વડનગરનો ઇતિહાસ : PM મોદીનું ગામ સદીઓ પહેલાં કેટલું સમૃદ્ધ હતું?

ઇમેજ સ્રોત, GUJARATTOURISM.COM
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
વડનગર એટલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું જન્મસ્થળ. આ કદાચ નગરની અર્વાચીન ઓળખ હોય શકે છે, પરંતુ તેની પ્રાચીન ઓળખ અનેક સદીઓ જૂની છે. પુરાણોમાં પણ આ નગરનો ઉલ્લેખ જોવા મળે છે.
વડનગરની એક ખાસિયત ઐતિહાસિક દૃષ્ટિએ તેને મદુરાઈ, તંજાવુર અને વારાણસીની શ્રેણીમાં મૂકે છે. વ્યૂહાત્મક સ્થળે આવેલું હોવાથી આ નગર હિંદુ ઉપરાંત બૌદ્ધ અને જૈન ધર્મના લોકો માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. આ સિવાય અહીં આવેલું સિકોતરમંદિર વડનગરના વેપારી સંબંધો ઉપર પ્રકાશ પાડે છે.
પોતાની સદીઓની યાત્રા દરમિયાન વડનગરે પ્રાકૃત્તિક, ધાર્મિક અને માનવસર્જિત આપદાઓનો સામનો કર્યો છે. રહીશોએ તેમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ કાઢ્યો છે, જેમાં તેમની વાસ્તુકલા અને જળસંચય-વ્યવસ્થામાં સુધારનો પણ સમાવેશ થાય છે.
યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટની સંભવિત યાદીમાં વડનગરને સ્થાન આપવામાં આવ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વડનગરને પર્યટન અને પુરાત્ત્વીય નકશા પર મૂકવા માટે અનેક પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.
વડનગરનાં સાત નામ, સાત કાલખંડ, સાત સંકટ

ઇમેજ સ્રોત, GUJARATTOURISM.COM
નગરને તેનું હાલનું નામ 'વડનગર' ગાયકવાડના સમયથી પ્રચલિત થયું છે. આના સહિત ઇતિહાસમાં નગરનાં સાત જેટલાં નામ પ્રચલિત છે. ગાયકવાડ શાસકોના મુખ્યમથક બરોડાનું એક નામ 'વડોદરા' છે. આ બંને નામ વડના વૃક્ષ સાથે જોડાયેલાં છે.
મહાભારતમાં અનાર્ત ક્ષેત્રનો વારંવાર ઉલ્લેખ આવે છે, જે આજના સમયનું ઉત્તર ગુજરાત છે. વડનગર આ વિસ્તારમાં જ આવેલું છે.
ક્ષત્રપયુગ દરમિયાન આ નગરનું નામ 'આનંદપુર' હોવાના ઉલ્લેખ મળે છે, એટલે કે એવું નગર કે જ્યાંના લોકો સદા ખુશ અને આનંદમાં રહે છે. જોકે માત્ર વડનગર જ નહીં એ સમયનાં અન્ય નગરો સાથે પણ આ નામ જોડાયેલું હોવાનું જાણવા મળે છે. ક્ષત્રપયુગ સમાપ્ત થયો તે પછીના સમયમાં આ વિસ્તારનું નામ 'આનર્ત્તપુર' હતું.
સોલંકી યુગ દરમિયાન વડનગરનું નામ 'વીપ્રપુર' હતું. ગુજરાતી તથા સંસ્કૃતમાં બ્રાહ્મણને માટેનો એક શબ્દ 'વીપ્ર' છે. વડનગરના નાગર બ્રાહ્મણોની પ્રસિદ્ધિ અને પ્રભુત્વને કારણે નગરને આ નામ મળ્યું હશે એમ માનવામાં આવે છે. સલ્તનતકાળ દરમિયાન આ નગર 'વૃદ્ધનગર' તરીકે ઓળખાતું. ઇતિહાસના એક તબક્કે આ વિસ્તાર માત્ર 'નગર' તરીકે પ્રખ્યાત હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જ્યારથી અહીં માનવવસતિની શરૂઆત થઈ, ત્યારથી અહીં સળંગ રીતે માનવવસવાટ રહ્યો છે, આ વિશેષતા તેને ઐતિહાસિક દૃષ્ટિએ આ નાનકડા નગરને મદુરાઈ અને તંજાવુર (તામિલ નાડુ), કાશી, ઉજ્જૈનની સમકક્ષ મૂકે છે.
સ્થાનિકોનું કહેવું છે કે તેના લગભગ બે હજાર 750 વર્ષના ઇતિહાસ દરમિયાન વડનગર સાત વખત તારાજ થયું છે અને સાતેય વખત બેઠું થયું છે.
નગરના ઇતિહાસને મુખ્યત્વે સાત સાંસ્કૃત્તિક કાલખંડમાં (ઇન્ડિયન આર્કિયૉલૉજીકલ સોસાયટીના જર્નલ 'પુરાતત્વ', વૉલ્યુમ 52, 2022, પેજ નં. 113) વહેંચવામાં આવે છે. જેમાં કોટદિવાલ પહેલાંનો સમય ઈસુ પૂર્વે પાંચમીથી બીજી સદી દરમિયાન હોવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. ઈસુ પૂર્વે બીજી સદીથી ઈસુની પહેલી સદીના સમયને કોટદિવાલનો સમય ગણવામાં આવ્યો છે.
