અશોક ગહેલોત: જાદુગર પિતાના પુત્રની મુખ્ય મંત્રી પદ સુધીની રોચક સફર

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, નારાયણ બારેઠ
- પદ, જયપુરથી, બીબીસી ગુજરાતી માટે
હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે રાજસ્થાનમાં કૉંગ્રેસના મુખ્ય મંત્રી કોણ બનશે. જોધપુરની સરદારપુરા સીટનું નેતૃત્વ કરનારા કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગહેલોત ત્રીજી વાર રાજસ્થાનના મુખ્ય મંત્રી પદના શપથ લેશે અને રાજ્યના પાર્ટી અધ્યક્ષ સચીન પાયલટ તેમના ડેપ્યુટી હશે.
અગાઉ આ મુદ્દે સતત સંશય હતો કે 99 બેઠક જીતીને રાજસ્થાનમાં સૌથી મોટો પક્ષ બનેલી કૉંગ્રેસ પાર્ટીનું સદનમાં નેતૃત્વ કોણ કરશે?
બે દાવેદારો સચીન પાયલટ અને અશોક ગહેલોતની વચ્ચે ખેંચતાણ ચાલતી રહી. બંનેએ દિલ્હીમાં કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી પરંતુ એ નક્કી નહોતું થઈ શકતું કે મુખ્યમંત્રી કોણ બનશે.
પ્રેસ કૉન્ફરન્સમાં ગહેલોતે એમ પણ કહ્યું કે તેઓ ચૂંટણીમાં કરેલા વાયદા પૂરા કરશે. તેમણે ખેડૂતોના મુદ્દાઓને લગતા જે વાયદા કર્યા છે તે પ્રાથમિકતામાં રહેશે.

કોણ છે ગહેલોત?

ઇમેજ સ્રોત, Getty Images
તેઓ કોઈ પ્રખર વક્તા નથી. ના તેઓ કોઈ અલંકારિક ભાષા બોલે છે પરંતુ જ્યારે તેઓ બોલે છે, શબ્દ નિશાન ઉપર જ લાગે છે.
રાજસ્થાનના રાજકારણના એક મજબૂત નેતા અશોક ગહેલોતે જ્યારે કેટલાક મહિના પહેલાં ઉદયપુરમાં કહ્યું, 'જનતાનો અવાજ જ ખુદાનો અવાજ હોય છે.' રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો હતો.
ગહેલોતે આ ત્યારે કહ્યું જ્યારે રાજ્યમાં તેમના પ્રતિસ્પર્ધી અને વિરોધીઓ તેમને મુખ્યમંત્રીની દોડમાંથી બહાર કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.

રાજ્યની રાજનીતિમાં ગહેલોતની ગણતરી એવા લોકોમાં કરવામાં આવે છે, જે સમાજ સેવા દ્વારા રાજનીતિમાં દાખલ થયા અને પછી ઊંચાઈ સુધી પહોંચ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ 1971ની વાત છે જ્યારે જોધપુરનો એક યુવાન બાંગ્લાદેશી શરણાર્થીઓની શિબિરમાં કામ કરતો દેખાયો. પરંતુ આ ગહેલોત માટે પહેલી તક નહોતી કે તેઓ સામાજિક કાર્યોમાં જોડાયા.
આ પહેલાં ગહેલોતને 1968થી 1972ની વચ્ચે ગાંધી સેવા પ્રતિષ્ઠાનની સાથે સેવા ગ્રામમાં કામ કરવાનો અનુભવ હતો જ.

જાદુગર પિતાના પુત્ર

ઇમેજ સ્રોત, Getty Images
3 મે 1951માં જોધપુરમાં જન્મેલા ગહેલોતના પિતા લક્ષ્મણ સિંહ જાદુગર હતા.
ગહેલોત પોતે પણ જાદુ જાણે છે. હાલમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ આ વખતે પણ જાદુ બતાવશે?
ગહેલોતે કહ્યું, "જાદુ તો ચાલતું રહે છે, કેટલાકને દેખાય છે કેટલાકને નથી પણ દેખાતું."
જાણકારો કહે છે કે સેવા કાર્યના ભાવે ગહેલોતની પહોંચ ઇન્દિરા ગાંધી સુધી બનાવી. જાણકારોના અનુસાર, એક વાર જ્યારે તેમને જમ્મુ-કાશ્મીરની ચૂંટણીઓમાં એક વિસ્તારના પ્રભારી તરીકે નિયુક્ત કરીને મોકલવામાં આવ્યા હતા અને એ માટે ભંડોળ પણ આપવામાં આવ્યું હતું.
ચૂંટણી પછી ગહેલોતે પોતાને આપવામાં આવેલાં ભંડોળની પાઈ-પાઈનો હિસાબ આપ્યો અને બચેલા પૈસા પાર્ટીમાં પરત જમા કરાવી દીધા. ગહેલોતે જીવનની પહેલી ચૂંટણી જોધપુર વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ પદની લડી હતી.
આ 1973ની વાત છે. આ ચૂંટણીમાં ગહેલોત હારી ગયા. તેઓ કૉંગ્રેસના નવા બનેલા રાષ્ટ્રીય વિદ્યાર્થી સંગઠન સાથે જોડાયેલા હતા. એ વખતે ગહેલોત અર્થશાસ્ત્રમાં એમ.એ.ના વિદ્યાર્થી હતા.
તેમના સહાધ્યાયી રામસિંહ આર્ય કહે છે, "એ પછી તમામ વિદ્યાર્થીઓએ તેમને અર્થશાસ્ત્ર વિભાગમાં એક એકમના અધ્યક્ષ તરીકે ચૂંટી લીધા."

