મસૂરીની હોટલમાં થયેલી 'રહસ્યમય હત્યા', જેણે લેખિકાને કરોડપતિ બનાવી દીધાં

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ચેરીલૅન મોલ્લાન
- પદ, બીબીસી સંવાદદાતા
કૌટુંબિક ઝઘડા કરતાં કેટલીક બાબતો વધુ રસપ્રદ હોય છે. ખાસ કરીને જ્યારે કાવતરાના ભાગરૂપે હત્યા કરવામાં આવી હોય.
'ક્વીન ઑફ ક્રાઇમ' તરીકે જાણીતાં અગાથા ક્રિસ્ટી આ વાતને વધુ સારી રીતે સમજી ગયાં અને તેમની પહેલી નવલકથા 'ધ મિસ્ટિરિયસ અફૅર ઍટ સ્ટાઇલ્સ' વાચકને કૌટુંબિક ઝઘડાને કારણે થયેલી હત્યાની રસપ્રદ વાર્તાનો પરિચય કરાવે છે.
1920માં પ્રકાશિત આ નવલકથા એક શ્રીમંત મહિલા ઍમિલી ઇંગ્લૅથૉર્પની હત્યા પર આધારિત છે, જેનો બીજો પતિ તેના કરતાં 20 વર્ષ નાનો છે અને ઍમિલીનો આખો પરિવાર તેના મિત્ર અને નજીકના મિત્ર ઍવલિન હોવર્ડ સહિત તેના પતિ પર શંકા કરે છે.
આ પુસ્તક વાચકની મુલાકાત ક્રિસ્ટીના સૌથી પરિચિત પાત્ર એક વિચિત્ર જાસૂસ હરકિલી પૉયરોટ સાથે કરાવે છે અને તેમના આ પછીનાં અન્ય પુસ્તકોની જેમ આમાં પણ કેટલાય શંકાસ્પદ લોકો છે, ચોંકાવનારી ઘટનાઓ છે, નજરે ન ચડે એવી કડીઓ છે અને છેલ્લે એક મોટો ખુલાસો છે, જેમાં ગુનેગારનું નામ છતું થાય છે.
પણ આ નવલકથામાં અનોખું એ છે કે સામાન્ય રીતે તેને વાસ્તવિકરૂપે થયેલી એક હત્યાથી પ્રેરિત માનવામાં આવે છે, જે ઉત્તર ભારતના એક હિલસ્ટેશન મસૂરીમાં એક સદી અગાઉ થઈ હતી.
સપ્ટેમ્બર 1911માં 49 વર્ષીય ફ્રાન્સિસ ગાર્નેટ ઓર્મ મસૂરીમાં સેવૉય હોટલના એક રૂમમાં મૃત હાલતમાં મળ્યાં. આ હોટલ એક આઇરિશ બૅરિસ્ટરે બનાવડાવી હતી.
પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે ફ્રાન્સિસને સાઇનાઇડ મેળવેલું ઝેર, પ્રૂસિક ઍસિડ અપાયું હતું. 36 વર્ષીય તેમનાં મિત્ર ઇવા માઉન્ટ સ્ટીફન્સ પર હત્યાનો આરોપ લાગ્યો હતો.
ચર્ચિત મસૂરી મર્ડર ટ્રાયલ

ઇમેજ સ્રોત, Getty Images
1912માં એક ઑસ્ટ્રેલિયન વર્તમાનપત્રે દાવો કર્યો હતો કે આ હત્યા જે 'વિશિષ્ટ સંજોગો'માં થઈ હતી તેના કારણે સમગ્ર વિશ્વમાં હેડલાઇન્સ બની હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એક બ્રિટિશ અખબારે આ કેસની દરેક ઊલટતપાસને વિગતવાર પ્રકાશિત કરી અને ‘મસૂરી મર્ડર ટ્રાયલ’, ‘હોટલ મિસ્ટ્રી’ અને ‘ક્રિસ્ટલ ગેઝિંગ ટ્રાયલ’ જેવાં શીર્ષકો આપ્યાં.
ભારતીય લેખક રસ્કિન બૉન્ડ મસૂરીમાં રહે છે અને તેમણે અહીંની પ્રાકૃતિક સુંદરતા પર ઘણું લખ્યું છે. તેમણે આ હત્યા અને ક્રિસ્ટીના પ્રથમ પુસ્તક વચ્ચેના જોડાણ પર તેમના એક લેખમાં લખ્યું છે.