પહેલીથી ચોથી સદીનો સમય ક્ષત્રપકાળ હતો. અનુ-ક્ષત્રપકાળ પાંચમી સદીમાં શરૂ થયો અને તે નવમીથી 10મી સદી સુધી લંબાયો હોવાનાં પ્રમાણ મળે છે. ઈસુની 10મી થી 13મી સદીનો સમયગાળો સોલંકી અને વાઘેલાઓનો શાસનગાળો હતો. સોલંકીયુગને 'ગુજરાતનો સુવર્ણયુગ' કહેવામાં આવે છે.
14મીથી 17મી સદી દરમિયાન ગુજરાતમાં ઇસ્લામનું આગમન થયું. આ ગાળા દરમિયાન સુલતાનો અને મોઘલોએ પશ્ચિમ ભારતના આ વિસ્તાર ઉપર રાજ કર્યું. મરાઠાઓના ઉદય સમયે આ વિસ્તાર તારાજ થયો હતો. ગાયકવાડોના હસ્તક આવ્યા પછી સ્થિરતા આવી અને તેમના મારફત અંગ્રેજોનું આ વિસ્તાર પર પ્રભુત્વ જળવાય રહ્યું. આ વ્યવસ્થા 18મી અને 19મી સદી દરમિયાન લાગુ રહી.
હિંદુઓના પવિત્ર ગ્રંથ સ્કંદપુરાણના નાગરખંડમાં ચમત્કાર નામના રાજાના નામ પરથી 'ચમત્કારપુર'નો ઉલ્લેખ છે. અન્ય એક વાયકા પ્રમાણે, રાજાને કોઢ થયો હતો અને અહીંના જળકુંડમાં સ્નાન કરવાથી તે દૂર થયો હતો. આમ ચમત્કાર થયો હોવાથી ચમત્કારપુર નામ મળ્યું. પુરાણનો અન્ય એક ઉલ્લેખ આ નગરને હિંદુઓ માટે પવિત્રસ્થળ બનાવે છે.
હાટકેશ્વર અંગેની માન્યતા

ઇમેજ સ્રોત, GUJARATTOURISM.COM
સંસ્કૃતમાં હટક કે હાટકનો મતલબ સોનું એવો થાય છે. એટલે આ વિસ્તાર હાટકેશક્ષેત્ર તરીકે પણ ઓળખાય છે, જોકે તેના કોઈ શિલાલેખ નથી, માત્ર સ્કંદ પુરાણનો ઉલ્લેખ છે.
વડનગરના હાટકેશ્વર મંદિરના પૂજારી નિરંજન રાવલ લિંગપુરાણને ટાંકતાં ઉમેરે છે કે આકાશમાં તારક નામનું શિવલિંગ છે, પાતાળમાં હાટકેશ્વર અને મૃત્યુલોક એટલે કે ઉજ્જૈનમાં મહાકાલ એમ ત્રણ 'આદિલિંગ' છે.
જોન વૉટ્સન તેમના પુસ્તક 'હિસ્ટ્રી ઑફ ગુજરાત – મુસલમાન પીરિયડ'માં લખે છે કે, (પેજ 70) વર્ષ 1694માં મુઘલ બાદશાહ ઔરંગઝેબ દ્વારા પાટણના સુબેદાર મુબારિઝ ખાનને આદેશ આપવામાં આવ્યા કે વડનગરમાં મંદિરોને તોડી પાડવામાં આવે. સુબેદારના દીકરા મોહમ્મદ બાબીએ તેનો અમલ કર્યો. (ગુજરાતનો ઇતિહાસ રસિકલાલ પરીખ અને હરિપ્રસાદ શાસ્ત્રી, ભાગ 5, પેજ નંબર 433)
વડનગરનું હાટકેશ્વર મંદિર અનેક વખત પુનઃનિર્માણ પામ્યું છે. હાલનું મંદિર લગભગ 17મી સદીનું હોવાનું માનવામાં આવે છે.
આંધ્ર પ્રદેશમાં આવેલું શ્રીશૈલમ્ 12 જ્યોર્તિલિંગોમાંથી એક છે. ત્યાં પાસે આવેલા એક શિવલિંગને પણ સ્થાનિકો હાટકેશ્વરક્ષેત્ર તરીકે ઓળખે છે અને તેને સ્કંદ પુરાણ સાથે જોડે છે. તામિલ નાડુમાં પણ હાટકેશ્વરક્ષેત્ર આવેલું હોવાની સ્થાનિકોની માન્યતા છે.
સજ્જડ સુરક્ષાવ્યવસ્થા

ઇમેજ સ્રોત, GUJARATTOURISM.COM
વડનગરમાં જમીન પર ખોદકામ દરમિયાન મળેલા સૌથી પ્રાચીન અવશેષ મૌર્યકાળના છે. એ સમયે નગરવાસીઓ ખેતી અને પશુપાલન કરતા. આ સિવાય શંખ અને બીડની કારીગીરીના અવશેષ જોવા મળે છે.
