સુરતની પ્રથમ કન્યાશાળા 172 વર્ષ પહેલાં ક્યાં અને કેવી રીતે શરૂ થઈ હતી?

ઇમેજ સ્રોત, RAICHAND DIPCHAND GIRL'S SCHOOL, SURAT
- લેેખક, શીતલ પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
સુરતના કોટ વિસ્તારની અગણિત શેરીઓમાં ઇતિહાસના પુરાવા આપતી અનેક ઇમારતો છે. શહેરના ગોપીપુરા વિસ્તારમાં એક એવી ઇમારત છે જો ગુજરાતના ઇતિહાસમાં એક મહત્ત્વનું સ્થાન ધરાવે છે.
આ ઇમારત એક શાળા છે જે આજથી 172 વર્ષ પૂર્વે અસ્તિત્વમાં આવી હતી. આ શાળા ગુજરાતમાં આજે પણ શિક્ષણની જ્યોત પ્રકટાવી રહી છે.
આજથી બે સદી પહેલાનો સમાજ રૂઢિચુસ્ત વિચારધારા ધરાવતો હતો અને સ્ત્રી શિક્ષણ પ્રત્યે એટલી જાગૃતિ પણ નહોતી. સ્ત્રી શિક્ષણની વાત ત્યારે અશક્ય જેવી બાબત હતી એવું કહી શકાય. એ વખતે મોટાભાગની શાળાઓ મિશ્ર શાળાઓ હતી એટલે કન્યાઓ કુમારોની સાથે બેસીને અભ્યાસ કરતી હતી.
આવા સંજોગોમાં વર્ષ 1852માં ગુજરાતમાં કન્યાશાળાની સુરતમાં શરૂઆત થઈ હતી, જે માટે અનેક લોકોએ મહેનત કરી હતી. સખાવતી પ્રવૃત્તિઓનો પણ તેમાં મહત્ત્વનો ફાળો હતો.
કઈ રીતે થઈ હતી શરૂઆત?

ઇમેજ સ્રોત, RAICHAND DIPCHAND GIRL'S SCHOOL, SURAT
સુરત શહેરના મધ્યસ્થ વિસ્તાર એવા ગોપીપરાના ખપાટીયા ચકલાથી શરૂ થયેલ કન્યાકેળવણીનો ઇતિહાસ આજે પણ અડીખમ છે. આ શાળા રાયચંદ દીપચંદ કન્યાશાળા તરીકે ઓળખાય છે.
કન્યા વિદ્યા કર્મભૂમિ ટ્રસ્ટ હેઠળ શરૂ થયેલી આ શાળાનું સંચાલન હાલ 'શ્રી ચંદાગૌરી ગોવર્ધનદાસ સોનાવાલા મહિલા વિદ્યાલય મંડળ' હેઠળ થઈ રહ્યું છે. આ શાળામાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે.
ભારતીબહેન ઝવેરી આ કન્યાશાળા સાથે ચાર દાયકાથી જોડાયેલાં છે. તેમણે 17 વર્ષ સુધી સેક્રેટરી તરીકે સેવા આપી છે અને 24 વર્ષ સુધી તેના અધ્યક્ષપદને સંભાળ્યું છે.
શાળાનો ઇતિહાસ જણાવતાં ભારતીબહેન કહે છે કે, 'શાળાની સ્થાપનાનો વિચાર દુર્ગારામ મહેતાનો હતો, જેઓ સુધારાવાદી વિચારધારા ધરાવતા હતા અને કન્યાકેળવણીના હિમાયતી હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'શરૂઆતમાં તેઓ ઘર-ઘર જઈને બાળકીઓને ભણાવતા હતા અને બાદમાં તેમણે શાળા શરૂ કરવાનો વિચાર આવ્યો હતો. તે સમયે સુરતમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં (જે બૉમ્બે પ્રાંતનો ભાગ હતો) એક પણ કન્યાશાળા ન હતી. તેમણે સૌપ્રથમ કન્યાશાળા સ્થાપવા માટે એક ટ્રસ્ટની સ્થાપના કરી અને તેઓ તેના અધ્યક્ષ બન્યા હતા. આ ટ્રસ્ટનું નામ "કન્યા વિદ્યા કર્મભૂમિ ટ્રસ્ટ" રાખવામાં આવ્યું હતું.'
દુર્ગારામ મહેતા સાથે કન્યા કેળવણી માટેનો અભિગમ ધરાવનારા લોકો, ખાસ કરીને કેટલાક સરકારી અધિકારીઓએ, પોતાની દીકરીઓને સાત ધોરણ સુધી અભ્યાસ કરાવી શકાય એવા હેતુથી કેટલીક રકમ એકત્ર કરી નાની ઓરડીમાં એક ગુજરાતી કન્યાશાળાની શરૂઆત કરી હતી.
ભારતીબહેન ઝવેરી વધુમાં જણાવે છે, 'શરૂઆતમાં તો અહીં માત્ર આંગળીના વેઢે ગણી શકાય એટલી જ વિદ્યાર્થિનીઓ હતી. સમય જતાં વિદ્યાર્થિઓની સંખ્યા વધવા માંડી અને કન્યાશાળાનો પણ વિકાસ થતો ગયો."
જ્યારે શાળા માટે જગ્યા દાનમાં મળી

