સેક્સવર્ક કરીને 37 લાખ ડૉલરની કમાણી કરનાર અશ્વેત મહિલાની કહાણી

પ્રિસિલા હેનરીની હ્યાત હતાં ત્યાં સુધી કોઈ તસવીર નથી. અમેરિકન ચિત્રકાર કેસાન્દ્રા ફે થોડા વર્ષો પહેલા હેનરીની તસવીર બનાવી છે

ઇમેજ સ્રોત, CORTESÍA CASSANDRA FAY

ઇમેજ કૅપ્શન, પ્રિસિલા હેનરી હયાત હતાં ત્યાં સુધી કોઈ તસવીર નથી. અમેરિકન ચિત્રકાર કેસાન્દ્રા ફે થોડાં વર્ષો પહેલાં હેનરીની તસવીર બનાવી હતી
    • લેેખક, જુઆન ફ્રાન્સિસ્કો અલોન્સો
    • પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ

પ્રિસિલા હેનરી. અમેરિકા અને બાકીની દુનિયામાં મોટા ભાગના લોકો માટે આ નામનો કોઈ અર્થ નથી. 19મી સદીની આ આફ્રિકન અમેરિકન મહિલાનું જીવન હોલીવૂડની ફિલ્મ માટે લાયક હોવા છતાં તેનો કોઈ અર્થ નથી.

પ્રિસિલાનો જન્મ અને મોટા ભાગનું જીવન ગુલામીમાં પસાર થયું હતું. જોકે, તેમાંથી મુક્તિ મેળવ્યા પછી તેમણે મોટા પ્રમાણમાં સંપત્તિ એકઠી કરવાનું શરૂ કર્યું હતું. એ કારણે પ્રિસિલાએ તેનો જ્યાં જન્મ થયો હતો ત્યાં વિશાળ વાડી ખરીદી હતી અને આ બધું એ હકીકતને આભારી હતું કે તેમણે એક વિવાદાસ્પદ તથા ગોરા લોકોનું વર્ચસ્વ હતું એવા વ્યવસાય વેશ્યાવૃત્તિમાં ઝંપલાવ્યું હતું.

બીબીસીએ પ્રિસિલા હેનરીના જીવન વિશે જાણવા માટે નિષ્ણાતો તથા દસ્તાવેજોની મદદ લીધી હતી. પ્રિસિલાને કેટલાક લોકો વંશીય એકીકરણની પ્રચારક જ નહીં, પરંતુ અગ્રણી મહિલા વ્યવસાયી તથા જાતીય સ્વાતંત્ર્યની રક્ષક માને છે.

લાંબો પંથ

પ્રિસિલા હેનરી અને તેમનાં ભાઈ બહેનોનો જન્મ અમેરિકાના અલ્બામાના ફ્લોરેન્સ ગામની એક વાડીમાં ગુલામ તરીકે થયો હતો, જ્યાં બધાએ વર્ષોથી સુધી કામ કર્યું હતું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રિસિલા હેનરી અને તેમનાં ભાઈબહેનોનો જન્મ અમેરિકાના અલ્બામાના ફ્લોરેન્સ ગામની એક વાડીમાં ગુલામ તરીકે થયો હતો, જ્યાં બધાંએ વર્ષોથી સુધી કામ કર્યું હતું

પ્રિસિલાનો જન્મ 1819માં અમેરિકાના અલ્બામાના ફ્લોરેન્સ ગામની એક વાડીમાં થયો હોવાનું વિસ્કોન્સિન યુનિવર્સિટીના પ્રોફેસર એશ્લે બી. કન્ડિફે નૉર્થ અમેરિકન કન્ટ્રીમાંનાં વેશ્યાલયોની સંસ્કૃતિ વિશેના તેમના ડૉક્ટરલ થીસિસમાં નોંધ્યું છે.

પ્રિસિલા પરિવારનાં છ બાળકોમાં સૌથી મોટાં હતાં. તેમણે 1865 સુધી દક્ષિણના જમીનદાર જેમ્સ જેક્સન જુનિયરનાં ખેતરોમાં કામ કરવું પડ્યું હતું, કારણ કે જમીનદારે તેમને અને તેમના જેવા અન્ય લોકોને ગુલામીમાંથી મુક્ત કરવાનો ઇનકાર કર્યો હતો. અબ્રાહમ લિંકનની સરકારે ગુલામીપ્રથાની નાબૂદીની જાહેરાત 1863માં કરી હોવા છતાં જમીનદારે તેમને મુક્ત કર્યાં ન હતાં.