ક્ષત્રપકાળ દરમિયાનના સિક્કા, મહોર અને બીબાં મળ્યાં છે. આ સિવાય ઇન્ડો-પેસિફિક શૈલીના મળકા મળી આવ્યા છે. સિક્કાના કારણે એવો નિષ્કર્ષ કાઢવામાં આવે છે કે પૈસાનું ચલણ શરૂ થઈ ગયું હશે અને દેશદેશાવરમાં વેપાર થતો હશે.
એ સમયે વડનગર વેપાર ઉપરાંત રહેણાકનું પણ કેન્દ્ર હતું. લોકોએ પાક્કી ઇંટનાં મકાન બનાવવાનું શરૂ કરી દીધું હતું, પરંતુ તેનું કદ પહેલાંની ઇંટો કરતાં ઓછું હતું. વડનગર ઉત્ખનન સાઇટ સુપરિન્ટેન્ડેન્ટ અભિજિત અંબેકરે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે,
"એક તબક્કે નગરને સલામત બનાવવાની જરૂર ઊભી થઈ. એટલે તેમણે ત્યાં ઊંડી ખાઈ ખોદી તેમાંથી નીકળેલી માટીને બહારની બાજુએ ઠાલવીને સુરક્ષાઘેરો ઊભો કર્યો. ખાઈમાં જળપ્રવાહનાં નિશાન અને કાળી માટી મળી છે. જેના આધારે પાસેના તળાવમાંથી તેમાં પાણી ઠાલવવામાં આવતું હશે એમ માનવામાં આવે છે."
"ક્ષત્રપકાળ દરમિયાન પાક્કી ઇંટોનું મોટા પાયે ઉત્પાદન થવા લાગ્યું હોય તેમ જણાય છે. જેની મદદથી રેતીના ઢગ ઉપર કોટદિવાલ બનાવવાનું શરૂ કરવામાં આવ્યું. તે ભારતની સૌથી જૂની કોટદિવાલોમાંથી એક હોવાનું જણાય આવે છે."
સોલંકીકાળમાં સિદ્ધરાજ જયસિંહે વડનગર ફરતેની કિલ્લેબંધીને મજબૂત કરાવી હતી. એ પછી સલ્તનતકાળ, મોઘલકાળ અને ગાયકવાડના સમયમાં પણ કોટદિવાલમાં ફેરફાર, ઉમેરા, સુધારા-વધારા થયા હોવાનું જણાય આવે છે.
કોટદિવાલ પૂર્વથી પશ્ચિમે એક કિલોમીટર અને ઉત્તરથી દક્ષિણે 700 મીટર જેટલી લંબાયેલી છે, જેણે નગરની સદીઓની સફર અને આક્રમણ જોયાં છે. ખાઈ એટલી પહોળી હતી કે હાથી તેમાંથી પસાર ન થઈ શકે. તેને પાણીથી ભરી રાખવામાં આવતી.
પાણી મુદ્દે પાણીદાર વડનગર

ઇમેજ સ્રોત, VADNAGARNOVARSO.COM
સાતમી સદીમાં ચીનના મુસાફર હ્યુએન સાંગે ચીનથી તિબેટ, મધ્ય એશિયા, અફઘાનિસ્તાન, સિંધ થઈને વડનગર પહોંચ્યા હતા. તેમણે રસ્તામાં ઠેર-ઠેર દુષ્કાળના ઓછાયા જોયા હતા, પરંતુ કુશળ જળપ્રબંનને કારણે વડનગરમાં સ્થિતિ ખૂબ જ સારી હતી. સદીઓથી નગરની પૂર્વોત્તરે આવેલું શર્મિષ્ઠા તણાવ જળઆપૂર્તિનો મુખ્ય સ્રોત છે.
વડનગરનાં અલગ-અલગ સાંસ્કૃત્તિક સ્તરનો અભ્યાસ કરનારા આંબેકરના મત પ્રમાણે ('પુરાતત્વ', વૉલ્યુમ નંબર 52, 2022, પેજ નં. 118-120), એક તબક્કે ભારે દુકાળ પડ્યો હોવાનું માલૂમ પડે છે, કારણ કે તેમાં જમીનના સ્તર ઉપર કૅલકરેટનું પડ બની ગયું હતું. જેનો સમય અનુ-મૈત્રકકાળ અને સલ્તનકાળ આજુબાજુનો અંદાજવામાં આવે છે. પાંચમી અને છઠ્ઠી સદી દરમિયાન સારો વરસાદ પડતો હોવાનું અનુમાન તે સમયના સાંસ્કૃત્તિક અવશેષોમાંથી મળી આવેલાં અનાજના દાણાના આધારે કરી શકાય છે.
સ્થાનિકોનું કહેવું છે કે 'વડનગરમાં 360 તળાવ, 360 કુવા અને 360 ધર્મસ્થળ છે.' સોલંકીયુગ દરમિયાન વડનગરમાં વાવ અને કૂંડનું પણ બાંધકામ કરવામાં આવ્યું હતું. અમુક અભ્યાસોમાં વડનગર તથા આજુબાજુમાં 50થી વધુ જળસ્રોત મળી આવ્યા છે. તેમાંથી વડનગરના ત્રણ કિલોમીટરના વિસ્તારમાં આવેલા 36 જેટલા જળસ્રોત પરસ્પર જોડાયેલા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
અનુશ્રુતિ પ્રમાણે, 15મી સદી આસપાસ તળાવનું પાણી ખાલી થઈ ગયું હતું, ત્યારે શર્મિષ્ઠા નામની યુવતીએ પોતાની જાતનું બલિદાન આપ્યું હતું, એ પછી તેમાં પાણી આવ્યું હતું. એટલે આ તળાવને આ નામ મળ્યું.