ઇમેજ સ્રોત, RAICHAND DIPCHAND GIRL'S SCHOOL, SURAT
શાળાનું મકાન બાંધવા માટે શેઠ પ્રેમચંદ રાયચંદે જમીન ઉપરાંત માતબર રકમ દાનમાં આપી હતી. તેમણે દાનમાં આપેલી જમીન પર વર્ષ 1862માં શાળાનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
શેઠ પ્રેમચંદના પિતા શેઠ રાયચંદ દીપચંદનું નામ સાંકળીને શાળાનું નામ રાયચંદ દીપચંદ કન્યાશાળા રાખવામાં આવ્યું હતું.
સુરતના ઇતિહાસ પર લખાયેલ પુસ્તક "સુરત સોનાની મુરત" માં પણ પ્રેમચંદ રાયચંદ દ્વારા આપવામાં આવેલ દાન વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ પુસ્તકમાં લખ્યું છે તે પ્રમાણે શેઠ પ્રેમચંદ વેપારી હતા અને પોતાની કમાણીનો મોટો ભાગ તેઓ સમાજ કલ્યાણનાં કામોમાં ખર્ચ કરતા હતા. તેમણે સુરત ઉપરાંત ભરૂચ અને અમદાવાદમાં શાળાઓ, ધર્મશાળાઓ અને હૉસ્પિટલ બંધાવી હતી.
સુરત મહાનગરપાલિકાનાં ચીફ ક્યૂરેટર ભામિની મહીડા બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવે છે કે 'કન્યાઓ અભ્યાસ કરી શકે તે માટે આ શાળાનો વિચાર કરવામાં આવ્યો હતો. નાના ઓરડાથી શરૂ થયેલી આ શાળા આજે વિશાળ વટવૃક્ષ બની ગઈ છે.'

ઇમેજ સ્રોત, RAICHAND DIPCHAND GIRL'S SCHOOL, SURAT
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સાલ 1980માં નવું મકાન બંધાયું અને ત્રણ માળના આ વિશાળ ભવનમાં 24 જેટલા વર્ગખંડો છે. હાલમાં આ શાળામાં પ્રાથમિક વિભાગના ધોરણ એક થી સાત સુધીના વર્ગો ચાલે છે. આજે 24 વર્ગખંડો ધરવાતી આ શાળામાં વિદ્યાર્થિનીઓ માટે અદ્યતન સુવિધાઓ છે.
શાળાનાં આચાર્યા ઝંખનાબહેન દેસાઈ કહે છે, "અમારી શાળાએ સુરત શહેરમાં સ્ત્રી શિક્ષણ દર ઊંચો લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. શહેરનાં અનેક નામાંકિત મહિલા ડૉક્ટરો, એન્જિનિયરો અને વ્યવસાયીકો આ શાળામાંથી ભણ્યાં છે, જે અમારા માટે ગર્વની વાત છે."
કોટ વિસ્તારમાં ઘણા પરિવારો છે જેમની દરેક દીકરીએ આ શાળામાં જ અભ્યાસ કર્યો છે. મજાની વાત એ છે કે શાળામાં હાલમાં જે સ્ટાફ છે તેમાંથી કેટલીક મહિલાઓએ અહીં જ અભ્યાસ કર્યો છે. અમુક શિક્ષક છે તો કેટલાક નૉન-ટીચીંગ સ્ટાફ.
શાળામાં શિક્ષિકા તરીકે કામ કરતાં મિરલ કેલાવાલા કહે છે કે, "1996માં મેં આ શાળામાં પહેલા ધોરણથી અભ્યાસ શરૂ કર્યો હતો. મારાં માતા પણ આ જ શાળામાં શિક્ષક તરીકે કામ કરતાં હતાં. મેં અભ્યાસ પૂર્ણ કરીને આ શાળામાં શિક્ષક તરીકે નોકરી લીધી અને વિદ્યાર્થિનીઓને ભણાવી રહી છું. ગુજરાતની સૌપ્રથમ કન્યાશાળામાં ભણવાનો અને ભણાવવાનો અવસર મળ્યો, જે મારા માટે અમૂલ્ય છે."
વિદ્યાર્થિનીઓની સંખ્યા સતત ઘટી રહી છે

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE
ભવ્ય વારસો ધરાવતી આ શાળામાં હાલ જે સૌથી મોટી ચિંતા વિદ્યાર્થિનીઓની ઘટતી સંખ્યા છે. એક સમય હતો જ્યારે શહેરના કોટ વિસ્તારના પરિવારોની દીકરીઓ શાળામાં અભ્યાસ કરવા માટે આવતી હતી.
વર્ષ 1985થી 1996 સુધીનો સમય એવો હતો જ્યારે શાળામાં વધુ વિદ્યાર્થિનીઓ હોવાના કારણે બે શિફ્ટમાં સ્કૂલ ચાલાવવી પડતી હતી. પરંતુ છેલ્લા બે દાયકામાં પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે.
ઝંખનાબહેન દેસાઈ કહે છે, "જેમ-જેમ સુરત શહેરનો વિકાસ થતો ગયો તેમ-તેમ લોકો પણ કોટ વિસ્તારથી બીજી જગ્યાએ રહેવા ગયા. તેથી શાળામાં વિદ્યાર્થિનીઓની સંખ્યા ઘટવા લાગી. એક સમય હતો જ્યારે અમારી શાળામાં 1500 કરતાં વધુ બાળકીઓ અભ્યાસ કરતી હતી. આજે માત્ર 250 બાળકીઓ જ છે."
તેઓ વધુમાં જણાવે છે, "અંગ્રેજી શિક્ષણ પ્રત્યે વાલીઓ વધુ રસ દાખવે છે પણ અમારી શાળામાં જોઈએ એ પ્રમાણે ઍડિમશન થતા નથી. સમયની માગ પ્રમાણે અમે પણ અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનું શરૂ કર્યું છે અને અમને આશા છે કે વાલીઓ અમને સહકાર આપશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












