શું ગુજરાતમાં ખરેખર રિલીઝ થઈ શકશે ફિલ્મ પદ્માવત?

- લેેખક, રોક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી ગુજરાતી
ફિલ્મ 'પદ્માવત'નાં વિરોધમાં ગુજરાતમાં કેટલાક સ્થળોએ હિંસક વિરોધ પ્રદર્શનના બનાવો નોંધાયા છે. જેની સામે પોલીસે કડક કાર્યવાહી કરવાની ચેતવણી ઉચ્ચારી છે.
ઇન્ચાર્જ ડીજીપી પ્રમોદ કુમારે રવિવારે પત્રકાર પરિષદમાં લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની વાત કરી હતી.
હિંસા દરમિયાન આઠ એસટી બસોને સળગાવી દેવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને આદેશ આપ્યો છે કે ફિલ્મ 'પદ્માવત' રિલીઝ થવા દેવામાં આવે. આ માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવે.
તમને આ પણ વાંચવું ગમશે
ફિલ્મ 25મી જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. ગુજરાતના કેટલાક જિલ્લાના સિને વિતરકો તથા પ્રદર્શકોએ ફિલ્મને રિલીઝ નહીં કરવાનો નિર્ણય લીધો છે.

સજ્જ છીએ: ડીજીપી

ઇમેજ સ્રોત, Twitter/deepikapadukone
- 'પદ્માવત' મુદ્દેના ચાલી રહેલી હિંસા બાદ રવિવારે ઇન્ચાર્જ ડીજીપી પ્રમોદ કુમારે પત્રકાર પરિષદ સંબધી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું:
- "જો કોઈ વ્યક્તિ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરશે તો તેની સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની જાળવી રાખવા પોલીસ સજ્જ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
- "પોલીસ દ્વારા 'પદ્માવત' સંબંધિત હિંસા તથા ધમકીઓ આપવા મુદ્દે 15 કેસ દાખલ કરવામાં આવ્યા છે. જો કોઈ સિનેગૃહ માલિક રક્ષણ માગશે તો આપીશું.
- "સુપ્રી કોર્ટના આદેશનું પાલન કરવામાં આવશે અને ફિલ્મ સારી રીતે રિલીઝ થઈ શકે, તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે.
- "આ મુદ્દે રાજ્ય પોલીસની ડિસ્ટ્રિક્ટ ફિલ્ડ ટીમો રાજપૂત નેતાઓ, કરણી સેના, ફિલ્મ વિતરકો અને પ્રદર્શકોના સંપર્કમાં છે.
- "હાઈવે પર વાહન વ્યવહાર સુપેરે ચાલતો રહે તે માટે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ વાહનો વીડિયોગ્રાફીની સુવિધાથી સજ્જ છે.
- "કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા, પોલીસ ઉપરાંત, સ્ટેટ રિઝર્વ પોલીસ, રેપિડ એક્શન ફોર્સ, ગ્રામ રક્ષક દળ તથા હોમ ગાર્ડ્સના જવાનોની સેવાઓ લેવામાં આવી રહી છે.
કરણી સેનાના કથિત કાર્યકરો દ્વારા એસટી બસોને નિશાન બનાવવામાં આવી રહી છે જેના પગલે રાજ્ય વાહન વ્યવહાર નિગમ (એસટી)ની અનેક બસોના રૂટ રદ કરી દેવામાં આવ્યા છે.
રવિવારે વિદ્યાર્થીઓ તથા નિયમિત રીતે અપ-ડાઉન કરનારા સરકારી અને ખાનગી કર્મચારીઓની અવરજવર ન હોવાને કારણે ખાસ અસર વર્તાઈ ન હતી.
જોકે, સોમવારે શાળાઓ-કોલેજો તથા સરકારી કચેરીઓ રાબેતા મુજબ શરૂ થશે, એટલે તેની અસર વર્તાય તેવી શક્યતા છે.
સુલેહ-શાંતિના કારણસર ગુજરાતના કેટલાક ફિલ્મ વિતરકો તથા પ્રદર્શકોએ ફિલ્મ 'પદ્માવત'ને રજૂ નહીં કરવાનો નિર્ણય લીધો છે.

પદ્માવત મુદ્દે રાજ્ય સરકારે લીધી સલાહ

ઇમેજ સ્રોત, Kalpit Bhachech
ગુજરાત સરકાર ફિલ્મની રજૂઆતને અટકાવવા માટે કાયદાકીય સલાહ લઈ રહી છે.
રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, "અમે ચુકાદાનું સન્માન કરીએ છીએ.
"છતાંય અમને લાગે છે કે જો ફિલ્મ રજૂ થશે તો રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળશે."
"અમે કાયદાકીય રસ્તાઓ વિચારી રહ્યા છીએ. આ માટે અમે કેટલાક કાયદાકીય નિષ્ણાતોની સલાહ લઈ રહ્યાં છીએ."
સેન્સર સર્ટિફિકેટ છતાંય ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને રાજસ્થાનમાં ભાજપ શાસિત સરકારોએ ફિલ્મને રજૂ કરવા પર પ્રતિબંધ મૂક્યા હતા.
ગુજરાતના મલ્ટિપ્લૅક્સ ઑનર્સ એસોસિયેશનના મનુભાઈ પટેલના કહેવા પ્રમાણે આ અંગે તેમના સંગઠને કોઈ ઔપચારિક ઠરાવ પસાર નથી કર્યો.
જોકે, મનુભાઈ તેમના સિનેગૃહમાં ફિલ્મને પ્રદર્શિત નહીં કરે.
મનુભાઈના કહેવા પ્રમાણે, "જો તેઓ થિયેટરમાં ઘૂસી જાય અને સંપત્તિને નુકસાન પહોંચાડે તો શું કરવું?"

