ઉત્તર કોરિયાનાં 'મિસીસ બી' જેમણે 50 મહિલાઓ વેચ્યાં

ઇમેજ સ્રોત, Cinesofa
- લેેખક, હ્યુંગ યુન કિમ
- પદ, બીબીસી કોરિયન
"મારી આંખોમાંથી આંસુ સરી પડ્યાં. મારી સાથે ખૂબ જ ખોટું થઈ રહ્યું હતું. મારી ઓળખ એક બીજી વ્યક્તિ સાથે કરાવવામાં આવી રહી હતી, જ્યારે મારા પતિ અને બાળકો તો ઉત્તર કોરિયામાં હતા. મને લાગ્યું કે મારો જન્મ એક ખોટી જગ્યાએ થયો હતો એટલે હું ફસાઈ ગઈ છું."
આ શબ્દો છે 2003માં એક ચાઇનીઝ વ્યક્તિને વેચી દેવામાં આવેલા 'શ્રીમતી બી'નાં. એમનું વેચાણ થયું ત્યારે તેઓ 36 વર્ષનાં હતાં.
તેઓ સરહદ પાર કરીને ઉત્તર કોરિયાથી ચીન પહોંચ્યાં હતાં. તેમને આશા હતી કે ત્યાં તેમને વૃદ્ધો માટે ઘરકામ કરવાની તક મળી રહેશે.
તેઓ એક દલાલ મારફતે ચીન પહોંચ્યાં હતાં. એ દલાલે તેમને ચીનમાં ઘરકામ અપાવવાની માહિતી આપી હતી. જોકે, ચીન જઈને એમને ખબર પડી કે દલાલે તેમને ખોટું કહ્યું હતું.
'શ્રીમતી બી'એ યોજના ઘડી હતી કે એકાદ વર્ષ તેઓ કામ કરશે અને પછી પોતાનાં પરિવાર પાસે ઉત્તર કોરિયા જતાં રહેશે.

તમે આ વાંચ્યું કે નહીં?

આ રીતે તેઓ પોતાના પતિ અને બે બાળકોને પુરતું ભોજન આપી શકશે એવી એમને આશા હતી જોકે, આ યોજનામાં નવો પતિ મળશે તેવું તો તેમણે વિચાર્યું જ નહોતું.
ચીનના જીલિન વિસ્તાર સ્થિત ચેંગચુનમાં તેમને વધુ એક મહિલા અને પાંચ ચાઇનીઝ વ્યક્તિઓને મળાવવામાં આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દલાલે કહ્યું, "એક વર્ષ માટે ચાઇનીઝ વ્યક્તિ સાથે રહીને અહીંથી ભાગી જજો." પણ એવું થયું નહીં અને હવે શ્રીમતી બીના જીવન પર નિર્દેશક જેરો યુને ફિલ્મ બનાવી છે.
'મિસીસ બી, અ નોર્થ કોરિયન વુમન', ફિલ્મની કહાણી બતાવે છે કે જે વ્યક્તિને તેમને વેચવામાં આવ્યા હતા એ વ્યક્તિ માટે તેમની ભાવનાઓ કેવી રીતે જાગી.
બન્નેએ એક સાથે 10 વર્ષ વિતાવ્યા હતા. જોકે, કહાણીનો અહીં અંત આવી જતો નથી.