પહેલી વિધાનસભા ચૂંટણી હાર્યા હતા

ઇમેજ સ્રોત, FACEBOOK @ASHOK GEHLOT
ગહેલોતે 1977માં જ્યારે પહેલી વાર કૉંગ્રેસની ટિકિટ ઉપર જોધપુરથી વિધાનસભાની ચૂંટણી લડી ત્યારે સાડા ચાર હજાર મતોથી હારી ગયા હતા.
રામસિંહ આર્ય કહે છે, "તેઓ આ હારથી નિરાશ નહોતા થયા બલકે બીજે દિવસે તેમણે એમના વિસ્તારમાં ફરીફરીને મતદાતાઓનો આભાર વ્યક્ત કરતા જોવા મળ્યા હતા."
ગહેલોતે અર્થશાસ્ત્રમાં એમ. એ. પછી કાયદાનો અભ્યાસ કર્યો અને પછી રાજનીતિમાં આગળ વધતા ગયા.
હંમેશાં ખાદીના પરિધાનમાં જોવા મળતા ગહેલોત ગાંધીના વિચારોમાં વિશ્વાસ રાખે છે અને જ્યારે પણ કોઈ હોદ્દા ઉપર પહોંચ્યા, પોતાને જનતાના ટ્રસ્ટી તરીકે ઓળખાવ્યા.
પાર્ટીએ તેમને જ્યારે પાર્ટીના વિદ્યાર્થી સંગઠનની રાજસ્થાન એકમના અધ્યક્ષ નિયુક્ત કર્યા, ત્યારે તેઓ પોતાની લાલ રંગની યઝદી મોટર બાઇક ઉપર સંગઠનનું કામ કરવા નીકળી પડ્યા.
એ યુગમાં કૉંગ્રેસના વિદ્યાર્થી યૂથ કૉંગ્રેસના નામ ઉપર ચૂંટણી લડતા હતા. ગહેલોતે સંગઠનનું કામ આગળ વધાર્યું અને પોતાના સભ્યો માટે એક આચારસંહિતા બનાવીને વહેંચી.
ગહેલોત પહેલીવાર 1980માં જોધપુરથી સાંસદ તરીકે ચૂંટાયા. ગહેલોતે પાંચ વાર સંસદમાં જોધપુરનું પ્રતિનિધિત્વ કર્યું છે. 1982માં પહેલી વાર ઇન્દિરા ગાંધી મંત્રીમંડળમાં તેમને ઉપ-મંત્રી બનાવવામાં આવ્યા.
જ્યારે તેઓ સોગંદ લેવા ગયા ત્યારે એક ત્રિચક્રી વાહનમાં બેસીને ગયા હતા. 1991માં જ્યારે તેમને કપડાં મંત્રી બનાવવામાં આવ્યા ત્યારે ગહેલોતે કેટલાક સરાહનીય કાર્યો કર્યા, જેની પ્રશંસા કરવામાં આવે છે. તેઓ વડા પ્રધાન પી. વી. નરસિમ્હા રાવના સહાયક મંત્રી હતા. પરંતુ રાવે તેમને પદથી હટાવી દીધા હતા.
જાણકાર આની સાથે જોડાયેલો કિસ્સો જણાવે છે. એ દિવસોમાં કહેવાતા તાંત્રિક ચંદ્રાસ્વામીને રાવના નિકટતમ માનવામાં આવતા હતા. એ જ દિવસોમાં પાલી જિલ્લા કૉંગ્રેસના એક કાર્યક્રમમાં ગહેલોતને આમંત્રણ આપ્યું હતું. આ બાબતે ગહેલોતે સંમતિ આપી દીધી હતી.
પરંતુ જ્યારે ગહેલોતને એ કાર્યક્રમમાં ચંદ્રાસ્વામીના આવવાની જાણકારી મળી તો તેમણે આવવાનો ઇનકાર કરી દીધો. આ મુદ્દે ચંદ્રાસ્વામી ઘણા નારાજ થયા અને થોડા દિવસ પછી જ ગહેલોતે પદ ગુમાવ્યું.