મુક્તિ મળ્યાં પછી તરત જ પ્રિસિલા ‘માઉન્ડ સિટી’ પહોંચ્યાં હતાં. સેન્ટ લૂઈસ (મિઝોરી) એ સમયે માઉન્ડ સિટી નામે ઓળખાતું હતું. એ તેના રાજ્યથી લગભગ 615 કિલોમીટર દૂર હતું. ત્યાં પહોંચ્યાં પછી પ્રિસિલાએ ઘરેલુ કામદાર તરીકે કામ શરૂ કર્યું હતું.

અમેરિકન પત્રકાર અને ‘પ્રિસિલા ઍન્ડ બેબઃ ફ્રૉમ ધ શેકલ્શ ઑફ સ્લેવરી ટુ મિલિયનેર મેડમ્સ ઇન વિક્ટોરિયા સેન્ટ લૂઈસ’ પુસ્તકના લેખક જુલિયસ હન્ટરે સધર્ન સિટીના પબ્લિક રેડિયો નેટવર્ક એસટીએલપીઆરને કહ્યું હતું, “પ્રિસિલા સેન્ટ લૂઈસ ગયાં હતાં, કારણ કે એ સમયે દેશના અન્ય ભાગો કરતાં ત્યાં કપડાં ધોવાનું કામ કરતી સ્ત્રીઓને વધુ પૈસા મળતા હતા.”

પ્રિસિલા અને એ સમયની એક અન્ય મૅડમ સારાહ બેબ કોનોર વિશે જુલિયસ હન્ટરે પુસ્તકાલયો, સરકારી તથા ચર્ચના રેકૉર્ડ્સ તેમજ સ્થાનિક અખબારની આર્કાઈવ્ઝમાં છ વર્ષ સુધી સંશોધન કર્યું હતું.

એક મૃત રાણી અને રાણીઓનો સમૂહ

મિસિસિપી અને મિઝોરી નદીઓના કિનારે આવેલા અન્ય શહેરોની માફક સેન્ટ લૂઈસમાં પણ વેશ્યાવૃત્તિ એક કસદાર ઉદ્યોગ હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મિસિસિપી અને મિઝોરી નદીઓના કિનારે આવેલા અન્ય શહેરોની માફક સેન્ટ લૂઈસમાં પણ વેશ્યાવૃત્તિ એક કસદાર ઉદ્યોગ હતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પ્રિસિલાએ કપડાં ધોવાનું અને હોટલ રૂમ્સની સફાઈનું કામ થોડા સમય માટે જ કર્યુ હતું, કારણ કે તેમણે ટૂંક સમયમાં વધુ આકર્ષક વ્યવસાય શોધી કાઢ્યા હતો. એ વ્યવસાય હતોઃ સેક્સ.

મિસિસિપી અને મિઝોરી નદીઓના કિનારે આવેલાં અન્ય શહેરોની માફક સેન્ટ લૂઈસમાં પણ વેશ્યાવૃત્તિ એક ઉદ્યોગ હતી.

જુલિયસ હન્ટર કહે છે, “સેન્ટ લૂઈસમાં 19મી સદીમાં 5,000 વેશ્યા હતી અને શહેરની કુલ વસ્તી માંડ સાડા ત્રણ લાખ લોકોની હતી.”

આંતરવિગ્રહ પછી આ શહેર યુદ્ધના નિરાશ સૈનિકો, ભૂતપૂર્વ ગુલામો, સાહસિકો અને નસીબ ચમકાવવા ઇચ્છતા લોકોનું કેન્દ્ર બની ગયું હતું. સેન્ટ લૂઈસમાં સેક્સ બિઝનેસનો ઉદય શા માટે થયો હતો તે આ હકીકતથી સમજી શકાય છે. આ પ્રવૃત્તિ એટલી આકર્ષક બની હતી કે સ્થાનિક સત્તાવાળાઓએ 1870માં સેક્સવર્કને અસ્થાયી રીતે કાયદેસર બનાવ્યું હતું અને વેશ્યાગૃહો તથા રજિસ્ટર્ડ વેશ્યા પાસેથી ટૅક્સ વસૂલવાનું શરૂ કર્યું હતું.