1980ના દાયકામાં વડનગરમાં દુકાળ પડ્યો, ત્યારે શર્મિષ્ઠા તળાવ સૂકાઈ ગયું હતું અને તે પછી તેમાં મગર દેખાવાના બંધ થઈ ગયા.
ભૂકંપ સામે ભીડનાર વડનગર
નવમીથી દસમી શતાબ્દી દરમિયાન ભયાનક ભૂકંપ આવ્યો હોવાના પુરાવા વડનગરના સાંસ્કૃત્તિક સ્મૃતિશેષોમાંથી મળે છે.
ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મૉલૉજિકલ રિસર્ચના (આઈએસઆર) સંશોધનમાં વડનગરની આસપાસ 40 કિલોમીટર લાંબી ફૉલ્ટલાઇન જોવા મળી હતી. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર સાડા છ આસપાસ રહી હશે.
ભૂકંપની અસર કોટદિવાલ પર પણ જોઈ શકાય છે. જ્યાં સામેથી જોતા વચ્ચે હાઈ-એંગલ ફૉલ્ટલાઇન જોઈ શકાય છે અને જમણીબાજુનો ભાગ થોડો ઊંચો વધેલો દેખાય છે.
આઈએસઆરના સંશોધનકર્તા સિદ્ધાર્થ પ્રિઝોમવાલાએ બીબીસી સાથે વાત કરતા જણાવ્યું, "એ ભયાનક ભૂકંપ બાદ વડનગરવાસીઓએ તેમનાં ઘરોની ડિઝાઇનમાં ફેરફાર કર્યો હોવાનું જણાય આવે છે. તેમણે ઇંટની સાથે વચ્ચે વાંસના એક સ્તરનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. જેથી કરીને ભૂકંપને કારણે હલચલ થાય તો વાંસની લવચિકતા અને સ્થિતિસ્થાપકતાને કારણે ધ્રૂજારી તો આવે, પરંતુ મોટું નુકસાન ટાળી શકાય. આને ભૂકંપરોધી ડિઝાઇનનું પ્રાથમિક સ્વરૂપ ગણી શકાય. આજે પણ દેશના પહાડીવિસ્તારોમાં ધાર્મિકસ્થળો અને ઘરોમાં આ પ્રકારની ડિઝાઇન જોવા મળે છે."
સિંધુ ખીણ સંસ્કૃત્તિ દરમિયાનનું રાજસ્થાનનું કાલિબંગન નગર ભૂકંપને કારણે ખાલી થઈ ગયું હતું અને રહેવાસીઓ હિજરત કરી ગયા હતા, આથી વિપરીત વડનગરવાસીઓ અહીં જ રહ્યાં અને ભૂકંપ સામે બાથ ભીડી હતી.
વડનગરના નાગરનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images
વડનગરના હાટકેશ્વર મહાદેવ અહીંના નાગર બ્રાહ્મણ સમુદાયના ઇષ્ટદેવ છે. છઠ્ઠી શતાબ્દીથી લગભગ એક હજાર એકસો વર્ષ સુધી તેમનો નગરના શાસન પર દબદબો રહ્યો હતો.
મીરાતે અહમદીના (અલી મુહમ્મદ ખાન, અનુવાદ પઠાણ નીઝામખાન નુરખાન વકીલ, પેજ નં. 29) વિવરણ પ્રમાણે, 'વડનગર, ઉમરેઠ અને ઓલખ સોરઠમાં બધાં સ્ત્રીપુરુષ એવાં ચંપકવર્ણા અને ફૂટડા છે કે તેમને જોતાં જ પ્રાણ પર ઘાત આવે અને વાત કરવાથી પ્રાણપ્રાપ્તિ થાય.'
એક તબક્કે વડનગરનું નામ 'નગર' હતું અને અહીં રહેતા બ્રાહ્મણો એટલે નાગર બ્રાહ્મણ. તેઓ 'કલમ, કડછી અને બરછી'નો ઉપયોગ કરવાના નિષ્ણાત હતા. ગુજરાતના તત્કાલીન નાનાં મોટાં રજવાડાંમાં સલાહકાર, દીવાન અને સેનાપતિ તરીકે તેમની માગ રહેતી.
કલમ મતલબ કે તેઓ વ્યાકરણ, સાહિત્ય અને ગણિતમાં નિષ્ણાત હતા. બરછી એ ભાલા જેવું એક હથિયાર હોય છે. જ્યારે કડછી એટલે રસોઈ કરવાનો ચમચો. મતલબ કે અહીં વસતા નાગર પાકશાસ્ત્રના પણ નિષ્ણાત હતા.