મિસીસ બી બન્યા માનવ તસ્કર

ઇમેજ સ્રોત, Cinesofa
મિસીસ બી પોતે માનવ તસ્કરીનો શિકાર બન્યાં હતાં અને ધીરે ધીરે તેઓ પણ એક માનવ તસ્કર બની ગયાં. જે રીતે પોતાનું વેચાણ થયું હતું એમ તેમણે પણ ઉત્તર કોરિયાની મહિલાઓને ચાઇનીઝ પુરુષોને વેચવાનું શરૂ કરી દીધું.
મિસીસ બીએ બીબીસી કોરિયન સર્વિસને આપેલી એક મુલાકાતમાં કહ્યું કે અત્યાર સુધી તેમણે કુલ 50 મહિલાઓ ચાઇનીઝ પુરુષોને વેચી છે.
તેઓ ચીન-ઉત્તર કોરિયાની સરહદ પાર કરી અને પછી ચીન- લાઓસ સરહદ પાર કરી દક્ષિણ કોરિયા પહોંચ્યાં હતાં.
અને આ તેમણે પોતાના ઉત્તર કોરિયાના પરિવારને સાથે રાખવા માટે કર્યું. જોકે, તેમનો અને તેમના ઉત્તર કોરિયન પતિ વચ્ચે સાથે સંબંધ વધારે ચાલી શક્યો નહીં.
મિસીસ બીની આ કહાણી ઉત્તર કોરિયામાં કોઈ નવી વાત નથી.


ઉત્તર કોરિયામાં માનવ તસ્કરીના ઘણાં કિસ્સાઓ અવાર નવાર સામે આવતા રહે છે. અનેક મહિલાઓ સામ્યવાદી રાષ્ટ્ર ઉત્તર કોરિયાને છોડીને ભાગવાનો પ્રયાસ કરે છે.
ઘણી મહિલાઓ તો ચાઇનીઝ પુરુષોના બાળકોને જન્મ આપે છે અને ત્યાં જ જીવન વસાવી લે છે.
ઘણા લોકો એવા પણ છે કે જેઓ ઉત્તર કોરિયાથી દક્ષિણ કોરિયા ભાગવાની વાતને અફસોસ કરે છે.
પરંતુ મિસીસ બીને જે વ્યક્તિને વેંચવામાં આવ્યાં હતાં, તેમના વિશે તેઓ શું વિચારે છે?
તેઓ કહે છે, "મને લાગે છે કે આ લાગણી છે. બે મનુષ્યો વચ્ચેની ભાવના છે."
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ એ ચાઇનીઝ વ્યક્તિને પ્રેમ કરે છે, જેમને તેઓ વેચી દેવાયાં હતાં.
તેના જવાબમાં તેઓ કહે છે, "મને ક્યારેય લાગ્યું નથી કે આ પ્રેમ છે. તેઓ મને સમજે છે, તેઓ એક સારી વ્યક્તિ છે."

ઇમેજ સ્રોત, Cinesofa
મિસીસ બી પર બનેલી ફિલ્મ ખાસ કરીને તેમનાં તેમજ તેમના ચાઇનીઝ પતિના સંબંધો પર આધારિત છે.
ભલે તેમને વેચી નાખવામાં આવ્યા હોય, પણ છતાં તેઓ કહે છે કે તેમનાં ચાઇનીઝ પતિ એક સારી વ્યક્તિ છે.
ફિલ્મમાં જોઈ શકાય છે કે જ્યારે મિસીસ બી ગુસ્સામાં હોય છે ત્યારે કેવી રીતે તેમનાં ચાઇનીઝ પતિ ચહેરા પર સ્મિત સાથે તેમને સંભાળી રહ્યા છે.
તેઓ મિસીસ બીને ચીન- લાઓસ સરહદ પાર કરવામાં મદદ કરે છે. તેઓ તેમનાં પર ભરોસો કરે છે કે જ્યારે મિસીસ બી દક્ષિણ કોરિયામાં પોતાનું જીવન વસાવી લેશે, ત્યારે તેમને પણ તેઓ તેમની પાસે બોલાવી લેશે.


