ગ્રાઉન્ડ રિપોર્ટ: કોરિયાનું એવું ગામ જેની બાજુમાં પાથરેલી છે લાખો સુરંગો!

- લેેખક, નિતિન શ્રીવાસ્તવ
- પદ, બીબીસી સંવાદદાતા
દક્ષિણ કોરિયાના એક ગામમાં સવારના સાડા દસ વાગ્યા છે.
સીમા પર વસેલા આ ગામમાં શાંતિ છવાયેલી છે. જેને એકાદ બખ્તરબંધ ગાડી ક્યારેક તોડે છે.
યોંગામ રી ગામ પછી ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે ડિમિલિટ્રાઇઝ્ડ ઝોન શરૂ થઈ જાય છે.
અનુમાન છે કે આ ઝોનમાં દસ લાખથી પણ વધુ સુરંગો (લેંડમાઇન્સ, જેની ઉપર વજન પડતા વિસ્ફોટ થાય)ની જાળ પાથરવામાં આવી છે.

હિંસક ભાગલાના સાક્ષી

બીજી તરફ વૃદ્ધાશ્રમમાં ડઝનથી વધારે મહિલાઓ જમવાની થાળીની રાહ જોઈ રહી છે.
જમવામાં અનેક પ્રકારની સૂકી માછલીઓ, ડુક્કરનું માંસ, ભાત, કિમચી સલાદ અને કોરિયાનો 'રાષ્ટ્રીય દારૂ' પીરસાવાનો છે.
આ એ લોકો છે જેમણે દેશના હિંસક ભાગલાને જોયા છે. એમના ચહેરા પર આજે પણ તે દિવસોનો ભય દેખાય છે.
90 વર્ષની લી-સુન-જાએ 1950માં આ જ ગામમાં લોકોનો હત્યાકાંડ જોયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઘર નહીં છોડીએ

લી કહે છે, "મારા પતિ હયાત નથી અને મારા બાળકો મોટા થઈને બીજી જગ્યાએ જઈને વસી ગયાં છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં તણાવ પણ વધ્યો છે."
"હું મારી જગ્યા છોડવા નથી માગતી પરંતુ રોજ ડર રહે છે કે ફરીથી યુદ્ધ ફાટી ન નીકળે."
લી-સુન આ વૃદ્ધાશ્રમના એકલાં મહિલા હતાં જે અમારી સાથે વાત કરવા તૈયાર થયાં હતાં.
બીજા લોકોએ ઉત્તર કોરિયા વિશે ટિપ્પણી કરવાની ના પાડી દીધી કારણ કે કેટલાક લોકો ઉત્તર કોરિયાથી આવીને અહીં વસ્યા છે તો કેટલાક લોકોના સંબંધીઓ હજી પણ ત્યાં જ રહે છે.
પરંતુ લી-સુન-જા આ વાતથી બિલકુલ અજાણ છે કે ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ-ઉને છેલ્લા કેટલાક સમય દરમિયાન અનેક મિસાઇલ પરીક્ષણો કર્યાં છે. જેના કારણે વૈશ્વિક શાંતિ ડહોળાઈ છે.

ગામમાં મોટા-મોટા બંકર

એમણે કહ્યું, "હું ટીવી તો જોઉં છું પરંતુ કિમ વિશે બહુ ઓછી વાત થાય છે. જોકે, ઉત્તર કોરિયા હંમેશા લડાયક રહ્યું છે. ચિંતા એ જ વાતની છે."
યોંગામ રી જેવાં ડઝન ગામો ઉત્તર કોરિયાની સીમા પાસે વસેલાં છે.
દરેક ગામમાં મોટાં-મોટાં બંકર તૈયાર કરવામાં આવ્યાં છે. એવું કહેવાય છે કે બંકરમાં ઘૂસી જઈએ તો ભયાનક પરમાણુ અને રસાયણ હુમલાથી પણ બચી શકાય છે.
અનેક વિનંતીઓ પછી અમને બંકરની અંદર જવાની અને તેની ફિલ્મ ઉતારવાની પરવાનગી મળી.

યુદ્ધ માટે હંમેશા તૈયાર

લોખંડ અને કૉન્ક્રીટમાંથી બનેલી દિવાલો ચાર ફૂટથી પણ વધારે જાડી છે અને આ અંડર ગ્રાઉન્ડ બંકરોમાં મીણબત્તી અને ટૉર્ચ સિવાય વીજળી અને જનરેટર પણ છે.
મોટા-મોટા ફ્રિજમાં ત્રણ મહિના સુધી ખાવાના સામાન, કાંબળા અને બેટરીથી ચાલનારા શૉર્ટવેવ રેડિયો પણ છે.
જેના થકી યુદ્ધ સમયે બહારની દુનિયા સાથે સંપર્ક જળવાયેલો રહે.
દરેક ગામમાં ડિજિટલ સ્ક્રીન અને વિશાળ લાઉડસ્પીકર એલાર્મ પણ હંમેશા સજજ રાખવામાં આવે છે.
દક્ષિણ કોરિયાની રાજધાનીથી ચાર કલાક દૂર વસેલા આ વિસ્તારમાં પહોંચવા માટે ઠંડી હવા, અગણિત સુરંગો અને -10 ડિગ્રીના તાપમાનનો સામનો કરવો પડે છે.

બન્ને તરફ સૈનિકોનો ખડકલો

આ બધાં જ ગામોનું સૌથી નજીક ચુનચિયોં શહેર છે.
જેમજેમ શહેર નજીક આવે છે સામાન્ય માણસો ઓછા અને સૈનિકો વધારે દેખાવા લાગે છે.
પાંચ લાખથી વધારે દક્ષિણ કોરિયાઈ સૈનિકો આ બોર્ડર પર રાત દિવસ તહેનાત રહે છે.
બોર્ડરની બીજી તરફ ઉત્તર કોરિયાની તોપોનાં મોં પણ આ બાજુ ખડકાયેલાં છે.
આમ છતાં જે લોકો સીમા પર રહે છે તેઓ અહીંથી એક ઈંચ પણ ખસવા તૈયાર નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