અંગ્રેજ અધિકારી એમ. એસ. કમિશરેત તેમના પુસ્તક 'અ હિસ્ટ્રી ઑફ ગુજરાત' (પેજનંબર 72) પર મિરાતે અહમદીને ટાંકતાં વડનગરના રહીશોના વૈભવનું વર્ણન કર્યું છે. જે મુજબ:
'વડનગરમાં રહેતા હિંદુઓ ખૂબ જ સમૃદ્ધ છે. તેઓ લક્ષાધિપતિ શાહુકાર છે. કહેવાય છે કે ગુજરાતને બે સોનાની પાંખ હતી. એક હતું ઉમરેઠ અને બીજું વડનગર. ખેર. આ પાંખો હવે તૂટી ગઈ છે અને વડનગરે ખૂબ જ વેઠ્યું છે.'
ઉપરોક્ત પુસ્તકમાં (પેજનંબર 277-278) વર્થણ છે કે ચિત્તોડના રાણા સાંગાએ ગુજરાતના સુલતાન ઉપર હુમલો કર્યો. આ અભિયાન દરમિયાન તેઓ વડનગરને ભાંગવાના હતા, પરંતુ નગરના નાગરોએ તેને રજૂઆત કરતા, તેમણે આ ગામને બક્ષી દીધું હતું.
મૂળ જૂનાગઢના ભક્તકવિ નરસિંહ મહેતા પણ નાગર હતા અને તેમના દીકરી કુંવરબાઈનું લગ્ન વડનગરમાં કરાવ્યું હતું. અહીં જ શ્રીકૃષ્ણ અને તેમનાં પત્નીએ મામેરું ભર્યું હોવાની સ્થાનિકોની માન્યતા છે. તાના અને રીરી નરસિંહ મહેતાનાં દોહિત્રીઓ હતાં.
અકબરના 'નવરત્ન'માંથી એક એવા તાનસેને એક વખત દીપકરાગનું ગાન કર્યું હતું. તેનાથી દીવડા તો પ્રજ્વલ્લિત થઈ ગયા, પરંતુ ગાયકના શરીરમાં દાહ ઉપડ્યો.
જો કોઈ મલ્હારરાગનું ગાન કરે અને તેનાથી વરસાદ થાય તો તાનસેનના દેહને ટાઢક વળે. તપાસ કરાવતા વડનગરનાં તાના અને રીરી નામની બહેનો આ રાગ જાણતી હોવાની તાનસેનને માહિતી મળી.
તેઓ કટક સાથે વડનગર પહોંચ્યા.બહેનોએ તળાવની પાળે મલ્હારરાગ ગાયો અને વરસાદ પડ્યો, તેનાથી તાનસેનના દેહને શાંતિ થઈ. કહેવાય છે કે અકબરે બંને બહેનોનું સન્માન કરવા માગતા હતા, એટલે તેમને મોઘલદરબારમાં લઈ આવવા માટે સૈનિકો મોકલ્યા. જોકે, બંને બહેનોને લાગ્યું કે તેમનાં શિયળ ઉપર જોખમ ઊભું થશે એટલે તેમણે આગ્રા જવાને બદલે મોતને વહલું કરી લીધું. આજે પણ નગરમાં બંને બહેનોની સમાધિ ઊભી છે.
અંગ્રેજ અધિકારી જોન વૉટ્સન તેમના પુસ્તક 'હિસ્ટ્રી ઑફ ગુજરાત: મુસલમાન પીરિયડ'માં (પેજ નં. 83-85) લખે છે કે મુઘલ સત્તા નબળી પડી રહી હતી, ત્યારે મરાઠાઓનો દબદબો વધી રહ્યો હતો. મરાઠા સરદાર અંતાજી ભાસ્કરે વડનગરનો ઘેરો ઘાલ્યો હતો.
નાગર બ્રાહ્મણોએ મોઘલ સરદારો પાસેથી મદદ માગી, પરંતુ મોઘલ સૈન્યટુકડીઓ મરાઠાઓ સાથે અન્યત્ર લડવામાં વ્યસ્ત હોવાથી મદદઅર્થે આવી શકે તેમ નહોતી. આથી, નાગરોએ એ જમાનામાં ચાર લાખ રૂપિયા ચૂકવ્યા. એ પછી અંતાજીએ ઘેરો હઠાવ્યો હતો.
આ સફળતાથી ચકિત થઈ ગયેલા અન્ય બે મરાઠા સરદાર કાંતાજી કદમ અને પિલાજી ગાયકવડાએ અલગ-અલગ રસ્તેથી ગુજરાતમાં પ્રવેશ કર્યો. ઇડરના રસ્તે થઈને કાંતાજીએ વડનગરનો ઘેરો ઘાલ્યો.
જોકે, હવે નાગરો ફરીથી રકમની વ્યવસ્થા કરી શકે તેમ ન હોવાથી રાતોરાત ઉચાળા ભરી ગયા અને ચારેય દિશામાં ફેલાઈ ગયા. આગળ જતાં તેઓ અલગ-અલગ રજવાડાના સલાહકાર, દીવાન, ઇજનેર અને ન્યાયાધીશ વગેરે ઉચ્ચપદો સુધી પહોંચ્યા.
