નાનાભાઈ ભટ્ટ : ગુજરાતમાં બુનિયાદી શિક્ષણ આપનારી લોકશાળાઓનો પાયો નાખનારા કેળવણીકારની કહાણી

ઇમેજ સ્રોત, Bharat N. Bhatt
- લેેખક, ઉર્વીશ કોઠારી
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતીઓ વિશેની માન્યતાનાં અનેક ચોકઠાં તોડીને, વિવિધ ક્ષેત્રોમાં માતબર પ્રદાન કરનારા ગુજરાતીઓને યાદ કરવાનો અને ગુજરાતની અસ્મિતાની અસલી ઓળખ અંકે કરવાનો ઉત્સવ એટલે આ શ્રેણી.
ગાંધીજીથી પહેલાં કેળવણીની ચાલુ રીત કરતાં જુદો ચીલો પાડનાર નૃસિંહપ્રસાદ ઊર્ફે નાનાભાઈ ભટ્ટે ગાંધીજીના બુનિયાદી કેળવણીના સિદ્ધાંતોને અને જીવનદર્શનને ‘દક્ષિણામૂર્તિ’, ‘ગ્રામદક્ષિણામૂર્તિ’ અને ‘લોકભારતી’ જેવી સંસ્થાઓ થકી મૂર્તિમંત કર્યાં. સંસારી તરીકે તે એવું જીવન જીવ્યા કે તેમના જીવનના છેલ્લા તબક્કામાં સ્વામી આનંદ જેવા તેજસ્વી સાધુપુરુષ નાનાભાઈ સાથે સંવાદ કરવામાં-જિજ્ઞાસુની જેમ સવાલો પૂછીને તેમના જવાબ મેળવવામાં ધન્યતા અનુભવે.

આકરી સાદાઈ, અસીમ સાહિત્યપ્રીતિ

ઇમેજ સ્રોત, Bharat N. Bhatt
ભાવનગરમાં જન્મેલા નાનાભાઈના અભ્યાસનાં શરૂઆતનાં વર્ષો ગરીબીમાં વીત્યાં.સાધુસંતોનું આકર્ષણ અને વાચનનો શોખ પહેલેથી. તેમનાં પહેલાં પત્ની શિવબાઈનું પ્લેગમાં અવસાન થયું ત્યારે તે માંડ 22 વર્ષના. એકાદ વર્ષ સુધી તેમને એ આઘાતની કળ ન વળી. એ વખતે ભવભૂતિનું ‘ઉત્તરરામચરિત’ અને ટેનીસનનું ‘ઇન મેમોરિયમ’ તેમનાં સાથી બન્યાં.
મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં ભણવા ગયા અને હૉસ્ટેલમાં રહ્યા ત્યારે પણ અત્યંત સાદગીથી અને આકરી કરકસરથી રહ્યા. એક જ ઝભ્ભો હતો, તે રોજ રાત્રે ધોઈને સવારે એ જ પહેરીને કૉલેજ જાય. છતાં, મુંબઈની આસપાસના ડુંગરામાં ફરવાની તક છોડે નહીં. કૉલેજમાં અંગ્રેજીના અધ્યાપક જહાંગીર સંજાણાએ અંગ્રેજી નાટકોનો એવો ચસકો લગાડ્યો કે પેટે પાટા બાંધીને પુસ્તકો ખરીદતા ગયા. એક વાર એક અમેરિકન નાટક કંપની શેક્સપિયરનાં હેમ્લેટ, મેકબેથ અને ઓથેલો નાટક લઈને આવી ત્યારે નાનાભાઈએ રૂ. 30 ખર્ચીને ત્રણે નાટક જોયાં. અને તે ખર્ચ બે મહિના સુધી એક ટંક ખાવાનું છોડીને સરભર કર્યો.
ઇતિહાસ અને અર્થશાસ્ત્ર સાથે ભાવનગરમાં એમ.એ. સુધી ભણ્યા, ત્યાર પહેલાં શિક્ષક તરીકે નોકરી કરી અને છેવટે ભાવનગરમાં જ અધ્યાપક તરીકે નીમાયા. ત્યાર પહેલાં તે સમયે ભારે પ્રતિષ્ઠા ધરાવતા બીલખાના સંત શ્રીમન્ નથુરામ શર્માના પરિચયમાં આવીને, પ્રભાવિત થઈને તેમના શિષ્ય બન્યા-તેમના નિકટના વર્તુળમાં સ્થાન પામ્યા. તેમને મનમાં હતું કે શિક્ષકના વ્યવસાયમાં ધર્મ અને વ્યવહાર બંને સચવાઈ રહેશે, પણ છેક 1910માં તેમને લાગ્યું કે શિક્ષણ બજારુ બની રહ્યું હતું અને ચાલુ વ્યવસ્થામાં ધર્મબુદ્ધિથી કામ થઈ શકે એમ ન હતું. તે અહેસાસ છેવેટ ‘દક્ષિણામૂર્તિ’ની સ્થાપના સુધી દોરી ગયો.

દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનઃ નવી દિશામાં પ્રવાસ

ઇમેજ સ્રોત, Bharat N. Bhatt
નાનાભાઈ અને નથુરામ શર્માના બીજા શિષ્યોનો ખ્યાલ વિદ્યાર્થીઓમાં ધાર્મિકતાની ઊણપ પૂરી કરવાનો હતો. તે માટે તેમણે શાળાને બદલે ગુરુકુળ પ્રકારનું છાત્રાલય શરૂ કર્યું, શ્રીમન્ નથુરામ શર્મા દક્ષિણામૂર્તિદેવના ભક્ત હતા. તેથી સંસ્થાનું નામ અપાયું ‘દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવન’. ભાવનગરમાં 1910માં આ છાત્રાલય શરૂ થયું ત્યારે નાનાભાઈ શામળદાસ કૉલેજના અધ્યાપક તરીકે નોકરીમાં ચાલુ હતા. સાથોસાથ છાત્રાલયમાં તે ગૃહપતિ અને ટૂંક સમયમાં નવી પદ્ધતિથી શિક્ષણ આપનારા શિક્ષક પણ બન્યા. કૉલેજમાં મૂકેલી બે વર્ષની રજા પૂરી થયા પછી પણ તેમને લાગ્યું કે એ રીતે દક્ષિણામૂર્તિને તેમની કલ્પના પ્રમાણે ઘડી નહી શકાય. એટલે, સગાંસ્નેહી-જ્ઞાતિજનો-શુભેચ્છકોના ભારે વિરોધ વચ્ચે તેમણે કૉલેજની કાયમી નોકરી છોડી દીધી. કૉલેજનો મોટો પગાર છોડીને તે દક્ષિણામૂર્તિમાંથી ફક્ત પચાસ રૂપિયા પગાર લેતા હતા.
દક્ષિણામૂર્તિમાં તે સુંવાળા-અફસરી ગૃહપતિ બની રહેવાને બદલે રોજબરોજના જીવનની નાનામાં નાની બાબતોમાં રસ લઈને, તેની જાણકારી મેળવીને, સજ્જ સંચાલક બન્યા. સ્વમૂલ્યાંકનમાં એટલા પ્રામાણિક અને સતેજ કે વિદ્યાર્થીઓ પ્રત્યેની કડકાઈ, હરીફાઈ, ઇનામો—આ બધી બાબતોની નિરર્થકતા સમજતા ગયા તેમ તે બધું છોડતા ગયા અને નવતર અભિગમથી વિદ્યાર્થીઓને ઘડતા ગયા. વેવલા અને દંભી સિદ્ધાંતવાદી બનવાને બદલે લાગણીસભર-મમતાળુ વડીલ બનવાની અઘરી કસોટીમાં તે ઊતર્યા અને સફળ થયા. ઉદાહરણ તરીકે, સંસ્થાનું ભોજન મસાલેદાર ભલે ન હોય, પણ સ્વાદિષ્ટ તો હોવું જ જોઈએ, એવું તે માનતા. ‘ભોજન વખતનાં અસંતોષ અને અતૃપ્તિ મોટી ઉંમરના માણસોને પણ તેમના કામમાં વિહ્વળ બનાવે છે...’ આવું તેમની આત્મકથામાં લખતાં તે ખચકાયા ન હતા.