પ્રિસિલા આ ક્ષેત્રમાં ઈરાદાપૂર્વક આવ્યાં ન હતાં, પરંતુ તે એક દુર્ઘટનાનું પરિણામ હતું. પ્રિસિલા જ્યાં કામ કરતાં હતાં તે હોટલ આગમાં રાખ થઈ ગઈ હતી. તેથી તેમણે એક બૉર્ડિંગ હાઉસમાં રહેવા જવું પડ્યું હતું. એ બૉર્ડિંગ હાઉસમાં પોતાના શરીરના સોદા કરતી મહિલાઓ રહેતી હતી.

પ્રિસિલા શારીરિક રીતે આકર્ષક નહીં, પરંતુ મજબૂત અને ખડતલ હોવાનું એ સમયના કેટલાક રીવ્યૂમાં જણાવવામાં આવ્યું હતું.

પ્રિસિલાની મુલાકાત ભૂતપૂર્વ સંઘીય સૈનિક થૉમસ હોવર્ડ સાથે થઈ હતી અને તેમણે પૅઇડ સેક્સની દુનિયાના દરવાજા ખોલી આપ્યા હતા.

અબ્રાહમ લિંકનની સરકારે ગુલામી પ્રથાની નાબૂદીની જાહેરાત 1863માં કરી હોવા છતાં પ્રિસિલા પરિવારને ખેતરોમાં કામ કરવું પડ્યું હતું, કારણ કે જમીનદારે બધાને ગુલામીમાંથી મુક્ત કરવાનો ઈનકાર કર્યો હતો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અબ્રાહમ લિંકનની સરકારે ગુલામી પ્રથાની નાબૂદીની જાહેરાત 1863માં કરી હોવા છતાં પ્રિસિલા પરિવારને ખેતરોમાં કામ કરવું પડ્યું હતું, કારણ કે જમીનદારે બધાને ગુલામીમાંથી મુક્ત કરવાનો ઈનકાર કર્યો હતો

પ્રિસિલા અને થૉમસ એકમેકને પ્રેમ કરતાં હતાં, પરંતુ પ્રેમ તથા બિઝનેસના તે સંબંધનો ખરાબ રીતે અંત આવ્યો હતો.

પ્રિસિલાની એસ્ટેટનું સંચાલન કરવા આવેલા થૉમસે તેમની સાથે છેતરપિંડી કરી હતી. તેમના પર પ્રિસિલાની હત્યાનો આરોપ પણ મૂકવામાં આવ્યો હતો.

થૉમસે પ્રિસિલાના અંગત રસોઈયા ફ્લોરેન્સ વિલિયમ્સની મદદથી પ્રિસિલાને ઝેર આપ્યું હોવાનો દાવો પ્રિસિલાની ભત્રીજીએ કર્યો હોવાનું પ્રોફેસર કન્ડિફે તેમની તપાસના અહેવાલમાં જણાવ્યું છે.

સ્થાનિક વસ્તીગણતરીના રેકૉર્ડ્સ દર્શાવે છે કે પ્રિસિલાએ વેશ્યાલય શરૂ કર્યું હતું. તેમાં 19થી 30 વર્ષની વયની પાંચ અશ્વેત મહિલાને રોજગારી આપવામાં આવી હતી. સેન્ટ લૂઈસ પોસ્ટ ડિસ્પેચ નામના અખબારે નવેમ્બર, 1895માં પ્રિસિલાના મૃત્યુ વખતે પ્રકાશિત કરેલા શ્રદ્ધાંજલિ લેખમાં જણાવ્યું હતું, “એ વેશ્યાલય નાવિકો અને સાહસિકો બન્ને માટે મુલાકાતનું સ્થળ બની ગયું હતું.”