જનતા પણ એ વિચારીને મૂંઝવણમાં પડી ગઈ છે કે માનવ તસ્કરી એક અજબ પ્રેમકહાણીને જનમ આપી શકે છે.
મિસીસ બી કહે છે, "મેં તેમને કહ્યું કે હું બાળકને જન્મ આપવા સક્ષમ છું, પણ હું ઉત્તર કોરિયામાં રહેતા મારા બે બાળકોનાં કારણે બીજા કોઈ બાળકને જન્મ નહીં આપું. તેઓ મારી વાત સાથે સંમત થયા અને તે મને ખૂબ સારું લાગ્યું."
તેઓ ઉમેરે છે, "મને એક જવાબદારીનો અનુભવ થયો કે આ વ્યક્તિને મારા કારણે બાળકો ન મળ્યા, એટલે જ્યારે તેમનું મૃત્યુ થશે ત્યારે હું અને મારા બાળકો તેમની પાસે ઊભા રહીશું."
વાસ્તવિક જીવનમાં મિસીસ બી તેમનાં ઉત્તર કોરિયા સ્થિત બાળકો અને પતિને ચીનમાં રહેવા લઈ આવ્યાં હતાં. જોકે, એ વાત ફિલ્મમાં દર્શાવવામાં આવી નથી.
વર્ષ 2009માં તેઓ પોતાના સૌથી મોટા દીકરાને ચીન લઈ આવ્યાં હતાં. તેમનો મોટો દીકરો મિસીસ બી અને તેમનાં ચાઇનીઝ પતિ સાથે 3 વર્ષ માટે રહ્યો પણ ત્યાં તેને વધારે ગમ્યું નહીં. ત્યારબાદ મિસીસ બીએ પોતાના દીકરાને દક્ષિણ કોરિયા જવામાં મદદ કરી હતી.

ઇમેજ સ્રોત, Cinesofa
વર્ષ 2013માં મિસીસ બીએ પોતાનાં નાના દીકરા અને ચાઇનીઝ પતિને ચીન મોકલવામાં મદદ કરી હતી, પણ દક્ષિણ કોરિયા જતા પહેલા તેઓ ચીનમાં સાથે રહ્યાં હતા.
મિસીસ બી કહે છે, "અમે બધા એક સાથે એક રૂમમાં ઊંઘતા હતા- હું, મારા ચાઇનીઝ પતિ, મારા ઉત્તર કોરિયન પતિ અને મારો નાનો દીકરો."
મજાકનાં અંદાજમાં તેઓ કહે છે, "તમને આ રૉમેન્ટિક નથી લાગતું?"
મિસીસ બી કહે છે કે 80 ટકા ઉત્તર કોરિયન મહિલાઓ તેમનાં દેશમાંથી ભાગતા સમયે તસ્કરીનો શિકાર બને છે, અને તેઓ પોતે પણ તેમાંથી એક છે.
(દક્ષિણ કોરિયા, ઉત્તર કોરિયા કે ચીનમાંથી કોઈ પાસે ઔપચારિક આંકડા નથી કે કેટલી ઉત્તર કોરિયન મહિલાઓની તસ્કરી કરવામાં આવી છે.)


મિસીસ બીએ તરત ચીનમાં અન્ય ઉત્તર કોરિયાની મહિલાઓની તસ્કરી કરવાનું ચાલુ કર્યું હતું એવું નથી.
શરૂઆતમાં તેઓ એક ડેરી ફાર્મમાં કામ કરતાં હતાં અને તેમની એક મહિનાની કમાણી 9 અમેરિકી ડોલર એટલે કે આશરે 648 રૂપિયા જેટલી હતી.
તેમણે તે ફાર્મમાં બે વર્ષ માટે કામ કર્યું અને ઉત્તર કોરિયા સ્થિત પરિવારને પૈસા આપવા માટે તેઓ એક દલાલની મદદથી ચીન- ઉત્તર કોરિયાની સરહદ પર મળ્યાં હતાં.
ત્યાં તેમણે પોતાના પતિની હાલત જોઈ. તેઓ એકદમ નિર્બળ બની ગયા હતા. આ જ એ ક્ષણ હતી જ્યારે તેમણે એક તસ્કર બનવાનું નક્કી કર્યું.
પછી તેમણે ઉત્તર કોરિયાની મહિલાઓની તસ્કરી શરૂ કરી દીધી. તેઓ કહે છે, "મને લાગ્યું કે પરિવારને બચાવવા માટે મારે કંઈક કરવું જોઈએ."
"મારે પૈસા કમાવવા હતા. પણ તે સમયે મારી પાસે કોઈ નાગરિકતા હતી નહીં, મારી કોઈ ઓળખ નહોતી અને જેનાથી હું વધારે પૈસા કમાવી શકું એવો મારી પાસે બીજો રસ્તો નહોતો"