બીજા દિવસે કાંતાજીએ નગરને ભાંગ્યું. અહીંના અમુક અવશેષોની દિવાલો ઉપર કાળી મેશ જોવા મળે છે, જેના આધારે એવું માનવામાં આવે છે કે મરાઠાઓએ શેઠ-શાહુકારોના ઘરોને જ નિશાન બનાવ્યાં હશે.
અન્યત્રથી પણ લોકો અહીં આવીને ખાલી પડેલાં ઘરોમાં વસવા લાગ્યા એટલે તે વસતિવિહોણું નહોતું થયું.
જૈનધર્મનું કેન્દ્ર
વડનગર જૈનધર્મનું પણ એક પ્રમુખ કેન્દ્ર હતું. ઈ.સ. 467માં આનંદપુરના અનુ-ક્ષત્રપકાળ દરમિયાન મૈત્રક વંશના રાજા ધ્રુવસેનના સેનાગંજ નામના પુત્રનું અકાળે અવસાન થયું. તેથી રાજા અને પ્રજાનો સંતાપ દૂર કરવા પ્રથમ વખત 'કલ્પસૂત્ર'ની જનવાચના થઈ. આ પહેલાં છેદસૂત્રોમાં આન્તર્ભાવ ન હોવાને કારણે સભાઓમાં તેનું વાચન થતું ન હતું. પર્યુષણના પર્વ દરમિયાન તેનું વાચન થતું હોવાથી તે 'પર્યુષણા કલ્પસૂત્ર' તરીકે પણ ઓળખાય છે.
વડનગરથી પાલિતાણાની યાત્રા શરૂ થતી હોવાથી તેને 'શેત્રુંજયની તળેટી' તરીકે ઓળખવામાં આવતું. જૈનોની માન્યતા છે કે ઋષભદેવે અહીંથી અનેક વખત પાલીતાણાની યાત્રા કરી હતી.
આ સિવાય 'પ્રબંધ ચિંતામણિ' , 'યુગાદિ જીન સ્તવન', 'હીર સૌભાગ્ય કાવ્યમ્' અને 'સોમ સૌભાગ્યમ' જેવાં 19મી સદી સુધીનાં સર્જનોમાં વડનગરનો ઉલ્લેખ જોવા મળે છે. તેના માટે વડનયર, વૃદ્ધનગર અને આનંદપુર જેવા શબ્દોનો ઉપયોગ થયો છે.
વડનગરની પાસે આવેલી તારંગાગિરિ ઉપર જૈનધર્મનાં જિનાલયો ઉપરાંત બૌદ્ધ ધાર્મિકસ્થળોના અવશેષ પણ મળી આવ્યા છે.
બૌદ્ધધર્મ અને ધર્મસંકટ

ઇમેજ સ્રોત, Getty Images
માનવામાં આવે છે કે લગભગ બે હજાર 500 વર્ષ પહેલાં બુદ્ધના નિર્વાણ પછીનાં વર્ષોમાં બૌદ્ધ ધર્મ અને તેના વિચાર અહીં પહોંચ્યા હશે અને આગળ જતાં તે મહત્ત્વપૂર્ણ ધાર્મિકકેન્દ્ર બન્યું.
સાતમી સદીમાં ચીનના વિખ્યાત મુસાફર હ્યુએન સાંગે ભારતનાં અનેક બૌદ્ધ કેન્દ્રોની મુલાકાત લીધી હતી. જેમાં તત્કાલીન આનંદપુરનો પણ સમાવેશ થાય છે. સાંગ તેનો ઉલ્લેખ 'ઓ નાન તો પુલો' તરીકે કરે છે. તેઓ લખે છે કે અહીં 10 બૌદ્ધવિહાર છે, જેમાં એક હજાર કરતાં ઓછા બૌદ્ધ સાધુઓ રહે છે.
સામાન્ય રીતે બૌદ્ધવિહાર અને મઠ નગરથી દૂર, પહાડો ઉપર, જંગલમાં કે જળસ્રોત નજીક સ્થાપવામાં આવતા. વર્તમાન વડનગરના ઘાસકોલ વિસ્તારમાં આવેલી સરકારી જમીન ઉપર ખોદકામ કરતાં લગભગ ત્રણ મીટર નીચેથી બૌદ્ધવિહારનું બાંધકામ દેખાવાનું શરૂ થયું હતું, જેમાં સાધના માટે ઓરડીઓ પણ હતી.
મહિલા સાધ્વીઓની સલામતી માટે તત્કાલીન નગરના કોટવિસ્તારમાં બૌદ્ધ મઠ સ્થાપવામાં આવ્યો હશે એવું માનવામાં આવે છે.
અનાજના ગોદામ પાસે ખોદકામ દરમિયાન બૌદ્ધસ્તૂપ અને મંદિરના અવશેષ મળી આવ્યા. જેનું નિર્માણ ત્રણ અલગ-અલગ તબક્કે થયું હોવાનું ઇંટોનાં આકાર અને ગોઠવણ પરથી જણાઈ આવે છે.
દિલ્હી યુનિવર્સિટીના પૂર્વ પ્રાધ્યાપક કે. ટી. એસ. સારાવના મતે, વડનગરએ ધાર્મિક અને વેપારી દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ કેન્દ્ર હતું. એટલે જ્યારે આઠમી સદીમાં સિંધના મહમદ બિન કાસિમે વલભીને તારાજ કર્યું, ત્યારે વડનગર પણ બરબાદ થઈ ગયું. અહીંના બૌદ્ધ ભિક્ષુઓ પલાયન કરી ગયા.