જુલિયસ હન્ટરના કહેવા મુજબ, “શહેરમાં એલિઝા હેક્રાફ્ટ નામની એક અન્ય મૅડમ પણ હતી, જે વેશ્યાલયોની મહારાણી હતી અને તેમના મૃત્યુ પછી સર્જાયેલા શૂન્યાવકાશનો લાભ પ્રિસિલા તથા તેના ટેકેદારોએ લીધો હતો. તેઓ માનતા હતા કે અશ્વેત મહિલાઓ માટે વેશ્યાવૃત્તિના ક્ષેત્રમાં પ્રવેશવાનો તે શ્રેષ્ઠ સમય હતો. એલિઝા હેક્રાફ્ટ મૃત્યુ સમયે ત્રણ કરોડ ડૉલરની પ્રોપર્ટી અને નાણાં છોડી ગયાં હતાં.”

સામ્રાજ્યનું નિર્માણ

પ્રિસિલાએ તેના બિઝનેસને ચોક્કસ આકાર આપ્યો હતો, જેથી કાયદાને માન આપીને શ્વેત પુરુષોને પણ સેવા આપી શકાય

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રિસિલાએ તેના બિઝનેસને ચોક્કસ આકાર આપ્યો હતો, જેથી કાયદાને માન આપીને શ્વેત પુરુષોને પણ સેવા આપી શકાય

વેશ્યાવૃત્તિ પ્રત્યેનું સેન્ટ લૂઈસનું ઉદાર વલણ, વંશીય સંબંધો વિશેના તેના રૂઢિચુસ્ત વલણથી વિપરીત હતું. તેથી આંતરવિગ્રહ પછી સત્તાવાળાઓએ એવા કાયદા પસાર કર્યા હતા, જેમાં અલગ વંશના લોકો સાથે લગ્નના પ્રયાસ કરતા તેમજ અન્ય વંશના લોકો સાથે જાતીય સંબંધ ધરાવતા લોકોને આકરી સજાની જોગવાઈ કરવામાં આવી હતી.

સત્તાવાળાઓ સાથેના સંઘર્ષને ટાળવા માટે પ્રિસિલાએ અલગ-અલગ જગ્યા બનાવી હતી. કેટલાકમાં તેઓ શ્વેત ગ્રાહકોને તથા અન્યમાં તેઓ અન્ય વંશોના ગ્રાહકોને સેવા આપતા હતા. શ્વેત પુરુષો બન્ને જગ્યાએ જઈ શકતા હતા, પરંતુ અશ્વેત પુરુષો એવું કરી શકતા ન હતા.

પ્રોફેસર કન્ડીફના કહેવા મુજબ, “પ્રિસિલાએ તેમના બિઝનેસને ચોક્કસ આકાર આપ્યો હતો, જેથી કાયદાને માન આપીને શ્વેત પુરુષોને પણ સેવા આપી શકાય.”

“પ્રિસિલા સમજતાં હતાં કે આ કાયદાઓનો હેતુ અશ્વેત પુરુષોને શ્વેત મહિલાઓ સાથે હળતીભળતી અટકાવવાનો છે, પરંતુ શ્વેત પુરુષોના અશ્વેત સ્ત્રીઓ સાથેના સંબંધની બાબતમાં એ કાયદા વધારે ઢીલા હતા.”

પ્રોફેસર કન્ડીફે તેમના સંશોધનમાં જણાવ્યું છે, “વેશ્યાલયના વંશ આધારિત વિભાજનને જાળવી રાખવા માટે પ્રિસિલાએ પોલીસ સાથે ગાઢ સંબંધ રાખ્યો હતો. તેથી તેમના વ્યવસાયને રક્ષણ મળ્યું હતું.”

કાયદાને ચાલાકીપૂર્વક વળોટવાની આવી આવડતને લીધે પ્રિસિલાનો બિઝનેસ મોટા પ્રમાણમાં વિકસ્યો હતો અને સમય જતાં તેમણે શહેરમાં અનેક મકાનો ખરીદ્યાં હતાં. એ મકાનોને તેમણે વેશ્યાલયોમાં પરિવર્તિત કર્યાં હતાં અથવા તો વેશ્યાલય ચલાવવા માટે સાથીદારોને ભાડે આપ્યાં હતાં.