ઇમેજ સ્રોત, Cinesofa
વર્ષ 2005થી 2010 વચ્ચે તેમણે ઉત્તર કોરિયાની 50 મહિલાઓને ચાઇનીઝ પુરુષોને વેચી દીધી હતી.
મિસીસ બી તેને માનવ તસ્કરી તો માને છે પણ જે રીતે દલાલે એમની સાથે કરી હતી એવી છેતરપિંડી નથી માનતા. એ કહે છે કે 50 મહિલાઓ પોતે તસ્કરીનો ભાગ બનવા માગતી હતી.
અને આમ, મિસીસ બી કહે છે કે તેમણે એ મહિલાઓને જીવન જીવવાનો રસ્તો શોધી આપ્યો.
તેઓ કહે છે, "જો હું તેમને એક વ્યક્તિ શોધી આપું, તો તેઓ તે વ્યક્તિ સાથે લગ્ન પણ કરી શકે છે અને તેમની સાથે સુરક્ષિત રહી પણ શકે છે."
"જો તેઓ રસ્તા પર રહેશે તો તેમને પકડીને ઉત્તર કોરિયાની જેલમાં પૂરી દેવામાં આવશે, જે તેઓ નહીં ઇચ્છતી હોય."
મિસીસ બી કહે છે કે મહિલાને વેચીને પૈસા મળે છે તેના અડધાં પોતાની પાસે રાખે છે, અને અડધાં તે મહિલાને આપે છે.
જેમનું વેચાણ કરવાનું છે એ મહિલાની માગને પણ તેઓ ધ્યાનમાં રાખે છે અને તેની ચર્ચા મહિલાને ખદીરનાર ચાઇનીઝ વ્યક્તિ સાથે કરે છે.
ઉદાહરણ તરીકે, લગ્ન માટે મહિલાની શરત શું છે? દર મહિને તે મહિલા ઉત્તર કોરિયામાં પોતાના પરિવારને કેટલાં પૈસા મોકલશે? વગેરે.


પણ શું મિસીસ બીને આ વાતનો અફસોસ થાય છે? પહેલા તેઓ પોતે તસ્કરીનો શિકાર બન્યા અને પછી પોતે જ તસ્કર બની ગયા?
આ વાતનો જવાબ આપતા તેઓ કહે છે, "મને લાગ્યું કે માનવ તસ્કરી એક એવી ઘટના છે કે જેમાંથી દરેક ઉત્તર કોરિયન મહિલાએ પસાર થવું જોઈએ."
"મારી સાથે છેતરપિંડી થઈ પણ મેં જે મહિલાઓની તસ્કરી કરી તેમને ખબર હતી કે તેઓ શા માટે આગળ આવી રહી છે. એ મહિલાઓની અંદર થોડો રોષ હશે, પણ મારા જેટલો નહીં હોય."
ઉત્તર કોરિયાની મહિલાઓને ચાઇનીઝ પુરુષોને વેચવા સિવાય મિસીસ એક બ્રોકર તરીકે પણ કામ કરતાં. તેમાં તેઓ ઉત્તર કોરિયન લોકોને દક્ષિણ કોરિયા મોકલતાં.
તેઓ કહે છે કે તેમણે આશરે 50 ઉત્તર કોરિયન લોકોને દક્ષિણ કોરિયા મોકલ્યા છે.
પોતાના જૂના દિવસો યાદ કરતાં મિસીસ બી કહે છે, "મેં એ જ રસ્તો પકડ્યો કે જે મારા નાના દીકરાએ બે મહિના પહેલા લીધો હતો."
"હું બતાવી નથી શકતી તે કેટલું અઘરૂં હતું. હું એ વિચારીને રડી પડતી હતી કે ઉત્તર કોરિયાના અમારા જેવા લોકોએ જીવવા માટે કેમ આટલું સહન કરવું પડે છે."
ફિલ્મ નિર્માતા અને નિર્દેશક જેરો યુન કહે છે, "આ ફિલ્મ શારિરીક રૂપે મારી માટે ખૂબ અઘરી હતી. આ મહિલાની કહાણી દર્શાવવા માટે હું એક માત્ર વ્યક્તિ હતો, જે કૅમેરા ચલાવી રહ્યો હતો."
"હું વધારે શુટિંગ કરી શક્યો નથી. જોકે, આ એક એવી કહાણી છે કે જેણે મને એક જીવનનો મોટો પાઠ ભણાવ્યો છે."

