એ ભારતીય જાદુગર જે 'ઍક્સરે જેવી આંખો'થી દીવાલની આરપાર જોઈ શકતા, આ 'શક્તિ' પાછળ શું રહસ્ય હતું?

ખુદાબક્ષ

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ કૅપ્શન, ખુદાબક્ષ મૂળ કાશ્મીરના હતા
    • લેેખક, ચેરીલાન મોલ્લાન
    • પદ, બીબીસી ન્યૂઝ, મુંબઈ

કોઈ માણસ ભીડવાળી શેરીમાં સાયકલ ચલાવતો હોય એમાં કશું અદ્ભુત નથી, પરંતુ તેની આંખો પર લોટની કણકના ગઠ્ઠા તથા રૂનું જાડું થર મૂકીને જાળીદાર કપડાનો પાટો, માત્ર તેના નસકોરાં જ ખુલ્લાં રહે એ રીતે બાંધ્યો હોય તો?

કાશ્મીરમાં 1905માં જન્મેલા ખુદાબક્ષ 1930 અને 40ના દાયકામાં ઇંગ્લૅન્ડ તથા યુરોપની શેરીઓમાં આવું સાયકલિંગ પરાક્રમ કરવા પ્રસિદ્ધ હતા. તેમનો દાવો હતો કે તેઓ આવું કરી શકે છે, કારણ કે તેઓ “આંખો ખુલ્લી રાખ્યા વગર પણ જોઈ શકે છે.”

તેમના મૅજિક શોને ‘એક્સ-રે આંખો ધરાવતા માણસ’નું નામ આપવામાં આવ્યું હતું અને તેઓ આ રીતે બંધ આંખે પુસ્તકમાંથી ફકરા વાંચવા અને સોયમાં દોરો પરોવવા સહિતના દિમાગ ચકરાવે ચડી જાય તેવા ખેલ તેમની આગવી શૈલીમાં કરતા હતા.

ખુદાબક્ષે તેમની 'ચમત્કારિક' માનવીય ક્ષમતાથી પેઢીઓને મંત્રમુગ્ધ કરી હતી. અંગ્રેજી બાળકથાઓ લખનારા પ્રખ્યાત લેખક રોઆલ્ડ ડાહલની 1977ની ટૂંકી વાર્તા ‘ધ વન્ડરફુલ સ્ટોરી ઑફ હૅનરી સુગર’ ખુદાબક્ષથી પ્રેરિત થઈને જ લખી હતી. એ કથાને આધારે હવે વેન્સ ઍન્ડરસને એક ફિલ્મ બનાવી છે.

બક્ષનું અસલી નામ ખુદાહ બુક્ષ હતું. તેમનો જન્મ શ્રીમંત પરિવારમાં થયો હતો. 1952માં આર્ગોસી સામયિક માટે ડાહલ સાથેના એક ઇન્ટરવ્યૂમાં તેમણે પ્રોફેસર મૂર તરીકે જાણીતા એક ભારતીય જાદુગરના પ્રદર્શનથી મોહિત થયાની વાત કરી હતી.

બે દિવસ પછી, 13 વર્ષની વયે તેઓ ઘરેથી ભાગીને મૂરના સહાયક તરીકે કામ કરવા લાહોર ચાલ્યા ગયા હતા.

પછીનાં વર્ષોમાં તેમણે બર્મા (મ્યાનમાર), સીલોન (શ્રીલંકા) અને બૉમ્બે(મુંબઈ)ની યાત્રા કરી હતી. એ દરમિયાન તેમણે પ્રવાસી જાદુગરો, યોગીઓ તથા રંગમંચના કળાકારો પાસેથી કૌશલ્ય પ્રાપ્ત કર્યું હતું.

તેમણે પોતાનું નામ બદલીને પ્રોફેસર કે. બી. ડ્યુક રાખ્યું હતું અને પછી ખુદાબક્ષ રાખ્યું હતું, એમ લેખક જૉન ઝુબ્રઝીકીએ તેમના પુસ્તક ‘ઍમ્પાયર ઑફ ઍનચાંટમેન્ટઃ ધ સ્ટોરી ઑફ ઇન્ડિયન મૅજિક’માં લખ્યું છે.