ભાવનગરના દીવાન પ્રભાશંકર પટ્ટણીને પહેલેથી નાનાભાઈ માટે સદ્ભાવ હતો. તેની રૂએ દક્ષિણામૂર્તિને રાજ્ય તરફથી થોડી આર્થિક મદદ પણ મળતી હતી. તે સિવાય ભંડોળ ઉઘરાવવા માટે નાનાભાઈ દેશવિદેશમાં જતા હતા, પરંતુ રૂપિયા ઉઘરાવવા માટે તેમણે સ્વમાન અને સંસ્થાના નિયમો સાથે ક્યારેય બાંધછોડ ન કરી. જરૂર પડ્યે સાચાનો પક્ષ લઈને રાજ્યની સામે પડતાં ખચકાયા નહીં. સામે ભાવનગરના રાજવી અને દીવાને પણ તેમની પ્રતિભાની કદર કરી અને તેમના સ્વતંત્ર મિજાજને સાંખી લીધો-કંઈક પોષ્યો પણ ખરો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ગ્રામદક્ષિણામૂર્તિ, ગુજરાત વિદ્યાપીઠ અને લોકભારતી

ઇમેજ સ્રોત, Bharat N. Bhatt
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
દક્ષિણામૂર્તિમાં શરૂઆતના ગાળામાં નાનાભાઈને ગિજુભાઈ બધેકા, હરભાઈ ત્રિવેદી અને પછીથી તારાબહેન મોડક સહિતનાં સમર્થ સાથીદારો મળ્યાં. સંસ્થાની પ્રવૃત્તિઓમાં છાત્રાલય ઉપરાંત વિનય મંદિર, બાલ મંદિર, પ્રકાશન વિભાગ જેવાં ક્ષેત્રોમાં વિસ્તરી. પરંતુ તે તત્ત્વતઃ હિંદુ વિદ્યાર્થીઓની સંસ્થા હતી. તેમાં દલિત વિદ્યાર્થીઓના પ્રવેશ બાબતે શ્રીમન્ નથુરામ શર્માનો વિરોધ હતો. પરંતુ 1917થી ગાંધીજીના પરિચયમાં આવ્યા પછી નાનાભાઈના મનમાં તીવ્ર મંથન શરૂ થયું હતું. તેમાં ગિજુભાઈ બધેકા, હરભાઈ ત્રિવેદી જેવા સાથીદારો અને કાકા કાલેલકર જેવા શુભેચ્છકોનો આગ્રહ ભળ્યો. ઊંડા મનોમંથન પછી નાનાભાઈએ ગુરુને સંસ્થા પાછી સોંપવાનું નક્કી કર્યું. છેવટે, ગાંધીજીએ સમાધાન કરાવ્યું અને એવો વચલો રસ્તો કબૂલ રખાવ્યો કે સંસ્થામાં દલિત વિદ્યાર્થીઓને પ્રવેશ ખરો, પણ રસોડે એક હારમાં બેસીને જમવાનું નહીં.
ગાંધીજી વિદ્યાપીઠના કુલપતિ (ચાન્સેલર) હતા, ત્યારે તેમના આગ્રહથી નાનાભાઈ બેએક વર્ષ (ડિસેમ્બર 1926થી જાન્યુઆરી 1928) સુધી વિદ્યાપીઠના કુલનાયક (વાઇસ ચાન્સેલર) બન્યા. તે સમયે નાનાભાઈ ભાવનગર અને અમદાવાદ વચ્ચે વહેંચાયેલા રહેતા હતા. પરંતુ વિદ્યાપીઠમાં તેમના મૂળ રસ એવા કેળવણીના કામને બદલે બીજી જવાબદારીઓ વધુ લાગતાં, તેમણે વિદ્યાપીઠ છોડી. 1930ના નમક સત્યાગ્રહમાં તેમણે ભાગ લીધો અને જેલ પણ વેઠી. લડત પછી સંસ્થામાં એક મહિનો રહેવા આવેલા જુવાનિયાઓમાંથી તેમને મનુભાઈ પંચોળી મળ્યા, જે દક્ષિણામૂર્તિથી આગળની યાત્રામાં નાનાભાઈના સક્ષમ સાથી અને આગળ જતાં ઉત્તરાધિકારી બની રહ્યા.