ફિલ્મમાં નથી 'હેપ્પી એન્ડીંગ'

ઇમેજ સ્રોત, Cinesofa
મિસીસ બીએ તેમનાં ચાઇનીઝ પતિને વાયદો કર્યો હતો કે દક્ષિણ કોરિયામાં વસી ગયા બાદ તેઓ તેમને ત્યાં બોલાવી લેશે. પણ એમ ન થયું.
મિસીસ બી જાન્યુઆરી 2014માં દક્ષિણ કોરિયા પહોંચ્યાં હતાં અને ત્યાં દક્ષિણ કોરિયાના ઇન્ટેલિજન્સ અધિકારીઓએ તેમનાં પર જાસૂસીનો આરોપ લગાવી તેમની પૂછપરછ કરી હતી.
ઇન્ટેલિજન્સને એવી માહિતી મળી હતી કે તેઓ ચીનમાં ઉત્તર કોરિયાનું ડ્રગ વેચતા હતાં. એ ડ્રગ 'આઇસ' નામે ઓળખાય છે.
મિસીસ બી કહે છે કે એક વખત પૈસા મેળવવા માટે તેમણે આમ કર્યું હતું.
દક્ષિણ કોરિયાના ઇન્ટેલિજન્સ અધિકારીઓનો આરોપ છે કે તે ડ્રગ વેચીને તેમણે જે પૈસા કમાવ્યા હતા તે ઉત્તર કોરિયાની સરકાર સુધી પહોંચ્યા હતા અને એટલે જ તેમના જાસૂસ હોવાની શક્યતા છે. જોકે, મિસીસ બીએ આ આરોપ ફગાવ્યા છે.
તે છતાં દક્ષિણ કોરિયાની સરકારે મિસીસ બી તેમજ તેમનાં પતિને ઉત્તર કોરિયાના લોકોને મળતા દરેક ફાયદાથી દૂર રાખ્યા છે. એ કારણે બન્નેએ દક્ષિણ કોરિયાની સરકાર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.
આ બધાની વચ્ચે મિસીસ બીના ચાઇનીઝ પતિએ બીજી મહિલા સાથે લગ્ન કરી લીધા છે. જોકે, તેઓ હજુ પણ મિત્રોની જેમ વાતચીત કરે છે.
મિસીસ બી હવે એક કૅફેમાં કામ કરે છે અને સિયોલમાં કૉફી વેચે છે. તેઓ કહે છે કે તેમણે ડાયરેક્ટર યુનને ફિલ્મ બનાવવાની હા માત્ર પૈસા માટે પાડી હતી.
તેઓ કહે છે, "તે સમયે મારી માટે પૈસા જ સર્વસ્વ હતા, પરંતુ હવે હું તેવું કંઈ વિચારતી નથી."
"મેં મારાં બાળકો માટે બધુ જ ત્યજી દીધું. હવે હું 50 વર્ષ પાર કરી ચૂકી છું. હવે હું મારા માટે જીવવા માગું છું, ખુશ રહેવા માગું છું. હવે મારે તસ્કરી સાથે કંઈ લેવા દેવા નથી."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