ખુદાબક્ષ

ઇમેજ સ્રોત, PICTURE: BRITISH PATHÉ

ઇમેજ કૅપ્શન, બોર્ડ પર આંખો અને મોંઢું ઢાંકીને લખાણ લખતા ખુદાબક્ષ
ખુદા બક્ષ

ઇમેજ સ્રોત, CAITLYN RENEE MILLER

ઇમેજ કૅપ્શન, જીની મેજીક મૅગેઝીનના કવરપેજ પર ખુદાબક્ષ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મે, 1935માં તેઓ ઇંગ્લૅન્ડ માટે રવાના થયા હતા. ઇંગ્લૅન્ડમાં એ સમય લોકો પૂર્વના જાદુગરોને નિહાળવા તલપાપડ હતા.

બીબીસી સાથેની વાતચીતમાં ઝુબ્રઝીકીએ કહ્યું હતું,"ભારતને જાદુની ભૂમિ ગણવામાં આવતું હતું. એ ધારણા પ્રવાસીઓ, વેપારીઓ અને ઇતિહાસકારોએ લખેલા લેખોને કારણે આકાર પામી હતી. આ લોકોએ ભારતના પ્રવાસ દરમિયાન રસ્તા પર કે રાજ દરબારના જાદુગરો સાથેની પોતાની મુલાકાતો બાબતે લખ્યું હતું."

જાદુ પ્રત્યેના પશ્ચિમના આકર્ષણનો લાભ ઘણા ભારતીય જાદુગરોએ લીધો હતો અને ખુદાબક્ષ એ પૈકીના એક હતા. તેઓ અંગ્રેજો જેવાં કપડાં પહેરતા હતા, પરંતુ તેમની જાદુની ક્ષમતા પૂર્વના રહસ્યવાદ સાથે જોડાયેલી હતી.

‘ઘ લિંકિંગ રિંગ’ નામના જાદુ વિશેના સામયિકમાં ખુદાબક્ષ વિશેના એક લેખમાં ઇતિહાસકાર જૉન બૂથે તેમનું વર્ણન "પેરિસમાં આંખે પાટા બાંધીને સાયકલ ચલાવતી ભારતીય ઉપખંડની રહસ્યમય વ્યક્તિ તરીકે" કર્યું હતું.

ઇંગ્લૅન્ડમાં ખુદાબક્ષ તેમના ઍક્સ-રે વિઝન ઍક્ટને લીધે મશહૂર થયા હતા. એ કારણે સંશયવાદીઓનું ધ્યાન તેમના પ્રત્યે આકર્ષાયું હતું. સંશયવાદીઓએ ખુદાબક્ષની ક્ષમતાની ઈમાનદારી તપાસવા તેમનું પરીક્ષણ કર્યું હતું.

બ્રિટનના વિખ્યાત "ભૂત શિકારી" હૅરી પ્રાઈસ અને ડૉક્ટરોની ટીમે જુલાઈ, 1935માં ખુદાબક્ષના ઍક્સ-રે વિઝનના દાવાનું પરીક્ષણ કર્યું હતું. ઝુબ્રઝીકીએ તેમના પુસ્તકમાં નોંધ્યું છે, "હૅરી પ્રાઈસ સર્જીકલ પટ્ટીઓ, ચોંટાડવાની ટેપ્સ, કોટન વૂલના પેડ્ઝ અને કાળાં રૂના જાડા માસ્ક સાથે તૈયારી કરીને આવ્યા હતા."

ખુદાબક્ષે આખા મોં પર પટ્ટા બાંધ્યા હોવા છતાં પુસ્તક સફળતાપૂર્વક વાંચી દેખાડ્યું પછી એક ડૉક્ટરે તેમની આંખ-મોં પર નવેસરથી પટ્ટા બાંધ્યા હતા. તેમ છતાં ખુદાબક્ષે તેમની પીઠ પાછળના ટેબલ પર મૂકવામાં આવેલું હસ્તલિખિત લખાણ વાંચી સંભળાવ્યું હતું.

હૅરી પ્રાઈસે સપ્ટેમ્બર, 1935માં બીજી વખત ખુદાબક્ષનું પરીક્ષણ કર્યું હતું. એ સાથે ખુદાબક્ષને ઇંગ્લૅન્ડ અને મોટાભાગના યુરોપમાં જોરદાર ખ્યાતિ મળી હતી.