લગભગ બે દાયકા સુધી ગુજરાત અને રાજસ્થાનમાં અંધાધૂંધી પ્રવર્તમાન રહી,આ દરમિયાન અનેક મંદિર તોડી પડાયાં.
ઇતિહાસકાર જવાહર મહેતાના કહેવા પ્રમાણે, વાઘેલા વંશના છેલ્લા શાસક કર્ણદેવ હતા. અલ્લાઉદ્દીન ખિલજીએ તેને પરાજય આપ્યો અને ગુજરાતમાં સલ્તનતકાળની શરૂઆત થઈ. એ પછી કાળક્રમે સત્તાનું કેન્દ્ર પાટણ ન રહ્યું અને વડનગરનું મહત્ત્વ ધીમે-ધીમે ઘટવા લાગ્યું.
વડનગરમાં જોવા મળતાં વિજયસ્મૃતિ રૂપ કીર્તિતોરણ વાઘેલાના પૂરોગામી સોલંકીકાળ દરમિયાન બનાવવામાં આવ્યાં હતાં. નગરની આજુબાજુ પણ આવા કેટલાંક કીર્તિતોરણ જોવા મળે છે.
કહેવાય છે કે ગાયકવાડના સમયમાં તેને વડોદરા લઈ જવા માટે પ્રયાસ થયા હતા, પરંતુ સ્થાનિકોએ નારાજગી વ્યક્ત કરતા આ વિચાર પડતો મૂકવામાં આવ્યો હતો. હાલમાં તે એએસઆઈ દ્વારા સંરક્ષિત સ્મારક છે.
વડનગરમાં આવેલું સિકોતર માતાનું મંદિર

ઇમેજ સ્રોત, www.heritageuniversityofkerala.com
વડનગર મધ્ય ભારતને સિંધ અને તેથી આગળ ઉત્તર-પશ્ચિમના પ્રાચીન સિલ્ક (સ્વાત વેલી) વેપારમાર્ગને જમીન માર્ગે જોડતું હતું. આ સિવાય તે ગુજરાતના દરિયાકિનારાનાં બંદરોને રાજસ્થાન અને ઉત્તર ભારત સાથે જોડે છે. આમ વડનગરએ વેપારી દૃષ્ટિએ વ્યૂહાત્મક સાથે આવેલું નગર હતું.
કોટદિવાલમાં દરવાજાનો ખાંચો મળી આવ્યો છે, જે એટલો મોટો હતો કે તેમાંથી ઘોડા ઉપરાંત હાથી પણ પસાર થઈ શકે. જેની સામે સિકોતરમંદિર મળી આવ્યું છે. (હેરિટેજ, વૉલ્યુમ 9, 374-383) સિકોતરને દરિયાખેડૂઓના દેવી માનવામાં આવે છે, જે લાંબી દરિયાઈ મુસાફરી દરમિયાન તેમના જાનમાલની રક્ષા કરે છે.
આ દેવી દરિયા સાથે જોડાયેલાં હોવાથી વહાણવટી માતા તરીકે પણ ઓળખાય છે અને તેમનું વાહન હોડી છે. તેમનાં મંદિર ગુજરાતના અનેક બંદરીય શહેરોમાં જોવા મળે છે.
આ શબ્દને ઓમાનની ખાડીમાં આવેલા 'સુકોતરા' ટાપુ સાથે જોડીને જોવામાં આવે છે. ભારતના મધ્યપૂર્વ ઉપરાંત આફ્રિકા ખંડના દરિયાઈપ્રવાસ દરમિયાન સાગરખેડૂઓ માટે તે મહત્ત્વપૂર્ણ પડાવ હતો.
સુકોતરાના રાસ હાઉલેફ વિસ્તારમાંથી બ્રહ્મી, ખરોષ્ઠી તથા ગુજરાતી લિપિનાં લખાણ મળી આવ્યાં છે. એમાં ગુજરાતીઓને 'નાવિક' તરીકે ઓળખવામાં આવ્યા છે. આ સિવાય અમુક લખાણોમાં 'વાણિયા' શબ્દનો પણ ઉલ્લેખ જોવા મળે છે, જે મૂળતઃ ગુજરાતનો વેપારી સમુદાય છે.
દેવીના નામ પરથી ટાપુનું નામ ઊતરી આવ્યું કે ટાપુના નામ પરથી દેવીનું નામ પડ્યું તેના વિશે નિશ્ચિતપણે કહી નથી શકાતું.
પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન

ઇમેજ સ્રોત, UTSAV.GOV.IN
ભારત-પાકિસ્તાનના વિભાજન પછી હડપ્પા, મોંહે-જો-દડો, તક્ષશિલા અને પુષકલાવતી જેવા પુરાતત્વીય વારસા પાકિસ્તાનમાં જતા રહ્યા હતા. વર્ષ 1953 આસપાસ ડૉ. બી. સુબ્બા રાવના નેતૃત્ત્વમાં વડનગરમાં ઉત્ખનન શરૂ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક ખોદકામમાં ખાસ્સા અવશેષ મળ્યા, જે અહીં બૌદ્ધધર્મના અનુયાયીઓની વસતિ હોવાના અણસાર આપતા હતા.