દક્ષિણામૂર્તિના વાતાવરણમાં અંદરોઅંદરના મતભેદ અને ઝઘડા વધતાં નાનાભાઈએ 1938માં આંબલા નામના ગામડામાં ગ્રામદક્ષિણામૂર્તિની સ્થાપના કરી. જીવનનાં કિમતી 28 વર્ષ જે સંસ્થામાં તેમણે આપ્યાં, તે દક્ષિણામૂર્તિ સંસ્થા છોડતી વખતે તેમણે ત્યાંથી દક્ષિણામૂર્તિ દેવના ચિત્ર સિવાય એક પાઈ પણ લીધી નહીં. ત્યાં જઈને ગુરુને આપેલા વચનમાંથી મુક્ત થયેલા નાનાભાઈએ દલિત વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણપણે સમાન વ્યવહારની નીતિ અમલમાં મૂકી. જીવનના 56મા વર્ષે તેમણે ગાંધીજીએ આપેલા નવા શિક્ષણવિચાર પ્રમાણે બુનિયાદી શિક્ષણ આપનારી લોકશાળાનો આરંભ કર્યો. આ સંસ્થામાં નાનાભાઈને મનુભાઈ પંચોળી ઉપરાંત નટવરલાલ પ્ર. બૂચ અને મૂળશંકર મો. ભટ્ટ જેવા અનુયાયીભાવ ધરાવતા સમર્થ સાથીદારો મળ્યા. ત્યાર પછી વારો આવ્યો ગ્રામ વિદ્યાપીઠનો. પોતાની આગવી દૃષ્ટિ અને સાથીદારોના મજબૂત સહકારથી નાનાભાઈએ 71 વર્ષની વયે 1953માં સણોસરામાં ‘લોકભારતી’ની સ્થાપના કરી અને ત્રણ વર્ષ સુધી તેના નિયામક તરીકેની જવાબદારી સંભાળીને વેરાનમાં હરિયાળીનું સર્જન કર્યું.

પ્રધાન, સાંસદ, લેખક, કથાકાર

ઇમેજ સ્રોત, Bharat N. Bhatt
આઝાદી પછી સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્ય મંત્રી ઉછંગરાય ઢેબરના આગ્રહથી નાનાભાઈએ શિક્ષણખાતું સંભાળ્યું, પણ એ દુનિયા તેમને ફાવી નહીં. 1952માં તે ચાર વર્ષ માટે રાજ્યસભામાં નિયુક્ત થયા. પરંતુ તેમનો જીવ કેળવણીકાર, ધર્મપુરુષ અને કર્મશીલ ચિંતકનો હતો. રામાયણ અને મહાભારતનાં પાત્રો વિશેનાં તેમનાં લખાણ વ્યાપક લોકચાહના પામ્યાં. ભાગવતના તે એવા અનુરાગી હતા કે ગામોમાં તે ભાગવત કથા કરવા જતા અને કથા પેટે કશાં દાનદક્ષિણા લેતા નહીં. ત્રણ સંસ્થાઓનાં વિવિધ પ્રકાશનોમાં તેમણે જીવંત રસ લીધો. ઘણં લખ્યું. તેમના જીવનના આરંભથી દક્ષિણામૂર્તિ છોડવાના તબક્કા સુધીની કથા આલેખતી નાનાભાઈની આત્મકથા ‘ઘડતર અને ચણતર’ સ્વમૂલ્યાંકન-સ્વવિકાસના પ્રામાણિક તેમ જ વિચારપ્રેરક આલેખનું ઉત્તમ ઉદાહરણ છે.
કુટુંબજીવનમાં નાનાભાઈને ઘણા ચઢાવઉતાર અને પત્ની-બાળકોનાં મૃત્યુના કારમા ઘા વેઠવાના આવ્યા. થાપાનું હાડકું ભાંગતાં જીવનનાં છેલ્લાં ચાર વર્ષ તેઓ પથારીવશ રહ્યા. છતાં છેલ્લે સુધી તેમનાં માનસિક સ્વસ્થતા અને વૈચારિક સ્પષ્ટતા ટકી રહ્યાં. તેનો પરચો 1961માં પ્રકાશિત પુસ્તક ‘પથારીમાં પડ્યાં પડ્યાં’માંથી મળે છે. તેમાં એંસી નજીક પહોંચેલા, પથારીવશ નાનાભાઈએ સ્વામી આનંદ અને બીજા લોકોના સવાલોના વિગતવાર જવાબ આશ્ચર્યચકિત થઈ જવાય એટલી સ્વસ્થતાથી આપ્યા હતા. કારણ કે, એ પોથીમાંનું જ્ઞાન નહીં, તેમના જીવનમાંથી નીપજેલી અને ઉત્ક્રાંતિ પામેલી સમજની પ્રસાદી હતી.