તેઓ કહે છે કે ક્રિસ્ટીએ 'ગુનાના સંજોગો'નો ઉપયોગ કર્યો હતો, કારણ કે તે સમયે તે ખૂબ જ ચર્ચિત કેસ બની ગયો હતો.
અહેવાલો અનુસાર ફ્રાન્સિસ ગાર્નેટ ઓર્મ એક દાયકાથી વધુ સમયથી ભારતમાં રહેતાં હતાં અને સ્ટીફન્સને મળ્યાં હતાં અને તેમની સાથે મિત્રતા થઈ હતી. તેઓ આધ્યાત્મિક હતાં અને લખનૌનાં રહેવાસી હતાં.
તે સમયે પ્રકાશિત થયેલા અહેવાલો અનુસાર ઓર્મ એકલી મહિલા હતી અને તેમણે સ્ટીફન્સ પાસેથી ભવિષ્યવાણી અને અન્ય તંત્રમંત્રની વિદ્યા શીખી હતી.
બંને થોડા દિવસ સેવૉય હોટલમાં સાથે રહ્યાં હતાં. સ્ટીફન્સે દાવો કર્યો હતો કે તેમની ખરાબ તબિયતને કારણે તેમણે ઓર્મની સંભાળ લીધી હતી.
પરંતુ ફરિયાદી પક્ષે સ્ટીફન્સ પર આરોપ લગાવ્યો હતો કે તેમણે ઓર્મને ઝેર આપ્યું હતું, જેથી તેમની વસિયતથી લાભ ઉઠાવી શકે, કારણ કે તેમાં સ્ટીફન્સને ઘણું ધન, ત્રણ નૅકલેસ અને અન્ય ઘરેણાં આપવાની વાત લખાઈ હતી.
તો બીજી બાજુ બચાવ પક્ષે દાવો કર્યો કે ઓર્મે આત્મહત્યા કરી હતી, કારણ કે તેઓ ખૂબ આઘાતમાં હતાં. બચાવ પક્ષનો તર્ક હતો કે જે વ્યક્તિ સાથે લગ્ન કરવાં તેઓ ભારત આવ્યાં હતાં તેમનું મૃત્યુ થઈ ગયું હતું અને તેઓ ખરાબ સ્વાસ્થ્યથી પણ પરેશાન હતાં.
હત્યાનું રહસ્ય જે ક્યારેય ઉકેલાયું નહીં

ઇમેજ સ્રોત, Getty Images
આ કેસે તેના ઉતારચઢાવને કારણે પોલીસ સહિત ઘણા લોકોને મૂંઝવણમાં મૂક્યાં હતા. જેમ કે એક તપાસમાં જાણવા મળ્યું કે ઓર્મ મૃત્યુ પામ્યાં તે અગાઉ સ્ટીફન્સ લખનૌ છોડી ગયાં હતાં. બીજું કે જે રૂમમાંથી ઓર્મનો મૃતદેહ મળ્યો હતો તે રૂમ અંદરથી બંધ હતો.
પોલીસને ઓર્મના રૂમમાંથી ઊંઘની ગોળીવાળી બે શીશી, આર્સેનિક અને પ્રૂસિક ઍસિડનાં બે લેબલ સિવાય કોઈ દવા મળી ન હતી.
1900ના દાયકાના પ્રારંભમાં રસાયણશાસ્ત્રી પાસેથી દવાઓ મેળવતી વખતે ખરીદદારોએ સહી કરવી જરૂરી હતી પણ ફરિયાદી પક્ષે ધ્યાન દોર્યું કે પ્રૂસિક ઍસિડ માટેની સહી ઓર્મના પત્રો પરની સહી સાથે મેળ ખાતી નથી.
ફરિયાદી પક્ષે એમ પણ કહ્યું હતું કે સ્ટીફન્સે એક મિત્ર સાથેની વાતચીતમાં છ મહિના અગાઉ ઓર્મના મૃત્યુનું અનુમાન લગાવ્યું હતું અને એક ફિઝિશિયન સાથે લગ્ન કરવાં તથા પોતાની બધી જ મિલકત તેને આપી દેવાની ઓર્મના ઇચ્છા પર સ્ટીફન્સે નારાજગી વ્યક્ત કરી હતી.
પરંતુ બચાવ પક્ષે જણાવ્યું હતું કે સ્ટીફન્સ ઓર્મનાં નજીકનાં મિત્ર હતાં અને તેના કોઈ પુરાવા નથી કે તેમણે ઝેર ખરીદ્યું હતું અથવા તેમનાં મિત્રને ઝેર આપ્યું હતું.
