બધું જાણતા હતા, અને ધર્મથી વિમુખ પણ હતા.
તેઓ ધાર્મિક કાર્યક્રમોમાં જવાનું ટાળતા પણ હતા અને દુનિયાદારીના કારણે જતા પણ હતા.
શકીલ આદિલઝાદાએ લખ્યું છે, “મેં ક્યારેય તેમને પ્રાર્થના કરતા નથી જોયા. એન્ટ્રૉનોમી, સ્ટેટિસ્ટિક્સ, પામિસ્ટ્રી અને બીજી એવી ઘણી બાબતોમાં તેમને રસ હતો. દેશી, બલકે, ગામઠી ભોજનના શોખીન હતા.”
સુહૈના એલિયા યાદ કરતાં કહે છે, “તેમને ભોજનમાં કીમા મિર્ચ ખૂબ ભાવતો. પાતળા શોરબાના સાલન (રસા)માં આલુ ગોશ્ત તેમને ખૂબ ભાવતું હતું.”
“જો રાતની રોટલી વધી હોય તો સવારે લાલ મરચાંની ચટણી સાથે ખાઈને બહુ ખુશ થઈ જતા. તેઓ દૂધ–ડબલ રોટી (બન)નો નાસ્તો કરતા.”
“ફળનો ઉલ્લેખ કરતા ત્યારે તેઓ ખૂબ પ્રેમથી અમરોહાની સક્કરટેટીને યાદ કરતા હતા. તેમને ખીર બહુ ભાવતી હતી.”
“ક્યારેક અમે ચાઇનીઝ રેસ્ટોરાંમાં જતા હતા, ત્યારે તેઓ ખૂબ કંટાળી જતા અને એવી ફિરાકમાં રહેતા કે ત્યાં પણ તેમને કોઈક રીતે દેશી ભોજન મળી જાય.”
“અમ્મી કહેતાં કે એ તો શક્ય નથી કે ચાઇનીઝ હોટલમાં આવીને આપણને સાલન અને રોટલી મળે.”
જૌનની યાદશક્તિ કમાલની હતી. ગજબના હાજરજવાબી, પરંતુ પોતાનામાં જ ખોવાયેલા રહેતા હતા.
ખાલિદ અહમદ અંસારીએ તેમનાં અનેક સંસ્મરણો લખ્યાં છે.
તેમણે લખ્યું છે, “તેઓ મને કહ્યા કરતા, તને ખબર છે, તારો જૌનભાઈ ખૂબ મૉડર્ન માણસ હતો.”
“પરદાનું કાપડ ખરીદીને તેનું પૅન્ટ સિવડાવી પાયજામા પર પહેરતા, જેથી જાંઘો જાડી લાગે. એ જમાનાની રૉક હડસનની પ્રખ્યાત ફિલ્મ ‘કમ સપ્ટેમ્બર’ના મ્યૂઝિક પર ડાન્સ કરતા હતા.”
મીર તકી મીરની પ્રખ્યાત ગઝલ ‘દિખાઈ દિયે યૂં કે બેખુદ કિયા’ તેમને ખૂબ ગમતી હતી. તેઓ હંમેશા એને ગણગણતા રહેતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