પ્રિસિલા અભણ હોવા છતાં તેમણે મોટી સંપત્તિ એકત્ર કરી હતી. 1895માં તેમના મૃત્યુ સમયે તે એક લાખ ડૉલરની હોવાનો અંદાજ છે. આજના સંદર્ભમાં તેની કિંમત 37 લાખ ડૉલર થાય.

અમેરિકન યુનિવર્સિટી ઑફ વૉશિંગ્ટન (યુએસએ)ના કૉલિન્સ સેન્ટર ફૉર આફ્રિકન અમેરિકન સ્ટડીઝનાં પ્રોફેસર માલી કોલિન્સે બીબીસીને કહ્યું હતું, “પ્રિસિલાએ મોટા ભાગનો બિઝનેસ વિશ્વાસના આધારે કર્યો હતો અને તેમના મોટા ભાગના વ્યાવસાયિક જીવન દરમિયાન સેક્સવર્ક પર પ્રતિબંધ હોવાથી કોઈ નોંધ ન કરવામાં આવે એ તેમણે સુનિશ્ચિત કર્યું હતું, જેનાથી તેમને ફાયદો થયો હતો.”

તેમણે ઉમેર્યું હતું, “પ્રિસિલા તેમના માર્કેટની માગને જાણતા હતા. સેન્ટ લૂઈસ લોઅર મિસિસિપી નદીના કિનારે આવેલું છે.

નાવિકો અને વેપારીઓ તેમનો માલસામાન વેચવા માટે ત્યાં આવતા હતા. ધમધમતા રેડ લાઇટ એરિયા સાથેનું વ્યસ્ત શહેર હોવાને કારણે પ્રિસિલાએ એસ્કોર્ટ ઉદ્યોગમાં એકાધિકાર સ્થાપ્યો હતો.”

જીવનનાં છેલ્લાં વર્ષો

નવેમ્બર 1895માં તેમનાં મૃત્યુના સમાચાર ન્યૂયોર્ક સુધીના અખબારોમાં પ્રકાશિત થયા હતા પરંતુ સમયની સાથે તેઓ ઇતિહાસનાં પાનામાં સમાઈ ગયા

ઇમેજ સ્રોત, Cortesía St. Louis Post Dispach

ઇમેજ કૅપ્શન, નવેમ્બર 1895માં તેમનાં મૃત્યુના સમાચાર ન્યૂયોર્ક સુધીના અખબારોમાં પ્રકાશિત થયા હતા પરંતુ સમયની સાથે તેઓ ઇતિહાસનાં પાનામાં સમાઈ ગયા

પ્રિસિલા તેમના જીવનનાં અંતિમ વર્ષોમાં તેમના વતન અલબામામાં પાછાં ફર્યાં હતાં, પરંતુ હવે તેઓ નોકર નહીં, પરંતુ શેઠાણી હતાં.

અહીં તેમણે અસાધારણ કામ કર્યું હતું. તેમનાં ભાઈ-બહેનોનો જન્મ થયો હતો તથા તેમને ગુલામ તરીકે કામ કરવાની ફરજ પાડવામાં આવી હતી તે વાડીઓ ખરીદી લીધી હતી.

કૉલિન્સે કહ્યું હતું, “વ્યાપારમાં વધતા બદલાવના સંદર્ભમાં રાષ્ટ્રીય તથા સ્થાનિક સમાચારોમાં આ એક મહત્ત્વપૂર્ણ વળાંક હોવો જોઈતો હતો. તેનો અનુભવ અશ્વેત અમેરિકન પુરુષો અને સ્ત્રીઓ સદીના અંત પહેલાંથી કરતાં હતાં.”

જોકે, એ સમયના મીડિયાએ તેમના પર કે પ્રિસિલાએ આજીવન પ્રદર્શિત કરેલા વ્યાવસાયિક કૌશલ્ય પર ધ્યાન કેન્દ્રિત કર્યું ન હતું.

પ્રિસિલાનું મૃત્યુ થયું ત્યારે એક સ્થાનિક અખબારે એવી હેડલાઇન છાપી હતી કે “દુષ્ટ અને વૃદ્ધ પ્રિસિલા હેનરીનું મોત થયું છે.” અખબારે પ્રિસિલા પર “દુષ્ટ ભાવનાઓ ભડકાવવાનો” આક્ષેપ પણ કર્યો હતો.