જોકે, ગીચ વસતિ હોવાને કારણે ત્યારે ખોદકામ શક્ય ન બન્યું. વર્ષ 1992માં વડનગરના માલવડી તળાવ પાસે ખેતર ખેડતી વેળાએ બૌદ્ધિસત્વની મૂર્તી મળી, જેના કારણે પેટાળમાં ઇતિહાસ છૂપાયો હોવાની આશા જાગી, પરંતુ તેમાં સફળતા ન મળી.
પહેલી મે-1949માં તત્કાલીન વડોદરા રાજનું મુંબઈમાં વિલીનીકરણ થયું એટલે મહેસાણા જિલ્લો અને વડનગર તત્કાલીન બૉમ્બે રાજ્યને અધીન થયાં. 1 મે-1960ના રોજ ભાષાના આધારે મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે રાજ્યમાં બૉમ્બે રાજ્યનું વિભાજન થયું, ત્યારે ગુજરાતી ભાષા બોલાતી હોવાને કારણે તેનો ગુજરાતમાં સમાવેશ કરવામાં આવ્યો.
વડનગરમાં જન્મેલા નરેન્દ્ર મોદી વર્ષ 2001માં ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા, એ પછી વર્ષ 2006થી 2012 દરમિયાન રાજ્ય સરકારના આર્કિયૉલૉજિકલ સર્વે વિભાગ દ્વારા વડનગરમાં ખોદકામ કરવામાં આવ્યું. વર્ષ 2003થી વડનગરમાં 'તાના-રીરી' સંગીતમહોત્સવ યોજાય છે. આ સિવાય નિયમિત રીતે પુરાતત્વીય ઉત્ખનન અને સંશોધન માટેના પરિસંવાદો પણ યોજવામાં આવે છે.
વર્ષ 2014માં નરેન્દ્ર મોદી દેશના વડા પ્રધાન બન્યા, એ પછી વર્ષ 2014થી 2021 દરમિયાન એએસઆઈ દ્વારા વડનગર ખાતે ફરી નગરની અંદર અને બહાર ખોદકામ કર્યું. આ અંગે આંબેકરે જણાવે છે :
"ઉત્ખનનના સ્થળ ઉપર 20 મીટરની ઊંડાઈએ પહોંચ્યા ત્યારે ત્યાં પાણી દેખાવા લાગ્યું હતું. મોટર વડે પાણી બહાર કાઢીને ત્યાં ખોદકામ આગળ વધી શકાય તે માટે પ્રયાસ કરવામાં આવ્યા. પરંતુ સેક્શન ધસી પડવાને કારણે કામ આગળ ન વધી શકે તેમ ન હતું."
વિજ્ઞાનીઓને જ્યારે 'વર્જિન સૉઇલ' મળે એટલે તે સૌ પહેલી માનવવસતિ હશે એમ માનવામાં આવે છે અને તે સંશોધનપાત્ર ચીજવસ્તુઓ મળવા માટેનું છેલ્લું સ્તર હોય છે. આ માટે વિજ્ઞાનીઓએ કૉર-સૅમ્પલ બૉરિંગ કરવાનો નિર્ણય કર્યો.
આંબેકર ઉમેરે છે, "વડનગરના સૌથી ઊંચાણવાળા વિસ્તાર મનાતા દરબારગઢ પાસે જ્યારે સૉઇલ ટેસ્ટિંગ માટે ડ્રિલિંગ કરવામાં આવ્યું અને અલગ-અલગ સ્તરનાં સૅમ્પલ લેવામાં આવ્યાં. ત્યારે પાણીથી નીચે 24 મીટરની ઊંડાઈએ વાસણ અને ઇંટના નમૂના મળ્યા. એ પછી 25 મીટરની ઊંડાઈએથી મનુષ્યનિર્મિત કોઈ અવશેષ ન મળ્યા અને વર્જિન સૉઇલ મળી. જેમાં વડનગરનો ઇતિહાસ લગભગ બે હજાર 750 વર્ષ પહેલાંનો હતો."
હાલનું વડનગર અંગ્રેજી મૂળાક્ષર 'L' આકારમાં વસેલું છે. તેની બાંધણી અને હવેલીઓમાં મધ્યકાલીન અસર સ્પષ્ટ જોવા મળે છે. તેના પૂર્વોત્તરે શર્મિષ્ઠા તળાવ આવેલું છે. પ્રમાણમાં ઊંચાઈએ વસેલા નગરના પેટાળમાં પ્રાચીન નગરના સ્તરીય અવશેષો પ્રચૂર માત્રામાં હશે એવું માનવામાં આવે છે.
અર્જુનબારી, નડિયોલ, અમતોલ, ઘાસકોલ, પથોરી અને અમરથોલ એમ નગરના છ દરવાજા હતા. જેમાંથી ચાર એએસઆઈ દ્વારા સંરક્ષિત છે. એએસઆઈ દ્વારા ઉત્ખનનસ્થળોને જનતા માટે ખુલ્લા મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે.