રાજ્ય કૉંગ્રેસમાં શરૂ કર્યું નવું ચલણ

ઇમેજ સ્રોત, TEKEE TANWAR/AFP/GETTY IMAGES
ગહેલોતના સમર્થક 'અશોક નહીં આ આંધી છે મારવાડના ગાંધી છે'ના નારા બુલંદ કરીને તેમનો જયકાર કરે છે.
તેમના વિરોધીઓ ગહેલોત ઉપર સવાલ ઉઠાવતા રહ્યા છે. જ્યારે તેઓ બીજી વાર મુખ્યમંત્રી બન્યા, વિપક્ષે તેમની ઉપર કહેવાતી રીતે પોતાના સંબંધીઓને લાભ કરાવવાનો આરોપ મૂક્યો હતો.
ગહેલોત આ આરોપોને રાજકીય રીતે પ્રેરિત ગણાવે છે. ટીકાકારોની નજરમાં ગહેલોત જોડ-તોડમાં કુશળ છે અને પોતાના વિરોધીઓને બહુ જ સફાઈથી ઠેકાણે પાડી દે છે.
ગહેલોતે ગત દિવસોમાં પોતાને વિશે કહ્યું, "હું એ લોકોમાંથી છું, જે રાજનીતિમાં સંતુષ્ટ શ્રેણીમાં આવે છે."
રાજકીય ઉતાર-ચઢાવમાં ક્યારેય તેઓ વિચલિત અને નિરાશ નથી જણાયા. પરંતુ 1991માં પહેલી વાર ગહેલોત વિચલિત દેખાયા.
જોધપુરમાં રામસિંહ આર્ય કહે છે, "આ મે 1991ની વાત છે. જેવી રાજીવ ગાંધીની હત્યાની ખબર આવી, તમામ લોકો સર્કિટહાઉસમાં ભેગા થઈ ગયા. ગહેલોત પાસેના જ એક ગામમાં ચૂંટણી પ્રચારમાં ગયા હતા. ગહેલોત વિચલિત ભાવથી સર્કિટ હાઉસ પહોંચ્યા ત્યારે તેમની આંખોમાં પાણી હતું."
ગહેલોત કેન્દ્રમાં મંત્રીપદ ભોગવવા ઉપરાંત બે વાર મુખ્ય મંત્રી અને ત્રણ વાર પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષપદે રહ્યા છે. પાર્ટી સંગઠનમાં પોતાના કાર્યકાળ દરમિયાન ગહેલોતે પાર્ટી કાર્યક્રમોમાં ગળાના હાર તરીકે સુતરની માળાનો ઉપયોગ કરવાનું ચલણ શરૂ કર્યું.
આ સાથે જ પાર્ટીના જુના નેતાઓ અને સ્વતંત્રતા સેનાનીઓના જન્મદિવસ ઉપર તેમને યાદ કરવાની પરંપરા શરૂ કરી.
જાણકાર કહે છે કે જ્યારે તેઓ પહેલી વાર રાજ્ય કૉંગ્રેસના પ્રમુખ બન્યા ત્યારે ગહેલોતે તાલુકા સ્તરે મોટી સંખ્યામાં એકમોની રચના કરીને સંગઠનનો વિસ્તાર કર્યો.
આ એકમોમાં એ લોકોને નિયુક્ત કરવામાં આવ્યા જેઓ સાવ તળિયેથી આવતા હતા અને તેમની કોઈ મોટી હેસિયત નહોતી. ત્યારે તેમના ટીકાકારોએ એવું કહીને તેમની મજાક ઉડાવી કે ગહેલોતે સંગઠનને એકમ કૉંગ્રેસ બનાવી દીધું.
પરંતુ પછીથી તેમના ટીકાકારોને પણ લાગ્યું કે આ દ્વારા કૉંગ્રેસે છેક જમીની સ્તર સુધી પાર્ટી માટે રાજકીય મૂડી ઊભી કરી લીધી.

ગુજરાત-કર્ણાટકમાં મળ્યો યશ

ઇમેજ સ્રોત, FACEBOOK @ASHOK GEHLOT
ગત વર્ષે પાડોશી રાજ્ય ગુજરાતમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી, ગહેલોતને ત્યાં પ્રભારી બનાવીને મોકલવામાં આવ્યા. ત્યારે તેમના વિરોધીઓને લાગ્યું કે ગહેલોતના રાજકારણ ઉપર પૂર્ણવિરામ લાગી ગયું છે.
પરંતુ જ્યારે પાર્ટી ત્યાં પોતાના પ્રદર્શનમાં ઉલ્લેખનીય સુધારો કરતી નજરે પડી તો વિરોધીઓ શાંત થઈ ગયા. એ પછી કર્ણાટકમાં તેમની કામગીરીના વખાણ થયા.
વિરોધીઓ તેમને રાજયની રાજનીતિથી દૂર રાખવા ઈચ્છતા હત, જ્યારે તેમના સમર્થકો તેમની ચાહનામાં નારા લગાવતા રહે છે. આ સ્થિતિમાં ગહેલોતે એક મારવાડી ઉક્તિમાં 'મૈ થાંસુ દૂર નહીં' (હું તમારાથી દૂર નથી) દ્વારા પોતાના સમર્થકોની આશા જાળવી રાખી અને આખરે મુખ્ય મંત્રી પદે બિરાજવા જઈ રહ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