ખુદાબક્ષે સરેના ગ્રામ્ય વિસ્તારમાં ફાયર-વૉકિંગનો ખેલ ડૉક્ટરો, મનોવિજ્ઞાનીઓ તથા પત્રકારોની હાજરીમાં કરી દેખાડ્યો હતો.

એ ખેલ ઇંગ્લૅન્ડમાં સૌ પ્રથમવાર કરવામાં આવ્યો હતો. ખુદાબક્ષ કોઈ તિકડમ ચલાવે છે કે કેમ તે શોધી કાઢવા માટે નિરીક્ષકોએ, આગ પર ચાલતા પહેલાં અને પછી ખુદાબક્ષના પગની સ્થિતિ સહિતના દરેક પાસાનું પરીક્ષણ કર્યું હતું.

ખુદાબક્ષ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અંગારા પર ચાલતા ખુદાબક્ષ

આ ખેલ માટે એક ખાડો ખોદવામાં આવ્યો હતો. તેમાં લાકડા, કોલસા, પેરાફિન અને અખબારો ભરીને આગ ચાંપવામાં આવી હતી. થોડા કલાક પછી ખુદાબક્ષ એકવાર નહીં, પણ ચાર વખત તેમાં સળગતા અંગારા પર ચાલ્યા હતા.

હૅર પ્રાઇસે તેમના પુસ્તક ‘કન્ફેશન ઑફ અ ઘોસ્ટ હન્ટર’માં નોંધ્યું છે, "ખુદાબક્ષના પગમાં એક નાનો સરખો ફોલ્લો પણ થયો ન હતો."

નવ દિવસ પછી વધુ નિરીક્ષકોની હાજરીમાં ખુદાબક્ષ સ્ટીલ ઓગળી જાય તેટલા ગરમ અગ્નિવાળા ખાડામાં બે વખત ચાલ્યા હતા. એ વખતે પણ ખુદાબક્ષના પગ સલામત રહ્યા હતા.

તેનાથી હૅરી પ્રાઇસ એવું માનતા થઈ ગયા હતા કે "શારીરિક અને માનસિક શક્તિ વચ્ચે ખાસ સંબંધ હોય છે, જે વ્યક્તિને ઈજાથી રક્ષવામાં મદદરૂપ થાય છે," એમ ઝુબ્રઝીકીએ લખ્યું છે.

ડહલ સાથેની મુલાકાતમાં ખુદાબક્ષે દાવો કર્યો હતો કે "આગ સિવાય બીજું કશું મને દેખાતું નથી અને આગ ઠંડી હોય છે એ વિચાર પર મેં એટલી હદે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું કે હું ઘાયલ થવામાંથી ઊગરી ગયો હતો."

તેમણે એવો દાવો પણ કર્યો હતો કે આ "દૃષ્ટિની આંતરિક સંવેદાના" પણ તેમને ઍક્સ-રે વિઝન પરાક્રમો કરવામાં મદદરૂપ થઈ હતી અને એક યોગીએ તેમને કિશોરાવસ્થામાં શીખવેલી કસરત દ્વારા "જાગ્રત મનને એકાગ્ર કરીને” તેમણે આ કૌશલ્ય વિકસાવ્યું હતું.

તેમાં મીણબત્તીની જ્વાળાના કાળા ડાઘને "તેની આસપાસની દરેક વસ્તુ અદૃશ્ય થઈ જાય" ત્યાં સુધી જોવાની કવાયત સામેલ છે. તેઓ જે વ્યક્તિને સૌથી વધુ પ્રેમ કરે છે તેના ચહેરાની સંપૂર્ણ કલ્પના તેઓ કરી શકે છે. એ વ્યક્તિ તેમના ભાઈ છે.

વર્ષો સુધી દરરોજ રાતે મીણબત્તીની ઍક્સરસાઇઝ કર્યા પછી બક્સને 24 વર્ષની વયે સમજાયું હતું કે તેઓ આંખો બંધ કરીને કોઈ વસ્તુ પર ઉગ્રતાપૂર્વક ધ્યાન કેન્દ્રિત કરે છે ત્યારે "હું જે વસ્તુને જોઈ રહ્યો હોઉં છું તેની ઝાંખી રૂપરેખા જોઈ શકું છું."