સમય પસાર થવાની સાથે પ્રિસિલાની સ્મૃતિ ધૂંધળી થતી રહી હતી. કંઈક એવું થયું હતું, જે તેમના મૃત્યુ સમયે અશક્ય લાગતું હતું, કારણ કે તેમના મૃત્યુના સમાચાર ન્યૂયૉર્ક સુધીનાં અખબારોમાં પ્રકાશિત થયા હતા અને સેંકડો લોકો તેમને અંતિમ વિદાય આપવા સેન્ટ લૂઈસના રસ્તાઓ પર એકઠા થયા હતા. આ ઘટનાની નોંધ સેન્ટ લૂઈસ હિસ્ટોરિકલ પ્રેસ ઍસોસિયેશનના ‘પાયોનિયર્સ, રૂલ બ્રેકર્સ ઍન્ડ રિબેલ્સઃ 50 અનસ્ટોપેબલ વીમેન ઑફ સેન્ટ લૂઈસ’ પુસ્તકમાં છે.

નિષ્ણાતોને એ વાતનો અફસોસ છે કે પ્રિસિલા સેન્ટ લૂઈસના અતિતનો હિસ્સો હોવા છતાં તેમની કથાની આટલા લાંબા સમય સુધી અવગણના કરવામાં આવી હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નિષ્ણાતોને એ વાતનો અફસોસ છે કે પ્રિસિલા સેન્ટ લૂઈસના અતિતનો હિસ્સો હોવા છતાં તેમની કથાની આટલા લાંબા સમય સુધી અવગણના કરવામાં આવી હતી

પ્રોફેસર કૉલિન્સ માને છે કે પ્રિસિલાની ઉપેક્ષા એક અન્યાય છે, કારણ કે તેમણે માત્ર વંશીય ભેદભાવ સામેની લડાઈમાં જ નહીં, પરંતુ મહિલાઓની મુક્તિમાં પણ યોગદાન આપ્યું હતું.

તેમણે કહ્યું હતું, “37 લાખ ડૉલરની સંપત્તિ સાથે તેમના જીવનનો અંત આવ્યો હતો. તેઓ જે પરિસ્થિતિમાં જીવ્યાં હતાં તેને ધ્યાનમાં લેતા આ અસાધારણ બાબત છે, પરંતુ તે પ્રિસિલાની સૌથી મોટી સિદ્ધિ ન હતી.”

પ્રોફેસર કૉલિન્સે ઉમેર્યું હતું, “ઘણા બિઝનેસમૅન તેમના ગ્રાહકો હતા અને તેમણે મહત્ત્વપૂર્ણ તથા પ્રભાવશાળી હસ્તીઓ સાથે ખભેખભા મેળવીને કામ કર્યું હતું. પ્રિસિલાએ તેમને સેક્સવર્ક સંબંધી એવા નિયમો સામે અવાજ ઉઠાવવાનો આગ્રહ કર્યો હતો, જે સેક્સવર્કને શારીરિક સ્વાયત્તતા અને મહિલાની ઉદ્યોગસાહસિકતા સુધી મર્યાદિત રાખતા હતા.”

તેમણે પ્રિસિલાના જીવન સંબંધી કેટલાક પૂર્વગ્રહોને ખતમ કરવાનું કામ પણ કર્યું હતું. પ્રોફેસર કૉલિન્સે કહ્યું હતું, “પ્રિસિલાએ અશ્વેત સ્ત્રીઓને પ્રતિભાશાળી, રચનાત્મક બિઝનેસનાં માલિક તરીકે સ્વીકારવાની સાંસ્કૃતિક રૂઢિને તોડી હતી અને સેક્સવર્કને એક વાસ્તવિક ઉદ્યોગ બનાવવામાં મદદ કરી હતી.”

જુલિયસ હન્ટરને એ વાતનો અફસોસ છે કે પ્રિસિલા સેન્ટ લૂઈસના અતીતનો હિસ્સો હોવા છતાં તેમની કથાની આટલા લાંબા સમય સુધી અવગણના કરવામાં આવી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.