સ્ટીફન્સને આખરે નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં. ન્યાયાધીશે તેમના ચુકાદામાં ટિપ્પણી કરી, "મિસ ઓર્મના મૃત્યુનું સાચું કારણ કદાચ ક્યારેય જાણી શકાશે નહીં."
આ બધી ઘટનાઓ ક્રિસ્ટીના પુસ્તકમાં મળે છે. ઍમિલી પણ ઝેરથી મૃત્યુ પામ્યાં હતાં અને ઓર્મની જેમ તેમનો મૃતદેહ પણ બંધ રૂમમાંથી મળ્યો હતો.
અંતે એવું બહાર આવ્યું છે કે તેમનાં મિત્રે જ તેમને ઝેર આપ્યું હતું. તેમણે તેમની બનાવટી સહી કરીને ઝેર ખરીદ્યું હતું અને મિત્રની હત્યા કરાવવાનો હેતુ પૈસા મેળવવાનો હતો.
પુસ્તકમાં હૂબહૂ પરિસ્થિતિ

ઇમેજ સ્રોત, Getty Images
આજે દાયકાઓ પછી પણ આ કિસ્સાઓ વચ્ચેની સમાનતા ચાહકોને રોમાંચિત કરે છે. 2022માં ઇન્ટરનેશનલ અગાથા ક્રિસ્ટી ફેસ્ટિવલમાં ભારતીય ક્રાઇમ રાઇટર મંજીરી પ્રભુએ ક્રિસ્ટીની પ્રથમ નવલકથા અને મસૂરીની હત્યાઓ વચ્ચેના રસપ્રદ જોડાણ પર વાત કરી હતી.
પરંતુ ક્રિસ્ટી એકમાત્ર એવાં ન હતાં જેમણે ભારતમાં ઝેરથી થતાં મૃત્યુમાંથી પ્રેરણા લીધી હોય. સેસિલ વોલ્સે આગ્રામાં ઘટેલી ગુનાની વાર્તા લખી હતી. તે સમયે આ શહેર બ્રિટિશ શાસિત ભારતમાં આગ્રા અને અવધના સંયુક્ત પ્રાંત હેઠળ આવતું હતું.
‘ધ આગ્રા ડબલ મર્ડરઃ અ ક્રાઇમ ઑફ પેશન ફ્રૉમ ધ રાજ’માં તેઓ લખે છે કે કેવી રીતે મેરઠમાં રહેતાં એક અંગ્રેજ મહિલા ઑગસ્ટા ફુલૅમ અને એક ઍંગ્લો-ઇન્ડિયન વ્યક્તિ ડૉ. ક્લાર્કે તેમના જીવનસાથીને ઝેર આપવાનું કાવતરું ઘડ્યું જેથી તેઓ સાથે રહી શકે.
અમેરિકા અને યુરોપની જેમ ભારતમાં પણ 19મી સદીમાં ઝેર આપીને હત્યાના કિસ્સાઓ સામાન્ય હતા. આર્સેનિક જેવા ઝેરી પદાર્થોના વેચાણ પર કોઈ નિયંત્રણ નહોતું.
તેમના પુસ્તક 'ટૉક્સિક હિસ્ટ્રીઝ: પૉઇઝન ઍન્ડ પૉલ્યુશન ઇન મૉડર્ન ઇન્ડિયા'માં ડેવિડ આર્નોલ્ડ લખે છે કે કેવી રીતે આર્સેનિક પૉઇઝનિંગને કારણે તેની ખરીદી અને ઉપયોગને નિયંત્રિત કરવા 1904માં ઇન્ડિયન પૉઇઝન ઍક્ટ ઘડવામાં આવ્યો હતો.
તેઓ લખે છે, "જ્યારે આ કાયદાની 10 વર્ષ પછી સમીક્ષા કરવામાં આવી ત્યારે યુનાઇટેડ પ્રોવિન્સ સરકારે તાજેતરનાં વર્ષોમાં ઝેરથી હત્યાના બે કુખ્યાત કિસ્સા ઓર્મ અને ફુલમ-ક્લાર્ક ટાંક્યા હતા."
સાચી ઘટનાઓ પર આધારિત અપરાધ વાર્તાઓ એક રસપ્રદ શૈલી રહી છે અને ફિલ્મો, પૉડકાસ્ટ અને વેબ સિરીઝના માધ્યમથી પ્રેક્ષકોમાં લોકપ્રિય બની રહી છે.
પરંતુ ક્રિસ્ટીના ચાહકો માટે મિસ્ટિરિયસ અફૅર ઍટ સ્ટાઇલ્સ હંમેશાં તેમના હૃદયની નજીક રહેશે.