‘પદ્મશ્રી’ સન્માન માટે એક વાર ઇન્કાર કર્યા પછી, અભિમાન ન લાગે એટલા માટે 1960માં તે સન્માન સ્વીકાર્યું. સૌથી લાંબો સમય જેમની સાથે સહવાસ રહ્યો તે પત્ની અજવાળીબહેન સાથેનો તેમનો વ્યવહાર તેમને પ્રખર નારીવાદી તરીકે સ્થાપિત કરે એવો હતો. તેમનાં પત્ની વર્ષો સુધી ખાદી પહેરવા અને છેવટ સુધી આભડછેટ દૂર કરવા કબૂલ ન થયાં. નાનાભાઈએ તે માટેની ટીકા સહન કરીને પણ તેમની પર પોતાની મરજી ન લાદી અને પોતાના આચરણથી-પ્રેમથી તેમને કૂણાં પાડવાના પ્રયાસ ચાલુ રાખ્યા. ‘ખાદી પહેરવાની ચીજ છે, પહેરાવવાની નહીં’—એવું માનતા નાનાભાઈના કેળવણી, ધર્મ અને જીવન વિશેના વિચાર કોઈ પણ સમભાવી-સંવેદનશીલ વ્યક્તિને કોઈ પણ કાળે સ્પર્શે એવી તાકાત અને પ્રસ્તુતતા ધરાવે છે.
આ શ્રેણીના અન્ય કેટલાક લેખો
- હરિપ્રસાદ વ્યાસ : ગુજરાતી બાળસાહિત્યના અમર પાત્ર 'બકોર પટેલ'ના સર્જકની અજાણી સર્જનકહાણી
- છોટુભાઈ પુરાણી : માયકાંગલા હોવાનું મહેણું ખાતા ગુજરાતીઓમાં અખાડાપ્રવૃત્તિથી પરાક્રમ પ્રગટાવનાર ગુજરાતી
- મણિબહેન પટેલ : સરદાર પટેલના વ્યક્તિત્વમાં સમાઈ ગયેલાં પ્રતિબદ્ધ પુત્રીની કહાણી
- સાચું બોલવામાં કોઈની શરમ ન રાખતા એ ગુજરાતી જેમણે ટાગોરને પણ સંભળાવી દીધું હતું
- હરિદાસ વિહારીદાસ દેસાઈ જેમને સ્વામી વિવેકાનંદ પિતાતુલ્ય ગણતા
- ત્રિભુવનદાસ કે. ગજ્જર: રાણી વિક્ટોરિયાનાં પૂતળા પર દૂર કરવા અશક્ય મનાતા ડાઘને સાફ કરી આપનારા ગુજરાતી રસાયણશાસ્ત્રી
- ભાઈકાકા – પાકિસ્તાનના સક્કરબેરેજથી લઈ શિક્ષણનગરી વલ્લભવિદ્યાનગરનું નિર્માણ કરનારા ગુજરાતી એન્જિનિયર
- સ્વામી આનંદ : ગુજરાતી સાહિત્યના એ 'ગદ્યસ્વામી' જેમણે દેશસેવા માટે ભગવાં ત્યજી દીધાં
- અબ્બાસ તૈયબજી : ગાંધીજીના ‘પાકા મિત્રો પૈકીના એક’ એવા ‘ગ્રાન્ડ ઑલ્ડ મૅન ઑફ ગુજરાત’
- મણિબહેન પટેલ : સરદાર પટેલના વ્યક્તિત્વમાં સમાઈ ગયેલાં પ્રતિબદ્ધ પુત્રીની કહાણી
- ગિરનારના શિલાલેખ સહિત અનેક પ્રાચીન લેખોને ઉકેલી આપનાર પુરાતત્ત્વવિદ્ ભગવાનલાલ ઇન્દ્રજી
- મથુરાદાસ ત્રિકમજી : 'ગાંધીજીના જીવનની દીવાદાંડી' અને 'નીતિના ચોકીદાર'
- ભાઈકાકા – પાકિસ્તાનના સક્કરબેરેજથી લઈ શિક્ષણનગરી વલ્લભવિદ્યાનગરનું નિર્માણ કરનારા ગુજરાતી એન્જિનિયર
- ભિક્ષુ અખંડાનંદ: ગુજરાતમાં ઘેરઘેર 'સસ્તું સાહિત્ય' પહોંચાડનાર પુસ્તકપ્રસારના ભેખધારી સંન્યાસી
- જયકૃષ્ણ ઇન્દ્રજી : ચાર ચોપડી ભણેલા વનસ્પતિશાસ્ત્રી, જેમણે વનસ્પતિ ઓળખીને ગુજરાતી નામ પાડ્યાં
- ઇન્દુચાચા : મહાગુજરાત ચળવળના પ્રણેતા અને ગુજરાતમાં કૉંગ્રેસવિરોધી રાજકારણનો પાયો નાખનારા ઝોળાધારી ‘ફકીર’