તેમણે દાવો કર્યો હતો કે તેઓ 28 વર્ષના હતા ત્યાં સુધીમાં આંખે પાટા બાંધીને પુસ્તક વાંચી શકતા હતા.

જ્યારે ખુદા બક્ષના જાદુને પડકાર મળ્યો

ખુદાબક્ષ

ઇમેજ સ્રોત, BRITISH PATHÉ

ઇમેજ કૅપ્શન, ટેસ્ટ લેવા માટે ખુદાબક્ષની આંખો અમે મોઢા પર પાટા બાંધતા ડૉક્ટર

ખુદાબક્ષના દરેક દાવાને પડકારવામાં આવ્યો હતો. તેમના કથિત ઍક્સ-રે ઍક્ટનો અભ્યાસ કરનારા કેટલાક લોકોએ એવું તારણ કાઢ્યું હતું કે તેઓ તેમના નાકની ડાબી બાજુએથી નીચે જોતા હોય છે.

ખુદાબક્ષ વિશેના એક અભ્યાસપત્રના લેખક કેટલીન રેની મિલરે આવું જણાવ્યું હતું, પરંતુ ખુદાબક્ષની લોકપ્રિયતામાં કોઈ ફરક પડ્યો ન હતો.

જાદુગર બિલ લાર્સને ‘જીની’માં પ્રકાશિત એક લેખમાં નોંધ્યું હતું કે અખબારો-સામયિકોએ ખુદાબક્ષને સદીની અજાયબી અને વિશ્વની આઠમી અજાયબી તરીકે ઓળખાવ્યા હતા. તેમના કાર્યક્રમ નિહાળવા હજારો લોકો ઊમટી પડતા હતા.

ખુદાબક્ષ ‘રિપ્લેઝ બીલીવ ઇટ ઑર નૉટ’ના પ્રથમ ટેલિવાઇઝ્ડ ઍપિસોડમાં જોવા મળ્યા હતા અને ‘ખુદાબક્ષ – હિન્દુ મિસ્ટિક’ નામનો તેમનો પોતાનો શો પણ હતો.

બક્સના કરેલા ખેલ પર દર્શકોને એટલો ભરોસો બેસી ગયો હતો કે તેઓ માનતા થઈ ગયા હતા કે ખરેખર બંધ આંખે જોઈ શકે છે, એવું લોકો માનતા થઈ ગયા હતા. ખુદાબક્ષના દાવાને લીધે, તેમના એક કાર્યક્રમમાં પર્ફોર્મ કરવા તૈયાર થયેલી ત્રણ મહિલા કળાકાર કેટલી ગભરાઈ ગઈ હતી, તેની વાત બૂથે નોંધી છે.

ખુદાબક્ષે દાવો કર્યો હતો કે તેઓ ઈંટની દિવાલની આરપાર જોવાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. એ જાણીને મહિલા કળાકારોએ પોતાના ડ્રેસિંગ રૂમ ખુદાબક્ષથી બહુ દૂર હોવા જોઈએ તેવી માગણી કરી હતી.

તેમણે ફરિયાદ કરી હતી કે "અમારી અને ખુદાબક્ષની વચ્ચે માત્ર ઈંટની એક દિવાલ જ છે."

ખુદાબક્ષ આખરે લંડન છોડીને અમેરિકા ગયા હતા અને ત્યાં તેમણે હૉલીવૂડની એક ક્લબ, ફેમસ મૅજિક કેસલ સહિતનાં સ્થળોએ કાર્યક્રમો આપ્યા હતા.

ખુદાબક્ષ 1981માં કેલિફોર્નિયાના લૉસ એન્જેલિસ ખાતે અવસાન પામ્યા હતા. બૂથ નોંધે છે, ખુદાબક્ષે જીવનના છેલ્લા દિવસો મૅજિક કેસલ ખાતે જાદુગરો સાથે પત્તા રમવામાં વિતાવ્યા હતા.

એ જાદુગરોએ દાવો કર્યો હતો કે ખુદાબક્ષ આંખે પાટા નહીં બાંધે તો જ તેઓ તેમને હરાવી શકશે.