અમદાવાદમાં તોડફોડ

ઇમેજ સ્રોત, Dakshesh Shah
શનિવારે રીતે કરણી સેનાના કાર્યકરોએ કથિત રીતે અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી 'રાજહંસ સિનેમા'માં તોડફોડ કરી હતી.
નિકોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન. એન. પારઘીએ બીબીસી સાથે વાતચીતમાં જણાવ્યું હતું, " આ સંદર્ભે FIR દાખલ કરવામાં આવી છે અને થિયેટર ખાતે વધારાની પોલીસ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે."
બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં રાજપૂત કરણી સેનાના પરામર્શક માનવેન્દ્રસિંહ ગોહિલે આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી.
ગોહિલના કહેવા પ્રમાણે, "થિયેટરમાં ફિલ્મ 'પદ્માવત'નું ટ્રેલર રિલીઝ થયું હતું. અમે ફિલ્મ પર સંપૂર્ણ પ્રતિબંધ ઇચ્છીએ છીએ. તેમાં રાજપૂત મહિલાનું અપમાન કરવામાં આવ્યું છે.
અમદાવાદ-વડોદરા હાઈવે, અમદાવાદ-રાજકોટ હાઈવે અને સોમનાથનો હાઈવે પણ અમે જ બ્લૉક કર્યો હતો.
આ ઘટનાક્રમને પગલે અમદાવાદના પોલીસ કમિશનર એ.કે. સિંહે જાહેરનામું બહાર પાડીને લોકોને શાંતિ અને સૌહાર્દનું વાતાવરણ જાળવી રાખવા અપીલ કરી હતી.
સાથે જ સુલેહ-શાંતિનો ભંગ કરનારાઓ સામે કડક હાથે કાર્યવાહી કરવાની વાત પણ કરી છે.

ફિલ્મ નિર્માણ સમયે વિવાદ

ઇમેજ સ્રોત, Getty Images
- ફિલ્મનું નિર્માણ થઈ રહ્યું હતું, ત્યારે પણ વિવાદ થયો હતો. ગત વર્ષે ફિલ્મના નિર્માણ સમયે કરણી સેનાએ 'પદ્માવત'ના નિર્દેશક સંજય લીલા ભણસાલી સાથે મારઝૂડ કરી હતી.
- કરણી સેનાનું માનવું છે કે ફિલ્મમાં રાણી પદ્માવતી અને અલ્લાઉદ્દીન ખિલજી વચ્ચે કેટલાંક અંતરંગ દ્રશ્યો ફિલ્માવવામાં આવ્યા છે. જે પદ્માવતીનું અપમાન છે.
- રાજસ્થાનમાં એક વર્ગ માને છે કે ખિલજીથી બચવા માટે પદ્માવતી તથા હજારો અન્ય રાજપૂત સ્ત્રીઓએ જોહર કર્યું હતું.
- જ્યારે કેટલાક લોકો માને છે કે, 'પદ્માવતી'નો ઇતિહાસમાં કોઈ ઉલ્લેખ નથી. તે માત્ર કાલ્પનિક પાત્ર છે.
- અગાઉ ફિલ્મનું શિર્ષક 'પદ્માવતી' હતું. કરણી સેનાએ મુખ્ય ભૂમિકા ભજવી રહેલી દીપિકા પાદુકોણનું નાક કાપવાની પણ ધમકી આપી હતી.
- અગાઉ ફિલ્મ ડિસેમ્બર મહિનામાં રિલીઝ થનારી હતી. પરંતુ વિરોધને પગલે નિર્માતાઓએ તેની રિલીઝ મોકૂફ કરી દીધી હતી.
- સેન્સર બોર્ડે ફિલ્મ રિવ્યૂ કર્યાં બાદ તેને 'U/A' સર્ટિફિકેટ આપ્યું હતું. ફિલ્મમાંથી અમૂક દ્રશ્યોને દૂર કરવા સૂચના આપી હતી. ઉપરાંત કેટલાક દ્રશ્યો પણ દૂર કરવામાં આવ્યા હતા.
- આમ છતાંય કરણી સેના સહિત કેટલાક સંગઠનોએ ફિલ્મને રિલીઝ કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો. જેના પગલે ફિલ્મના દિગ્દર્શકે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.
- સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોમાં ફિલ્મ રિલીઝ કરવા, તથા આ માટે જરૂરી જોગવાઈઓ કરવા સૂચના આપી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













